ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૪/રા. બા. મોહનલાલ રણછોડદાસ ઝવેરીનું આત્મકથન
મારો જન્મ સં. ૧૮૮૪ ના ચઈતર માસમાં સુદ ૧૪ વાર શની (મંદ વાસરે) થયો. તે વખત શાલીવાહન શક ૧૭૫૦ તથા અંગ્રેજી સન ૧૮૨૮ ના માર્ચની તારીખ ૩૧ મી હતી. મારો જન્મ માના મોસાળમાં પોતાની કાકીના ઘરમાં થયો હતો. કારણ મારી માતોશ્રીના ખાપ વિચિત્ર વત્તણુકના હોવાથી પોતાનો ઘરસંસાર ચલાવી શકેલા નહીં. પોતાની બ્હેનના ઘરમાં રહી દીવસ નિર્ગમન કરતા. મારી માની મા જીવકોરનાં કાકી સદામા (જેને જીમા કહીને બોલવતા તે) નંદકીશોરભાઈ ભગવાનભાઈ મજમુદારની ખડકીમાં, ગીરો રાખેલાં ઘરમાં રહેતાં હતાં. અસલ તેમના ધણી વગેરે ઘણી સારી હાલતમાં હતા તથા તેમની મોટી હવેલી ટાંકા કુવાવાળી તેમના ઘરની સોડેજ હતી. તે પડી ગઇ તથા તે કુટુંબ ઘણી ગરીબ સ્થિતિમાં આવી ગયું હતું. જીમાનું પીહેર પચમહાલમાં વેજલપુર ગામમાં હતું. તે ઘણાં વૃદ્ધ હતાં, પણ અંગે તથા મને સુદૃઢ હતાં, તેમણે પોતાની ભત્રીજીને પોતાને ઘેર રાખી તેનાં છોકરાંનું પોષણ કરેલું. મારા મામાને સારી કેળવણી આપી સરકારી નામું તથા શુદ્ધ સારૂં લખાણુ કરતાં શીખવાડીને અદાલતમાં જતા આવતા કર્યા હતા. તેમણે પારસી વકીલ શેરીઆરજી (સદર અદાલતના વકીલ) તથા તેમના ભાઈ બમનશા વકીલને ત્યાં વાણોતર મહેતાનું કામ કરી સારી સંપત્તિ મેળવી હતી. જે ઘરમાં મારો જન્મ થયો તે ઘરમાં બે ઓરડા હતા; એક પરસાલ ને બીજી રાંધણી. તેમાં અજવાળું તથા હવા આવવા જવાની ઘણીજ નઠારી ગોઠવણ હતી. એકજ બારણું આગળ પરસાળમાં ને અગાશીનું એક જાળીઉં પાછલી રાંધણીના ઓરડામાં. ઘરમાં શરદી પુષ્કળ હતી–સુવાવડખાતું પણ પરસાલના એક પાસા પર. એવા ઘરમાં ઉછરી હું મોટો થયલો. એવી કસો જગા હતી, પણ હું દશ વરસની ઉંમરનો થયો ત્યાં લગી મને તેમાંજ રહેવાનું ગમતું. મારાં જીમા તથા મારી બા (માની મા) તથા ધીરજ માસી, એક ડોસી પાડોશણ જાતની કાયથ હતી તે સઘળાનો મારા પર અતિશય પ્રેમ હતો. મારા પિતાને મુંબઈની નોકરી હતી અટલે મને બાપને ઘેર ન ગમતાં મોસાળજ રહેવું પસંદ પડતું. હું પાંચ વરસનો થયો ત્યાં લગી મોસાળમાં ઉછર્યો ને તે ફળીઆમાં જ મારે ઘણું ઓળખાણ. ત્યાંના પાડોશીના છોકરા જોડે રમવા કરવાનું થતું, મારો બચપણનો દોસ્ત આદીતરામ નથુરામ હતો. પાંચ વરસ પુરાં થયા પછી મારા મામા મને સરકારી ગુજરાતી નિશાળે બેસાડી આવ્યા. મારા મહેતાજી મુકુંદરામ આશારામ કરીને મોતાળા બ્રાહ્મણ હતા. તેમની નિશાળ મારા મોસાળના ફળીઆની નજીકમાંજ હતી, એટલે મને ભણવા જવાનું ઘણું સરળ હતું. તે વખત સરકારી નિશાળ શહેરમાં આવ્યાને આઠજ વરસ થયાં હતાં. શીક્ષણ પદ્ધતિ ગામઠી નિશાળો કરતાં જુદી હોવાથી લોકને વિચિત્ર લાગતું. મારા મામા તથા મારા કાકા જગન્નાથ પણએજ મહેતાજીના હાથ તળે શીખેલા. પ્રથમ વર્ણમાળા શીખવતા એટલે ‘અ આ’ આદિ સોળ સ્વર અને ‘ક ખ’ આદિ છત્રીસ વ્યંજનથી આરંભ થતો. તે શીખવાનાં સાધન ઘણા સારાં હતાં એટલે મોટા સુશોભિત અક્ષરો કાગળ પર છાપેલા ને તે પાટી પર ચોડેલા, વર્ગની સન્મુખ મુકી તે પરથી બોલતાં તથા લખતાં શીક્ષકો શીખવતા. શીક્ષકો એટલે પગારદાર ભણાવનાર નહીં, પણ ઉપલા વર્ગના વડા નિશાળીઆ વારાફરતી ભણાવતા. તે વખતે સ્લેટો મળતી નહોતી માટે પાટી પર સફેતાના પાણી વડે લખતા. ઘણી ગમત સાથે બાવન અક્ષર આવડ્યા એટલે મહેતાજીએ અમારા વર્ગની પરીક્ષા લઇ મને ઉપલા વર્ગમાં મુક્યો. ત્યાં બારાખડી શીખવાની આવી. તેના પણ ઉપર પ્રમાણેજ ભવ્ય અક્ષરો છાપેલા કાગળો પાટી પર ચોડેલા ને ઘોડી પર ટાંગેલા હતા. છત્રીસ વ્યંજનની બારાખડી શીખી પરીક્ષા આપી હું ઉપલા વર્ગમાં ચડ્યો એટલે જોડાક્ષર, પછી એકાક્ષરી, બે અક્ષરના, ત્રણ અક્ષરના એવા સાત અક્ષરના શબ્દો લગી ભણવાનું કામ ચાલ્યું. સાત અક્ષરના શબ્દો વાંચતાં લખતાં શીખવ્યા પછી શબ્દોના અર્થો શીખવતા, આવી રીતે વર્ણમાળા પુરી થાય એટલે ચોપડી લેવાનો વખત નિશાળીઆને આવતો–તે ચોપડીનું નામ લીપીધારા–જે બધા વર્ણો તથા શબ્દો મોટા કાગળો પર છાપેલા હતા તે બધા ઝીણે અક્ષરે ચો૫ડીમાં છાપેલા ને તેની સાથે કેટલીક નાની નાની વાર્તાઓ હતી તે વાંચતાં શીખવું ૫ડતું. સારી વાંચનશક્તિ આવવાને નાના છોકરાને બે વરસ લાગે. ઉપલો ક્રમ સવારના શિક્ષણનો કહેવાય. એ શીક્ષણમાં બે લીપી ચાલતી, બાળબોધ (એટલે દેવનાગરી) તથા ગુજરાતી. બપોર પછીના અભ્યાસના ક્રમમાં આંક તથા ગણિત ચાલતું. આંક વધારે ચાલતા નહીં, કારણ તે વખતે એેવો રીવાજ ચાલુ હતો કે આંક ધાતો ગુજરાતી ગામઠી નિશાળે ભણીને વિદ્યાર્થીઓ આવતા. માટે મહેતાજી આંકપર ઘણુંજ થોડું લક્ષ આપી, સંખ્યા પરિમાણ ચલાવતા–આંકને વાસ્તે ઘેરથી ભણી ગયાની ચીઠી લાવે એટલે મહેતાજી સંતોષ પામે. એ કામ મને ઘણુંજ અઘરૂં પડ્યું; કેમકે મેં આરંભે ગામઠી નિશાળે ન ભણતાં મારી કેળવણીની શરૂઆત સરકારી નિશાળે કરી હતી. સંખ્યા પરિમાણ શીખ્યો. સરવાળા–બાદબાકી તે સહેલાં પડ્યાં પણ ગુણાકાર ભાગાકારમાં વધારે મુશ્કેલ લાગ્યું. આઠ વરસની ઉમ્મર થતા લગીમાં હું વર્ણમાળા–લીપીધારા અને બોધવચન તથા ગણીતમાં ભાંજણી લગી ભણ્યો. એટલે સારી રીતે વાંચતાં–લખતાં–ત્રેરાશી લગી ગણીત શીખ્યો. સાત વરસની ઉંમરે મારો વિવાહ (વેશવાળ) વનમાળીદાસ કલ્યાણદાસની ત્રીજી દીકરી રૂક્ષ્મણી સાથે મારા દાદાએ કર્યો. મારા દાદા એવા કામમાં ઘણા ઉત્સુક નહોતા, પણ તેમના પંતીયાલા શેઠ પ્રાણનાથ બીજાભાઇ મજમુદાર, જે અમારા ઉપર ઘણો પ્રેમ રાખતા હતા તેમણે આગેવાન થઈને કર્યો. સન ૧૮૩૫ ના શીયાળાની મોસમમાં સદર અદાલતના સરકારી જડજ એટલે જુડીશીઅલ કમીશનર જીબરીન સાહેબ ભરૂચમાં આવ્યા. તે વખતે સરકારી નિશાળોની પરીક્ષા લેવાનો અધિકાર સરકારે એમને સોંપેલો હતો. એ સાહેબે અમારી નિશાળની પરીક્ષા લીધી તે વખતે છોકરાનું વાંચન–સમજુતી-ગણીતકામ વગેરેથી તે રાજી થયો પણ ભરૂચમાં બીજી નિશાળ વડાપાડામાં હતી તે જોવા ગયો, ને ત્યાંના નિશાળીઆઓને ભૂગોળના સવાલ પુછ્યા કે, પૃથ્વીના કેટલા ખંડ છે. છોકરાથી જવાબ ન દેવાયો એટલે મહેતાજીને પુછ્યું કે તમે જવાબ દ્યો. તે બિચારાથી નવ ખંડ બોલાઈ ગયા. એટલે સાહેબ ઘણા નારાજ થયા. સરકીટ ફરી આવ્યા પછી સરકારમાં રીપોર્ટ કર્યા કે ગુજરાતના મહેતાજીઓને ભૂગોળ આવડતી નથી, માટે તેનો અભ્યાસ થવા ગોઠવણ થવી જોઈએ. તે પરથી સરકારે હુકમ લખી બધા મહેતાજીઓને મુંબઇ તેડી ત્યાં વ્યાકરણ, ભૂગોળ, બીજ ગણિત, ભૂમિતિ, ત્રિકોણમીતિ, ક્ષેત્રફળ, ઘનફળ વગેરે વિષયો શીખવવાની ગોઠવણ કરી. દશ માસ ત્યાં રાખ્યા તેટલી મુદત જીલ્લાઓમાં નિશાળો બંધ પડી. આ અવકાશ મને મળવાથી મારા દાદાએ મને આંક તથા ધાતો તથા લેખાં શીખવા સારૂ ગામઠી નિશાળે મુક્યો. એ મારા મહેતાજીનું નામ હરીનારાયણ કામબુરીઓ હતું અને તેની નિશાળ લલ્લુભાઈના ચકલામાં પ્રાણનાથ બીજાભાઇની હવેલી પાસેજ હતી. મારા દાદાએ પ્રાણનાથ બીજાભાઇની દુકાનના ભાગીઆ હોવાથી તેમનું બેસવાનું એ હવેલીમાંજ થતું. તેથી મને પણ ઘણું સુગમ પડ્યું. આઠ નવ માસ લગી એ નિશાળમાં રહ્યો. આંક પાકા થયા. એ નિશાળમાં સારી ગમત થતી. મહીનામાં બે ચાર વાર છુટી લેવા જવું પડે તે વખતે ઘણો હર્ષ થાય. ગાવાનું, ગોળ ખાવાનું ને સાંજના છુટી મળે. સને ૧૮૩૭ માં સરકારી નિશાળો પાછી ઉઘડી એટલે મને પાછો એજ નિશાળે બેસાડ્યો. મારા મહેતાજી મુકુંદરામ છ માસમાં ભણીને પાસ થઈ પાછા ભરૂચ આવેલા. તેમનો તાજો અભ્યાસ તથા નિશાળ સુધારવાના ઉમંગને લીધે ઘણોજ શ્રમ લેતા. મારો અભ્યાસ બોધવચનના વર્ગ લગી થયેા હતો. બે વરસમાં મારો અભ્યાસ છેક પહેલા વર્ગ લગી આવી લાગ્યો એટલે ડાડસ્લી નીતિ કથાઓ, ઈસ૫નીતિ ને બાળમિત્ર, તે સાથે ભૂગોળ ને વ્યાકરણ. ગણીત વરગમાં પૂર્ણાંક અપૂર્ણાંક, વર્ગમૂળ, ઘનમૂળ, ૫ત્યાળું, ઈષ્ટરાશી વગેરે પુરૂં થયું. એ પછી બીજગણીત, ત્રિકોણ મિતિ, કર્તવ્ય ભૂમિતી, લાગ્રતમ ક્ષેત્રફળ, ઘનફળ લગી, શિક્ષામાળા બીજા ભાગમાંથી શીખ્યો. મારી સાથે શીખનારા સોબતીઓમાં મૂળચંદ મકનદાસ, કીશોરદાસ હરગોવનદાસ, લાલભાઈ નથુભાઈ રામચંદ્ર મોહનલાલ એટલા હતા. એ વખતે ગણીતનાં પુસ્તકો જર્વીસ સાહેબનાં કરેલાં[1] શિક્ષામાળા પહેલો, તેમાં પૂર્ણાંક તેમ અપૂર્ણાંક. એ ભાગ બીજો, એમાં બીજ ગણીત, ભૂમિતિ, લાગ્રતમ, સંગતીકરણ, સીધી લીટી, ત્રિકોણમિતિ, ક્ષેત્રફળ, ઘનફળ, કર્ત્તવ્ય ભૂમિતિ, એમાં ઇજનેરી કામના નકશા જમીન માપવી વગેરે બાબતો હતી. સન ૧૮૩૭માં એટલે સંવત ૧૮૯૩ના ચૈત્ર માસમાં સુરતમાં આગ લાગી ને શહેરનો ઘણો વસ્તીવાળો ભાગ ત્રણ દહાડા ને ત્રણ રાત લગી બળ્યો. તે વરસમાં હું સુરત મારા પિતાજી સાથે ગયો હતો. સુરતના જેટલા ભાગમાં હું ફર્યો તેના રસ્તા ઘણા સાંકડા ને હવેલીઓ રસ્તાની બાજુ ઉપર ઘણી ઉંચી આવી રહેલી તેથી ખરે બપોરે પણ રાહદારીને છત્રીની જરૂર પડતી નહીં. મારા પિતાજી સાથે બરાનપોરી ભાગલે કરતાં એ કંસારાની દુકાનપર પીતળની નાની મોટી મૂર્તિઓ વેચાતી હતી તેમાંથી એક મેં મારા પિતાને લેવાને કહ્યું–બશેર ઘી આપી તે લીધી. લાલજીની મૂર્ત્તિ હાથમાં માખણનો પીંડો ને નાહાની બચ્ચાંની પેઠે એક તંગડી નીચીને એક તંગડી ઉંચી રાખી ચાલતા હોય, માથે કેશવાળ ગુંથીને તેનો ઉભો બોચલો મુકેલો. એ મૂર્ત્તિને નાનપણથી પણ મેં સેવા પૂજા કરવા માંડી. ભરૂચ આવ્યા પછી હુંને મારા ભાઇએ તેના હીંડોળા પારણા કરી ઝુલાવતા ને સારા વસ્ત્ર પહેરાવી અલંકૃત કરતા, મારી ઉમ્મરમાં ભરૂચની બહારની પહેલી મુસાફરી સુરતનીજ હતી. મારા મહેતાજી મુકુંદરામે પૃથ્વીનો ગોળો તથા સૂર્યમાળા બનાવ્યાં હતાં. એ ગોળા ઉપર જમીનને પાણીના તમામ ભાગો ચીત્રેલા હતા. તથા ખંડો, પર્વતો, નદીઓ, અખાત ભૂશિર વગેરે નકશા પ્રમાણે ચીતરી તે