ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૩/ધનપ્રસાદ ચંદાલાલ મુનશી
એઓ જ્ઞાતે ભાર્ગવ બ્રાહ્મણ અને ભરૂચના વતની છે. એમનો જન્મ ભરૂચમાં સન ૧૮૮૮ના (સંવત્ ૧૯૪૪ના વૈશાખ કૃષ્ણપક્ષ પંચમી) મે માસમાં થયો હતેા. એમના પિતાનું નામ ચંદાલાલ નરભેરામ મુનશી અને માતુશ્રીનું નામ મણિગવરી છે. એમનું લગ્ન સન ૧૯૧૨માં સૌ. હસમુખગવરી સાથે ભરૂચમાં થયું હતું. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ એમણે ભરૂચ તેમ વડોદરામાં મેળવેલું. હાલમાં તેઓ વીમા કંપનીમાં ધંધો કરે છે. એમનો પ્રિય વિષય ઇતિહાસ અને પુરાતત્ત્વ છે. આપણા પ્રાચીન ઇતિહાસના ગણ્યાગાંઠયા અભ્યાસીઓ છે તેમાં એમનું નામ ગણાવી શકાય. સન ૧૯૨૯માં એમણે “ભાર્ગવ બ્રાહ્મણોનો ઈતિહાસ” એ નામનું માહિતીપૂર્ણ એક પુસ્તક બહાર પાડ્યું હતું, તે એમના અભ્યાસ અને સંશેાધકવૃત્તિનો સરસ ખ્યાલ આપશે. થોડા વખતથી ‘ગુજરાત’માં તેમ ‘નવચેતન’ આદિ માસિકમાં ગુજરાતના પ્રાચીન ઇતિહાસ વિષે એમના જૂદા જૂદા વિષયપર લેખો પ્રકટ થાય છે, એ અભ્યાસીને ઉપયુક્ત માલુમ પડશે. અમે ઇચ્છીએ છીએ કે ગુજરાતના પ્રાચીન ઈતિહાસની ઉણપ છે તે પૂરી કરવા એઓ ભાગ્યશાળી થાઓ.
: : એમની કૃતિઓ : :
| ૧ | ભાર્ગવ બ્રાહ્મણોનો ઇતિહાસ | સન ૧૯૨૯ |