ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૫મું/ગુજરાતી ભાષાના શબ્દકોષ
દુનિયાની દરેક પ્રચલિત ભાષાના કોષોની માફક આપણી ગુજરાતી ભાષાનો કોષ પણ દિનપ્રતિદિન નવિન શબ્દોથી, નવિન પર્યાયોથી, નવિન શબ્દ પ્રયોગોથી વૃદ્ધિને પામતો જાય છે. ભાષા જેમ જેમ સમૃદ્ધ થતી જાય તેમ તેમ તેના કોષો સંવર્ધનને પામે એ જેમ સ્વભાવિક છે તેમ તે ઇષ્ટ પણ છે. વખતના વહેવા સાથે પ્રથમના કોષોનું સ્થાન પછીના સંવર્ધિત કોષોજ છે અને પાછળના કેટલાક કોષોનું નામનિશાન પણ રહેતું નથી. આવા કોષોએ પણ તેમના સમયમાં ભાષાની ઘણી સારી સેવા બજાવેલી હોય છે અને સંવર્ધનની પ્રથમાવસ્થામાં આ કોષો ઘણાજ મહત્વના તથા ખરી અગત્યના લેખાય છે. એટલે ભાષાના ઇતિહાસમાં તેઓનું આવશ્યક સ્થાન છે. આપણા સાહિત્યમાં તેવા કોષોની જાણવાજોગ માહિતી સાથે ક્રમવાર યાદિ હોય તો ભાષાનું સ્વરૂપ ઘડવામાં અથવા તે વખતનું યથેષ્ટ સ્વરૂપ બતાવવામાં તેમનો કેટલો હાથ હતો તે જનતાના લક્ષમાં આવે તેટલુંજ નહિ પણ ભવિષ્યમાં તે કોઈ ને કોઈ રૂપે ઉપયોગી થઈ પડે. રા. હિરાલાલ ત્રિભોવનદાસ પારેખ છેલ્લાં કેટલાક વર્ષોથી ગુ. વર્નાક્યુલર સોસાયટીના આ. સે. તરીકે અનેકરૂપે સાહિત્યની સેવા જીગરથી કરતા આવ્યા છે. આજથી આસરે દોઢેક વર્ષ પર એક પ્રસંગે વાતચિતમાં તેમણે સૂચના કરી હતી કે કોષોના આવા ઈતિહાસની જરૂર છે, અને તે ટુંકામાં તૈયાર થાય અને તે સોસાયટી તરફથી પ્રકટ થતા ભાષાના ઇતિહાસમાં દાખલ કરવામાં આવે તો તે ઘણું ઉપકારક થઈ પડે, એ વાતચિત આ લેખનું જન્મ સ્થાન છે. અને “Better late than never” એ ન્યાયે તેનો આટલી લાંબી મુદતે પણ ઈશ્વરકૃપાથી અમલ થાય છે. વળી એનસાઈક્લોપીડીયા બ્રિટાનિકા જેવા પરભાષાના સર્વસંગ્રહમાં ઘણીખરી ભાષાઓના કોષોની યાદી આપેલી છે તેમાં ગુજરાતી ભાષાના ગુજરાતી-અંગ્રેજી કોષોની એક (અપૂર્ણ) યાદિ મારા જોવામાં આવી અને એક પરભાષામાં આવી હકીકત મળી શકે અને આપણી ભાષામાં તેવું સાધન નહિ તે આપણી ખામી ગણાય એ વિચારે પણ મારા કાર્યને પ્રગતિ આપી. આ યાદિ તૈયાર કરવામાં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની લાયબ્રેરીનો લેખકે છૂટથી ઉપયોગ કર્યો છે. અને આ યાદિનો મૂળ આધાર પણ એજ લાયબ્રેરી છે એમ કહું તો કંઈ ખોટું નથી. કેટલાક ડીક્ષનેરી પ્રકટ કરનારાઓને તેમના પ્રકાશનોની વિગતવાર યાદિ પુરી પાડવા માટે મેં બે ત્રણ કે ચાર વખત લખ્યું પણ હતું. જેઓ તરફથી મને માહિતી પુરી પાડવામાં આવી તે તેમજ જેમણે પુરી ન પાડી તેમના સંબંધમાં મને મળી આવી તે સઘળી અત્રે દાખલ કરી છે. તે છતાં કોઈના કોષની