ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૩/પ્રાણલાલ કરપારામ દેસાઇ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
પ્રાણલાલ કીરપારામ દેસાઈ

એઓ બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિના અને આમોદના વતની છે. એમનો જન્મ તા. ૧૧ મી મે ૧૮૮૨ ના રોજ આમોદમાં થયો હતો. એમના પિતાનું નામ કીરપારામ બાલમુકુંદરાય દેસાઈ અને માતાનું નામ ભાગીરથીબ્હેન પુરુષોત્તમરાય દેસાઈ હતું. એમનું લગ્ન સન ૧૯૦૪ માં અમદાવાદમાં સૌ. કપિલાબ્હેન સાથે થયું હતું. એમના પિતા મીઆંગામના ઠાકોરના કારભારી હતા. માધ્યમિક શિક્ષણ એમણે વડોદરા હાઈસ્કુલમાં લીધેલું. સન ૧૮૯૮માં મેટ્રીક્યુલેશનની પરીક્ષા પાસ કરી તેઓ વડોદરા કૉલેજમાં દાખલ થયેલા. થોડોક વખત વિલ્સન કૉલેજમાં પણ હતા; પણ સને ૧૯૦૩ માં બી. એ. ની પરીક્ષા ફ્રેન્ચ અને ઐચ્છિક વિષય તર્કશાસ્ત્ર અને તત્ત્વજ્ઞાન લઈને વડોદરા કૉલેજમાંથી તેમણે પાસ કરી હતી. એમના પ્રિય વિષયો સાહિત્ય, ઇતિહાસ અને તત્ત્વજ્ઞાન છે. સ્વ. પ્રો. જગજીવનદાસ શાહે એમના જીવન પર અસર કરેલી અને એમને ભગવદ્‌ગીતા અને માર્ટિનોનું નીતિશાસ્ત્ર એ પુસ્તકમાંથી જીવનકાર્ય માટે પ્રેરણા મેળવી છે. સને ૧૯૦૪માં તેઓ સરકારી કેળવણી ખાતામાં જોડાયલા અને સને ૧૯૧૪માં અમદાવાદ હાઈસ્કુલમાંથી ડેપ્યુટી લાઈનમાં ગયેલા, જેને અંગે તેમને ખેડા, ભરૂચ અને પંચમહાલ જીલ્લાઓમાં જુદે જુદે ગામે ફરવાનું થયલું અને તેના અંગે જે અનુભવ પ્રાપ્ત થયલો તે એમણે એમની કેટલીક વાર્તાઓમાં ગુંથ્યો છે. સને ૧૯૨૦માં તેઓ અમદાવાદ મ્યુનિસિપાલેટીમાં સ્કુલ બોર્ડના સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે નિમાયા હતા અને સને ૧૯૨૧માં અસહકારની ચળવળ વખતે સરકારની રીતિનીતિ સંબંધી મતભેદ ઉપસ્થિત થતાં, તેઓએ સરકારી નોકરીમાંથી મુક્ત થઇને મ્યુનિસિપલ નોકરી અંગત ભોગ આપીને સ્વીકારી હતી, જેનાં તેઓ સન ૧૯૨૫નાં પ્રાયમરી એજ્યુકેશન એક્ટ મુજબ એડમિનિસ્ટ્રેટીવ ઑફીસર તરીકે કામ કરે છે. એક નિષ્ણાત અને અનુભવી કેળવણી ખાતાના અધિકારી તરીકે તેમની નામના બહોળી છે; અને એમના એ અનુભવ અને બાહોશીને લઈને મુંબાઈ સરકાર તરફથી પ્રાથમિક શાળાનો અભ્યાસક્રમ સુધારવાને એક કમિશન નિમાયું હતું તેના એક સભ્ય તરીકે એમની પસંદગી કરવામાં આવી હતી. તેઓ લાંબા સમયથી સરકારી કેળવણી ખાતામાંથી છૂટા થયા છે છતાં ગુજરાતની માધ્યમિક શિક્ષક સમાજના તેઓ ઉપ-પ્રમુખ ચાલુ છે. જેમ અમદાવાદ જીલ્લાના માધ્યમિક શિક્ષકો અને ડેપ્યુટીઓની સમાજના પ્રમુખ છે, એ જ રીતે અમદાવાદ મ્યુનિસિપલ નોકર મંડળે તેમને તેના ઉપ-પ્રમુખ નીમ્યા છે, જે એમના મિલનસાર અને પરગજુ સ્વભાવની આ૫ણને પ્રતીતિ કરાવે છે; એ એમના ઉપર શિક્ષકવર્ગનો કેટલો બધો વિશ્વાસ છે તે સૂચવે છે તેમ એમની લોકપ્રિયતાની અચૂક નિશાની છે. જ્યાં જ્યાં એઓ રહેલા છે ત્યાં એમના મિત્રો મોટી સંખ્યામાં મળી આવશે; એટલું જ નહિ પણ તેમણે સૌનો કાયમ પ્રેમ સંપાદન કરેલો દેખાશે. પ્રેમાળ સ્વભાવ અને સેવાભાવ એમના સ્વભાવના આગળ પડતા લક્ષણો છે. તેઓ એક પ્રખર સંસારસુધારક છે અને એક વક્તા તરીકે પણ એમનું નામ જાણીતું છે. છેલ્લા પાંચ વર્ષથી તેઓ ગુજરાત સાહિત્ય સભાના મંત્રી છે. લેખનકાર્ય તો તેઓ વડોદરા કૉલેજમાં હતા ત્યારથી જ આરંભેલું; કૉલેજના મેગેઝીનમાં તેઓ નિયમિત રીતે લેખો લખતા હતા અને કૉલેજ છોડ્યા પછી પણ કેટલાક વર્ષો સુધી તેમણે તે પ્રવૃત્તિ ચાલુ રાખી હતી. વડોદરા કૉલેજ મેગેઝીનમાં એમના લેખો વિધવિધ તેમ સંખ્યામાં પુષ્કળ મળશે. મેકમિલન કંપનીએ એમની પાસે પ્રાથમિક શાળાઓ માટે ગુજરાતનો ઇતિહાસ વાર્તારૂપે ખાસ લખાવેલો છે અને સાહિત્ય પરિષદ મંડળે ક્રમિક પાઠ્ય પુસ્તકો ભા. ૧ અને ભા. રનું સંપાદન કાર્ય શ્રીયુત જનુભાઈ અચરતલાલ સાથે એમને સોંપ્યું હતું. એમનો વાર્તાસંગ્રહ ચાલુ વર્ષમાં છપાઇ બહાર પડશે.

: : એમની કૃતિઓ : :

ગુજરાતના ઇતિહાસની સહેલી વાતો સન ૧૯૨૩
(શિષ્ટ સાહિત્યમાળા) ક્રમિક પાઠ્યપુસ્તક, ભા. ૧  ”  ૧૯૩૧
ભા. ૨  ”
વાર્તાઓ અને સંસારચિત્રો  ”  ૧૯૩૨