ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૪/રણછોડદાસ ગીરધરભાઇનું જન્મ ચરિત્ર

From Ekatra Foundation
Jump to navigation Jump to search
રણછોડદાસ ગીરધરભાઈનું જન્મચરિત્ર[1]

ઝવેરીના મૂળ પુરૂષ.

આસરે ઈ. સ. ૧૬૨૦ની સાલમાં અમદાવાદથી ભરૂચ આવી રહ્યા.

Granth ane Granthkar Part 4 Inage 1.png

જે પુરૂષનું જન્મચરિત્ર લખવાનો પ્રયત્ન કરૂં છું, તેનો જન્મ સંવત ૧૮૬૦ કારતક શુદ ૧ વાર રવીને દીવસે થયો હતો. એ દિવસ હિંદુઓમાં ઘણો મોટો તેહેવાર ગણાય છે. કારણ ઈંદ્રની પુજા વૃજમાં લોકો કરતા હતા તે બદલીને કૃષ્ણે ગીરીરાજની પુજા દાખલ કરી ને એ મોટો અનકુટના ઓછવનો દહાડો વિષ્ણુમારગી કરે છે. અને સારી રીતે સામગ્રી તૈયાર કરીને ઠાકોરજીને ધરે છે. જેવો એ દિવસ યશસ્વી ગણાય છે તેવોજ એ દહાડે જન્મ પામેલા રણછોડદાસ પણ યશસ્વી નીવડ્યા હતા. એનું મોસાળપક્ષ પણ સારા પ્રખ્યાત કુળનું ગણાતું હતું. તે કુલના પુરૂષો ભાવનગરના રાજ્યમાં સારા નામીચા કારભારી ગણાતા હતા. એમના માતૃપક્ષનું વૃક્ષ નીચે દરશાવેલું છે.

