ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૩/શ્રીમતી જયમનગૌરી વ્યોમેશચન્દ્ર પાઠકજી

From Ekatra Foundation
Jump to navigation Jump to search
શ્રીમતી જયમનગૌરી વ્યોમશચન્દ્ર પાઠકજી

એમનો જન્મ સન ૧૯૦૨માં સુરતના ગર્ભશ્રીમન્ત નાગર કુટુમ્બમાં થયો હતો. સ્વ. રાવબહાદુર પાર્વતીશંકર દવેના પુત્ર પ્રો. મોહનલાલ તે એમના પિતા, અને કૈ. સાક્ષર શ્રી. કમળાશંકર ત્રિવેદીનાં પુત્રી સૌ. દમનગૌરી તે એમનાં માતુશ્રી થાય. સુરત ને અમદાવાદની નિશાળોમાં પ્રાથમિક શિક્ષણ પૂરું કરી, એઓ મુંબાઇની ચંદા રામજી ગર્લ્સ સ્કૂલમાં ગયા. અંગ્રેજી છઠ્ઠા ધોરણ વખતે સુરત મહિલા વિદ્યાલયમાં આવ્યા; પણ એઓ મેટ્રિક થયા નથી. સન ૧૯૧૮માં સરદાર સાહેબ જનાર્દન પાઠકજીના પુત્ર રા. વ્યોમેશચન્દ્ર સાથે એમનું લગ્ન થયું. સમાન આદર્શોવાળા કુટુમ્બમાં આમ જવાથી એમના બચપણના સાહિત્ય-સંસ્કારો વધારે દૃઢ થયા છે. પરણ્યા પછી થોડાંક વરસ એમણે યુવતી મંડળના પ્રમુખ તરીકે સારું કામ કરેલું પણ વિદ્યાના વાતાવરણમાં વસતા હોવાથી સાહિત્યસેવન તરફ એમનું લક્ષ વિશેષ રહે છે. ગુજરાતી અને હિન્દી કવિતા પર એમને અસાધારણ પ્રેમ છે ને લખે છે પણ સાધારણ રીતે કવિતા જ. એમનાં કાવ્યો આપણાં શિષ્ટ સામયિકોમાં અવારનવાર આવે છે પણ તેનો સંગ્રહ હજુ બહાર પડ્યો નથી. ‘ગુણસુન્દરી’માં છપાયલા રાસોમાંથી એમની પાસે પસંદગી કરાવી એક સંગ્રહ એ માસિકના કાર્યાલયે પ્રસિદ્ધ કર્યો છે તે ઘણો લોકપ્રિય થયો છે. કાવ્યો તેમજ નિબન્ધો લખવાની હરીફાઇમાં અનેકવાર એઓ પહેલું ઈનામ લઈ ગયાં છે. એક ઉલ્લેખ બસ થશે. સન ૧૯૨૪ની ભાવનગર સાહિત્ય પરિષદમાં એક વિલક્ષણ શીઘ્ર કાવ્ય રચવાની હરીફાઇ થઈ હતી. સર રમણભાઇ અને દી. બા. કેશવલાલ ધર્મ જેવા આરૂઢ સાક્ષરો પરીક્ષક હતા તેથી ઘણા શક્તિશાળી લેખકોએ તેમાં ભાગ લીધો હતો. રસાકસી ભારે હતી પણ પરિષદ–પારિતોષિક એકજ હતું એટલે પ્રો. ગજેન્દ્ર બુચ તથા જયમનગૌરી એ બે વચ્ચે તે ઇનામ વહેંચાયું હતું. એ બેની ઉંમર પણ એક જ હતી એટલે કે એકે વરસે એકજ દિવસે એ બેઉ જન્મ્યાં હતાં. એ વિધિલીલા જરા નોંધવા જેવી છે. વક્તા તરીકે પણ એઓ જાણીતા હોવાથી આપણી જુદી જુદી સાહિત્ય સભાઓ પ્રસંગોપાત એમની પાસે વ્યાખ્યાનો કરાવે છે. સન ૧૯૨૬માં ન્હાનાલાલ કનકોત્સવ અનેક સ્થળે ઉજવાયો હતો. મુંબાઇનો સમારંભ તે સહુમાં મુખ્ય હતો તેથી ત્યાં કવિશ્રીને વિવિધ પ્રકારની અંજલિઓ અપાઈ હતી. તે વેળા ત્યાંની સમિતિએ સમસ્ત ગુજરાતણોનાં પ્રતિનિધિ તરીકે એમની પાસે અભિનન્દન અપાવ્યાં હતાં.

: : એમની કૃતિઓ : :

સુરદાસ ને તેનાં કાવ્યો (અનુવાદ) સન ૧૯૨૭
‘ગુણસુન્દરીનાં રાસ’ (સંપાદિત્ત)  ”  ૧૯૩૧
રાસવિવેચન છપાય છે.