ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૩/હિંદુ ધર્મને વ્યાપક કરવામાં શૈવોએ કરેલો ઉપકાર
વારંવાર એવો આક્ષેપ હિંદુધર્મ પ્રતિ કરવામાં આવે છે કે હિંદુઓનો ધર્મ શ્રુતિ એટલે વેદ ઉપર બંધાયેલો હોવાથી અને શ્રુતિનું અધ્યયન કરવાનો અધિકાર બ્રાહ્મણાદિ ત્રૈવણિકોને જ માત્ર હોવાથી શૂદ્રોને તથા અતિશૂદ્રોને તથા હિંદુસમાજ બહારના ઈતર જાતિના મનુષ્યોને હિંદુધર્મ પોતાની મર્યાદામાં લઈ શકતો નથી, અને તેથી તે સંકુચિત ધર્મ છે, અને તે ધર્મમાં બૌદ્ધ, ખ્રિસ્ત તથા મુસ્લિમ ધર્મ જેવી વ્યાપકતા નથી. આ આક્ષેપ પ્રથમ દર્શને આ જમાનાના કેળવાયેલા મનુષ્યો સામાન્ય રીતે માની લે છે, અને હિંદુ ધર્મનું સર્વાંશ જ્ઞાન નહિ હોવાથી શૂદ્ર અથવા અંત્યજોને બ્રાહ્મણોએ માત્ર દબાવી રાખ્યા છે, અને પરમેશ્વરના જ્ઞાન અને ધ્યાનથી વિમુખ રાખ્યા છે. એવું માની લેવામાં આવે છે. પરંતુ વસ્તુવિચારથી જોતાં ધર્મના અભ્યાસકને સમજાય એમ છે કે આ માન્યતા સપ્રમાણ નથી. હિંદુધર્મના વ્યવસ્થાપક ઋષિમુનિઓએ તેનામાં સંકોચ અને વિકાસની બે પ્રકારની શક્તિ સ્થાપી છે. સંકોચ શક્તિવડે હિંદુધર્મ સમાજનું સંરક્ષણ કરે છે; વિકાસ શક્તિવડે હિંદુધર્મ પોતાનાં સત્યોને સર્વ દેશકાળ અને પ્રજામાં પુષ્પના પરાગની પેઠે પસરાવે છે. હાલના હિંદુધર્મના અભ્યાસકો ભાગ્યેજ જાણે છે કે હિંદુધર્મ કેવલ વૈદિકોના કબજાનો ધર્મ નથી. હિંદુધર્મમાં શ્રુતિ એટલે નિગમ અને તંત્ર એટલે આગમ—એ બે મુખ્ય વૃક્ષો મૂળમાંથી સંયુક્ત થઇ ઉછર્યા છે. જ્યારે બે વૃક્ષો –પીપળો અને વડ–મૂળમાંથી ભેગાં થઇ ઉછરે, ત્યારે થડમાંથી એાળખાય નહિ કે કયો ભાગ પીપળાનો, અને કયો ભાગ વડનો છે તે સંયુક્ત વૃક્ષોના થડમાંથી ઉંચે શાખા-પ્રશાખા અને પલ્લવ-પત્રો ઉપર નજર નાખીએ, ત્યારે સમજાય કે આ સંયુક્ત વૃક્ષમાં અમુક અંશ પીપળાનો છે અને અમુક અંશ વડનો છે. આવાં સંયુક્ત વૃક્ષો શિવ-પાર્વતીના અર્ધનારીશ્વર ભાવવાળાં છે; એમાં એકને બીજાથી છૂટું પડાય તેમ નથી. કોઈ પણ પ્રજા પિતાની પણ અવગણના ન કરી શકે તેમ માતાની પણ અવગણના ન કરે. પ્રસંગે માતપિતાનો ગુણપ્રધાનભાવ થાય અથવા સમભાવ થાય; પરંતુ અવગણના તો ન જ થાય. સંયુક્ત વૃક્ષને છૂટાં પાડવાનો પ્રયત્ન થાય તો તે બંને વૃક્ષ મરી જાય. હિંદુધર્મમાં શ્રુતિ અથવા વેદ મૂળમાં છે એ વાત ખરી છે; પરંતુ બ્રહ્મના ચાર મુખ જેવા ચાર વેદ ઉપરાંત પાંચમું પરમેશ્વરનું ઊર્ધ્વમુખ સ્વતઃ વેદે સ્વીકાર્યું છે; અને તે ઊર્ધ્વસ્ત્રોતસ્માંથી પ્રસવતું મધ (મધુ) સાધ્ય દેવો ભોગવે છે, અને તેઓ બ્રહ્મમુખથી એટલે પ્રણવવડે રહસ્ય જ્ઞાનના અમૃતને મેળવે છે,[2] આ પ્રણવના મુખનો વિસ્તાર માંડૂક્ય અને નૃસિંહતાપનીય ઉપનિષદોમાં છે. આ “હિરણ્યકોશ’ જેવા પ્રણવનો આશ્રય લઈને લુપ્તવિદ્યાઓને સૂર્ય પાસેથી યાજ્ઞવલ્ક્યાદિ મહર્ષિઓએ મેળવ્યાની આખ્યાયિકાઓ છે. જૂના અધ્વર્યું વેદના એટલે કૃષ્ણ યજુર્વેદના મંત્રો કંઈક વાશી ફૂલ જેવા ગણયા, અને યાજ્ઞવલ્કયે ‘અયાતયામાનિયજૂઁષિ’ – એટલે તાજાં પુષ્પ જેવા યજુષ સૂર્ય પાસેથી વિદ્યારૂપે પ્રાપ્ત કર્યા એ વગેરે આખ્યાયિકા જે વૈદિકોમાં સુપ્રસિદ્ધ છે તે એવું સ્પષ્ટ સૂચવે છે કે કેવલ શ્રુતિ એટલે પરંપરાગત શબ્દોમાં જ સર્વ રહસ્ય છે એમ નથી, પરંતુ ધ્યાનયોગ વડે અને પરમેશ્વરના પ્રસાદથી ઘણાં રહસ્યો મનુષ્યોને મળ્યાં છે, મળે છે અને મળશે. આ કારણથી ઋષિઓ કંઇ શ્રુતર્ષિજ હોતા નથી. પરંતુ સત્ય અને તપના[3] પાલનવડે પણ આર્ષજ્ઞાન અથવા પ્રાતિભજ્ઞાન પ્રકટ થાય છે. આવા સત્ય અને તપના પ્રભાવથી આર્ષજ્ઞાન મેળવનારા સાંખ્યાચાર્ય કપિલ તથા યોગાચાર્ય પતંજલિના સિદ્ધાન્તો હિંદુ ધર્મના સંયુક્ત વૃક્ષમાં શાખા-પ્રશાખામાં