Granth ane Granthkar Part 4 Inage 2.png

ઇ. સ. ૧૮૦૩ના વરસમાં એ પુરૂષનો જન્મ થયો. તે વરસ પણ ઇતિહાસમાં પંકાએલું છે. કેમકે બ્રીટીશ સરકારે એજ વરસમાં આગષ્ટની તા. ૨૯ મીએ સીંધીઆ પાસેથી ભરૂચ શેહેર લડીને જીતી લીધું હતું. નદીને રસ્તે બે વહાણોમાં સૈન્ય તથા તોપો લાવી પશ્ચિમ દિશપરથી એટલે કુંભારીઆ ઢોળપર તોપનો મોરચો બાંધી ભરૂચ શેહેરના મજબુત કોટમાં ગબાર પાડી ત્યાંથી લશ્કર શેહેરમાં દાખલ થયું ને અંગ્રેજ સરકારનો વાવટો કીલ્લાપર ફરકવા લાગ્યો. તે વરસથી આજસુધી ભરૂચની પ્રજા બ્રીટીશ સરકારના રાજ્યનો લાભ ભોગવે છે. મુખ્ય લાભ વિદ્યાવૃદ્ધિનો છે. ગુજરાતમાંથી કેળવણીખાતામાં એજ પુરૂષ જેનું આ જન્મ ચરિત્ર લખું છું તે પ્રથમજ જોડાયા ને પોતાના તનમનથી શ્રમ લઈને ગુજરાતમાં વિદ્યાનો ફેલાવો કર્યો. એક મોટો સરકારી કેળવણીખાતાનો ઇન્સ્પેકટર એ પુરૂષને “Father of Education in Gujarat” એટલે ગુજરાતની કેળવણી ખાતાનો પિતા એવી ઉપમા આપી ગયો છે, તે કેટલેક દરજ્જે ખરૂં છે એવું આ જન્મચરિત્ર વાંચવાપથી જણાશે. એ પુરૂષની કેળવણી વિશે તથા એમના ભાગ્યોદય વિશે વર્ણન કરતાં પહેલાં તેમાં જે સાધન ને સહાય રૂપ એમના પિતા તેમનું થોડુંક વૃતાંત લખવાની જરૂર છે. એમની માતોશ્રી એમને બાળપણમાં એટલે આશરે ( ) વરસની ઉમરે મુકીને મરણ પામ્યાં હતાં. માટે સારી આરોગ્યતા રાખવાનું તથા સદાચાર શીખવવાનું તથા કેળવણી આપવા વગેરેનું કામ એમના પિતા ગીરધરભાઈનેજ કરવું પડ્યું હતું. તેમના હસ્તગમાં રહી ધૈર્યવાન સદ્‌ગુણી, ને વિદ્વાન થયા હતા, એ કુશળતા પોતાના પિતા થકી જ એમને મળી હતી. જે ઝવેરી કુટુંબમાં ગીરધરભાઈનો જન્મ સંવત ૧૮૩૩ માં થયો હતો તે ઘણી સારી સ્થિતિમાં નહોતું. કુટુંબમાં માણસો ઘણાં હતાં પણ તેમાં કોઈ પરાક્રમી ધન્ધા કે રોજગારમાં કુશળ ન હોવાથી પોષણ ઘણી મુશ્કેલીથી ચાલતું હતું. કુટુંબમાં ચાર ભાઈ, એક બેહેન, ચાર ભાઈઓની વહુઓ તથા વૃદ્ધ માતા, તથા ભાઇઓનાં છોકરાં મળી પંદર વીશ માણસો હતાં. રેવાજી જવાના ઢોળાવપર સાંકડા એક માળવાળા ઘરમાં કે જેનું ક્ષેત્રફળ પરાકાષ્ટાએ ૩૦૦ ચો. ફૂ. થાય તેમાં રહેતાં ને ગરીબી હાલતથી ગુજરાન ચલાવતાં. ગીરધરભાઈના મોટાભાઈ કકુભાઈ નામે હતા. તે એક વેપારી મારફતીઆને ત્યાં ગુમાસ્તા રહેતા ને (વારસિક) સો સવાસો રૂા. કમાય તેપર સૌનો ઉદર નિરવાહ ચાલતો હતો. એમના પિતા ભક્તિદાસ પણ ઘણી સારી સ્થિતિમાં કે ધનવાન નહોતા. તે પોતાના દીકરાઓને નાની ઉંમરમાં મુકી મરણ પામ્યા હતા. પોતાના મોટાભાઈને કુટુંબનું પોષણ કરવામાં સહાયભૂત થવાને ગીરધરભાઇએ નાની ઉંમરથીજ ઉદ્યોગ કરવા માંડ્યો. ભરૂચમાં સન ૧૮૬૦ પહેલાં બદામોનું ચલણ હતું. બદામો પૈસાની પચાશ એકાવન ચાલતી. એટલે દુકાનદારોને ત્યાંથી પચાસ કરતાં વધારે ભાવની બદામો વેચાતી લે ને તે બીજા લોકોને ચાલુ ભાવથી આપે એટલે સાંજ લગીમાં કામ કરનારો આનો બે આના કમાય. એ રોજગાર કરવામાં રખડાટ ઘણો હતો પણ ગીરધરભાઈ તેવું કામ કરીને પૈસા લાવી પોતાના ભાઇને મદદ કરે. તેમ કરતાં થોડાંક નાણાની રકમ સંગ્રહ કરી સુતરીઆનો રોજગાર કરવા લાગ્યા એટલે સુતર કાંતનારીઓ પાસે સુતર ખરીદ કરી વણકરોને ત્યાં વેચે. તે વખતમાં એ રોજગાર સારો હતો. કેમકે તે દહાડે આજના સમય જેવાં વરાળયંત્રથી ચાલનારાં સુતર કાપડનાં કારખાનાં ન હતાં, તથા ભરૂચનો વણાટ સારો પંકાતો ને તેમાં બનેલો માલ બહાર દેશાવર ખાતે જતો. એવા ધંધા કરતાં ઉદરનીરવાહનું કામ ચાલવા લાગ્યું. ગીરધરભાઈ ઘણા તીવ્ર બુદ્ધિવાળા હતા તથા સદાચરણી પુરૂષોમાં તેમનો સમાગમ ઘણો રહેતો તેથી જૈનમારગી ગોરજીઓની તથા એવાજ બીજા કેટલાક સાધુઓની સંગતથી શુદ્ધ લખવાનો તથા બોલવાનો સારો અભ્યાસ થયો. દેવનાગરી લીપી તથા ગુજરાતી લેખ ઘણો સુંદર તેમને હાથ લાગ્યો તેમજ તે પુરૂષોની સોબતથી વિચાર પણ ઘણા ઉંચી તરેહના એમના મનમાં ઠસવા લાગ્યા. આ જગાએ મારે કહ્યા વગર છુટકો નથી કે ગીરધરભાઈના વડીલ ભાઈ કકુભાઈ ઘણા દેવભોળા તથા મૂર્તિપુજાપર ઘણું શ્રધ્ધાવાળા હતા. તે પોતાનો ઘણો કાળ દરરોજ પાઠપુજા કરવામાં તથા ભરૂચ શહેરનાં ઘણા દેવાલયોમાં મૂર્તિઓનાં દરશન કરવામાં કાહાડતા તથા જાદુમંત્ર વગેરે ખરા અંતઃકરણથી માનતા. પણ એ જાતે પોતે એક ઇશ્વરને માનતા. લોકોમાં ચાલતા અનેક પ્રકારના ખોટા વહેમોને જરાપણ માન આપતા નહીં. હીંદુ શાસ્ત્રનું ખરૂં તત્વ સમજતા ને તે પ્રમાણે વરતતા. તેમને સારા સાધુના સમાગમવાળા સારા સારા માણસો સાથે ઓળખાણ થઇ ને તે તેમને ઘણી ખ૫ લાગી. એમના બા૫ ભગતીદાસ ભરૂચ શેહેરના આગલા નામીચા હકિમ લલુભાઈને ત્યાં નોકર હતા તેને એકવાર દુકાળના વરસમાં લલુભાઈએ અનાજના કોઠારનું કામ સોંપ્યું કે આ અનાજમાંથી ગરીબ ભૂખે ભરતા લોકોને અનાજ મફત ભીખ દાખલ આપવું. તે વેળા એ ભગતીદાસના પ્રમાણિકપણા વિશે એવી વાત જાણવામાં આવી છે કે પોતાની ગરીબી હાલત છતાં પણ સરકારી કોઠારમાંથી પોતાના કુટુંબના ઉપયેાગને સારૂ અન્ન લાવતા નહી. પણ તેને બદલે પોતાની ધરમવાસના એવી રીતે દેખાડતા કે પોતાને ઘેરથી સવારે કોઠારે જાય ત્યારે શેર જુવાર પોતાના ઠેપાડાને છેડે બાધી લઇ જાય તે પેલા અનાજના ઢગલા પડ્યા હોય તેમાં તે નાંખી દે અને એમ બોલે કે “લલુનું મણ તથા મારૂં કણ,” મતલબ કે લલુભાઇ તરફથી કોઈને મણ અનાજ મળશે તો તેમાં ધરમાદા દાખલ મારૂં એક કણ પણ જશે તો ખરૂં. એ ભગતીદાસના ઓળખાણને લીધે તથા પોતાના સારા ગુજરાતી બાળબોધ લેખને લીધે એ ગીરધરભાઇ ઉપર લલુભાઇની મમતા ચોંટી ને પોતાને ત્યાં આવવા જવાની પરવાનગી એમને આપી. એવું કહે છે કે લલુભાઇને જ્યારે સીંધીઆ સરકારે પાવાગઢ ઉપર કેદ મોકલ્યા હતા ત્યારે તે જતી વખત પોતાના માણસોને એમ કહી ગયા હતા કે ‘આ ગીરધરના હાથનો લખેલો કાગળ મોકલશો તો તે મારાથી વંચાશે; બીજા કોઈના લખેલા કાગળો મોકલશો તો તે મારાથી વંચાશે નહિ.’ એવી મમતા ચોંટવા પરથી તેનો લાભ લલુભાઇએ સારી પેઠે ગીરધરભાઇને વાળી આપ્યો. મજમુદાર બીજાભાઇ જે લલુભાઈના મિત્ર હતા તે ઘણા પૈસાદાર હતા. તેમનો એક પુત્ર પ્રાણનાથભાઈ કરીને હતો, એ મજમુદારને લલુભાઈએ સલાહ આપી કે તમે આ તરૂણ પુરૂષ ગીરધરભાઈ જે આપણી ન્યાતનો છે તથા ઘણો વિચીક્ષણ, બુદ્ધીમાન. ને પ્રમાણિક છે તેને ગુમાસ્તો રાખી તમારાં નાણાંનો ઉપયોગ વેપાર રોજગારમાં કરો. એ સલાહ બીજા ભાઈએ માન્ય કરી ત્યારથી ગીરધરભાઇનું નસીબ તેમની સાથે સંવત [ ] ના વરસમાં જોડાયું, એ દુકાન પ્રાણનાથ બીજાભાઇના નામથી પોતે મુનીમ દાખલ રહીને ગીરધરભાઇએ ચલાવી. તેમાં અનેક પ્રકારના રોજગાર કર્યા. શરાફી રોજગાર નાણાવટી તથા હુંડિયામણ વગેરેનો, તેમજ મારફતીઆનો એટલે કરીયાણું ખાંડ વગેરે માલ દેશાવરથી મંગાવવો તથા દેશાવર ચડાવવો. રૂનો ધંધો પણ કર્યો. તેમાં કપાસ લોઢવાના આડ માંડતા અને રૂ મુંબાઇ ચડાવતા. લેણદેણનો રેાજગાર તે વખતમાં સારો હતો તે પણ ચલાવા માંડ્યો. પરગણામાં તથા શેહેરમાં તથા દેશાવરમાં “પ્રાણનાથ બીજાભાઈની” પેઢી પંકાઈ ગઈ. ને તેમાં લાભ પણ સારો પ્રાપ્ત કર્યો. આરંભે મુનીમ દાખલ રહી કામ કરવાથી બીજાભાઈ ઘણા રાજી થયા તેથી ગીરધરભાઇને પ્રાણનાથનો પંત્યાળો રોજગાર ચાલવાની ગોઠવણ કરી. એ પેઢી વરસ લગી ચાલી. અને પ્રાણનાથભાઈ મરણ પામ્યા પછી તેમના પિત્રાઈ ભાઈ રઘુભાઈ જે તેમના વારસ થયા તેમણે થોડી મુદત ચલાવી ને અંતે રઘુભાઈના મૃત્યુ પછી બંધ પડી. ત્યારબાદ ગીરધરભાઇ [ ] વરસ જીવ્યા ને સંવત ૧૯૧૨ના ભાદરવા વદ ૧૩ ને રોજ [ ] વરસની ઉંમરે મરણ પામ્યા. ગીરધરભાઇ પિંડપોષક નહોતા પણ કુળપોષક હતા. પોતાનો ભાગ્યોદય થયા પછી પોતાના મોટાભાઈની તેમણે ઘણી સારી રીતે બરદાસ કરી હતી. કારણ તેમના શેઠની દુકાન ભાગ્યા પછી તે છેક બેરોજગારી થયા હતા તેથી તેમને જે આશ્રયની અગત્ય હતી તે પોતાના ભાઈ તરફથી મળી. તેમનું ઘર બંધાવી આપ્યું તથા કકુભાઈને એકજ પુત્ર જે મોટી ઉમરે એટલે પચાસ વરસે થયો હતો તેને ભણાવી ગણાવી પાવરધો કીધો ને ધંધે લગાડ્યો. પોતાના બીજા ભાઇ પરભુદાસનું સંરક્ષણ કર્યું એટલુંજ નહીં પણ તે મુવા પછી તેમની ધણીયાણી તથા દીકરીને પાળી. દીકરી પરણાવીને તેને છોકરાં થયાં. છેક કનિષ્ટ બંધુ વિજભુખણદાસ હતા. તેમને પણ સારી રીતે બરદાસથી ઉછેરી વકીલાતની પરીક્ષા અપાવી, ને ધંધો શીખવ્યો. તે પણ સારા સમૃદ્ધીવાન પછવાડેથી થયા. અંગ્રેજ સરકારે પ્રથમ તે વખતે સ્ટાંપના કાગળ કાહાડ્યા હતા. ભરૂચની રૈયતે સંપ કીધો કે એ કાગળ કોઇએ દસ્તાવેજના કામમાં વાપરવા નહીં. વીજભુખણદાસ જાતે વકીલ હતા તેણે હીમત ચલાવી ને કાગળનો ઉપયોગ કર્યો તેથી લોકટોળે મળી તેનો જીવ લેવા તૈયાર થએલો એ ખબર ગીરધરભાઇને પડવાથી તરત તેની મદદે ગયા ને લોકને સમજાવી તે સંકટમાંથી પોતાના