ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૩/જગદ્ગુરુ શ્રી શંકરાચાર્ય અને બ્રહ્મસૂત્ર
(લેખક : રા. રા. નટવરલાલ ઇચ્છારામ દેસાઇ, બી. એ.)
(જીવનકાળમર્યાદા. ઈ. સ. ૭૮૮–૮૨૦ ૩૨ વર્ષ)
જન્મ : વૈશાખ સુદ પાંચમ
મુખ્ય સિદ્ધાંત : श्लोकार्धेन प्रवक्ष्यामि यदुक्तं ग्रन्थकोटिभिः ।
परोपकारः पुण्याय पापाय परपीडनम् ॥ १ ॥
देहभावे तु दासोऽहं जीवभावे त्वदंशकः ।
आत्मभावे त्वमेवाह इति मे निश्चला मतिः॥ २ ॥
सत्यपि भेदापगमे नाथ तवाहं न मामकीनस्त्वम ।
सामुद्रो हि तरंग क्वचन समुद्रो न तारंगः ॥ ३ ॥
ભાવાર્થ :— જે કરોડો ગ્રંથમાં કહેવાયલું છે તે, હું અર્ધા શ્લોકમાં તને કહું છું. બ્રહ્મ જ કેવળ પરમાર્થ સત્ય છે, જગત મિથ્યા છે, છવ તત્વતઃ બ્રહ્મ જ છે, બીજું કાંઈ નહિ. (૨) દેહભાવમાં હું તારો દાસ છું, જીવભાવમાં તારો અંશ છું, આત્મભાવમાં તું તે હું જ છું, (અને હું તે તું જ છો). એવી મારી નિશ્ચલ મતિ છે. (૩) હે પ્રભો! તારી અને મારી વચ્ચે ૫રમાર્થતઃ કશોયે ભેદ નથી, છતાં હું તારો જ કહેવાઉં, ન તું મારો. સમુદ્રના તરંગો કહેવાય છે, કદિ પણ તરંગોનો સમુદ્ર કહેવાતો નથી. (શાંકર સુભાષિત) આ પ્રમાણે ભગવાન ભાષ્યકાર જગદ્ગુરુ શ્રી શંકરાચાર્ય મહારાજનો વેદાન્ત સિદ્ધાન્ત ટુંકમાં છે, એમ કહી શકાય. ઉપલાં વચનોમાં પહેલો શ્લોક તે લોકપ્રચલિત છે. એ તેમના કયા ગ્રંથમાં છે તે જણાયું નથી, બીજો શ્લોક કોઈ પ્રાર્થનાનો શ્લોક જણાય છે અને ૩ જો તો તેમના પટ્પદી સ્તોત્રનો શ્લોક છે. એમાં આર્ય તત્ત્વજ્ઞાનના સર્વ વિચારો સમાઈ જાય છે. પર-બ્રહ્મ, ઈશ્વર, જીવ, જગત, તેમના પરસ્પર સંબંધો, સાધન અને મોક્ષ, એ સર્વ વસ્તુઓ એમાં આવી જાય છે. તેના સાધનમાં વૈરાગ્ય અને જ્ઞાન મુખ્ય છે. મોક્ષમાં સચ્ચિદાનંદ સ્વરૂપ થવું એ જ છે.
(૧) જીવનચરિત્ર
શ્રી શંકરાચાર્યનું શુદ્ધ ઐતિહાસિક જીવનચરિત્ર હજી કોઈને મળ્યું નથી. હાલમાં ખંભાતને દિવાનસાહેબ દિ. બા. શ્રી નર્મદાશંકર દેવશંકર મહેતાએ શ્રીગોવિંદનાથ નામના એક યતિનું સંસ્કૃતમાં રચેલું ‘શ્રીશંકરાચાર્યચરિત્ર’ બહાર પાડ્યું છે. એ પુસ્તક પ્રાચીન છે અને એમાં ઘણી નવી વાતો સરાહગત વિનાની આલેખાયેલી છે, પણ કેટલીક મહત્ત્વની વાત રહી ગએલી જણાય છે, માટે તે જાણવા જેવી છે. એટલા માટે એમના એક લેખ ઉપરથી તારણરૂપે નીચેનો ભાગ પ્રકટ કર્યો છે. “બ્રહ્મસૂત્રને અનુસરતા સ્વતંત્ર કેવલાદ્વૈત મતના પ્રવર્તક શ્રીશંકારાચાર્ય ધર્મોપદેશક અને તે સાથે તત્ત્વનિષ્ઠ મહાપુરૂષ હતા. પ્રાચીન શૈલીમાં કહીએ તો તેઓ ક્ષત્રિય બ્રહ્મનિષ્ઠ-એ બે યોગ્યતાવાળા હતા. તેમના જીવન સમય સંબંધમાં વિદ્વાનોમાં મતભેદ છે. પરંતુ આંતર અને બાહ્ય પ્રમાણોથી ઈ. સ. ૭૮૮–૮૨૦ નો સમય તેમના જીવનનો હાલ સ્વીકારવામાં વાંધો નથી. તેમના જીવનવૃત્ત સંબંધમાં તેમના અનુયાયીઓએ ઘણા ગ્રંથો લખ્યા છે. તેમાં ભક્તિના આવેશને લીધે ઘણી અતિશયોકિત અને ચમત્કારોનાં વર્ણન છે. આનંદગિરિનો દિગ્વિજય ઘણાં ઐતિહાસિક સત્યોને બાજુ ઉપર મૂકે છે. શ્રીમાધવાચાર્યનો દિગ્વિજય ઉત્તમ કાવ્યગ્રંથ છે. પરંતુ “શંકરાચાર્યચરિત” એ નામનો નવ અધ્યાયનો ગોવિંદનાથ નામના યતિનો એકે અપ્રસિદ્ધ[2] ગ્રંથ છે, તેમાં તેમનું જીવનવૃત્ત સરલ અને અત્યુકિત વિનાનું આપેલું છે. ગ્રંથકાર અંતમાં લખે છે કે :–
‘इदं श्री शंकराचार्यचरितं लोकपावनम् ।
कृतं गोविंदनाथेन यतिभक्तिसहायतः ॥
આ લોકપાવન શંકરાચાર્યચરિત યતિભક્તિની સહાયથી ગોવિંદનાથે કર્યું છે. પ્રોફેસર વિન્ટરનિત્સ આ લેખક શંકરાચાર્યનો સમકાલીન મિત્ર છે, એવી કલ્પના કરે છે. પ્રથમાધ્યાયમાં કથાસંક્ષેપ છે. બીજા અધ્યાયમાં ઉપમન્યુનું આખ્યાન અને શંકરના જન્મનું વર્ણન છે. દ્વૈતવાદીઓના હાથમાંથી પુસ્તકો આ અદ્વૈતવાદીના જન્મ પછી પડવા લાગ્યાં, વિગેરે તેમના જન્મસમયનો મહિમા ગાયો છે. તેમનો જન્મ કેરલ દેશમાં જ્યાં દક્ષિણકૈલાસ છે ત્યાં નીલા અને અને પૂર્ણા નામની નદીના સંગમસ્થાન પાસે પૂર્ણાના ઉત્તર કાંઠે આવેલા કાલટી ગામમાં થયો હતો, શંકરના માતાપિતાનાં નામ આપ્યાં નથી, પરંતુ અન્ય ગ્રંથોથી જણાય છે કે પિતાનું નામ શિવગુરૂ અને માતાનું નામ આર્યોબા હતું. તેમનો વૈશાખ સુદ પાંચમે જન્મ થયો હતો. ત્રીજા અધ્યાયમાં શંકરની બાલ્યાવસ્થાનું વર્ણન છે. તેઓ અસાધારણ બુદ્ધિવાળા બાલક હતા. પાંચમા વર્ષમાં પિતા ગુજરી ગયા હતા. માતાએ તેમને ઉછેર્યા. તે માતાના સુખને અર્થે સોળમે વર્ષે નદી ઘર નજીક આણી અને તેનું નામ તેમણે અંબાપગા પાડ્યું. એક સમયે સ્નાન કરવાના પ્રસંગમાં તેમનો પગ મગરે ઝાલ્યો, તેમાંથી બચ્યા. માતાએ છોકરો જીવતો રહે તો સંન્યાસી થવાની રજા આપવા હા કહી, તેથી તેઓ જીવતા રહ્યા, કદાચ માતાએ બાધા લીધી હશે તે તેમણે પૂરી કરી હતી. તેઓએ ગૌડપાદના શિષ્ય ગોવિંદાચાર્ય પાસે સંન્યાસદીક્ષા લીધી. શ્રીગૌડપાદ પાસે તેઓ ઘણા વર્ષો રહ્યાં; અને પછી તીર્થપ્રયાણ કરવા નીકળ્યા. ગુરૂએ જે શિખામણ આપી છે તે રસિક વાણીમાં વર્ણવી છે. બદરિકાશ્રમમાં બ્રહ્મસૂત્રાદિને ભાષ્ય રચ્યાં. ચોથા અધ્યાયમાં માતાના મરણ પછી પુનઃ શંકર ભગવાન બદરિકાશ્રમમાં ગયા. ત્યાં કેરલ દેશના શ્રીકુંદગ્રામના સોમશર્માના દીકરા વિષ્ણુશર્મા તેમના પ્રથમ શિષ્ય