પર નામો લખ્યાં હતાં. વીલાયતી ભૂગોળનો ગેળો આવે છે તેજ નમુના પ્રમાણે કર્યો હતો. એક આંબાના લાકડાના કકડામાંથી મોટો ગોળ દડો ખરાદી પાસે ઉતરાવ્યો. તેનો વ્યાસ આશરે એક ફૂટનો હતો, તે ઉપર કાગળોચોડીને જાડાં પુઠાં જેવું કરી તેને વચમાંથી કાપી કહાડી બે અર્ધ ગોળ થયા. તેમાંથી લાકડાંનું ખોખું કહાડી લઈ તેને સાંધી દીધાં. તે ઉપર સારા ઝીણા કાગળ ચોહોડી રંગ્યો ને પછી ખંડ સાગર વગેરેના આકાર પાડી નામ લખ્યાં ને જુદા જુદા રંગ પૂર્યા. એ કારીગીરી જોઈ પ્રોફેસર ડાક્ટર હાર્કનસ સાહેબ જે ગુજરાતની નિશાળોના સુપ્રીન્ટેન્ડંન્ટ હતા તેમણે સરકારમાંથી મુકુંદરામ મેહેતાજીને રૂ. ૨૫)નું ઈનામ અપાવ્યું હતું. સૂર્યમાળા પણ લોઢાના ભર ને લાકડાના ગોળાથી બનાવી હતી તે વીલાયતી નમુના મુજબનીજ હતી. આવી રીતે અભ્યાસમાં વધારો કરવાને મારા પિતાની સહાયતાની જરૂર હતી માટે મારૂં રહેઠાણ મોશાળ તથા બાપને ઘેર બે ઠેકાણે વેંચાઈ ગયું. જે કાળે નિશાળમાં આ અભ્યાસ તડામાર ચાલતો તે વેળા મારા દાદા તથા પિતાની આજ્ઞાથી સોમનાથ પાસ કામનાથના દેહેરાની ધર્મશાળામાં વિમલાનંદ સ્વામિ રહેતા હતા, તેની પાસે દરરોજ સાંજના પાંચ વાગતે ‘વિષ્ણુ સહસ્ર નામ’ અને આદિત્ય હૃદયના પાઠ શીખવા જતો. એ અભ્યાસમાં મારા સોબતી મારા કાકા ગોવિંદલાલ વીજભુખણદાસ તથા માણેકલાલ કકુભાઈ હતા. રોજ ચાર પાંચ શ્લોક ભણાવે (એટલે વાંચતાં શીખવે) તથા આગલા દિવસના આપેલા મોડે ભણાવી જુએ. કેટલાક શિક્ષકો એ સ્તોત્રેામાં આવેલા મંત્ર અને ન્યાસનો ભાગ શીખવવાને હરકત લેતા ને શુદ્રોને તો ભણાવતાજ નહીં; પણ વિમલાનંદ એ રીવાજને ધીક્કારતા–અમને તો ઘણી ખુશીથી તેમણે એ ભાગો ભણાવ્યા–ભણાવ્યા એટલું જ નહીં પણ તેના અર્થ તથા વિધિ સુદ્ધાંત સમજાવ્યા હતા. વિમલાનંદની વાણી ઘણી શુદ્ધ હતી. કેટલી વાર પંચકેશ રાખી બ્રહ્મચારીનું રૂપ ધારણ કરતા ને વળી તેનું વપન કરાવી સન્યસ્ત ગ્રહણ કરતા. કોઇ વેળા મનમાં આવે તો દશપંદર દિવસ લગણ અન્ન ખાતા નહીં, ને વળી કોઈવાર ફાંટો આવે તો બે ત્રણ દહાડા લગી રોટલા ઘડી ઘડીને શેકીને ખાયાજ કરે. કોઇ એમનું વય પૂછે તો એવી ડંફાસ હાંકે કે “હમકું તીસરી પૃથ્વી પ્રદક્ષિણા હુઈ ઔર જબ હમ ભડોકમેં આયે તબ લલુકા જન્મ હુઆ થા.” સન ૧૮૩૭ થી સન ૧૮૪૧ સુધી મારો વખત ગુજરાતી નિશાળમાં અભ્યાસ કરવામાં તથા સ્વામીને ત્યાં પાઠ શીખવા જવામાં તથા ભૂતનાથમાં અગર રેવાજી કિનારા પર મિત્ર મંડળ મળી શ્લોક વગેરે ભણવામાં તથા વિદ્યા સંબંધી ચરચા કરવામાં હું ગુજારતો. એ સમય મને ઘણો આનંદકારી હતો. અમારા મેહતાજીનું ત્રિકોણમિતી અગર કર્તવ્ય ભૂમિતી અગર બીજ ગણીત શીખવવામાં હરકત પડતી ત્યારે અમારા વર્ગને મારા પિતાજી કને મોકલતા ને જે અમારા સંદેહ પડે તે તે દૂર કરતા. ખાનગી–ઘર આગળ મારા પિતા સાથે વૃજ ભાષાના ગ્રંથો જેવા કે પ્રેમ સાગર, સભાવિલાસ, દાદુપંથી સુંદરદાસજીની કવિતા વગેરે વાંચતો, તેથી કવિતા વાંચવાનો શોખ મને નાહનપણથીજ હતો. વળી તે ઘણી સારી રીતે વાંચીને સુસ્પષ્ટીકરણ કરતા તેથી મને ઘણોજ હર્ષ થતો. મારા કાકા ગોવરધનદાસ તથા જગન્નાથ પણ એવાં પુસ્તકો વાંચી સમજાવવામાં મને ઘણી સહાય કરતા. ગુજરાતી નિશાળના અભ્યાસનો ક્રમ પુરો થયા પછી મેં અંગ્રેજી અભ્યાસ ભરૂચમાજ કરવા માંડ્યો. મી. ટાઉનસેંડ કરીને કોઈ યુરોપીઅન ભરૂચના ક્રીશ્ચીઅન દેવળની સંભાળ રાખવા સારૂ આવેલો તેણે એક સ્કુલ કહાડી હતી; તે છોકરા દીઠ દર માસે એક રૂપિઓ ફી લઈ અંગ્રેજી અભ્યાસ કરાવતો. કમનશીબે તેને ગુજરાતી કે હીંદુસ્તાની કંઈજ દેશી ભાષા આવડતી નહીં. એટલે વાંચવું લખવું ને શબ્દોની જોડણી સીવાય તે વધારે શીખવી શકતો નહીં. પ્રથમ તેણે સ્કુલ ચુનારવાડામાં કહાડી હતી અને પછી લાલ બજારમાં દાદાભાઈ મુનસફના તબેલા પર કહાડી હતી. શીખવામાં આશરે વીશેક વિદ્યાર્થી હતા. તે વખતમાં મરેની અને મેયરની રીડીંગ બુકો ચાલતી તેમાંથી છવીશવર્ણને તેની જોડણી (બારાખડી) શીખ્યા પછી એક પદના, બે પદના, ત્રણ પદના એવા સાત ૫દ લગીના શબ્દો ચાલતા એટલે તે વાંચવાને જોડણી કરતાં શીખવતો અને તેની સાથે પંચકના વાક્યાો જે ૫દોને લગતા શબ્દોનાં બનાવેલાં હેાય તે વાંચતાં શીખવતો; તરજુમાનું તો ઘણું અંધેર જેવું હતું, પણ ઉપલા વર્ગના છોકરા નીચલા વર્ગવાળાને શબ્દો તથા વાક્યોના અર્થ શીખવતા. અક્ષર સુધારવા ૫છવાડે ઘણો શ્રમ લેવામાં આવતો. કોપી બુકો સારે અક્ષરે લખાતી ને જે સારા અક્ષર લખે તેનાં વખાણ થતાં. જેમ આજ પુછવામાં આવે છે કે કઈ બુક શીખો છો તેમ તે દિવસમાં અંગ્રેજી ભણનારને પુછાતું કે કઈ વયડી શીખો છો. પહેલી, બીજી, કે ત્રીજી વગેરે–સાતમી વયડી શીખતો હોય તો શ્રેષ્ટ ગણાય–વયડી એટલે સિલેબલ (પદ) : સાત પદનો શબ્દ તે સાતમી વયડી કહેવાય. મારો ગુજરાતી અભ્યાસ પુરો થયો હતો તોપણ મારા મહેતાજીએ મારૂં નામ રજીસ્ટરમાં રાખ્યું હતું એટલે મારે નિશાળમાં હાજરી પુરવી પડતી. સવારે અંગ્રેજી સ્કુલ, દશ વાગ્યા પછી સરકારી ગુજરાતી નિશાળ, તે ચાર વાગતા લગી, પછી સ્વામીની પાસે પાઠ શીખવા જવાનું તે સંધ્યાકાળ લગી, ત્યારબાદ મિત્રમંડળ સાથે રેવાજી પર ગમત કરવાનું, એવી રીતનો ક્રમ સુરત અભ્યાસ કરવા ગયો ત્યાં લગણ ચાલ્યો. વાર્ષિક પરીક્ષામાં એકે વરસ ઈનામ લીધા વગર મારે ચાલતું નહીં. મારી પાસે નિશાળોમાં ચાલતી ચો૫ડીઓ તો હતીજ. સબબ મને રોકડા રૂપીઆ કે અંગ્રેજી ચોપડી ઇનામમાં મળતી. સન ૧૮૪૧ના વરસમાં છેલ્લું ઈનામ મને ભરૂચના કલેક્ટર સાહેબ તરફથી ડેવીસ્કૃત ઇંગ્લંડનો ઇતિહાસ અંગ્રેજી (ગુજરાતી તરજુમા સાથે) રૂ. ૫)ની કીમતનો તથા રૂ. ૫) રોકડા મળ્યા હતા. મુંબઈ તળ તથા જીલ્લામાં સરકારી નિશાળેા સ્થા૫ન થઇ તેનો વહીવટ સરકાર તરફથી The Bombay Native Education Institution નામે સભા ચલવતી. ઈસવી સન ૧૮૩૯માં એ સભાને મોકુફ કરી Board of Education એવે નામે છ સદગૃૃહસ્થોની કારોબાર મંડળી નીમી; તેમાં ત્રણ નેટીવ ને ત્રણ યુરોપીઅન હતા. અંગ્રેજી અને દેશી કેળવણી આપવાનાં સરકારીખાતાંનો વહીવટ સરકારે તેમને સોંપ્યો અને તેમના તાબામાં એક પગારદાર યુરોપીઅન સેક્રેટરી નીમ્યો. તે મંડળીએ વિદ્યાવૃદ્ધિ અંગ્રેજી તથા દેશી ભાષામાં કરવા સારૂ નવા નિયમો રચ્યા ને તે પ્રસિદ્ધ કરી ખાસ રાખનારા સ્થળોના લોકો પાસેથી જુજ મદદ લેવા ઠરાવ્યું. દેશી નિશાળોમાં છોકરા દીઠ એક આનો ફી તથા અંગ્રેજીમાં આઠ આના ફી લેતી કરી. બોર્ડના વખત પહેલા ચો૫ડીઓ સ્લેટો વગેરે છોકરાઓને સરકાર તરફથી મળતું તે બંધ કરીને બોર્ડે છોકરાઓને તે વેચાતાં લેઇને અભ્યાસ કરવાની ફરજ પાડી. એ રીતે ત્રણ વરસ વહીવટ ચાલ્યા પછી તેની ગુજરાતમાં તપાસ કરવાને પ્રોફેસર ઓરલીબાર સાહેબને સને ૧૮૪૨માં સરકારે મોકલ્યા. તેમણે ઘોઘેથી પોતાની તપાસણી ખરી કરીને અમદાવાદને ખેડા જીલ્લો તપાસી ભરૂચમાં આવ્યા ને અમારી નિશાળની પરીક્ષા લીધી. પહેલા વર્ગમાં હું તથા મારા ચાર સોબતીઓ હતા તેનો અભ્યાસ જોઈને ઘણા રાજી થયા. નિશાળના અભ્યાસક્રમ સીવાય મારી પરીક્ષા મરાઠી તથા હિંદુસ્તાની ભાષાના પુસ્તકો વંચાવી તેની સમજુતી કરવામાં તથા થોડું અંગ્રેજી શીખ્યો હતો તેમાં પણ કરીને ઘણા ખુશ થયા ને મને પુછ્યું કે તારે કઈ ચો૫ડી ઇનામમાં જોઇએ. મેં જવાબ દીધો કે સાહેબ મારી પાસે ગુજરાતી તથા મરાઠી નિશાળોમાં ચાલતી ચો૫ડીઓ બધી છે. માટે મને અંગ્રેજી પુસ્તક શીખવામાં ઉપયોગી પડે એવું આપો તે ઘણી મહેરબાની. તે પરથી સાહેબે મારે વાસ્તે એક અંગ્રેંજી ભૂગોળવિદ્યા નામે Goldsmith’s Grammar of Geography રૂ. ૨) ની કિંમતની મુંબાઈથી મોકલી તથા મને “ગવર્નમેંટ સ્કોલરશિપ” સુરતની અંગ્રેજી સ્કૂલમાં આપી. તે સ્કોલરશીપનો લાભ એટલોજ કે માસીક ફી ભરવી ન પડી તથા વર્ગમાં ચાલતી ચો૫ડીઓ મફત ભણવા મળે. સન ૧૮૪૨ ના વરસમાં સુરતમાં અંગ્રેજી સ્કુલ મી. દાદોબા પાંડુરંગે સરકારના હુકમથી સ્થા૫ન કરી હતી, તેમાં અભ્યાસ કરવાને તેજ વરસની આખરે એટલે નવેમ્બરમાં મારા પિતા મને મુકી ગયા. મેં એક વરસ ભરૂચમાં અભ્યાસ અંગ્રેજીનો કર્યો હતો તેથી સુરતમાં છેક છેલ્લા ક્લાસમાં મને ન બેસાડતાં તેથી ઉપલા વર્ગમાં દાખલ કર્યો. તે કાળે મારી સાથે શીખવામાં ઉમેદરામ આણંદરામ તથા રા બા. ઉમેદરામ રણછોડદાસ વિગેરે હતા. અમારા વર્ગના પાઠ મી. લાડકોબા આત્મારામ વકીલ લેતા હતા. તે પહેલા વર્ગમાં હોવાથી વડા નીશાળીઆ માફક નીચલા વર્ગો ભણાવવામાં મી. દાદોબાને મદદ કરતા. વંચકમાં હું નીચલા વર્ગમાં હતો પણ ગણિત કામમાં પહેલા વર્ગમાં હતો. કેમકે ગુજરાતીમાં ગણીત શીખેલો હતો. વંચકમાં મારો નંબર ત્રીજો ચોથો રહેતો પણ ગણીતમાં ઉપર નંબર રહેતો. મારો અભ્યાસ સારો હોવાથી સને ૧૮૪૩ માં મને પ્રોમોશન મળવાથી ઉપલા વર્ગમાં ચઢાવ્યો. ત્યાં મેકલસ Mc Cullouch’s થર્ડ રીડીંગ બુક ચાલતી. સુરતની અંગ્રેજી સ્કૂલનું કામ સારૂં ચાલવાથી તથા વિદ્યાર્થિઓની સંખ્યા વધવાથી બોર્ડ ઓફ એજ્યુકેશન તરફથી ઇંગ્લીશ હેડમાસ્તર વિલાયતથી મંગાવ્યો હતો, તે સને ૧૮૪૩ માં આવી પહોંચ્યો. એ હેડમાસ્તર તે મી. ગ્રીન હતો, જે નેટીવોના હકમાં ઘણી સારી ઈચ્છા રાખતો હતો. તેને હાથ નેટીવોનું ઘણું ભલું પણ થયું છે. એ માસ્તર આવ્યાથી ભણાવનાર બે જણા થયા, તેથી વિદ્યાર્થિઓનો અભ્યાસ ઘણીજ સારી રીતે ચાલ્યો. સને ૧૮૪૪ ના જુન માસમાં સ્કોલરશીપની પરીક્ષા આપવા સારૂ સુરતની સ્કુલમાંથી નોશરવાનજી ચાંદાભાઇ તથા કહાનદાસ મંછારામ મુંબઈ એલ્ફીન્સ્ટન કોલેજમાં પાસ થવા સારૂ ગયા. તેમાંથી નોશરવાનજી પાસ થયા ને કહાનદાસ રહી ગયા, તે તથા આનંદરાવ સાંપાજી સુરતથી નવા ઉમેદવાર ગયા, તે એજ વરસના ડીસેમ્બરમાં પાસ થયા. સને ૧૮૪૫ માં મને મુંબઈ મોકલવાને મી. ગ્રીને મારા પિતાજીને કહ્યું. સારા નસીબે એજ વરસમાં મારા પિતાને પણ બોડૅ ગુજરાતી નોરમલ ક્લાસના શીક્ષકનું કામ કરવાનો હુકમ કર્યો હતો, તેથી મને ઘણું અનુકુળ પડ્યું. તેમની સાથે જુન માસમાં આગબોટની મુસાફરી કરી મુંબઈ ગયોને ત્યાં કોલેજની પ્રવેશક પરીક્ષામાં દાખલ થયો. સારા નસીબે હું પાસ થયો ને મને દશ રૂપીઆને સ્કોલરશીપ મલી તથા આગબોટના ભાડાના પણ રૂ. ૧૦) મળ્યા. આ અરસામાં એલફીન્સ્ટન ઇન્સ્ટીટ્યુશનના મકાનની પાસે ફરામજી કાવસજીના તલાવ પાસે નવી પુસ્તકશાળા સ્થાપન થઇ હતી, તેમાં અમારી કોલેજના વિદ્યાર્થિઓ સભાસદ થયા હતા ને હું પણ સપ્ટેમ્બર સને ૧૮૪૫ થી દાખલ થયો હતો. તેમાં વર્તમાન પત્રો, માસીક ચોપાનીઆં તથા નવાં પુસ્તકો ઘણાં આવતાં હતાં. કોલેજમાં મારા પ્રોફેસરોમાં ડા. હારકનેસ, પ્રોફેસર ઓરલીબાર, પ્રોફેસર હેડંરસન ને પ્રોફેસર બેલ મારા શીક્ષક હતા. Literature, Mathemetics, History and Geograply, Chemistry તથા એ વિષયો અનુક્રમે એ પ્રોફેસરો શીખવતા હતા. સ્કોલરશીપ રૂ. ૧૦ ના પગારની દોઢ વરસ સુધી ચાલી, અને તા. ૧લી જાનેવારી ૧૮૪૭થી મને વેસ્ટ સ્કોલરશીપ રૂ. ૧૫) ના પગારની મળી. હું સને ૧૮૪૬ માં એ સ્કોલરશીપની પરીક્ષામાં પાસ થયો. ત્યાર પછી એજ વરસના જુન માસમાં મેં નોરમલ સ્કોલરશીપની પરીક્ષા આપી ને તેમાં પાસ થયો એટલે રૂ. ૨૦ ના પગારની સેકંડ ક્લાસ નોરમલ સ્કોલરશીપ મળી. તે સને ૧૮૫૦ ના મેની આખર લગી ચાલી. તા. ૧લી જુન સને ૧૮૫૦ થી એલ્ફીન્સ્ટન ઇસ્ટીટ્યુશનમાં આસીસ્ટંટ માસ્તરની જગા રૂ. ૪૦) ના પગારથી મળી. એ રીતે કોલેજમાં કુલ ત્રણ વરસ ને અગીઆર માસ મેં અભ્યાસ કર્યો, તે દરમ્યાન મારા ઘણા શિક્ષકો થઈ ગયા. Literature ને Political Economy શીખવવામાં બે જણા વારાફરતી થયા. પ્રોફેસર હારકનેસ અને પ્રોફેસર ગ્રીન (મારા સુરતના હેડમાસ્તર), ગણિત વિષયને ખગોળ વિદ્યાના શિક્ષક પ્રોફેસર ઓરલીબાર)–ત્યાર પછી પ્રોફેસર પાટન ને પ્રોફેસર મેકડુગાલ ને છેલ્લે દાદાભાઇ નવરોજી, ઇતિહાસ ભૂગોળ શીખવનારામાં પ્રોફેસર હેંડરસન ને પ્રોફેસર રીડ, ને રસાયનશાસ્ત્ર તથા વનસ્પતિશાસ્ત્ર શીખવનાર પ્રથમ મી. બેલ અને પછી ડાક્ટર ઝીરો. સંસ્કૃત ફારસી વગેરે ક્લાસીકલ ભાષાના શીક્ષક કોલેજમાં ન હોવાથી પહેલા વર્ગની નોરમલ સ્કોલરશીપ મેળવવામાં હું કે મારા સોબતીઓ પ્રાણલાલ મથુરાદાસ, અરદેશર ફરામજી મુસ વગેરે કોઈ પણ ફતેહમંદ થયા નહીં. કારણ તે અભ્યાસ અમે ખાનગી શાસ્ત્રી કે મુનશી પાસે કરતા ને પરીક્ષા લેવા ડા. વિલસન જેવા કાબેલ પુરૂષ કોલેજમાં આવતા તેની પરીક્ષામાં કોઈ પણ ઉમેદવાર કાચા અભ્યાસી હોવાથી પાસ થતા નહીં. એટલે મને રૂ. ૩૦) ના પગારની સ્કોલરશીપ મળી નહીં. બેવાર પરીક્ષા આપી પણ તે નિષ્ફળ ગઈ એલ્ફીન્સ્ટન ઈન્સ્ટીટ્યુટને લગતા મરાઠી તથા ગુજરાતી નોરમલ ક્લાસ સન ૧૮૪૫ ના વરસમાં બોર્ડ ઓફ એજ્યુકેશને મરહુમ બાળ ગંગાધર શાસ્ત્રીના ઉપરીપણા હેઠે સ્થાપન કીધા હતા. તેમાં ગુજરાતી તથા મરાઠીના ઈન્સ્પેક્ટરો રા. રણછોડદાસ તથા રા. ગંગાધર શાસ્ત્રીને સહાય કરી રાખ્યા હતા. બાળગંગાધર શાસ્ત્રી જાંભેકરનું મરણ એક વરસની મુદતમાં થયું તેથી તે વર્ગનું ઉપરીપણું રા. બા. દાદોબા પાંડુરંગ તરખડને સોંપ્યું. પણ એ સદ્ગૃહસ્થ ગણિત કામમાં ઘણા કુશળ ન હોવાથી ગણિત શાસ્ત્ર શીખવવાને બોર્ડે મને રૂ. ૧૫) ના માસીક પગારે નીમ્યો હતો. તે કામ મેં તા. ૭મી જુન સને ૧૮૪૭ થી તા. ૩૧ અક્ટોબર સને ૧૮૪૮ સુધી ચલાવ્યું, ત્યાર પછી તે વર્ગના સઘળા વિદ્યાર્થિઓને મહેતાજીની જગા મળવાથી તે બંધ કરવામાં આવ્યા. હું એ વર્ગોના વિદ્યાર્થિઓને એટલે મરાઠી તથા ગુજરાતી બેઉ જાતના વિદ્યાર્થિઓને બીજ ગણિત-ભૂમિતિ સંગતી કરણ–ત્રિકોણમિતિ વગેરેનો અભ્યાસ કરાવતો હતો. કોલેજમાં અભ્યાસ કરતો હતો તે વેળા મને મુંબાઈના નામાંકીત સદ્ગૃહસ્થ જગન્નાથ શંકરશેઠે પોતાના પુત્ર વિનાયકરાવને ગણિત શીખવવા સારૂ રૂ. ૧૫ ના માસિક પગારે શિક્ષક રાખ્યો હતો. દરરેાજ એક કલાક ભણાવવા જતો હતો. એ કામ મેં સને ૧૮૪૮ ના અકટોબર માસથી સને ૧૮૪૯ ના નવેંબર સુધી કર્યું હતું. સન ૧૮૪૮ ના નવેંબર માસમાં મારા પિતાજી પાછા ગુજરાત તરફ સિધાવ્યા, કારણ અંગ્રેજી સ્કુલના હેડમાસ્તર મી. ગ્રીન જે ગુજરાત ખાતે દેશી નિશાળોના સુપરીન્ટેન્ડન્ટ હતા તેમને એલફીન્સ્ટન ઈન્સ્ટીટ્યૂટના પ્રીન્સીપાલની જગા મી. હારકનેસ રજા પર વિલાયત જવાથી મળી હતી, અને ગુજરાત ખાતે નીશાળોની કોઈ દેખરેખ રાખનાર હતું નહીં. વળી નોરમલ ક્લાસ પણ બંધ થયો હતો. એમ થવાથી મારે એકલાજ મુંબઈમાં રહી મારૂં ગુજરાન ચલાવવું પડ્યું. આ અરસામાં હું કાળકાદેવીના રસ્તા પર શેઠ રામદાસ હીરાશાની ચાલમાં ત્રીજે માળે રહેલો હતો. હું કોલેજમાં દાખલ થયો ત્યાર પહેલાં “Students’ Literary and Scientific society” નામે વિદ્યાર્થીઓની સભા સ્થાપન થએલી હતી જેના પ્રમુખ બાળગંગાધર શાસ્ત્રી જાંભેકર આસીસ્ટંટ પ્રોફેસર હતા. એના સભાસદ નવરોજી ફરદુનજી, દાદાભાઈ નવરોજી, નારાયણ દીનાનાથજી વગેરે વિદ્વાન ગૃહસ્થો હતા. તેમાં કોલેજના વિદ્યાર્થીઓ તથા આસીસ્ટંટ માસ્તરો વગેરે સામેલ થયા હતા. હું પણ એ સભામાં સન ૧૮૪૬ના માર્ચથી સામેલ થયો હતો. તેમાં વારા પ્રમાણે દરેક જણ અંગ્રેજી નિબંધ કોઈ વિષયપર લખે તે વંચાતો ને તે પર વાદવિવાદ ચાલતો. એક વેળા એક મોટો પ્રશ્ન એ સભામાં નીકળ્યો કે સોળમી સદીમાં માણસ જાતનો સૌથી મોટો પરોપકારી પુરૂષ કોણ થયો? તેમાં બે પક્ષ બંધાયા હતા. એક તરફ નવરોજી ફરદુનજી તથા બીજી તરફ દાદાભાઈ નવરોજી હતા. એક કહે મારટીન લ્યુથર અને બીજો કહે સર ઐસાક ન્યુટન. એ વાદ ઘણી સભાઓમાં ચાલ્યો. બાળગંગાધર શાસ્ત્રી પ્રમુખના મરણ પછી એ સભાનું કામ જરા મંદ પડ્યું હતું, પણ વિલાયતથી આવેલા નવા પ્રોફેસરો મી. પાટન, મી. રીડ, મી. મેકડુગલ એમાં દાખલ થવાથી સભાનું કામ ઘણુંજ સતેજ થયું. પરગજુ પાટનના વિચાર મુજબ એવી સભાઓ દેશી ભાષામાં એટલે મરાઠી તથા ગુજરાતીમાં સ્થાપન કરવાનો નિશ્ચય થયો; અને તે ગુજરાતી તથા મરાઠી જ્ઞાન પ્રસારક સભા એ નામથી ઓળખાવા લાગી. સને ૧૮૪૮ના અકટોબરમાં ગુજરાતી જ્ઞાન પ્રસારક સભા સ્થાપન થઇ, તેના પહેલા અધ્યક્ષ મારા પિતા રણછોડદાસ ગીરધરભાઈ હતા, એ બેઉ સભામાં મરાઠી તથા ગુજરાતી ભાષાઓમાં વિદ્યા વિશે તથા સંસારી રૂઢીઓ વિષે ભાષણો થવા લાગ્યાં, નિબંધો વંચાવા માંડ્યા ને એક વરસની મુદતમાં તો જ્ઞાન પ્રસારક નામે ચોપાનીઆં દરેક સભાના કારભારીઓ કાઢવા લાગ્યા. તેમને સરકાર તરફથી તથા પ્રજા તરફથી સારો આશ્રય મળવા લાગ્યો. વળી એજ સભાઓની મારફતે કન્યાશાળા પારસી તથા દક્ષણી લોકોને સારૂ સ્થાપન થઈ તેમાં કોલેજના વિદ્યાર્થીઓ તથા આસીસ્ટંટ માસ્તરો સવાર-સાંજ છોકરીઓને અભ્યાસ કરાવતા. ગુજરાતી જ્ઞાન પ્રસારક સભાનો તથા ગુજરાતી કન્યાશાળાઓનો લાભ મુખ્યત્વે પારસીઓજ લેતા હતા. તેથી મારા મિત્ર ગંગાદાસ કીશોરદાસે પ્રોફેસર પાટન સાથે મસહલત કરીને ઇ. સ. ૧૮૫૧ ના એપ્રીલ માસમાં બુદ્ધિવર્ધક હિંદુ સભા સ્થાપન કરી અને તેનું વાસ્તુ માયાદેવી પાસે સરકારી બ્રાંચસ્કુલ હતી તેમાં કરવામાં આવ્યું. તેના પ્રમુખ મરહુમ રા. બા. પ્રાણલાલ મથુરાદાસ, હું પોતે સેક્રેટરી અને ગંગાદાસ પોતે ખજાનચી થયા. એના કારોબારી મંડળમાં મયારામ શંભુનાથ ને હરીવલ્લભદાસ બાળગોવિંદદાસ. પ્રથમ હતા. એ સભામાં કેટલાંક ભાષણો સ્ત્રી કેળવણી વિશે થવા લાગ્યાં, ને આખરે બુદ્ધિવર્ધક કન્યાશાળા સ્થાપન થઇ, ને થોડી મુદત પછી બુદ્ધિવર્ધક એંગ્લો વર્નાક્યુલર સ્કુલ કાઢવામાં આવી. એ કન્યાશાળામાં હું તથા મારા મિત્રો ગંગાદાસ, પ્રાણલાલ, હરીવલ્લભદાસ વગેરે સવાર–સાંજ કેટલાક વિષયો શીખવવા જતા. હું કવિતા શીખવતો હતો તથા ગરબીઓ ગાતાં શીખવતો હતો. જ્યારે ફંડ ભેગું થયું ત્યારે બળવંતરાય નામે એક નાગરને કાયમ પગારદાર શિક્ષક રાખ્યો હતો. સ્ત્રી કેળવણીનો વિરોધી પક્ષ ગુજરાતી હિંદુઓમાં ભારે બળવાન હતો. માટે લોકને સમજુતી કરવાને બુદ્ધિવર્ધક હિંદુ સભામાં વારંવાર એ વિષય પર નિબંધો વંચાતા ને ચર્ચા ચાલતી. ભરૂચના રહેવાશી માણેકલાલ ગેપાળદાસ પણ એક સભાસદ હતા. તેમણે સ્ત્રી કેળવણી વિષે એક નિબંધ વાંચ્યો, તે પર ઘણું વિવેચન કરી તે સભાએ છપાવ્યો ને તે લોકોમાં પ્રસિદ્ધ થવા સસ્તી કીંમતે એટલે બે આને વેચ્યો. એ સભાનું પ્રથમ ચોપાનીઉં એ કહેવાય. એમાં જે વિવેચન કરેલું છે તે મારા મિત્ર ગંગાદાસની સૂચનાથી મેં તૈયાર કરી આપ્યું હતું. મુંબઇના નામાંકીત ગૃહસ્થો શેઠ હરજીવનદાસ માધવદાસ તથા શેઠ જગન્નાથ હેમરાજ તથા કરસનદાસ માધવદાસ વગેરે અમને ઘણો આશ્રય આપતા હતા. કારણ તેમને સમજાવનાર પ્રોફેસર પાટન તથા ગંગાદાસ વગેરે હતા. સભામાં બીજો વિષય “દેશાટણ વિશે” કરસનદાસ મૂળજીએ વાંચ્યો હતો, ને તે ઉપર સારી રીતે ટીકા કરી સભાએ છપાવ્યો હતો. એક વાર “ઇલેક્ટ્રીક ટેલીગ્રાફ” વિષે સભામાં મેં ભાષણ આપ્યું હતું તે પણ સભાના આશ્રયથી છપાયું હતું. સ્ત્રી કેળવણીનો ફેલાવો કરવા સારૂ સભાએ ઘણો શ્રમ લીધો હતો, એ બાબતનું છપાયલું પુસ્તક સભાના કારોબારીઓએ સુરતમાં બાળકૃષ્ણજીના મંદીરના મહારાજ બ્રીજ રતનજીને વંચાવા તથા તે વિષે તેમની મંજુરી મેળવવા મારા પિતા મારફત મોકલ્યું હતું, ને તેમણે પણ તે વાંચીને પોતાની સંમતી આપી હતી. છોકરીઓની નિશાળને સારૂ સુબોધક કવિતા સરકારી નિશાળોમાં વપરાતી બોધવચનની ચોપડીને અનુસરીને મારા ભાઈ મનમોહનદાસ રણછોડદાસે “નીતિબોધક કવિતા” ભાગ પહેલો તથા બીજો એ નામે તૈયાર કરી આપ્યા હતા તે સભાએ છપાવ્યા હતા ને કન્યાશાળાઓમાં વપરાતા કર્યા હતા. એ કવિતા ઘણી સરસ અને સરળ હતી. તે