ભાઈને કષ્ટમાંથી દુર કર્યો. એ પરથી ગીરધરભાઈની સમયસૂચકતા તથા ભ્રાતૃભાવ જણાઈ આવે છે. એ સદ્‌ગૃસ્થ પોતાના કુટુંબની સંભાળ લેતા એટલુંજ નહીં પણ મિત્રમંડળની તેમજ પોતાના તાબાના નોકરો કે દેણદાર આસામીઓની પણ બરદાશ કરતા. વખતોવખત અનાજ ફસલ ભરાવી આપતા તથા તેમના શુભાશુભ કાર્ય વેળાએ પણ સારી તપાસ રાખતા. વેપારી મંડળમાં સારી પ્રતિષ્ઠા હતી. ઘણા લોકો એમના અનુભવનો લાભ મેળવવા સલાહ પુછવા આવતા અને કજીઆ કંકાસનું સમાધાન કરવા પાછળ ઘણી કાળજી રાખતા. અગર એમના મોટાભાઈ કકુભાઈની પેઠે એમણે ધર્મને બહાને પ્રવાસ કરેલો જણાતો નથી તોપણ પ્રવાસમાં એમની ચંચળાઇ ને ખબડદારીનો એક દાખલો જાણવામાં આવ્યો છે. એ પોતાના શેઠ પ્રાણનાથ બીજાભાઈને પરણાવા સારૂ બરાત લઈને ભાવનગર તાબાના સાવરકુંડલા ગામ તરફ જવા સારૂ ભરૂચથી નીકળ્યા. તે વેળા શેઠના પીત્રાઈ વરગની સ્ત્રીઓએ ઘણુંક જેવર સાથે રાખ્યું હતું. મહી નદી ઉતરતાં જે ગાડામાં તે સ્ત્રીઓ બેઠેલી હતી તેને અકસ્માત થવાથી તે ઉધું વળ્યું ને પોટલાં પાણીમાં પડ્યાં. તે વેળા એક ગાડાવાળો પેલો જેવરવાળો દાબડો પાણીમાંથી કહાડી લઈ ચાલતો થયો ને એક ઘાસના ગાડામાં સંતાડયો. સ્ત્રીઓએ પાણીમાંથી બહાર નીકળી પોટલાં તપાસ્યાં તો જેવરનો દાબડો ન મળ્યો તેથી રડાપીટ કરવા માંડી. આ બાબતની ખબર ગીરધરભાઈને થતાંજ તેમણે પોતાના માણસોની ચોકી નદીના કીનારાપર તથા રસ્તાપર મુકી દીધી અને પોતાના એક પુત્રને તથા ગુમાસ્તાને ઘોડા આપી પાસેના ગામમાં ગાયકવાડી થાણું હતું ત્યાં થાણદારને જાહેર કરી મદત માગવા અરજ કરવાને મોકલવા સારૂ તૈયાર કર્યા. તે દાબડો પેલા ગાડીવાળાથી ન જેરવાયો એટલે તેણે આવી જાહેર કર્યું કે તમારો જેવરનો દાબડો અનામત હાથ લાગે તો મને શું આપશો. તેને જવાબ મળ્યો કે આ સોનાનો વેહેડ રૂ. ૫૦) નો છે તે મળશે. એટલે પછી ગાડીના ઝાડા લેતાં તે ગાડીવાળાએજ દાબડો રજુ કર્યો. આ દાખલો આપવાની મતલબ એટલીજ છે કે અગાઉના વખતમાં મહીકાંઠાપર કોળી ને લુંટારાનો કેટલો ડર હતો તે સૌને જાણીતો છે. તેવા સમયમાં હીમત રાખી સાવચેતીથી તપાસ મહીકાંઠા૫રજ કરવી એ સહેલું કામ ન ગણાય. ગીરધરભાઇના શેઠ પ્રાણનાથભાઈ ત્રીજીવાર પરણવાને સુરત જવાની તૈયારીમાં હતા તેવામાં તેમનું અકાળ મૃત્યુ થવાથી સઘળો દુકાન સંબંધીનો કારભાર તથા તેમની મીલક્ત જેવર સીલક વગેરે તેમના પીત્રાઈ ભાઈ વારસ રધુભાઈના હસ્તકમાં ગયું. શેઠની હવેલીમાં ચોરી થઈ તેમાં વારસામાં મળેલું સઘળું જેવર (આશરે બાર હજારનું) ચોરાયું. એ વખત ગીરધરભાઈનું દૈવ પાધરૂં કે તે પરગણામાં ઉઘરાણી ગયા હતા. શેહેરમાં નહીં તેમજ હવેલીમાં તથા દુકાનમાં પણ તે હાજર નહોતા. રઘુભાઈની બુદ્ધિ ફેરવવાને તથા ગીરધરભાઈ ઉપર શક લઈ જઈ સરકારમાં જાહેર કરી તેમના ઘરના ઝાડા લેવાને કેટલાક તેમના સગાઓએ સલાહ આપી. રઘુભાઈનું ડોળ જોઇને તથા તેમની વિચિત્ર બોલવાની ઢપ ઉપરથી કોઇને એવો વેહેમ કે તે કમઅકલ આદમી છે. પણ વાસ્તવિક તેમ નહોતું. તે ઘણા વિચારશીલ ને સમજુ માણસ હતા. તેથી તેમણે પેલા નીંદાખોરોની વાત સાચી ન માની ને તેમને એેવો ઉત્તર દીધો કે ગીરધરભાઈ એવા પ્રપંચી પુરૂષ નથી. તે પ્રમાણિક છે ને એવું કામ કદાપિ કરે નહીં માટે મારે એના ઘરનો ઝાડો લેવડાવવો નથી. મારા નસીબમાંથી એટલું દ્રવ્ય ઉતર્યું ને ગયું. પરગણામાં ગીરધરભાઈને ખબર પડવાથી તે શહેરમાં આવ્યા ને પેશગેબત તપાસ ચલાવતાં એ કામ મરનાર શેઠના જુના રસોઇઆ તથા ચાકરનું છે તેવી બાતમી લાગવાથી ઘણી યુક્તિથી તજવીજ ચલાવતાં તેજ ચાકરથી ૫ત્તો મળ્યો કે ચોરાયલું ઘરેણું રસોઈઆની ઓરડી દશાશ્વમેધની ધર્મશાળામાં હતી ત્યાં સંતાડેલું છે. ને ભટનો પગ ભોગજોગે ભાગેલો તેથી તેનાથી ચલાતું નહોતું. માટે તેની પાસે તેની ઓરડીની કુંચી મેળવી પોતાના શેઠ રઘુભાઈને તથા તેના એક વિશ્વાસુ માણસને સાથે લઈ ગીરધરભાઇએ પાછલી રાત્રે દશાશ્વમેધ પર જઈ તે કોટડી ઉઘાડી તેમાં તપાસ કરી પણ કાંઈ દીઠામાં ન આવ્યું. સૌ ત્યારે નિરાશ થયા પણ ગીરધરભાઈએ હીમત ન હારતાં એવું વિચાર્યું કે કદાપિ આ લાકડાનો ગંજ મારેલો છે તેની નીચે ભોંયમાં દાટેલું હશે. ત્રણે જણાએ મળી લાકડાની થડી ખસેડી તો તેની નીચે જમીનમાં માટલાં દાટી તેમાં જેવર ભરેલું હતું. તે શેઠને બતાવ્યું ને તેમને હવાલે કર્યું. એ રીતે પોતાપર આવેલું કલંક દૂર થવા પછી કેટલાક વરસ દુકાન નવા શેઠના હાથ તળે ચાલી. પછી તે મરણ પામ્યા ત્યારે તેમનો હીસ્સો તેમના બે જમાઈઓને વહેંચી આપ્યો ને પોતે પોતાનો હીસ્સો લઈ જુદા પડ્યા. (સંવત ૧૮ [ ]) ગીરધરભાઈને ત્રણ પુત્ર, વડીલ રણછોડદાસ, વચલા ગોવરધનદાસ ને કનિષ્ટ જગન્નાથ. ત્રણે પુત્રોને કુમળી વયથીજ સદભક્તી ને સદાચાર શીખવેલો. સ્વચ્છતા રાખવી, પ્રમાણિકપણું સાચવવું એવી ઘણી શીખામણો દેવાથી તે પણ સારા કેળવાયા. દેશી નામાની રીત, સંસ્કૃત તથા ભાષાનાં (હીંદુસ્તાની ભાષાનાં) પુસ્તકો વાંચવા સમજવા ને શુદ્ધ લેખનપદ્ધતી તથા સારા મરોડદાર અક્ષર લખવા વગેરે બાબતોમાં એ પુત્રો સારા હુંશીઆર નીવડ્યા. ગીરધરભાઈની જાતનું લખાણ પણ શુદ્ધ ને સ્વચ્છ તેજ મુજબ તેમના પુત્રો પણ શીખ્યા. એ ગૃહસ્થના સરાફી દફતર રાખવાની રીત તથા લખાણ તથા સ્વચ્છતા જોઈ તે વખતના યુરોપિઅન અમલદારો પણ ઘણા રાજી થએલા. કેટલીકવાર અદાલતમાં એમની પેઢીના ચોપડા ગુજારવામાં આવેલા પણ તે ઉપર જડજોનો એટલો વિશ્વાસ બેઠેલો કે એમાં કંઈ દંગો કે અપ્રમાણિકપણું હોયજ નહીં. એમની ઉપર એકવાર ફેાજદારીનો ચારજ આવેલો. એક ઘાંચીના ખત પાછળ વસુલ ભરવામાં ચેરમચુંથ થએલું તે પરથી કામ સેશન કોરટમાં રજુ થએલું. તે દસ્તાવેજ તથા ચેરાએલું જોઈ તપાસ કરી જડજે એેવો હુકમ આપેલો કે આવા વૃદ્ધ માણસથી એ કામ થાય નહિ. સબબ આરોપી બીન તકસીરવાર છે એમ કહી રજા આપી. એ પુરૂષની મુખચર્યા ઘણી તેજસ્વી તથા ભવ્યાકૃતિની હતી. કદે ઠીંગણા, ગૌરવર્ણ, ચપળ નેત્ર, શરીર આરોગ્ય ને કસાએલું હતું. છેક હેંસી બાસી વરસની ઉમ્મર લગી ઘરસંસાર ચલાવવામાં મચેલા રહેતા. પોતાની સ્ત્રી યુવાવસ્થામાંજ મરણ પામતાં બીજીવાર લગ્ન ન કર્યા ને બ્રહ્મચર્યવ્રત પાળ્યું. પોતાના પુત્રોની વહુઓ નાહાની વયની હતી તેમને ઘરધંધો, સ્વયંપાક સ્વાદિષ્ટ બનાવવો, સ્વચ્છતા રાખવી ને પોતાની પ્રજાનું સારી રીતે રક્ષણ કરવું વગેરે વગેરે બાબતોમાં સારી શીખામણ આપી તેમને સુધાર્યો તે પછવાડેથી તેમને ઘણું યાદ કરતાં હતાં. સ્વભાવે ઉગ્ર હતા પણ ઉગ્રપણું વિવેકબહાર નહતું. કેટલાક તમોગુણી માણસો જેમ હદબહાર જતા રહી પોતાનાં કાર્યમાં વિઘ્ન આણે એવો તમોગુણ એમનામાં નહતો. પરોપકારી હતા. ઘણા યોગ્ય સંત, સાધુ, બ્રાહ્મણ વગેરેને યથાયેાગ્ય સહાય કરતા. એ ગુણને લીધે પોતાની જ્ઞાતિમાં સારી પદવી ધરાવતા હતા. દયાનો ગુણ પણ એમનામાં સારો હતો. ઘણી વખત હાથ તળેના માણસો કે પરગણાની આસામીઓ પર વાંકને લીધે ક્રોધે ભરાતા ખરા, ૫રંતુ થોડીવાર પછી ક્રોધ સમાવી તેમને સારી શીખામણ દઈ તેમને ક્ષમા કરી તેમના મનનું સાંત્વન કરતા. સાહસિકપણાનો ગુણ એમનામાં જન્મથીજ હતો; જો તેમ ન હોત તો કંગાલ સ્થિતિમાંથી ઉદ્યોગ ને આગ્રહે કરીને સારી હાલતમાં જઈ શકાય નહિ. એમના પુત્ર રણછોડદાસને મુંબઈ મોકલ્યા તે એમના કાળમાં એક પ્રકારનું સાહસ ગણાય. મુંબઈનું સ્થળ એટલે કાળું પાણી ને મૃત્યુસ્થાનની જગા એ સમયમાં ગણાતી હતી. ને પોતાના જુવાન ગબરૂ જેવા છોકરાને પોતાની સારી હાલત છતાં મોકલવા એ થોડું ધૈર્ય ને હીમત ન કહેવાય. એ પુરૂષમાં એક ગુણ એેવો સારો હતો કે એમના વખાણ કોઈ એમને મોઢે કરે તો તે પોતાને બિલકુલ ગમતું નહીં. ઘણી વેળા એવું બનેલું કે કોઈ અજાણ માણસ આવી એમના સદ્‌ગુણનાં કે સત્કર્મનાં વખાણ કરવા લાગે તો તેને કહેશે કે તમે ભાટ છો? ભાટાઇ શું કરવા કરો છો? તમારે જે પ્રયોજન હોય તે કહો. એમ કહી તેને વારતા. સારૂં વિસ્તારવાળું કુટુંબ સારી સ્થિતિમાં મૂકી એ પુરૂષ સંવત ૧૯૧૨ ના ભાદરવા વદ ૧૩ ને રોજ દેવલોક થયા, ત્યારે એમની પાછળ ઓછવ થયો હતો. જે ગૃહસ્થ મોટી વયે પોંચી આબાદી અવસ્થામાં મરણ પામેછે તેમની પાછળ ગુજરાતી રીવાજ પ્રમાણે રડાકુટો કરતા નથી, પણ ભગતોની ટોળી બોલાવી વાજતે ગાજતે ભજન કરતા સ્મશાન લગી તેનું શબ બાળવા લઈ જાય છે. તેમજ ડાઘુ પાછા આવતી વખત પણ તેજ મંડળીઓનું ભજન થાય છે. બૈરાં પણ કુટતાં નથી ને ભજન ગાય છે. એ મરી ગયા ત્યારે લોક કહેતા કે બાર દીકરાનો બા૫ મુઓ. એ ઘણો ભાગ્યશાળી છે. ખાવા પીવામાં સ્વાદીઆ હતા, પણ નિયમિત આહારી અને શરીર કસાએલું તેથી ઉત્તર અવસ્થામાં પણ શરીર ઘણું આરોગ્ય રહેતું. મરતી વખત જ એક દોઢ માસનો મંદવાડ ભોગવ્યો હતો. મરણ વખતે એમનો સ્વાંગી વંશ પુરૂષ વર્ગનો નીચે મુજબ હતો.