થયા. પાંચમા અધ્યાયમાં પ્રયાગમાં કુમારિલ ભટ્ટનો તેમને મેળાપ થયાનું વર્ણન છે. કર્મકાંડના હિમાયતી કુમારિલે શાંકરમતનો સ્વીકાર કર્યો. કુમારિલ કહે કે જ્યારે વેદનો શ્વેત માર્ગ સુગતે એટલે બુદ્ધે બાધિત કર્યો હતો, ત્યારે તેમણે પોતે બૌદ્ધધર્મ ડોળનો સ્વીકાર કર્યો હતેા, અને તેથી તેઓ ગુરૂદ્રોહી હોવાથી શાંકરભાષ્યનાં વાર્તિક લખવા નાલાયક છે. તેઓ મગધ દેશના તેમના શિષ્ય વિશ્વરૂપને મળવાનું કહે છે. શંકર વિશ્વરૂપને કર્મકાંડમાંથી વેદાન્તના માર્ગમાં લાવે છે. વિશ્વરૂપની પત્ની વાણી, જે વિષ્ણુમિત્રની દીકરી થાય તે શોણ નદીને કાંઠે રહેતી હતી. બાણના હર્ષચરિતની પ્રથમાધ્યાયની છાયા આ વાણીદેવીના વર્ણનમાં આવે છે. છઠ્ઠા અધ્યાયમાં વિશ્વરૂપને સુરેશ્વરે, એવું સંન્યાસ આશ્રમનું નામ આપવામાં આવે છે. બીજા ગ્રંથોમાં મંડનમિશ્ર કહેવાય છે, તે જ આ વિશ્વરૂ૫ હશે. મંડનમિશ્ર, વિશ્વરૂપ, દેવેશ્વર, સુરેશ્વર,–એ એક જ વ્યક્તિનાં નામ જણાય છે. શંકરાચાર્યે પંદર ભાષ્યો રચ્યાં એવું વર્ણન છે. વિષ્ણુશર્મા ઉરફે સનંદને ભાષ્ય ઉપર ટીકા લખી. બીજા ગ્રંથોથી જણાય છે કે આ ટીકા તે પંચપાદિકા. તેને ચતુઃસૂત્રી પર્યંતનો ભાગ વિદ્યમાન છે. તે ગ્રંથ બળી ગયેલો, અને તે શંકરાચાર્યે ચાર સૂત્ર સુધીનો જે સાંભળેલો, તે નવો ઉપસ્થિત કરી કહેલો, તે હાલ મળે છે. સુરેશ્વરે નૈષ્કર્મ્યસિદ્ધિ અને તૈત્તિરીય અને બૃહદારણ્યક ભાષ્ય ઉપર વાર્તિકો લખ્યાં. ત્યાર પછી ગોકર્ણ જતાં ત્રીજા શિષ્ય હસ્તામલક શિવવિહાર ગામમાં મળ્યા. ચોથા શિષ્ય પરમ ભકત તોટક હતા. સાતમા અને આઠમા અધ્યાયમાં હરિદ્વારમાં સનંદનને પદ્મપાદ નામ આપવામાં આવ્યું તેનું વર્ણન છે. ત્યાર પછી શંકરાચાર્ય રામેશ્વરની યાત્રાએ ગયા; ત્યાં કાલહસ્તિક્ષેત્ર આગળ સુવર્ણમુખરી નદીમાં સ્નાન કર્યું. ત્યાંથી દક્ષિણકૈલાસ ગયા. પછી કાંચી નગરીનું વર્ણન આવે છે. નવમા અધ્યાયમાં શંકરાચાર્ય ફરી કાંચી નગરીમાં ગયા. ત્યાં સર્વજ્ઞ પીઠ ઉપર પોતે જગદ્ગુરૂપદની પ્રાપ્તિ કરી. ત્યાંથી વૃષાચલ ગયા અને દક્ષિણકૈલાસમાં તેઓએ દેહ છોડ્યો. બત્રીસ વર્ષના લઘુ જીવનનો ઉપર પ્રમાણે ટુંકો સાર છે. તે સમયના પ્રસિદ્ધ વિદ્વાનો અને મુખ્યત્વે કરી વેદિવિરોધી વિચારકોનો તેમણે વાદવિવાદમાં પરાજય કરેલો. તે પ્રસંગો ઉપરથી પાછળથી દિગ્વિજયાદિ આલંકારિક ગ્રંથો થયા છે. ગેવિંદનાથ કહે છે કે આઠ વર્ષમાં શંકરે વેદાધ્યયન પૂરૂં કર્યું હતું, બારમા વર્ષ સુધીમાં સર્વ શાસ્ત્રનું અધ્યયન કર્યું હતું. સોળમે વર્ષે ભાષ્ય રચ્યું, અને બત્રીસમા વર્ષમાં કૈલાસવાસ કર્યો.” (ગોવિંદનાથના શંકરાચાર્યના ચરિત્રમાં બે ખામીઓ સ્પષ્ટ દેખાય છે. એક તો મૂળ આધ્ય શ્રી શંકરાચાર્યે આર્યાવર્તના ચારે ખૂણે એટલે ઉત્તરમાં બદરીકાશ્રમ પાસે જ્યોતિર્મઠ, પૂર્વમાં જગન્નાથજીમાં ગોવર્ધનમઠ, પશ્ચિમે દ્વારકામાં શારદામઠ અને દક્ષિણે રામેશ્વરક્ષેત્રમાં શૃંગેરીમઠ સ્થાપ્યા, એ વિષે મુદ્દલ ઉલ્લેખ જણાતો નથી. તેમ તેમને તેમના સમયના એક રાજા સુદર્શને સહાય આપી હતી, એ પણ જણાતું નથી, જોકે આ બાબતને બીજા સર્વ ચરિત્રગ્રંથમાં ખાસ મહત્ત્વ આપેલું છે. શૃંગેરીમઠ ઉપર શ્રી હસ્તામલકાચાર્યને, જ્યોતિર્મઠ ઉપર શ્રી તોટકાચાર્યને, ગોવર્ધનમઠ ઉપર શ્રી પદ્મપાદાચાર્યને અને શારદામઠ ઉપર શ્રી સુરેશ્વરાચાર્યને મઠાધિપતિ તરીકે અભિષેક કર્યો હતો. તેમાં આજે શૃંગેરી પીઠની પરંપરા અવિચ્છિન્ન ચાલુ રહેલી છે.)
(૨) શંકરાચાર્યના બ્રહ્મસૂત્ર ઉપરની વિવરણ પદ્ધતિ
“શ્રીશંકરાચાર્ય પોતાના મતના ત્રણ પાયાના સિદ્ધાન્ત-(૧) બ્રહ્મ સત્ય છે, (૨) જગત્ મિથ્યા છે અને (૩) જીવ અવિકૃત બ્રહ્મરૂપ છે–એ પોતાના પરમગુરુ શ્રીગૌડપાદ પાસેથી શીખ્યા હતા. જગતના મિથ્યાત્વની સાબીતીમાં તેમણે જે માયાવાદનો સ્વીકાર કર્યો તે, જો કે ૧૦ ઉપનિષદો, ભગવદ્ગીતા અને બ્રહ્મસૂત્રમાં આપણે સાક્ષાત્ જોઈ શકતા નથી, તોપણ તેનાં બીજકો શ્વેતાશ્વતર ઉપનિષદ્ તથા નૃસિંહઉત્તરતાપનીય ઉપનિષદમાં હતાં. બ્રહ્મનું પરમાર્થ સત્યત્વ અને જીવબ્રહ્મનો અભેદ, જ્યાં સુધી ભેદમય જગત્ની માયામયતા સાબીત ન થાય ત્યાંસુધી સાબીત થઈ શકે તેમ ન હતું. આ જગત્ બ્રહ્મમાંથી વાસ્તવ આરંભવાદના નિયમ પ્રમાણે ઉત્પન્ન થયું હોય અથવા પરિણામવાદના નિયમ પ્રમાણે આવિર્ભાવને પામ્યું હોય, અને તે સાચું જ કાર્ય હોય તો બ્રહ્મનું શ્રુતિ પ્રતિપાદિત અદ્વૈતત્વ કદિ ટકે નહિ. વળી જીવ બ્રહ્મથી ભિન્ન પદાર્થ હોય, ૫છી તે અંશરૂપ હોય કે પ્રતિબિમ્બરૂ૫ હોય, તોપણ તેની બ્રહ્મરૂપતા દર્શાવનારાં ચાર વેદનાં મહાવાક્યો–પ્રજ્ઞાન બ્રહ્મ છે, આ આત્મા બ્રહ્મ છે, તું (જીવ) તે (ઈશ્વર) છું, અને હું બ્રહ્મ છું. – એ તાત્પર્ય વિનાનાં થઈ જાય. વેદ જો અનાદિસિદ્ધ પ્રમાણભૂત હોય, અને વેદનું તાત્પર્ય ક્રિયાપરતા ઉપરાંત સિદ્ધ વસ્તુના પ્રતિપાદનમાં હોય અને તે સિદ્ધ વસ્તુનું જ્ઞાન કોઈપણ રીતે આ દુઃખમય સંસારની નિવૃત્તિ કરવારૂપ પુરૂષાર્થને સાધી શકે તેમ હોય તો, આ સર્વ ભેદમય પ્રપંચ-દૃષ્ટા અને દૃશ્યના સમૂહરૂપ–સાચો હોવો ન જોઇએ. તેની પ્રતીતિ થાય છે તેથી તે સાચો છે–એમ માનવામાં પ્રાચીન પ્રમાણવાદીઓએ ભૂલ ખરી છે. પ્રમાણવાદ આ વિશ્વના અનુભવનો માત્ર ખુલાસો કરી શકે છે, પરંતુ તેના સત્યપણા બાબત તે પ્રમાણવાદ, પોતે જ જગતકારણરૂપ અજ્ઞાન અથવા અધ્યાસથી પ્રકટ થયેલો હોવાથી, કંઈપણ કહી શકે એમ નથી. માત્ર પરમસત્ય વસ્તુ તો આપણે જે અનુભવ કરનાર છીએ તેનો ચેતનમય આત્મા જ છે. પરંતુ તે શરીરના બંધનમાં પડેલો નહિ. વ્યક્તિમય જીવના ભિન્ન ભિન્ન અનુભવની પીઠમાં જે નિર્વિશેષ સાક્ષી ચેતન છે, અને આ સમષ્ટિમય બ્રહ્મના ચેતનની ભિન્ન ભિન્ન અનુભવની પીઠમાં જે નિર્વિશેષ અનુભૂતિ છે–તે બે અદ્વિતીય એક જ વસ્તુ છે. આ પૃથ્વી ઉપરનું પાણી ગમે તેટલું ઉંચું જાય તો પણ સમુદ્રની સપાટી શોધી તે સાથે એક થાય છે, તેમ આ સંસારના સર્વોત્તમ બ્રહ્મલોક જેવા શિખરમાં રહેનાર બ્રહ્મદેવ અને પૃથ્વીની સપાટી ઉપર રહેનાર એક ક્ષુદ્ર જંતુ, સમુદ્રશાયી નારાયણની સપાટીમાં, સચિદાનંદભાવે એક છે, ઉપનિષદો સ્પષ્ટ કહે છે કે :—“પરમેશ્વરે આ જગત્ ઉત્પન્ન કર્યું અને તેમાં તે જીવભાવે પેઠા; તે જીવ પોતે અનુભવ કરી કહે છે કે હું બ્રહ્મ છું.” આ વાક્યોનું પરમ તાત્પર્ય જીવનો બ્રહ્મ સાથેનો અનુભવ પ્રકટ કરવામાં છે, અને તે અનુભવ જેના વડે ઢંકાયેલો રહે છે તેનું નામ અજ્ઞાન. માયા, અવિદ્યા, અવ્યાકૃત પ્રકૃતિ, શક્તિ,...ઇત્યાદિ નામથી પણ તે એાળખાય છે. ઉપનિષદોમાં જે જગતસૃષ્ટિનું વર્ણન છે તેમાં વેદનું પરમ તાત્પર્ય નથી; તેનું તાત્પર્ય કાર્યકારણના બંધનમાં ગુંચાયેલી જીવની બુદ્ધિને આ કાર્યરૂપ જગત કારણબ્રહ્મથી અભિન્ન છે, તે નિશ્ચય ઉપર લાવવા અર્થે છે. તે ઉપરાંત તેનું અવાન્તર તાત્પર્ય સગુણ બ્રહ્મવાદમાં છે, જેનો આશ્રય કરવાથી જીવ ઉપાસનાના ક્રમે પરમેશ્વરના સત્ય સંકલ્પ આદિ ગુણોને મેળવી ક્રમમોક્ષને મેળવી શકે છે. બ્રહ્મસૂત્રોનો જગત્કારણવાદ આ પ્રમાણે શાંકરમતમાં અવાન્તર તાત્પર્યરૂપ છે, અને પરમતાત્પર્ય તો વેદાન્ત અથવા ઉપનિષદોનાં વાક્યોમાં જે એકાત્મવાદ વર્ણવ્યો છે તેનું ભાન કરાવવામાં છે. મૂળ સૂત્રકારનો આ અભિપ્રાય હશે કે નહિ હોય, તે તારવવું ઘણું કઠિન છે. ઘણે ભાગે શ્રી. શંકરાચાર્ય જેને અવાન્તર તાત્પર્ય કહે છે, તે સૂત્રકારનું પરમતાત્પર્ય પણ હોય, અને સૂત્રકારનો આશય સગુણ પરમેશ્વરની ઉપાસનામાં હોય. પરંતુ સૂત્રકારના સંપ્રદાયસિદ્ધ અર્થની શ્રી શંકરાચાર્યે અવગણના કરી હોય, એમ નથી. તે પોતાના ભાષ્યમાં સંપ્રદાયાનુસારી અર્થનું ભાન કરાવે છે, અને તે ઉપરાંત પોતાના નિર્વિશેષ બ્રહ્મવાદનું તાત્પર્ય પણ સૂત્રથી અવિરોધી છે, એમ સાબીત કરે છે; અને સૂત્રકારનાં વાક્યોની પરીક્ષા મૂલ વેદ વાક્યોના સમન્વય વડે કરી બતાવે છે, અને કહે છે કે મૂળ વેદવાક્યોનું તાત્પર્ય બ્રહ્માત્મૈક્યમાં છે, જગતની ઉત્પત્તિ આદિ સાબીત કરવામાં નથી, તેથી સૂત્રકારનો પણ એવો જ આશય હોવો જોઈએ. આ પ્રતિપાદન શૈલી શ્રીશંકરાચાર્યની તેમની સ્વતંત્ર બુદ્ધિ અને નિષ્પક્ષપાત વિવરણ, એ બેને ટકાવી રાખે છે. નીચેનું વિવેચન આ વિચારને સાબીત કરે છે. આદિત્યમંડળની અંદર જે હિરણમય પુરૂષનું વર્ણન છે તે પરબ્રહ્મ એટલે પરમેશ્વર છે; કારણ કે સર્વ પાપથી રહિતપણું તે પરમેશ્વરમાં બંધ બેસે છે. (બ્ર. સૂ. ૧. ૧. ૨૦). આ સર્વ જગત બ્રહ્મ છે, તેની ‘તજ્જલાન્’ એ શબ્દવડે ઉપાસના કરવી. આ વાક્યમાં સર્વ વેદાન્તમાં પ્રસિદ્ધ મૂલકારણ પરમેશ્વરની ઉપાસના કરવાનું કહ્યું છે (બ્ર. સૂ. ૧. ૨. ૧) હૃદયાકાશમાં જે ઉપાસ્યનું વર્ણન છે તે પરમેશ્વર છે, કારણ કે તે પ્રકરણનાં છેવટનાં વાક્યો પરમેશ્વર સાથે બંધ બેસે છે, ભૂતાકાશ સાથે બંધ બેસતાં નથી. (બ્ર. સૂ. ૧ . ૩. ૧૪)
સગુણ બ્રહ્મોપાસના
બ્રહ્મસૂત્રના પ્રથામાધ્યાયમાં ‘અન્તસ્તદ્ધમંપિદેશાત્ (બ્ર. સૂ. ૧. ૧. ૨૦) સર્વત્ર પ્રસિદ્ધૌપદેશાત્ (બ્ર. સૂ. ૧. ૨. ૧) દહર ઉત્તરેભ્યઃ (બ્ર. સૂ. ૧. ૩. ૧૪) –એ સૂત્રોનું વિવરણ કરતાં શ્રી શંકરાચાર્યે દિવ્ય અને મંગલ શરીરવાળા, સત્યસંકલ્પત્વાદિ કલ્યાણગુણોવાળા, સઘળા પ્રપંચની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહાર કરનારા, નિરતિશય ઐશ્વર્યવાળા પરમેશ્વરના સ્વરૂપને કહે છે, એમ દર્શાવ્યું છે. તેવી જ રીતે બીજા અધ્યાયમાં (બ્ર. સૂ. ૨. ૧. ૩૨; ૨. ૧. ૩૩; ૨. ૧. ૩૪;) વિગેરે સૂત્રોમાં પરમેશ્વર સર્વ કામનાથી પૂર્ણ છે, સર્વ ભૂતોમાં એકરૂપે રહ્યા છે, સર્વે પ્રતિ દયાવાળા છે, પ્રપંચના કર્તા છે, સુખદુઃખાદિ મિશ્ર જગતની ઉત્પત્તિ કર્મને અનુસાર કરે છે. અને તેથી તે પક્ષપાતી નથી, તેમ નિર્દય પણ નથી, તેવું સ્પષ્ટ પ્રતિપાદન છે. ત્રીજા અધ્યાયમાં બ્ર. સૂ. ૩. ૨. ૩.થી શરૂ થતાં સૂત્રોમાં સગુણ પરમેશ્વર કર્મઅને ઉપાસનાનું ફલ આપનારા છે, ભોગ અને મોક્ષ આપનારા તે જ છે–એવું દર્શાવ્યું છે. ત્યાર પછી ગુણોપસંહારપાદમાં સાત, આઠ અધિકરણો મૂકી તે તે વિદ્યાવડે ઉપાસ્ય પરમેશ્વરના ખાસ ગુણોના વર્ણનમાં સૂત્રોનું વ્યાખ્યાન છે. વળી આ માત્ર ધ્યાન અર્થે પ્રતિકોપાસનાની પેઠે કલ્પિત નથી, પરંતુ પરમેશ્વરમાં સ્વતઃસિદ્ધ છે તેવું પણ તેમણે બ્ર. સૂ. ૩. ૩. ૩૬.માં સાબીત કર્યું છે. ચોથા અધ્યાયમાં બ્ર. સૂ. ૪. ૨. ૧૨; ૪. ૩. ૬. એ બે અધિકરણ વિના સર્વ અધિકરણો સગુણ બ્રહ્મમાં તાત્પર્યવાળાં વર્ણવ્યાં છે. વળી કેટલેક સ્થળે નિર્ગુણ પ્રતિપાદક સૂત્રોમાં સગુણપક્ષની છાયા છે, તે પણ દર્શાવ્યું છે.