પ્રવેશ પામ્યા છે. તે ઉપરાંત શિવાગમ અને પાશુપત દર્શનના સિદ્ધાન્તો અને વૈષ્ણવાગમ અથવા સાત્વત તન્ત્રના સિદ્ધાન્તો પણ હિંદુધર્મમાં પ્રવેશ પામ્યા છે. શ્રુતિ, સાંખ્ય, યોગ, શૈવ અને વૈષ્ણવઃ આ પાંચ પલ્લવવાળા હિંદુધર્મના સંયુક્ત વૃક્ષમાં પ્રત્યેક પલ્લવમાં શાક્ત સંપ્રદાયનાં પુષ્પો પણ છે. આ સર્વનું ધ્યેય પરમાત્મપદની પ્રાપ્તિ કરવાનું છે, અને માર્ગોના, સંપ્રદાયોના અને પંથોના ભેદો છતાં અનેક નદીએ જેમ એક સમુદ્રમાં એક થાય તેમ પરમેશ્વર અથવા પર-પ્રકારના પાશમાંથી છૂટવાનો છે. શૈવો જીવને આઠ પાશ વળગેલા માને છે, એટલે કે ઘૃણા, લજ્જા, ભય, શોક, જગુપ્સા, કુલ, શીલ, અને જાતિ એ આઠ વસ્તુના મિથ્યાભિમાનને જ્ઞાનપ્રતિબંધક નિમિત્ત માને છે. આ ભેદવાદમાંથી મોકળા થવાનું સ્વાતંત્ર્યબીજ હિંદુધર્મમાં શૈવોએ સ્થાપ્યું જણાય છે, અને તે વેદકાળ જેટલું જૂનું છે. વેદવાદના યજ્ઞકાંડના અતિશયમાં કર્મજાળ ગૂંચાવાથી જ્ઞાનદૃષ્ટિનું આવરણ આવે છે અને પરમેશ્વરના સ્વરૂપની અને ફળ પ્રવર્તાવવાના સિદ્ધ સામર્થ્યની અવગણના થાય છે. એ રહસ્ય સમજાવવા દક્ષયજ્ઞધ્વંસ અને સતીદહન, તેના પરિણામમાં સ્થૂલકામનો નાશ અને સૂક્ષ્મકામનો પુનરુદય-ઉમા-પાર્વતીના પુનરુદ્ભવની આખ્યાયિકામાં–પુરાણોમાં ગુંથ્યો છે. આ આખ્યાયિકા સમાજના કંઈક સાચા ઇતિહાસનું ચિત્ર છે. યજ્ઞની કેવળ જડભાવના અને પશુહિંસામાંથી મનુષ્યોને પાછા વાળી પરમેશ્વરના સાંબ પ્રતીકમાં એટલે જ્યોતિર્મય પ્રકૃતિયુક્ત પરમેશ્વરનું પૂજન અને ધ્યાન કરવાનો સિદ્ધાન્ત વેદના મૂલમાં શૈવોએ દાખલ કર્યો છે. શ્રૌતમતનું આ સંસ્કરણ વેદકાલ પછી થયું છે, એમ નથી, વેદ કાલનું સંહિતાનું અથવા બ્રાહ્મણ ગ્રન્થનું સાહિત્ય ઘડાતું હતું, ત્યારે આ સ્વાતંત્ર્યબીજ નખાયું હતુ. છાંદોગ્ય-ઉપનિષદમાં ચાર વેદ ઉપરાન્ત પાંચમું આગમ મુખ સ્વીકારવામાં આવ્યાની વાત પ્રથમ આવી ગઈ છે, પરંતુ અથર્વવેદની સંહિતાના સમયમાં ત્રૈવર્ણિક પ્રજા ઉપરાન્ત શૂદ્ર અને અતિ શૂદ્રોને પાવન કરવાનો વિધિ હતો. વ્રાત્યજાતિના મનુષ્યો ઉપનયનાદિ સંસ્કાર વિનાના હતા. વ્રાત્ય ગૃહપતિના ઉપકરણોનું વર્ણન અથર્વવેદના પંદરમા કાંડમાં આવે છે. તે વ્રાત્ય મહાદેવ થયા એવું પ્રતિપાદન છે; વ્રાત્ય ગૃહપતિ સાથે ધનુષ, ગાડી, બાણ, મૃગચર્મ, માગધ (મગધદેશના વસનારા જેઓને વૈદિકો વ્રાત્ય કહે છે) હોય, અને સ્ત્રી પણ હોય. આ વ્રાત્યો રુદ્રભક્ત હતા; અને તેમની ઉપર જણાવેલી ગૃહતંત્રની સામગ્રી સ્પષ્ટ જણાવે છે કે તેઓ વર્ણાશ્રમના આગ્રહી ન હતા. આ વ્રાત્ય પ્રજાને હિંદુસમાજમાં વેદિકોને મને કમને દાખલ કરવી પડી હતી. વ્રાત્યસ્તોત્રનો વિધ દાખલ કરી તે જાતિના મનુષ્યને સમાજમાં પાવન કરવામાં આવ્યા હતા. પાછળથી સાવિત્રી “પતિત બ્રાહ્મણને પણ વ્રાત્ય માની તેને પ્રાયશ્ચિત આપી શિષ્ટસમા જમાં લેવામાં આવતા હતા. સયુગ્વારૈકવ નામના દરિદ્ર બ્રાહ્મણે જાનશ્રુતિ નામના શૂદ્ર રાજાને તેની કન્યાનું પાણિગ્રહણ કરી બ્રહ્મજ્ઞાન આપ્યું હતું, અને તેમની પ્રજા તે હાલના રાયકવાળ બ્રાહ્મણો છે, એવું બ્રાહ્મણનું મંતવ્ય છે. આ જનશ્રુતિ રાજાને “શૂદ્ર” શબ્દથી રૈક્વે સ્પષ્ટ પ્રબોધ્યો છે, છતાં અપશુદ્રાધિકરણમાં શૂદ્રનો રૂઢાર્થ નહિ લેતાં યૌગિકાર્ય (શોકે કરીને પિગળ્યો માટે શૂદ્ર) દાખલ કરી શૂદ્રને બ્રહ્મવિદ્યાના અધિકારમાંથી બાતલ કરવાનો પ્રયત્ન થયો છે, અને શિષ્ટ રીતિએ પરંપરાનુસાર વિવરણ કરનારા શંકરાચાર્યને છેવટમાં ભાષ્યમાં કહેવું પડ્યું છે કે જો કે વેદદ્વારા બ્રહ્મજ્ઞાન ન મળે તો પણ ઇતિહાસ પુરાણદ્વારા મળી શકે. આ ખુલાસો અને મૂળ વિવરણ હાલની વિવેચન પદ્ધતિથી અભ્યાસ કરનારને સૂચવે છે કે શૂદ્રોને બ્રહ્મવિદ્યા ઉપનિષદ્ સમયમાં મળતી હતી, પરંતુ શૂદ્રો પ્રતિની સામાજિક ભાવનાને વશ વર્તી સૂત્રકાર અને ભાષ્યકારે વિચિત્ર રીતે તોડ કાઢ્યો જણાય છે.