Granth ane Granthkar Part 4 Inage 3.png

એમને ઈંગ્રેજી ભાષાનું જ્ઞાન ન હતું તથાપિ સુજ્ઞ અને વિદ્વાન કોઈ ઈંગ્રેજી સાથે મુલાકાત લેવાની ઈચ્છા રાખતા. પ્રથમ ભરૂચમાં સદર અદાલત હતી તે વખતે ત્યાંનો એક જડજ મી. રોબર્ટ નામે હતો તેમની મુલાકાત એમને થયેલી, અને તે એમની પાસે હિંદુસ્તાની ભાષાની સુંદરદાસની તથા દાદુજી વગેરેની વાણી સાંભળવાનો બહુ શોખ રાખતો હતો. વારંવાર એમને તેડાવીને નાના પ્રકારની વાણી એમના મુખારવિંદથી સાંભળી ખુશી થતો અને તે પોતે પણ યાદ કરવાને માટે શ્રમ કરતો હતો. એ પોતે જ્યારે વૃદ્ધ થયા ત્યારે પોતાનાઓરડામાં નિત્ય પોતાના પુત્ર તથા પૌત્રોને સાયં સમય વીત્યા પછી સર્વેને બેસાડી પ્રાચીન ઇતિહાસ તથા સદ્‌બોધ વાણીના પ્રસંગથી નાના પ્રકારનો નીતિનો અને સત્ય ધર્મનો ઉપદેશ કરતા હતા. ઘણા ગ્રંથોની વાણી એમને મુખે રેહેતી હતી.

