ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૩/પુસ્તકની જીવાદોરી
પુસ્તકની બાંધણી એ ગ્રંથવિધાનમાં છેલ્લું કાર્ય છે. આથી ઘણે ભાગે બને છે એવું, કે છેક છેલ્લી ઘડી સુધી તેને વિષે કોઈ વિચાર કરતું નથી. પણ ખરૂં જોતાં તો બાંધણી એ પુસ્તકના દેહના ઘડતરનું ઘણું અગત્યનું અંગ છે. છાપખાનાના સંચા ઉપરથી કાગળ ઊતર્યા પછી પણ પુસ્તકનું સ્વરૂ૫ અરધું જ ઘડાયું હોય છે. ગ્રંથદેહનું ખરૂં ઘડતર તેની બાંધણીમાં થાય છે. બાંધણી એ પુસ્તકની સાચી સ્વરૂપદાતા અને તેને દેહીની ધારક તથા રક્ષક છે; તેને આયુષ્યની દોર છે.
થોડો ઈતિહાસ
પુસ્તકનું આજનું સ્વરૂપ તો માત્ર છેલ્લા ઓગણીસ સૈકાનું સર્જન છે. ઈસુની સદી શરૂ થયે જેટલાં વર્ષ થયાં તેટલાં લગભગ વર્ષ પુસ્તક બાંધણીની શરૂઆત થયાને થયાં હશે. લખાણો સંઘરવાની મૂળ શરૂઆત આસીરિયનોની માટીની તકતીઓ અને અશોકના શિલાલેખ જેવી પદ્ધતિ વડે થઈ. તે પછી રોમન લોકો ખાંચ પાડેલી લાકડાની પાટીમાં કાળું મીણ પૂરી તે ઉપર સફેદ અક્ષરે લખતા અને એવી બે પાટીઓ, એક પર બીજી ઢંકાઈ રહે તેમ, મિજાગરા જેવી રચનાથી જડી લઈ લખાણ સાચવતા. ઈજિપ્તવાસીઓએ પેપીરસના પાંદડા ઉપર બરૂની કલમ વડે લખવાની ૫હેલવહેલી શરૂઆત કરીને કાગળની શોધનો પાયો નાખ્યો, તેમ લખાણ સંઘરવાની પદ્ધતિનું પણ નવું સ્વરૂપ ઘડ્યું. તેઓ એ પેપીરસને આપણા જૂના ઓળિયા કે ટીપણાની પેઠે વીંટી રાખતા; જોકે આજનાં ટીપણાં જેટલાં તે લાંબાં ન હતાં. છ હજાર વરસ પહેલાંનાં આવાં ટીપણાંનો ઉલ્લેખ મળી આવે છે. એ ટીપણાંને આજની બાંધણીનો વડદાદો કહી શકાય. એ ટીપણાંઓમાં ત્રણ વિવિધ પદ્ધતિએ લખાતું : એક તો આપણી પેઠે તેની પહેળાઈ-વડ, નાની ટૂંકી લીટીઓમાં મથાળાના છેડાથી તે નીચેના છેડા સુધી; (જુઓ ચિત્ર ૧–આકૃતિ ૧) બીજું, ‘ટીપણાની લંબાઈ-વડ, સળંગ એક છેડાથી બીજા છેડા સુધી પહોંચતી લાંબી લીટીઓમાં; (ચિત્ર ૧–આકૃતિ ૨) અને ત્રીજું એ લંબાઈમાં સળંગ નહિ પણ ટૂંકી ટૂંકી લીટીઓનાં નાનાં કૉલમ-ચોસલાં–પાડીને. (આકૃતિ ૩) વખત જતાં આ કૉલમ પાડીને લખેલાં લખાણોવાળાં ટી૫ણાંને, એવાં બે કૉલમો વચ્ચેની કોરી જગ્યા.
આગળથી ઘડ પાડીને વાળી લઈ સાચવવાં વધુ સુગમ લાગ્યાં (આકૃતિ ૪) અને આમ આપણાં આજનાં પાનાંઓની શરૂઆત થઈ પછી. આ ઘડ પાડેલી પાનાંની થોકડીને પીઠ આગળના ભાગથી દોરા વડે સીવી લેવાનો નુસખો યોજાયો. તેની સાથે આજની બાંધણીની શરૂઆત થઈ (આકૃતિ ૫)એ બાંધણીમાં, સ્વભાવિક રીતે જ પૃષ્ઠની આગળની ધારો બેવડાં જોડાએલાં પાનાંની રહેતી, જેવી આજે પણ ઘણાં જાપાની પુસ્તકોમાં જોવામાં આવે છે. પાછળથી એ જોડાએલાં પાનાંને ફાડી નાખી તેની બંને બાજુએ લખવાની શરૂઆત થઇ અને પછી તે સ્વાભાવિક રીતે જ આજની પુસ્તક-બાંધણીની ઢબ સુધીનાં બધાં અંગ એક પછી એક વિકસતાં ગયાં.
શરૂઆત
આમાં પહેલો ઉમેરો તે સીવેલા પુસ્તકને સપાટ રાખવા તથા ઘસારાથી તેનું રક્ષણ કરવા સારૂ બે બાજુ બે પાટિયાં રાખવાનો થયો, અને પછી તે પાટિયાં ઉપર, પુસ્તકની સિલાઈને પકડી રાખનારી પટ્ટી ચોડી દઈ મિજાગરાં જેવી રચના કરી. (પાછળથી આ પાટિયાં બહુ જાડાં પડવાથી તેને બદલે ઉપરાઉપર કાગળો ચોડીને જાડા પૂઠાં જેવું બનાવીને વાપરવા લાગ્યા, જે શોધ પછીથી આજનાં (ડફટિન-બોર્ડ-માં પરિણમી.) આ પછી તરત જ પુસ્તકની પીઠનો ઘસારો અટકાવવા ત્યાં ચામડું ચોડાવું શરૂ થયું, જે લંબાવીને ઉપરનાં પાટિયાં પર પણ અરધે અથવા આખે ભાગે સળંગ મઢી લેવામાં આવ્યું. આમ ક્રમશઃ આજનાં ‘હાફ બાઉન્ડ’ કે ‘ફુલ બાઉન્ડ’ પુસ્તકની બાંધણી વિકસી.
શણગાર
માણસને સાદી ને કોરી ઉઘાડી જગ્યા ગમતી નથી. પુસ્તકના પૂઠા ઉપર ચામડું મઢાયું એટલે સ્વાભાવિક રીતે જ તેના ઉપર શોભા કે શણગાર કરવાનું મન થયું. લાકડાનાં હથિયારો વડે આકૃતિઓની દાબ-છાપ તથા સાદાં આલેખનોથી શરૂઆત થઈને ચામડાનાં પૂઠાંઓ ઉપર ધીમેધીમે મીનાકારી, રેશમનાં ભરતગૂંથણ, હાથીદાંતની કારીગરી, રૂપાનું કોતરકામ, તથા સોના અને રત્નોનું જડતરકામ પણ થવા લાગ્યું, અને ચોથા સૈકામાં તે ખીચોખીચ હીરા, અંબર, પાનાં, મોતી અને રત્નજડિત ગ્રંથબાંધણી સુધી એ હુન્નર પહોંચ્યો! આ કારીગરીના ઘણા પ્રાચીન નમૂના હજી ૫ણ સંગ્રહસ્થાનોમાં મોજૂદ છે. પરંતુ આવી કિંમતી બાંધણી તો રાજામહારાજાઓ અથવા મહાન ધર્માલયો માટે જ થતી. એ સિવાય સામાન્ય બાંધણીમાં તો ચામડા ઉપર, આપણા જૂની ઢબના ચોપડાનાં પૂઠાં ઉપર હોય છે તે રીતની, વિવિધ સુશોભનોની દાબછાપ (જેને Blind tooling કહે છે) પાડવામાં આવતી અને પંદરમા સૈકા સુધી તે યુરોપમાં પ્રચલિત હતી. પંદરમા સૈકાની મધ્યમાં યુરોપમાં મુદ્રણકળા દાખલ થઈ તેની સાથે જ ગ્રંથોની બાંધણીનો હુન્નર પણ વિસ્તાર પામ્યો અને આજ સુધી એ કામ માત્ર ધર્માલયો અને પાદરીઓના મઠોમાં જ થતું તેને બદલે છાપખાનાંઓમાં દાખલ થઈને મુદ્રણકળાનું અંગ બન્યું. મુદ્રણકળાની શોધને પચીસેક વર્ષ વીત્યાં હશે ત્યાં યુરોપની ગ્રંથ બાંધણીની કળામાં સાદી દાબછાપને બદલે સોનેરી દાબછાપ-Gold tooling—નું તત્ત્વ ઉમેરાયું. પૂર્વના દેશોમાં એ કારીગરી જૂના વખતથી પ્રચલિત હતી ત્યાંથી તે ઈટાલીમાં આવીને યુરોપમાં ફેલાઇ. વેનીસનો જગવિખ્યાત મુદ્રક આલ્ડસ મૅન્યુશિયસ આ કળામાં મોવડી થયો.
પોલી પીઠ
આ સોનેરી દાબછાપ દાખલ થવાની સાથે જ પુસ્તકની પીઠની રચનામાં એક અગત્યનો ફેરફાર થયો. અત્યાર સુધી પીઠ ઉપરનું ચામડું પુસ્તકની સીવેલી પીઠ ઉપર સજ્જડ ચોડી દેવામાં આવતું. (જુઓ ચિત્ર ૧–આકૃતિ ૭) આથી સરળતા એ હતી કે પુસ્તકની પીઠ સહેલાઈથી વળીને તે સંપૂર્ણ સપાટ ઉઘાડી શકાતું; પણ ગેરફાયદો એ હતો કે તેને લીધે પીઠના ચામડામાં કરચલીઓ પડતી, જેથી સોનેરી જેવી દાબછાપના કામને નુકસાન પહોંચતું, આને પરિણામે પેલી પીઠની–અથવા ખુલ્લી પીઠની બાંધણીની શોધ થઈ. એમાં સિલાઈવાળી પીઠથી ચામડાની પટ્ટીને અલગ પાડીને, ત્યાં મજબૂત કાગળ કે કપડું ચેડાયું અને પીઠની સીલાઈવાળા છેડા મગજીથી ગંઠીને મજબૂત કરી લેવાયા. (ચિત્ર ૧-આકૃતિ ૮) આ યોજનાથી પુસ્તક અગાઉની માફક સંપૂર્ણ સપાટ ખુલ્લું રહેતું છતાં પીઠનું ચામડું તેનાથી અલગ રહેવાને લીધે તે પરનાં સુશોભનો સુરક્ષિત રહે છે. આમ ક્રમશઃ ગ્રંથબાંધણીની કળાનો વિકાસ પશ્ચિમમાં થયો. આપણે ત્યાં તો ઓળિયા (ટીપણાં)ની પદ્ધતિ અથવા બે બાજુ લખેલાં પાનાંઓને બે પાટિયાં વચ્ચે પોથી રૂપમાં સંઘરવાની પદ્ધતિ જ ચાલુ રહી છે.
