ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૩/ગગનવિહારી લલ્લુભાઇ મહેતા
એમનો જન્મ અમદાવાદમાં સંવત ૧૯૫૬માં ચિત્ર શુક્લપક્ષની પૂર્ણિમાના દિવસે (ઇ. સ. ૧૯૦૦ની ૧૫મી એપ્રિલે) અમદાવાદમાં થયો હતો. એમનું મૂળ વતન ભાવનગર છે. એમના પિતા સર લલ્લુભાઈ સામળદાસ, હિન્દના એક અગ્રેસર નેતા, જેમની સેવા સહકારી હિલચાલમાં અદ્વિતીય લેખાય છે અને મુંબાઇની ઘણી ઔદ્યોગિક કંપનીઓ સાથે તેઓ ડિરેક્ટર તરીકે જોડાયેલા હોય છે. ખાસકરીને વડોદરા બેન્કના બૉર્ડના પ્રમુખ તરીકે એમનું કાર્ય જાણીતું છે. એમનાં માતુશ્રીનું નામ સ્વ. સૌ. સત્યવતી, તે પૃથુરાજ રાસા અને મેઘદૂતના કર્તા સ્વ. ભીમરાવ ભોળાનાથનાં પુત્રી હતાં. આમ ભાવનગર અને અમદાવાદનાં બે પ્રસિદ્ધ કુટુંબના સંસ્કાર જન્મથી એમને પ્રાપ્ત થયેલા; અને એમનું લગ્ન એવા જ એક ત્રીજા વિખ્યાત સુધારક કુટુંબ સ્વ. સર રમણભાઈ નીલકંઠનાં ત્રીજા પુત્રી સૌ. સૌદામિનીબ્હેન, બી.એ., સાથે ઇ. સ. ૧૯૨૪ માં થયાં છે. જે ઉત્તેજક સંસ્કારી વાતાવરણમાં એ ઉછરેલા એનું સુંદર પરિણામ એમના અભ્યાસમાં નજરે પડે છે. એમણે માધ્યમિક કેળવણી મુંબાઈમાં ન્યુ હાઈસ્કુલમાં લીધેલી અને ત્યાં સારા અભ્યાસ અને વર્તન બદલ ચાંદ પ્રાપ્ત કરેલો. કૉલેજનો અભ્યાસ એલ્ફીન્સ્ટન કૉલેજમાં કરેલો; અને બી. એ. ના વર્ગમાં ઇતિહાસ અને અર્થશાસ્ત્રના વિષમાં ચારે પરીક્ષાઓમાં પ્રથમ આવવા માટે કૉલેજનું ઇનામ મેળવ્યું હતું. સન ૧૯૨૧ માં તેઓ એ જ વિષયમાં બીજા વર્ગમાં ઑનર્સ સાથે બી. એ. થયા હતા. ત્યારબાદ ઈંગ્લંડ વધુ અભ્યાસ કરવા માટે ગયેલા; અને લંડન સ્કૂલ એફ ઇકોનોમિક્સમાં દાખલ થયેલા. અહિં તેઓએ પ્રો. લાસ્કીના હાથ નીચે શિક્ષણ લીધું હતું. પ્રો. હોબહાઉસ, પ્રો. ગ્રેહેમ વૉલેમ, બટ્રાંડ રસેલ જેવા. સમર્થ વિચારકોના નિકટ સહવાસમાં આવવાનો પ્રસંગ મળ્યો હતો. પરંતુ તબિયત નાદુરસ્ત થતાં, અભ્યાસ સંપૂર્ણ કર્યા વગર હિન્દ પાછા ફરવું પડ્યું હતું. એમણે સન ૧૯૨૮માં “બટ્રાંડ રસેલની સામાજિક ફિલસુફી” એ વિષય પર એક નિબંધ રજુ કરીને મુંબાઈ યુનિવર્સિટીની એમ. એ. ની ડીગ્રી ફર્સ્ટ ક્લાસમાં લીધી હતી. બટ્રાંડ રસેલ, પ્રો. હેરોલ્ડ લાસ્કી, પ્રો. ટોની અને પ્રો. હોબહાઉસ એમના પ્રિય લેખકો છે; અને બર્નાડ શૉ માટે એમને વિદ્યાર્થી અવસ્થાથી પ્રેમ છે. હાસ્યરસિક લેખકોમાં એમને સ્ટીફન લીકૉક તરફ પક્ષપાત છે. એમની હાસ્યરસિકતા એમના લેખોમાં અનુભવાય છે; અને તે એકલા ગુજરાતી લેખોમાં જ નહિં પણ અંગ્રેજીમાં