ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૩/છોટાલાલ બાલકૃષ્ણ પુરાણી
એઓ જાતે ભટ્ટ મેવાડા બ્રાહ્મણ અને ભરૂચના વતની છે. જન્મ ડાકોરમાં સન ૧૮૮૪ માં થયો હતો. એમના પિતાનું નામ બાલકૃષ્ણ નરભેરામ પુરાણી અને માતાનું નામ સૌ. પ્રસન્નલક્ષ્મી રેવાશંકર હતું. એમનું લગ્ન સન ૧૯૦૨ માં નડિયાદમાં સૌ. ચંચળલક્ષ્મી સાથે થયું હતું. પ્રાથમિક શિક્ષણ ઘેર લીધેલું અને એમના પિતા જામનગર રાજ્યની નોકરીમાં હોઇ, માધ્યમિક શિક્ષણ જામનગરમાં મેળવ્યું હતું. ઉંચું કૉલેજ-શિક્ષણ અમદાવાદ, વડોદરા અને મુંબઈમાં વારા ફરતી લીધેલું અને બી. એ. ની પરીક્ષા સન ૧૯૦૬ માં બાયોલોજી ઐચ્છિક વિષય લઈને પસાર કરી હતી અને નારાયણ વાસુદેવ પ્રાઇઝ મેળવ્યું હતું. એમના પ્રિય વિષયો શિક્ષણ અને વ્યાયામપ્રચાર છે અને એ ક્ષેત્રમાં એમનું કાર્ય ગુજરાતમાં સુપ્રસિદ્ધ છે. કેટલોક વખત એમણે લાહોરની કૉલેજમાં બાયોલોજીના અધ્યાપક તરીકે કામ કર્યું હતું; પણ પછી ગુજરાતમાં આવી વસતાં, આ૫ણે અહિં વ્યાયામપ્રચાર માટે એમણે એમના ભાઇ શ્રી. અંબાલાલ સાથે મળીને સ્થળે સ્થળે અખાડાઓ સ્થાપવાનું કાર્ય ઉપાડી લીધું અને અત્યારે એ દિશામાં જે કાંઈ પ્રગતિ થઇ રહી છે, તે એમના પ્રયાસનું શુભ પરિણામ છે. ભરૂચમાં એમણે કેળવણી મંડળ સ્થાપેલું છે, જે થોડા વર્ષોથી ધંધા ઉદ્યોગ અને ખેતીનું શિક્ષણ આપે છે, એ જેમ નવી દિશામાં પ્રયોગ છે તેમ તે બતાવે છે કે ચાલુ શિક્ષણપ્રથામાં બહોળા ફેરફાર અને સુધારાની અગત્ય છે. એક સાહિત્યકાર તેઓ છે; પણ તેના કરતાં તેઓ એક કેળવણીકાર થવાનું વધારે પસંદ કરે છે અને એમની સમાજસેવા જેમ તલસ્પર્શી તેમ વિસ્તૃત છે, એ કહેવાની ભાગ્યેજ જરૂર રહે છે.
: : એમની કૃતિઓ : :
| ૧ | ઉષ્મા | સન ૧૯૦૭ |
| ૨ | આર્થિક દૃષ્ટિએ વનસ્પતિશાસ્ત્ર | ” ૧૯૧૨ |
| ૩ | મોન્ટેસરી શિક્ષણ પદ્ધતિ | ” ૧૯૧૭ |
| ૪ | હિન્દનો પ્રાચીન ઇતિહાસ | ” ૧૯૩૨ |
| ૫ | ગુજરાતી વાચનમાળા | ” ૧૯૨૫ |
| ૬ | પ્રાકૃતિક ભૂગોળ | ”” |