સીવાય બોધવચન પણ પદ્યમાં રચ્યું હતું પણ તે છપાયું નથી. જેવો વિદ્વાનો તરફથી સ્ત્રીકેળવણીને આશ્રય મળ્યો તેવોજ ધનવાન પુરૂષો તરફથી પણ મળવા લાગ્યો. એક વખત ઇનામ વહેંચવાનો મેળાવડો શેઠ રામદાસ હીરાશાના રહેવાના ઘરમાં ગવર્નર સર બારટલ ફરેઅર અને તેમની સ્ત્રીના પ્રમુખપણા નીચે થયો એટલે શેઠ ઘણા રાજી થયા, અને નિશાળના ફંડમાંથી ઇનામ મળવાનાં હતાં તે સિવાય દરેક છોકરીને પોતાના પદરથી રેશમી સાડી ઉત્તેજન દાખલ આપી. એ સાડીની કિંમત આશરે દરેક નંગના રૂપીઆ દશથી બાર થતા હશે. એવી ભારે કીમતની સાડીઓ પચાસ છોકરીઓને વહેંચી હતી. એવી રીતે સ્ત્રી કેળવણીને ટેકો મળવાથી બીજી એક નિશાળ કોટમાં કાઢવામાં આવી હતી. આ ત્રણ સભાઓને આબાદ થતી જોઈ કેટલાક પારસી વિદ્યાર્થીઓએ એક બીજી મંડળી બહારકોટ દાદી શેઠની અગીઆરીમાં સ્થાપન કરી હતી. રસાયણશાસ્ત્રના કેટલાક પ્રયોગો કરવા સારૂ ઉઘરાણું કરીને ખાર, તેજાબ, ગ્યાસ કાઢવાનાં યંત્રો વગેરે ખરીદ કર્યાં હતાં ને તેનું નામ વહેવાર ઉપયોગી જ્ઞાન પ્રસારક સભા રાખ્યું હતું. અને મને તેનો સરનશીન નિમ્યો હતો. આશરે દોહોડ વરસ લગી તે સભા દાદી શેઠની અગીઆરીમાં મળતી હતી ને ત્યાં પ્રયોગ સાથે રસાયન શાસ્ત્ર સંબંધી હું ભાષણ આપતો હતો. કોઈ કોઈ વાર મારા મિત્ર અરદેશર ફરામજી મુસ પણ ભાષણ આપતા. નવરોજી દોરાબજી “ચાબુક” અઠવાડીક પત્રના અધીપતી પણ તેના સભાસદ હતા. મારી બદલી સુરતની અંગ્રેજી સ્કુલમાં થઈ ત્યાં લગી એ સભા ચાલી હતી. તેમાં પારસી સ્ત્રીઓ પણ આવતી હતી. આ સભા સ્થાપન કરવામાં મુખ્ય મારા મિત્ર ચીમનલાલ નંદલાલ હતા. તે સુરતના રહેવાશી માથુરી કાયસ્થ હતા. ગુજરાતી નિશાળના મહેતાજી હોવાથી ખાનગી ભણાવવા તે એ અગીઆરીમાં જતા હતા. તેમના બોધથી મી. અરદેશર વગેરે મુલ્લાં ફીરોજના વંશજોએ એ સભા સ્થા૫ન કરી હતી. અને તેનાં ચોપાનીઆં દરેક અઠવાડીએ ભાષણના સાર રૂપી હકીકતનાં છપાતાં હતાં, ને તે સભાસદોમાં વહેંચાતાં હતાં. જ્યારથી હું મુંબઈમાં આવ્યો ત્યારથી પાછો સુરત આસીસ્ટંટના હોદ્દા પર ગયો ત્યાં સુધીના મારા માસ્તરોનાં જે સરટીફીકેટો મળેલાં છે તે પરિશિષ્ટ ( )થી દાખલ છે. અ. સુરતની સ્કુલના હેડમાસ્તર મરહુમ મી. હેનરી ગ્રીનનું આપેલું સર્ટીફીકેટ, બ. પ્રોફેસર બેલનું આપેલું સરટીફીકેટ. ક. પ્રોફેસર ઓરલીબારનું આપેલું સરટીફીકેટ. ડ. પ્રોફેસર મેકડુગલનું આપેલું સરટીફીકેટ, ઈ. બુદ્ધિવર્ધક સભાના કારોબારી મંડળ તરફથી મળેલું માનપત્ર. તા. ૧ લી નવેમ્બર ૧૮૫૩ થી સુરત અંગ્રેજી સ્કુલમાં પહેલા મદદનીશ માસ્તરના ઓદ્ધાનો ચાર્જ મેં લીધો, તે વખતે તે સ્કુલના હેડમાસ્તર મી. ગ્રેહામ હતા. મારી નીમણુક થવાથી એ સાહેબ ઘણા રાજી થયા; તેઓ મારી સાથે ઘણી મમતાથી વર્તતા હતા. એ સાહેબ પાસે ત્રણ ઓદ્વા હતાઃ અંગ્રેજી સ્કુલના હેડમાસ્તર–ગુજરાતી દેશી નિશાળેાના સુપ્રીટેંડંટ અને નિશાળોને સારૂ વિદ્યાર્થીઓ રાખી મહેતાજીઓ તૈયાર કરવાના નૉરમલ ક્લાસના ઉપરી. નોરમલ ક્લાસને શીખવવાનું કામ મી. નંદશંકર તુળજાશંકર કરતા–ને સુપ્રીટેડંટના ક્લાર્ક મી. જીવણરામ જયાનંદ હતા. સ્કુલના આસીસ્ટંટ માસ્તરો આશરે આઠ નવ હતા. છોકરાઓની સંખ્યા પણ સારી હતી. મારા આવ્યા પછી થોડા દિવસ પહેલા વર્ગનું શિક્ષણ સાહેબે જાતે કરતા ને બીજો વર્ગ મને સોંપ્યો હતો. ધીમે ધીમે સાહેબે પેહેલો વર્ગ તથા બીજો વર્ગ બંને મારા તાબામાં સોંપ્યા અને પોતે કક્ત દેખરેખનુંજ કામ કરતા. પોતે મુંબઈ જઈ ગુજરાતી ભાષાની પરીક્ષા આપી આવ્યા, તેમાં પાસ થયા, એટલે ગ્રંથકર્તા થવાનો લોભ થયો, અને લાર્ડન કૃત યુક્લીડનું ભાષાંતર કરવાનું કામ આરંભ્યું ને તેમાં મારો તથા મી. નંદશંકરનો આશ્રય લઈ ત્રણ પુસ્તકો તૈયાર કર્યા. તે બોર્ડ ઓફ એજ્યુકેશને છપાવ્યાં. તે બાબત સાહેબને બોર્ડ તરફથી રૂ. એક હજાર ઈનામમાં મળ્યા તે પોતે ઉદાર દિલથી મી. નંદશંકરને તેમના શ્રમ બદલ આપ્યા. એ સિવાય મિકેનીકલ પ્રોબ્લેમ્સનો તરજુમો મારી પાસે સાહેબે કરાવ્યો હતો પણ તે છપાયો નથી. એક વરસ લગી ઘણી સારી રીતે હેડમાસ્તર સાથે સારૂં કામ ચાલ્યા બાદ એક પ્રસંગ એવો આવ્યો કે તેથી મારે સાહેબની ગેર મેહેરબાની વેઠવાનો વખત આવ્યો. નવેંબર, ડિસેંબર અને જાનેવારી એ ત્રણે માસ સાહેબને ગુજરાત પ્રાંતની નિશાળોની પરીક્ષા કરવા સુરતથી બાહાર જવું પડ્યું; એટલે સ્કુલનો ચાર્જ મને સોંપીને પછી પોતે મુસાફરીએ નીકળતા. સન ૧૮૫૪ના નવેંબરમાં એવો બનાવ બન્યો કે સાહેબ પરગણામાં ગયલા અને નિશાળોનો અખત્યાર મારી પાસે હતો, તેવામાં કુવાની જાત્રા તથા ધુળીઆ મહાદેવનો છેલ્લો સોમવાર હોવાથી વિદ્યાર્થીઓની અરજ પરથી, આસીસ્ટંટ માસ્તરોની સલાહ લઇ, રજા આપવામાં આવી ને સ્કૂલ બંધ કરી. જે દિવસે રજા પડેલી તે દિવસે મી. ગ્રેહામ ડીસ્ટ્રીક્ટમાંથી સુરતમાં આવેલાઃ તેમણે એક આસીસ્ટંટ માસ્તર મી. પીરોજશાને સ્કુલમાં ફરતો દીઠો એટલે તેને પુછ્યું કે આજ રજા છે ને તું કેમ આવ્યો? તેણે કહ્યું આજ કંઇ તહેવાર નથી ને રજા આપી છે, એવું હું જાણતો પણ નથી, એટલે સાહેબનો મીજાસ ગયો ને તેમણે ત્રીજે દિવસે એટલે રજાને બીજે દહાડે સઘળા આસીસ્ટંટોનો પાંચ પાંચ રૂપીઆ દંડ કર્યો. ને મારો તથા મી. નંદશંકરને પંદર પંદર રૂપીઆ દંડ કર્યો. ને તે સઘળા રૂપીઆ એકઠા કરીને સાંજે કારકુનને મારી પાસે મોકળ્યો કે આ પૈસાની ચો૫ડી ખરીદ કરી “ગ્રીન લાઇબ્રેરીમાં” માં મુકવી છે, માટે આ કેટલગમાંથી તમે તથા બીજા આસીસ્ટંટ માસ્તરો એકત્ર થઇ બુકો પસંદ કરો. આ હુકમ સાંભળી મને ક્રોધ આવ્યો તેથી મેં જવાબ કહેવડાવ્યો કે એ દંડના રૂપીઆમાંથી લાઇબ્રેરીને સારૂ ચો૫ડીઓ લેવાય નહિ. એ બાબત બોર્ડ ઓફ એજ્યુકેશનની મંજુરી મેળવ્યા પછી ઠરાવ થશે. બીજે દિવસે મેં અરજી તૈયાર કરી સાહેબને આપી ને અરજ કરી કે અમારો દંડ ગેરવાજબી થયલો છે માટે તે અમને પાછો મળવો જોઈએ. મારી અરજી વાંચી સાહેબ ગભરાયા–તાવની ધ્રુજારી ચઢી ને રાતના ખુબ હેરાન થયા, ને સવારે પાણીફેર માટે ખંભાત જવાનો ઠરાવ કરી એકદમ વહાણ ભાડે કરી ખંભાત ગયા. એક માસ પછી સુરત પાછા આવી ચાર્જ લીધો ને સૌના દંડના રૂપીઆ પાછા આપ્યા. એ દિવસથી સાહેબની મેહેરબાની કમી થઈ. એમની આંખે ઝાંખ વળી તેથી ભોંયરામાં નિવાસ કર્યો, વખત બે વખત સ્કુલમાં આંટો મારી જતા. ઇ. સ. ૧૮૫૪ માં કોર્ટ ઓફ ડીરેક્ટર્સનો ડીસ્પાચ કેળવણી સંબંધી આવ્યાથી ફેરફાર થવાનો પ્રસંગ આવ્યો. બોર્ડ ઓફ એડ્યુકેશન સરકારે બંધ કરી અને મુંબાઈ ઇલાકાને સારૂ ડીરેક્ટર ઓફ પબ્લીક ઈન્સ્ટ્રક્શન તથા પ્રાંતોને સારૂ એજ્યુકેશનલ ઈન્સ્પેક્ટર તથા જીલ્લાને સારૂ તેના હાથ નીચે વીઝીટર ઓફ સ્કુલ્સ નીમવામાં આવ્યા. ગુજરાત પ્રાંતની નિશાળેાના ઉપરી એટલે સુપ્રીન્ટેન્ડન્ટ મી. ગ્રેહામ હતા તેની જગા પર જે ઈન્સ્પેક્ટર ઠર્યો. તેમણે મી. ગ્રેહામ પાસે ચાર્જ લીધો ને એ સાહેબને ગુજરાતના દક્ષિણ વિભાગના એટલે સુરત તથા ભરૂચ જીલ્લાની નિશાળોના વીઝીટરની જગા આપી. હેડમાસ્તરની સાથે એ પણ કામ કરવું પડ્યું એટલે અસલ મુજબ પગાર કાયમ રહ્યા. ઉત્તર વિભાગને સારૂ રા. સા. પ્રાણલાલ મથુરાદાસ વીઝીટર નીમાયા. ઇ. સ. ૧૮૫૫ ના એપ્રિલ માસમાં સ્ટેશનરીનું ઇંડન્ટ કરવાનો મી. ગ્રેહામને વખત આવ્યાથી તેમણે જે ઇંડેંટ મોકલ્યું તે ઈન્સ્પેક્ટરે સુધારવા સારૂ પાછું મોકલવાથી સાહેબનો મીજાસ ઘણોજ બગડ્યો, ને એકદમ રાજીનામુ મોકલવાથી એ જગા પર મારી નીમણુક થઈ, અને તા. ૧૩ ડીસેંબર સને ૧૮૫૫ ને રોજ મેં ચાર્જ લીધો. મારી નીમણુક વરસને માટે પ્રોબેશનરી એટલે અજમાયશી હતી. આ ખાલી પડેલી વીઝીટરની જગા સારૂ ઉમેદવાર ભરૂચની અંગરેજી સ્કુલના હેડમાસ્તર મી. કાવસજી એદલજી મસાણી હતા. પરંતુ ડા. હારકનેસે મી. હોપને ભલામણ કરવાથી તથા મી. હોપ સુરત મી. ગ્રેહામ પાસે ચાર્જ લેવા આવેલા ત્યારે આશરે કલાકેક હમારે સંભાષણ થયું હતું તે પરથી એ સાહેબે મારે સારૂજ સરકારમાં ભલામણ કરી હતી. સને ૧૮૫૫ ના ડીસેંબરના પાછલા પખવાડીઆમાં મેં મુસાફરીનો આરંભ ભરૂચ જીલ્લાથીજ કર્યો. પ્રથમ જંબુસર તાલુકામાં ગયો. ત્યાંના મામલતદાર ઓછવરામ જીવણરામે મને સારો આશ્રય આપ્યો. મુસાફરીમાં મારી જોડે ઓફીસના બે સીપાઈ તથા ગુલાબદાસ ગોપાળદાસ સુરતના બેગમપરાના રહેવાસી તથા સુરત અંગ્રેજી સ્કુલના બીજા ક્લાસના વિદ્યાર્થિ અને એક ચાકર હતા, મારા કારકુન જીવણરામ જયાનંદે એક માસની રજા અગાઉથી લીધી હતી તેથી તે સાથે આવી શક્યા નહીં. મને જગા મળવાથી મી. ગ્રેહામ ઘણા ખુશી થયા હતા અને એમનો તંબુ મેં વેચાતો માગ્યો છતાં પણ મફત આપી દીધો અને બોલ્યા કે ભરૂચની સ્કુલના હેડમાસ્તર કાવસજીને જગા ન મળતાં તમને મળી તેથી હું ઘણો રાજી થયો છું. મારી સ્કુલ તપાસવા તમને આવવા દઈશ પણ કાવસજી નીમાયા હોત તો તેને મારી સ્કુલના કંપૌંડમાં પણ પેસવા ન દેત. પાછલો બધો ક્રોધ એમનો મારા પર હતો તે શાંત થયલો જણાયો. જંબુસર પરગણામાં બે ત્રણ ગામોમાં નવી નિશાળો સ્થાપન કરવાની ગોઠવણ કરી હતી. આશરે એકાદ માસ ફર્યા પછી આમોદ વાગરા તાલુકા ફરી ભરૂચ તાલુકામાં આવ્યો. ઉત્તર તાલુકામાં ફક્ત બેજ નિશાળો સરકારી હતી. જંબુસર તથા આમોદ, તેની પરીક્ષા લીધી. વાગરા તાલુકામાં નિશાળોજ ન હતી. વળી કસબા સીવાય બીજા ગામેમાં પણ ગામઠી નિશાળો ન હતી, એટલે પરીક્ષા લેવાનું કામ ઝાઝું નહતું. માત્રલોકોને ઉપદેશ કરી નવી નિશાળો સ્થાપન કરવાનું ઘણું મુશ્કેલ કામ કરવાનું હતું. ભરૂચ જીલ્લાના ગામડાના રહેવાસીઓ ઘણાજ અજ્ઞાન અને સરકારી માણસથી બીહીતા હતા. ચોરામાં ને મારા તંબુપર એકઠા કરવા માગીએ તો તે પણ ન થાય. તલાટી વર્ગના લોકોને ગામડીઆઓ ઘણુંજ માન આપે છે ને તેના કહ્યા મુજબ ચાલે છે, તેઓ પોતાની ખાઉકી ઓછી થાય એવા સબબથી ગામડીઆઓને ઉધીજ સલાહ આપતા કે નિશાળોની જરૂર નથી. લોકોનો ભાવ અમારાપર ઓછો, અને સરકારી રેવન્યુ ખાતાના અધિકારીએ જોઈએ તેટલી સહાયતા આપે નહીં તેથી મુસાફરી આકરી પડતી. તેની સાથે સરકારના સરક્યુલર કે મહેતાજીનો અડધો પગાર કંટીજંટ-ઘરભાડું લોકોએ આપવાં, તેની કબુલાત લોકો પાસે લખાવી લેવી તથા પાંચ વર્ષ લગી તે પ્રમાણે વર્તવું; એટલી કબુલત બસ ન ધારીને બીજી હકીકત એવી ઘાલેલી કે લોકો એ પ્રમાણે ચાલશે એવી બાંહેધરીની ગામના મુખીઓ એટલે પાંચ અગર સાત સદ્ગૃહસ્થોએ બીજી કબુલત લેવી. એવી રીતે કામ કરી લોકોનાં મન સંપાદન કરવાં તે ઘણુંજ અઘરૂં પડતું. ઉપરી તરફથી નિરંતર ઉઘરાણી જારી કે કેટલી નિશાળો સ્થાપન કરી. એવા કષ્ટમાં મન નિરંતર ચિંતાગ્રસ્ત રહેતું. ઇ. સ. ૧૮૫૬ના મેમાં ઓફીશીયલ વરસ બદલાયું ત્યાર પહેલાં ઘણીજ થોડી નવી નિશાળો સ્થાપન થઈ શકી હતી. જેવી એજ્યુકેશન ઈન્સ્પેક્ટરની ઉઘરાણી એ બાબતમાં મારા પર હતી તેવીજ મામલતદારોપર તથા કલેક્ટરો પર પણ જારી હોવાથી તથા પોતાના જાતી શ્રમથી આશરે વીશેક નિશાળો મારા વિભાગમાં નીકળી હતી. મારો મેળાપ મી. હોપ (હાલ સર ટી. સી. હોપ) સાથે ચીખલી મુકામે થવાથી મેં તેમને મારા કષ્ટની વાત જાહેર કરવાથી તેમણે દીલાસો દીધો કે ફિકર ન કરવી, આપણે થોડી મુદતમાં ઘણી નિશાળો સ્થાપન કરી શકીશું. વળી મારા કારકુન જીવણરામ જયાનંદનું કામ અને અંગ્રેજી ભાષાનું સારું જ્ઞાન જોઈ રાજી થવાથી તેમને પણ તેમણે આશા આપી હતી, કેહું તમને ડેપ્યુટી એજ્યુકેશનલ ઈન્સ્પેક્ટરની જગા આપીશ. ફેબરવારી સન ૧૮૫૬ની આખર સુધી ભરૂચ જીલ્લામાં ફર્યા પછી સુરત જીલ્લા તરફ ઉતર્યો ને વરસાદ થતાં લગી સુરત જીલ્લાની નિશાળો તપાસી, તથા કેટલાંક ગામો જલાલપોર, તલંગપોર, બગવાડા વગેરે ગામોમાં નવી નિશાળોનો બંદોબસ્ત કર્યો ને ચોમાસામાં હેડ ક્વાર્ટર, સુરત આવી રહ્યા. પાછી મુસાફરી અકટોમ્બરમાં શરૂ કરી, તે સાલ પુરી થતાં લગી ફેરણીનું કામ જારી રહ્યું હતું દફતરના નવા નમુના મી. હોપે મહેતાજીઓને સારૂ નવા રચેલા તે દાખલ કરવામાં આવ્યા. તેમાં રોજમેળ, ખાતાવહી (બ્લેનના તાલુકા તથા ગામના નમુના મુજબના) હતા, તે મેહેતાજીઓને સમજ ન પડવાથી દરેકને શીખવવા તથા તૈયાર કરવા મારા કારકુનને ઘણોજ શ્રમ વેઠવો પડતો. સન ૧૮૫૭ની શરૂઆતમાં નિશાળોની સંખ્યા વધવાથી ડેપ્યુટી ઈન્સ્પેક્ટરોની સંખ્યા વધારવાની સરકારને જરૂર જણાયાથી ગુજરાત ખાતે ત્રણ નવા ડેપ્યુટી નીમ્યા. તેમનો પગાર રૂા. ૭૫નો ઠરાવ્યો. ભરૂચ જીલ્લો મારા તાબામાંથી છૂટો પાડી, મી. દોલતરામ ઉત્તમરામને સોંપ્યો. ખેડા જીલ્લો રા. સા. પ્રાણલાલના હાથ તળેથી કાઢી, મયારામ શંભૂનાથને સોંપ્યો, અને ઘોઘા તથા ધંધુકા બે તાલુકાનો એક ડેપ્યુટી ઠરાવ્યો, તે જગા મારા કારકુન મી. જીવણરામ જયાનંદને સોંપી. તેથી મારા હાથ નીચે પ્રાણજીવનદાસ રામદાસ સુરત અંગ્રેજી સ્કુલના વિદ્યાર્થિને નીમ્યો. એ માણસ મને ઘણોજ ઉપયોગી થઈ પડ્યો હતો. એણે કોઈ પણ ઓફીસમાં કામ કરેલું ન છતાં પણ સરકારી રીવાજથી તથા દફતરી કામથી માહિતગાર થયો. એ ઘણો પ્રમાણિક હતો. ઇ. સ. ૧૮૫૭ના ઉનાળાની મોસમથી ત્રણ નવા ડેપ્યુટીઓ નિમાયા. એટલે મારે ફરવાનો પ્રદેશ ઓછો થયો હતો. પરંતુ સર જમશેદજી બાટલીવાળાની નિશાળો મારા તાબામાં હોવાથી ચીંચણ તારાપોર લગી મારે જવું પડતું હતું. તેમજ વાંસદાના રાજાએ નિશાળ સ્થાપન કરી હતી, તેથી પૂર્વમાં વાંસદા લગી ફરવું પડતું. વળી સુરત જીલ્લામાં નિશાળોની સંખ્યા બીજા જીલ્લાઓ કરતાં વધારે હતી એટલે મારા કામમાં મને આરામ થોડોજ મળી શક્તો. મારા ઉપરીનો મારા પર ઘણોજ વિશ્વાસ હોવાથી મારી ભલામણવાળાં માણસોને તેઓ જગા તરત આપતા. મારી ઓફીસમાં ઉમેદવારી કરનાર ગુલાબદાસ ગોપાળદાસને ખેડા જીલ્લાના અલીણા ગામમાં મેહેતાજીની જગા રૂ. વીશના પગારની આપી હતી, તેમજ મારા કારકુનની જગા ખાલી પડવાથી મેં પ્રાણજીવનદાસ રામદાસની ભલામણ કરેલી, તેને પણ જગા આપી હતી. હું ઘણો સતોષ માનું છું કે, મારી ભલામણવાળા માણસો ઉત્તમ ઓદ્ધે ચઢ્યા છે ને તેમના પ્રમાણિકપણા વિષે મારે જરા પણ દલગીર થવાનો પ્રસંગ આવ્યો નથી. ઇ. સ. ૧૮૫૭ના વરસમાં ઈન્સ્પેક્ટર સાહેબ છ માસની રજા લઈ વીલાયત ગયલા તે ઓક્ટોબરમાં પાછા આવવાથી સુરત પધાર્યા ને મને તથા મી. જીવણરામ જ્યાનંદ ઘોઘા વિભાગના ડેપ્યુટી ઈન્સ્પેક્ટરને હુકમ કર્યો કે, તમે મારી સાથે ઘોઘે સરકારી કામગીરી પર ચાલો. તા. ૨૪મી ઑક્ટોબરે આગબોટમાં મુસાફરી કરતાં સાહેબની સાથે ઘોઘે ગયા, ત્યાંથી સાહેબ પોતાનો મુકામ કુડે લઈ ગયા. ત્યાં અમને બે જણાને રાખ્યા તથા ગુજરાતી ભાષાનું વ્યાકરણ તૈયાર કરવા સંબંધી અમારા અભિપ્રાય લીધા. આશરે પંદર દીવસ કુડામાં રહ્યા. પછી અમને બંનેને એેવો હુકમ કર્યો કે, જીવણરામે પોતાની ડીસ્ટ્રીક્ટમાં ફરવા જવું ને મારે ભાવનગર, સાહેબની ઓફીસમાં વાર્ષિક પત્રકો તથા રીપોર્ટ કરવામાં મદદ કરવા જવું. આશરે દોહોડ અઠવાડીયું ભાવનગરમાં રહ્યા પછી મને મારી ડીસ્ટ્રીક્ટમાં જવાનો હુકમ થયો એટલે હું ઘોઘા ડાંડી વચ્ચે ફરતી ટપાલની બોટમાં બેસી ઓરપાડ ગયો ને ત્યાંથી સુરત આવ્યો. ઇ. સ. ૧૮૫૭ ના ડીસેમ્બરથી તા. ૨૯ એપ્રેલ સને ૧૮૫૮ સુધી પરગણાં ફરી ધારા મુજબનું કામ કરી અમદાવાદ જવાનો હુકમ થવાથી ૫ગ રસ્તે મુસાફરી કરતાં મેની તા. ૧૨ મીને રોજ ગુજરાતની રાજધાનીમાં ઓફીસ સાથે ગયો ને હાજાપટેલની પોળમાં સોની વાણીઆ અચરતલાલ મૂળજીને ત્યાં નિવાસ કર્યો. રસ્તાની મુસાફરી તાપના દહાડામાં કુટુંબ સાથે કરવાથી ઘણીજ હલાકી નડી હતી. અમદાવાદમાં ડાહ્યાભાઈ શેઠની વાડી જેમાં ટ્રેનીંગ કોલેજ સ્થાપન થએલી હતી, અને જેના ઉપરી મી. લાલભાઈ રૂપરામ હતા, તે જગાની જોડેજ હીરાલાલ ફોજદારની વાડીમાં મી. હો૫ સાહેબે પોતાની ઓફીસ સાથે મુકામ કરી રહ્યા હતા. એ વેળાએ ગુજરાત તથા કાઠીઆવાડના તમામ ડેપ્યુટી ઈન્સ્પેક્ટરોને સરકારની પરવાનગી લઈ ભેગા કર્યા હતા. સુરત જીલ્લાનો હું, ભરૂચ જીલ્લાના દોલતરામ ઉત્તમરામ, ખેડા વિભાગના રાવ સાહેબ મયારામ શંભુનાથ, અમદાવાદના રાવસાહેબ પ્રાણલાલ મથુરાદાસ તથા ઘોઘા વિભાગના મહીપતરામ રૂપરામ અને કાઠીઆવાડના રાવસાહેબ ભોગીલાલ પ્રાણવલ્લભદાસ એવા છ જણા હતા. તેમના કામના વિભાગ પાડવામાં આવ્યા હતા. મારા જીલ્લાનો ચાર્જ દોલતરામને તથા મહીપતરામના જીલ્લાનો ચાર્જ રાવસાહેબ પ્રાણલાલને સોંપવામાં આવ્યો હતો. અમને બે જણને ડેપ્યુટીના કામથી છુટા પાડી બુક કમીટીમાં મેમ્બર ઠરાવ્યા. તથા રાયસાહેબ ભોગીલાલને અમારી બુક કમીટીના પ્રેસિડેંટ ઠરાવ્યા. નિશાળેામાં ચાલતી ચો૫ડીઓ કેટલાંક દૂષણોને લીધે બંધ કરી, તેને બદલે નવી વાંચનપાઠમાળા તૈયાર કરવાનું કામ હોપ સાહેબે આરંભ્યું, બુક કમીટીની ઓફીસ ટ્રેનીંગ કોલેજના એક ઓરડામાં રાખવામાં આવી હતી. આ કામમાં હોપ સાહેબનો જાતી શ્રમ અથાગ હતો. ગુજરાતી વાંચનમાળા પાઠ તૈયાર કરવાને સારૂ ઈંગ્લાંડમાં તથા હિંદુસ્તાનમાં ચાલતી અંગ્રેજી સ્કુલ વાંચનમાળાઓનાં પુસ્તકો ભેગાં કર્યા હતાં, તેમાંથી તે નિશાન કરે, તે મુજબ સારી સાદી ભાષામાં ગુજરાતી પાઠો તૈયાર કરવા અમને બે જણને ફરમાવતા, તે પાઠ તૈયાર કરી અમે બુક કમીટીમાં અમારા પ્રેસીડેંટ રાવસાહેબ ભોગીલાલ આગળ વાંચી જતા ને તેમની સુચન મુજબ ભાષામાં કે બાબતમાં જે સુધારો કરવો ઘટારત હોય તે કરતા. કમીટીમાં મંજુર થયા પછી તે પાઠ હોપ સાહેબ જાતે વાંચી જોતા ને તેમાં કાંઈ ફેરફાર કરવા જેવું હોય તો તે પાઠ બનાવનારને બતલાવી વધારો ઘટાડો કરવા પડે તે કરીને તેની સાફ નકલ ઉતારવા બુક કમીટીના કારકુનને આપતા. દરરોજ એ પ્રમાણે અમારે સવારના દશથી તે પાછલા પોહોરના પાંચ લગી કામ કરવું પડતું, ફક્ત પેહેલી ચો૫ડી તૈયાર કરવાને મહીપતરામ અને હોપ સાહેબ, એમને અઢી માસ કરતાં ઓછી મુદત લાગી નહોતી; એવી મતલબથી એ ચો૫ડી રચી છે કે, બાવન અક્ષરો અથી જ્ઞ સુધી આવે ને તેની સાથે બારાખડી ને જોડાક્ષરની સમજ પણ આવી જાય કે નાનાં બાળકોને વર્ણમાળા શીખવાને જે નીરસ શ્રમ લેવો પડે છે તે ન લેવો પડેઃ એ વાત ધ્યાનમાં રાખીને વાક્યો તથા શબ્દો ગોઠવ્યાં છે. વર્ણો, બારાખડી ને જોડાક્ષરો શીખતાં નાનાં છોકરાને ત્રણ ચાર માસ લાગે છે, તે કષ્ટ દૂર કરી, અર્થ સહિત વાંચન શીખે તો તેથી બાળકને આનંદ થાય, ને વળી આંખની સાથે અક્કલ પણ કેળવાય, એવી મતલબ એ પહેલી ચો૫ડીમાં રાખેલી હતી, પણ મૂળ ધારણા રાખનાર પુરૂષની ઇચ્છા ફળીભૂત થઈ નહીં. જૂના રીવાજ પ્રમાણે અ, આ, કક્કા, બારાખડી ને જોડાક્ષર શીખવવાનું જારી રહ્યું. તેનાં કારણ સાદા શિક્ષકોની ખામી તથા લોકોની હઠીલાઈ હતી, તેમ પરીક્ષાનાં ધોરણો બંધાયાં તેમાં મૂળાક્ષર દાખલ થવાથી તથા ગુજરાતી લીપીનું ધોરણ બીજી લીપીઓ કરતાં સહેલું હોવાથી જૂની રીતજ કાયમ રહેલી જણાય છે. વાંચનમાળાના પાઠોની વેહેંચણ એવી રાખી હતી કે વિદ્યા સંબંધી તથા સાધારણ (સામાન્ય) જ્ઞાન સંબંધી પાઠો તૈયાર કરવાનું મને સોંપવામાં આવ્યું હતું; નીતિ સંબંધી ને ભૂગોળ સંબંધી પાઠો રચવાનું કામ રાવસાહેબ મહીપતરામને તથા વનસ્પતી ને પ્રાણી સંબંધી પાઠો લખવાનું રાવસાહેબ મયારામને, ઇતિહાસ સંબંધીના પાઠો રાવસાહેબ પ્રાણલાલ લખતા–ઇતિહાસના પાઠો અંગ્રેજી જે. બી. પીલ સાહેબ તૈયાર કરતા–એ સાહેબને હોપ સાહેબે પોતાના ઓદ્ધાનું (ઇનસ્પેક્ટરના ઓદ્ધાનું) કામ કરવાને. મદદ આપવા સારૂ સરકાર પાસે માગી લીધા હતા. તેમનો મુકામ પણ અમદાવાદમાંજ રહેતો. કવિતાના પાઠ રચવા સારૂ કવીશ્વર દલપતરામ ડાહ્યાભાઇને બુક કમીટીમાં દાખલ કર્યા હતા–કયા વિષયપર કવિતા કરાવવી તે કામ રાવસાહેબ મહીપતરામની મુનસફી પર છોડવામાં આવ્યું હતું. તથા બીજાં ગુજરાતી કવિતાનાં પુસ્તકોમાંથી યોગ્ય પાઠ તૈયાર કરવાનું કામ પણ રાવસાહેખ મહીપતરામજ કરતા. પ્રત્યેક પાઠ ચાર વખત વાંચવામાં આવતોઃ પ્રથમ બુક કમીટીમાં પ્રેસીડેંટની રૂબરૂ વંચાય, પછી હોપ સાહેબ વાંચે, તેમાંની કાઢેલી ખામીઓ સુધારી બીજી વખત બુક કમીટીમાં વંચાય ને હોપસાહેબની મજીરીઆત થાય ત્યારે તેની સાફ નકલ થાય. એવી રીતે એ કામ અમે જુનથી અક્ટોબર આખર લગી એક સરખું જારી રાખ્યું, ને વાંચનમાળાનો પોણો ભાગ તૈયાર કર્યો. પછી રાવસાહેબ ભોગીલાલભાઈને પોતાના વિભાગમાં જવાનો હુકમ થયો. તેમજ રા. સા. પ્રાણલાલ તથા રાવસાહેબ મયારામ પણ ડીસ્ટ્રીક્ટમાં ગયા. મારે તથા રાવસાહેબ મહીપતરામને છેક ફેબરવારી સને ૧૮૫૯ સુધી રહેવું પડ્યું હતું—કારણ એ લખાયલા તમામ પાઠોને અનુક્રમવાર સાત ચોપડીઓને લાયક ગોઠવવા તથા લાંબા ટૂંકા કદમાં હોય તે સરખા કરવા તથા છાપવાને લાયક તેની નકલો કરાવવી, એ કામ અમારે બે જણને માથે રાખવામાં આવ્યું હતું. વાંચનમાળા તૈયાર કરવા સિવાય બીજું અગત્યનુંં કામ હોપ સાહેબે બજાવ્યું, તે નિશાળ પદ્ધતિ વિશે ભાષણો આપવાનું હતું. પાંચ ડેપ્યુટીઓ તથા રાવસાહેબ ભોગીલાલ સુદ્ધાંને અઠવાડીઆમાં એકવાર ભાષણ પોતાને બંગલે બોલાવી આપતા. તેની નોટ સૌ લેતા. તે પરથી પાકી નોટ લખી