[4] વળી ઐતરેય મહીદાસ, કવષ, ઐલૂષ, અને સત્યકામ જાબાલનાં શ્રોત દૃષ્ટાંતો જાતિ ભેદને ગૌણ બતાવનારાં અને ગુણુકર્મને પ્રાધાન્ય આપનારાં શ્રોત સાહિત્યમાં પ્રસિદ્ધ છે. ઐતરેય મહીદાસની આખ્યાયિકા સાયણાચાર્યે ઐતરેય બ્રાહ્મણના આરંભમાં આપી છે. તે ઉપરથી સમજાય છે કે તેનું નામ ‘મહીદાસ’ હતું, અને તે નામ જ સૂચવે છે કે તેમનું શરીર શુદ્ધ બ્રાહ્મણવંશનું ન હતું. તેમના પિતા મોટા યાજ્ઞિક હતા, તેમને સવર્ણ સ્ત્રી ઉપરાંત ઇતર વર્ણની સ્ત્રી હતી, અને તેનો પુત્ર ‘ઐતરેય’. એક પ્રસંગે સવર્ણ સ્ત્રીના પુત્રો ખોળામાં બેઠા હતા, ત્યાં આ દાસીપુત્ર પિતાના ખોળામાં બેસવા ગયો. તેનો તિરસ્કાર થયો; તે પોતાની માતા પાસે રોતો ગયો. માએ પોતાની જાતિનો દોષ કાઢી વિદ્યાવડે ઋષિપદ મેળવવા કહ્યું. તે બાળકે ઉત્તમ વિદ્યા પ્રાપ્ત કરી ઋગ્વેદની ઐતરેયશાખા પ્રવર્તાવી, તે, શાખાને પ્રજ્ઞાનંબ્રહ્મ મહાવાક્ય બોલનારા વેદવાદીઓ હાલ વધાવી લે છે. તેનું શુદ્ધ દર્શન આ શુદ્ધ બ્રાહ્મણ વંશજનું નથી પરંતુ મિશ્રવંશથી ઉત્પન્ન થયેલા મહર્ષિનું છે. તેમની વિદ્યાનો પ્રભાવ સામવેદમાં પણ સ્વીકારાયો છે.[5] તેવી જ રીતે કવશ ઐલૂષ પણ શુદ્ર જાતિનો ઋષિ હતો એવું ‘તૈ આ.’ ઉપરથી સમજાય છે.
સત્યકામ જાલાબની આખ્યાયિકા
સત્યકામ જાબાલનો પ્રસંગ કંઇક વધારે ચમત્કારવાળો છે. તેમાં શ્રૌત સમયના સમાજનું શુદ્ધ ઐતિહાસિક ચિત્ર છે. છાન્દોગ્યઉપનિષદમાં (છા. ૪. ૪.) નીચે પ્રમાણે સરલ આખ્યાયિકા છે. સત્યકામ જાબાલ પોતાની મા જબાલા પાસે ગયો, અને માને વિનતિ કરી કે મારે બ્રહ્મચર્ય લેવું છે. હું કયા ગોત્રનો છું તે મને કહે. જબાલાએ ઉત્તર આપ્યો, “ભાઈ, હું તે વાત જાણતી નથી કે તું કયા ગોત્રનો છું. (પરંતુ) હું ઘણાઓની સેવા કરનારી અને ફરનારી યુવાવસ્થામાં હતી ત્યારે મેં તને પ્રાપ્ત કર્યો છે. તેથી હું જાણતી નથી કે તું કયા ગોત્રનો છું. મારૂં નામ જબાલા છે, તારૂં નામ સત્યકામ છે. માટે તું “સત્યકામ જાબાલા” છું–એવું તું ગુરુને કહેજે. આ પ્રમાણે સમજી લઇ હારિદ્રુમત ગૌતમ નામના ગુરુ પાસે સત્યકામ ગયો, અને તેમને કહ્યું કે હું ભગવાન પાસે બ્રહ્મચર્ય ગ્રહણ કરવા આવ્યો છું. તે ઉપરથી ગુરુએ પૂછયું : “ભાઈ તું કયા ગોત્રનો છું? સત્યકામે કહ્યું કે ભગવન્, હું તે જાણતો નથી. મેં મારી માને પૂછ્યું હતું; અને તેણે કહ્યું છે કે હું બહુ જનોની સેવા કરનારી અને ફરનારી હતી અને યુવાવસ્થામાં મેં તને મેળવ્યો છે, તેથી હું જાણતી નથી કે તું કયા ગોત્રનો છું. પરંતુ મારૂં નામ જબાલા છે, તારૂં નામ સત્યકામ છે, તેથી તું સત્યકામ જાબાલ છું, એમ તું કહેજે. તે ઉપરથી હું કહું છું કે હું સત્યકામ જાબાલ છું. ગુરુએ કહ્યું કે, બ્રાહ્મણત્વ વિનાનો બાળક આવું સત્ય બોલે નહિ (માટે તું બ્રાહ્મણ જ છું). સમિધ્ લાવ. હું તને ઉપનયન સંસ્કાર આપીશ. કારણ કે તું સત્યથી ડગ્યો નથી.’ આ શબ્દશઃ કરેલા ઉતારા ઉપરથી સ્પષ્ટ સમજાય છે કે જબાલા બ્રાહ્મણજાતિની સ્ત્રી ન હતી, પરંતુ સેવા કરનારી દાસી[6] હતી, તેનો, સત્યકામ પુત્ર હતો. પછી તે કાનીન પુત્ર હતો, કે વિવાહિત અવસ્થામાં જન્મેલો હતો તે નિર્ણય કરવા આપણી પાસે સાધન નથી. દાસીપુત્ર છતાં તે સત્ય બોલે છે માટે ગુણકર્માનુસાર બ્રાહ્મણત્વનો તાત્કાલિક નિર્ણય કરી ગુરુએ સત્યકામ જાબાલને ઉપનયન સંસ્કાર આપી ગાયોનું રક્ષણ કરવા મોકલ્યો. ત્યાર પછી તે બ્રહ્મવિદ્ થયો છે. ગુરુએ તેને બ્રહ્મનિષ્ઠાનો આશીર્વાદ આપ્યો છે, અને તે જાબાલ શાખાનો પ્રવર્તક મહર્ષિ થયો છે. હવે