ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૩/નટવરલાલ કનૈયાલાલ વૈષ્ણવ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
નટવરલાલ કનૈયાલાલ વૈષ્ણવ

જ્ઞાતિએ વડનગરા નાગર ગૃહસ્થ છે. પરમ ભક્તરાજ કવિ નરસિંહ મહેતાના કાકા ભક્તરાજ પરબત મહેતાના વંશમાં ત્હેમનો જન્મ ઈ. સ. ૧૮૯૦માં જુનાગઢ વિષે થયો છે. ત્હેમનાં સ્વ. માતાનું નામ પારવતી છે. પ્રથમ લગ્ન જુનાગઢમાં સ્વ. રા. રા. દયાશંકર માધવજી જથ્થળનાં પુત્રી સ્વ. અ. સૌ. જયાગૌરી સાથે થયું હતું. દ્વિતીય લગ્ન ઈ. સ. ૧૯૧૦માં જુનાગઢમાં રા. રા. જાદવરાય લીલાધરદાસ બુચનાં પુત્રી અ. સૌ. પ્રસન્નલક્ષ્મી સાથે થયું છે. રાજકોટ ઑલફ્રેડ હાઈસ્કુલમાં મેટ્રિક ક્લાસમાં ત્હેમનો અભ્યાસ ચાલતો હતો તેવામાં ત્હેમના પિતા સ્વર્ગવાસી થતાં અભ્યાસ આગળ ચલાવવાની સગવડને અભાવે, થોડા સમયમાં અને થોડા ખરચમાં બની શકે તે માટે “ધ યુનિવર્સલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટ ઑફ કૉમર્સ” (વડોદરા)માં દાખલ થઈ “શોર્ટહેન્ડ-ટાઈપ-રાઇટીંગ” શીખી “ધી મેટ્રોપોલિટન સિનિયર કૉમરશિયલ” એક્ઝામિનેશન ઈ. સ. ૧૯૦૭માં પાસ કરી, કાઠિયાવાડના નામદાર એજંટ ટુ ધી ગવરનર સાહેબને, રાજકોટ, નોકરી માટે અરજી કરતાં તેઓ સાહેબે પરીક્ષા લઇ, હજુર ઓફીસમાં રેકગ્નાઈઝડ કેન્ડીડેઈટ ટાઈપિસ્ટ તરીકે દાખલ કરેલ. ત્યારપછી થોડા વખતમાં, માણાવદર તાલુકાના તે વખતના દરબાર સાહેબ ગાદીએ બેસતાં, તેઓએ સાહેબ પાસે સારા ટાઇપિસ્ટની માગણી કરતાં, કાઠિયાવાડ પોલીટીકલ એજન્સિમાં સાહેબે એક વર્ષનો હક્ક રાખી રજા આપતાં, માણાવદર તાલુકામાં હજુર ઓફીસમાં દાખલ થયેલ; જ્યાં દોઢેક વર્ષ ઠીક ઠીક ચાલ્યા પછી ભવિષ્ય માટે કંઈ સારી આશા નહિં દેખાતાં, તે નોકરી છોડી દીધી હતી. હાલમાં જુનાગઢ સ્ટેટ તરફના ક્લાર્ક તરીકે કામ કરે છે. ત્હેમના વડીલોમાં “પરબત પચ્ચીશી”, “શ્રી રૂક્મિણી બ્યાહ”, “શ્રી ડાકોર લીલા” વિગેરેના લેખક પરબત કુળના ભક્ત અને કવિ વૈષ્ણવ ત્રિકમદાસ (જેઓ વડોદરા રાજ્યમાં મુલકગીરી કારભારીના પદ ઉપર હતા) ત્હેમના દાદાના દાદા થાય. “શ્રી કૃષ્ણની બાળલીલા” (આ કાવ્ય, કાવ્યદોહન ભાગ ૧લા માં છપાયું છે), “નાગદમન લીલા”, “રાસલીલા”, “શ્રી દ્વારિકાં લીલા”, “શ્રી ડાકોર લીલા”, “ત્રિકમદાસનું ચરિત્ર” વિગેરેના લેખક “કવિ કોવિદ”ના દાસ કવિ રેવાશંકર (જુનાગઢના નામદાર નવાબ સાહેબ હામીદખાનજી પહેલાના દીવાન હતા). ત્હેમના પ્રપિતામહ થાય. (આ બન્ને પ્રતાપી પુરૂષો (પિતા-પુત્ર) સંબંધી વિશેષ માહિતી માટે “ગુજરાતી પ્રેસ”ના માલીકો તરફથી પ્રસિદ્ધ થયેલ “પર્વત મહેતાનું આખ્યાન” જે પુસ્તક ભગવદ્‌ મહાત્મ્ય જાણવાને ઉત્સુક તેમજ ઇતિહાસરસિક જનોને અવશ્ય ઉપયોગી થઈ પડે તેવું છે.) લખવાની પ્રથમ ઉર્મિ ઇ. સ. ૧૯૦૭માં થયેલી. “સુન્દરી સુબોધ”, “ત્રિમાસિક નાગર”, “કોરોનેશન એડવરટાઈઝર” વિગેરેમાં નીતિયુક્ત રમુજી વાર્તાઓ–લેખો વિગેરે પ્રસંગે પ્રસંગે પ્રસિદ્ધ કરતા. વળી નીચે પ્રમાણે પુસ્તકો લખી–પ્રસિદ્ધ કરેલાં છે; જેમાંના ઘણાં ઈનામ માટે તથા લાયબ્રેરીઓ માટે મંજુર થયાં છેઃ—