દબાણ
બાંધણીની સામાન્ય ક્રિયાનાં બધાં અંગો વિષે ટૂંકી માહિતી આપણે ગયા વર્ષના હપતામાં જાણી ગયા છીએ. અહીં હવે, એમાંના રહી ગએલા કેટલાક મુદ્દાઓ ઉમેરીને એ દરેક ક્રિયાને વધારે વિસ્તારથી સમજીશું, છાપવાના સંચા પરથી ઊતર્યા પછી કાગળ પરની શાહીને સુકાવા તથા જામવા દેવાને એકાદ દિવસ રાખી મૂકવામાં આવે છે, અને તે પછી એક ક્રિયા, જે પશ્ચિમના દેશેામાં મોટે ભાગે હવે કરવામાં નથી આવતી તે, આપણે ત્યાં કરવામાં આવે છે. તે છાપેલા કાગળને દબાણમાં નાખવાની. આપણે ત્યાં ઘણુંખરૂં જૂની ઢબના સંચાઓ પર, સામાન્ય કારીગરોને હાથે કામ લેવાનું હોવાથી તથા છાપખાનામાં જૂના નવા બંને પ્રકારનાં બીબાં ભેળસેળ હોવાથી સ્પષ્ટ છાપ લાવવા માટે સામાન્ય રીતે છાપને વધારે દાબ આપે છે. આથી કાગળની બંને બાજુની છાપના દાબ, પરસ્પરની સામે બાજુએ આછા ઘોબા જેવા ઊઠી આવે છે. આ દાબ બેસાડી દેવા સારૂ, છાપેલા કાગળો સૂકાયા પછી એકાદ દિવસ માટે તેમને મોટાં દબાણ પ્રેસમાં, વચ્ચે વચ્ચે લીસાં કડક કાર્ડ મૂકીને, દાબી રાખવામાં આવે છે. મશિનો ઊંચાં હોય, બીબાં એકધારી ઊંચાઈનાં અને કાળજીપૂર્વક સાચવેલાં હોય તથા કારીગર હોશિયાર હોય તો પાછલી બાજુ જરા પણ દાબ આવવા દીધા વિના સફાઈવાળી સુઘડ છાપ લાવી શકાય છે અને કાગળને દબાણમાં નાખવાની ભાગ્યે જ જરૂર રહે છે.
વળામણી
દબાણમાંથી નીકળ્યા પછી કાગળ વળાવા માટે જાય છે. આ સાધારણ લાગતી ક્રિયા પણ ઓછા મહત્ત્વની નથી. છાપવામાં જેમ પાનાં ખરેખર એકબીજાની પાછળ–લીટીએ લીટી અને અક્ષરે અક્ષર મળે તે રીતે છપાય એ જેટલા અગત્યનું છે, તેમ તેટલા જ અગત્યની આ વળામણી પણ છે. કાગળ વાળવામાં, એકબીજાની સામે આવતાં પાનાની લીટીએ લીટી, સામસામી એકબીજા પર બંધબેસતી થઈ રહીને, પાનાં વચ્ચેની કોરી જગ્યાને બરોબર મધ્ય ભાગે ઘડ ન પડે તો પુસ્તકનું રૂપ માર્યું જાય છે, અને છાપવામાં લીધેલી કાળજી બધી ધૂળ મળી જાય છે. છપાએલા કાગળ ઉપર બંને બાજુએ પાનાં એવા ક્રમથી ગેઠવેલાં હોય છે કે તેને બેવડો, ચોવડો કે આઠવડો વાળતા જઇએ તેમ પાનાં સંખ્યાના ક્રમાંક પ્રમાણે એકબીજા પર ગોઠવાતાં જાય છે, અને કાગળ પૂરો વળાઈ રહે આખો ‘ફૉર્મ’ (અથવા ‘સેકશન’) તૈયાર થઈ જાય છે. દાખલા તરીકે ક્રાઉન સોળપેજી પુસ્તક માટે ડબલ ક્રાઉનના એક કાગળ ઉપર સોળ પાનાં એવા ક્રમથી ગોઠવીને તેને બંને બાજુએ છાપી લેવામાં આવે છે કે પછી એ કાગળને વચ્ચેથી ફાડીને બે ફડદ કરીએ એટલે દરેક ટુકડામાં આગળપાછળ
૧ થી ૧૬ સુધીના ક્રમનાં આઠઆઠ પાનાં પથરાઈ રહેલાં હોય. (જુઓ ચિત્ર ૨–આકૃતિ ૧) ૫છી એમાંનો એક ટુકડો લઈ તેની એક તરફની સપાટી ઉપર ડાબી તરફ આવેલાં ૭ અને ૨ પૃષ્ઠાંકની ઉપરાઉપર જમણી તરફનાં ૬ અને ૩ પૃષ્ઠાંક બરોબર આવી રહે એ રીતે (ચિત્ર ૨ આકૃતિ ૨) તેને બંને છેડા ભેગા કરી લઈ તેને અદ્ધર પ્રકાશ સામે ધરી ખાત્રી કરી લે, અને બરોબર મેળવાઈ રહે એટલે કાગળને વચ્ચેથી ઘડ વાળે. ૭ અને ૨ ઉપર છે અને ૩ પૃષ્ઠાંક બરોબર ગોઠવાયા હશે તો ૧૦ અને ૧૫ ઉ૫ર અનુક્રમે ૧૧ અને ૧૪ આપમેળે આવી રહેશે એ તો દેખીતું છે. આમ ઘડ વળી એટલે હવે પાછળની બાજુનાં ૧૨, ૧૩, ૪ અને ૫ પૃષ્ઠાંકવાળાં પાનાં ઉપર આવવાનાં. (આકૃતિ ૩) કાગળને હવે આડે ફેરવી નાખી ૧૩ નો અંક બરોબર ૧૨ ઉપર અને ૪ નો અંક પ ઉપર બંધ બેસી. રહે તેમ ગોઠવી બીજી ઘડ પાડે એટલે ૮ અને ૯ અંક ઉપર આવવાના. તે બંનેને સામસામાં ગોઠવી ત્રીજી ઘડ પાડે ૧ થી ૧૬ સુધીના ક્રમનો ફૉર્મ તૈયાર થઇ જશે. ન સમજણ પડે તો આપેલી આકૃતિઓ પ્રમાણે નાના કાગળના ટુકડા ઉપર નમૂનો કરીને વાળવાથી સમજાઈ જશે. આ જ ઢબથી જુદા જુદા કદ પ્રમાણે ૧૨, ૨૪, ૩૨, ૩૬, ૪૮ કે ૬૪ પેજી પુસ્તકોની ઘડ પાડવામાં આવે છે. ઘડ જો વધારે પાડવાની હોય અને કાગળ જો કડક હોય તો ઘડ પાડતી વખતે બહુ મુશ્કેલી પડે છે અને કેટલીકવાર ફૉર્મની પીઠ કે મથાળાની ઘડ આગળ કરચલી કે ખજૂરો પડી પુસ્તકને ખરાબ કરે છે. એટલે વધારે પેજી પુસ્તક, જેમાં ઉપરાઉપરી ઘણી ઘડ પાડવાની હોય તેવાના કિસ્સામાં, કાગળની પસંદગી વખતે તે બહુ જાડો અને કડક ન હોય તેની ખાસ કાળજી રાખવી જરૂરી છે. આપણે ત્યાં તો ઓછી ખપતને કારણે પુસ્તકની એક, બે કે બહુ તો પાંચ હજાર સુધી નકલો જ છપાતી હોઈ વળામણનું આ કામ હાથેથી જ કરવામાં આવે છે; પરંતુ પશ્ચિમના દેશોમાં તો વાળવાના સંચા (ફોલ્ડિંગ મશિન) આવે છે, જેમાંના સારા ઊંચા સંચા ઉપર તો જુદાંજુદાં કદ અને પ્રકારની લગભગ ૨૦૦ વિવિધ પદ્ધતિઓની વળામણી થઈ શકે છે. છતાં ઉત્તમ કોટિના (એન્સાઈક્લોપીડિયા કે બાઈબલોમાં વપરાતા ઇન્ડિયા પેપર જેવા) અતિ પાતળા કાગળો, કે ખાસ આવૃત્તિઓમાં વપરાતા અસામાન્ય દળના જાડા કાગળો ત્યાં પણ હાથેથી જ વળાય છે. વળાઈ રહ્યા પછી ફરી પાછા પુસ્તકના ફૉર્મને એકવાર દબાણ પ્રેસમાં નાખી દાબી રાખવામાં આવે છે, જેથી પાનાં વચ્ચેની હવા નીકળી જાય તથા ઘડ બરોબર બેસી જાય. સામાન્ય રીતે આ ક્રિયા બહુ મોટા દળનું અને ઝાઝા ફૉર્મનું પુસ્તક હોય તો જ કરવામાં આવે છે.
