ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૩/ત્રિભુવનદાસ જમનાદાસ શેઠ
એઓ જ્ઞાતિ દશા લાડ વણિક છે. વતની મૂળ બારડોલીના પણ લાંબા સમયથી સુરતમાં વસેલા છે. એમનો જન્મ તા. ૧૫મી ડિસેમ્બર ૧૮૭૩ના રોજ નવસારી પ્રાંતના વ્યારા ગામમાં થયો હતો. એમના પિતાનું નામ જમનાદાસ રાજારામ અને માતુશ્રીનું નામ બાઇ ઇચ્છા હતું. એમનું પ્રથમ લગ્ન સન ૧૮૮૯માં સુરતમાં સૌ. મોતીગવરી સાથે થયું હતું અને તે સન ૧૯૦૬માં મૃત્યુ પામતાં, સન ૧૯૦૮ના મે માસમાં ફરી વારનું એમનું લગ્ન સુરતમાં સૌ. મગનગવરી સાથે થયું હતું. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ એમણે સુરતમાં લીધું હતું. ઈંગ્રેજી શાળામાં એમણે દરેક ધોરણમાં ઈનામ પ્રાપ્ત કર્યાં હતાં અને ચોથા, પાંચમા અને છઠ્ઠામાં તો સ્કોલરશિપો ૫ણ મળી હતી. તે પછી મૅટ્રિકની પરીક્ષા પાસ કરીને સન ૧૮૯૨માં એલ્ફીન્સ્ટન કૉલેજમાં તેઓ ગયા હતા. ત્યાં એમને ક્લેર સ્કોલરશિપ મળી હતી. ત્યારબાદ ચાર વર્ષ વડોદરા કૉલેજમાં રહેલા. અહિં પણ કૉલેજ સ્કોલરશિપ તેમજ મેલ્વિલ મેમોરિયલ સ્કોલરશિપ મેળવવા ભાગ્યશાળી થયા હતા. સન ૧૮૯૭માં બી. એ. થયા પછી સ્વ. ચુનીલાલ શાહ સ્થાપિત ધી સુરત ઇંગ્લિશ સ્કૂલ–હાલની સાર્વજનિક–માં શિક્ષકની જગો મળતાં તે લીધી. સન ૧૮૯૯માં તેમણે “દયારામ ચરિત્ર” પુરતી શોધખોળ કરીને લખ્યું હતું. સને ૧૯૦૦માં રા. સા. ખાનસાહેબની સાથે – ‘Hints on the Study of Gujarati નામક એક પાઠ્ય પુસ્તક વિદ્યાર્થીઓ માટે યોજ્યું હતું, જે એ વર્ગમાં ઘણું લોકપ્રિય નિવડ્યું છે. સન ૧૯૦૨માં ગુ. વ. સોસાઈટીના આસિ. સેક્રેટરીની જગો ખાલી ૫ડતાં, તેમની નિમણુંક થઈ હતી; પણ માત્ર સવા વર્ષ એ સ્થાનપર રહીને તેઓ ફરી પાછા સુરત પોતાની શિક્ષકની અસલ જગોએ ગયા હતા. પહેલી એલ એલ. બી.ની પરીક્ષા સને ૧૮૯૮માં પાસ કરી હતી અને બીજી એલ એલ. બી.ની ટર્મ પણ રાખી ચુક્યા હતા. એટલે તે અભ્યાસ આ અસ્સામાં તેમણે આરંભ્યો અને સને ૧૯૦૫માં તેમાં ઉત્તીર્ણ થયા. સનદ મળતાં, કેટલીક મુદત સુરતમાં વકીલાત કરી વચમાં એકાદ વર્ષ માલવી સોલિસિટરની ઓફીસમાં અનુભવ મેળવ્યો. પણ એક શિક્ષકના ઉમદા અને પવિત્ર ધંધામાં ચોટેલું ચિત્ત વકીલાતમાં ન જ ગોઠ્યું; એટલે પાછા સન ૧૯૧૫માં સાર્વજનિક સ્કુલમાં સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી (સુરત)ના એક જીવનપર્યંતના સ્વયંસેવક તરીકે જોડાયા; અને ગયે વર્ષે જ ટી. ઍન્ડ ટી. વી. સાર્વજનિક મિડલ સ્કુલ (ગોપીપુરા)ના હેડમાસ્તરના પદપરથી નિવૃત્ત થયા છે. એક શિક્ષક તરીકેની લાંબી નોકરી દરમિયાન એમણે એમના હાથ નીચે ભણેલા હજારો વિદ્યાર્થીઓનો પ્રેમ સંપાદન કરેલો છે, અને એમની એ કારકિર્દી બેશક સફળ અને યશસ્વી કહી શકાય. એ ધંધામાં પડ્યા પછી એમનું સાહિત્યલેખન લગભગ ઓસરી ગયું હતું; પણ જે એક પુસ્તક એમણે લખ્યું છે, તે એ વિષયમાં એમની યોગ્યતા સિદ્ધ કરે છે. નિવૃત્તિ કાળમાં એમની સરસ્વતી ઉપાસનાના લાંબા કાળ દરમિયાન જે સંસ્કાર, અનુભવ પ્રાપ્ત કર્યા હોય તેનો લાભ એઓ જનતાને અવકાશે આપે, એમ આપણે જરૂર ઈચ્છીએ.
: : એમની કૃતિઓ : :
| ૧ | દયારામનું જીવનચરિત્ર | સન ૧૮૯૯ |
| ૨ | Hints on the Study of Gujarati | ” ૧૯૦૦ |
| (રા. સા. ઈશ્વરલાલ પ્રાણલાલ ખાનસાહેબ સાથે) |