હકીકત રહી ગઈ હોય તો તેને માટે તેઓશ્રી દરગુજર કરતાં તે હકીકત સોસાયટીને પુરી પાડશે તો યથાસમયે તેનો ઉપયોગ થશે. જે પ્રકાશકને લખવા છતાં તેમના તરફથી કાંઇ હકીકત ન મોકલાઈ હોય અને આ લેખકની માહિતી બહાર હોવાથી તેનો સમાવેશ આમાં ન થયો હોય તો તેમાં તેઓશ્રીનો પ્રમાદજ કારણભૂત હશે. “ગુજરાતી ભાષાના કોષો” તેમાં (૧) “ગુજરાતી–ગુજરાતી તથા અરબી અને ફારસી ગુજરાતી” (૨) “સંસ્કૃત–ગુજરાતી” (૩) “ગુજરાતી ઈંગ્લીશ” અને (૪) ઇંગ્લીશ–ગુજરાતી એટલા કોષોનો સમાવેશ કર્યો છે.
ગુજરાતી–ગુજરાતી
૧. નર્મકોષ
આપણી ભાષાની વાંચનમાળાઓ શરૂ થઈ, ત્યારથી કઠણ શબ્દોના અર્થ તે વખતનાં પુસ્તકોમાં આપવામાં આવતા હતા. પરંતુ જેને યથાર્થ કોષ કહી શકીએ તેવો કોષ આપણી ગુજરાતી ભાષામાં નહતો. આપણા સ્વદેશ પ્રેમી, પ્રેમશૌર્યના પાઠ આપનાર, સુધારાના સાથી, જનતામાં ગદ્ય વાંચનની અભિરૂચિ ઉત્પન્ન કરનાર, ખરૂં કહીએ તો ગુજરાતી ભાષાનું ગદ્ય સ્વરૂપ ઘડનાર, યુવાનીમાં યાહોમની દાંડી પીટનાર, અને ગુણવંતી ગુજરાતના શ્રેયનાજ ધ્યેયવાળા કવિ નર્મદાશંકરે જ તે મહત્વની ખોટ પુરી પાડવાનું બીડુ ઝડપ્યું હતું. ઘણી વખત કહેવાઈ–લખાઈ ગયું છે તેમ ઈંગ્રેજી ભાષાના આદ્ય કોષકાર જેમ ડૉ. જોન્સન છે તેમ આપણી ગુજરાતી ભાષાના આદ્ય કોષકાર કવિ નર્મદાશંકર છે. મી. જોન્સન કરતાં પણ કવિશ્રીએ આરંભેલું કાર્ય વધારે ગહન, વધારે કપરૂ અને સખત કસોટી રૂપ હતું. જે સમયે ગુજરાતી ભાષાનું યથેષ્ટ સ્વરૂપ ઘડાયું નહોતું, શબ્દોનો ભંડોળ બીલકુલ નહોતો, સાધન નહોતું, સામગ્રી નહોતી, જોડણીની રૂપરેખા પણ નહોતી, પોતાની પાસે નાણાંની સગવડ તો રહી પણ ઉલટી હાડમારી હતી, સરકાર, રાજારાણા કે શેઠ શાહુકારની મદદ નહોતી, બે ત્રણ કે ચાર સાક્ષરોની કમિટી નહોતી, રેલ્વે કે પોસ્ટના અત્યાર જેટલાં સાધન ન હતાં, તેવા સમયે ઈંગ્રેજી ભાષામાં અનેક કોષો છે, સંસ્કૃતમાં એક નહિ પણ અનેક કોષો છે, મરાઠી, હિંદુસ્તાની અને બંગાળીમાં પણ કોષો છે અને મારી માતૃભાષામાં એક પણ કોષ નથી, તે હોવોજ જોઈએ તેવા મમત્વ, પ્રેમ, અને અભિમાનથી દોરાઈ-પ્રેરાઈ એકલે હાથે, અનેક મુશીબતો, અગવડો, વિટંબનાઓ અને ઉત્સાહભંગના પુષ્કળ પ્રસંગો આવવા છતાં સ્વાશ્રયથી શૂન્યમાંથી નર્મકોષ જેવો પદ્ધતિસર કોષ બનાવવો એ કોઈ નહાનીસૂની વાત નહોતી. પ્રયત્ન ભગીરથ હતો; તે છતાં ‘પ્રારબ્ધમુતમજના ન પરીત્યજન્તિ’ એ ન્યાયે આરંભેલું કાર્ય તેમણે સાંગોપાંગ પાર ઉતાર્યું અને ગુજરાતી ભાષા ઉપર તેમણે ઘણો મોટો ઉપકાર કર્યો. અત્યારની જનતાને એ કોષમાં ખામી લાગે એ સ્વભાવિક છે. પરંતુ તે સમયે ગુજરાતી ભાષાની બાલ્યાવસ્થા હતી.