જાબાલ શાખાનું ઉપનિષદ્ સાહિત્ય શિવ ધર્મથી ભરપૂર છે. જાબાલ ઉપનિષદ્ “જે ક્ષણે વૈરાગ્ય થાય તે ક્ષણે પ્રવ્રજ્યા લેવાય” એવું પ્રતિપાદન કરે છે. ગમે તે આશ્રમમાંથી સંન્યાસ લેવાય અને આશ્રમમાંથી આશ્રમમાં ક્રમપૂર્વક ચઢવું જ જેઈએ એ નિયમ નથી–એેવો અપવાદ માત્ર આ જાબાલ ઉપનિષદમાંથી નીકળે છે, અને મીમાંસકોની સંન્યાસ આશ્રમની નિરૂપયોગિતા બદલની દલીલો સામે બ્રહ્મચર્યમાંથી સંન્યાસ લેવાય એવા નિર્ણયને ટેકો આપવામાં શંકરાચાર્યને આ જાબાલ શાખાનો આશ્રય લેવો પડ્યો છે, તે ધ્યાનપર રાખવું જોઈએ. ‘જાબાલ, બૃહજ્જાવાલ, ભસ્મજાવાલ, જાવાલ દર્શન’ વગેરે અનેક ઉપનિષદો પરમેશ્વરનું ભસ્મ રુદ્રાક્ષ ધારણ કરી જપ અને ધ્યાન કરવાના સિદ્ધાન્તોનું જ પ્રતિપાદન કરે છે. તેમાં નથી વર્ણની કે નથી આશ્રમના અભિમાનની વાત.
દ્રાવિડ દેશમાં અને બૃહદ્ ભારતમાં શૈવમત
વર્ણધર્મને અને યજ્ઞકર્મને ગૌણ ગણનારો, અને ગુણકર્મને તથા જપ ધ્યાનને પ્રાધાન્ય આપનારો શિવસિદ્ધાન્ત સંહિતા, બ્રાહ્મણ અને ઉપનિષદ્ સમયમાં પ્રચલિત હતો, અને તેનો સ્વતંત્ર પાયો આગમાંત શૈવ મતમાં દ્રાવિડ દેશમાં ઘણા પ્રાચીન સમયથી નંખાયો હતો. આ સ્થાપક મહર્ષિ તે અગત્સ્ય. તેની બીજી શાખા પાશુપત મતથી પશ્ચિમ હિંદુસ્થાનમાં રોપાઈ હતી, અને કાશ્મીરના માહેશ્વરોમાં શૈવ ધર્મનું ત્રિકદર્શનમાં નીરાળું રૂપ પ્રકટ થયું હતું. શૈવો, પાશુપતો, અને માહેશ્વરો સર્વજાતિના મનુષ્યોને એકેશ્વરવાદનું જ્ઞાન આપે છે. તે પરમેશ્વરના ધ્યાન અને જ્ઞાન વિના મોક્ષ નથી એમ માને છે, તપ અને વૈરાગ્યને અને શિવ પંચાક્ષરીના જપને સર્વોત્તમ સાધન માને છે. આ શૈવો વેદને માનનારા હતા, પરંતુ વેદપરવશ ન હતા. તેમના આદ્ય મહર્ષિ અગસ્ત્ય ગણાય છે. શૈવ મતનું સાહિત્ય તામિલ અને સંસ્કૃત ભાષામાં વિપુલ છે. શિવજ્ઞાનના અનુભવીઓનું નામ નયનાર હતું. “નયન” શબ્દનો તામિલ ભાષાનો અર્થ આગેવાન થાય છે. તેવા નયનારો ૬૩ થયા છે, તેમાં સુંદર, સંબંધર, મણીવાચકર, અને આપર ચાર મુખ્ય મનાય છે. આ શૈવ સ્વામીઓ અથવા સાધુઓ ઘણા અબ્રાહ્મણ વર્ગમાં ઉત્પન્ન થયા છે, તેમ શૈવ નયનાર પણ હલકી જાતિમાંથી મોટા પૂજ્યપદે જ્ઞાન વૈરાગ્યથી ચડ્યા છે. તિરુનીલકંદ નયનાર કુંભાર જાતિમાંથી હતા. નંદ અથવા તિરુનલૈયરપોવર તાંજોરના અનંદર ગામના ચંડાલ હતા. નંદની મૂર્તિ તિરુપુંગરમાં પૂજાય છે. શૈવ સંત તિરુજ્ઞાનસંબંધર પલ્લવ રાજા નરસિંહવર્માના (ઈ. સ. ૬૨૫–૬૪૫) સમયમાં થયા હતા. સુંદરમૂર્તિ નયનાર પનરૂતિ રેલ્વે સ્ટેશનથી બાર માઈલ ઉપર આવેલા થિરૂનમનલ્લુર નામના બ્રાહ્મણને ત્યાં જનમ્યા હતા. તેમનું શિવદીક્ષા પહેલાંનું નામ નંબીઆરૂરર હતું, નરસિંહ મુનિએ તેમને વિદ્યાનું જ્ઞાન આપ્યું હતું, વિવાહના પ્રસંગે પેઢીનું દેવું કરનાર એક બ્રાહ્મણ તેને દાસરૂપે લઈ ગયા. ઘણા તીર્થોમાં ફર્યા પછી લગ્ન કરી તિરુવુલમાં આવી રહ્યા હતા. શિવભજનમાં તે મત્ત થઈ જતા હતા. તામિલ શિવસિદ્ધાન્ત ઉપર રહસ્ય-સ્તોત્રો અને ભજનો કરનાર[7] કવિ તાયુમાનવરનાં કાવ્યો તામિલ ભાષાનું અપૂર્વ ચમત્કૃતિવાળું સાહિત્ય છે. અને ખ્રિસ્તીઓને પણઘણું આકર્ષક જણાયું છે. એકેશ્વરવાદના સિદ્ધાન્તમાં તર્ક અને ભક્તિ–એ બેનો સમન્વય કરનાર તામિલ શૈવો છે, અને તેઓ વેદાન્ત અને શૈવ-સિદ્ધાન્તનો સમન્વય કરે છે, અને પોતાને વેદાન્તસિદ્ધાન્ત-સમરસના પ્રવર્તકો માને છે. દ્રાવિડોમાં દ્રાવિડ ભાષામાં શૈવસિદ્ધાન્તની ચૌદ સંહિતાઓ છે, અને તે ઉપરાન્ત સંસ્કૃત ભાષામાં[8] ૨૮ આગમો છે. આ શ્રોત સાહિત્ય જેટલું વિપુલ શિવ-સાહિત્ય હિંદુધર્મનું વ્યાપક પ્રસ્થાન છે. ઇતિહાસ પુરાણોમાં મહાદેવજીના ભક્તો ભીલ, પિશાચ, યક્ષ, નાગ ઇત્યાદિ અનેક જાતિના વર્ણવાયા