ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૩/ફુલચંદ ઝવેરદાસ શાહ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
ફુલચંદ ઝવેરદાસ શાહ

એઓ જ્ઞાતે ખડાયતા વાણિયા અને નડિયાદના વતની છે. એમનો જન્મ નડિયાદમાં સં. ૧૯૩૫માં થયો હતો. એમના પિતાનું નામ ઝવેરદાસ શાહ અને માતાનું નામ કૃષ્ણાબા છે. એમનું લગ્ન નડિયાદમાં જ સં. ૧૯૫૦માં સૌ. ચંચળબહેન સાથે થયું હતું. પ્રાથમિક ધોરણ સાત સુધી તેમ માધ્યમિક અભ્યાસ મેટ્રીક્યુલેશન સુધી નડિયાદમાં એમણે કર્યો હતો. તે પછી સર જે. જે. સ્કુલ ઓફ આટર્‌સ-મુંબાઈ–માં અભ્યાસ કર્યો હતો. ૨૫ વર્ષ સુધી સરકારી કેળવણી ખાતામાં ડ્રોઇંગ શિક્ષક તરીકે એમણે કાર્ય કર્યું હતું. પણ સંગીત અને સાહિત્યનો શોખ પહેલેથી, તેથી નાટક લખવા તરફ પ્રેરાયા હતા અને રંગભૂમિપર એમના નાટકો; જેવાં કે, માલતી માધવ, મુદ્રા પ્રતાપ, શુકદેવજી, સતિ અનસૂયા, સુકન્યા સાવિત્રી, મહાશ્વેતા કાદમ્બરી વગેરે મોરબી આર્ય સુબોધ નાટક મંડળી, વાંકાનેર નૃસિંહ નૌત્તમ નાટક સમાજ અને શ્રી વિદ્યાવિનોદ નાટક સમાજને લખી આપેલાં તે ભજવાઈ પંકાયા હતા. એમના પ્રિય પુસ્તકો ભાગવત, મહાભારત, ગીતા અને રામાયણ છે; અને કાશીના પરમ પૂજ્ય સ્વામીશ્રી આત્મસ્વરૂપાનંદજીની અસર એમના પર ઘણી થયેલી છે. તેના પરિણામે એઓ હરિસ્મરણ અને પ્રભુ ભજનમાં પોતાનું જીવન આનંદમાં વ્યતીત કરે છે એટલું જ નહિ પણ ભજન મંડળી ઉભી કરી, તે દ્વારા લોકોને પ્રભુ પ્રતિ આકર્ષે છે અને પ્રભુ નામનો ઉપદેશ કરે છે. એક ચિત્રકાર તરીકે એમની કૃતિઓ મઝેની છે; અને તેનો કંઈક ખ્યાલ ‘શ્રીકૃષ્ણ ચંદ્રોદય ચિત્રકથા નામનું પુસ્તક એમના તરફથી બહાર પડ્યું છે. તે જોવાથી મળશે. સંગીતપર પણ એમનો કાબુ સારો છે; અને તેમાં સાહિત્યના સંસ્કાર ભેળા મળતાં, એમની, મુલાકાત કાંઈ જૂદો જ આનંદ અર્પે છે.

: : એમની કૃતિઓ : :

શ્રી શુકદેવજી સં. ૧૯૮૧
વિશ્વમોહિની
વામનજી
અજામિલ ”  ૧૯૮૧
શ્રી કૃષ્ણ લીલા ”  ૧૯૮૨
શ્રી હરિશ્ચંદ્ર ”  ૧૯૮૪
ગોપીચંદ
ચંદ્રહાસ
અંકાકાર ”  ૧૯૮૩
૧૦ માતંગ મોક્ષ ”  ૧૯૮૫
૧૧ સતિ સાવિત્રી
૧૨ બાલ રામાયણ ”  ૧૯૮૭