નિર્ગુણ બ્રહ્મોપાસના અને જીવ વિષે વિવેચન
આ ઉપરાંત નિર્ગુણ બ્રહ્મના સાક્ષાત્કાર વડે મોક્ષ સિદ્ધ થાય છે, તેમાં પણ સત્યકામત્વાદિગુણવાળા સગુણ પરમેશ્વર સાથેનું તાદાત્મ્ય પણ થાય છે, એવા ભાવનાં પણ વાક્યો ભાષ્યમાં છે. (જુઓ બ્ર. સૂ. ૧. ૩. ૧૮). વળી બીજા અધ્યાયમાં જીવ પરબ્રહ્મનો અંશ હોય તો સંસારનાં દુઃખથી પરમેશ્વર પણ લેપાવા જોઈએ, એ શંકાના સમાધાનમાં મુક્ત પુરૂષને પ્રતિબિંબમાંથી બિંબરૂપ ઈશ્વરભાવ પ્રાપ્ત થાય છે, એમ પણ જણાવ્યું છે. (બ્ર. સૂ. ૨. ૩. ૪૨) વળી ત્રીજા અધ્યાયમાં બ્ર. સૂ. ૩. ૨. ૧; ૩. ૨. ૪ ના વિવરણમાં જીવનું સત્યસંકલ્પત્વાદિરૂપ વિદ્યમાન છતાં ઢંકાયેલું છે, અને તે જ્યારે પરમેશ્વરના ધ્યાન વડે પ્રાણી પાપરહિત થાય છે, ત્યારે જેમ રોગવાળી આંખ ઔષધ વડે નિરોગ થઈ શુદ્ધ જોઈ શકે, તેમ પરમેશ્વરના પ્રસાદથી કોઈકને તેવી શુભ ઐશ્ચર્યવાળી દૃષ્ટિ પ્રાપ્ત થાય છે. એ વિગેરે સગુણપક્ષનું સમર્થન કર્યું છે. છેવટે ચોથા અધ્યાયમાં બ્ર. સૂ. ૪. ૪.૫; ૪.૪.૬; ૪.૪.૭ વગેરે સૂત્રોમાં બાદરાયણના મતમાં મુક્ત પુરૂષનું જે રૂપ અભિવ્યક્ત થાય છે, તે નિર્વિશેષ ચેતનરૂપજ હોવું જોઈએ એવો નિયમ નથી. પરંતુ ઐશ્વર્યયુક્ત પણ હોઈ શકે –એવું પ્રતિપાદન કર્યું છે. શંકરાચાર્યની વિવરણપદ્ધતિ આ પ્રમાણે સૂત્રકારને સગુણ બ્રહ્મવાદના આશયને દબાવી પોતાના નિર્ગુણ બ્રહ્મવાદના આશયને આગળ લાવવાની નથી. તે સ્પષ્ટ બતાવે છે કે સગુણવાદનો અર્થ સૂત્રકારનો છે, પરંતુ તે ઉપરાંત ઉપનિષદોને બંધબેસતો નિર્ગુણ બ્રહ્મવાદનો અર્થ ૫રમ-તાત્પર્યવાળો પણ છે. આ શંકરાચાર્યની ન્યાયબુદ્ધિ અપ્પય્યદીક્ષિત જેવા સગુણબ્રહ્મવાદના પક્ષપાતી પંડિતને ૫ણ સમજાઈ છે. તે ‘આનંદલહરી’માં લખે છે કે,
सूत्राणामेतदर्थान्तरमधिगमितं सूत्रकाराशयस्थं
केषांचित्तेष्वभीष्टं र्गुणवति विगुणेऽप्यन्वयं ॥
शुद्धब्रह्मैकनिष्ठैरपि शिछिहृदयैः शंकराचार्यपादेः
श्रीकंठार्यैस्तु शाष्ये तदहि सुविहितं सर्वसूत्रार्थरूढम् ॥
–સૂત્રકારના આશયમાં સૂત્રોનો આ બીજો અર્થ છે તે કેટલાકના મનમાં યોગ્ય ભાસે છે, તેથી શુદ્ધ બ્રહ્મમાં જ એક નિષ્ઠાવાળા, પરંતુ પવિત્ર હૃદયવાળા શંકરાચાર્યે, જો કે તેમના પોતાનો અભિપ્રાય નિર્ગુણ બ્રહ્મમાં છે, તો પણ સગુણ ભાવ સમજાવી સૂત્રોનો અન્વય સગુણ બ્રહ્મવાદમાં કર્યો છે. શ્રીકંઠાચાર્યે પોતાના ભાષ્યમાં સગુણ બ્રહ્મવાદનેજ સર્વે સૂત્રોમાં આગળ તરતો કર્યો છે.” (હિંદના તત્ત્વજ્ઞાનનો ઇતિહાસઃ ભાગ ૨ જો)
(૩) બ્રહ્મસૂત્રો
શ્રીજગદ્ગુરૂ શંકરાચાર્ય મહારાજે, બાદરાયણ વ્યાસના બ્રહ્મસૂત્ર ઉપર “શારીરક ભાષ્ય” નામનું ભાષ્ય લખ્યું છે અને તેની ઉપર અનેક વિદ્વાનોએ નિબંધો, લેખો, વિવેચન, વિવરણ ટીકા વગેરે લખ્યાં છે અને આ પ્રમાણે એકલાં વેદાંતસૂત્રો ઉપર શાંકરમતનું સાહિત્ય કેટલું વિપુલ છે, તે જાણવા માટે અત્રે આપીએ છીએ. બ્રહ્મસૂત્ર–એ બાદરાયણ વ્યાસરચિત સૂત્રો છે. એ ષડ્દર્શનમાંનું એક દર્શન છે. એ ઉત્તરમીમાંસા તરીકે પણ ઓળખાય છે. એના રચનારા બાદરાયણ વ્યાસ અને મહાભારત વગેરેના લેખક વેદવ્યાસ જુદા છે. છતાં ભ્રમથી તેઓને એક માનવામાં આવે છે. આ સૂત્રોની કુલ સંખ્યા ૫૫૫ છે. તેના ચાર અધ્યાય છે અને દરેક અધ્યાયના ચાર પાદ એમ ૧૬ પાદોમાં સૂત્રો વહેંચાયલાં છે. પણ આમાંનાં (પંચાવયવી) અધિકરણો એટલે કે અમુક સૂત્ર કે સૂત્રસમૂહ વેદાંતનો અમુક સિદ્ધાંત પ્રતિપાદન કરે છે, તે કેટલાં બાદરાયણે કરેલાં હતાં અથવા કરેલાં હશે, તેનો પત્તો નથી. એટલે એ સંબંધમાં ઘણો મતભેદ અને વાદવિવાદ આચાર્યોમાં છે. તેમ જ મૂળ સૂત્રકારનો આશય જાણવા માટે બાદરાયણાચાર્યે કોઈ પણ લેખ લખ્યો જણાતો નથી. એટલા માટે આ સૂત્ર મોટા વાદવિવાદનો વિષય થઈ પડ્યો છે. આ સૂત્રો વિદ્વાનોની માન્યતા અને શોધખોળ પ્રમાણે ઈસ્વીસન પૂર્વે ચોથા સૈકામાં રચાયાનું અનુમાન છે. બ્રહ્મસૂત્ર ઉપર શંકરાચાર્યની પૂર્વેના કોઈ આચાર્યનું ભાવ્ય પ્રાપ્ત થતું નથી, પણ શ્રીશંકરાચાર્ય વગેરેએ રચેલાં ભાષ્યોમાં પૂર્વાચાર્યોના મતનો ઉલ્લેખ આવતો હોવાથી તે એક વાર પ્રચલિત તો હશે એમ અનુમાન કરાય છે. બાદરાયણ વ્યાસનાં અધિકરણો પ્રાપ્ત નહીં થવાથી શ્રીશંકરાચાર્ય ૫૫૫ સૂત્રોનાં ૧૯૨ અધિકરણો બાંધ્યાં છે અને તેના ઉપર ભાષ્ય લખ્યું છે. વિશિષ્ટાદ્વૈતાચાર્ય શ્રીરામાનુજાચાર્યે થોડોક પાઠભેદ કલ્પીને, કેટલાંક સૂત્રો અમાન્ય રાખીને અને કેટલોક ફેરફાર કરીને ૫૪૫-૬ સૂત્રો માન્યાં છે અને ૧૫૬ અધિકરણો બાંધ્યાં છે. દ્વૈતાચાર્ય મધ્યસ્વામીએ ૫૬૩ સૂત્રો માની (?) અધિકરણો બાંધ્યાં છે. શુદ્ધાદ્વૈતાચાર્ય શ્રીવલ્લભાચાર્યો પ્રથમ ચાર સૂત્રોમાંથી ૨ જું અને ૩ જું સૂત્ર એક માન્યું છે અને ત્રિસૂત્રી મનાવી છે, અને ૫૫૫ માંથી એક ઓછું, એટલે ૫૫૪ ની સૂત્રસંખ્યા માની છે. પાછળ ૪ થા અધ્યાયમાં ઘણું કરીને એક સૂત્ર માન્યું નથી ને એક નવું ઉમેર્યું છે, એટલે સૂત્રસંખ્યા ૫૫૪ ની કાયમ રાખી છે. તેમણે એટલું સારૂં કર્યું છે કે બાદરાયણનાં મૂળ સૂત્રોમાં પાઠભેદ બહુ કલ્પ્યો નથી, તેમ બીજી કોઈ વધઘટ કરી નથી. એટલે સૂત્ર સંખ્યા અને અક્ષરો લગભગ સરખાં છે, અને અણુભાષ્યના કેટલાક ભાગમાં તે શાંકર ભાષ્યને અનુસર્યા ૫ણ છે, અને કેટલાકમાં પોતાનો મત ભેદ દર્શાવ્યો છે. પણ તેમણે અધિકરણો ૧૬૨ બાંધ્યાં છે. આ કારણથી મૂળ સૂત્રકારનો આશય અમુક જ હોવો જોઈએ, એેવો નિર્ણય કોઈથી બાંધી શકાયો નથી, જો કે ઘણાઓએ તે દિશામાં સારો પ્રયાસ કર્યો છે. આ સૂત્રો અને અધિકરણો પણ ઉપનિષદોના અને શ્રી ગીતાનાં અમુક વાક્યસમૂહને ઉદ્દેશીને રચાયાં છે, તે કયાં કયાં ગણવાં, એ વિષયમાં પણ એક મતતા નથી અને તેથી જ જૂદા જૂદા વાદો દૃષ્ટિભેદને લીધે ઉભા થયાં છે. આ વિષય ઘણો વાદવિવાદાત્મક છે, તેથી તેની વિગતમાં અત્રે ઉતરવાની જરૂર નથી, પણ અંગુલિનિર્દેશ કરી બતાવ્યો છે. જિજ્ઞાસુઓએ તે વિષયમાં સર્વ આચાર્યોના ભાષ્યો જોવા વિનતિ છે.
