ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૩/દુલેરાય છોટાલાલ અંજારિયા
એઓ જ્ઞાતિ વડનગરા નાગર ગૃહસ્થ અને જામનગરના વતની છે. એમનો જન્મ હાલાર પ્રાંતમાં ધ્રોળમાં સં. ૧૯૨૪ના ફાગણ સુદ ૨ના રોજ થયો હતો. એમના પિતાનું નામ છોટાલાલ ભગવાનજી અંજારિયા અને માતાનું નામ જુઠીબ્હેન, તે આત્મારામ ઓઝાના પુત્રી હતાં. એમનું લગ્ન જામનગરમાં સૌ. સેવાકુંવર સાથે ૧૧ મે વર્ષે થયું હતું. પ્રાથમિક કેળવણી એમણે જસદણમાં લીધી હતી અને પછી જામનગરના મહારાજા શ્રી વિભાજી સાહેબે રૂ. ૨૦ની માસિક સ્કોલરશીપ આપતાં તેમણે મદ્રાસ જઈને ખેતીવાડીનો સારો અભ્યાસ કર્યો હતો. હમણાં તેઓ લીંબડી રાજ્યમાં નોકર છે; અને ખેતીવાડી માસિક ચલાવે છે અને પુસ્તક-લેખન વગેરેનું કામ પણ સાથે સાથે કરે છે. ગુજરાત ખેતીપ્રધાન દેશ છે તેમ છતાં ખેતીવાડી પાછળ જોઈએ તેવું લક્ષ અપાતું નથી. પણ છેલ્લાં પચીસ વર્ષથી લેખક તે દિશામાં બહુ સ્તુત્ય અભ્યાસ કરી રહ્યા છે. એમનું ખેતીવાડી વિજ્ઞાન માસિક જે સન ૧૯૧૨થી પ્રકટ થાય છે તે ખેડુતોને વિવિધ પ્રકારની અને બહુ ઉપયોગી માહિતી આપે છે. તે ઉપરાંત ખેતી વિષે એમનાં પુસ્તકો જનતાને બહુ લાભકારક નિવડ્યાં છે; અને એમની એ કિંમતી સેવા માટે કહેવું જોઈએ કે ગુજરાતનો ખેડુત વર્ગ એમનો સદા અહેશાન માનશે.
: : એમની કૃતિઓ : :
| ૧ | ખાતર | સન ૧૮૯૭ |
| ૨ | ખેતીવાડીના ધંધામાંથી પૈસા કમાવવાની કુંચી, (બીજી આવૃત્તિ.) | ” ૧૯૨૧ |
| ૩ | ફળઝાડ, શાકભાજી વાવવાની રીત (આવૃત્તિ ૩ જી) | ” ૧૯૨૮ |
| ૪ | હિન્દની જરાયત ખેતી (આવૃત્તિ ૩ જી) | ” ૧૯૨૮ |
| ૫ | ખેતર, ખેડ અને તેનાં હથીઆર ઓજારનું પુસ્તક (આ. ૨જી) | ” ૧૯૧૫ |
| ૬ | ગાય, ભેંસ, બળદ, ઘોડા વગેરે જાનવર ઉછેરી દુધ, ઘી
વધારવાની રીત અને તેમના દરદોના ઉપાય (આવૃત્તિ ૨જી) |
” ૧૯૨૧ |
| ૭ | રેવન્યુ અને ખેતીવાડી આબાદ કરવાની અમારી અનુભવી સૂચનાઓ | ” ૧૯૨૪ |
| ૮ | ખેતીવાડી પાઠમાળા, ભા. ૧-કૃષી વિધ્યા-(બીજી આવૃત્તિ) | ” ૧૯૩૨ |
| ૯ | ખાંડ બનાવવાની રીત | ” ૧૯૨૫ |
| ૧૦ | ખેતીવાડીની પાઠમાળા, ભાગ રજો | ” ૧૯૨૯ |
| ૧૧ | નવાણ અને જવાણનાં પાણીનો ઉપયોગ કરવાનાં સાધન | ” ૧૯૧૫ |
| ૧૧ | એરી રેશમના કીડા ઉછેરવાની તથા કેતકીનું વાવેતર કરી રેસા કાઢવાની રીત | ” ૧૯૧૪ |