છે. શિવલીલાર્ણવ નામનો ગ્રંથ આ વાતને સાબિત કરે છે. શૈવ સંપ્રદાય અને સ્માર્ત સંપ્રદાયના વિચાર અને આચાર-ભેદોને નહિ જાણનારા એવું સમજે છે કે શૈવ-સંપ્રદાય શંકરાચાર્યે પ્રવર્તાવ્યો. પરંતુ આ મન્તવ્ય ખોટું છે. શંકરાચાર્યનો કેવલાદ્વૈત સિદ્ધાન્ત કોઈ પણ દેવતાનો અતિવાદી નથી. શંકરાચાર્યનો કુલધર્મ શૈવ નહોતો, પરંતુ વૈષ્ણવ હતો, તેમનાં માતુશ્રીને નારાયણની મૂર્તિનું ધ્યાન કરવાનું તેમણે શીખવ્યું હતું તેમનાં પ્રસ્થાનત્રયી ભાષ્યમાં જ્યાં જ્યાં બ્રહ્મની ઉપાસનાના પ્રસંગ આવે છે ત્યાં ત્યાં ‘શાલિગ્રમાદૌ વિષ્ણ્વાદેઃ’ – એટલે શાલિગ્રામમાં જેમ વિષ્ણુની ભાવના કરીએ તેમ આદિત્યાદિમાં બ્રહ્મ-ભાવના કરવી એવું વિધાન છે. સગુણ બ્રહ્મવાદની ભૂમિકા સ્વીકારાયા પછી શંકરાચાર્યને અમુક દેવનું જ યજન પૂજન કરવું એવો આગ્રહ નથી. પરંતુ પાછળથી શંકરાચાર્યને શૈવમતના પ્રવર્તક તરીકે માની લેવામાં આવ્યા છે. સ્માર્તો એટલે શાંકર મતર્ન અનુયાયીઓ શિવને પૂજે છે એ ખરૂં, પણ તેની સાથે વિષ્ણુ વગેરે દેવતાને પણ પૂજે છે. શૈવ-સિદ્ધાન્ત નિર્ગુણ બ્રહ્મવાદી નથી પરંતુ એકાંતિક એકેશ્વરવાદી છે, અને જેમ એકાંતિક ભાગવતો તે પરમેશ્વરને ‘વિષ્ણુ’ સંજ્ઞાથી ભજે છે તેમ શૈવો પરમેશ્વરને ‘શિવ’ સંજ્ઞાથી ભજે છે. સગુણ બ્રહ્મવાદી છે; અને શાંકર મતાનુયાયીઓ સગુણ બ્રહ્મવાદ ઉપરાન્ત નિર્ગુણ બ્રહ્મવાદનો અંતિમ સિદ્ધાન્ત માને છે. નિર્ગુણ બ્રહ્મવાદ ઉપર સમાજ વ્યવસ્થા અથવા ભક્તિ-સિદ્ધાન્ત ટકવોે મુશ્કેલ છે. શૈવો સમાજની વ્યવસ્થા બહોળા રૂપની કરવા મથતા હતા, શૈવો ઘણા સાહસિક હતા. જાવા બેટમાંથી જયવર્મા (બીજે) કંબુજ (Cambodia, Indo China) દેશમાં ગાયો હતો. આ રાજાના ગુરુ શિવકૈવલ્ય હતા. તે દેશમાં ઈન્દ્રપુરના ભદ્રયોગી ગામમાં આ ગુરુને જાગીર આપી હતી, ગુરુનું સ્થાન ભવપુર હતું. તે નગર ભવવર્માએ ઈ. સ. ના છઠ્ઠા સૈકામાં સ્થાપ્યું હતું. આ અરસામાં હિંદુસ્થાનમાં હિરણ્યદાસ નામના શિવાચાર્ય ત્યાં ગયા હતા. તેમણે શિવકૈવલ્યને ચાર શાસ્ત્રઓ શીખવ્યાં હતાં, અને તે તંત્રનાં નામ ‘શિરચ્છેદ, વીણાશિખા, સંમોહ, નયોત્તર’ એવા હતાં શિવકૈવલ્યને દેવરાજ એટલે શિવલિંગનો સંપ્રદાય શીખવવામાં આવ્યો હતો, અને જયવર્મા રાજાએ કંબુજમાં તે સંપ્રદાયને રાજધર્મ તરીકે સ્વીકાર્યો હતેા. શિવકૈવલ્યના માતૃવંશના યતિઓને દેવરાજના યાજક તરીકે સ્થાપવામાં આવ્યા હતા. આ શૈવ-સંપ્રદાયવાળા હિંદુ રાજાઓનું રાજ્ય ઇન્ડો-ચાઈનામાં ઈ. સ. ૧૦૫૨ સુધી[9] રહ્યું હતું. વળી આન્નામનો (ચંપાનો) પ્રદેશ જે હાલ (Indo China) માં છે, ત્યાં ઇ. સ. ના બીજા સૈકામાં હિંદુઓએ રાજ્યસ્થાપના કરી હતી. પ્રથમ રાજા શ્રીમાર હતો. તેરમા સૈકામાં “અન્નામીસ” લોકોએ આ હિંદુ રાજ્યનો નાશ કર્યો. આ હિંદુ રાજાઓ ધર્મે શૈવ હતા. વિષ્ણુનો અને બુદ્ધનો પણ દેવ તરીકે સ્વીકાર કરતા હતા; મોટાં શિવમંદિરોની સ્થાપના થઈ હતી, તેના શિલાલેખો અને અવશેષ હાલ મળી આવે છે. શ્રીમારથી છઠ્ઠો રાજા ભદ્રવર્મા થયો હતો. (ઇ. સ. ૩૮૦–૪૧૭) તેણે શ્રી ભદ્રેશ્વર સ્વામીનું શિવમંદિર બંધાવ્યું હતું. આ મહાદેવ ચંપાના રાજ્યના કુલદૈવત મનાતા હતા; અને તે મંદિરનો વૈભવ ગુજરાતના પ્રભાસ પાટણના સોમનાથના વૈભવ જેવો હતો.[10] આ દૂર દેશમાં રાજ્યસ્થાપન કરનાર શૈવધર્મી હિંદુઓએ કેવળ ત્રિવર્ણની પ્રજામાં હિંદુ ધર્મને રોકી રાખ્યો ન હતો, પરંતુ પ્રાણીમાત્રને દેવરાજની ભક્તિનો અધિકાર છે એવું સ્થાપ્યું હતું. હાલ પણ જ્યાં જ્યોતિર્લિંગો છે અને જ્યાં બ્રાહ્મણ વર્ણનો વ્યવસ્થાપક કબજો નથી, ત્યાં સર્વ વર્ણના મનુષ્યો શિવદર્શન કરી શકે છે. કેદારનાથને તો સર્વ મનુષ્યો બાથ ભીડે છે એવું યાત્રિકો કહે છે.