શ્રી શંકરાચાર્યના મુખ્ય ચાર શિષ્યોની કૃતિઓ
શ્રી શંકરાચાર્યના ચારે શિષ્યોમાં શ્રી સુરેશ્વરાચાર્યની ખ્યાતિ વિશેષ છે. તેમણે ગુરૂની આજ્ઞાથી તૈત્તિરીય અને બૃહદારણ્યક ઉપનિષદો ઉ૫રના શાંકરભાષ્યો ઉપર વિસ્તૃત વાર્તિકો લખ્યા છે. તેમની સર્વોત્તમ કૃતિ “નૈષ્કર્મ્યસિદ્ધિ” નામનો નિબંધ છે, જેમાં એમણે મીમાંસક મતનું ખંડન કરી જ્ઞાનવડે જ મોક્ષપ્રાપ્તિ છે તે સિદ્ધ કર્યું છે. આ નિબંધ ઉપર જ્ઞાનોત્તમ મિશ્રની એક ટીકા છે. અને તેમના વાર્તિકો ઉપર આનંદજ્ઞાને (ઇ. સ. ૧૩૨૦-૫૦) ટીકાઓ લખી છે અને વિદ્યારણ્ય સ્વામીએ બૃહદારણ્ય વાર્તિક સાર નામનો સંગ્રહરૂપ ગ્રન્થ રચ્યો છે. પાદપદ્માચાર્યે બ્રહ્મસૂત્રના શાંકરભાષ્ય ઉપર “પંચપાદિકા” નામનો નિબંધ લખ્યો હતો, ૫ણ તે આખો મળતો નથી, તેના ચતુઃસૂત્રી પર્યંતનો ભાગ ઉપલબ્ધ છે. એ ઉપર ટીકાટિપ્પણ શાં શાં થયાં છે, તે અન્યત્ર દર્શાવેલું છે. શ્રી હસ્તામલકાચાર્યનો તો “હસ્તામલક” નામનો નાનો ગ્રન્થ વિદ્યમાન છે. તેની બીછ કૃતિઓ જાણવામાં આવી નથી. તે જ પ્રમાણે ચોથા શિષ્ય શ્રીતોટકાચાર્યનો તોટકવૃત્તમાં રચેલો “શ્રુતિસાર સમુદ્ધરણ” નામના પ્રકરણ ગ્રન્થ શિવાય અન્ય કૃતિ પ્રસિદ્ધિમાં આવી નથી.
(૪) શાંકરભાષ્ય ઉપર રચાયલું સાહિત્ય
(૧) બ્રહ્મસૂત્ર, ઉત્તરમીમાંસા, વેદાંતદર્શન, વેદાંતસુત્ર, શારીરક સૂત્ર, બાદરાયણસૂત્ર, વ્યાસસૂત્ર, તત્ત્વસૂત્ર એ સર્વે એક જ વસ્તુનિદર્શક દર્શનશાસ્ત્ર છે. (રચના ઇ. સ. પૂર્વે ચોથા–પાંચમા સૈકામાં). (૨) આ સૂત્રો ઉપર શ્રી શંકરાચાર્યે “શારીરક ભાષ્ય” રચ્યું છે. (ઇ. સ. ૭૮૮–૮૨૦). (૩) જગન્નાથ યતિની ભાષ્યદીપિકા છે, (૪) શ્રી શંકરાચાર્યના એક શિષ્ય પદ્મપાદાચાર્યની પંચપાદિકા નામની ટીકા છે. (૪-અ) આ ટીકા ઉપર શ્રી અમલાનંદ સ્વામીએ (૧૨૪૭-૬૦) પંચપાદિકાદર્પણ રચ્યું છે. (૪-બ) પ્રકાશાત્મજીએ (૧૨૦૦) એક વિવરણ લખેલું છે. (૪-ક) વિદ્યાસાગરે એક ટીકા લખી છે. (૪-ડ) નૃસિંહાશ્રમ સ્વામીએ પણ એક ટીકા લખી છે. (૪-ઇ) પ્રકાશાત્મજીના પંચપાદિકાવિવરણ ઉપર અખંડાનંદનું (૧૫૦૦ ઇ. સ.) વિવરણદીપન, અને (૪-ફ) વિદ્યારણ્યમુનિનો વિવરણપ્રમેયસંગ્રહ અને (૪-જી) રામાનંદનું વિવરણોપન્યાસ છે. (૫) ઇ. સ. ૯૦૦માં થયેલા સર્વજ્ઞાત્મ મુનિ (પદ્મપાદાચાર્યના શિષ્ય) એ સંક્ષેપ શારીરક રચ્યું છે, અને તેના ઉપર (૫–અ) રામતીર્થે એક ટીકા લખેલી છે અને (૫-બ) મધુસુદન સ્વામીએ પણ એક ટીકા લખી છે. (૬) શાંકરભાષ્ય ઉપર સૌથી મોટી સ્વતંત્ર ટીકા અથવા નિબંધ શ્રીવાચસ્પતિ મિશ્ર (૯૭૬) ની ભામતી ટીકા છે. (૬–અ) એને સમજાવવાને શ્રી અમલાનંદ સ્વામીએ (૧૨૪૭–૬૦) કલ્પતરૂ ઉગાડ્યો છે, અને (૬–બ) કલ્પતરૂને સમજાવવાને શ્રી અચ્યય્ય દીક્ષિતે(ઈ. સ. ૧૫૨૦-૯૩) ૫રિમલ ફેલાવ્યો છે અને (૬-ક) શ્રી લક્ષ્મી–નૃસિંહ સ્વામીએ આભોગ રચ્યો છે. (૭) શાંકરભાષ્ય ઉપર શ્રી અમલાનંદ સ્વામીએ (૧૨૪૭–૬૦) શાસ્ત્રદર્પણ નામની સ્વતંત્ર ટીકા રચી છે. આ ઉપરથી વાંચનારને સમજાશે કે સ્વામી શ્રી અમલાનંદે શાંકરભાષ્ય અને તેના ઉપરની જુદી જુદી ટીકાઓનો અભ્યાસ બહુ સરસ કર્યો છે. (૮) શાંકરભાષ્ય ઉપર સ્વામી અદ્વૈતાનંદે બ્રહ્મવિદ્યાભરણ નામની ટીકા રચી છે. (૯) શ્રી શંકરાચાર્યની દ્વારકાની શારદાપીઠ ગાદી ઉપર આવેલા શ્રી આનંદગિરિએ (ઇ. સ. ૧૩૮૦) ન્યાયનિર્ણય નામની ટીકા રચી છે. (૧૦) શાંકરભાષ્ય ઉપર (રામાશ્રમ ઉર્ફે) ગેવિંદાનંદની રત્નપ્રભા છે અને (૧૦–અ) બ્રહ્મસૂત્રના પહેલા અધ્યાયના પહેલા પાદનાં ૧૧ સૂત્રો ઉપર જે શાંકરભાષ્ય છે, અને તેટલા જ ભાગ ઉપર જેટલી રત્નપ્રભા ટીકા છે, તેટલા જ ઉપર અચ્યુત કૃષ્ણ સ્વામીએ એક સ્વતંત્ર ટીકા રચી છે. તેનું નામ પંચાધિકરણી ઘણું કરીને છે. (૧૧) શાં. ભા. ઉપર રામાશ્રમ સ્વામીની બીજી એક ટીકા છે. (૧૨) શાં. ભા. ઉપર શ્રી મધુસુદન સ્વામી (૧૬૦૦) ની વેદાન્ત કલ્પલતા નામની ટીકા છે. (આ ટીકા તે સંક્ષેપ શારીરક ઉપરની છે તેજ છે કે બીજી, તે હજી ચોક્કસ જણાયું નથી.) (૧૩) શાં. ભા. ઉપર વાર્તિકો બે છે. એક નારાયણ સરસ્વતીનું અને બીજું બાળકૃષ્ણાનંદનું છે. ઉપર પ્રમાણે બ્રહ્મસૂત્ર અને શાંકર ભાષ્ય ઉપર શાંકરમતવાળાઓએ મથન કરેલું છે. (૧૪) આમાં નં. ૪ માં નં. ૪–બ. માં જણાવેલું છે કે પંચપાદિકા ટીકા ઉપર પ્રકાશાત્મચરણે (૧૨૦૦) વિવરણ લખ્યું છે. આ વિવરણ ઉપર ૩ ટીકાઓ થઈ છે. તેમાં પહેલું વિદ્યારણ્ય મુનિ (૧૩૫૦)ને વિવરણપ્રમેયસંગ્રહ છે. બીજું અખંડાનંદ(૧૫૦૦)નું વિવરણ દીપન છે અને ત્રીજું બ્રહ્મામૃતવર્ષિણી વૃત્તિના રચનારા રામાનંદનું વિવરણોપન્યાસ છે, એ શિવાય સ્વામી પ્રકાશાત્મચરણે (૧૨૦૦) બ્રહ્મસૂત્ર ઉપર શારીરક મીમાંસા ન્યાય સંગ્રહ સ્વતંત્ર રચ્યો છે.
(૫) શાંકરમતના સ્વતંત્ર ગ્રંથો અને ટીકા
હવે બ્રહ્મસૂત્ર ઉપર શાંકરમતવાળા વિદ્વાનોએ સ્વતંત્ર ટીકા કેટલી રચી છે તે નીચે દર્શાવી છે. (૧૫) બ્રહ્મસૂત્ર ઉપર ગંગાધર સ્વામીએ સ્વરાજ્યસિદ્ધિ અને શારીરક સૂત્રસારાર્થચંદ્રિકા નામની બે ટીકાઓ રચી છે. (૧૬) વિદ્યારણ્ય સ્વામી. (૧૩૫૦) અને ભારતી તીર્થે બ્રહ્મસૂત્ર ઉપર અધિકરણ રત્નમાળા રચી છે. તેના ઉપર આત્મારામ મોરેશ્વર છત્રેએ વૈયાસિક ન્યાય આર્યામાળા અને અધિકરણ આર્યામાળા નામની આર્યા છંદમાં ટીકા રચી છે. તેમ જ શ્રી બ્રહ્મસૂત્રાનુક્રમણી અને શારીરકીય તત્ત્વાનુક્રમણી પણ રચી છે. આ ચાર ટીકાઓ મુખપાઠ હોય તે ઘણી ઉપયોગી છે. (૧૭) રઘુનાથ શાસ્ત્રીએ શંકરપાદભૂપણ નામની ટીકા બ્રહ્મસૂત્ર ઉ૫ર રચી છે.
(૬) શાંકર મતને અનુસરતા સિદ્ધિ નામના સ્વતંત્ર ગ્રંથો.
| ૧ | અદ્વૈતબ્રહ્મસિદ્ધિનાં | કર્તા કાશ્મીરક (૧૫૪૭), |
| ૨ | સ્વારાજ્યસિદ્ધિ | ”ગંગાધર સ્વામી. |
| ૩ | ઈષ્ટસિદ્ધિ | ”વિમુક્તાત્મા–(આના ઉપર શ્રી રમ્ય દેવની ટીકા છે.) |
| ૪ | નેષ્કર્મબ્રહ્મસિદ્ધિ | ”સૂરેશ્વરાચાર્ય (મંડનમિશ્ર અથવા વિશ્વરૂપાચાર્ય). |
| ૫ | અદ્વૈતસિદ્ધિ | ”મધુસૂદન સરસ્વતી. |
શ્રી મધુસૂદન સ્વામીએ અદ્વૈતસિદ્ધિ નામનો ગ્રન્થ રચ્યો છે. જોકે તેમાંની યુક્તિઓ વગેરે સ્વતંત્ર જણાય છે, છતાં પણ દક્ષિણના મધ્યમતના શ્રી વ્યાસરાય સ્વામીએ ન્યાયામૃતમ્ નામનો એક ગ્રન્થ રચ્યો છે, અને તેમાં અદ્વૈતવાદ ઉપર ટીકા કરી છે, તેના ઉત્તર તરીકે મધુસૂદન સ્વામીએ આ અદ્વૈતસિદ્ધિ લખી છે. દ્વૈતવાદી વ્યાસ રામાચાર્યે ન્યાયામૃત ઉપર તરંગિણિ નામની એક ટિપ્પણી લખી અદ્વૈતસિદ્ધિનું ખંડન કરવાનો પ્રયત્ન કર્યો છે. આ ગ્રંથો જો સાથે રાખીને વાંચવામાં આવે તે કોઈ જૂદો જ આનંદ આપે છે. મધુસૂદન સરસ્વતીને ઘણા વિદ્વાન શિષ્યો હતા. તેમાંથી કોઇએ તરંગિણિ-ટીપ્પણીનો ઉત્તર આપે છે કે કેમ, તે જાણવામાં આવ્યું નથી. (૭) શ્રી બ્રહ્મસૂત્રો ઉપર શાંકરમતના વિદ્વાનોએ વૃત્તિઓ અને ટીકાઓ કેટલી રચી છે તેની યાદી નીચે પ્રમાણે છે. (આ યાદીમાંનાં બધાં જ પુસ્તકો જોયલાં નથી. કેટલાક જોયલાં છે અને કેટલાક સાધુ સંન્યાસી સંતભક્તજનો પાસેથી સાંભળીને યાદી તૈયાર કરેલી છે. એટલે એમાં કદાચ ક્ષતિ હોવાનો સંભવ છે.)
| ટીકા કે સૂત્રવૃત્તિનાં નામ | કર્તાનું નામ | |
| (૧) | બ્રહ્મસૂત્રાથ પ્રકાશિકા | જ્ઞાનેન્દ્રસ્વામી |
| (૨) | રામાશ્રમી | રામાશ્રમસ્વામી |
| (૩) | બ્રહ્મસૂત્રતાત્પર્ય | ભૈરવદત્ત પંડિત |
| (૪) | બ્રહ્મસૂત્રેન્દુશેખર | નાગેશ ભટ્ટ |
| (૫) | નારાયણી | નારાયણ ભટ્ટ |
| (૬) | શારીરક ન્યાયરક્ષામણિ | અપ્પૈયા દીક્ષિત (૧૫૨૦-૯૩) |
| (૭) | સમંજસા | અનુપ નારાયણ |
| (૮) | વેદાંતવચનભૂષણ | સ્વયમ્ પ્રકાશાનંદ |
| (૯) | વેદાંતસૂત્ર મુક્તાવલિ | બ્રહ્માનંદ સરસ્વતિ |
| (૧૦) | અદ્વૈતમંજરી | શંકરાચાર્યનો એકશિષ્ય |
| (૧૧) | શંકરાનંદી | શંકરાનંદ સ્વામી |
| (૧૨) | મીતાક્ષરા | અન્નમ્ ભટ્ટ |
| (૧૩) | સૂત્રવૃત્તિ | ભવદેવ મિશ્ર |
| (૧૪) | બ્રહ્મામૃતવર્ષિણી | રામાનંદ સ્વામી |
| (૧૫) | વિદ્વદ્જનમનોહરા | રંગનાથ |
| (૧૬) | બ્રહ્મતત્વપ્રકાશિકા | સદાશિવેન્દ્ર સરસ્વતી |
| (૧૭) | શ્રુતિસારસમુદ્ધરણ | શ્રીતોટકાચાર્ય (શંકરાચાર્યના એક શિષ્ય) |
| (૧૮) | તત્ત્વાલોક | પ્રજ્ઞાનાનંદ (૧૩૭૬) |
| (૧૯) | અદ્વૈતદિપીકા | સદાનંદ (૧૫૪૭) |
સ્વતંત્ર ગ્રંથો
| (૨૦) | ખંડનખંડખાદ્ય | શ્રી હર્ષદેવ |
| તત્ત્વદીપિકા | ચિત્સુખાચાર્ય (૧૨૦૯ ઇ. સ.) (નં. ૨૦ ઉપર ટીકા) | |
| તત્ત્વદીપિકાપ્રસાદિની | પ્રત્યગ્રપ નયનાચાર્ય. (ઉપલી ટીકા ઉપર ટીકા) | |
| (૨૧) | વેદાંતપરિભાષા | ધર્મરાજાધ્વરી |
| શિખામણી | રામકૃષ્ણધ્વરી. (નં.૨૧ ઉપરટીકા) | |
| મણિપ્રભા | અમરદાસ. | |
| (૨૨) | વેદાંતસાર | સદાનંદ |
| ટીકા સુબોધિની | ||
| ટીકા વિદ્વિન્મનોરંજની. | ||
| (૨૩) | અદ્વૈતસિદ્ધિસિદ્ધાંત સાર | સદાનંદ, (અ. સિ. ઉપર ટીકા) |
| (૨૪) | સિદ્ધાંતલેશ. | અપ્પેયા દીક્ષિત. |
| (૨૫) | જીવનમુક્તિવિવેક | વિદ્યારણ્ય સ્વામી. |
| (૨૬) | પંચદશી | ”” |
| (૨૭) | આત્મપુરાણ | શંકરાનંદ સ્વામી |
| (૨૮) | ઉપનિષદ્દીપિકા | ”” |
| (૨૯) | તર્કસંગ્રહ | આનંદગિરિ(વૈશેષિકમતનું ખંડન) |
| (૩૦) | વૈયાસિક ન્યાયમાળા | ભારતીતીર્થ મુનિ. |
| (૩૧) | ન્યાયમકરંદ | આનંદબોધાચાર્ય. |
(૮) એક જ વિદ્વાને અનેક ટીકાઓ રચેલી હોય તેની વિગતઃ–
| (૧) અમલાનંદ સ્વામી (૧૨૪૭–૬૦) | (૨) રામાશ્રમ(અથવા ગોવિંદાનંદ) |
| (અ) ભામતી નિબંધ ઉપર કલ્પતરૂ ટીકા | (અ) રત્નપ્રભા |
| (બ) સૂત્રભાષ્ય ઉપર શાસ્ત્રદર્પણ | (બ) રામાશ્રમી બીજી ટીકા |
| (ક) પંચપાદિકાદર્પણ | (ક) રામાશ્રમીવૃત્તિ |
| (૩) મધુસૂદન સરસ્વતી | (૪) પ્રકાશાત્મચરણ |
| (અ) એક ટીકા છે એમ કહેવાય છે | (અ) પંચપાદિકા ઉપર વિવરણ |
| (બ) વેદાન્તકલ્પલતા | (બ) શારીરિકમીમાંસા ન્યાયસંગ્રહ |
| (ક) અદ્વૈતસિદ્ધિ. (સ્વતંત્ર ગ્રંથ) | (૫) ગંગાધર સ્વામી |
| (ડ) અદ્વૈતસિદ્ધિરત્ન | (અ) સ્વરાજ્યસિદ્ધિ |
| (બ) શારીરક સૂત્રસારાર્થચંદ્રિકા | |
| (૬) વિદ્યારણ્ય (૧૩૩૧–૮૭). | (૭) રામાનંદ |