–અણખેડાયેલી–અણશોધાયેલી–સંસ્કારહીન હતી–સાહિત્યને સમજનારા ગુજરાતીઓ આંગળીના વેઢા ઉપર ગણી શકાય તેટલાજ જીલ્લાવાર હતા; ઉપર બતાવ્યા તેવા સંજોગો હતા, અને કવિ પોતે ગદ્યપદ્યના સાહિત્ય તેમ સુધારાની અનેક પ્રવૃત્તિઓમાં ગુંથાએલા હતા. એ સઘળું ધ્યાનમાં લેતાં દરેક વિચારશીલ પુરુષને કબુલ કરવું પડશે કે કવિશ્રીના આ મહાભારત પ્રયત્ન માટે ગુજરાત સદાને માટે તેમનું ઋણી છે. હિંદુસ્તાનની બંગાળી, મરાઠી, હિંદી વિગેરે ભાષાઓનો ઇતિહાસ ધ્યાનપૂર્વક અવલોકીશું તો ઘણીખરી તેવી ભાષાના વર્નાક્યુલર ઈંગ્લીશ અને કેટલાકના ઈંગ્લીશ વર્નાક્યુલરના કોષોના કર્તા યુરોપીઅનોજ દૃષ્ટિગોચર થશે. અલબત્ત આવા યુરોપીઅનોના આશ્રયને માટે હિંદુસ્તાન તેમના ઉપકાર નીચે છે. પરંતુ જરાક ઉંડા ઉતરીને તપાસીશું તો જણાશે કે તેવા કોષો સરકારની પ્રેરણા, ઉત્તેજન અને આર્થિક મદદને જ આભારી હશે. આ હકીકત લક્ષમાં લેતાં તેવી પ્રેરણા, ઉત્તેજન કે મદદને અભાવે કવિશ્રીનું આ કાર્ય સંપૂર્ણ ધન્યવાદનેજ પાત્ર છે. કવિશ્રીએ આ મહદ્ કાર્યનો પ્રારંભ સને ૧૮૬૧ની સાલ પહેલાંજ કર્યો હોવો જોઇએ. કેમકે સને ૧૮૬૧માં તેમણે સ્વર વિભાગ રૂપ પહેલો ભાગ બહાર પાડ્યો હતો અને ત્યારપછી સને ૧૮૬૨-૬૪ અને ૬૬માં બીજો ત્રીજો અને ચોથો ભાગ એમ અનુક્રમે બહાર પાડ્યા હતા. આ ચોથા ભાગમાં ‘તગારુ’ શબ્દ સુધી કોષનો ભાગ આવી ગયો હતો. ત્યારપછી સઘળુ નવેસરથી તૈયાર કરી કોષની બીજી આવૃત્તિરૂપે આખો કોષ સને ૧૮૭૩માં છપાવીને બહાર પાડ્યો હતો. સદર કોષમાં એકંદર ૨૫૮૫૫ શબ્દો હતા. સ્થળવાચક કે જનવાચક શબ્દનો તેમાં સમાવેશ ન હતો. તેમજ શાસ્ત્ર અને કળાના શબ્દો પણ નહિ જેવાજ લીધા હતા. પરંતુ ગુજરાતી ભાષામા તે વખતે પ્રચલિત ઘણાખરા શબ્દોને તેમાં સ્થાન આપ્યું છે. (ઈંગ્રેજી જેવી વિશાળ ભાષાનો પ્રથમ કોષ સને ૧૭૫૫માં ડો. જોન્સને બહાર પાડ્યો ત્યારે તેમાં ૫૮૦૦૦ શબ્દો હતા.) કોષના શબ્દોના સંબંધમાં ઈંગ્રેજી સાહિત્યમાં બે અભિપ્રાય હતા. પ્રથમ એવો હતો કેઃ— “The lexicographer should furnish a standard of usage, should register only those words which are, or at some period of the language have been, “good” from a literary point of view, with their proper senses and uses or should atleast furnish the means of determining what these are; in other words his chief duty was conceived to be to sift and refine, to decide authoritatively questions with regard the good usage and thus to fit the language as