ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૩/જગજીવનદાસ ત્રિકમજી કોઠારી
એઓ જ્ઞાતે દશા શ્રીમાળી વણિક છે. એઓ મૂળ વતની ગોંડલના પણ જન્મ રાજકોટમાં સન ૧૮૭૭ ની ૧૮ મી મેના દિવસે થયો હતો. એમના પિતાશ્રીનું નામ ત્રિકમજીભાઈ અને માતુશ્રીનું નામ જવલબાઈ છે. એમનું લગ્ન સન ૧૮૯૬ માં રાજકોટમાં મણિબાઈ સાથે થયું હતું. પ્રાથમિક શિક્ષણ એમણે ગોંડલમાં લીધું હતું. માધ્યમિક રાજકોટમાં અને ઉંચી કેળવણી એલ્ફીન્સ્ટન અને વિલસન કૉલેજમાં લીધી હતી. તેઓ સન ૧૯૦૩ માં બી. એ. થયા હતા અને નોકરી કરતે કરતે એલ એલ. બી. ના ટર્મ ભરી તે પરીક્ષા સને ૧૯૦૯ માં પાસ કરી હતી. ચિત્રકલાની સેકંડ ગ્રેડ સુધીની પરીક્ષા પણ એમણે પાસ કરી હતી. તેઓ ગોંડલ સ્ટેટમાં પ્રથમ મુનસફ નિમાયા હતા; અને હમણાં રાજ્ય ખજાનચીના હોદ્દા પર છે. ઇતિહાસ, પ્રવાસ અને હાસ્યરસનું લખાણ વાંચવું એમને બહુ પ્રિય છે. માર્ક ટ્વેઇન, ચાર્લ્સ ડિકન્સ અને રમણભાઇના લખાણે એમના પર અસર કરી છે. પ્રથમ નાટક રાજા ચંદના જૈન રાસા ઉપરથી ‘ચંદ્રશેખર’ નામનું એમણે લખ્યું હતું અને તે રંગભૂમિ પર ભજવાયું હતું. * “ઓલીઆ જોશી”ના તખ્ખલુસથી હાસ્યરસના એમના લેખોનો સંગ્રહ પ્રથમ સન ૧૯૨૭ માં પ્રસિદ્ધ થયો હતો; જો કે એ સંજ્ઞાથી તેમણે સન ૧૯૧૪ થી લખવા માંડ્યું હતું. તેની ચોતરફથી પ્રસંશા થઇ હતી; અને ત્યારથી એમના લેખો માટે માગણી ચાલુ છે.
: : એમની કૃતિઓ : :
| ૧ | ચંદ્રશેખર | સન ૧૯૧૪ |
| ૨ | ઓલીઆ જોશીનો અખાડો, ભા. ૧ | ” ૧૯૨૭ |
| ૩ | ”””ભા. ૨ | ” ૧૯૩૨ |
* હાસ્ય–રસના લેખક તરીકેની શરૂઆત એમણે સને ૧૯૦૬–૦૭ થી કરવા માંડી.