હવે આપણા મૂળ વિષય ઉપર આવીએ. રણછોડદાસનો વિદ્યાભ્યાસનો આરંભ થયો ત્યારે કેળવણીનાં સાધન કયાં હતાં તે જણાવવું જોઈએ. વાણીઆના છોકરા આઠદસ વરસની ઉંમરે ગામઠી મહેતાજીની નિશાળે ભણવા બેસતા, ત્યાં બે ત્રણ ચાર વરસની મુદત સુધીમાં આંક, કકો, નામાં વગેરે શીખતા. ચાલતા કોષ્ટકોની ધાતો કે શેરીઆં મણિકાં લેખાં થોડાં ઘણાં આવડે. વાંચવાનાં પુસ્તકો તો હોયજ શાનાં. અશુદ્ધ લખતાં શીખે. એ રીતે કેટલોક વખત ગુમાવ્યા પછી પંદર સોળ વરસની ઉમ્મરે કોઈ શરાફ કે મારફતીઆની દુકાને દાખલ થાય. ત્યાં કેટલીક મુદત લગી ઉમેદવારીથી કામ કરે. નામું લખવાની સમજ તથા તોલ બારદાન, વીઆજ ગણવાની રીત, વટાવ, મુદત કાપવાના હિસાબ વગેરેમાં માહીતી મેળવી હુશીઆર થાય તો તેની લાયકી મુજબ છ દશ કે બાર રૂપીઆનું વરસાન જારી થાય. બહુ કુશલતા પ્રાપ્ત થાય તો વીશેક વરસની ઉમરે ગુમાસ્તો થાય. ચડતાં ચડતાં મુનીમ કે કીલીદાર થાય. નોકરી મેળવનારને વાસ્તે એ ઉપક્રમ હતો. કેટલાકના બાપ નેસ્તી ગાંધી વગેરેની દુકાન માંડતા હોય તો તે ધંધામાં પડે ને માહીતી મેળવે. વાણીઆઈ લખાણ એટલે કાના માત્રાના ઠેકાણા વગરનું. જે લખાણમાં કાનામાત્રાનું ઠેકાણું નહિ તો પછી હ્રસ્વ દીર્ઘ કે જોડાક્ષર તો તેમાં હોયજ ક્યાંથી. એવી સ્થિતિમાં આંક, હીસાબ, લખવું, વાંચવું, વગેરેનો અભ્યાસ કરી આસરે પંદર સોળ વરસની ઉંમરે પોતાના પિતાના હાથ તળે રણછોડદાસ દુકાનમાં રહ્યા. ત્યાં અક્ષર સુધારવાનું તથા નામું લખાવવા વગેરેનું જ્ઞાન મેળવતાં ચાર પાંચ વરસ લાગ્યાં. એ મુદતમાં એમણે ધર્મ સંબંધી પુસ્તકો, જેવાં કે ભગવદ્‌ગીતા, વિષ્ણુસહસ્રનામ વગેરેનો અભ્યાસ વિમળાનંદ સ્વામિ તથા કોઈ તેવાજ પુરૂષોના હાથ તળે કરેલો જણાય છે. કેમકે એમનાં હાથનાં લખેલાં સંસ્કૃત કે ભાષાનાં પુસ્તકો ઘણાં જોવામાં આવે છે. દાદુપંથીબાવા અમૃતરામજી તથા રિદ્ધિરામજીનો સમાગમ એ મુદતમાં થવાથી હીંદુસ્તાની ભાષાનાં પુસ્તકો વાંચવા સમજવાનો સારો મહાવરો કરવામાં આવ્યો હતો. એવા સત્‌સમાગમને લીધે બાળબોધ લખાણ સારૂં ને શુદ્ધ પ્રાપ્ત થયું એટલુંજ નહીં પણ હીંદુધર્મની કેટલીક અયોગ્ય રૂઢીઓપરથી પણ તેમને તિરસ્કાર આવવા લાગ્યો. એ બાવા અમૃતરામજીનો એમના પર ઘણો પ્યાર હતો. કારણ કે સુંદરદાસજીની વાણી એઓ ઘણી સારી રીતે વાંચી સમજતા હતા. એ બાવાએ પોતીકા અંતકાળ સમયે એમના મુખારવિંદથી વાણી શ્રવણ કરતાં કરતાં તેમાં તલ્લીન થઈ પોતીકો દેહ છોડ્યો હતો. એમની એકવીશ બાવીશ વરસની ઉંમર થઇ તે વેળા બ્રિટિશ સરકારને ઉત્તર હિંદુસ્તાનમાં લડાઈઓ ચાલતી હતી. તેથી તોપખાનું વગેરે ગોરૂં લશ્કર ભરૂચમાં રહેતું હતું. ને તેથી કેટલાક અંગ્રેજોને પણ ભરૂચમાં રાખવાની જરૂર પડતી. સરકારી ક્રીશ્ચીઅન દેવળ હતું તેના રક્ષણ સારૂ એક અંગરેજ મિ. ટક્કર નામે રહેતો હતો. અસલ તે લશ્કરમાં હતો પણ લડાઈના કામ સારૂ નિર્બળ પડવાથી સરકારે તેને ભરૂચમાં રાખેલો હતો. તે માસીક પગાર લઈ કોઈ અંગરેજી ભણવા ચાહે તો તેને શીખવતો. રણછોડદાસને અંગરેજી ભણવાની મરજી થવાથી એમના પિતાએ મીસ્તર ટક્કરને સોંપ્યા ને માસીક લવાજમ આપવા કબુલ કર્યું. અંગરેજી ભણાવનારને ગુજરાતી કે હીંદુસ્તાની કંઇજ આવડતું નહોતું, તોપણ માથાકુટ કરતાં અંગરેજીનો થોડો અભ્યાસ ચાલ્યો. વાંચતાં આવડ્યું, લખતાં આવડ્યું, પણ તરજુમાની બહુ હરકત પડતી. શિક્ષક ને શિષ્ય બેઉ ચાલાક તેથી તે અઘરૂં કામ પણ કેટલેક દરજ્જે પાર પડ્યું. મીસ્તર ટક્કર પોતાના વિદ્યાર્થી પર ઘણી મમતા રાખતો. તેમાં વિશેષે કરી રણછોડદાસ ઉપર અંગરેજના હાથ તળે શીખવાથી અંગરેજી બોલવાનો મહાવરો એમને ઠીક થયો. એક વખત મુંબઈના લાર્ડ બીષપ કાર સાહેબ ભરૂચમાં દેવળની તપાસણી કરવા આવેલા. તે વખતે મીસ્તર ટક્કરે પોતાની કને અંગ્રેજી ભણનાર શિષ્યોની પરીક્ષા લેવા બીષપ સાહેબને વીનંતી કરી. તે પરથી તપાસતાં તેમની નજરમાં રણછોડદાસની ચાલાકી સારી આવી. તેમણે પુછ્યું કે તમે મુંબઇ આવશો તો સારી નોકરી હું તમને અપાવીશ. તેમણે પોતાના તીર્થરૂપને પુછી તેમની આજ્ઞા મેળવી સાહેબને હા કહી. બીષપ સાહેબ ગુજરાતની સરકીટ પુરી કરી પાછા મુંબઈ ગયા ત્યારે એ વાત કરનલ જરવીસને કહી કે ગુજરાતમાં ભરૂચ શહેરમાં એક અંગરેજી ભણેલો તરૂણ પુરુષ ઘણો હુશિઆર મારા જોવામાં આવ્યો છે. તેને જો તમારા હાથ તળે કેળવણીખાતું છે તેમાં રાખશો તો તે ઘણો ઉપયોગી ૫ડશે. ખીડકીની લડાઇ થયા પછી એકલા પેશવાનું રાજ અંગરેજ સરકારને સ્વાધીન થયું તે અવસરે મુંબાઇ મધ્યે એક મંડળી સ્થાપન થઇ. તેનો ઉદ્દેશ કેળવણી આપવાનો તથા તેને સારૂ સારાં લાયક પુસ્તકો તૈયાર કરવાનો હતો. તે પરથી તેનું નામ Bombay Native Education and School Book Society–મુંબઈ હિંદ નિશાળ તથા પુસ્તકમંડળી એવું પાડ્યું હતું. તેનો વહીવટ એક સરકારી લશ્કરી અમલદાર જેનું નામ ક્યાપટન જરવીસ હતું તેને સોંપવામાં આવ્યો હતો. સરકાર તરફથી પણ તેને સારો આશ્રય મળતો. એવા કારખાનામાં આરંભે લાયક માણસોની જરૂર હતી. મુંબઈમાં દક્ષિણી મંડળમાંથી તો યોગ્ય પુરૂષો જડી આવતા પણ ગુજરાતી માણસો મળવા મુશ્કેલ હતા. તેવે વખતે લાર્ડ બિષપ કાર સાહેબની ભલામણ મંજુર થઇ ને રણછોડદાસને ભરૂચથી બોલાવવાનો ઠરાવ થયો. ઇસવી સન ૧૮૨૫ માં એ ખાતામાં રણછોડદાસ જોડાયા. તે વખત રૂ. ૪૦) નો દરમાયો કર્યો હતો. ને વાટખરચી એટલે ભરૂચથી મુંબાઈ જતાં સુધીનો ખર્ચ તથા ભરૂચથી નીકળ્યાને દિવસથી પગાર ચડતો. એ વખતે દેશી નિશાળોને સારૂ પુસ્તકો રચવાનું કામ ચાલતું હતું તે એમને સોંપવામાં આવ્યું. મરાઠી તથા ગુજરાતી બેઉ કામ સાથે ચાલતાં હતાં. પ્રથમ વર્ણમાળા તૈયાર કરવામાં આવી. વર્ણમાળા એટલે મોટે અક્ષરે ગુજરાતી તથા બાળબોધ મૂળાક્ષરો કાગળો પર છાપેલા. અ. આ. ક. કાના અક્ષરો પછી બારાખડી પછી જોડાક્ષર–પછી એકાક્ષરી શબ્દ, દ્વિઅક્ષરી શબ્દ વગેરે પાંચ. છ. સાત અક્ષરોના શબ્દો, શબ્દોના અર્થો, તેમજ ગણિતકામ સારૂ અંક તથા રકમો તથા સાદા સરવાળા બાદબાકી–ગુણાકાર–ભાગાકાર–ભાંજણીને વિવિધ સરવાળા બાદબાકી ગુણાકાર વગેરેના કાગળો તૈયાર કરી પાટીઓ પર કે લુગડાના લાંબા પંખા પર ચોડી છોકરાના વગ આગળ તે ટાંગતા ને તેમાંથી શીખવતા. એ રીતે કેળવણી આપવાનું કામ તે વખતના ઈંગ્લાંડમાં ચાલતા લાનક્યાસ્ટ્રીઅન ધોરણને અનુસરીને ગુજરાતમાં ચાલતું. વર્ણમાળાના અક્ષરો ઘણા સારા ગણાય છે. હજુ પણ તેનો જોડો મળી શકતો નથી. એ સિવાય લિપિધારા-બોધવચન-ડાડસ્લીની વાતો-ઈસપનીતિની કથાઓ, બાળમિત્ર–પંચોપાખ્યાન–ભૂગોળ–ખગોળ, વિદ્યાના ઉદ્દેશ લાભ ને સંતોષ વગેરે પુસ્તકો વાંચન કામને સારૂ, તથા ગણિતને સારૂં પૂર્ણાંક. અપૂર્ણાંક (હટ્ટનકૃત) તથા શિક્ષામાળા ભાગ-૧ અને ૨, કર્ત્તવ્ય ભૂમિતિ વગેરે. એ બધાં શાળા-પુસ્તકમંડળી તરફથી તૈયાર થતાં હતાં તેમાં રણછોડદાસની મદદ લેવામાં આવી. પણ દક્ષિણ તથા ગુજરાતમા દેશી નિશાળો સ્થાપન કરવાનું સરકારે વધારે અગત્યનું જાણી તેને સારૂ મહેતાજીઓ થવાને યોગ્ય માણસો શોધી કાઢવાનું તથા તેમને ભણાવી તૈયાર કરવાનું કામ રણછોડદાસને માથે પડ્યું. તેથી થોડી મુદતમાં મુંબઈથી તેમને પાછા ગુજરાતની મુસાફરીએ મોકલ્યા. અમદાવાદ, સુરત વગેરે ઠેકાણે ફરીને તથા મુંબઈમાંથીજ કેટલાક માણસો શોધી કહાડ્યા. પ્રથમ સુરત ભરૂચ ને અમદાવાદને સારૂ છ માણસો તૈયાર થયા. તેમની સાથે જઈ તે શેહેરોમાં નિશાળોનો આરંભ કર્યો. સરકારી નિશાળો સ્થાપન કરવી ને તેમાં ભણનારા આવે એવી રીતે કામ કરવું એ તે વખતમાં આજના જેવું સેહેલું નહોતું. ગામડી મહેતાજીઓનું જોર, ભણતરનો પ્રકાર ચાલુ રિવાજથી જુદો, લોકને ડર કે સરકાર અમારા છોકરાને ભણાવીને લશ્કરમાં રાખશે કે વટલાવશે વગેરે અનેક વિઘ્નો હતાં. તે ખસેડી નિશાળો આબાદ કરવી એ સેહેલું કામ નહોતું. માટે તે કારણથી રણછોડદાસને એ શેહેરોમાં કાંઈક મુદત ગાળવી પડેલી. સારા સારા લોકોને સમજાવી તેમના છોકરા નિશાળમાં દાખલ કરાવ્યા. એવી રીતે કામ કર્યા પછી પાછા મુંબઈ જઈ બીજા મહેતાજીઓ તૈયાર કરી કસ્બાઓમાં નિશાળો કહડાવી. જેવા કે ઓરપાડ–કાલીઆવાડી-વલસાડ—બગવાડી–અંકલેશ્વર–જંબુસર–આમોદ–નડીઆદ વગેરે મોટા કસ્બાઓમાં નિશાળો સ્થાપન થઈ. ગુજરાતમાં આશરે વીશેક નિશાળો થઈ ત્યારે સરકારે રણછોડદાસને ગુજરાતની નિશાળોના ઈન્સ્પેક્ટર એવો ઓદ્ધો આપી રૂ. ૮૦) નો દર માસે પગાર કરી ગુજરાત ખાતે મોકલ્યા. નિશાળો આબાદ હાલતમાં આવતાં ઘણી મુદત ગઈ. એ નિશાળખાતું સરકારે પ્રથમ દરેક જીલ્લાના કલેક્ટરોના તાબામાં સોંપેલું, તે બધો વહીવટ કરે, પગાર આપે અને દેખરેખ રાખે. કેટલાંક વરસ પછી એેવો ઠરાવ કરવામાં આવ્યો કે મુંબઈની સદર અદાલત (એટલે હાલની હાઈકોરટ) ના એક જડજ સરકીટ ઉપર નીકળતા તેમણે એ નિશાળોની વાર્ષિક પરીક્ષા લેવી, એટલે તે જડજ સાહેબ જ્યારે ગુજરાતમાં પધારે ત્યારે તેમની સાથે રહી નિશાળોની પરીક્ષા કરવી. તે બાબતનો રિપોર્ટ તે જડજ સરકારમાં દર વરસે કરતા, એવું સન ૧૮૩૪–૩૫ સુધી કામ ચાલ્યું.

