ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૩/ડૉક્ટર મણિલાલ મોહનલાલ ઝવેરી

From Ekatra Foundation
Jump to navigation Jump to search
ડૉક્ટર મણિલાલ મોહનલાલ ઝવેરી

એઓ જ્ઞાતિએ દશા મોઢ વાણિયા, એમનો જન્મ સંવત્‌ ૧૯૧૯ના માહા શુદ ૯ બુધવાર તા. ૨૮મી જાન્યુઆરી સને ૧૮૬૩ના રોજ ભરૂચમાં થયો હતો. એમના પિતાનું નામ રાવ બહાદુર મોહનલાલ રણછોડદાસ. માતાનું નામ રૂક્ષમણીબા. દિવાન બહાદુર કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરીથી એઓ મોટા. એમનું લગ્ન સંવત્‌ ૧૯૩૨ના વૈશાખ વદ ૫ ના રોજ ભરૂચના મજમુદારના પ્રખ્યાત કુટુમ્બમાં બાપુભાઇ ખુશાલભાઇને ત્યાં થયું હતું. એમની પત્નીનું નામ મણિગવરી છે. એમના પિતા સુરત જીલ્લામાં ડેપ્યુટી એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટર હતા. તેમણે એમની સાત વરસની ઉમ્મરે પોતાની પાસે રાખી મૂળાક્ષર અને આંક રમતાં રમતાં શીખવ્યા હતા. તેમની પાસેથી ભરૂચ આવે ત્યારે ભવાની મેતાજીની ધુડી નિશાળે બેસાડતા. પહેલી ચોપડી સુધીનો અભ્યાસ એમના પિતા સાથે રહીને કર્યો. પછી ભરૂચની તાલુકા સ્કૂલમાં દાખલ કર્યા. ગુજરાતી પાંચ ધોરણ પુરા કર્યા પછી અંગ્રેજી સ્કૂલમાં દાખલ થવાની એમની તીવ્ર ઇચ્છા છતાં પણ તાલુકા સ્કૂલ માસ્તર મગનલાલ હરીભાઇએ એમને પિતાને કહ્યું કે સાત ધોરણ પુરાં કર્યા સિવાય અંગ્રેજીમાં બેસાડવાની મારી સલાહ નથી. સાત ધોરણ પુરાં કર્યા પછી અંગ્રેજીમાં દાખલ કરવાથી ત્યાં એને ઓછી મહેનત પડશે. તેથી સાત ધોરણ પુરાં કર્યા પછી ભરૂચની હાઇસ્કૂલમાં અંગ્રેજી અભ્યાસ શરૂ કર્યો; અને તેથી અંગ્રેજી ચાર ધોરણ સુધી અંગ્રેજી ભણતરમાં ઓછી મહેનતે ઉપલે નંબરે પરીક્ષાઓ પસાર કરી. તે પછી તેમના વડીલ ભાઈ મોતીલાલ ભાવનગરની ઑલ્ફ્રેડ હાઈસ્કૂલમાં આસિસ્ટંટ માસ્તર હતા. તેમણે પોતાના ત્રણે ભાઈઓને પોતાની પાસે તેડાવી લઇ ત્યાં પોતાની દેખરેખ નીચે અભ્યાસ કરાવ્યો. તેથી એઓ અને કૃષ્ણલાલભાઇ પણ ત્યાં જઇ રહ્યા. એમના માતાજીની ઇચ્છા પોતાના છોકરાઓને દાક્તર અને વકીલ બનાવવાની હતી. તેથી એમણે દાક્તરી લાઇન લીધી; અને કૃષ્ણલાલભાઈએ કાયદાની લાઇન પકડી. મેટ્રીક્યુલેશન સુધીનો અભ્યાસ કરી તેમાં નિષ્ફળ થવાથી સને ૧૮૮૨ ના ઑક્ટોબર મહિનામાં અમદાવાદની મેડિકલ સ્કૂલમાં દાખલ થયા અને સને ૧૮૮૫ માં સબ આસિસ્ટંટ સર્જન—તે વખતે