મેળવણી
એક કરતાં વધારે ફૉર્મનું પુસ્તક હોય તો એના છુટાછુટા ફૉર્મને હવે ક્રમવાર મેળવીને એકબીજા પર મૂકી તેની થપ્પી કરવાની આવે છે. આને મેળવણી કહે છે. પોતાની સામે અર્ધ ગોળાકારે ફૉર્મના થોકડા ક્રમવાર મૂકીને માણસ તેમાંથી પહેલેથી એક પછી એક ફૉર્મ લઈ એકબીજા પર મૂકી ક્રમસર ગોઠવતો જાય છે અને એ રીતે બીજે છેડે પહોંચે એટલે આખું પુસ્તક ગોઠવાઈ રહે છે. એક માણસ આ રીતે પોતાની આસપાસ લગભગ ૮ થી ૧૦ ફૉર્મની થપ્પીઓ રાખી મેળવણી કરી શકે છે. પુસ્તક તેથી વધારે ફૉર્મનું હોય તો વધારે માણસો જુદીજુદી થપ્પીઓ લઈને આ રીતે બેસે છે, અને પછી પોતપોતાની મેળવાએલી થોકડીઓ ક્રમમાં એકઠી કરી લઈ પુસ્તક તૈયાર કરે છે. આ રીતે મેળવાએલા ફૉર્મ બરોબર ક્રમમાં ગોઠવાયા છે કે નહિ તેની ફરી એકવાર તપાસણી કરી જવામાં આવે છે જેને અંગ્રેજીમાં ‘કોલેટિંગ’ કહે છે. પુસ્તક ઝાઝાં ફૉર્મનું હોય તો મેળવણી પછીની આ ક્રિયા સહેલી થઇ જાય એટલા માટે એક હિકમત કરવામાં આવે છે. વળીને તૈયાર થએલા ફૉર્મની પીઠની ઘડ જ્યાં આવે છે તેજ જગ્યાએ બરોબર, ફૉર્મ છપાતી વખતે જ એક ઝીણી કાળી નિશાની છપાય એવી રચના કરી લેવામાં આવે છે, અને એક પછી એક છપાતા આવતા ફૉર્મમાં, આ નિશાની થોડી થોડી એકસરખા માપથી નીચે ને નીચે ઉતારતા જઇ છાપવામાં આવે છે, જેથી જ્યારે બધાં ફૉર્મ મેળવાઈ રહે ત્યારે પુસ્તકની પીઠ ઉપર કર્ણાકારે એકસરખી ત્રાંસી લીટીમાં નીસરણીનાં પગથિયાંની માફક સીધા નિયમિત અંતરે આવીને એ બધી નિશાનીઓ ગોઠવાઈ રહેલી હોય છે. મેળવણીમાં જો ભૂલ થઈ હોય તો આ લીટીમાં આપમેળે જ ખાંચ આવીને ભૂલ તરત પકડાઈ જાય છે.(જુઓ ચિત્ર ૫-આકૃતિ ૧)
ચિત્રો
પુસ્તકમાં જો છુટાં છાપેલાં ચિત્રો, નકશાઓ વગેરે દાખલ કરવાં હોય તો મોટે ભાગે તેને સીવણમાં ન લેતાં મેળવણી વખતે જ દાખલ કરી લેવાય છે. ચિત્રની કિનાર પર શુમારે ૧/૧૦ ઈંચ જેટલી પહોળાઈમાં લાહી ચોપડી, તેને જે પૃષ્ઠ સામે દાખલ કરવાનું હોય ત્યાં, ફૉર્મની કિનાર જોડે ચિટકાવી દેવામાં આવે છે. આવાં ચિત્ર ચોડવાનું સ્થાન (એટલે કે જે પૃષ્ઠની સામે તેને ચોડવું હોય તે પૃષ્ઠ) પસંદ કરવામાં સાવચેતી રાખવી. બનતાં સુધી તો તે ફૉર્મના પહેલા અથવા છેલ્લા પૃષ્ઠની સામે આવે તેવી જ રચના કરવી; નહિતર તે સિવાય ફૉર્મની અંદરના કોઇ પાને તે ચોટાવાનું આવે તો બાઇન્ડરને એ વાળેલા ફૉર્મને તે પાના આગળથી હાથ વડે કાપી નાખીને પછી ત્યાં ચિત્ર ચિટકાવવું પડે છે, અને આ પ્રકારની વધારાની મહેનતનો ખર્ચ પુસ્તક ઉપર ચડે છે.
’સીવણ’
ઘડ વાળીને ચિત્ર ચોડાઇ મેળવાઇ પુસ્તકાકારે થપ્પીમાં ગોઠવાઈ ગયા ૫છી પુસ્તકની સિલાઈ શરૂ થાય છે. સિલાઇ વિષે ગયા વર્ષના હપતામાં ઘટતા વિસ્તારથી કહેવાઇ ગયું છે એટલે અહીં તેનું પુનરાવર્તન નહિ કરીએ. એકાદ ફૉર્મની ચોપડીને માટે વચ્ચે ટાંકાની (દોરાની કે સ્ટિચિંગ મશિન પર કરેલી વાળાના ટાંકાની) સિલાઇ ઉચિત છે કૅટલૉગો, રીપોર્ટો, માસિકો તથા એવાં પાતળાં અને ઓછી અગત્યનાં કામો, જેમાં થોડાં ફૉર્મ હોય, તેને માટે પડખામાં ટાંકા લઈ સ્ટૅબ અથવા સ્ટીચ સિલાઇ ચાલે. પાતળી પુસ્તિકાઓ ઉપર ઘણીવાર શોખને માટે રેશમી દોરો બંધાવવાનો પણ રિવાજ છે. આમાં પણ પુસ્તકને પહેલાં વાળાના ટાંકા તો લઈ જ લેવા જોઈએ. પછી પુસ્તકના પડખામાં ‘પંચ’ (વીંધણા) વડે કાણાં પાડી તેમાં સુશોભિત રેશમી દોરી બાંધવામાં આવે છે. કેટલીક વાર પુસ્તિકા બહુ પાતળી હોય તો પડખામાં કાણા ન પાડતાં સોય વડે પીઠમાં જ રેશમી દોરાની સિલાઈ હાથેથી કરી લેવામાં આવે છે. (ચિત્ર ૩–આકૃતિ ૩) પણ આ ખર્ચાળ હોવાથી ખાસ શોભાવાળાં કામોમાં જ કરવું સલાહભર્યું છે.
પૂઠાં
પૂઠાંના પ્રકારો વિષે પણ આપણે ગયા લેખમાં સમજી ગયા છીએ. સામાન્ય પુસ્તિકાઓને, કૅટલૉગો માસિકો જેવાં પરચુરણ કામોને, તથા કેટલીકવાર બસો પાનાં સુધીનાં પુસ્તકો સુદ્ધાંને માટે પણ, સુંદર દેખાવ રંગ અને ભાત વાળા જાડા પૂઠાંના કાગળો વપરાય. આવા કાગળો ઉપર જોઈતું છાપકામ (પુસ્તક તથા કર્તાનું નામ, પ્રકાશક વગેરે) અગાઉથી જ કરી લેવાય છે; અને પછી સિવાઇને તૈયાર થએલા પુસ્તકની પીઠ ઉપર લાહી અથવા સરેસનો સારો હાથ મારી તેના પર એ પૂઠાં ચોંટાડી દેવાય છે. પૂઠાં ચોડાઈ રહ્યા બાદ કાપવાના સંચા પર તેની ત્રણે કોરો સફાઈથી સપાટ છાંટી લે છે. (ચિત્ર ૩–આકૃતિ ૧) ૫ણ કેટલીક વાર પૂઠાંની ત્રણે બાજુની ધારો, પાકી બાંધણીની પેઠે આગળ પડતી રાખવી હોય છે. (આકૃતિ ૨) આવે વખતે પૂઠું ચોડ્યા પહેલાં જ પુસ્તકની ધારો છાંટી લેવાય છે. જાડા પૂઠાવાળાં એટલે ડફટિન-બોર્ડ-નાખેલાં પુસ્તકોમાં પણ વિવિધ પ્રકાર છે. એ પ્રકારોની પસંદગી તથા તેને માટે વાપરવાના ડફટિનની જાડાઈનો આધાર પુસ્તકના દળ, વપરાશ અને મહત્ત્વ ઉપર રહે છે. બહુ અગત્યનાં ન હોય તેવાં, મધ્યમ વપરાશનાં અને સોંઘે ખર્ચે પાર ઉતારવા જેવાં પુસ્તકો માટે, પીઠ પર થઇને બંને બાજુનાં પૂઠાં પર પથરાઈ રહેતા સળંગ કાગળ ચોડેલી બોર્ડની બાઈન્ડિંગ ચાલે. અંગ્રેજીમાં એને Paper-boards કહે છે (આકૃતિ ૪). પુસ્તકને એથી જરા વધારે મજબૂત અને આકર્ષક કરવું હોય તો કાગળ સળંગ ચોડવાને બદલે પીઠ ઉપર છીંટની પટ્ટી રાખી બંને બોર્ડ ઉપર કાગળ ચોડે છે. (આકૃતિ ૬) આ બધામાં કાગળને ૫હેલેથી જ છાપી લેવામાં આવે છે. પૂઠાંના કાગળો સામાન્યતઃ બહુ લીસી
સપાટીના ન હોવાથી તેના ઉપર હાફટોન કે ફોટો બ્લૉક છાપી શકાતો નથી. આવા કિસ્સામાં ફોટો બ્લૉક જુદા કાગળ ઉપર પહેલેથી છાપી, તેને જરૂરના માપમાં વેતરી કાઢીને પછી પૂઠા ઉપર ચોડવામાં આવે છે (જુઓ આકૃતિ ૬ ની ઉપર). કવિશ્રી નાનાલાલે પોતાનાં પુસ્તકોનાં પૂઠાં (અલબત્ત કાચાં) આ રીતે કરાવવાં શરૂ કર્યા છે. વધુ મહત્ત્વનાં તથા કિંમતી અને ચાલુ વાપરનાં પુસ્તકો ઉપર સળંગ છીંટનાં પૂઠાં સલાહભર્યાં છે (જુઓ આકૃતિ ૫). એથી ૫ણ વધારે વપરાશ અને મહત્ત્વના તથા કાયદાનાં પુસ્તક જેવા જાડા ગ્રંથો, હિસાબનાં લેજરો, રજિસ્ટર વગેરેને પીઠના ભાગમાં ચામડું નાખીને હાફ લેધર બાઈન્ડિંગ (આકૃતિ ૭), અથવા પીઠ ઉપરાંત આગળના ખૂણાઓ ઉપર પણ ચામડું મઢીને થ્રીફોર્મ્સ લેધર—પોણા ભાગમાં ચામડાની—બાઇન્ડિંગ (આકૃતિ ૮) કરાવે છે. ખાસ ઊંચી બાંધણીનાં પુસ્તકો સળંગ ચામડાથી બંધાવે છે, (આકૃતિ ૯) જેમાં એકબે પ્રકાર તે પૂઠું નાખ્યા વિનાના, મખમલ જેવી સુંવાળી બાંધણીના છે, જેને અંગ્રેજીમાં ફ્લેક્સિબલ લેધર બાઈન્ડિંગ અને લિમ્પ લેધર બાઈન્ડિંગ કહે છે. (આકૃતિ ૧૦) બાઈબલો જેવાં ધાર્મિક પુસ્તકો, કાવ્યનાં સુંદર પુસ્તકો, ભેટ આપવા માટેનાં કિંમતી પુસ્તકો તથા ઉત્તમ ગ્રંથોની વિશિષ્ટ આવૃત્તિઓની બાંધણી આ રીતે થાય છે.
