ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૩/ભોગીલાલ કેશવલાલ પટવા
એઓ જ્ઞાતે દશા શ્રીમાળી મેશ્રી વાણિયા છે. અમદાવાદના વતની અને જન્મ પણ અમદાવાદમાં સન ૧૮૮૬માં થયો હતો. એમના પિતાશ્રીનું નામ કેશવલાલ છોટાલાલ પટવા અને માતુશ્રીનું નામ ચંચળબા હતું. એમનું લગ્ન સં. ૧૯૫૭માં અમદાવાદમાં સૌ. મંગળાગવરી તે અમદાવાદના વકીલ ત્રિકમલાલ ઉગરચંદ મહેતાની બ્હેન સાથે થયું હતું. પ્રાથમિક શિક્ષણ એમણે એમના દાદા છોટાલાલ જેઓ લોકલબોર્ડ શાળાના મુખ્ય શિક્ષક હતા એમની પાસેથી વિસલપુરમાં લીધું હતું; પણ ઈંગ્રેજીનો અભ્યાસ અમદાવાદમાં કર્યો હતો. વળી મિડલ સ્કુલમાં સ્કૉલરશીપો પણ મેળવી હતી. સન ૧૯૦૭ માં બી. એ. ની પરીક્ષા ગણિતના વિષયમાં ઑનર્સ સાથે પાસ કરી હતી; અને સન ૧૯૦૮માં એઓ કૉલેજના દક્ષિણ ફેલો નિમાયા હતા. કૉલેજમાં હતા ત્યારે પણ ઇન્ટર અને બી. એ. ના વર્ગમાં સ્કેલરશીપો મેળવી હતી. આ બધું બતાવે છે કે એમની બુદ્ધિશક્તિ તીવ્ર અને તેજસ્વી હતી. ફેલોશીપની મુદત પૂરી થતાં તેઓ સેકન્ડરી, ટીચર્સ કૉલેજમાં દાખલ થયલા અને એસ. ટી. સી. ડી. ની પરીક્ષા તેમણે સન ૧૯૦૯ માં પસાર કરી હતી. હમણાં તેઓ મહાલક્ષ્મી ટ્રેનિંગ કૉલેજ—અમદાવાદમાં શિક્ષક છે અને સરકારી કેળવણી ખાતામાં ગુજરાતના એક પ્રતિભાશાળા ઉત્તમ શિક્ષક તરીકે તેમની ગણના થાય છે. આ તો એમની સામાન્ય પ્રવૃત્તિ–અભ્યાસનો ઉલ્લેખ થયો; પણ એમનું મહત્ત્વનું અને ઉજ્જ્વળ કાર્ય જ્ઞાતિસેવાનું છે. એમણે એમની જ્ઞાતિમાં સુધારો કરવા અને કેળવણીનો પ્રચાર કરવા એક મંડળ ઉભું કર્યું હતું, જેનું સેવાકાર્ય બહુ અસરકારક થઇ પડ્યું છે. એમના પ્રયાસથી ઘણા કૉલેજ કેળવણી લઇને ગ્રેજ્યુએટ થયલા છે; અને એ કાર્ય માટે એમણે લગભગ રૂ. ૧૦૦૦૦) જેટલી રકમ ઉભી કરી હતી. તેની સાથે જ્ઞાતિમાં સુધારા કરવાના એમના પ્રયાસ ચાલુ હતા. હમણાંજ એમની એ સુધારક પ્રવૃત્તિ માટે એમને જ્ઞાતિનો રોષ વહોરવો પડ્યો હતો; પરંતુ જે યુવકબળ એમણે પોતાના વર્તન અને શિક્ષણથી ઉભું કર્યું હતું તે એમના પડખે ઉભું રહેવાથી જ્ઞાતિના રૂઢિચુસ્ત આગેવાનોએ એમને મહાત કરવા પ્રયત્ન કર્યો હતો તે નિષ્ફળ ગયો છે. ગણિતમાં એમનું જ્ઞાન ઉંડું છે, એમ એમના હાથ નીચે ભણી ગયલા અનેક વિદ્યાર્થીઓ તેમ એમના એ વિષય પરનાં પુસ્તકો સાખ પૂરશે. તેમ ખગોળ પ્રતિ તેમને નૈસર્ગિક પ્રેમ છે. ઘણાં વર્ષોથી તેઓ તેનું બારીક નિરીક્ષણ અને અભ્યાસ કરતા રહ્યા છે, જેનું સુંદર ફળ આપણને હમણાં બહાર પડેલા તેમનાં “આકાશ દર્શન” પુસ્તકમાં મળે છે. તે એક સ્વતંત્ર કૃતિ છે અને તેનું વાચન આનંદદાયક નિવડી–જે વિષય સામાન્ય રીતે શુષ્ક થઈ પડે છે–કર્તાના અભ્યાસ અને જ્ઞાન માટે તેમ તેનું નિરુપણ કરવાની સુંદર શક્તિ માટે માન ઉપજાવે છે. લાંબી મુદ્દતથી તેઓ માસિકોમાં લેખો લખતા આવે છે; તેમાં એમનો પરિપક્વ અભ્યાસ, બહોળું વાચન અને અનુભવ દૃષ્ટિગોચર થશે. જેમ તેઓ સંસારસુધારક છે તેમ ધર્મમાં એકેશ્વરવાદી છે; અને અહિંની પ્રાર્થના સમાજના એક ટ્રસ્ટી છે. તે ઉપરાંત અમદાવાદની ઘણીખરી જાહેર સંસ્થામાં તેઓ એક સભાસદ તરીકે રસપૂર્વક ભાગ લે છે. વધુમાં સ્કાઉટિંગનું જ્ઞાન મેળવીને તેનો અહિં પ્રચાર કરવામાં એમણે ખંતપૂર્વક પ્રયાસ કર્યો છે; એટલું જ નહિ પણ વ્યાયામપ્રવૃત્તિ માટે એટલા જ ઉત્સુક રહે છે અને એલીસબ્રીજ પાસે એવા એક વ્યાયામ મંદિરના તેઓ નિમાયક છે. એમના પિતામહના સંસ્કાર એમના પર પડેલા છે, તેમ ન્યુ હાઈસ્કૂલના પ્રિન્સિપાલે ખગોળ માટે એમનામાં રસ પ્રકટાવેલો અને સાહિત્ય સંસ્કાર ડૉ. હરિપ્રસાદે પાડેલા એમ તેઓ જણાવે છે.
: : એમની કૃતિઓ : :
| ૧ | નાનાં બાળકોની ગૃહ કેળવણી | સન ૧૯૧૬ |
| ૨ | સરળ બાળ અંકગણિત (સહ લેખક) | ” ૧૯૨૯ |
| ૩ | સરળ મધ્ય અંકગણિત | ” ૧૯૩૧ |
| ૪ | આકાશ દર્શન | ” ૧૯૩૨ |