લિંગાયત મત પર શૈવ અસર
ઈસ્વી સનના બારમા સૈકામાં દક્ષિણમાં કર્ણાટકમાં લિંગાયત ધર્મનો પુનરુદ્ધાર બસવે કર્યો તેની પીઠમાં પ્રાચીન વીરશૈવમત હતો. લિંગાયતો અથવા વીરશૈવોમાં વર્ણભેદ નથી! જેમ બ્રાહ્મણો યજ્ઞોપવીતને ધારણ કરે છે તેમ તેઓ શિવલિંગને ધારણ કરે છે. શિવલિંગને પ્રાણલિંગ તરીકે જ તેઓ માને છે. આ લિંગાયતોને શું હિંદુ ધર્મના આપણે ન માનવા? તેઓ વ્યાપક હિન્દુ ધર્મના આગમ શાખાના અનુયાયીઓ છે. કેટલાક એમ કહે છે કે શિવલિંગની પૂજા અનાર્યોમાંથી આપણામાં આવી છે; પરંતુ આ સમજ ભૂલભરેલી છે. વેદકાલના યજ્ઞના અગ્નિદેવ તે રૂદ્ર સંજ્ઞાને પ્રાપ્ત કરી રહ્યા છે. તે રુદ્રનાં ભવ, શર્વ, રુદ્ર, ઉગ્ર, પશુપતિ, મહાદેવ, ભીમ, ઈશાન–એ આઠ નામો શતપથ બ્રાહ્મણમાં મળે છે. નારાયણ ઉપનિષદમાં અને બીજાં ઘણાં ઉપનિષદોમાં શિવલિંગનાં પૂજન અને ધ્યાનનું વિધાન છે. એટલે મૂલ અગ્નિદેવનું ઘોર રૂપ તે ‘રુદ્ર’, અને શાન્ત રૂપ તે ‘શિવ’ –એવી સંજ્ઞા ઉપનિષદોમાં તથા આગમોમાં દાખલ થઈ છે. યજ્ઞવેદી તે શિવલિંગની પીઠનું પ્રતીક છે, અને લિંગ તે જ્યોતિર્મય અગ્નિનું સ્થૂલ ચિહ્ન છે. શિવ પૂજનમાં જેઓ બીભત્સ ભાવ જુએ છે તેઓ માર્મિક રહસ્યને જાણતા નથી, અને માત્ર પરધર્મીઓના વિચારોને અણજાણે સ્વીકારી લે છે. વળી જે જપવાથી સર્વપાપમુક્ત થવાય તેવા રૂદ્ર મંત્રો પરમેશ્વરને સચરાચર વસ્તુઓમાં અન્તર્યામી તરીકે પેઠેલા વર્ણવે છે. તે રુદ્ર ભગવાન ચોરોના પણ પતિ છે, લૂટારૂના પણ પતિ છે, ઠગારાના પણ પતિ છે, વગેરે ધારાવાહી રુદ્ર મંત્રો શિવનું સર્વોતર્યામીપણું સાબિત કરે છે. શંકરાચાર્યને કાશીમાં સામે આવનાર ચાંડાળને ‘ગચ્છ, ગચ્છ’ કહેતાં તે ચાંડાલ વેશધારી શિવે અદ્વૈત મતમાં તેવું ન શોભે એમ કહી પ્રબોધ્યા હતા, અને છેવટે શંકરાચાર્યે કહ્યું છે કે બ્રહ્મનિષ્ઠા જેનામાં જાગે તે જાતિએ ચાંડાળ હોય કે બ્રાહ્મણ હોય તોપણ તે મારો ગુરુ છે. રુદ્રાધ્યાયનો જ્ઞાનમાં વિનિયોગ શૈવોએ કર્યો છે. વળી ઉપનિષદોના સમુચ્ચયમાં વજ્રસૂચી નામનું ઉપનિષદ્ છે. આ ઉપનિષદ્ ઉપરથી અશ્વઘોષે બૌદ્ધ વજ્રસૂચી લખી કે અશ્વઘોષની કૃતિ ઉપરથી બ્રાહ્મણોએ આ વજ્રસૂચી ઉપનિષદ્ પાછળથી ઉમેર્યું તે તકરારી વિષયમાં હું હાલ ઉતરવા માગતો નથી. પરંતુ તે ઉપનિષદમાં જ્ઞાનહીનોનાં દૂષણ અને જ્ઞાનચક્ષુવાળાઓનાં ભૂષણ રૂપે વસ્તુ વિચારનું ઉત્થાન કર્યું છે, અને બ્રાહ્મણ કોને કહેવો એ પ્રશ્નમાં–શું બ્રાહ્મણનું લક્ષણ જીવત્વમાં છે કે દેહમાં છે, કે જાતિમાં છે, કે જ્ઞાનમાં છે, કે કર્મમાં છે? એવી કોટીઓ ઉભી કરી “જાતિને બ્રાહ્મણ કહેવાય તેમ નથી, કારણ કે અનેક જાતિમાં મહર્ષિઓ થયા છે. ઋષ્યશ્રૃંગ મૃગીને પુત્ર હતો, વ્યાસ માછીની કન્યાને પેટે જન્મ્યા હતા. વસિષ્ટ ઉર્વશીમાં જન્મ્યા હતા.’ એવા અનેક દાખલા આપી જાતિ બ્રાહ્મણત્વ નિર્માણ કરનારી નથી, એવું પ્રતિપાદન કર્યું છે; અને છેવટે સિદ્ધાન્ત સ્થાપે છે કે “જે કોઈ પોતાના આત્માને અદ્વિતીય જાતિ, ગુણ અને ક્રિયા વિનાનો, જન્મમરણ, ક્ષુધાતૃષ્ણા, અને શોક મોહ એ છ ઉર્મિઓના સ્પર્શ વિનાનો સત્ય, જ્ઞાન, આનંદ, અને અનંત સ્વરૂપવાળો, અશેષકલ્પના આધારભૂત, અશેષ પ્રાણીઓના અન્તર્યામી રૂપ, અંતર્ બહિર્ આકાશની પેઠે પ્રવેશ પામેલો, કરામલકવત્ અપરોક્ષ અનુભવી જાણે છે, અને જે કૃતાર્થ થઇ રાગદ્વેષાદિ સર્વ દોષ રહિત, શમદમાદિ ગુણસંપન્ન, તૃષ્ણામોહમાત્સર્ય વિનાનો સર્વ ચિત્તને વિકારોથી નિર્લેપ હોય તે જ બ્રાહ્મણુ છે.” દ્રવિડ દેશના શૈવ સંપ્રદાયનું સ્વરૂપ પ્રથમ વિચારી ગયા. તે ઉપરાંત ભારતવર્ષના પશ્ચિમ કાંઠા ઉપર પ્રાચીન નર્મદાતટ નિવાસી ભાગર્વ બ્રાહ્મણો શૈવધર્મી અથવા પાશુપતો હતા. આ સંપ્રદાય લગભગ વેદકાળથી તે ઈસ્વીસનના બારમા સૈકા સુધી મુંબાઈ ઇલાકાના પ્રદેશમાં પ્રચલિત હતો. તેઓ વર્ણાશ્રમનું પ્રાધાન્ય માનનારા ન હતા, પરમેશ્વર સાથેનું સાયુજ્ય મેળવવામાં ૧ ગુરુકુલવાસ, ૨ ક્રિયાયોગ, ૩ જપધ્યાન, ૪ સદા રુદ્રની સ્મૃતિ, અને ૫ પરમેશ્વરનો અનુગ્રહ–એ પાંચ ઉપાયોને સ્વીકારતા હતા, અને વૈદિક યજ્ઞાદિ ક્રિયાઓને તેઓએ ગૌણ ઠરાવી હતી સઘળા નૈયાયિકો અને વૈશેષિકો પાશુપત શૈવમતના હતા. કાશ્મીર દેશના શૈવોમાં લલ્લાત્રાગ નામની શિવ સાધ્વીએ મુસ્લિમ ધર્મનો પ્રચાર થતાં અટકાવ કર્યો હતો અને પ્રણવના નાદની ભજનલહરી જગવી હતી.[11] શૈવોની લગ્નવ્યવસ્થા પણ વૈદિકો કરતાં કંઈક બહોળા રૂપની હતી. નપુંસક સાથે પરણાવેલી કન્યાનું પુનર્લગ્ન કરવાની છૂટ હતી. પરણેલી હોય અને પતિ સાથે સંસાર ન માંડ્યો હોય તેવી સ્ત્રી જો વિધવા થાય તો પુનર્વિવાહની છૂટ હતી. શૈવ વિવાહમાં અસપિંડા અને વિદ્યમાન ભર્તા વિનાની સ્ત્રી સાથે લગ્ન કરવાની છૂટ હતી.[12]
ઉપસંહાર
આ પ્રમાણે શૈવ સંપ્રદાયની શ્રૌત શાખા તથા આગમ શાખાનો ઐતિહાસિક દૃષ્ટિથી વિચાર કરતાં નીચેના નિર્ણયો ઉપર આપણે આવી શકીએ છીએઃ–
(૧) અનેકદેવતાવાદમાંથી એકેશ્વરવાદનું પ્રતિપાદન ‘એકોહિ દેવો ન દ્વિતીયાય તસ્યુઃ’–એ રીતે શૈવોએ વેદસાહિત્યમાં આણ્યું છે.
(૨) આવા ઐકાંતિક પરમેશ્વર જ્ઞાનમય અથવા જ્યોતિર્મય છે.
(૩) તે પરમેશ્વરમાં અનુગ્રહ કરવાની શક્તિ છે; અને કેવલ કર્મને પરવશ પ્રભુ નથી. પ્રેમભક્તિવડે પાપનું શોધન કરી જીવનો પરમેશ્વર ઉદ્ધાર કરે છે.
(૪) તે પરમેશ્વરની ઉપાસનામાં વર્ણાશ્રમ ધર્મ ગૌણ છે, અને જપ ધ્યાનનું પ્રાધાન્ય છે.
(૫) આ ૫રમેશ્વરનો અનુગ્રહ જાતિને લક્ષ્યમાં લેતો નથી. પરંતુ ગુણકર્મને લક્ષ્યમાં લે છે.
(૬) ગમે તે જાતિમાં મનુષ્યો શિવપંચાક્ષરીનો જપ કરી શકે છે.
(૭) લગ્નવ્યવસ્થામાં વૈદિકો કરતાં શૈવોમાં વધારે છૂટ છે.
(૮) શૈવ ધર્મ ભારતવર્ષની ત્રૈવણિક પ્રજાને અર્થે છે એમ નથી, પરંતુ શૂદ્ર અને અતિશૂદ્રને તે પાવન કરવા સમર્થ છે, અને આવા ધર્મનો પ્રચાર શૈવોએ ઇન્ડોચાઈના, જાવા વગેરે દૂરસ્થ દેશોમાં કર્યો હતો. વૈદિક પ્રણાલિકા પ્રમાણે વર્તનારને તે આડે આવતો નથી, પરંતુ ત્રયી વિદ્યા ઉપરાન્ત આગમ દ્વારા શુદ્ધ જ્ઞાન, પ્રાણી માત્રને જો અધિકાર થાય તો, મળી શકે છે એવું તે સ્થાપે છે.