સેક્શન સિલાઈ
ઠીક દળનાં અને કાયમી વપરાશનાં પસ્તકો માટે તો સેક્શન સિલાઈ જ જરૂરની છે. આ રીતે સીવાએલું પુસ્તક આખું સપાટ ઊઘડી શકે છે અને તેનાં પાનાં ખેંચાઈ આવતાં નથી. તેની લાંબી વિગતમાં ન ઊતરતાં અહીં ટૂંકામાં એટલું સમજાવવું બસ થશે કે મેળવાઈ તપાસાઈને ગોઠવાએલી પુસ્તકની થપ્પીને લાકડાના સીઘરા વચ્ચે મજબૂત જકડી, તેની પીઠમાં ઝીણી કરવત વડે પુસ્તકની લંબાઈના પ્રમાણમાં છ, આઠ કે દસ આછા વહેર મૂકી કાણાં પાડવામાં આવે છે. પછી બંને છેડાનો એકેક વહેર બાદ કરતાં, વચ્ચે જેટલા બાકી રહે તેટલી ઊભી સૂતળીઓ બાંધેલી સીવણની ઘોડી ઉપર, એ વચલા વહેરની દરેક ખાંચમાં દરેક સૂતળી બેસી જાય એ રીતે, એક ફરમો ગોઠવવામાં આવે છે. હવે એ ફૉર્મને એક હાથે બરોબર મધ્યેથી ઉઘાડી, એક છેડાના વહેરના વેહમાંથી સોય નાખી ફૉર્મની વચ્ચે કાઢે છે, અને ત્યાંથી તે પછીના—પહેલી સૂતળીવાળા વેહમાં સોય નાખીને બહાર કાઢી, પેલી સૂતળીને સોયના દોરાનો આંટો લઈ ફરીથી એ જ વેહમાંથી સોય નાખી ફૉર્મના વચલા ભાગે કાઢે છે. આ રીતે પેલા વેહમાં ગોઠવાએલી બધી સૂતળીઓ સીવણની સાથોસાથ પુસ્તકની પીઠ સાથે ગંઠાતી જાય છે, સેક્શન સિલાઈની ઘણી પદ્ધતિઓમાંની આ એક છે. સાથેનું ચિત્ર જોવાથી વિગતવાર આ પદ્ધતિ સમજાશે.
આ રીતે સિવાઇને પુસ્તકો પૂરાં થાય એટલે એ ખાંચોમાં ગંઠાએલી સૂતળીના છેડા, દરેક પુસ્તક દીઠ બંને બાજુ એકાદ ઈંચ લાંબા રહે એ રીતે કાપી લઈને એક એક પુસ્તક છૂટું કરી નાખે છે. પાછળથી આ છેડા પૂઠાની સાથે ચોડાઇને મિજાગરાંનું કામ કરે છે. કેટલેક ઠેકાણે આ સૂતળીને બદલે સુતળીને બદલે સુતરની ફીત (પાતળી પટ્ટી) પણ વપરાય છે. પીઠકામ સિવાઈ રહ્યા પછી પૂઠું ચડાવવા માટે પુસ્તકને (મુખ્યત્વે તેની પીઠને) તૈયાર કરે છે. આ ક્રિયાને અંગ્રેજીમાં ફૉર્વડિંગ કહે છે. આમાં નાનીનાની પાંચેક ક્રિયાઓનો સમાવેશ થાય છે. પહેલાં તો સીવાએલી પીઠ ઉપર બુઠ્ઠા કડક બ્રશ વડે ઊંચા સરેસનો એક હાથ મારે છે. બ્રશ કડક ને બુઠ્ઠું એટલા માટે કે ફૉર્મોની સાંધમાં સરેસ ઊતરીને તેઓને જકડી લે. બાંધણી માટે વપરાતાં બધાં સાધનોમાં સરેસ વિષે ખાસ કાળજી જરૂરની છે. જોકે એ વિષય બાઈન્ડરનો છે, અને પુસ્તક બંધાવનારનું તેમાં બહુ ઓછું ચાલે છે, તોપણ તે વિષે ધ્યાન આપવાનું ચૂકવું નહિ. હલકી જાતનો સરેસ પુસ્તકના કાગળ અને પટ્ટીઓ સાથે એકરૂપ થતો નથી અને પરિણામે તરડાઇને ઉખડી જાય છે. આવાં પુસ્તકો ઉઘાડો ત્યારે તેની પીઠમાંથી કડાકા ફૂટતા સંભળાય છે અને ટૂંક વખતમાં તેની પીઠ પરથી પૂઠું છુટું પડી આવે છે. બાંધણી માટે ગ્લિસરીનની મેળવણીવાળો મુલાયમ સરેસ–elastic glue જરૂરનો. કેટલીક વાર જતે દહાડે સરેસ કડક થતો જાય તે તેમાં કાગળની જાત પણ કારણભૂત હોય છે. સરેસનો પહેલો આછો હાથ સુકાયા પછી પુસ્તકની પીઠ કાઢવામાં આવે છે. પીઠ કાઢવી એટલે પીઠના ભાગને ઢેકાની માફક ગોળાકારે ઉપસતો બનાવવો, જેથી પુસ્તકની આગલી કિનાર બીજના આકારમાં અંદર પડતા ગોળાકારની થાય. એક ઈંચ તથા તેથી વધારે જડાઇનાં પુસ્તકોની પીઠ કાઢવી જરૂરી છે. આ ક્રિયાનો ઉદ્દેશ પુસ્તકનો ઘાટ અખંડ જાળવી રાખવાનો તથા સિલાઈ ઢીલી ન પડવા દેવાનો છે. સામાન્યરીતે કોઇ ૫ણ પુસ્તકને ઉઘાડો એટલે તેની આગલી કિનારનો વચલો ભાગ બહાર ધસી આવવાનો, અને પછી બંધ કરતી વખતે તે પાછો પૂરેપૂરો અંદર પેસવાનો નહિ. પુસ્તકોની પીઠ કાઢી ન હોય તે લાંબી વપરાશનાં પુસ્તકોમાં જતે દહાડે પીઠના ભાગમાં ગોળાકારે ખાડો પડવાનો અને સિલાઈના દોરા ઢીલા પડી જવાના. ઉપરાંત, આગલી કોર બહાર ધસી આવીને પાનાંની કિનારો મેલી થવાની તથા ઘસારાથી તેમાંથી રૂંછાં નીકળવાનાં. આ કારણને લીધે જાડાં પુસ્તકની પીઠ કાઢવી જરૂરની છે. પુસ્તક જેમ જાડું તેમ તેને મજબૂત અને સારી પીઠ કાઢવી વધારે જરૂરની. પીઠ કાઢવામાં બે ક્રિયાઓ હોય છે. પહેલાં પુસ્તકને લાકડાના મોટા સીઘરા વચ્ચે પકડી પીઠને હથોડીથી ધીમેધીમે ટીપીને ગોળ બનાવવામાં આવે છે, (જુઓ-ચિત્ર૧-આકૃતિ ૧૦) અને પછી એ ગેળાકારને, બંને બાજુએ સફાઈપૂર્વક વધારે જોરથી ટીપી તેની બંને કિનારોને મજબૂત તથા આંકડા જેવી વળેલી બનાવી દે છે, (ચિત્ર ૧-આકૃતિ ૯) જેમાં મિજાગરાની માફક પુસ્તકનું પૂઠું બરોબર ભરાવાઈ રહે છે અને ગમે તેટલી ઉઘાડવાસ થતાં પણ પુસ્તકનો ડોળ કે સિલાઇ કશું બગડતું નથી. પીઠ કાઢવાની આ બંને ક્રિયાઓ (rounding અને backing) માટે હવે તો ખાસ સંચાઓ આવે છે. કેટલીકવાર—અને ખાસ કરીને મજબૂત પુસ્તકોની બાબતમાં—પીઠ ઉપર સરેસનો હાથ પીઠ કાઢ્યા પહેલાં મારવાને બદલે પીઠ કાઢ્યા પછી મારે છે. પીઠ નીકળ્યા પછી તેના ઉપર આછા પોતની હલકી મલમલનો કટકો સરેસ વડે ચોંટાડવામાં આવે છે. આ મલમલના બંને છેડા પીઠ ઉપરથી એક ઇંચ બહાર નીકળી આવે એટલા લાંબા રાખે છે, જેથી તે પૂઠા સાથે ચોડાઈ જઈને મિજાગરાંની ક્રિયાનો અર્થ સારે છે. એ તો સહજ સમજાય એવું છે કે આ મલમલ જેમ સારી અને મજબૂત તેમ પુસ્તકની બાંધણીની આવરદા વધારે. આ સુકાયા પછી પીઠ પર ફરીથી સરેસનો બીજો હાથ મારવામાં આવે છે અને તેના પર સહેજ જાડા કાગળનો, બરોબર પીઠના જ માપનો ટુકડો ચોંટાડી દે છે. આથી પીઠ વધારે કડક બને છે અને તેના ઘાટને કાયમનું સ્વરૂ૫ મળી જાય છે. (ચિત્ર ૫-આકૃતિ ૪) અહીં ‘ફૉર્વડિંગ’ની ક્રિયા પૂરી થાય છે અને તૈયાર રાખેલાં પૂઠાં–‘બાઈન્ડિગ કેઈસ’–ચડાવી દેવાને માટે પુસ્તક તૈયાર થાય છે. સારૂં ફૉર્વડિંગ થએલું પુસ્તક બહુ જ સરળતાથી ઉઘડી શકે છે અને તેનાં પાનાં સપાટ પથરાઈ રહે છે.
મગજી
ચામડાની બાંધણીનાં અથવા ખાસ રૂપરંગવાળાં ઊંચી બાંધણીનાં પુસ્તકોમાં આ ઉપરાંત પીઠના મથાળા તથા છેડાની (કોઈવાર એકલી મથાળાની) કિનારો ઉપર મગજી મૂકવામાં આવે છે. આ મગજી એટલે જાડી દોરી ઉપર રંગીન સુતરાઉ અગર રેશમી કપડાના કટકા વીંટાળી, તે પીઠના માપના કાપી, એ કિનારો પર ચોડે તે. આનો ઉદ્દેશ કિનારોને મજબૂતી આપવા ઉપરાંત વિશેષે શોભાનો હોય છે. પુસ્તકની આગલી ત્રણે કિનારો સોનેરી અથવા રંગીન કરી હોય ત્યારે આ મગજી જરૂરની ગણાય છે. વળી ‘વાંચન-વિરામ’ વખતે નિશાની રાખવા માટે કેટલાંક પુસ્તકોમાં રેશમી ફીતો રાખવામાં આવે છે તે આ મગજી ઉપર જ ચોંટાડાય છે.