પણ ખરી. ૧૯૨૩ માં આચાર્ય ગીદવાણીના “To-Morrow” માસિકમાં “The Viceroy of, To-morrow” તેમજ “બોમ્બે ક્રૉનિકલ” આદિ ૫ત્રેામાં “A Letter to S. R. Das,” “The Masses” વગેરે ઘણા અંગ્રેજી હાસ્યજનક લેખો લખ્યા છે; અને જેઓએ એમનો દિલ્હીની ધારાસભાને વિશેનો લેખ કલકત્તામાં સાપ્તાહિક “Indian Finance-(ઇંડિયન ફાઇનેન્સ)”માં વાંચ્યો હશે તે એની સાખ પૂરશે. સાહિત્યની દૃષ્ટિએ એમનો ‘બે ચિત્રો’ નામક લેખ ‘કૌમુદી’ના કલાપી અંકમાં પ્રગટ થયલો એ વિદ્વાનોની પ્રશંસા પામ્યો હતો. અને આ યુગમાં ગાંધીજીની અસરમાંથી કોણ મુક્ત રહ્યું છે? ગાધીજીના મન્તવ્યો વિશે એમણે ‘પ્રસ્થાન’માં “ગાંધીજી અને લેનિન” વિષે લખેલો લેખ જોવા જેવો છે અને “કરાંચીની મહાસભા” વિષેનું એમનું વૃત્તાંત, જેમ માહિતીપૂર્ણ અને તાદૃશ્ય તેમ તટસ્થ વૃત્તિથી લખાયલું, જેની તારીફ થયલી અમારા જાણવામાં છે. એમણે ૧૯૨૦માં લખેલું “હડતાળ”નું નાટક વિદ્યાર્થીઓના તથા યુવકોનાં મંડળો ભજવે છે. એમણે લગભગ બે વર્ષ સુધી (૧૯૨૩–૧૯૨૫) “બૉમ્બે ક્રૉનિકલ” પત્રમાં ઉપતંત્રી (એસિસ્ટંટ એડિટર) તરીકે કામ કર્યું હતું. હાલમાં તેઓ સિંધીઆ સ્ટીમ નેવિગેશન કંપનીની કલકત્તા ઓફિસમાં મેનેજર છે; અને ત્યાં એમણે એમની કાર્યદક્ષતા, બાહોશી અને બુદ્ધિ-શક્તિ વડે વેપારી આલમમાં જ નહિ પણ ત્યાંના શિક્ષિત સમાજમાં ઉંચું સ્થાન મેળવ્યું છે. તેઓ કલકત્તાની ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ તરફથી પોર્ટ કમિશનર ચૂંટાયેલા છે અને ચેમ્બરના પ્રતિનિધિ તરીકે પોર્ટ ટ્રસ્ટપર છે. “ઇન્ડિયન ફાઈનેન્સ”માં એમના હાસ્યરસિક લેખો તથા અવલોકનો વારંવાર પ્રગટ થાય છે; અને મોડર્ન રિવ્યુમાં હાલના રાજદ્વારી પ્રશ્ન વિષે લખાયલા એમના લેખે (“Equality of Trading Rights”) ઘણાનું ધ્યાન ખેંચ્યું હતું. એ ઉપરાંત ત્યાંના દૈનિક પત્રો “લીબર્ટી,” “એડવાન્સ” વગેરેમાં પ્રસંગોપાત્ એમના લેખો પ્રગટ થાય છે. આ તો એમની કારકિર્દીની શરૂઆત છે; પણ તે એમના ઉજ્જ્વળ ભાવિના સૂચક ચિહ્નો છે. એમનું ગુજરાતી પુસ્તક “આકાશનાં પુષ્પો” તાજેતરમાં પ્રસિદ્ધ થયું છે તે પણ સાહિત્યરસિક વર્ગમાં સારો આદર પામ્યું છે. આપણે ઇચ્છીશું કે એમને જે ઈશ્વરદત્ત શક્તિ વરેલી છે અને જે સંસ્કારિતા અને વિદ્વતા પ્રાપ્ત કરેલાં છે, તેનો લાભ એઓ એમના પિતાશ્રીને પગલે ચાલીને, લેખો અને ગ્રંથો લખીને અને જનતાની સેવા કરીને આપે.
: : એમની કૃતિઓ : :
| ૧ | આકાશનાં પુષ્પો | સન ૧૯૩૨ |