ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૩/ચતુરભાઈ શંકરભાઈ પટેલ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
ચતુરભાઈ શંકરભાઈ પટેલ

એઓ જ્ઞાતે લેઉઆ પાટીદાર છે. વધાશી તાલુકે આણંદ એમનું વતન છે. એમનો જન્મ એમના મોસાળ બેડવા (તાલુકે આણંદ)માં સં. ૧૯૫૭ના માણેકઠારી પૂનમના દિવસે થયો હતો. એમના પિતાનું નામ શંકરભાઈ મૂળજીભાઈ અને માતાનું નામ હીરાબા છે. લગ્ન ભાલેજ (તા. આણંદ)માં થયું હતું અને એમનાં પત્નીનું નામ સૌ. પુષ્પાવતી છે. પ્રાથમિક કેળવણી બેડવામાં લીધી હતી; અને વર્નાકયુલર ફાઇનલની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા હતા. તે પછી નડિયાદ ગવર્નમેન્ટ હાઈસ્કૂલમાં માધ્યમિક કેળવણી લીધેલી. સન ૧૯૧૯માં મેટ્રીકની પરીક્ષા પાસ કરી હતી. ત્યારબાદ ગુજરાત કૉલેજમાં દાખલ થયલા. અહિંથી બી. એ.ની પરીક્ષા સન ૧૯૨૩માં સંસ્કૃત અને ગુજરાતી લઇને પાસ કરી હતી. ગુજરાતીમાં એમને ફર્સ્ટ ક્લાસ માર્કસ મળ્યા હતા. એમનો અભ્યાસ મૂળથી સારો હોઈ હાઇસ્કૂલમાં પહેલો નંબર રાખતા અને કૉલેજમાં સ્કૉલરશીપ મેળવતા. સન ૧૯૩૦માં ઈંગ્લિશ અને ગુજરાતી સાથે તેમણે એમ. એ.ની પરીક્ષા બીજા વર્ગમાં પાસ કરી હતી, અને ગુજરાતી મુખ્ય વિષય તરીકે લેનારા વિદ્યાર્થીઓમાં સૌથી પહેલા આવ્યા હતા. એમણે પહેલી એલ એલ. બી.ની પરીક્ષા આપેલી છે અને ટુંક મુદ્દતમાં બીજી એલ એલ. બી. માં બેસવા વકી છે. અભ્યાસ દરમિયાન કેટલોક સમય એમણે ડાકોર સંસ્થાન હાઇસ્કૂલમાં નોકરી કરી હતી. હાલમાં તેઓ વનિતા વિશ્રામ–અમદાવાદ–માં અધ્યાપક નિમાયલા છે. એમના પ્રિય વિષયો લોકગીત અને ભાષાશાસ્ત્ર છે; ભાષાશાસ્ત્રના અભ્યાસમાં દી. બા. કેશવલાલભાઈ તરફથી સારી મદદ મળી હતી; અને એમની છાયા એમના પર પડેલી છે. એમના છૂટક લેખો અવારનવાર વસંત, બુદ્ધિપ્રકાશ, કૌમુદી વગેરેમાં આવે છે પણ તે કરતાં એક કવિ તરીકે તેઓ વધુ જાણીતા છે. અમદાવાદ સાહિત્ય સભા તરફથી રાસ હરીફાઇમાં એમને “શરત્સુંદરી” રાસ માટે ઇનામ મળ્યું હતું. એમણે ‘અર્ઘ્ય કાવ્ય’ કવિ ન્હાનાલાલના કનકોત્સવ નિમિત્ત રચ્યું હતું. વળી ‘વહુ’ નામક એમનો ન્હાનકડો લેખ હિંદુ સમાજશાસ્ત્રના અભ્યાસીને વાંચવા જેવો જણાશે. એઓ કલાપીના ઊંડા અભ્યાસી છે, અને અમદાવાદ સાહિત્ય–સભાએ ઉજવેલી કલાપીજયંતિ પ્રસંગે એમણે કલાપી અને તેમનાં કાવ્યો નામનો વિસ્તૃત નિબંધ વાંચ્યો હતો. કવિ ન્હાનાલાલનો પણ એમને સારો અભ્યાસ છે; અને એથી ગુજરાત કૉલેજના પ્રેમભક્તિમંડળના એઓ પ્રથમ પ્રમુખ ચુંટાયા હતા.

: : એમની કૃતિઓ : :

અર્ધ્ય (કાવ્ય) સન ૧૯૨૭