બે પ્રકારની બાંધણી
ફૉર્વડિંગ (પીઠકામ) પૂરૂં થયા પછી તેના ઉપર પૂઠાં ચડાવવાનું કામ શરૂ થાય છે. પશ્ચિમમાં પુસ્તકબાંધણીની કારીગરીના બે પ્રકાર છે. એક પુસ્તકની અંગરૂપ(એટલે તેના દેહ ઉપર જ કરવામાં આવતી) બાંધણી, અને બીજી પૂઠાં જુદાં તૈયાર કરીને પછી સીવેલા પુસ્તક પર ચડાવી દઈને થતી બાંધણી. પહેલો પ્રકાર (જેને inboard binding કહે છે તે)માં પુસ્તકની બંને બાજુઓ પર, તેના માપનાં પૂઠાં કાપીને ચોડવામાં આવે છે અને પછી તેને સાથે લઈને સીવણ, પીઠકામ, ચામડું કે છીંટ ચડાવવાનું, તથા સોનેરી કારીગરી, સુશોભનો વગેરે જે કરવાં હેાય તે એ પૂઠાં ઉપર જ કરવામાં આવે છે; અને આ બધું કામ ખાસ પ્રકારનું, હાથ કારીગરીથી જ તથા ઉસ્તાદ કારીગરોને હાથે થતું હોવાથી મોંઘું થાય છે. સંખ્યાબંધ આવૃત્તિઓનાં નીકળતાં સામાન્ય પ્રકાશનો તો બીજા પ્રકારની (જેને case-binding કહે છે તે) બાંધણીથી જ તૈયાર થાય છે. એમાં પુસ્તકના કદના પૂઠાંનાં ખોખાં (binding cases) જુદાં તૈયાર કરી લઈ પછી પુસ્તકો પર ચડાવવામાં આવે છે.
બાઈન્ડિંગ કેઈસ-પૂઠાંનાં ખોખાં
એ પૂઠાંનાં ખોખાં બનાવવા માટે પુસ્તકના કદનાં ડફટિન-બૉર્ડ-પહેલાં કાપી લઇ, પુસ્તકની પીઠની જાડાઈના મા૫ના લાકડાના ફરમાની આજુ-બાજુ સરેસ લગાડેલા કાપડ (કે કાગળ જેનું પૂઠું કરવું હોય તેના) ઉપર મૂકીને લાકડાનો ફરમો ઉપાડી લેવામાં આવે છે, અને તેની ખાલી જગ્યાએ પીઠની પહોળાઈનો કાગળનો ટુકડો મૂકી કાપડ (કે કાગળ), જેના છેડા ચારે તરફથી અરધો પોણો ઇંચ જેટલા લાંબા રાખેલા હોય છે તે, વાળી દઇ ચોડી દે છે (ચિત્ર પ-આકૃતિ ૫). આ રીતે તૈયાર થએલા પૂઠાને થોડો વખત સૂકાવા દઈ પછી તે પર પુસ્તકનું નામ છાપે છે, અગર સોનેરી દાબછાપ કે બીજા કોઇ શણગાર કરવા હોય તે કરી લે છે (આકૃતિ ૬). છાપવા માટે પૂઠાં જરા હવાએલાં હોય તો છાપ સારી જામે છે. આપણે ત્યાં કેટલીક વાર છીંટ કે કાગળને અગાઉથી છાપી લઈ પાછળથી ડફટિન ૫ર ચોડે છે, ૫ણ આમાં કારીગર કાળજી ન રાખે તો તે વાંકાંચૂંકાં ચોડાવાનો તથા છાપ પર ડાઘ પડવાનો ભય છે.
અસ્તર
છુપાઈને તૈયાર થએલાં બાઇન્ડિંગ કેઇસ હવે પુસ્તક પર ચડાવી દેવામાં વધારે કામ માગતાં નથી. ફૉર્વડિંગ પૂરૂં થયા પછી (ઘણું-ખરૂં તો પહેલાં જ) પુસ્તકની બંને બાજુએ અસ્તરના કાગળો ચોડવામાં આવે છે. તે, વચ્ચેથી વાળેલા, પુસ્તકના માપના, બે પાનના કટકા હોય છે. પહેલાં તેની કિનાર પુસ્તકની કિનાર સાથે ચોડી દે છે, અને ૫છી સિલાઈમાં ગંઠાએલી સૂતળી (કે ફીત)ના તથા પીઠ ઉપરથી લંબાએલા મલમલના છેડા તેના ઉપલા પાન પર ચોડી દે છે. (ચિત્ર પ-આકૃતિ૪) આથી જ્યારે એ ઉપલું પાન પૂઠા સાથે ચોડી દેવાય છે ત્યારે પૂઠાની અંદરની બાજુએ તે સુંદર અસ્તરરૂપ બની રહેવા ઉપરાંત એ પેલા મલમલ અને ફીત રૂપ પુસ્તકનાં મિજાગરાંને પૂઠા સાથે ચોંટાડી રાખવાનું કામ પણ કરે છે. તેનું બીજું પાન છૂટું રહીને પુસ્તક ઉપર રક્ષક પૃષ્ઠ તરીકે રહે છે. આ જ રીતે પાછલું અસ્તર પણ ચોંટાડાય છે અને પુસ્તક તૈયાર થાય છે. અસ્તરના કામ માટે વાપરવામાં આવતા આ કાગળો—જેને અંગ્રેજીમાં એન્ડ પેપર્સ (end papers) કહે છે તે વિષે થોડું જાણી લેવું જરૂરનું છે. સામાન્ય રીતે આપણે ત્યાં પુસ્તકમાં જે જાતનો કાગળ વપરાયા હોય તે જ અસ્તરમાં વાપરવામાં આવે છે. કેટલીક વખત તો પુસ્તકના બંને બાજુના (પહેલા તથા છેલ્લા) ફૉર્મનાં છેવટનાં પાન કોરાં રાખીને, સિલાઈ થયા પછી તેને જ અસ્તર તરીકે ચોડી દેવામાં આવે છે. પણ આ રીત ભૂલ-ભરેલી છે. એથી દેખાવ બેડોળ લાગે છે અને સિલાઇને નુકસાન પહોંચે છે. પુસ્તકનો તેના પૂઠા સાથેનો સંબંધ જડી રાખવામાં અસ્તરનો મોટો ફાળો છે, એટલે ખરૂં જેતાં તો તે કાગળ મજબૂત હોવા જોઈએ. તેને માટે ખાસ બનાવટના, વિવિધ ભાત છાપેલા તેમજ સાદા કાગળો પણ આવે છે, જે બાઈન્ડરોને ત્યાં હોય છે. કેટલીક વખત અસ્તર ઉપર પુસ્તકના ભાવને અનુરૂ૫ સુશોભનો, પ્રકાશક સંસ્થાનાં પ્રતીક અથવા પુસ્તકમાં આવતી હકીકતને લગતા નકશાઓ વગેરે પણ છાપવામાં આવે છે. આવું કાંઈ છાપવાની ઇચ્છા હોય ત્યારે અસ્તરના કાગળની ૫સંદગી કરતી વખતે તેની મજબૂતી ખ્યાલમાં રાખવી, તેમજ બાઇન્ડરની પણ સલાહ લેવી. કાગળ બહુ પાતળો કે ફીસો હશે તો પૂઠા અને પુસ્તકની સાંધ વચ્ચેથી વહેલો તૂટી જશે ને પરિણામે પૂઠું છૂટું પડશે. બહુ કડક કાગળ પણ નહિ સારો, કેમકે તે સાંધ આગળથી બરોબર વળીને ચો૫ડીને સારો પકડ નહિ લે, અને વપરાશમાં વહેલો ઘસાઈને સાંધમાંથી બટકી જશે.
ફરીથી દબાણમાં
પુસ્તક પર પૂઠું ચડાવીને અસ્તર ચોંટાડી દીધા પછી વચ્ચે એકેક બોર્ડ રાખીને તથા પીઠ બહારપડતી રાખીને પુસ્તકોને ફરીથી દબાણમાં નાખે છે, પશ્ચિમના દેશોમાં તે આ વચ્ચે રાખવાનાં પૂઠાંની કોરો ઉપર જરા ઉપસતી પિત્તળની પટ્ટીએ જડેલી હોય છે, જે પુસ્તકની પીઠ અને પૂઠાં વચ્ચેના ખાંચામાં બરોબર બેસી જઇ પૂઠાનો પકડ સજ્જડ બનાવે છે. પુસ્તક સંપૂર્ણપણે સુકાયા વિના આ દબાણમાંથી કાઢવાની ઉતાવળ કદી ન કરવી; નહિતર પૂઠાં બરોબર સજ્જડ ચડશે નહિ, અને હવાએલાં પૂઠાંને બહારની હવા લાગવાથી તે કોકડાં વળવા માંડશે. બીજી પણ એક વાત પર લક્ષ રાખવાની અગત્ય છે. ફૉર્વડિંગ ગમે તેટલું કાળજીપૂર્વક થયું હેાય કે પૂઠાંનાં ખોખા ગમે તેટલાં ઉમદા બનાવ્યાં હોય તોપણ જો ખોખાં અને પુસ્તક એકમેકને બરોબર બંધબેસતાં તૈયાર ન થયાં હોય તો પૂઠું પુસ્તકથી છુટાછેડા કરવાની ઉતાવળ કરવાનું, અને બંને પાછળ લેવાએલી મહેનત ધૂળ મળવાની. માટે પૂઠાંનાં ખોખાં પુસ્તક ઉપર બરોબર બંધ બેસે તેની ખાસ કાળજી રાખવી જરૂરની છે. સારો માર્ગ એ છે કે પુસ્તક પૂરૂં છપાઇ રહ્યા વિના અડસટ્ટે પૃષ્ઠસંખ્યા ટેવીને કાચા નમૂના (dummy)ને આધારે કદી પૂઠાં બનાવવાં નહિ. એવાં ‘ડમી’ ગમે તેટલી પાકી ગણતરી કરીને બનાવ્યાં હોય છતાં કોરા પાનાનાં ‘ડમી’ અને છપાઈને તૈયાર થએલા પુસ્તકમાં ઘણી વાર ફેર પડી જાય છે. લેખની શરૂઆતમાં જ કહ્યું છે તેમ બાંધણી એ પુસ્તકના દેહીની સ્વરૂપદાતા, ધારક અને રક્ષક હોવાથી બાંધણીમાં વપરાતાં કાગળ, છીંટ કે ચામડાની મજબૂતી અને દેખાવ પર ચીવટથી ધ્યાન આપવું જોઇએ. કાગળનાં પૂઠાં (પેપર બૉડ્ઝ)ની બાબતમાં તો, કાચાં પૂઠાં માટે જે જાડા ને ઊંચા કવર પેપર વપરાય છે તેનાથી જરા ઓછા દળના કાગળ હોય તોપણ ડફટિન ૫ર ચોડવા માટે ચાલે; કેમકે ઘસારાનું મુખ્ય સ્થાન જે પીઠ ત્યાં છીંટની પટ્ટી હોય છે. માત્ર એટલું ખ્યાલમાં રાખવું કે તે ચીકટ, લીસો અને ઉઠાવદાર રંગનો હોવો જોઈએ. બહુ ખરબચડી સપાટીવાળા કાગળ પર ઘસારો લાગતાં તેમાંથી રૂંછાં નીકળવા માંડે છે, તે મેલને ઝટ સંઘરે છે અને વહેલો ફાટી જાય છે.