| (અ) પ્રકાશાત્મ ચરણના વિવરણ ઉપર | (અ) વિવરણોપન્યાસ |
| વિવરણપ્રમેયસંગ્રહ. | (બ) બ્રહ્મવૃતવર્ષિણવૃત્તિ. |
| (બ) અધિકરણ રત્નમાળા | (૮) અપ્પૈયા દીક્ષિત |
| (ક) વાર્તિક સારસંગ્રહ. | (અ) અમલાનંદના કલ્પતરૂ ઉપર |
| પરિમલ નામની ટીકા. | |
| (બ) શારીરક ન્યાયરક્ષામણિવૃત્તિ | |
| (ક) સિદ્ધાંતલેશ |
૯) ટીકા ઉપર ટીકાવાળા ગ્રંથો
| (૧) | (૨) |
| બ્રહ્મસૂત્ર-બાદરાયણના, તેના ઉપર | બ્રહ્મસૂત્ર-બાદરાયણના, તેના ઉપર |
| | | | |
| શાંકર ભાષ્ય, તેના ઉપર | શારીરક ભાષ્ય-શંકરાચાર્યનું, તેના ઉપર |
| | | | |
| ભામતી-વાચસ્પતિની ટીકા-તેના ઉપર | પંચપાદિકા-પદ્માચાર્યની ટીકા, તેના ઉપર |
| | | | |
| કલ્પતરૂ-અમલાનંદની ટીકા-તેના ઉપર | વિવરણ-પ્રકાશત્મચરણનું, તેના ઉપર |
| | | | |
| પરિમલ-અપ્પૈય દીક્ષિતની ટીકા અને આભોગ-લક્ષ્મી નરસિંહની ટીકા છે. | પ્રમેયસંગ્રહ-વિદ્યારણ્ય મુનિનો. |
(૧૦) શ્રી શંકરાચાર્યનાં રચેલા ગ્રંથો
જગદગુરુ શ્રી શંકરાચાર્ય મહારાજના રચેલા ગ્રન્થો કેટલા છે, તેની યાદી નીચે આપેલી છેઃ— (૧) ભાષ્યઃ–તેમણે ષોડશ (૧૬) ભાષ્યો રચ્યાં કહેવાય છે, જ્યારે તેમને ચરિત્રકાર ગોવિંદનાથ પંદર જણાવે છે. ઈશ, કેન, કઠ, પ્રશ્ન મુંડક, માંડુક્ય, ઐતરેય, તૈત્તિરીય, બૃહદારણ્યક, છાંદોગ્ય-એ ૧૦ ઉપનિષદો ઉપર ૧૦ ભાષ્યો, ૧ બ્રહ્મસૂત્ર ઉપર, ૧ ગીતા ઉપર, ૧ વિષ્ણુસહસ્રનામ ભાષ્ય, ૧ મહાભારતના ઉદ્યોગ પર્વના સનત્સુજાતીય ઉપર ભાષ્ય, ૧ પ્રણવ ભાષ્ય (પંચીકરણ), ૧ ગાયત્રી ભાષ્ય. (કેનોપનિષદ્ ઉપર એક પદભાષ્ય અને બીજું વાક્યભાષ્ય–એમ બે છે.) ૨) શંકાવાળાં ભાષ્યોઃ—શ્વેતાશ્વત્તર ઉપનિષદ ઉપરનું ભાષ્ય, નૃસિંહતાપનીય ઉપનિષદ ઉપરનું ભાષ્ય. આ બે ગ્રંથો તેમની ગાદી ઉપર આવેલા કોઈ શંકરાચાર્યે રચેલાં મનાય છે. કેટલાકો આ બે ભાષ્યોને તેમનાં ૧૬ ભાષ્યોમાં ગણે છે, અને પ્રણવભાષ્યને તથા ગાયત્રીભાષ્યને પ્રકરણ ગ્રંથો ગણે છે, જ્યારે બીજાઓ આદ્ય શંકરાચાર્યનાં અષ્ટાદશ (૧૮) ભાષ્ય સ્વીકારે છે. શ્વેત્તાશ્વત્તર અને નૃસિંહતાપનીય ઉપનિષદેામાં માયાનો વાદ આવે છે, તે ઉપરથી તેના ઉપરનાં ભાષ્યો મૂળ શંકરાચાર્યનાં જ રચેલાં કેટલાકો માને છે. (૩) પ્રકરણગ્રંથોઃ—શ્રીશંકરાચાર્યને નામે ચઢેલા ઘણા ગ્રંથો છે. તેમાંના કેટલાક તે તેમની પછી તેમની પીઠો ઉપર આવેલા શંકરાચાર્યોએ રચેલા હશે, એવું અનુમાન થાય છે. પણ નીચેની યાદીમાં જણાવેલા ગ્રંથો તેમનીજ રચના મનાય છે, કારણ કે તેમાંનું લખાણ સર્વમાં એકસરખું છે. (૧) અપરોક્ષાનુભૂતિ, (૨) પ્રૌઢાનુભૂતિ, (૩) અદ્વૈતાનુભૂતિ, (આ ત્રણ અનુભૂતિઓ કહેવાય છે.) (૪) આત્મબોધ, (૫) તત્ત્વોપદેશ, (૬) બ્રહ્મજ્ઞાનાવલી, (૭) વાક્યવૃત્તિ, (૮) લઘુવાક્યવૃત્તિ, (વાક્યવૃત્તિઓ ઘણું મળે છે. તેમાં શ્રી શંકરાચાર્યની મૂળ કયી, તે શોધી કાઢવું મુશ્કેલ છે.) (૮) સદાચારાનુસંધાન, (૧૦) સ્વાત્મનિરૂપણ, (૧૧) પ્રબોધ સુધાકર, (૧૨) પ્રશ્નોત્તર માલિકા, (૧૩) એકશ્લોકી, (૧૪) દશશ્લોકી, (૧૫) શતશ્લોકી, (૧૬) ઉ૫દેશસાહસ્ત્રી, (આ સંખ્યાદર્શક ચાર ગ્રંથો છે.) (૧૭) બ્રહ્માનુચિંતનમ્, (૧૮) મોહમુદ્ગર, (૧૯) યોગતારાવલી, (૨૦) સ્વાત્મપ્રકાશિકા, (૨૧) સર્વવેદાન્તસિદ્ધાન્તસારસંગ્રહ, (૨૨) વિવેકચૂડામણિ, (૨૩) અનાત્મશ્રી વિગર્હણ પ્રકરણ, (૨૪) આત્માનાત્મવિચાર, (૨૫) જીવનમુક્તાનંદલહરી, (૨૬) વાક્ય સુધા, (૨૭) અધ્યાત્મપટલવિવરણ. (૪) સ્તોત્રઃ વેદાન્તસ્તોત્રઃ—(૧) પ્રાતઃસ્મરણમ, (૨) અદ્વતપંચકમ્, (૩) આત્મષટકમ્, (૪) ઉપદેશપંચકમ્, (૫) કાશીપંચકમ્ (૬) કૌપીનપંચકમ્, (૭) ચર્પટપંજરિકા, (૮) દક્ષિણામૂર્તિ સ્તોત્ર, (૯) દ્વાદશપંજરિકા, (૧૦) ધન્યાષ્ટકમ્, (૧૧) નિર્ગુણ માનસપૂજા, (૧૨) નિર્વાણમંજરી, (૧૩) પરાપૂજા, (૧૪) મનીષાપંચકમ્, (૧૫) વિજ્ઞાનનૌકા, (૧૬) ષટ્પદી સ્તોત્રમ, (૧૭) હરિમીડે સ્તોત્રમ્ ભક્તિસ્તોત્રોઃ શિવ સંબંધીઃ—(૧) શિવભુજંગપ્રયાત સ્તોત્ર, (૨) શિવપંચાક્ષર તંત્ર, (૩) વેદસારશિવસ્તવ, (૪) કાળભૈરવાષ્ટકમ્, (૫) દક્ષિણામૂર્તિ તંત્ર, (૬) દ્વાદશ જ્યોતિર્લિંગ સ્તોત્ર, ભક્તિસ્તોત્રોઃ વિષ્ણુ સંબંધીઃ—(૭) શ્રીમદઅચ્યુતાષ્ટકમ્ (૮) અચ્યુતાષ્ટકમ્–બીજું, (૯) નારાયણ સ્તોત્ર, (૧૦) વિષ્ણુપાદાદિકેશાંતવર્ણન સ્તોત્રમ્, (૧૧) કૃષ્ણાષ્ટકમ્, (૧૨) કૃષ્ણાષ્ટકમ્-બીજું (૧૨) શ્રી ગોવિંદા- ષ્ટકમ્, (૧૪) પાંડુરંગાષ્ટકમ્. ભક્તિસ્તોત્રઃ દેવી સંબંધીઃ—(૧૫) આનંદલહરી, (૧૬) ત્રિપુરસુંદરી સ્તોત્ર, (૧૭) અન્નપૂર્ણા સ્તોત્ર. (૧૮) અંબાષ્ટકમ્ (૧૯) લલિતાપંચક, (૨૦) ભમરાંબાષ્ટકમ્ ભક્તિસ્તોત્રઃ નદીના દેવતા સંબંધીઃ—(૨૧) ગંગાષ્ટકમ્, (૨૨) યમુનાષ્ટકમ્, (૨૩) નર્મદાષ્ટકમ્, (૨૪) મણિકર્ણિકાષ્ટમ્ ૫) અનેક નામે ઓળખાતા શંકરાચાર્યનાં કેટલાંક સ્તોત્રો. (૧) અદ્વૈતપંચક=આત્મપંચક, (૨) ઉપદેશપંચક=સાધનપંચક, (૩) વિજ્ઞાનનૌકા=સ્વરૂપાનુંસંધાન (૪) દશશ્લોકી-નિર્વાણદશક=સિદ્ધાન્તબિન્દુ. (સિદ્ધાન્તબિન્દુ એ મધુસૂદન સ્વામીની ટીકા છે, પણ ટીકાને નામે મૂળ ગ્રન્થ પણ ઓળખાય છે.) (૫) આત્મષટ્ક=નિર્વાણષટ્ક=ચિદાનંદષટ્ક, (૬) બ્રહ્માનુચિંતન=આત્મચિંતન, (૭) જીવનમુક્તાનંદ લહરી=અનુભવાનંદ લહેરી, (૮) સૌન્દર્ય લહરી=આનંદલહરી.