એક વખત જીબરીન સાહેબ નામે સરકીટ જડજ આવ્યા તેમણે ભૂગોળ–ખગોળ વિશે કેટલાક સવાલો જીલ્લાની નિશાળેામાં પૂછ્યા. છોકરાને ન આવડવાથી તેના મહેતાજીને પૂછ્યા, પણ તે વખતે ભૂગોળ કે નકશા કાંઈ જ નિશાળમાં ન હોવાથી તે અભ્યાસ ચાલતો નહીં, એટલે મહેતાજીને પણ ન આવડ્યું, માટે તે સાહેબે સરકારમાં રિપોર્ટ કરી મોકલ્યો કે માસ્તરોને વિદ્યા સંબંધી વિષયોનું જ્ઞાન કાંઈ છે નહીં માટે તેમને મુંબાઈ બોલાવી ભણાવવા જોઈએ, અને તે વિષયોનું જ્ઞાન આપવું જોઈએ. તે ઉપરથી સરકારે ચડતે પગારે તમામ મહેતાજીઓને ગુજરાતમાંથી મુંબાઈ મોકલી ભૂગોળ, વ્યાકરણ, ગણિત વિષયમાં બીજગણિત-ભૂમિતિ, ત્રિકોણ-મિતિ વગેરેનો અભ્યાસ કરવાની ગોઠવણ કરી, ને તે કારણસર સન ૧૮૩૬ માં રણછોડદાસને પાછું મુંબઈ જવું પડેલું; તેમણે સઘળા મહેતાજીઓને અભ્યાસ કરાવી પરીક્ષામાં પસાર થયા તેમને પાછા પોતાની જગાપર મોકલ્યા. બીજા રહેલા માસ્તરો પણ પોતાનો અભ્યાસ બીજા બે માસમાં પુરો કરી પાસ થઇ પાછા પોતાની જગાપર ગયા, એટલે સને ૧૮૩૭માં રણછોડદાસને મુંબાઇથી ગુજરાત ખાતે પાછું જવાનું થયું.