સાહેબને વાંચવા આપતા. એ સિવાય અઠવાડીઆમાં ત્રણ વાર સામાન્ય જ્ઞાન વિશેક પાઠ આપવાને અનુક્રમવાર દરેક ડેપ્યુટીને ફરજ પાડતા. ટ્રેનીંગ કોલેજમાં જે મોડલ સ્કુલ હતી તેના વિદ્યાર્થિઓના વર્ગ એ કારણસર બોલાવતા. જે ડેપ્યુટીએ જે ધોરણને લાયકનો કથિત પાઠ તૈયાર કર્યોે હોય તેવા વગના વિદ્યાર્થિઓને બોલાવી બધા ડેપ્યુટીઓની સમક્ષ પાઠ આપતા. પંદર મીનીટનો પાઠ પુરો થયો કે તે વગને રજા આપી બીજા ડેપ્યુટીઓ તે કથિત પાઠના ગુણદોષ દર્શાવતા તથા તે પર તકરાર ચાલતી તેનો નિર્ણય હોપ સાહેબ કરતા. સને ૧૮૫૭ના મે માસમાં છ મહીનાની રજા લઇ હોપ સાહેબ વિલાયત ગયલા ત્યાંથી નવી નિશાળ પદ્ધતિ તથા શિક્ષણ વિશેના નવા ગ્રંથો લઇ આવેલા હતા. તે ધોરણ પરથી તેમણે પોતાનાં ભાષણો તૈયાર કરેલાં હતાં. એ ભાષણોથી ડેપ્યુડીઓને કેટલો કાયદો થયો તે તપાસવાને સવાલો આપી સૌની લેખીત પરીક્ષા નવેમ્બરમાં લેવામાં આવી હતી. રા. સા. ભોગીલાલભાઇ એ પરીક્ષામાં બેઠા નહોતા, પણ ભાષણો સાંભળવામાં તે હાજર રહેતા. હોપસાહેબ ઉપલું બધું કામ જાતે કરતા, તે ઉપરની હકીકત પરથી જાણવામાં આવશે. પણ તે કેટલી ત્વરાથી કરતા તેનો એક દાખલો બસ છે. તૈયાર કરેલી વાંચનમાળામાંથી કેટલીક ચોપડીઓ લઇ કેળવણીખાતાના ગુજરાતી ટ્રાન્સ્લેટર રેવરંડ ગ્લાસગો જે સુરતમાં રહેતા હતા તેમની મંજુરી લેવા સારૂ અમદાવાદથી પાછલે પહોરે પોતે નીકળ્યા ને ભરૂચ બીજે દિવસે સવારે નવ વાગતે આવી પહોંચ્યા. ત્યાંની અંગ્રેજી સ્કુલ તપાસી તરત નીકળ્યા ને સુરત ટ્રેનમાં ગયા, એટલી લાંબી મુસાફરી ચોવીશ કલાકમાં કરી, એ ઉત્સાહ ઘણો અપૂર્વ કહેવાય. વાંચન પાઠમાળા ગોઠવવાનું કામ પુરૂં કરી હું તથા મહીપતરામ છુટા પડ્યા ને પોત પોતાના ડીસ્ટ્રીક્ટમાં ગયા— (ફેબરવારી સન ૧૮૫૯) સન ૧૮૫૮ ના ફેબરવારી માસમાં મને મારી જગા પર બાહાલ કરવા તથા રાવસાહેબનો ખેતાબ આપવા સરકારમાં હોપ સાહેબે લખાણ કર્યું હતું. તે મંજુરી મારચ માસમાં આવતાં મને બહાલ કર્યો ને મારા નામની પૂર્વે રાવસાહેબ ઉપનામ જોડાયું. ત્યાર પેહેલાં મને એસ્કવાયરના નામથી લખવાનો સરકારી રીવાજ હતો. સન ૧૮૫૯ ના ફેબરવારીમાં દોલતરામ પાસેથી મેં મારો ચાર્જ લીધો. ફેબરવારીમાં પાછો આવ્યો ત્યારે ડાકોર થઇને આવ્યો હતો કારણ એ ગુજરાતનું પ્રસિદ્ધ ધર્મ સ્થળ મારા જોવામાં આવ્યું નહોતું. મારો મિત્ર ૫રાગજી વલ્લભભાઇ ઉમરેઠની નિશાળના માસ્તર હતા તેમણે મારૂં આતિથ્ય સારૂં કર્યું હતું. સન ૧૮૫૯ ના મારચ અપ્રેલ ને મે ત્રણ માસ નિશાળોની પરીક્ષા કરીને પાછો મી. દોલતરામને ચાર્જ આપી મને મુંબઇ જવાનો હુકમ હો૫ સાહેબે કર્યો. હોપસાહેબ કેટલા વિવેકીને સભ્ય હતા તે એ ૫રથી જણાશે કે મારા કારકુનને મી. દોલતરામના હાથ હેઠળ સોંપ્યો પણ મારી ઓફિસના બંને પટાવાળાને મારી સાથે મુંબઇ લઇ જવાનો હુકમ કર્યો હતો. છ વરસે મુંબઇમાં વસવાનો વખત આવ્યો. સારે સંજોગે મારી અસલ રહેવાની ઓરડીજ મને મળી કેમકે તેમાં મારો ભાણેજ જગન્નાથ ગોપાળદાસ રહેતો હતો. મુંબઇમાં સન ૧૮૫૯ ના અક્ટોબર સુધી રહેવાનું થયું. તે દરમ્યાન મારી હસ્તક નીચે લખ્યા મુજબનાં કામો હતાં. ૧ વાંચનમાળાની ચો૫ડીઓ છપાવવી, તેનાં પ્રુફ તપાસવાં. ૨ ખપ પડે તો એ કામ સારૂ પ્રેસમાં જવું ને પ્રીંટરને સમજુતી આપવી. ૩ બીજ ગણીત “Taihe’s Algebra” નું ભાષાંતર કરાવવું ને તે છપાવવું. ૪ નિશાળોને સારૂ મોટા નકશા જીલ્લા, પ્રાંત, ખંડ વગેરેના તૈયાર કરવામાં મદદ કરવી. એ નકશા તૈયાર કરવા સારૂ મી. ફાલનને હો૫ સાહેબે કામે લગાડ્યો હતો. તે કુરજા ખાતામાં નોકર હતો. ત્યાંથી એક માસની રજા લેવડાવી તેને એ કામ સોંપ્યું હતું. સાત વાંચન ચો૫ડી તથા પાઠાવલી તથા કવિતા સંગ્રહ વગેરે પુસ્તકો છપાવી મારા કામથી ફારક થઈ પાછો મારી નોકરી પર હું હાજર થયો. સન ૧૮૬૦ના વરસમાં એેવો હુકમ થયો હતેા કે ડેપ્યુટી ઈન્સ્પેક્ટરોએ નવી નિશાળ પદ્ધતી વિશે જે જ્ઞાન મેળવ્યું છે તે જ્ઞાન પોતાના તાબાના હુશીઆર મેહતાજીઓને એક સ્થળે એકઠા કરી ભાષણને રૂપે આપવું તથા કથિત પાઠ કેમ આપવા, તેનો પણ અભ્યાસ કરાવવો. તે મુજબ મેં નવસારી મુકામે આશરે પંદર મેહતાજીઓને બોલાવી પંદર વીશ દીવસ સુધી ભાષણો આપ્યાં તથા સામાન્ય જ્ઞાન વગેરે વિષયો કથિત પાઠ આપી શીખવવાનો મહાવરો પાડ્યો. જ્યારે સન ૧૮૫૮માં હું અમદાવાદ હતો ત્યારે મ્યુઝીઅમ એટલે છોકરાઓને પાઠ સમજવામાં ઉપયોગી પડે એવા પદાર્થોનો સંગ્રહ કરવાનું કામ પણ મને સોંપ્યું હતું. તે પ્રમાણે અમદાવાદની ટ્રેનીંગ કોલેજને સારૂ મેં સંગ્રહસ્થાન રચ્યું હતું. મારા જુના કારકુન જીવણરામ જયાનંદ જેમને હો૫ સાહેબે ઘોઘા વિભાગને પ્રોબેશનરી ડોપ્યુટી એજ્યુકેશન ઇન્સ્પેક્ટર સન ૧૮૫૭માં નીમ્યા હતા, તેમણે એજ્યુકેશન ખાતામાંથી બદલી કરાવી અને આબકારી ખાતામાં સુરતના ડેપ્યુટી એકાઉટંટ થયા, પણ ત્યાંથી રાજીનામું આપી પાછા પોતાની અસલ કારકુનની જગા પર મારા તાબામાં આવ્યા, એટલે મહેનતુ ને વિશ્વાસુ પ્રાણજીવનદાસ રખડતા થયા; તેઓ આંખના દરદથી બહુ હેરાન થયા હતા. ભરૂચ વિભાગના ડેપ્યુટી એજ્યુકેશનલ ઈન્સ્પેક્ટર મી. દોલતરામ ઉત્તમરામ ઉપર ઉપરીને કાંઇ શક લાગવાથી તેમની ખાનગી તપાસ કરી તેમને નોકરી પરથી દૂર કર્યા હતા અને તેમની જગાપર કોઈ લાયક માણસ ન મળવાથી નીમણુક ન થઇ, તેથી ચાર વરસમાં ભરૂચ જીલ્લાનો ચાર્જ પાછો મારી પાસે આવ્યો. ભરૂચ વિભાગ સાથે ઘોઘા વિભાગ પણ જોડાયો હતો, કારણ તે રા. સા. મહીપતરામના તાબામાં હતો. પણ તેઓ વિલાયતની મુસાફરીએ જવાથી ભરૂચ સાથે જોડી દીધો હતો ને ખેડાના ડેપ્યુટી ઈન્સ્પેક્ટર રા. સા. મયારામને ખાનદેશ જીલ્લામાં મોકલવાથી તે ખાલી પડેલી જગા રા. સા. મહીપતરામને આપવામાં આવી હતી. આ ઉપરથી સમજાશે કે મારા તાબામાં દમણગંગાથી તે મહી સુધી તથા પશ્ચિમમાં કાઠીયાવાડમાં આવેલા અમદાવાદના બે પરગણા ઘોઘા તથા ધંધુકા એટલા વિસ્તારવાળી જગા હતી, તેમાં મુસાફરી કરવાનું ઘણું મુશ્કેલ હતું, પણ એટલો તો આરામ હતો કે તાબામાં બે કારકુન અને ચાર સિપાઈ હતા. હોપ સાહેબની બદલી ગવરનર સર જોર્જ ક્લાર્કના પ્રાઇવેટ સેક્રેટરીની જગાપર થયાથી ઈન્સ્પેક્ટરનો ચાર્જ રીચી સાહેબની પાસે આવ્યો. થોડી મુદતમાં તેની પણ બદલી થવાથી કરટીસ સાહેબને ચાર્જ સોંપ્યો હતો. પણ થોડીજ મુદતમાં તેમને પાછા હેડમાસ્તરની જગા પર મોકલી રસલ સાહેબને ઉત્તર ભાગના ઇન્સ્પેક્ટર બનાવ્યા. ગુજરાત પ્રાંતને બદલે ઉત્તરભાગ નામ પાડવામાં આવ્યું હતું. કારણ પાંચ જીલ્લા અમદાવાદ, ખેડા, પંચમહાલ, ભરૂચ, સુરત સાથે કોકણનો થાણા જીલ્લો તથા દક્ષિણનો ખાનદેશ જીલ્લો જોડવામાં આવ્યો હતો. મારી મુસાફરીમાં જેમ ઘોઘા, ધંધુકા ને ભરૂચ જીલ્લો વધ્યાં હતાં તેમજ સર જમશેદજીની નિશાળો સુરત જીલ્લાની તથા ભરૂચની તથા કોકણ ને તારાપુર વધ્યું હતું. એ રીતે સન ૧૮૬૧ના સપટેંબર લગી કામ ચાલ્યું. ત્યારબાદ ભરૂચ જીલ્લાનો ચાર્જ મી. પ્રાગજી વલ્લભભાઈ અમદાવાદ ટ્રેનીંગ કોલેજના આસીસ્ટંટને સોંપવાનો હુકમ થયો. પણ કેટલીક મુદત લગણ એટલે પ્રાગજી સ્વતંત્રપણે કામ ચલાવવા લાયક થાય ત્યાં લગણ મારા તાબામાં તેમને સોપ્યા હતા તેથી મારે દર વરસે ભરૂચ જીલ્લામાં તપાસ કરવાને જવું પડતું હતું. તા. ૧૪મી સપટેંબર સને ૧૮૬૧થી મારા પગારમાં રૂ. ૨૫) નો દર માસે વધારો થયો. ડીરેક્ટર સાહેબ તરફથી પુછવામાં આવેલું કે ડેપ્યુટી ઈન્સ્પેક્ટરોના પગારમાં વધારો કરવા સારૂ સરકારે રૂ. ૧૨૫) મંજુર કર્યા છે તો તમારે કયા ડેપ્યુટીને કેટલો વધારો આપવો છે તેની ભલામણ કરવી. તે પરથી રસલ સાહેબે લખ્યું કે મારા ગુજરાતના ત્રણે ડેપ્યુટીઓ ખાત્રી લાયક કામ કરે છે. આ મુજબ ત્રણેને વાસ્તે સરખા વધારાની ભલામણ થઇ હતી તે સરકારે મંજુર કરી. છ વરસે પચીસનો વધારો મળ્યો. સન ૧૮૬૨ના વરસથી ચોમાસામાં એટલે સપપ્ટેમ્બર માસમાં અમદાવાદ બજેટ કરવા સારૂ ઈન્સ્પેક્ટરની ઓફીસમાં હાજર થવું પડતું હતું તે મુજબ હું પણ ગએલો. સન ૧૮૬૨ ના વરસમાં બીજા કાંઈ જાણવા લાયક બનાવ નથી. ધારા પ્રમાણે નિશાળોની પરીક્ષા–રીપોર્ટ–પત્ર વ્યવહાર વગેરે સિવાય બીજું કાંઈજ કરવું પડ્યું નથી. સન ૧૮૬૩ના વરસમાં મારે ત્યાં વડીલ પુત્ર મોતીલાલ તથા પુત્રી કમળાગવરીનાં લગ્ન કરવાનાં હતાં તે સંબંધી રજા માગવા રીપોર્ટ કરેલો કે ભરૂચ મારા ડીસ્ટ્રીક્ટમાં છે ત્યાં રહી વાર્ષિક પત્રકો તથા