ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૩/ચંદ્રવદન ચુનીલાલ શાહ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
ચંદ્રવદન ચુનીલાલ શાહ

એઓ જ્ઞાતે દશા પોરવાડ વણિક છે. વતની સુરતના અને જન્મ પણ સુરતમાં તા. ૨૨ મી જુલાઈ સન ૧૯૦૫ના રોજ થયો હતો. એમના પિતાનું નામ ચુનીલાલ ઘેલાભાઈ શાહ અને માતુશ્રીનું નામ સૌ. કમળાગૌરી હતું. એમના પિતાએ સુરતમાં ખાનગી ઇંગ્લિશ સ્કુલ ચલાવી, તેને એવી આબાદ અને ઉન્નત સ્થિતિમાં આણી મૂકી હતી, કે એમાંથી સુરતમાં સાર્વજનિક કૉલેજ ઉદ્‌ભવી છે; અને એમ કહેવું વધારાપડતું નથી કે મહારાષ્ટ્રની પેઠે સુરતમાં બલ્કે આખા ગુજરાતમાં સાર્વજનિક એજ્યુકેશન સોસાઇટી સ્થાપવાનો યશ એમને ઘટે છે. એ સેવાવૃત્તિ અને શિક્ષણ પ્રતિ અનુરાગ એમના ચિરંજીવીમાં ઉતરેલા જણાય છે. એમનું લગ્ન સન ૧૯૨૮માં સૌ. કુસુમબ્હેન સાથે થયું હતું. એઓ સન ૧૯૨૬માં ઇતિહાસ અને અર્થશાસ્ત્ર ઐચ્છિક વિષયો લઈને બી. એ. થયા હતા. સન ૧૯૨૮માં એમ. એ. ની પરીક્ષા ઇંગ્રેજી અને ગુજરાતી લઇને પાસ કરી હતી; અને સન ૧૯૨૯માં એલએલ. બી. થયા હતા. વધુમાં બી. ટી. ની પરીક્ષા અંગ્રેજી અને ઇતિહાસ સાથે સન ૧૯૩૧માં પ્રથમ વર્ગમાં અને પહેલા નંબરે તેમણે પાસ કરી હતી. હાલમાં તેઓ સાર્વજનિક હાઇસ્કુલમાં શિક્ષક છે, અને સાર્વજનિક એજ્યુકેશન સોસાઇટીના આજીવન સભ્ય થયા છે. ચાલુ વર્ષમાં તેઓ સ્કુલ લિવિંગ સર્ટિફીકેટની પરીક્ષામાં ઇતિહાસના પરીક્ષક નિમાયા હતા. મુંબાઇ વિદ્યાપીઠની સન ૧૯૩૨ની સ્કુલ લિવિંગ સર્ટિફીકેટ પરીક્ષા માટેનો ગુજરાતી પદ્યસંગ્રહ એમણે તૈયાર કરી આપ્યો હતો અને એ પ્રકારનાં ત્રણ ગદ્ય ૫દ્ય સંગ્રહો માધ્યમિક સ્કુલો માટે એમણે સંપાદિત કર્યા છે અને તે પાઠ્ય પુસ્તકો તરીકે મંજુર થયલાં છે.

: : એમની કૃતિઓ : :

સાહિત્ય મુકુર, ભા. ૧ સન ૧૯૩૧
પદ્યસંગ્રહ  ”
સાહિત્ય મુકુર, ભા ૨  ”  ૧૯૩૨
ભા ૩  ”