હૉસ્પિટલ આસિસ્ટંટ–માં પસાર થયા. ભાવનગરમાં અભ્યાસ કરી ત્યાંથી જ દાક્તરી લાઇનમાં દાખલ થવાની ભાવનગરના મહારાજા સાહેબે તેમને સ્કૉલરશીપ આપી, અને પાસ થયેથી પોતાના રાજ્યમાં નોકર રાખ્યા. સને ૧૯૧૫માં પેનશન લીધું ત્યાંસુધી એકનિષ્ઠાથી રાજ્યની નોકરી કરી મહારાજા સાહેબની પ્રીતિ સંપાદન કરી નિવૃત્ત થયા. મહારાજા સાહેબની ઈચ્છા તેમને પોતાની હજુરમાં રાખવાની હતી પરંતુ તેમની ઇચ્છા નિવૃત્ત થવાની હોવાથી ઉપકાર સાથે ના પાડી. નોકરીના સંબંધમાં હજુરશ્રીએ એમને ઘણી વખત નાણી જોયા હતા તે બધા પ્રસંગો અહીં જણાવતાં બહુ લંબાણ થાય માટે અત્રે એટલું જ જણાવવાનું કે એમને નોકરીથી છૂટા કરવા માટે તેઓ ઘણા દિલગીર હતા. પહેલવહેલો પ્લેગ શરૂ થયો ત્યારે બધી જ ટ્રેનોની ડૉક્ટરી તપાસ થતી હતી તે વખતે એમને ગઢડેથી બોલાવી લઈ ભાવનગરના સ્ટેશન ઉપર ટ્રેનો તપાસવા મૂક્યા હતા, તે વખતે લોભ લાલચને વશ ન થતાં કોઈ પણ પ્રવાસીને દુઃખ આપ્યું નથી, તદુપરાંત શહેરના મરણોનાં સર્ટિફિકેટ આપવાનું કામ પણ એમને સોંપ્યું હતું, તેમાં ઘણીવાર અખંડ ઉજાગરા થતા. કારણ રાતના કોઈને ત્યાં ગમે તે વખતે મરણ થાય તો તેના સંબંધીઓ રાતમાં સર્ટિફિકેટ લેવા આવતા, અને એઓ તેમને તે જ વખતે લખીને આપતા. એક વાર એવું બન્યું કે તેમના ચીફ મેડિકલ ઓફીસર સાહેબ ડૉ. શીવનાથ રામનાથે એમને રાત્રે પોતાને ત્યાં સુઇ રહેવાનું કહ્યું. ખરી રીતે તો નાણી જોવા કે માણસોને હેરાનગતિ થાય છે કે નહિ. હવે તે રાત્રે એવું બન્યું કે મરણનું પ્રમાણ વધી જવાથી અરધી કલાકે અને કલાકે જૂદા જૂદા માણસો સર્ટિફિકેટ માટે આવવા લાગ્યા અને એમણે તે બધાને વખતસર સર્ટિફિકેટ આપ્યાં; પણ એઓ સાહેબને પણ અખંડ ઉજાગરો થયો. તેઓ તો જૂદા ભાગમાં સૂતા હતા, પણ ઘોંઘાટથી તેમની નિદ્રાનો ભંગ થયો. બીજે દિવસે પોતાને ત્યાં સુવા આવવાની ના કહી. આ વખતે એમની નિમણુંક ગઢડા દવાખાને હતી. ત્યાં પણ પ્લેગ અને કોલેરા એક સાથે ફાટી નિકળ્યા અને પ્રજાનો પોકાર થયો; તેથી તાબડતોબ એમને ગઢડે જવા હુકમ થયો. ત્યાં જઈ પ્રથમ, પ્રજાની મિટિંગ બોલાવી સૌને ધીરજ આપી. પછી સવારના આઠ વાગતાથી આખા કસબામાં રાઉન્ડ લેતા, અને વગર ફીએ દરેક દરદીને તપાસી ઉપચાર કરતા. દવાની પેટી સાથે જ રાખતા કે તાત્કાલિક મદદ અપાય. કસ્બાનું અનાથાશ્રમ પણ એમની દેખરેખ નીચે હતું, એટલે ત્યાં પણ બે