: : એમની કૃતિઓ : :

(૧) સૌભાગ્ય શિક્ષાબ્ધિ ભાગ પહેલો (૨) સૌભાગ્ય શિક્ષાબ્ધિ ભાગ બીજો. (૩) નારીઓનું નિત્ય વાંચન. (૪) પત્ની ધર્મ. (૫) સંસાર સુખરૂપ થવાનો સરલ માર્ગ અથવા સ્ત્રી કેળવણીનું સત્ય સ્વરૂપ. (૬) રાજકુમાર ધ્રુવ ચરિત. (૭) જ્ઞાન વચન. (૮) સૌભાગ્ય સંગીત સંગ્રહ. (૯) સુન્દરી અને સાક્ષરો. (૧૦) સ્ત્રીઓનું ખાનગી વાચન. (૧૧) સગર્ભા સ્ત્રીની સંભાળ. (૧૨) માતાની ફરજ અને બાળકોપયોગી ઔષધ. વળી સેન્ટ જૉન એમ્બ્યુલન્સ એસેસિએશન—જુનાગઢ સ્ટેટ સેન્ટરના (૧) ફર્સ્ટ એઈડ ટુ ધી ઈન્જર્ડ એન્ડ ધી સીક. (૨) હોમ હાઈજન એન્ડ સેનિટેશન. (૩) હોમ નર્સિંગના વર્ગોમાં ધોરણસર અભ્યાસ કરી–પરીક્ષાઓ પાસ કરી, સર્ટિફિકેટ્‌સ મેળવ્યા પછી ત્હેમણે કેટલાંક પુસ્તકો લખી પ્રસિદ્ધ કરેલાં છે :—

(૧) દરદીની માવજત. (૨) મરકી, સંબંધી ઉપયોગી માહિતી, સૂચના તથા સામાન્ય ઔષધ, (૩) વિપૂચિકા (કૉલેરા) સંબંધી ઉપયોગી માહિતી, સૂચના તથા સામાન્ય ઔષધ. (૪) ઇન્ફલ્યુએન્ઝા ફીવર (ત્રિદોષજ્વર) સંબંધી ઉપયોગી માહિતી, સૂચના તથા સામાન્ય ઔષધ. (૫) શીતળા-ઓરી-અછબડા સંબંધી-ઉપયોગી માહિતી, સૂચના તથા સામાન્ય ઔષધ. (૬) સર્પદંશના તાત્કાલિક ઉપચાર. (૭) વીંછી સંબંધી ઉપયોગી માહિતી, સૂચના તથા વીંછી ડંખના તાત્કાલિક ઉપચાર.

ત્હેમનાં અપ્રસિદ્ધ પુસ્તકો નીચે પ્રમાણે છેઃ—

(૧) શ્રી રામ જયન્તિ. (૨) શ્રી નૃસિંહ જયન્તિ. (૩) શ્રીકૃષ્ણ જયન્તિ. (૪) શ્રી “નટવર” શિવ સ્તુતિ. (૫) શ્રી હાટકેશ્વરનો પાટોત્સવ. (૬) સ્ત્રીની શ્રેષ્ટતા. (૭) સ્ત્રી સુબોધ વચન. (૮) વિદ્યા-વાચન મહત્વ. (૯) કન્યાઓનું શિક્ષણ. (૧૦) સર્વોપયોગી વિષયવાર કહેવતો. (૧૧) અકસ્માતમાં તાત્કાલિક ઇલાજની જરૂર.