ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૩/રામચંદ્ર દામોદર શુક્લ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
રામચંદ્ર દામોદર શુક્લ, એમ. એ. એલએલ. બી.

એઓ જ્ઞાતે શ્રી ગોડ બ્રાહ્મણ; અને પંચમહાલ જીલ્લાના શહેરા ગામના વતની છે. એમનો જન્મ શહેરામાં તા. ૮ મી જુલાઈ સન ૧૯૦૫ ને રોજ થયો હતો. એમના પિતાનું નામ દામોદર દાજીભાઇ શુક્લ અને માતાનું નામ સુરજબ્હેન છે. પ્રાથમિક શિક્ષણ શહેરામાં, માધ્યમિક દોહદ, ગોધરા અને અમદાવાદમાં અને ઉંચું ગુજરાત કૉલેજ અમદાવાદમાં લીધું હતું; અને ભણવામાં બુદ્ધિશાળી અને ચંચળ હોઈને, કૉલેજમાં દર વર્ષે સ્કોલરશીપ મેળવેલી. સન ૧૯૨૧માં મેટ્રીક થયલા; અને બી. એ. ની પરીક્ષા એમણે સન ૧૯૨૫માં ઈંગ્લિશ ઑનર્સ અને સંસ્કૃત લઇ બીજા વર્ગમાં પાસ કરી હતી, અને ગુજરાત કૉલેજનું લૉર્ડરે પ્રાઈઝ મેળવ્યું હતું. સન ૧૯૩૧ માં પ્રધાન વિષય ઇંગ્રેજી અને ગૌણ વિષય ગુજરાતી લઈને તેઓ એમ. એ. બીજા વર્ગમાં પાસ થયા છે. દરમિયાન એલએલ. બી. ને ટર્મસ રાખી સન ૧૯૩૦ ના જુનમાં એલએલ. બી. થયા હતા. તેઓ હાલમાં જાન્યુઆરી ૧૯૩૨ થી દાહોદમાં વકીલાત કરે છે. તે આગમચ અભ્યાસ દરમિયાન જુન ૧૯૨૬ થી નવેમ્બર ૧૯૩૧ સુધી જે. એલ. ન્યુ ઇંગ્લિશ સ્કુલ–અમદાવાદમાં શિક્ષક તરીકે કામ કર્યું હતું. અમદાવાદનો લગભગ ચૌદ વર્ષનો સતત્‌ વસવાટ એમને અત્યંત લાભદાયી નીવડ્યો છે. ટુંકી વાર્તા આપણે અહિં હમણાં હમણાં ખૂબ લખાવા માંડી છે, તેમાંથી એમણે સરસ કૃતિઓનો સંગ્રહ કરી, “નવલિકા સંગ્રહ’ નામે એક પુસ્તક સંપાદન કર્યું છે; અને તેનું બીજું પુસ્તક શ્રી કનૈયાલાલ મુનશીની પ્રસ્તાવના સહિત ચાલુ વર્ષ દરમિયાન પ્રસિદ્ધ થવાનો સંભવ છે. એ પસંદગીમાં એમનું વિશાળ વાચન તેમ ઝીણી વિવેચન શક્તિ નજરે પડે છે. વળી માસિકોમાં એમના નામથી તેમજ તખલ્લુસથી અવારનવાર આવતા લેખો, જેમકે મુનશીની કૃતિઓમાં રાજકીય ભાવના અથવા ‘વસન્ત સ્મારક ગ્રંથ’માં નળાખ્યાન વિષે વાંચતાં, એમની વિદ્વતા અને જ્ઞાન માટે ઉંચો અભિપ્રાય બંધાય છે; અને જતે દિવસે એમની ગણના ઉંચી કોટિના લેખકવર્ગમાં થાય તો અમે નવાઈ પામીશું નહિ.

: : એમની કૃતિઓ : :

સ્વીટઝરલેન્ડની સ્વતંત્રતા સન ૧૯૨૪
નવલિકા સંગ્રહ પુ. ૧  ”  ૧૯૨૮
પુ. ૨  ”  ૧૯૩૨