સને ૧૮૪૦માં સરકારે કેળવણીખાતાની એક કારોબારી મંડળી સ્થાપીને પ્રથમની મુંબઇની ‘નેટીવ નિશાળ પુસ્તકમંડળી’ રદ કરી. તેમાં ત્રણ યુરોપીઅન ને ત્રણ નેટીવ રાખવામાં આવ્યા. ને તેનો વહીવટ કરવાને એક પગારદાર સેક્રેટરી ઠરાવ્યો. એ સભાનું નામ ‘બોરડ ઓફ એજ્યુકેશન’ આપ્યું, એટલે કલેક્ટરના તાબામાંથી નિશાળોનું કામ કહાડી વડી સરકારે બોરડ ઓફ એજ્યુકેશનને સોંપ્યું, તેથી રણછોડદાસને તેમના હુકમ મુજબ વરતવાનું થયું. એ બોરડે નવા નિયમો ઠરાવ્યા. નવી નિશાળો કાઢવાને નિયમ ઠરાવ્યા. નિશાળેામાં ફી દાખલ કરી–એ વગેરે ઘણો ફેરફાર કર્યો. બોરડે ગુજરાતી કેળવણીની સાથે અંગરેજી કેળવણી આપવાની શાળાઓ પણ કાહાડી, સરકાર અમુક રકમ આપે તેમાંથી તથા લોકની આતુરતા હોય તો તથા મકાન-કંટીજંટ ઠરાવેલી ફી એટલું આપે તો બોરડ ગુજરાતી તથા અંગરેજી સ્કૂલો સ્થા૫ના કરતી. તે બોરડના હાથમાં કારભાર આવ્યાથી કેળવણનો પ્રસાર વધારે થવા લાગ્યો. પુસ્તકો રચનારને ઉત્તેજન મળવા લાગ્યું એટલે ઇતિહાસ–ભૂગોળ–વ્યાકરણ-વગેરે નવાં નવા પુસ્તકો થઈ બહાર પડવા લાગ્યાં. નકશાનું પુસ્તક તૈયાર થયું. એટલે કેળવણીનો પ્રચાર ઘણો થવા લાગ્યો, એટલે વધારે શિક્ષકોનો ખ૫ જાગ્યો. તેથી મુંબઈમાં મરાઠી અને ગુજરાતી એવા બે નોરમલ કલાસ કાઢ્યા. પાંચ રૂપીઆનો પગાર વિદ્યાર્થીઓને સરકારથી મળતો ને રહેવાનું સ્થળ. એ કલાસ સન ૧૮૪૫ માં સ્થાપન થયો માટે બોરડે રણછોડદાસને પાછા મુંબાઇ તેડાવ્યા ને નોરમલ કલાસના સુપરીંટેન્ડન્ટ બાળગંગાધર શાસ્ત્રી હતા તેમના હાથતળે મદદગાર બનાવ્યા. બોરડ ઓફ એજ્યુકેશન સ્થાપન થયા પછી એટલે સન ૧૮૪૨માં પ્રોફેસર ઓરલીબાર સાહેબને ગુજરાતની નિશાળોની પરીક્ષા લેવાને સરકારે ઠરાવ્યા. તેમણે ગુજરાતની નિશાળો તપાસવાનું શરૂ કર્યું. તે વેળા રણછોડદાસને સાથે રાખી તેઓ અમદાવાદ, ખેડા, ભરૂચ, ને સુરત જીલ્લાની તમામ નિશાળોની પરીક્ષા લઇ મુંબઈ ગયા. ત્યારબાદ સન ૧૮૪૦ થી ગુજરાત ખાતે એક સુપરીન્ટેન્ડન્ટ નીમાયો, ને તે જગા પ્રથમ મીસ્તર ઓરલીબારને મળી, પણ તે તેમને અનુકુળ ન પડવાથી થોડી મુદતમાં રાજીનામું તેમણે આપ્યું. એટલે પ્રોફેસર હારકેનસની નીમણોક થઇ. તેમના હાથ નીચે એક પચીસ રૂા. ૫ગારનો કારકુન અને ગુજરાતના ઇન્સ્પેક્ટર રણછોડદાસને સોંપ્યા. એમને હસ્તક બે કામ હતાં. એટલે એલ્ફીન્સ્ટન કોલેજમાં ભણાવવાનું તેમજ શિઆળાની મોસમમાં ગુજરાતની નિશાળોની પરીક્ષા લેવાનું. રણછોડદાસને ગુજરાતમાંજ રહેવાનું હતું. હેડક્વાર્ટર ભરૂચ કે સુરત જ્યાં ફાવે ત્યાં કરે. સુપરીન્ટેન્ડન્ટને ૫ગાર રૂ. ૧૦૦) તથા મુસાફરી નીકળે ત્યારે જે ખરચ થાય તે આપતા, એટલે ગાડી તથા ગાડાનું ભાડું. એ પ્રમાણે સન ૧૮૪૫ લગી કારોબાર ચાલ્યો ને વધારે માસ્તરોનો ખપ પડવાથી નોરમલ કલાસ સરકારે મુંબઈમાં કાહાડી ત્યારે ત્યાં–મુંબઈમાં–ભણાવાના કામ પર એમને જવું પડ્યું. પ્રોફેસર હારકનેસના વખતમાં રણછોડદાસે કેટલાંક પુસ્તકો રચ્યાં હતાં : હિંદુસ્તાનનો ઇતિહાસ, બ્રીટીશ ઈંડીઆ વાંચન પાઠમાળા વગેરે. સને ૧૮૪૫ના જુનથી સને ૧૮૪૮ના ડીસેમ્બર લગી મુંબાઇમાં રહ્યા પછી રણછોડદાસને સુરત જવાની જરૂર પડી. કેમકે પ્રોફેસર હારકનેસે સુપરીટેન્ડન્ટના કામનું રાજીનામું આપવાથી તે કામ સુરતની અંગરેજી સ્કુલના હેડમાસ્તર મીસ્તર ગ્રીનને સોંપવામાં આવ્યું, અને તે સાહેબે બોરડ પાસે બીજા માણસની મદદ માગવાથી બોરડે રણછોડદાસને પાછા પોતાની અસલ જગા૫ર મોકલ્યા. મુંબઈનો નોરમલ કલાસ પણ સમાપ્ત થવા આવ્યો હતો. પાસ થયેલા વિદ્યાર્થીઓને મહેતાજીની જગાઓ મળી હતી. મીસ્તર ગ્રીનના હાથ તળે કામ કરતાં કેટલીક અડચણ પડેલી ખરી. દુરગારામ મંછારામ સુરત આંક ૧ના મેહેતાજી ગ્રીન સાહેબની પ્રીતિના પાત્ર થયા હતા, ને તે સાહેબને બોરડ પાસે માણસ માગવાની જરૂર એ મેહેતાજીને ઇન્સ્પેક્ટર બનાવવાના ઉદ્દેશથીજ હતી. ગ્રીન સાહેબ આગળ દુરગારામનોજ કારભાર, નવી નિશાળો કાઢવી, તેના મેહતાજી નીમવા, મેહતાજીઓની ફેર બદલી કરવી વગેરે બધું કામ મેહતાજીની સલાહથીજ ચાલતું. ખરા ઇન્સ્પેક્ટરની સલાહ તો બીલકુલ લેવામાં આવેજ નહીં. પણ એ અન્યાય ઘણા દીવસ ચાલ્યો નહીં, કેમકે પ્રેાફેસર હારકનેસ રજાપર વિલાયત જવાથી તે જગા ખાલી પડી તે બોરડે મીસ્તર ગ્રીનને આપી અને તેની જગા પર મીસ્તર ગ્રેહામને સુરત અંગરેજી સ્કુલના હેડમાસ્તર અને ગુજરાતી નિશાળેાના સુપરીટેંન્ડન્ટ નીમ્યા. તેમના હાથતળે અન્યાય દૂર થયો. દુરગારામનો કારભાર ઘટ્યો, ને રણછોડદાસની સલાહ મુજબ કામ ચાલવા લાગ્યું. એ વખતે રણછોડદાસનું સ્થાયી રહેવું સુરતમાં જ થતું. સુરતમાં સન ૧૮૫૨ માં રણછોડદાસે પોતાની જગા છોડી, કારણ બોરડે ઇન્સ્પેક્ટરની જગાઓ કાહાડી નાખવાનો ઠરાવ કર્યો. દ્રવ્ય સંકોચને લીધે એમ કરવાની બોરડને જરૂર પડી હતી. નિશાળોની તપાસ રાખવાને સુપરિટેંન્ડન્ટ તથા તેના કારકુનો બસ હતા. એ વખતે કેળવણી ખાતાવાળાને પેનશનનો ધારો સરકારે લાગુ ન કરેલો તેથી બક્ષીસ દાખલ રકમ આપવામાં આવતી, તે મુજબ સરકારે રણછોડદાસને રૂ. ૧૪૪૦] એટલે અઠાર માસનો પગાર આપ્યો. નોકરી છોડ્યા પછી એ પુરૂષે પોતાની જીદગી પરોપકારી કામમાં કાઢી હતી. મ્યુનીસીપાલ કમીશનર સરકારે નીમવાથી તે કામમાં ઘણી ચાલાકીથી પોતપોતાનું કામ બજાવેલું. મીસ્તર કરટીસ અમદાવાદ હાઈસ્કૂલના માસ્તર તથા ગુજરાત વર્નાકયુલર સોસાઇટીના સેક્રેટરી હતા તેમની સલાહથી કેટલાંક પુસ્તકોનું ભાષાંતર એ સભાને વાસ્તે કરેલું અને તે સોસાઇટીએ છપાવી પ્રસિદ્ધ કરેલાં. એગ્રંથોનાં નામઃ—મીસર દેશનો ઇતિહાસ, પ્રાચીન ગ્રીસ દેશનો ઇતિહાસ, બાબીલોન તથા આસુરી દેશનો ઇતિહાસ, રોમનાં રાજ્યનો ઇતિહાસઃ એ પુસ્તકો અસલ મરેઠીમાં મેડમ વીલસને કરેલાં તેનાં ગુજરાતી ભાષાંતર રણછોડદાસે સોસાઈટીને કરી આપેલાં પણ તે બદલ કંઈ રકમ સોસાઇટી પાસે લીધેલી નહીં. શેરસટાનો વખત સન ૧૮૬૧–૬૨માં આવ્યો. રૂનો પાક અમેરિકામાં ખરાબ થવાથી તથા લડાઈ ચાલવાથી ત્યાંનો રૂ ઈંગ્લાંડને મળી શકયો નહિ. એટલે હિંદુસ્તાનના રૂનો ભાવ પાચ છ ગણો થઈ ગયો ને હિંદુસ્તાનમાં વિલાયતના રૂની રેલ આવી; એટલે વેપારીઓ પુષ્કળ કમાયા ને મેળવેલું દ્રવ્ય સારે મારગે ખરચવા લાગ્યા. તે પ્રમાણે મુંબાઈના નામાંકિત વેપારી પ્રેમચંદ રાયચંદે ભરૂચની લાયબ્રેરીને પુષ્કળ નાણાંની મદદ કરી તેમજ કન્યાશાળા હીંદુઓને વાસ્તે સ્થાપન કરી. બંને કામ ભરૂચમાં નવાં નીકળ્યાં તેને સુધારવા તથા કાયમ પાયા પર મુકવા રણછોડદાસને હાથ આવ્યું. તેમાં પોતાની વૃદ્ધાવસ્થા થતાં પણ ઘણો શ્રમ કરી લાયબ્રેરીને સારૂ સારાં ઉમદા પુસ્તકો ખરીદ કરવાનું તથા તેની વર્ગવારી કરવામાં પોતાનો ઘણો વખત કહાડ્યો. કન્યાશાળા પણ સ્થાપન થઇ તેમાં લોકોને બોધ દઇ છોકરીઓ ભણવા આવે એવો ઘણો ઉદ્યોગ કર્યો ને તેમ થતાં તેમની મેહેનત સફળ થઈ ને તે શાળા સારી સ્થિતિમાં છે. એ શાળાને જે રૂપીઆ શેઠ પ્રેમચંદ તરફથી મળેલા તેમાં કેટલોક ઉમેરો કરી એક મકાન ખરીદ કરી લીધું. એ મકાન શહેરની સારી વસ્તીને મધ્યભાગે છે, ને સારી મજબુત બાંધણીનું છે. સન ૧૮૫૨ ની આખરે નોકરી મુક્યા ૫છી ઝાઝો વખત એમણે પ્રવાસ કરવામાં કાઢ્યો નથી. એક વખત પોતાના મિત્રના કામના અર્થે મુંબાઈ થાણા વગેરે સ્થળે ફરવા ગએલા, તેમજ એક વખત પોતાના પૌત્રોને સાથે લઈ મુંબાઈની શોભા દેખાડવા સારૂ પ્રવાસ કરેલો. સને ૧૮૭૩માં ઓગષ્ટ માસની તા. ૨૩મીએ સેહેજ મંદવાડ ભોગવી એઓ મરણ પામ્યા. છ દિવસ પથારીમાં પડી રહેલા એટલે ગોકળઆઠમને દિવસે આજારી ૫ડ્યા ને ભાદરવા શુદ ૧ ને રોજ અંતકાળ આવ્યો ત્યાંસુધી સારી સાવચેતીમાં હતા. અમર આત્માએ એમના દેહનો ત્યાગ રાત્રીએ એકાદ વાગતાને સુમારે કર્યો, તેના બાર કલાક અગાઉ સાવધપણું સારૂંં હતું. તે વખતે પોતાના પુત્રોને કહ્યું કે મારૂં મરણ સાચવજો એટલે કહેવાનો ભાવાર્થ એવો કે, લોકરૂઢિ પ્રમાણે મરણકાળે ઝટપટ નવડાવી ભોંય ચોકો કરી સુવાડે છે તેમ મને ન થાય, પણ સ્વસ્થ ચિત્તે મને મારા બીછાના પર રહેવા દેજો. લોકવ્યવહાર પ્રમાણે અંતકાળનું પુન્યદાન સ્વસ્થતાથી શુદ્ધિમાં જ કરેલું. એ પુરૂષ શરીરે આરેાગ્ય મરતાં સુધી રહ્યા. એવું એ જાતે કહેતા કે પચાસ વરસની ઉંમર લગી મારે કોઈ વાર પણ જુલાબની દવા પીવી પડી નથી. એ ફળ મિતાહાર કરવાથી તથા પ્રત્યેક દિવસે સવારસાંજ વ્યાયામ લેવાથી તથા નિયમિતકાળે ખાવા પીવા તથા સુવાની ક્રિયા સાચવવાથી મળે છે, તેમજ એમને પણ થએલું. એમની દીનચર્યા તથા રાત્રીચર્યા ઘણીજ યોગ્ય અને નીયમિત હતી. સવારમાં પાંચ છ વાગે ઉઠવાનો સમય તે પ્રમાણે ઉઠીને દંતધાવન કરી બહાર નીકળવું, રતનતળાવને કાંઠે નારણલાલ બાવાના મઠમાં નિયમિત જતા. એ મઠને એમનોજ આશ્રય હતો. તે મેદાનની જગામાં અગર મઠમાં જઈ ત્યાં પોતાનાં ધોતીઆં વગેરે સ્વહસ્તે કુવામાંથી પાણી કહાડી ધોવાં પછી શીતળ જળે સ્નાન કરી આઠને સુમારે ઘેર આવી ચાહ પીધા પછી દેવ સેવા પોતાને હાથે કરતા. લાયબ્રેરીમાં જવું, ત્યાં પુસ્તકો વર્ત્તમાનપત્રો વગેરે વાંચવાં ને બારને સુમારે ઘેર આવી ભોજન કરી બે કલાક આરામ લઈ વાંચવા લખવા વગેરેનું કામ હેાય તે કરવું, ને સાંજે પાંચ છ વાગે પાછું ફરવા નીકળવું. તે માઈલ દોઢ બેની મુસાફરી કરી ઘેર આઠ નવ વાગે આવી નવ ને દશની વચ્ચે વાળુ કરી, ધર્મ સંબંધી અગર બીજાં કેાઈ વિષયનાં પુસ્તકો વાંચી અગિઆર બારને સુમારે શયન કરવું. એ પ્રમાણે પોતાની તંદુરસ્તી સાચવતા. કદે ઉંચા, શરીરે પ્રચંડ, મુખારવિંદ મળકતું, આંખોના ડોળા ચકચકીત, પણ જરા મોટા, અજાણ્યા માણસને ભયંકર લાગે પણ વસ્તુતઃ તેમ નહીં, કેમકે સ્વભાવ ઘણો દયાળુ હતો. પોશાક સાદો પણ સ્વચ્છ પહેરતા હતા. સ્વભાવે દયાળુ ને માયાળુ, ન્યાયી, પ્રમાણિક, સંતોષી, ખોટા આડંબરનો તિરસ્કાર કરનાર, બદ્ધીમાન, વિચક્ષણ, નિસ્પૃહી, સત્યવચન વદનાર, ૫રો૫કારી પિતૃભક્તિભાવનાવાળા હતા. આ પ્રત્યેક ગુણ વિશે વધારે વિવેચન ન કરતાં એટલુંજ કહેવું ઘટીત છે કે દયા પ્રીતિ વાજબીપણું અને પ્રમાણિકપણું એ ગુણોને લીધે લાંબી મુદત સરકારી નોકરી કરવા છતાં પણ કદી ઠપકાપાત્ર એ પુરૂષ થયા નથી. તાબાનાં માણસો તેમજ જેની સાથે સમાગમ થએલો તે બધા એમના પર ઘણુંજ હેત રાખતા. એ પ્યાર મેળવવાને ઉપલા ગુણોની આવશ્યકતા છે જ. એમના ઉપરી સાહેબ લોકો જે ઘણા ઉગ્ર સ્વભાવના ગૃહસ્થો હતા – જેવા કે કરનલ જરવીસ, અને ડાક્તર હારકનેસ–તે પણ એમના કામથી રાજી થતા તથા એમની ભલામણ માન્ય રાખતા. જો પ્રમાણિકપણું ન હોય તો તે લોકો ૫ત કરે નહિ. સંતોષગુણનું પ્રદરશન સેહેજ દીઠામાં આવે છે. કેટલાક મિત્રોની તથા પોતાના પિતાની સૂચના છતાં પણ વધારે પગાર મેળવવા પ્રયત્ન કરેલો નહીં. એ વખતમાં એમના જેટલી વિદ્વત્તાવાળા પુરૂષો અંગરેજ સરકારને બેસતે અમલે સારી પદ્વીની ને પગારની જગા સેહેજ મેળવી શકે તે છતાં ચાળીશના પગારથી વધીને એંસી મળ્યા કે તેમાંજ આનંદ પામી નોકરી મુકતાં લગી પોતાનું કામ નિરવિઘ્ને બજાવ્યું. એ બનવાનું કારણ કદાપિ એવું હેાય કે સ્વતંત્રતાની સાથે એ નોકરીમાં પ્રપંચ ભાવ કરવો ન પડે એવું હતું તેથી પણ એ જગાપર રહ્યા હોય. ગમે તેમ હોય પણ એ પરથી એટલું તો સિદ્ધ થાય છે કે એ ફળ સદ્‌ગુણોનું છે. વિદ્યા સંપાદન ઘણે શ્રમે કરી હતી. પોતે હિંદુસ્તાની એટલે પુરબી ભાષા સારી સમજતા. દાદુપંથી સાધુઓના ગ્રંથો ઘણી સારી રીતે વાંચીને સમજી શક્તા. ઉરદુ ફારસીનું પણ કીંચીત જ્ઞાન સારા મુનશી મોલવીની સોબતથી મળેલું. મુંબઇ ગયા પછી મરાઠી ભાષાનો અભ્યાસ સારો થયો ને ઘણા પુસ્તકોનું ભાષાંતર ગુજરાતીમાં કર્યું. અંગરેજી ભાષાનાં મૂળતત્વો ભરૂચમાં સંપાદન કર્યા પછી મુંબઇમાં અંગરેજ ગૃહસ્થોના સમાગમથી તેમજ સારા વિદ્વાન નેટીવ ગૃહસ્થો જેવા કે હરી કેશવજી, કાશીનાથ છત્રેના સહવાસથી જ્ઞાન વધેલું તેમજ અંકગણિત, બીજગણિત, ભૂમિતિ વગેરેનો પણ સારો અભ્યાસ કરેલો જણાય છે, કારણ હટ્ટનકૃત અંકગણિત તથા બીજગણિત લખ્યા પછી યંગકૃત બીજગણિતનાં સમીકરણનાં મનોયત્ન જાતિ કરતા જણાયા હતા. તે વખતનાં રસાયનશાસ્ત્ર તથા સિદ્ધપદાર્થ વિજ્ઞાનનું જ્ઞાન ઘણું સારૂં હતું. ભાષા તેમજ ગણિતમાં સારી માહીતી મેળવી હતી. દેશી રાગની પરીક્ષા ઘણી સારી હતી. ધર્મ સંબંધી વિચારઃ લોકરૂઢી પ્રમાણે મૂર્તિપૂજા કરતા. ઘેર ઠાકોરજીની સેવા હતી તે રોજ જાતે કરતા પણ તે સંબંધી વિચાર સુધરેલા હતા, એટલે એક ઇશ્વરને માનનારા, જાદુ જંત્ર મંત્ર તંત્રને ધીકારતા ને ખોટું માનતા. સુરતમાં દુરગારામ મહેતાજીએ જ્યારે જાદુ ખોટું છે, કેટલીક રૂઢીઓ ઘણી ખોટી છે વગેરે બતાવવાના સંબંધમાં માનવધર્મસભા સ્થાપન કરી હતી તે વેળાએ તેમાં એ જાતે આગેવાની ધરાવતા તે સભામાં જતા ને વાદવિવાદમાં ઘણો ભાગ લેતા. સુરતમાં પ્રથમ શિલાછાપ કાઢવામાં, પુસ્તક પ્રસારકમંડળી સન ૧૮[ ] માં સ્થાપન થઈ તેમાં પણ એ એક ભાગીઆ હતા. ને સઘળી વાતની સુઝ પાડતા. સુરતમાં એ વખત પાંચ સુધારાના અગ્રેસર ગણાતા. એટલે દીનમણીશંકર, દુરગારામ, દાદોબા, દોલતરામ ને દામેદરદાસ એ પાંચની ટોળી હતી; પણ તેમને અંદરખાનેથી સુઝ સમજ આપનાર રણછોડદાસ હતા. જાતે કમસુકન હોવાથી ભાષણો કરવામાં આગેવાન થતા નહિ પણ અંદરખાનેથી સારા વિચાર બતાવતા તથા મદદ આપતા. સુરતમાં જેમ વિદ્યામંડળમાં આગેવાની ધરાવતા તેમજ મુંબઈમાં પણ પ્રથમ જ્ઞાનપ્રસારક સન ૧૮૪૮માં સ્થાપન થઈ તેમાં રણછોડદાસ પહેલા પ્રમુખ થયા હતા.