છીંટ
છીંટ તો અનેક પ્રકારની આવે છે. આપણે ત્યાં સામાન્યતઃ સોંઘી બાંધણી કરાવવાનું ધોરણ હોવાથી વિવિધ રંગ, પ્રકાર, જાત અને કદના ‘કટપીસ’ની સસ્તી પેટીઓ જ બાઈન્ડરો ખરીદે છે અને આ ‘ભેળ’ જ બધી બાંધણીઓમાં વપરાય છે. દેશની ગરીબાઈ અને કરકસરના ધોરણથી જોતાં આ બરોબર હશે, પણ એમાં બાંધણીનો મુખ્ય હેતુ, જે પુસ્તકની એકરૂપતાને મજબૂતી જાળવવાનો તથા તેનું વ્યક્તિત્વ પ્રકટાવવાનો છે તે, જળવાતો નથી; માત્ર ઉપયોગ સરે છે. એટલે પાકી બાંધણી જેટલું ખર્ચ કરવા સુધી તૈયાર થનારાઓ તે પુસ્તકને માટે એક જ રંગ અને જાતની છીંટ વાપરવાનો આગ્રહ રાખે એ ઉચિત છે. બાઇન્ડિંગની છીંટની શોધ થયે પણ આજ લગભગ એક સૈકો થઈ ગયો, શરૂઆતમાં તો ચામડાને બદલે એને દાખલ કરતાં અને કાપડનાં પૂઠાં પુસ્તકો માટે કરી શકાય એ વાત લોકોને ગળે ઉતારતાં મુશ્કેલી પણ બહુ પડેલી. વળી એ વેળા તેની બનાવટ પણ એટલી સારી નહોતી થતી. આજે તો અનેકવિધ જાત, પોત, રંગ અને સપાટીવાળું કાપડ બને છે. અમેરિકા, જર્મની અને ઇંગ્લંડ એનાં મુખ્ય મથકો છે. એ છીંટની બધી જાતની વિગતો તથા પરીક્ષામાં ઉતરવાનું આ સ્થળ નથી, પણ ટૂંકામાં ‘લિનન બકરામ’ સૌથી મજબૂત અને શ્રેષ્ઠ છે;–એટલું કે ચામડાની બરોબરીની તેની મજબૂતી ગણાય છે, અને માત્ર બહુ સારા પ્રકારનું ચામડું જ તેના કરતાં ટકાઉપણામાં ચડી શકે છે. કૅન્વાસ (કંતાન) જેવા પોત તથા સપાટીનું એ જ નામનું કાપડ આવે છે તેના દેખાવ અને રૂપરંગનો મેળ બેસાડી શકાય તો એ પણ ઠીક મજબૂત કાપડ ગણાય છે. એક બીજી વાત, જે જોકે ખાસ કરીને બાઈન્ડરોએ જાણવા જેવી છે, છતાં આપણે ૫ણ તે ધ્યાનમાં લીધી હોય તો પુસ્તકની મજબૂતી જાળવવામાં ઉપયોગની છે. બાંધણીની આ છીંટોના વણાટમાં તાણા કરતાં વાણો વધારે નબળા હોય છે, આથી તેને એક જ તરફ સરળતાપૂર્વક ફાડી શકાય છે. જે પૂઠાની એક કિનારથી બીજી કિનારની દિશામાં–આડક્ષેત્રે (horizontally) છીંટનો તાણો આવે એ રીતે બાંધણી કરી શકાય તો મજબૂતી વધારે રહે છે. પણ આ બાબતે જાળવવી કેટલીકવાર મુશ્કેલ છે; કેમકે જુદાંજુદાં પુસ્તકોનાં કદ જુદાંજુદાં હેાય છે, અને છીંટ માત્ર એક જ માપના (લગભગ એક વારના) પનાની આવે છે, એટલે કરકસરને માટે તેમાંથી બને તેટલાં વધુ પૂઠાં કાઢવાનો વેત ઉતારવા સારૂ કેટલીકવાર આડાં-અવળાં પૂઠાં વેતરવાં પડે છે. છીંટને વિષે બીજો મુદ્દો ખ્યાલમાં રાખવાનો તે તેના રંગનો. ‘વૉટર પ્રુફ’ની છા૫ વાગીને આવતી બધી જ છીંટ સાચી વૉટરપ્રુફ હોતી નથી. સહેજ પાણી લાગતાં રંગ તથા આર ઉખડી જઈને સુતરના ધાગા દેખાઈ આવે એવી હલકી છીંટ બહુ આવે છે. ઉપરાંત, અમુક રંગ એવા હોય છે કે ગમે તેવી ઊંચી અને મજબૂત બનાવટની છીંટ પરથી પણ, પ્રકાશની અસરથી, વખત જતાં તે ઊડવા લાગે છે. આપણા દેશમાં સૂર્યપ્રકાશ વધારે તેજ અને લાંબો વખત રહેતો હોવાથી વધારે કાળજી જરૂરની છે. આ બાબતમાં જોકે કશો ખાસ ઉપાય ચાલે તેવું નથી; માત્ર રંગની પસંદગીમાં વિચાર રાખવો. દુર્ભાગ્યે આકર્ષક અને ભભકભર્યા જેટલા રંગો છે તે જ વહેલા ઊડવા માંડે છે. લીલા અને આસમાની રંગ ઉપર વહેલી અસર થાય છે. રંગ ઊડવાનું બીજું એક કારણ પણ છે. પૂઠાં ચોડાતી વખતે સરેસમાંની ભીનાશ લાગવાથી ડફટિનમાંનો આલકૅલી બહાર નીકળી આવી છીંટના રંગ પર રાસાયણિક અસર કરે છે. પણ આ છીંટની જાતના પ્રમાણમાં વહેલુંમોડું બને છે. આનો પણ કોઇ ખાસ ઉપાય નથી. કાગળ ઉપરથી પણ રંગ આ જ રીતે ઊડે છે, અને એમાં તો સામાન્ય રીતે પુસ્તકબાંધણીના ખાસ હેતુ માટે બનાવાએલી જાત આવતી ન હોવાથી તેના રંગના ટકાઉપણા વિષે બનાવટમાં બહુ કાળજી લેવાએલી હોતી નથી. એટલે આવા ઉદ્દેશ માટે કાગળની પસંદગી કરતાં પહેલાં અખતરો કરીને ચોક્કસાઈ કરવાની જરૂર છે.
ચામડું
બાંધણીમાં ચામડાનો વપરાશ બહુ ઘસારાવાળાં પુસ્તકોની પીઠ તથા આગલા ખૂણાઓ ઉપર થાય છે એ વાત અગાઉ આવી ગઇ. પણ સામાન્ય રીતે બધાં ચામડાં મજબૂત હોય છે એવું નથી. હમણા જ કહ્યું તેમ ‘બકરામ’ છીંટ કેટલાંક ચામડાં કરતાં ૫ણ વધારે ટકાઉ છે. એટલે સળંગ ચામડાની બાંધણી તો મોટે ભાગે મજબૂતીના કરતાં શૉખને લીધે પણ કરાવાય છે. પશ્ચિમના દેશોમાં તો પ્રાચીન કાળથી પુસ્તકો ચામડામાં જ બંધાતા આવ્યાં છે. એટલે એ પરંપરાગત રસવૃત્તિથી તથા તેના મુલાયમપણા, મનોરંજક પ્રકાર અને ભાત, તથા પુસ્તક ઉપર સુઘટિત રીતે બંધબેસતું થઇ રહેવાના ગુણને લીધે ત્યાંના લોકોને ચામડાની બાંધણીને શોખ રહે છે. પરંતુ હમણાં હમણાં તો ચામડાની બાંધણીનો શૉખ–અહીં તો શું પણ યુરોપમાં યે–બહુ જ ઘટી ગયો છે.