શ્રી આદ્યશંકરાચાર્યને નામે ચઢેલા (શંકાસ્પદ) ગ્રંથો અને સ્તોત્રો વગેરેની યાદી,
(૧) અદ્વૈતકૌસ્તુભ, (૨) પ્રપંચસાર, (શ્રીવાણિવિલાસ પ્રેસની માળામાં આ ગ્રંથ શ્રીશંકરાચાર્યને નામે છાપ્યો છે. એમાં ઘણીક સંસાર વહેવારની ચમત્કારિક વાતો આવે છે.) (૩) લલિતાત્રિશતી, (૪) વેદાન્તમુક્તાવલિ, (૫) મહાવાક્યવિવરણ, (૬) તત્ત્વબોધ, (૭) મહાવાક્યવિવેક, (૮) વાક્યવૃત્તિદર્પણ. (૯) વાક્યવૃત્તિ મધ્યમ, (૧૦) રત્નપંચક, (૧૧) વિવેકાદર્શ, (૧૨) શિવસર્વોત્તમ સ્તોત્ર, (૧૩) લલિતાસ્તવરાજ, (૧૪) દત્તાત્રય-સહસ્રનામાવલિ, (૧૫) મહાલક્ષ્મી શક્તિયોગમાયા ભવાની સ્તોત્ર (?)(૧૬) શિવનામાવલ્યાષ્ટક, (૧૭) જગન્નાથાષ્ટક, (૧૮) શિવરામાષ્ટક, (૧૯) ત્રિવેણી-સ્તવ, (૨૦) શારદાસ્તુતિ, (૨૧) ચંદ્રશેખર સ્તોત્ર, (૨૨) વિઠ્ઠલ સ્તોત્ર, (૨૩) રામલક્ષ્મણ સ્તોત્ર, (૨૪) નીલકંઠ શૈવ સંવાદ, (૨૫) અપરાધભંજન અથવા ક્ષમાસ્તોત્ર, (૨૬) કૃષ્ણતાંડવ, (૨૭) કામક્ષ્યાષ્ટક, (૨૮) રાજયોગ, (૨૯) ત્રિશ્લોકી, (૩૦) ચતુઃશ્લોકી; (૩૧) શિવમાનસ પૂજા—બે પ્રકારની, (૩૨) વિષ્ણુમાનસ પૂજા, (૩૩) ભવાનીમાનસપૂજા, (૩૪) ભગવત્માનસપૂજા (૩૫) નિર્વાણશતક, (૩૬) સપ્તશ્લોકી ગીતા, (૩૭) સદાચાર, (૩૮) બાલબોધિની, (૩૯) હરિનામાવલી, (૪૦) બ્રહ્મનામાવલી, (૪૧) નક્ષત્રમાળા, (૪૨) નિગમ ચૂડામણિ, (૪૩) યતિપંચક, (૪૪) કાશિકા સ્તોત્ર, (૪૫) વિષ્ણુ નામાષ્ટક, (૪૬) શિવાપરાધક્ષમાપન સ્તોત્ર, (૪૭) દેવ્યાપરાધ ક્ષમાપન સ્તોત્ર; (૪) લક્ષ્મીનૃસિંહ સ્તોત્ર (૪૯) અમરૂ શતક. એ શિવાય પણ ઘણા બીજા સ્તોત્રોના નામો મળે છે. (૧૧) બ્રહ્મસૂત્ર અને શાંકરભાષ્યનો અભ્યાસ કરવાની રીત શ્રી બાદરાયણ વ્યાસનાં બ્રહ્મસૂત્રો અને તેના ઉપરના શંકરાચાર્યનાં ભાષ્યોનાં પુસ્તકેાની યાદી આપણે જોઈ. ૫ણ તે સર્વ પ્રથમારંભ કરનારાએ વાંચવા જેવાં નથી. પ્રથમાભ્યાસી ષટ્સંપત્તિવાળા અધિકારી જિજ્ઞાસુ, મુમુક્ષુએ પ્રથમ બ્રહ્મતત્ત્વપ્રકાશિકા નામની અથવા તે અદ્વૈતમંજરી નામની સૂત્રવૃત્તિઓ મેળવવી. તે સાથે વૈયાસિક ન્યાયમાળા તથા અધિકરણરત્નમાળા રાખવી, અને આનંદગિરિની ન્યાય નિર્ણય નામની ટીકા સાથે શાંકર ભાષ્યનો અને અભ્યાસ શરૂ કરવો. શ્રી શંકરાચાર્યના પ્રામાણિક સર્વ મુખ્ય ગ્રંથો ઉપર આનંદાગિરિની ટીકા પ્રાપ્ત થાય છે. આનંદગિરિનું લખાણ એ શંકરાચાર્યના લેખોનું હૃદય છે. આ પ્રમાણે એક વાર અભ્યાસ થયા પછી મુમુક્ષુએ સ્વામી ગેવિદાનંદની રત્નપ્રભા ટીકા વાંચવી. અને તે પૂરી થાય પછી જ ભામતી નિબંધ તેના સર્વ સાહિત્ય સાથે શોખ હોય તો તે જ શરૂ કરે. ભામતી એ એક રીતે શાંકર ભાષ્યનું હાર્દ તારવનાર છે. તે બ્રહ્મસૂત્ર ઉપર એક સ્વતંત્ર પ્રસ્થાન છે, અને અપૂર્વ ભાવને પ્રકટ કરનારી બહુ જ ગંભીર અને અર્થપૂર્ણ ટીકા છે. તેથી તો તેના ઉપર ટીકાઓ અને ટીકાઓ ઉપર ટીકાઓ વગેરે રચાયાં છે. એ પૂર્ણ થયા પછી ટીકાઓ સહિત સંક્ષેપ શારીરક ભાષ્ય અને પંચાપાદિકા પણ સર્વ સાહિત્ય સાથે શીખે તો બ્રહ્મવિદ્યામાં નિષ્ણાત થઈ જાય અને નિર્ગુણ મુક્તિ પ્રાપ્ત થાય. આધુનિક ટીકાઓમાં શ્રીયુત આત્મારામ મોરેશ્વર છત્રેની શ્રીમદ્વૈયાસિક ન્યાય આર્યમાળા, શ્રી બ્રહ્મસૂત્રાનુક્રમણિ, શ્રીમદ્્વૈયાસિક અધિકરણનુક્રમણિ અને શ્રીમત શારીરકીય તત્ત્વાનુક્રમણિ–એ કંઠસ્થ કરવાને માટે બહુ ઉપયોગી છે. ગુજરાતી ભાષામાં:—(૧) શ્રી કૃષ્ણલાલ ગો. દેવાશ્રયીનું સંક્ષેપ શાંકરવિજય, (૨) શાસ્ત્રી મણિશંકર હરિકૃષ્ણ નવસારીકરનું શ્રી શંકરાચાર્ય ચરિત્ર (ધાર્મિક ઇતિહાસ) (૩) જગદ્ગુરુશંકરાચાર્ય, લેખક અને પ્રકાશક નર્મદાશંકર ત્ર્યમ્બકરામ ભ, (૪) રા. રા. પુરૂષોત્તમ શિવરામ ભટ્ટકૃત શ્રી આદ્ય શંકરાચાર્યની જીવનકથા આટલા ગ્રંથો ચરિત્ર જાણવા માટે પ્રાપ્ત થાય છે. છતાં એમના ગ્રંથો ઉપરથી અને બીજી શોધખોળો ઉપરથી તારવીને ઐતિહાસિક દ્રષ્ટિએ ચર્ચા કરતું એક સારૂં જીવનચરિત્ર લખવાની ઘણી જરૂર છે. તેજ પ્રમાણે તેમના પછી શાંકરમતના પ્રચારની ઐતિહાસિક ચર્ચા કરનારા સિલસિલાબદ્ધ એક ગ્રન્થની પણ તેટલી જ જરૂર છે. (૫) “હિંદના તત્ત્વજ્ઞાનનો ઇતિહાસ” એ નામના પુસ્તકમાં ખંભાતના દિવાન સાહેબ દિ. બા. નર્મદાશંકર દેવશંકર મહેતાએ લખેલો તત્ત્વજ્ઞાનનો ઇતિહાસ તથા હમણાં જ તેઓશ્રીએ ગોવિંદનાથનું સંસ્કૃત શંકરચરિત્ર. અંગ્રેજી ઉપોદ્ઘાત સાથે બહાર પાડ્યું છે તે ખાસ વાંચવા જેવું છે. એ સિવાય સ્વ. સાક્ષરશ્રી મણિલાલ નભુભાઈ દ્વિવેદીએ લખેલ સિદ્ધાન્તસાર તથા પંચશતિ નામનાં પુસ્તકો પણ વાંચવા જેવાં છે. હિંદની જુદી જુદી પ્રાકૃત ભાષાઓમાં શાંકર સિદ્ધાન્તનાં અને ચરિત્રોનાં ઘણા પુસ્તકો છે.
तावदर्जन्ति शास्त्राणि जम्बुका विपिने यथा ।
न गर्जतिमहाशक्तिर्याविद्वेदान्तकेशरी ॥
ભાવાર્થ—જેમ સિંહની ગર્જના ન થાય ત્યાં સુધી જંગલમાં શિયાળો શોરબકોર મચાવે છે, તેમ જ્યાં સુધી વેદાન્ત સિદ્ધાન્ત રૂપી કેશરીસિંહ ગાજતો નથી હોતો ત્યાં સુધી અન્ય શાસ્ત્રો શોરબકોર મચાવી શકે છે.
इति शम् ।
પાદટીપ :
Lua error in package.lua at line 80: module ‘strict’ not found.