મોહનલાલ રણછોડદાસ
[સંપાદકઃ કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી.]
[2]

: : એમની કૃતિઓ : :

ઈસપ નીતિની વાતો.
હિંદુસ્તાનનો ઇતિહાસ.
બીજગણિત.
વાચન પાઠમાળા.
બ્રીટીશ ઇંડીઆ.

૫રિશિષ્ટ ૧

[રણછોડદાસની શૈલીના નમુના નીચે આપ્યા છે.]

“તેણે નીતિ બતલાવવા સારૂ જે વાતે જોડિયો હતિયો, તેઓ ઉપર ત્હેના મુઆ પછી લોકોની પ્રીતિ વત્તી વત્તી થતી ગઈ; અને બાળકોને સદાચરણને માર્ગે લગાડવા સારૂ તે વાતોનો ફેલાવ ઘણો થતો ગયો. આગળ ઘણેક વરસે, આથેન્સના લોકોયે જે વારે પેલા સપ્ત મહા જ્ઞાનિયોનાં પુતળાં કરીને સ્થાપ્યાં, તે વારે તેમની સાથે ઈસાપનું પણ પુતળું કરીને સર્વની આગળ મ્હોખરે બેસાડ્યું એ ઉપરથી ત્હેની કેટલી પ્રતિષ્ટા થઈ એ સાફ જણાય છે.”

“ઇસા૫નો વૃત્તાંત”

“ઈસાપે એ વાતો ગ્રીક ભાષામાં રચિયો, પછી તે ભાષામાંથી ઘણી ભાષાઓમાં તેઓનાં ભાષાંતરો થયાં, તેમાંથી મરાઠી બોલીમાં થઇ, તે ઉપરથી ગુજરાતી બોલીમાં એનો તરજુમો થયો.”

“ઇસા૫નો વૃત્તાંત” ભાષાંતરની શૈલી.

“પોતે સર્વ અંગે સુંદર નથી, તેથી સ્ત્રિયોયે ખેદ કરવો નહીં. ખોડીલો અવયવ છે તે જેવો વખતે તેઓના પતિવ્રતપણાના રક્ષણ વિશે કામ લાગે છે, તેવો સુંદર અવયવ લાગતો નથી. પતિવ્રતપણું સ્ત્રિઓનો પ્રાણ છે, તે જેને નથી હોતું તે પ્રેતના જેવિયો જાણવિયો.”

“ઈસાપનીતિની વાતો.”

૫રિશિષ્ટ ૨

[અમારા મરહુમ કાકા દુવારકાદાસ ગોરધનદાસે અમારા કુટુંબ સંબંધી કેટલુંક ટાંચણ કરેલું તે અમારા ભાઇ બ્રિજમોહનલાલ હરકીસનદાસની સૌજન્યતાથી પ્રાપ્ત થયું છે, તે અહીં મરહુમની પોતાની ભાષા અને શબ્દોમાંજ ફેરફાર સિવાય દાખલ કર્યું છેઃ–] જીવણદાસના બાપનું નામ ઠામ માલમ પડતું નથી પણ હેમનાથી ચોથી અથવા પાંચમી પેહેડીએ વેણીદાશ કરીને હતા જેવો ઝવેરીનો ધંધો કરતા ને મોહોડાશામાં રહીને પાટણમાં ધંધો કરતા પછી પાટણમાં ધંધો કરવાની રમુજ નહી રેહેવાથી અમદાવાદમાં આવેલા તે પ્રથમ કોણ અને ક્યારે આવેલું તે બરાબર માલમ ૫ડતું નથી પણ જીવણદાશ શને ૧૭૩૩ થી તે શને ૧૭૩૭ સુધીમાં અમદાવાદમાં ગાએકવાડ શરકારના કારભારમાં હતા. માજી રાજાનો દ્રવ્યશંગ્રહ કરવાને ઘણા ખંતી રેહેતા હતા તેથી જે નોકરોથી ઘણા દ્રવ્યની પ્રાપ્તી થતી તેના ઉપર શરકારની મેહેરબાની રેહેતી તે તે નોકરીમાં કાયમ રહી શકતાં. તે મુજબ જીવણદાશને કરવું ૫ડતું તેથી ઘણા બેગુનેગારો વગર ઇનશાફે ધોળે દાહાડે શરકારના દંડથી લુટાતાં તેથી ઘણી રઈએત એ જીવણદાશ ઉપર નહી રાજી હતી. એ અરશામાં એક ભાટણ ઉપર ખોટુ તોમત મુકવામાં આવું તેથી શઘલા ભાટોએ એ જીવણદાશને મારી લાખવાનો હુમલો કરો તે વખતે ગાયકવાડ શરકારે એ જીવણદાશને છુપાવીને રતોવાઇ નશાડી મુકા. એ વખતે જીવણદાશની ઊમર આશરે વરશે ઓગપચાશ પચાશની હતી તેમને એ વખતે એક છોકરો નામે મોરારદાશ આશરે વરશ બાવીશ તેવીશની ઊમરનો હતો. જીવણદાશ નાહાશીને કાહા છુપાઇ રહ્યા ને ક્યારે મૃત્યુ થઊ તે માલમ પડતું નથી પણ દુખને લીધે બે ઈઆ ત્રણ વરશમાં મરી ગઆ. મોરારદાશ પોતાની સ્ત્રી શાથે શને ૧૭૩૯માં ભરૂચ આવા તાર પછી તરત એકાદ વરશમાં એક છોકરો નામે ભગતીદાશ કરીને થયો તારપછી ચાર છોકરીઓ થએલી. દેશવટો લઈને આવેલા તેથી ઘણી ગરીબી હાલતમાં હતા તોપણ સ્વભાવે શારા અને ગુણવાન હતા. કુલવાન જાણીને ભરૂચના મોટા વતનદાર ભાઈદાશભાઈએ પોતાની છોકરીનુ લગન ભગતીદાશની સાથે કીધું. એ છોકરી પગે ખોડવાલી હતી અને ભગતીદાશ ગરીબી હાલતમાં હતા તેથી કામ કરવાને એક ચાકરડી આપેલી હતી. આ અરશામાં આ જીલ્લામાં વરસાદ નહીં ૫ડવાથી દુકાલની અસર થએલી તેથી ગરીબોને અનાજ આપવા શારૂ ભુખણભાઈએ અનાજના કોઠાર ભરાવેલા તે ઉપર ભગતીદાશને નોકર રાખેલા તે વખતે હેમની ગરીબી છતાં પોતાને ઘેરથી જે એક બે મુઠી અનાજ બની આવતું તે કોઠારમાં નાખતાં એવી તરેહની ધરમની નીસ્કા જોઈ તેથી લલુભાઇનો પ્યાર હેમના ઉપર ઘણો થયો અને મારફતીઆની દુકાનના મુનીમ કરા. વલી એ વખતમાં ભરૂચ શેહેરના મોહોડ વાણીઆની નાતના વહીવંચા આવેલા તે ખબર લલુભાઈને થવાથી તે લોકોના દફતરો બાલી લખાવી તે લોકોને કાહાડી મુકેલા તેનુ કારણ પણ એજ કે જોજીવણદાશના વંશ જીવતા છે એમ માલમ પડે તો અમદાવાદના ભાટો આવી તોફન કરશે. હવે લલુભાઈના માશી તે ભુખણભાઈનાં બેહન જે કે ભગતીદાસ સાથે પરણેલાં તે નાધલી વયમાં એટલે શોલ શતર વરસની વયમાં મરણ પામ્યાં તેથી ભગતીદાશ ફરીથી એક ધનકોર નામની કન્યા સાથે પરણા જેને પેટે સને ૧૭૭૩ માં કકુભાઇ શને ૧૭૭૭ માં ગીરધરભાઇ સને ૧૭૮૦ માં ઇછા બેહેન શને ૧૭૮૪ માં પરભુદાશ સને ૧૭૮૯ માં વીજભુખણદાશ શને ૧૭૯૪ માં મનોરભાઈ મળી પાચ છોકરા ને એક છોકરી થઈ ખરા ખરબચરવાલ થયા પણ એ અરશામાં મોટા છોકરા કકુભાઇ તા. ગીરધરભાઇ આવી મલા તેથી ખરચની ફીકર ઓછી થતી ચાલી.

પાદનોંધ :

  1. [‘ગુજરાતના કેળવણીખાતાના પિતા ‘મર્હુમ રા. રા. રણછોડદાસ ગિરધરભાઇનું આ જીવનચરિત્ર મર્હુમ રા.બા. મોહનલાલ રણછોડદાસે લખેલું તે દિ. બા. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી પાસેથી અમને મળ્યું છે. અને તે માટે અમે એમનો ઉ૫કાર માનીએ છીએ. ગુજરાતના મહાન પુરૂષોના આવા જીવનચરિત્ર પ્રસિદ્ધ થવાની ઘણી જરૂર છે. આ જીવનચરિત્ર કેળવણી ખાતાની શરૂઆત ઉપર કેટલુંક અગત્યનું અજવાળું નાંખે છે; એટલુંજ નહિ પણ તે સમયના ગુજરાતની રાજકીય આર્થિક અને સાંસારિક સ્થિતિનું પણ સારૂં ચિત્ર દોરે છે. ભાષા તથા જોડણી મૂળ લેખ પ્રમાણે જ રહેવા દીધી છે. જેથી તે વખતની લખવાની ઢબનું સ્વરૂ૫ પણ વાચકના સમજવામાં આવશે. સંપાદક]
  2. મ્હારા મુરબ્બી કાકા રા. મનમોહનદાસ રણછોડદાસ જોડે આ જીવનચરિત્રના વિષય સંબંધી મ્હારે વાતચીત થતાં ત્હેમનું કહેવું એવું થએલું કે આ મુજબ કાંઈ નહિ તો સંક્ષિપ્તરૂપે પણ મ્હારા પૂજ્ય દાદાનું ચરિત્ર લખવાનો પહેલો વિચાર મ્હારા પિતાના મગજમાં મૂકનાર સ્વર્ગસ્થ રા. ઝવેરીલાલભાઈ ઉમીયાશંકર યાજ્ઞિક હતા. મુંબઇમાં જ્યારે સન ૧૮૮૯માં કોંગ્રેસને સમયે મ્હારા પિતા આવેલા ત્યારે રા. ઝવેરીલાલભાઈ જોડે ત્હેમને ઉપર મુજબ વાતચીત થયેલી. ગુજરાતની કેળવણીના પિતા તરીકે રા. રણછોડદાસનું નામ હજુ ગુજરાતમાં પ્રસિદ્ધ છે. એ કેળવણીનો પાયો નાખતાં શી શી રીતની મુશ્કેલીઓ પડેલી, તેનો કાંઇક અંશે આપણને–એટલે તે કેળવણીનું ફળ ભોગવનારને–જે ચિતાર મળ્યો છે તે રા. ઝવેરીલાલભાઈની સૂચનાનું ફળ છે, એ જાણી દરેક ગુજરાતીને આનંદ થયા વગર રહેશે નહિ.
    કૃ. મો. ઝ.

Lua error in package.lua at line 80: module ‘strict’ not found.