ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૫મું/શાન્તિલાલ ગુલાબદાસ તોલાટ
એઓ જ્ઞાતે દશા પોરવાડ વણિક અને સુરતના વતની છે. એમના પિતાશ્રી ગુલાબદાસ ગોપાળદાસ તોલાટ શ્રીમંત ગાયકવાડ સરકારના કેળવણી ખાતામાં ઉંચી પદ્વિ ભોગવતા હતા; એમના માતુશ્રીનું નામ ગુલાબગૌરી હતું. એમનો જન્મ સન ૧૯૦૪માં તા. ૩૧મી જુલાઈના રોજ સુરતમા થયો હતો. એમનું લગ્ન સન ૧૯૨૭માં મુંબઈમાં રા. ચુનીલાલ દલાલના પુત્રી સૌ. ધનવિદ્યા સાથે થયલું છે. એમણે બધો અભ્યાસ મુંબઈમાંજ કર્યો છે; અને એમની વિદ્યાર્થી તરીકેની કારકિર્દી યશસ્વી હતી. ઇ. સ. ૧૯૨૪માં ઇન્ટર મીડીયેટ આર્ટસની પરીક્ષામાં સંસ્કૃતના વિષયમાં સૌથી વધુ માર્ક મેળવવા માટે એમને વિલ્સન કૉલેજ તરફથી ડૉ. ભડકમકર પ્રાઇઝ અને સ્કૉલરશીપ આપવામાં આવ્યા હતાં. સન ૧૯૨૬માં એમણે બી. એ.ની પરીક્ષા ઈંગ્લીશ અને સંસ્કૃત લઈને ઑનર્સ સહિત પાસ કરી હતી અને તેમાં સંસ્કૃતમાં પ્રથમ નંબરે આવવાથી વિલ્સન કૉલેજમાં સીનીયર ફેલૉ નિમાયા હતા. ત્રણ વર્ષ મુંબઇનાં પ્રસિદ્ધ લક્ષ્મી આર્ટ પ્રિન્ટીંગ વકર્સમાં મુદ્રણનો અનુભવ મેળવ્યા પછી તેઓ હાલ ગવર્નમેન્ટ સેન્ટ્રલ પ્રેસમાં જોડાયા છે. કૉલેજમાં વિદ્યાર્થી અવસ્થામાં હતા ત્યારે તેઓએ ગુજરાતી માસિકોમાં કાવ્યો, લેખો અને અવલોકનો લખવાનું શરૂ કર્યું હતું. સ્વ. ભોગીન્દ્રરાવ દિવેટીઆના લખાણ તરફ એમને વિશેષ મમતા છે અને તેથી તેમના વાર્ત્તાનાં પુસ્તકોનો પુનરુદ્ધાર કરવાનો યશ એમને ઘટે છે. સ્વર્ગસ્થનું ચરિત્ર–ભોગીન્દ્રરાવ દિવેટીઆ–જીવન, સમય અને સાહિત્ય’ એ નામથી એઓ હમણાં લખી રહ્યા છે અને થોડી મુદતમાં તે પ્રસિદ્ધ થશે; તેમ એમની પ્રસિદ્ધ વાર્તાઓની નવી આવૃત્તિઓમાં ગ્રંથપરિચય લખી એમણે એ સાહિત્ય સુલભ કરવામાં આગળ પડતો ભાગ લીધો છે.
એમના બે ટુંકી વાર્તાનાં પુસ્તકો તાજેતરમાં બહાર પડ્યાં છે; અને તે પ્રશંસાપાત્ર નિવડ્યાં છે.: : એમની કૃતિઓ : :
| નં. | પુસ્તકનું નામ. | પ્રકાશન વર્ષ. |
| ૧. | કલ્પનાની મૂર્તિઓ | સન ૧૯૩૩ |
| ૨. | જીવનનાં પ્રતિબિંબ | ”” |