completely as might be possible within the limit determined by the literary taste of the time.” આ અભિપ્રાય અનુસાર ઈટાલીઅન ડીક્ષનેરી ૧૬૧૨માં, ફ્રેન્ચ ડીક્ષનેરી ૧૬૯૪માં અને ડૉ. જ્યોન્સનની ઇંગ્લીશ ડીક્ષનેરી ૧૭૫૫માં પ્રગટ થઈ સને ૧૮૫૭માં ડીન ટ્રેન્ચે Some deficiencies in the English Dictionary એ નામના લેખમાં નીચે પ્રમાણે વિચારો જણાવ્યા હતા. “A Dictionary, according to that idea of it which seems to me alone capable of being logically maintained, is an inventory of the language; much more; but this primarily. It is no task of the maker of it to select the “good” words of the language. The business which he has undertaken is to collect and arrange all words whether good or bad, whether they commend themselves to his judgment or otherwise. He is an historian of the language, not a critic.” એ પ્રમાણે બીજો મત હતો. મતલબ પ્રથમ મત પ્રમાણે ભાષાની અંદર જે પ્રચલિત શબ્દો હોય તેમાંથી સારા શિષ્ટ શબ્દોને કોષમાં સ્થાન આપવું જોઈએ; ત્યારે બીજા મત પ્રમાણે કોષકાર એ ટીકાકાર નથી. એ તો ભાષાનો ઇતિહાસ લખનાર છે. ભાષામાં અમુક શબ્દ પ્રચલિત છે કે નહિ તેજ તેણે જોવાનું છે. અમુક શબ્દ શિષ્ટ છે અને અમુક શબ્દ અશિષ્ટ છે, તે જોવાનું તેનું કામ નથી. શબ્દ જો ભાષામાં હોય તો તે આવવોજ જોઈએ; શબ્દોની યાદિ કરનાર તરીકે ભાષામાં ચાલતો દરેક શબ્દ દાખલ કરવાની તેની ફરજ છે. ઈંગ્રેજી કોષકારોએ પાછળથી આ અભિપ્રાયનું અવલંબન કર્યું છે. કવિ નર્મદાશંકરે પણ આજ અભિપ્રાયનું અવલંબન પોતાના કોષ સંબંધમાં કર્યું છે. તે વખતના પ્રચલિત ઘણાખરા શબ્દો આ કોષમાં આવી જાય છે. ત્યારપછી થોડાંક વર્ષોમાં નર્મકોષમાં નહિં આવેલા શબ્દોના સંગ્રહો બહાર પડેલા છે. પણ સને ૧૮૯૫માં રા. વિઠ્ઠલદાસ રાજારામનો સંપૂર્ણ કોષ કવિશ્રી પછી પહેલોજ બહાર પડ્યો. તેમાંના શબ્દોની સંખ્યા ૨૬૦૦૦ની છે. એટલે ત્યારપછી અઢાર વર્ષમાં માત્ર જુજ શબ્દોનો વધારો થયો હતો. અર્થાત કવિશ્રીના કોષમાં તે સમયના ઘણાખરા પ્રચલિત શબ્દોનો સમાવેશ થયો હતો. ઇંગ્રેજી ભાષામાં ડો. જોન્સન પછી સારા કોષકાર તરીકે ડો. વેબ્સ્ટર લેખાયા છે. વેબસ્ટરના જીવનચરિત્રમાં તેમને માટે નીચે પ્રમાણે નોંધ છેઃ— “The leading traits in the character of Dr. Webster were enterprise, self-reliance and indomitable perseverance. He was naturally of sanguine temperament and the circumstances under which he entered