તેના પ્રકાર
ચામડાની બાંધણી વિષે પણ અહીં જરા વિસ્તારથી જાણી લઇએ; કેમકે કેવળ ઉપયોગિતાની દૃષ્ટિથી નહિ તો રસદૃષ્ટિથી પણ તે જરૂરી લાગશે. બકરાં, ઘેટાં, ગાય-બળદ, ઘોડા, ડુક્કર, હરણ અને દરિયાઇ પ્રાણી વૉલરસ, મગર તથા સીલ એટલાં જનાવરોનાં ચામડાં સામાન્યતઃ પુસ્તકબાંધણીના ઉપયોગમાં આવે છે, જેમાંનો મોટો ભાગ બકરાં તથા ગાયનાં ચામડાંનો જ હોય છે. મૂળ આ ચામડું ઘણુંખરૂં ઉત્તર આફ્રિકાના મોરૉક્કો સંસ્થાનમાંથી આવતું; આ ઉપરથી અમુક પ્રકારના ચામડાની બાંધણીનું નામ મૉરૉક્કૉ પડ્યું. આજે તો જે ઊંચા પ્રકારના ચામડાની બાંધણી એ નામથી ઓળખાય છે તે કાંઇ ત્યાંથી નથી આવતું, છતાં મૂળ નામની પરંપરા રહી ગઈ છે. મૉરૉક્કૉ એ બકરાંનું ચામડું હોય છે અને તેના સુંદર ભાતવાળા આકર્ષક દેખાવ તથા મજબુતાઇને લીધે તે સર્વપ્રિય અને જગનામી થયું છે. પોતાના ચીકટ તથા કુમાશવાળા વિશિષ્ટ પોત અને દાણાદાણાવાળી કુદરતી ભાતને લીધે તે બધાં ચામડાંઓમાં જુદું તરી આવે છે. લાલ, લીલું અને કાળું એ ત્રણ રંગમાં તે આવે છે અને ચાલુ ઘસારા સામે તેની કુમાશ, રંગ તથા ભાત સારી રીતે ટકી શકે છે. આ ઉપરાંત જુદીજુદી ભાત, રંગ તથા કુમાશવાળાં પર્શિયન, લેવાન્ટ, ઓએસિસ એવા વિવિધ પ્રકારનાં મૉરૉક્કો પણ આવે છે, પણ એ બધાં મૂળના કરતાં ઊતરતી કોટિનાં હોય છે. લાલ અથવા ઘેરા બદામી રંગનું ‘રશિયા’ નામનું ઓળખાતું ચામડું ૫ણ પુસ્તકબાંધણીમાં જાણીતું છે, અને એની ચોક્કસ પ્રકારની વાસ તથા મજબૂતાઈને લીધે તે માનીતું પણ છે. આજે તો તે રશિયામાંથી નથી આવતું, ને હવે એટલું મજબૂત પણ નથી આવતું. બીજી પ્રચલિત બાંધણી તે ‘શીપ સ્કિન’—ઘેટાના ચામડાની. એ અતિશય કુમાશવાળું અને ટકાઉ હોય છે. આ ચામડાની બાંધણીની એક અનોખી ઢબ એવી છે કે તેની મખમલ જેવી અવળી બાજુ ઉપર રાખીને, ડફટિન નાખ્યા વિનાનું ઢીલું ‘ફ્લેક્સિબલ’ બાઈન્ડિંગ થઈ શકે છે. મૂળ પુસ્તક કરતાં પૂઠાની ધારો પા પા ઇંચ આગળપડતી રાખીને કરેલી આ બાંધણી બહુ લોકપ્રિય છે અને તે ‘લિમ્પ લેધર બાઈન્ડિંગ’ તરીકે ઓળખાય છે. આ ઉપરાંત ડુક્કર, મગર, સીલ વગેરેનાં ચામડાં, ખાસ ઘસારાનાં અને અત્યંત મજબૂતી માગતાં પુસ્તકો–ચો૫ડા, લેજર વગેરે–માં વપરાય છે.
શૉખીનોના શૉખ
આ તો બધી ચાલુ સામાન્ય વપરાશનાં ચામડાંની વાત થઈ; પરંતુ શૉખથી પુસ્તકબાંધણી કરાવનારાઓ અતિ વિચિત્ર પ્રકારનાં ચામડાંની બાંધણી કરાવે છે. આજે તો એવો શૉખ નહિજેવો જ રહ્યો છે, પણ તવારીખો ઉપરથી માલૂમ પડે છે કે ગ્રંથરસિયાઓએ તો પોતાનાં ખાસ પ્રિય પુસ્તકોને હરણ, ઘોડા, ગધેડાં, કાંગારૂ, ચંદન ઘો, સાપ, શાર્ક માછલી, શાહમૃગ, બિલાડી, કાળાં વરૂ, વાઘ, ઑટર, સફેદ રીંછ વગેરે કૈ કૈં પ્રાણીઓના, અને ખુદ માણસના ચામડામાં પણ પુસ્તકોની બાંધણી કરાવી છે! આ બધાં ચામડાંની પસંદગી કેવળ શૉખની ગાંડાઇથી નહિ, પરંતુ ઘણાખરા દાખલાઓમાં હેતુપુરઃસર થએલી હોય છે. ‘કાષ્ઠ કોતરકલાનું શાસ્ત્ર’ નામના પુસ્તકની બાંધણી લાકડાનાં પાટિયાંની જ કરવામાં આવેલી; ટ્યુબરવિલનું ‘શિકાર’ ઉપરનું પુસ્તક હરણના ચામડામાં બાંધવામાં આવેલું; ગવર્નર ફિલિપ્સનો ‘બોર્ટની અખાતની સફર’ નામનો ગ્રંથ એ દેશના પ્રતીક પ્રાણી કાંગારૂના ચામડાથી બાંધેલો; ચાર્લ્સ જેમ્સ ફૉકસના ઇતિહાસ ગ્રંથો (તેના નામની સૂચક) લોંકડીના ચામડામાં બાંધેલા; અને માણસના ચામડામાં બંધાએલા અનેક ચિત્રવિચિત્ર દાખલાઓમાંના બે જ અહીં આપીશું. પારીસના કાર્નેવૅલેટ મ્યૂઝિયમમાં ‘ઇ. સ. ૧૭૯૩ ના રાજબંધારણની નકલ એક ક્રાન્તિકારીના ચામડાથી બાંધેલી છે; અને એક રશિયન કવિએ શિકારના અકસ્માતને લીધે કપાવી નાખવા પડેલા પોતાના પગનું ચામડું ઉતરાવીને તે વડે પોતાના કાવ્યગ્રંથની એક નકલ બંધાવી પોતાની પ્રિયતમાને ભેટ આપેલી!
પૂઠા ઉપરની છાપણી
હવે પૂઠા ઉપર છાપવાની વસ્તુ વિષે. આ બાબતમાં મોટામાં મોટું સૂત્ર એ છે કે પૂઠા ઉપર એાછામાં ઓછી વિગતો છા૫વી. પૂઠું સાદા કાગળનું કાચું જ હોય તે તેના પર પુસ્તકનું, ગ્રંથકારનું તથા પ્રકાશકનું નામ ને કિંમત સિવાય કશું વિશેષ ન આવે. ઉપરાંત, આજે કાચાં પૂઠાં પર સામાન્ય રીતે પુસ્તકના ભાવને અનુરૂપ ચિત્ર મૂકવાની પ્રણાલિકા છે. એ ચિત્ર વર્ણનાત્મક કરતાં અર્થગંભીર, સંજ્ઞામૂલક ને સૂચક પ્રતીક રૂપ હોય, અને નમૂના તરીકે ગયા વર્ષમાં બહાર પડેલા “ભસ્મકંકણ’ પુસ્તકનું પૂઠુંં નિર્દેશી શકાય. છીંટ અને ચામડાની બાંધણીના પુસ્તકના પૂઠા ઉપર તો આ બધું છાપવું જરૂરી જ નથી. ઉલટું તે ગ્રામ્ય તથા અશિષ્ટ મનાય છે. બહુ બહુ તો આગલા ભાગમાં પુસ્તકનું નામ, તથા ક્વચિત તે સાથે લેખકનું નામ. પુસ્તક જાડું હોય તો તેની પીઠ પર જ એ બંનેનાં નામ છાપવાનો ખાસ રિવાજ છે. પૂઠા ઉપર ઘણીવાર નામને બદલે પુસ્તકનો ઉદ્દેશ નિર્દેષતું એકાદ અર્થવાહી સંજ્ઞાચિત્ર કે પ્રતીક સોનેરી કે સાદી દાબછાપથી છાપવામાં આવે છે. કેટલીકવાર માત્ર પીઠ પર ગ્રંથ અને લેખકનાં નામ છાપેલી કાગળની પટ્ટી જ ચોડવામાં આવે છે, ટૂંકામાં પાકી બાંધણીના પૂઠા ઉપર સાદાઈનું ગૌરવ જાળવવું જોઈએ.
સોનેરી દાબછા૫
સાદી અને સોનેરી દાબછાપ વિષે પણ ટૂંકામાં જાણી લઇએ. આ રીતે છાપવા માટેના અક્ષરો અથવા ચિત્રનાં બીબાં પિત્તળનાં જ બનાવવાં પડે છે, કેમકે આ પદ્ધતિ માટે જે અતિશય દાબની જરૂર છે તે સામાન્ય ટાઇપો તથા છાપવાના બ્લૉકો સહન કરી શકતા નથી. સોનેરી કરવા માટે સોનાનો વરખ વપરાય છે; જોકે આપણે ત્યાં ખરો વરખ રડ્યાખડ્યા જ વાપરે છે. મોટે ભાગે ઈમિટેશન ફૉઈલનો જ ઉપયોગ થાય છે. પશ્ચિમના દેશોમાં સોનેરી ઉપરાંત ક્વચિત રૂપેરી, તામ્રરંગી તથા લીલા ધાતુરંગી અક્ષરે છાપવાની પદ્ધતિ પણ છે, જેમાં તે તે રંગના ‘ફૉઈલ’ વપરાય છે. એની પદ્ધતિ બહુ અટપટી નથી, પણ એટલા ઊંચા પ્રકારની કારીગરી માગે છે કે સફળ હથોટી બેઠેલા કુશળ કારીગરો જ તે કરી શકે છે. જે ભાગમાં સોનેરી કરવી હોય ત્યાં ઇંડાંની સફેદીમાં તૈયાર કરેલું એક ચોક્કસ પ્રકારનું ચિકાશવાળું મિશ્રણ લગાડવામાં આવે છે. ઇંડાંની સફેદી એટલા માટે કે તે સુકાયા પછી તેનો ડાઘ રહેતો નથી, એ મિશ્રણ પર બહુ જ કાળજીથી વરખનો કટકો મૂકી, તેના પર પુષ્કળ દાબ આપનારા સંચા વડે ગરમ કરેલું અક્ષરોનું (અથવા કોઈ ચિત્ર હેાય તેનું) બીબું દાબવામાં આવે છે, એટલે વરખ મિશ્રણ ઉપર ચોંટીને પૂઠાની સપાટીની અંદર દબાઇ જાય છે. વધારાનો વરખ પછી બુઠ્ઠા બ્રશ વડે જુદા વાસણમાં ખંખેરી કાઢવામાં આવે છે. સાચો સોનેરી વરખ બહુ જ કિંમતી હોવાથી તેનું રજકણ સરખું પણ એળે ન જાય તેની સાવચેતી રખાય એ સ્વાભાવિક છે. આ જ કારણથી વરખના ટુકડાનો વેત પણ બહુ કરકસરથી ઉતારવામાં આવે છે. સામાન્ય રીતે વરખ સાડાત્રણ ઇંચ સમચોરસના માપનો આવે છે; એટલે આપણે સોનેરી કરવાના અક્ષરે અથવા ચિત્રોનાં કદ અગાઉથી જ વિચારપૂર્વક એવી રીતે નક્કી કરવાં કે ઉપલા માપમાંથી જરા ૫ણ વરખ નકામો ન પડતાં બરોબર બંધબેસતો આવી રહે. જુદાજુદા કારીગરો આ સોનેરી કામ માટે પોતપોતાની કુશળતાના પ્રમાણમાં જુદાજુદા દામ માગે છે. સાદી દાબછાપની પદ્ધતિ તો સોનેરી જેવી જ હોય છે, સિવાય કે તેમાં વરખ કે મિશ્રણ નથી હોતાં.
