ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૩/કનુભાઈ હકુમતરાય દેસાઇ
એઓ જ્ઞાતિએ બ્રહ્મક્ષત્રિય અને અમદાવાદના વતની છે. જન્મ તા. ૧૨ મી માર્ચ સન ૧૯૦૭ ના રોજ અમદાવાદમાં થયો હતો. એમના પિતાનું નામ હકુમતરાય હરિલાલ દેસાઈ અને માતુશ્રીનું નામ હીરાબહેન, તેઓ અમદાવાદના પ્રસિદ્ધ વકીલ જયંતિલાલ નરભેરામ ઠાકોરના બ્હેન થાય. એમણે ત્રણ વરસ ગુજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કરેલો. એમનો જીવન–વ્યાસંગ ચિત્રકળા છે. બે વર્ષ “કુમાર કાર્યાલય” માં એમણે ચિત્રકળાનું શિક્ષણ લીધેલું. તેના પ્રમાણના આધાર પર ગુજરાત વિદ્યાપીઠે. સ્કૉલરશીપ આપી તેમને કવિવર ટાગોરના શાન્તિનિકેતનના કળા ભવનમાં અભ્યાસ માટે મોકલ્યા હતા; જ્યાં એમણે શ્રી. નંદલાલ બસુ પાસે ચિત્ર-કળામાં વિશેષ પ્રાવિણ્ય મેળવ્યું. સાથે નૃત્યકળાનો શેાખ કેળવ્યો અને ગુજરાતમાં તેનો પ્રચાર કરવા માંડ્યો. હમણાં સુધી ગુજરાતના ચિત્રકારો પરપ્રાંતોમાં ભાગ્યેજ જાણીતા હતા. પરંતુ રવિશંકર રાવલે કુમાર કાર્યાલય સ્થાપ્યા પછી એ ક્ષેત્રમાં ગુજરાત જાણીતું થવા લાગ્યું છે. તેમની સંસ્થાના એક નમૂનેદાર પ્રતિનિધિ તરીકે કનુ દેસાઈને રજુ કરી શકાય. એમની કૃતિઓ માટે એમને જુદાં જુદાં પ્રદર્શનોમાં પ્રશંસાપત્રો અને ચાંદો મળેલા છે. એટલું જ નહિ પણ હાલમાં તેમની ગણના હિંદના ઉંચી કોટીના હિંદી ચિત્રકારોમાં થાય છે. ગાંધીજી અને તેમના જીવન–પ્રસંગોના ચિત્ર દોરવામાં કનુ દેસાઈ એકલા હિંદી ચિત્રકાર તરીકે આગળ આવેલ છે; અને એ ચિત્રો બહુજ હૃદયંગમ ગણાયાં છે. ગુજરાતના ઇતિહાસમાં તે ચિત્રોનું ચોક્કસ સ્થાન છે. કળાવિવેચક શ્રીયુત ન્હાનાલાલ મહેતા અને આર્ટ ક્રિટિક રા. કનૈયાલાલે એમના ચિત્ર-પુસ્તકોની પ્રસ્તાવના લખી આપી છે. ગુજરાતી ચિત્રકારના પ્રકાશન સાથે વિદ્વાનો મિમાંસા લખે એ ગૌરવની વાત છે. એમનું છેલ્લું પુસ્તક “મહાત્મા ગાંધી” ચિત્રોમાં ફાધર એલ્વીનના ઉપોદ્ઘાત સાથે બહાર પડ્યું છે. તે એટલું ઉત્તમ ગણાયું છે કે યુરોપાદિ પાશ્ચાત્ય દેશેામાં તેની ખૂબ માંગણી થયેલી છે. એ પુસ્તકના વિદ્વાન લેખક જેટલોજ યશ અને પ્રશંસા કનુ દેસાઈને મળ્યાં છે. આનંદજનક હકીકત એ છે કે એ પુસ્તક ઈંગ્લાંડની સંસ્થા માટે ગુજરાતની પ્રસિદ્ધ કુમાર પ્રિન્ટરીમાં છપાયું છે. કનુ દેસાઈના લગભગ બધાં જ પ્રકાશનો ઉપરોક્ત સ્થળે છપાયાં છે અને તેથી એ પુસ્તકો રૂપરંગમાં બહુજ શિષ્ટતા પામ્યાં છે. આવી સુંદર શરૂઆતવાળી કારકિર્દીવાળા એ યુવાન કળાકાર માટે હજુ વિશાળ ભાવિક્ષેત્ર પડ્યું છે.
: : એમની કૃતિઓ : :
| ૧ | સત્તર છાયા ચિત્રો | સન ૧૯૨૯ |
| ૨ | ભારત પુણ્ય પ્રવાસ | ” ૧૯૩૧ |
| ૩ | મહાત્મા ગાંધી | ” ૧૯૩૨ |
| ૪ | તેર ત્રિરંગી ચિત્રો-“water colours” | ” ૧૯૩૨ |
| ૫ | મહાત્મા ગાંધી (હિંદુસ્તાન માટે) | ”” |