આ પ્રમાણે વૈદિક ધર્મને બહોળો કરવામાં શૈવોએ મહત્વને ભાગ ભજવ્યો છે.
પૂરવણી ટિપ્પણ
આ ભાષણ અપાયા પછી Mohenjo-daro and the Indus Valley Civilizationને લગતાં હિંદુસ્થાનની સરકાર તરફથી સને ૧૯૨૨-૧૯૨૭ સુધીમાં થયેલી શોધખોળને જણાવનારાં સર જોન માર્શલના સંપ્રાદકપણાથી પ્રસિદ્ધ થયેલાં ત્રણ પુસ્તકો બહાર પડ્યાં છે. તેમાં સિંધુ નદીના પ્રદેશમાં દટાઈ ગયેલાં નગરોના અવશેષો તારવી કાઢી તેના વતનીઓની સંસ્કૃતિ કેવા પ્રકારની હતી તેનું વર્ણન છે. આ સંસ્કૃતિ ઇ.સ. પૂર્વે ૪૦૦૦ વર્ષ પર્યંતની પુરાતન માનવાનાં કારણો છે. આ કાળના સિંધુ નદીના પ્રદેશમાં વસનારાના ધર્મ સંબંધનું પ્રકરણ છે. આ પ્રકરણમાં શિવની યોગી તરીકેની મૂર્તિઓ છે; નાગથી શિવ પૂજાતા જણાવ્યા છે; અને શક્તિનાં જળાધારીવાળાં પ્રતિકો પણ મળી આવ્યાં છે. (જુઓ The Indian Historical Quarterly Vol. VIII No. ૧; PP. ૧૩૬-૧૪૦). આ શોધખોળ પછી શૈવ-શાક્ત સંપ્રદાય પ્રસિદ્ધ વેદસંહિતાના પૂર્વકાલનો છે એ અનુમાન સહજ નીકળી શકે છે.તા. ૩૧-૮-૩૨
નર્મદાશંકર દેવશંકર મહેતા
પાદટીપ
- ↑ ગુજરાત સાહિત્યના સભાના નિમન્ત્રણથી તા. ૨૩-૮-૩૧ ના રોજ આપેલા વ્યાખ્યાન ઉપર રચાયેલો આ નિબંધરૂપ લેખ છે.
- ↑ જુઓ છાન્દોગ્ય રૂ.-૧૦
- ↑ જુઓ વાયુપુરાણ પૂ. અ. ૬૧ જ્યાં સાત પ્રકારનાં આર્ષજ્ઞાનનાં નિમિત્તો વર્ણવ્યાં છે.
- ↑ જુઓ છા. ૪-૨. મંત્ર ૩ તથા બ્ર. સૂ. ૧-૩. ૩૪-૩૮ અને તે ઉપરનું ભાષ્ય જુઓ રેકવાખ્યાન સ્કંદ પુરાણાંતર્ગત.
- ↑ જુઓ છા. ૩-૧૬. વળી જુઓ ‘કુમારિકા ખંડ’ જ્યાં મહીસાગર તીર્થના વર્ણન પ્રસંગે મહીદાસની આખ્યાયિકા આપી છે.
- ↑ મેં તા. ૨૩-૮-૩૧ ના રોજ ભાષણ આપ્યું. તે ઉપરથી સનાતન ધર્મની આગ્રહી પ્રજામાં કંઈક ક્ષોભ થયો જણાય છે. નડિયાદના શાસ્ત્રી ગોવર્ધન રણછોડજી ભટે મને જાહેર ચેલેંજ આપ્યો છે કે “જબાલા શૂદ્ર સ્ત્રી હતી” તેવું ઉપનિષદ્ અગર શાંકરભાષ્યના પુરાવા સાથે પૂરવાર કરી આપો અથવા જાહેરમાં પોતાના શબ્દો પાછા ખેંચી લ્યો.” આનું ઉત્તર એટલું જ કે મૂલ શ્રુતિમાં બહુચરંતીપરિચરંતી એ શબ્દો બ્રાહ્મણ જાતિની સ્ત્રીનું લક્ષણ બતાવે છે કે શૂદ્ર જાતિનું તે વિચારી જોવું ઘટે છે. શંકરાચાર્ય શિષ્ટ રીતિએ અતિથિ પૂજામાં તે બાઈ બહુ રોકાયલી અને સત્યકામના જન્મ પછી તેની પિતા તુર્ત ગુજરી ગયા હશે તેથી તેને ગોત્રની ખબર નહિ—એવો ખુલાસો કરે છે. પરંતુ જબાલાએ સત્યકામના બાપનું અથવા પોતાના સસરાનું નામ આપ્યું હોત તો ગોત્ર પકડી શકાય તેમ હતું. તેમ નહિ કરતાં માત્ર જેવી રીતે સત્યકામનો જન્મ થયો છે તેવી રીતનું સ્પષ્ટ વચન છે. સત્યકામની ઉત્પત્તિ શિષ્ટ વિવાહથી સવર્ણ દંપતી દ્વારા નથી એ સહજ સમજાય એમ છે, તેમાં ભાધ્યપરવશ થવાની જરૂર નથી.
- ↑ Saiva Psalms Tayumanvar by T. Isaac Tambyot (London: Lazae & Co., ૧૯૨૫.)
- ↑ જુઓ હિંદ તત્ત્વજ્ઞાનનો ઈતિહાસ ભાગ ૨ પૃ. ૨૦
- ↑ જુઓ Some Tantrik Texts studied in Ancient Kambuja (Indian Historical Review Vol. pp ૭૫૪-૭૬૯, Vol. III pp.-૧૦૭.
- ↑ જુઓ Ancient Indian Colonies by Dr. R. C. Mazmudar Vol. I Champa ૧૯૨૫.
- ↑ જુઓ હિન્દ તત્વજ્ઞાનનો ઈતિહાસ ભાગ ૨, પૃ. ૩૮.
- ↑ જુઓ ‘મહાનિર્વાણતન્ત્ર ૯’ ૬૬-૬૭ તથા ૨૭૮.
Lua error in package.lua at line 80: module ‘strict’ not found.