કિનારોનાં રસણ
ઊંચા પ્રકારની બાંધણીનાં ઘણાં પુસ્તકોની કિનારો (કેટલીક વાર ત્રણે કિનારો તો કોઇવાર માત્ર મથાળાની જ) વિધવિધ રંગ, રંગીન ભાત અથવા સોનેરી વડે રસવામાં આવે છે. સોનેરી રસણની પદ્ધતિ ઉપર પ્રમાણે જ લગભગ હોય છે. પછી તેને અતિ લીસા પદાર્થ વડે ઘસીને ચમકદાર અને લીસી બનાવવામાં આવે છે. આ પદ્ધતિ એક રીતે ફાયદાકારક છે, કેમકે અભરાઈ કે કબાટમાં પડેલા પુસ્તક ઉપર મોટે ભાગે જે રજ કે ધૂળ લાગે છે, તે જો કિનાર આ પ્રમાણે રસાવી હોય તો, તેની લીસી સપાટી ઉપરથી બહુ સહેલાઈથી ઝાપટી નાખી શકાય છે, જ્યારે સાદી કિનારવાળાં પુસ્તકોમાં પાનાંની વચ્ચેની સાંધોમાં એ રજ પ્રવેશીને પુસ્તકને નુકસાન કરે છે અને પાનાંની કિનારોને ઝાંખી પાડે છે. આમ સૌંદર્ય ને ઉપયેાગિતા બંને દૃષ્ટિએ આ પદ્ધતિ સાર્થ છે. પુસ્તકની કિનારો આ રીતે રસવાનો ઈરાદો હોય તો તેના કાગળની જાતનો વિચાર પહેલેથી કરી લેવો જરૂરનો છે. સામાન્ય રીતે ઢીલા ને ફીસા કરતાં કડક કાગળો ઉપર રસણ સારૂં જામે છે. આર્ટ પેપર ઉપર પણ તે મુશ્કેલ પડે છે. આપણે ત્યાં આ પ્રકારનું કામ મોંઘું પડી જવાને કારણે કોઇ કરાવતું નથી, અને પરિણામે તેના કારીગરો પણ જૂજ હોય છે; પરંતુ કિનારોને સાદા રંગે રંગવાનું કામ તો હજી ઘણા કરે છે. એ બહુ મોંઘું પડતું નથી અને પુસ્તકની શોભા તથા રક્ષણ બંને દૃષ્ટિએ ઉપયોગી છે. કારીગર સારો હોય તો રંગીન કિનારો ઉપર પણ સોનેરી રસણ જેટલી જ સફાઈ અને ચમક લાવી શકે છે. એ રંગકામમાં ચિત્રવિચિત્ર ભાતો પણ પાડી શકાય છે. પ્રાચીન સમયના પશ્ચિમના કારીગરો તો ત્યાં ૫ણ શોભનચિત્રોનાં આલેખન કરતા તથા તસ્વીરો અને નામો ચીતરતા! કેટલીક બાંધણીમાં વળી મથાળાની કોર જ સોનેરી રસીને બાકીની બે (પડખાની તથા નીચેની) કિનારો વગર કાપ્યે રહેવા દેવામાં આવે છે. આપણે ત્યાં આ ૫દ્ધતિ પ્રચલિત નથી, એટલું જ નહિ પણ ગુજરાતમાં તો એવાં એકબે પુસ્તકોની કદર પણ નથી થઈ. યુરોપ–અમેરિકામાં તો આવી ખરબચડી ધારો (deckle edges) રાખી શકાય તે માટે એવી અણસરખી ને ટીપેલી કિનારોના ખાસ કાગળો ૫ણ બનાવવામાં આવે છે. પણ આ વિષય ચર્ચાનો નહિ પરંતુ રસદૃષ્ટિનો છે.
અંગ-રખાં
હવે છેલ્લી વાત રહી તે પુસ્તકોનાં જૅકેટ (અંગ–રખાં)—જેને અંગ્રેજીમાં dust cover પણ કહે છે—તેને વિષે. છીંટની બાંધણીનાં ચાલુ વપરાશનાં પુસ્તકો માટે આ પદ્ધતિ આવશ્યક નહિ તો અર્થભરી તો છે જ. એના બે ઉપયોગ છે. પહેલો તો એ કે એના નામ (અંગ–રખા) પ્રમાણે તે ચાલુ ઘસારા સામે પુસ્તકના દેહનું રક્ષણ કરે છે. બીજો, પુસ્તકનું આકર્ષણ વધારવાનો–ખાસ કરીને પ્રકાશકો અને પુસ્તક વેચનારાઓની દૃષ્ટિએ. પુસ્તકનો મુદ્દો જેટલા બની શકે તેટલા શોરપૂર્વક અને જોશપૂર્વક તે જોનારની આંખ અને મગજ પર ઠસાવતું હોવું જોઈએ. બુકસેલરની દુકાન આગળથી સામાન્ય ક્રમમાં પસાર થનારા રસ્તે ચાલનારનું ધ્યાન તરત આકર્ષે તેવું ભડકાદાર, અને ચાલતાંચાલતાં જે એક ક્ષણભર તેની નજર પડે તેટલા વખતમાં તેની છાપ જોનારના મન પર પાડી તરત તેને ઊભો રાખી શકે તેટલું ઉઠાવદાર એ હોવું જોઇએ. આની કળામાં માનસશાસ્ત્રનો ઉપયોગ કરવો બહુ જરૂરી છે. તેને માટે રંગો બધા ભભકદાર હોવા જોઇએ, ચિત્ર હોય તો ઘેરી ઉઠાવનાર ઢબથી, સાદી જોરદાર રેખાઓમાં હોવું જોઈએ, અક્ષરો મોટા જાડા અને છતાં ઘાટીલા જોઇએ. વડોદરાથી શ્રી મૂળશંકર ભટ્ટે તાજી જ બહાર પાડેલી શ્રી રમણલાલ વસંતલાલ દેસાઈની નવલકથા ‘જયંત’નું અંગ-રખું આ બાબતમાં નમૂના રૂપ ગણી શકાય. કેટલીકવાર સારા ફેટોગ્રાફો પણ જૅકેટ ઉપર આકર્ષક થઈ પડે છે. માત્ર તેની પસંદગી અને ઉપયોગમાં વિવેકબુદ્ધિ જોઈએ. પુસ્તકના ભાવને અત્યંત જોશપૂર્વક કહી બતાવતા ફોટોગ્રાફ—અથવા વધારે ફોટોગ્રાફોના સંયોગીકરણ-થી ૫ણ મનધારી અસર નિપજાવી શકાય. લોકોની મેદનીનો ઉઠાવદાર ફોટોગ્રાફ મૂકીને ‘તારણહાર’ નામના પુસ્તકનું જૅકેેટ મુંબાઈની સી. જમનાદાસની કંપનીએ કર્યું છે તે સફળ પ્રયોગ કહેવાય. નામની પસંદગી પણ વિચારપૂર્વક કરવી જોઇએ. ઘણીવાર લોકો પુસ્તકના પોતાના નામ કરતાં લેખકના નામથી વધારે આકર્ષાય છે. પ્રસિદ્ધ લેખકોનાં પુસ્તકનાં જૅકેટ ઉપર કોઈ વાર તેના નામ જેટલા જ—અથવા તેના કરતાં પણ વધારે–ઉઠાવદાર અક્ષરોમાં તેના લેખકનું નામ મૂકવું અસરકારક નીવડે છે. એકલું ‘બ્રહ્મચારિણી’ તમે મોટા અક્ષરે મૂકો તેના કરતાં ‘કનૈયાલાલ મુનશીનું નવું નાટક’ એને પ્રાધાન્ય આપીને રચના કરો તો એ જોનારનું તરત આકર્ષણ કરે. અને આકર્ષણ એટલે ખપત. આમ, બાંધણીની કળા અનેક વિભાગોમાં, અને તેનો પ્રત્યેક વિભાગ અનેક ક્રિયાઓમાં વહેંચાએલાં છે. આપણે ત્યાં તેની ખીલવણીની દૃષ્ટિએ ઘણું કરવાનું જરૂરી છે, પણ છેલ્લા એકાદ દસકામાં પ્રજાની રસવૃત્તિ જે રીતે કેળવાતી આવે છે તે જોતાં પ્રગતિ બહુ દૂર લાગતી નથી. પશ્ચિમમાં તે આ શૉખ બહુ જ પ્રચલિત અને લોકમાન્ય છે. સંપત્તિશીલ કોઇ ૫ણ માણસ, જો એ પુસ્તકશોખી હોય તો, અંગત શૉખ મુજબ પોતાનાં પુસ્તકોની ખાસ બાંધણી કરાવવાનો જ જૂના વખતમાં હાથે પુસ્તકો બંધાતાં ત્યારે પુસ્તકબાંધણીનો ધંધો એક ઊંચી કલાત્મક કારીગરી તરીકે ત્યાં લેખાતો અને એના કારીગરો એમાં ગૌરવ લેતા. બે સૈકા પહેલાં ઑક્સફર્ડમાં વસતો જૉન હેન્રી નામનો આયરિશ બુકસેલર તો વિચિત્રરીતે કહેતો કે ‘મારો ધંધો નગ્ન સાહિત્યકારો અને કવિઓને વસ્ત્રપરિધાન કરાવવાનો છે!’ હેન્રી પેઈન દુ બૉઈ લખે છે કે ‘પુસ્તકબાંધણીનો ધંધો તો સંગીતમય છે’ અને હોર્ન કહે છે કે ‘ગ્રંથબાંધણી વડે તેના કારીગરો પ્રત્યેક વિશિષ્ટ પુસ્તકને લગતું જે વાતાવરણ સર્જે છે તથા માનસમૂર્તિઓ ખડી કરે છે એ કલા, શિલ્પી કે ચિત્રકારના તાદૃશ મૂર્તિવિધાન તથા કલાસર્જન કરતાં ૫ણ વધુ મુશ્કેલ અને ગૂઢ છે.’
બચુભાઈ રાવત