વખત વીઝીટ આપતા. એમની આ સેવાની કદર કરી. પ્રજાએ એમને માનપત્ર મેહેરબાન દિવાન સાહેબ મારફતે આપ્યું, અને તેમણે નેક નામદાર મહારાજા સાહેબની મંજુરી લઇ રૂા. ૨૦૦નું ઈનામ અને સર્ટિફીકેટ આપ્યાં. સાહિત્ય સંબંધમાં એમની પ્રવૃતિ છેક નાનપણથી હતી. એમની જ્ઞાતિના છોકરાઓ અવળે રસ્તે ચઢી જતા જોઈ તેમને સમજાવી, “જ્ઞાનોદય સભા” એ નામનું એક મંડળ તૈયાર કહ્યું, તેમાં દર રવિવારે ભાષણો કરતા. તે પછી સને ૧૮૮૧ માં જ્ઞાનોદય નામનું માસિક પ્રગટ કરવા માંડ્યું. ચાર વરસ પોતાની દેખરેખ નીચે ચલાવી પછીથી નોકરીની જંજાળમાં એમણે એ કામ એમના મિત્ર રા. અનુપરામ મીઠાલાલ દીનબંધુ તથા શ્રીયુત ઈચ્છાલાલ અમૃતલાલને સોંપી દીધું. જ્ઞાનોદય સભાને અંગે એમણે પોતાના મિત્ર શ્રીયુત ઇચ્છાલાલ અમૃતલાલ સાથે ભાગમાં જ્ઞાનોદય છાપખાનું જમાવ્યું. પાછળથી પોતાનો ભાગ કહાડી નાખી તે ઇચ્છાલાલને સ્વતંત્ર આપી દીધું. નોકરીના દરમ્યાનમાં એઓ અને શ્રીયુત માનશંકર પિતામ્બરદાસ મ્હેતા બોટાદમાં ભેગા થઈ ગયા. એ બન્ને મિત્રોએ મળી ત્યાં અંગ્રેજી સ્કૂલ નહિ હોવાથી ફંડ એકઠું કરી ખાનગી સ્કૂલ કહડાવી અને પછી તેનું સારૂં કામ જોઈ એ સ્કૂલ સ્ટેટમાં દાખલ કરાવી. એજ અરસામાં એઓ તે વખતના પ્રસિદ્ધ માસિકોમાં લેખ મોકલતા. બુદ્ધિપ્રકાશ, વિજ્ઞાનવિલાસ, સ્વદેશ વત્સલ, આર્યજ્ઞાનવર્ધક, નૂરે એલમ, અને કેળવણી વગેરે માસિકોમાં એમના લેખ આવતા, અને તે વખણાતા. ‘આપણા દેશના કુવા’ એ નામનો નિબંધ એમણે બુદ્ધિપ્રકાશમાં કટકે કટકે પ્રસિદ્ધ કરેલો. પણ પછી તેની પુસ્તક રૂપે માગણી થવાથી તેને પુસ્તકરૂપે બહાર પાડ્યો, અને તેની બે આવૃત્તિઓ થઈ. નૂરે એલમના અધિપતિ મી. કાબરાજીને તે લેખ ઘણો પસંદ પડવાથી લેખકની પરવાનગીથી એ આખો લેખ નૂરે એલમમાં ફરીથી પ્રસિદ્ધ કર્યો. ગુલિવારની મુસાફરીના ભાષાંતર માટે રા. નવલરામભાઈએ પોતાના શાળાપત્રમાં ઘણો ઉંચો અભિપ્રાય આપ્યો હતો. વૃદ્ધાવસ્થાને લઈને હાલ વિશેષ કામ થઈ શકતું નથી, છતાં પણ ગોંડળના વિદ્યાધિકારી સાહેબ મહેરબાન ચંદુલાલભાઇના આગ્રહથી એ સ્ટેટ તરફથી ગુજરાતી ભાષાનો બૃહત કોષ પ્રસિદ્ધ થવાનો છે તે માટે થોડુંએક કામ એમને સોંપેલું છે, તે કરે છે.

: : એમની કૃતિઓ : :

શેતરંજ ગુલિવરની મુસાફરી ભાગ ૨ નું ભાષાંતર, આપણા દેશના કુવા. અજમેષ ભીડ ભંજન. શબ્દોના પ્રકાર ઓળખવા વિષે. સ્ફૂટ કાવ્ય.