રીપોર્ટ હું કરીશ. ને મારૂં લગ્નનું કામ સાચવીશ, તે પરથી કરટીસ સાહેબે ભલામણ કરેલી કે, એક માસની હકની રજા સરકારે આપવી. પણ ડીરેક્ટર મી. હાવરડ તરફથી લખાણ આવ્યું કે, જો એ ડેપ્યુટી આફિસકામ ભરૂચમાં રહીને કરવા ચાહે છે તો તે પરવાનગી હમે આપી છે ને હકની રજા આપવાની જરૂર નથી; એવા મહેરબાન ઉપરીઓ હતા. એ વરસના એપ્રીલ મે માં લગ્ન રૂડી રીતે કર્યો, પણ તેમાં એક ખામી આવી જે એ હતી કે મારી ઓફીસ જે ઢોળાવ પર શેઠ ગોવીંદલાલ વિજભુખણદાસના ઘરમાં રાખેલી હતી તેમાં ચોરી થવાથી આશરે રૂ. ૧૫૦) નું નુકશાન થયું ને સરકારી સીલીકના રૂપીઆ પણ ગયા હતા તે ભરવા પડ્યા. સન ૧૮૬૩ના જુલાઈ માસમાં મી. રસલ સાહેબે સઘળા ડેપ્યુટીઓને અમદાવાદમાં એકઠા કર્યા હતા કે, સર્વે ટ્રેનીંગ કોલેજમાં શીખવવાને મદદ કરે. તે વળી અમારે ત્રણ માસ ત્યાં રહેવું પડેલું. મેં મારો મુકામ હમેશ પ્રમાણે રામજીની પોળમાં મારા મિત્ર અચરતલાલ મલજીને ત્યાં ન રાખતાં રા. સા. મહીપતરામના બંગલામાં રાખેલો હતો. એ બંગલો ટ્રેનીંગ કોલેજની પાસે હીરાલાલ ફોજદારવાળો હતો, તેને ત્રીજે માળે મારો નિવાસ હતો. ગોપાળજી સુરભાઈ દેસાઇ પણ મારી પડોસમાંજ રહેતા હતા. અમારો સૌનો છુટકો અક્ટોબરમાં થયો. રસલ સાહેબ જાતે ઘણા ભલા આદમી, મોજશોખવાળા ને દયાળુ હતા. એક દાખલા તરીકે કહું છું કે, એક દિવસે સાહેબના હુકમ મુજબ સઘળા ડેપ્યુટીઓ તથા ટ્રેનીંગ કોલેજના પ્રીન્સીપાલે સાંજે પાંચ વાગતે સાહેબને મળવા સારૂ હાજર થઈ વરદી કહેવડાવી. અમને સૌને ઉપર બોલાવ્યા. સાહેબ પણ ડાહ્યાભાઈની વાડીમાં જ્યાં ટ્રેનીંગ કોલેજ હતી ત્યાં બંગલામાં રહેતા હતા. પોતે દાદરને મોખરે આવીને ઉભા રહ્યા. જેવા અમને દીઠા કે તરતજ પોતે બોલ્યા “You wisemen of the East I have got no time to talk with you as I am going to sleep. Please come at some other suitable time when I call for you.” અમે નિરાશ થયા ને પાછા પોતપોતાને મુકામે ગયા. સાહેબને ભવાઈ જોવાનો શોખ થયો તેથી જાતે પચાસ રૂપીઆ આપી સારામાં સારા નાયક ટોળાંને બોલાવી વાડીના કંપાઉન્ડમાં ભવાઈ કરાવી. તેમાં સઘળા સ્કોલરોને તથા ડેપ્યુટી વગેરે માસ્તરોને તેડ્યા હતા. એક વાર એક મદરાસી શતાવધાન અમદાવાદમાં આવ્યો હતો તેના ખેલ જોવાને પચાશ રૂપીઆ આપ્યા. એવા એ સાહેબ મનમોજીલા હતા. આ સઘળી રમુજો અમારો મુકામ અમદાવાદમાં હતો ત્યારે થઇ હતી. પ્રત્યેક ડેપ્યુટીને યોગ્યતા પ્રમાણે ભૂમિતી, બીજ ગણીત, ઇતિહાસ વગેરે કોલેજમાં શીખવવાને વખત આપ્યો હતો; મને ભૂમિતી સીનીયર સ્કોલરોને શીખવવાનું સોંપ્યું હતું. સન ૧૮૬૩ના સાલમાં ડીસેંબર માસમાં શુકલતીર્થની યાત્રા કરવા ગયો હતો. ત્યાં પણ રસલ સાહેબ આવી પહોંચ્યા હતા. સુરતથી અમદાવાદ ટ્રેનમાં જતાં ભરૂચના સ્ટેશન પર લોકોની ભીડ જોઇને ખબર કાઢી કે આજે શું છે? લોકોએ કહ્યું કે અહીંથી સાત કોસપર શુક્લતીર્થ ગામમાં જાત્રા ભરાઈ છે ત્યાં સૌ જાય છે. તે પરથી પોતે પણ એક ગાડી કરી રાત્રે શુક્લતીર્થમાં ગયા ને ખળીમાં હવાલદારના માંડવામાં રાત્રે તેના ખાટલા પર સુઇ રહ્યા ને સવારે મેહેતાજીને તેડાવી મંગાવી રેવાજીમાં નહાવા પડ્યા. તરવામાં ઘણા ખબરદાર હતા; મેળો તથા ઓંકારનાથનું દહેરૂં વગેરે જોઈ પાછા ભરૂચ આવી અમદાવાદ સિધાવ્યા હતા; એવા શોખીન માણસ હતા. મારો મેળાપ થયો હતો ત્યારે મને કહ્યું કે, નર્મદામાં નાહી વિષ્ણુનાં દર્શન કરી પવિત્ર થયો છું. સન ૧૮૬૪ ના વરસમાં વિશેષ હકીક્ત થોડીજ છે. તા. ૪ થી જુલાઇથી ત્રણ માસની હકની રજા લઈ હું મુંબઈ ગયો હતો. મનમાં લોભ એવો હતો કે કોઇ સારી વધારે પગારની જગા બેંક કે મીલમાં મળે તો રહેવું, ને સરકારી નોકરી છોડવી. એવી લાલચ ઉત્પન્ન થવાનું કારણ મારા મિત્રો પ્રાણલાલ મથુરાદાસ તથા કેખશરૂ હોરમસજી આલપાઇવાળા તથા રાવસાહેબે ભોગીલાલ પ્રાણવલ્લભદાસ સરકારી નોકરીઓ છોડી મોટે પગારે બેંકોના મેનેજર થયા હતા. થોંડા દહાડા મુંબઈમાં રહ્યો. પ્રેમચંદ રાયચંદને મળ્યો, તેમણે મને ત્રણસો રૂપીઆની જગા કરાંચીમાં આપવા કહ્યું. પણ તે મને સારૂં લાગ્યું નહીં. પુને મારા મિત્ર મંછારામ નરભેરામને મળવા ગયો ત્યાં શેઠ રૂસ્તમજી જમશેદજી જીજીભાઈની મુલાકાત થઈ. તેમણે મને એટલીજ શીખામણ દીધી કે, સરકારી નોકરી છોડી કોઈ બેંકમાં રહેવાની લાલચમાં પડશો નહીં. થોડો પગાર મળે પણ સરકારી નોકરી સારી ગણવી. એ વાત મારા મન પર ઠસી તેથી વધારે પ્રયત્ન ન કરતાં હું મારા મિત્ર રા. સા. નારાયણભાઇની ભલામણ લઈ પંઢરપુરની જાત્રાએ ગયો, ત્યાંના માસ્તર તથા ફોજદાર તથા ડાક્ટર સાથે સારી મિત્રાચારી થઈ. તેમણે મને સિફારસ કરી શોલાપુર જોવા મોકલ્યો. ત્યાંના ડાક્ટર નારાયણરાવ ઘણા હેતાળ હતા તેમને ઘેર ઉતર્યો. શેલાપુરમાં તે વખતે મોટું તળાવ હતું, તેનું પાણી લોકોના પીવામાં આવતું, તેથી તેમાં નાહવા ધોવાની મનાઈ હતી, તેની મને માહીતી ન હોવાથી, હું મારાં ધોતીઆં–અંગુછો ધોવા જતો હતો એટલે ત્યાં ઉભેલા લોકોએ મને અટકાવ્યો કે એ કામ કરશો નહીં, સરકારના ગુન્હેગાર થશો ને શિક્ષા પામશો. નહાવું ધોવું હોય તો બહાર પાણી ભરી લાવી તેમ કરો. શોલાપુરમાં બે ત્રણ દહાડા રહી પુને પાછો ગયો. ગણેશ ચતુર્થીના તેહેવાર પુનામાં ઘણા વખાણવા લાયક થાય છે, તે જોઈ પાછો મુંબઈ ગયો ને રજા પુરી થતે નોકરી પર હાજર થયો. આ મુંબઇની મુસાફરી મિત્રોના મેળાપ સિવાય દ્રવ્યની બાબતમાં સારી નીવડી નહીં. શેરના વેપારમાં પાંચ હજાર ખરચ કર્યા તેમાં મુડી, થએલો નફો તથા બીજા ઘરના ભરતાં છુટકો થયો. આ વેપાર કરાવામાં મારા મિત્ર ગંગાદાસ કીશોરદાસની સહાયતા હતી. તેમને પણ નુકશાન થયું ને મારા પણ પૈસા ગયા. જોઈંટ સ્ટાક કોરપોરેશનના પંદર શેર લીધેલા હતા, તેણે દેવાળું કાઢ્યું ને બીજા નવા કોલ શેરહોલ્ડરો પર દેવું વાળવાને કાઢ્યા. રૂપીઆ પંદરસો, કોલના ભરવા ૫ડત પણ ગંગાદાસની તદબીરથી મારો છુટકો ત્રણસો રૂપીઆ ભરવાથી જ થયો હતો. સન ૧૮૬૫ના વરસમાં વિશેષ હકીકત નથી. સન ૧૮૬૬ના ફેબરવારીમાં મુંબઇ ઈલાકાના ડીરેક્ટર ઓફ ઇન્સ્ટ્રક્શન સર આલેકઝાંડર ગ્રાંટ બારોનેટની મુલાકાતને સારૂ ઈન્સ્પેક્ટરે તેડેલા માટે એક અઠવાડીઉં ત્યાં જવું પડેલું, તા. ૫ થી ૧૨ સુધી, અમદાવાદ આવી તેમણે કાંઇ વધારે કામ કર્યું નથી. ડેપ્યુટીઓને મળ્યા ને સાધારણ વાતચીત કરી, ખબર અંતર પુછી હતી. હું મળવા ગયો ત્યારે વરદી કહેવડાવવા છતાં મને બહાર થોભાવી રાખ્યો, બીજીવાર જ્યારે ફરીથી ચીઠી સાથે વરદી મોકલી ત્યારે મુલાકાત થઇ. સન ૧૮૬૭ના વરસમાં ભરૂચ જીલ્લાનો સ્વતંત્ર ચાર્જ મી. પરાગજીને મળવાથી મારે તે તરફ જવાનું તથા તે નિશાળો તપાસવાનું બંધ થયું. ઈન્સપેક્ટરે મારો રિપોર્ટ માંગ્યો કે હવે પરાગજી સ્વતંત્ર રીતે કામ કરવાને લાયક થયો છે કે નહીં? મારા અનુભવ પ્રમાણે તે લાયક થયો છે, એવું લખવાથી મારી દેખરેખ નીચેથી તે નીકળી ગયા ને ઇન્સ્પેક્ટર સાથે બ્હારોબહાર લખાણ વગેરે કરવા માંડ્યું. સન ૧૮૬૮ના ફેબરવારીમાં મારે પુત્ર મગનલાલ તથા મારી પુત્રી તારાગવરીનાં લગ્ન કર્યાં. સન ૧૮૬૮ના અક્ટોબરમાં શુકલતીર્થની યાત્રા, એજ વરસના ક્રીસ્ટમસ (નાતાલ)ના તેહેવારમાં ભરૂચ ખાતે સંગ્રહસ્થાન થયું હતું. તેની ચોંજના કરનાર મી. હો૫ સુરતના કલેક્ટર હતા. ઘણા દેશોના રાજા જેવા કે ગાયકવાડ, નાંદોદ, ધરમપોર, વાંસદા તથા મુંબઈનાં ગવર્નર તથા ઘણા પરદેશીઓ આવ્યા હતા. સંગ્રહસ્થાન ઉઘાડવાની ક્રિયા ગવરનર સાહેબે કરી હતી. એ પ્રસંગે એજ્યુકેશનલ ઈન્સ્પેક્ટર મી. કરટીસ હતા. તેમણે ગુજરાતની નિશાળેાને દશ દિવસની રજા આપી હતી તેથી ઘણા મેહેતાજીઓ તથા ડેપ્યુટીઓ ભરૂચ આવ્યા હતા. વ્હાઈટરોડ પર આવેલી જીનીંગ ફેક્ટરી અમજદ બાગ નામે ઓળખાય છે, તેમાં એ સંગ્રહસ્થાનનો મંડપ રચવામાં આવ્યો હતો તથા સડકને ઉત્તર પાસે ગવરનર, રાજાઓ, યુરોપીઅનો વગેરેને સારૂ તંબુઓ મારવામાં આવ્યા હતા ને મોટી શોભા સડક પર કમાનોથી તથા વાવટાથી કરી હતી. સંગ્રહસ્થાનમાં જાત જાતનું કાપડ, વાસણો, યંત્રો. વગેરે ગોઠવ્યાં હતાં. ને દરબાર તથા સંગ્રહસ્થાન જોવાને સારૂ ટીકીટો (પાસ) કાઢી હતી, તે બે જાતની હતી. પેહેલા વર્ગના પાસની કીમત રૂ. પાંચ ને બીજા વર્ગની રૂ. ત્રણ હતી. એ પાસ દશ દીવસ સંગ્રહસ્થાન ખુલ્લું રહ્યું ત્યાં સુધી કામ આપતી હતી. એક પાસથી ઘણા જુદા જુદા માણસો જોઈ શકતા. એ સંગ્રહસ્થાન ઉઘડ્યું ત્યારે ગવરનરે મોટી ભવ્ય દરબાર મંડપમાં ભરી હતી. માણસ તથા વાહનની ગરદી એટલી થઈ હતી કે, એક પોલીસ સ્વારનો ઘોડો ચમક્યો ને તે કઠેરામાં ગુંચવાઇ પડવાથી પગ ભાગ્યો, તેને તરતજ ગોળી મારી પુરો કરવામાં આવ્યો હતો. એજ વખતે મી. કરટીસની જગ્યા પર ડા. બ્યુહલર નીમાવાથી તેઓ ચાર્જ લેવા આવ્યા હતા. મી. કરટીસ પોતાની જગાનો ચાર્જ મને સોંપીને ગયા હતા તેથી મેં ઓફિસનો ચાર્જ આપ્યો. મી. કરટીસના હાથ તળે તથા ડાક્ટર બ્યુલરના હાથ તળે કેવું કામ બજાવેલું તેના દાખલાને સારૂ પરીશીષ્ટ ( ) તથા ( ) માં તેમનાં આપેલાં સરટીકેટોની નકલો છે. સન ૧૮૬૯માં વિશેષ વર્ણન કરવા જેવું નથી, પણ ડાક્ટર બ્યુલરના હાથ નીચે સખત કામ કરવાનું હતું. તે નવા હતા, ગુજરાતીનું સ્વલ્પ જ્ઞાન હતું પણ જાતે મેહેનતુ અને તીક્ષ્ણ બુદ્ધિના હતા તેથી એટલે હાથ તળેનાં માણસો પાસે સખત કામ લેનારા હતા. સન ૧૮૬૯ના વરસમાં પણ શુકલતીર્થની જાતા કરી હતી. ડાક્ટર બ્યુલર આકટીંગ હતા એટલે તેમની બદલી થવાથી તે જગાપર મી કરટીસ બહાલ થયા. તેમની પ્રકૃતિ ચોમાસા (સન ૧૮૭૦) માં બગડવાથી મી. જે. બી, પીલ ડાયરેક્ટર થવાથી, તેમનું ચિત્ત વ્યગ્ર થયું. લોકલફંડના મકાનો બાંધવાનું કામ તેમની પાસે રહેવાથી નાણું રહેવા લાગ્યું તેમાંથી કેટલોક ભાગ ખાનગી વપરાયાથી ઘણીજ ઘેલછા આવી ગઈ, પોતાની જાતને ઈજા કરવા લાગ્યા, માથું ફોડ્યું, ને ગમે તેમ લવવા માંડ્યું. મી. પીલ મારા હસ્તકનાં નાણાંનો હીસાબ માંગશે તો તે કેમ અપાશે? સરકારી નાણું ક્યાં ગયું એવાં એવાં વાક્યો ઉચરે. એ વેળા એ સાહેબનો મુકામ સુરતમાં હતો. મારે જઈ કેટલોક દીલાસો આપવો ૫ડતો, પણ તે સઘળું પાણીમાં જતું. આખરે ઓફિસનો ચાર્જ મારે લેવો પડ્યો ને સાહેબને એમના મડમ વીલાયત લઈ ગયાં. ઓફિસનો ચાર્જ ૧૩ સપટેમ્બર સને ૧૮૭૦ થી તા. ૫ નોવેમ્બર સને ૧૮૭૦ લગી રહ્યો ને પછી ડાક્ટર બ્યુલર પછી પાછા કાયમ નીમાઈને આવ્યા. સન ૧૮૭૦ની સાલમાં બે વાર અમદાવાદ જવું પડેલું. જુલાઈમાં બજેટ સારૂ તથા અકટોબરમાં ટ્રેનીંગ કોલેજની પરીક્ષા સારૂ. કરટીસ ટેસ્ટીમોનીઅલ ફંડ ઉભું કર્યું, એજ વરસમાં, તેમાં રૂ. ૨૫) આપવા પડ્યા હતા ને તે સઘળો અવેજ એમની મડમને મોકલવામાં આવ્યો હતો. સન ૧૮૬૯ના નવેમ્બરમાં ડીરેક્ટર મા. પીલ સાહેબે મને ગુજરાતી બુક કમીટીનો એક મેંબર નીમ્યો, તે ઓદ્ધો સરકારી નોકરી છોડ્યા પછી પણ મી. જાઇલ્સની ભલામણથી જારી રાખ્યો છે. સન ૧૮૬૮ના વરસમાં મી. કરટીસે મને સૂચના કરી કે ઇંગ્લંડનો ઈતિહાસ ગુજરાતી ભાષામાં નથી તે પુસ્તક તારે તૈયાર કરવું. તે પરથી એમની ભલામણ મુજબ ડેવીસ કૃત ઈંગ્લંડનો ઈતિહાસ બાપે દીકરા પર લખેલા પત્રના રૂપમાં છે, તેનું ધેારણ પકડી તથા કેટલોક વધારો ઘટાડો કરી પુસ્તક કર્યું. અને જ્યારે મી. કરટીસ ઈંગ્લંડ સન ૧૮૬૮–૬૯માં ગયા ત્યારે તેમને તપાસવા આપ્યું હતું. તેમણે તપાસીને પોતાના સારા અભિપ્રાય સાથે તથા કેટલોક સુધારો કરવાની સૂચના સાથે એડનથી મારા ઉપર તે પાછું મોકલ્યું, પીલ સાહેબ ડીરેક્ટર થયા ત્યારે તે છપાવાને અરજ કરેલી. તે ૫રથી તુંમારો તથા લખાણ ચાલતાં સન ૧૮૭૩માં અંત આવ્યો. સરકારે તે ગ્રંથ લઈને પોતાને માથે છાપવાની ના કહી. પણ જો હું મારે જોખમે છપાવું તો સરકાર તે પુસ્તકની કેટલીક પ્રત લાઈબ્રેરી સારૂ રાખશે તથા નિશાળોમાં ઈનામોમાં વાપરવા પરવાનગી આપશે એમ જણાવ્યું. સરકારે તો ફક્ત ૧૭૦ નકલ રાખી. પણ ઈનામ વગેરે કામ સારૂ ખરીદવામાં આવીને હજાર બીજી નકલ પૂરી થઈ એની કીમત રૂ. ૧) રાખી હતી ને બાળબોધ અક્ષરે છાપી હતી. હવે તેમાંની શોધી નકલ જડતી નથી. સન ૧૮૭૦ના સપટેંબર તા. ૧૫થી ઇન્સ્પેક્ટરની ઓફીસનો ચાર્જ મારી પાસે હોવાથી અકટોબરમાં તા. ૧ થી તા. ૨૨ સુધી ગુજરાત ટ્રેનીંગ કોલેજની વાર્ષિક પરીક્ષા લેવા સારૂ અમદાવાદમાં રહેવું પડ્યું. તે વેળા મુકામ પણ કોલેજની ઇમારતમાંજ રાખ્યો હતો. સને ૧૮૭૧ના એપ્રિલની તા. ૧ થી મારા પગારમાં રૂ. ૨૫) નો વધારો થયો એટલે રૂ. ૧૭૫) ને બદલે રૂ. ૨૦૦) મળવા લાગ્યા.[2] પોતાના સમયના કેળવણીકારો તેમજ પ્રખ્યાત સાહિત્ય રસિકો સાથે એમને સારો સંબંધ હતો ને એ સંબંધ એમના સ્વર્ગવાસ સુધી ચાલુ રહ્યો હતો. બુદ્ધિવર્ધક સભાના સભ્યો, વાંચન પાઠમાળાના એમના સહકાર્યકરો, ઉપરાંત કવિ નર્મદ જેવા અન્ય વિદ્વાનો સાથે પણ એમને સંબંધ હતો. સુરતની પાસે આવેલા અડાજણ ગામની નિશાળ કવિ નર્મદાશંકરને હાથે એમણે ખુલ્લી મુકાવી હતી.[3] કવિ નર્મદાશંકર એમને તથા એમના પિતા વિષે નીચે પ્રમાણે પોતાના ધર્મવિચારમાં જણાવે છેઃ— પ્રથમ ચો૫ડીઓ અને મહેતાજીઓ તૈયાર કરવામાં, ને નિશાળો થયા ૫છી વ્યવસ્થા તથા વૃદ્ધિને અર્થે શ્રમ લીધો જેણે, તે ભરૂચના મોઢવાણીઆ રણછોડદાસને અમે આરંભ કાળનો ગુજરાતની પ્રસિદ્ધિનો પહેલો પુરૂષ કહીશું. તેનાજ ભણાવેલા દુર્ગારામ મહેતાજીએ મંત્રાદિક તથા પુનર્લગ્ન સંબંધી સુધારાના વિચાર પોતાની નગ્રીના લોકોમાં ચર્ચાતા કીધા ને પ્રજાકામ સરકારના સંબંધમાં મરતાં સુધી કીધાં. રણછોડદાસના મોટા દીકરા મોહનલાલે બુદ્ધિવર્ધક સભાના પહેલા સમયમાં સારાં સારાં ભાષણ કર્યાં હતાં. તે નાના દીકરા મનમોહનદાસ તે હમણાં ભરૂચની પ્રાર્થના સમાજમાં કવિતા વાણીએ પ્રાર્થના તથા ભાષણો કરે છે. રણછોડદાસને પોતાને વેદાંતના ગ્રંથો વાંચવા પર પ્રીતિ હતી એવી અમારી સ્મૃતિ છે. સુરતના મર્હૂમ સુપ્રસિદ્ધ વકીલ કાળાભાઈ ગુજરાત તેમજ મુંબાઇના નામાંકિત પુરૂષોના સંસર્ગમાં ઘણા આવેલા તેઓએ રા.બા. મોહનલાલભાઈ માટે નીચેની હકીક્ત જણાવી હતી. મી. કાળાભાઈ જ્યારે પાંચ વર્ષના હતા ત્યારે એમના પિતા લલ્લુભાઈ મુનસફે રા. બા. મોહનલાલને એક મ્હોટી Tea-Party આપેલી (ચાહા પાણીનો મેળાવડો કરેલો.) આજે એવા મેળાવડા સાધારણ છે ૫રંતુ તે કાળમાં એવા મેળાવડા ક્વચિત્ જ થતા જે અસાધારણ ગણાતા હોવાથી તેને બહુ મહત્ત્વ અપાતું. એ મેળાવડા સમયે રા. બા. મોહનલાલે જે પ્યાલા રકાબી વાપરેલાં તે કુટુંબમાં સ્મરણ ચિન્હ તરીકે એમણે જાળવી રાખેલાં. એ મેળાવડાના મહત્ત્વનું એક બીજું પણ કારણ એ હતું કે તેમાં નાહાનાં છોકરાંને શિખવવા માટે એક નિશાળ (Infant School) કાઢવાનો વિચાર થયેલો ને ત્યાંને ત્યાંજ એ બાબતની એક કમીટી નક્કી થઈ જેના સરનશીન રા. બા. મોહનલાલ હતા અને મી. મોતીરામ ભગુભાઈ તથા રા. લલ્લુભાઈ મુનસફ સેક્રેટરી હતા. મોતીરામ પ્રાણજીવનદાસ, નાનાભાઈ હરીદાસ, મહીપતરામ રૂપરામ, લલ્લુભાઈ કેશવલાલ અને કહાનદાસ મંછારામ મેમ્બર હતા. દર મહીને નીચલા સદ્ગૃહસ્થો તરફથી નાણાની મદદ મળતી. જેથી એ સ્કુલ ચાલતી. મીર જાફર અલીખાન, મુલ્લાંજી સાહેબ, શેઠ બમનજી ભાવનગરી, આત્મારામ ભુખણવાળા, શેઠ મંછુભાઈ દીવાનજી મીઠારામ દયારામ, શેઠ ચુનીભાઈ ચકા વગેરે. મીસીસ હેન્નરી હોબાર્ટની પણ એમાં મદદ હતી (સન ૧૮૫૪–૫૫). ગોપીપરામાં અસલ જે જગાએ થીઓસોફીકલ સોસાઇટીનું મકાન હતું ત્યાં એ સ્કુલ બેસતી, અને મી. જટાશંકર નામના એક નોરમલ સ્કોલરને રા. બા. મોહનલાલની ભલામણથી માસ્તર નીમવામાં આવ્યો હતો. મી. કાળાભાઈ એમનાં બ્હેન તથા ઠાકોરદાસ ચુનીભાઇ ચકાએ સ્કૂલના પહેલા બાળ નિશાળીઆ હતા. કીંડર ગાર્ટનની રૂઢી મુજબનાં મોડલ તથા મણકાનાં ફ્રેમ, પીકચરો વગેરેની મદદથી ત્યાં મગજની કેળવણી શરૂ કરવામાં આવતી. કીંડર ગાર્ટનની પદ્ધતિનું મૂળ તે વખતથીજ રા. બા. મોહનલાલના પ્રયાસથી રોપાયલું એમ આ ઉપરથી જણાય છે. રા. લલ્લુભાઈની મુંબઈ સદર દીવાની અદાલતમાં બદલી થઈ ત્યાં સૂધી એ શાળા ચાલી. પછી ૧૮૫૭માં મી. મોતીરામ ભગુભાઈના હાથમાં ચાર્જ આવ્યો. જેમણે બધો સામાન તથા શાળાને બક્ષીસ મળેલું ઘડીઆળ પણ વેચી નાંખ્યાં. મોડેલ, પીકચર વગેરેનો કેવી રીતે ઉપયોગ કરવો તે બતાવવા રા. બા. મોહનલાલ વારંવાર એ શાળામાં જતા. એમને ગુજરાતી, મરાઠી, અંગ્રેજી, સંસ્કૃત, ઊર્દૂ ભાષાઓનું સારૂં જ્ઞાન હતું. ઉર્દૂ ભાષા તો પોતાના ઓદ્ધાને અંગે શીખવી ૫ડેલી. સુરતમાં ઊર્દૂ શાળાઓ હતી. તે તપાસવાનું કામ પણ એમને માથે હતું. આજની માફક તે સમયમાં દરેક જીલ્લામાં સંખ્યાબંધ ડેપ્યુટીઓ ન હતા. એમના આત્મકથન ૫રથી જણાશે કે એમને એકલે હાથે કેટલી બધી શાળાઓ તપાસવી પડતી હતી. પોતાના ઓદ્ધાને અંગે જેટલું જેટલું જાણવાનું તથા શીખવાનું આવશ્યક લાગે તેટલું શીખી લેવું એ હેતુથી ઉર્દૂનો અભ્યાસ કરેલો. એમનું સામાન્ય જ્ઞાન પણ ઘણુંજ ઉંચા પ્રકારનું હતું. ગણીતમાં તો આજે જે ધારણ M. A.મા છે ત્યાં સૂધીનો એમનો બીજ ગણીતનો અભ્યાસ હતો. પદાર્થ વિજ્ઞાનમાં પણ Newton’sના Principiaનો એમનો સારો અભ્યાસ હતો. એમની લાઇબ્રેરીમાંના પુસ્તકોની યાદી પરથી જણાય છે કે ગુજરાતી–અંગ્રેજી ચો૫ડીઓ ઉપરાંત એમાં મરાઠી ચો૫ડીઓ પણ સારી સંખ્યામાં હતી. સ્વભાવે એઓ શાંત, સદા હસ્તા મહોડાના, કસાએલા શરીરના, કુટુંબ પ્રેમી હતા એટલુંજ નહીં પણ હાથ નીચેના માણસો પ્રત્યે પણ વાત્સલ્ય ભાવ રાખતા. જુના નોકરો સરદારખાં તથા શીવજી નામે હતા તેમના પર ઠેઠના ઠેઠ સૂધી ભાવ રાખેલો એટલુંજ નહીં પણ તેમના ગંભીર દોષો પ્રત્યે પણ ઉદાર ભાવથી જોતા. એમનો સ્વભાવ એટલો શાંત તથા મનનું એકાગ્રપણું એવું સરસ હતું કે એઓ લખતા વાંચતા હોય ત્યાં છોકરાઓ તોફાન કરે, બુમ બરાડા પાડે પણ તેથી કોઈ દિવસ પણ છોકરાઓ પર ગુસ્સે થતા નહીં. સુરત જીલ્લા પરત્વે તે એમની લોકપ્રીયતા એટલી હતી કે આજે પણ કોઇ કોઇ ખુણેથી “ડેપ્યુટી”ના ઓદ્ધાનું નામ “મોહોલાલ” કોઇ વૃદ્ધ પુરૂષને મહોડેથી સાંભળવામાં આવે છે. એમના મૃત્યુનો શોક દર્શાવવા ભરૂચના શહેરીઓની મળેલી સભામાં થયલા ઠરાવમાંના “પેન્શન લીધા પછી અમારા શહેરના દરેક જાહેર કામમાં અગ્ર ભાગ લઇ શહેરની સારી સેવા બજાવી છે.” શબ્દો એમની, શહેરી તરીકેની કાર્કિદી દર્શાવે છે.
એમની કૃતિઓ :
૧ દેશાટણ.
૨ રસાયન શાસ્ત્ર,
(૭ ભાષણોની હારમાળા)
૩ સ્ત્રી કેળવણી.
૪. ઇલેક્ટ્રિક ટેલીગ્રાફ
(વીજળીના કાસદ) (ભાષણોની હારમાળા)
૫ ડંકપૂર મહાત્મ.
૬ અખેગીતા.
૭ વલ્લભકૂળના ગરબા.
૮ ચોરાસી વૈષ્ણવની વાર્ત્તા.
૯ નીતિબોધ કથા,
૧૦ મરેઠી બખર. બે ભાગ (સં. ૧૯૧૧)
૧૧ એશીઆ ખંડની ભૂગોળની સમજુતી.
૧૨ ઈંગ્લાડનો સંક્ષિપ્ત ઇતિહાસ.
આ સિવાય નીચેનાં પુસ્તકો સુધારીવધારી એમણે પ્રસિદ્ધ કરેલાં–
દેશી હિસાબ.
ગુજરાતી–અંગ્રેજી કોષ–કરસનદાસ મૂળજીકૃત.
બુદ્ધિવર્ધક સભાના ગરબા પણ એમણે છપાવી પ્રસિદ્ધ કર્યા હતા.
પાદટીપ :
- ↑ હટ્ટનકૃત ગણીતશાસ્ત્ર પરથી ભાષાંતર કરીને એ ગ્રંથો રચેલા હતા.
- ↑ મુંબઇના અઠવાડીક પત્ર “ગુજરાતી" માં સને ૧૯૦૮ ની સાલમાં આ આત્મકથન પ્રસિદ્ધ થએલું; તે રા. બા. મોહનલાલને પોતાને હાથે જ લખાએલું હોવાથી પ્રસિદ્ધ કર્યું છે. ત્યારબાદનો અહેવાલ એમના કુટુંબ તરફથી મળ્યો છે.
- ↑ એ શાળા ખુલ્લી મુકતી વખતે જોડવામાં આવેલા દોહરાનું અર્ધપદ નીચે મુજબનું મળી આવે છેઃ
“ધન્ય અડાજણ ગામને, ધન્ય અહિંના લોક.”
Lua error in package.lua at line 80: module ‘strict’ not found.