ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૩/જદુરાય દુર્લભજી ખંધડીઆ
એઓ જાતે લોહાણા છે. મૂળ વતની ભાવનગરના; અને એમનો જન્મ રાજકોટમાં તા. ૧૬મી મે ૧૮૯૯–સં. ૧૯૫૫ના વૈશાખ સુદ તેરસ-ના રોજ થયો હતો. એમના પિતાનું નામ દુર્લભજી અને માતુશ્રીનું નામ સ્વ. કાશીબ્હેન હતું. એમનું લગ્ન સન ૧૯૧૬માં બાબરા-કાઠિયાવાડમાં સૌ. દયાગૌરીબ્હેન સાથે થયું હતું. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ એમણે ભરૂચમાં લીધું હતું; અને તે અભ્યાસ દરમિયાન સરકારી સ્કોલરશીપો રૂ. ૩ ની અને રૂ. ૫ ની માસિક ત્રણ વર્ષ સુધી મેળવી હતી. તે પછી વડોદરા કલા ભવનમાં તેઓ દાખલ થયા હતા. ત્યાં કૉમર્સના પાંચ વિષયો-એકાઉન્ટન્સી, કોરસપોન્ડન્સ, બેન્કિંગ, થિયરી અને પ્રેકટીશ ઓફ કૉમર્સ અને ટાઇપીંગનો અભ્યાસ કરી લંડન નેશનલ યુનિયન ટીચર્સની પરીક્ષા પાસ કરી હતી. વળી સન ૧૯૨૪માં સાહિત્ય સભા તરફથી લેવાતી સાહિત્યની પરીક્ષા પહેલા વર્ગમાં પસાર કરી હતી અને મુંબાઈ ચેમ્બર ઑફ કૉમર્સ તરફથી લેવાતી Scientific Advertisingની પરીક્ષામાં માનસહિત સન ૧૯૨૬–૨૭માં પાસ થયા હતા. વળી સન ૧૯૨૯માં કલકત્તા Y. M. C. A. ના વ્યાયામ વર્ગમાં પણ ફતેહ મેળવી હતી. હમણાં તેઓ Kian Gwan Co. India, Ltd., માં એકાઉન્ટન્ટના હોદ્દા પર છે; અને રૂ. ૩૫૦ નો પગાર તેમને મળે છે. એઓ પોતા વિષે જણાવે છે કે, “I am jack of all and master of none.” કહેવાનું તાત્પર્ય, એમની પ્રવૃત્તિ અનેકવિધ છે; એમનું જીવન અનેક રંગે રંગાયું છે. એમના પત્નીના અભિપ્રાય પ્રમાણે સિદ્ધાન્તવાદી એવા કે “સીંદરી બળે પણ વળ ન મૂકે!” વ્યાપારમાં તેઓએ પ્રવીણતા પ્રાપ્ત કરેલી છે જ; પણ તેના અંગે કાયદાનું વ્યવહારૂ જ્ઞાન પણ સારૂંં ધરાવે છે. ખુશ થવાય એવો એમનો સંગીતનો અભ્યાસ છે. એમના પિતાશ્રીએ ૩૨ વર્ષ સુધી એક સંગીત શિક્ષક તરીકે કાર્ય કર્યું હતું અને તે સંસ્કાર પુત્રમાં ઉતરે – આવે એ સ્વાભાવિક છે. સંગીત સાથે સાહિત્યલેખનનો શોખ પણ એમણે સારી રીતે કેળવ્યો છે; અને હાસ્યરસના એમના લેખો, તેમાંની વિચિત્રતા અને બંડખોર બુદ્ધિ વિનોદને લીધે વાચકનું ધ્યાન ખેંચે છે. કેટલોક સમય એમણે ‘ગુણસુંદરી’ માસિકના સહતંત્રી તરીકે કામ કર્યું હતું. રમતગમત અને વ્યાયામ માટે એમને કુદરતી પ્રીતિ છે. આ પ્રમાણે વ્યવસાયી જીવન ગાળવા છતાં એમની કલમમાંથી હાસ્ય સાહિત્યનો પ્રવાહ સતત વહેતો રહે છે, એમ એમના પુસ્તકોની યાદી કહી આપશે.
: : એમની કૃતિઓ : :
| ૧ | બુદ્ધિનું બજાર | સન ૧૯૨૬ |
| ૨ | ૯ નવી વાતો | ”” |
| ૩ | લોહાણા વીરોની વાતો | ”” |
| ૪ | દેવોને ખુલ્લા ૫ત્રો | ”” |
| ૫ | હૃદયની રસધાર | ”” |
| ૬ | વિનોદશાસ્ત્ર | ” ૧૯૨૬ |
| ૭ | દોઢ ડહાપણ સાગર | ” ૧૯૨૭ |
| ૮ | ફેન્સી ફારસો | ”” |
| ૯ | હિન્દી લશ્કરનો ઇતિહાસ | ”” |
| ૧૦ | Ready Reckoner | ”” |
| ૧૧ | Indian Coalfields in Camera | ” ૧૯૨૫ |
| ૧૨ | હાસ્ય દર્શન | ” ૧૯૩૨ |