on the active duties of life were eminently suited to strengthen the original tendencies of his nature. Our country was struggling into natural existance. x x x x Energy, self-reliance, fearlessness, the resolute defence of whatever he thought right and useful, the strong hope of ultimate success, these became the great elements of his intellectual character” આ નોંધ જાણે આપણા કવિશ્રીને ઉદ્દેશીનેજ ન લખાઈ હોય તેવી રીતે દરેક રીત્યે તેમને અક્ષરશઃ લાગુ પડે છે. આમ હોવા છતાં દીલગીરી સાથે જણાવવું પડે છે કે આ કોષને લીધે કવિશ્રીને અનહદ આર્થિક નુકસાન થયું હતું. તેવા વખતમાં સરકારના આશ્રય સિવાય સઘળા પ્રયાસો નકામાજ હતા. કાંઇક શાહુકાર શેઠીઆઓ, કાંઈક રાજારાણાઓ અને કાંઈક વિદ્વાનોની પુસ્તક ખરીદી રૂપે મદદ થઈ હતી. તોપણ કોષનો ઉઠાવ જોઇએ તેવો થયો નહિ. કોષની મૂળ કિંમત રૂ. ૨૨) હતી. સમય અને બુદ્ધિના વ્યયને લક્ષમાં ન લેતાં માત્ર ખર્ચના સંબંધનો વિચાર કરતાં પણ કિંમત વધારે ન હતી. તેમ છતાં તેમણે પાછળથી કિંમત ઘટાડી તોપણ પ્રતોને જોઇતો ઉઠાવ થયો નહિ. મુંબઈ માટે આગળની કહેવત છે કે “રોટલો મળે પણ ઓટલો ન મળે” તેવી ત્યાં જગોની તંગાસ હતી. તેમાં નર્મ કોષ જેવાં મોટાં પુસ્તકો જગો રોકે તે પણ ઉપાધિ. કવિશ્રીએ વિદ્વાનો, લાયબ્રેરીઓ વિગેરેને સન્માનપૂર્વક તેની ભેટ આપવા માંડી અને આખરે થાકીને બાકીની ૩૮૦ પ્રતો રૂા-૭) ના ભાવથી (પડતર કરતાં પણ ઓછે) સને ૧૮૭૬માં સરકારને વેચી દીધી. સરકારે પણ નફાનો વિચાર ન રાખતાં રૂા.૧૦)ની કિંમતે વેચવા માંડી. તોપણ તેટલી પ્રતોને ખપતાં ખપતાં ૧૯ વર્ષનાં વહાણાં વહી ગયાં. આ આપણા ગુજરાતી સમાજની કદરદાની કહો, ગુહગ્રાહકતા કહો કે અભિરૂચિ કહો તે દૃષ્ટિગોચર થાય છે. આજ કારણને લઇને લાંબાગાળા સુધી બીજા કોઇએ ગુજરાતી ભાષાનો કોષ તૈયાર કરવાનું યોગ્ય વિચાર્યું નહિ હોય ! ! ! ૨. નર્મ કથાકોષઃ— કવિશ્રીએ કોષના કામ સાથે સાથે કથાકોષનું કામ પણ ચાલું રાખ્યું જણાય છે. ભાગવત, મહાભારત તથા પુરાણોના કથાપ્રસંગમાં આવેલા સ્થળ–જનવાચક શબ્દો તેમની પાસે આવ્યા તે સઘળાનો પણ સારો માહિતીવાળો કોષ સને ૧૮૭૦માં છપાવીને પ્રકટ કર્યો હતો. ૩. કોષાવલી :— કવિ હીરાચંદ કહાનજીએ સને ૧૮૬૫માં આ નામથી એક કોષ બહાર પાડ્યો હતો. આ કોષ કવિઓના ઉપયોગમાં આવે તેવા શબ્દોનો સંગ્રહ છે. તેમાં ૧૭૯૧૩ શબ્દો આવેલા છે, વાસ્તવિક રીતે તે કવિતાસાહિત્ય કોષ છે. તેમાં તેર વિભાગ આપવામાં આવ્યા છે. એકાક્ષરી શબ્દ, અનેકાર્થ, દ્વિરાવૃત્તિ, ત્રિરુપ, દિરાવૃત્તિ પંચકોશ, ત્રિરાવૃત્તિ ષડ્રુપકોષ, આદિવર્ણાચ્યુતદ્વિરુપકોષ, ચતુર્થવર્ણચ્યુતદ્વિરુપકોષ, બિંદુચ્યુતદ્વિરુપકોષ, ગતાગૈકરુપ કોષ, ગતાગતધિરુપ કોષ અને યમકાનુપ્રાસાનુ કોષ આ પ્રમાણે તેર વિભાગનો આ કોષ છે. સાહિત્યમાં આવા કોષની પણ જરૂરીઆત ખરી અને તે આ કવિશ્રીએ શ્રમ લેઇને પુરી પાડી છે. ૪. સાત ચોપડીમાં આવતા શબ્દોના અર્થઃ—એ નામથી પ્રથમ ભાગ સને ૧૮૬૮માં રા. દોલતરામ મણીરામ તથા રા. રેવાશંકર અંબારામે બહાર પાડ્યો હતો. તેનો બીજો ભાગ સને ૧૮૭૦માં બહાર પાડ્યો હતો. નર્મકોષ પુરેપુરો બહાર પડેલો નહિ અને શાળાઓમાં વિદ્યાર્થીઓને ઓછી કિંમતે જોઇતું સાધન મળે તે ઉદ્દેશથી આ બહાર પાડવામાં આવેલા જોઈએ. ૫. રાજ્યકાર્યશબ્દાર્ણવઃ—રાજપ્રકરણી પ્રચલિત લગભગ ૧૨૦૦ શબ્દોનો કોષ સને ૧૮૭૬માં બાળબોધ લિપિમાં બહાર પડેલો છે. પરંતુ તેનું મુખ પૃષ્ટ જતું રહેલું હોવાથી કોણે છપાવ્યો તે જાણવાનું સાધન નથી. ૬. શબ્દ સંગ્રહ (નર્મ કોષમાં નહિં આવેલા શબ્દોનો સંગ્રહ) એ નામથી સને ૧૮૭૬માં પટેલ જેસીંગભાઈ ત્રીકમદાસ તથા પટેલ ત્રિભોવન ગંગાદાસે ૧૨૦૦ શબ્દોનો છપાવ્યો હતો. અમદાવાદ ટાઇમ્સ પ્રેસ કિંમત રૂા. ૧) રોયલ ૧૦ પેજી. ૭. ગુજરાતી શબ્દ મૂળદર્શક કોષઃ—રચનાર છોટાલાલ સેવકરામે સને ૧૮૭૯માં કચ્છ દરબારી છાપખાનામાં છપાવેલો. મૂળ સરકારી કેળવણી ખાતાના ઉપરીની સૂચનાથી તૈયાર કરેલો પણ તૈયાર થતાં, તે ઉપરી સાહેબ રિટાયર થઈ ગયેલા એટલે ખાતાની મદદની આશા નહીં રહેવાથી કર્તાએ જાતે છપાવ્યો હતો. સંસ્કૃત શબ્દો ઉપરથી ગુજરાતી શબ્દો કેવી રીતે કેટલા નિકળ્યા તે આપ્યું છે, અને પાછળ ગુજરાતી શબ્દોનું સાંકળીયું આપ્યું છે. તેથી એ શબ્દ કિયા પાને છે તે જાણી શકાય છે. ૮. શબ્દાર્થ કોષ—સને ૧૮૮૬માં દયાશંકર શામજીએ હંટરસ્કૃત ઇતિહાસ શાળાઓમાં દાખલ થયો તેમાંના અઘરા શબ્દોની વ્યુત્પત્તિ, પર્યાય અને સમજુતી સાથે બહાર પાડ્યો હતો. ૯. કચ્છ શબ્દાવલીઃ—પ્રથમ ભાગ તથા બીજો ભાગ સને ૧૮૮૬માં પરભુદાસ રણછોડજીએ કચ્છ દરબારી છાપખાનામાં છપાવી બહાર પાડેલો. કિંમત દરેકની બે કોરી, સદરની બીજી આવૃત્તિ પણ તેમણેજ દશ આનાની કિંમતથી કઢાવી હતી. ૧૦. શબ્દાર્થ કોષઃ—નર્મકોષ તથા શબ્દસંગ્રહમાં નહિં આવેલા શબ્દોના અર્થ. સને ૧૮૮૮માં મોતીલાલ મનસુખરામ શાહે બહાર પાડ્યો હતો. ૧૧. શબ્દાર્થ ભેદઃ—(અથવા પર્યાય તરીકે વપરાતા શબ્દો વચ્ચેનો તફાવત) :—ઇંગ્રેજીમાં જેને synonyms કહે છે તે ધોરણ ઉપર સને ૧૮૯૧માં રા. રા. લલ્લુભાઈ પ્રાણવલ્લભદાસે આ પુસ્તક બહાર પાડ્યું હતું. સને ૧૮૮૫ થી ૧૮૮૭ ની સાલ સુધી છુટક છુટક શબ્દો બુદ્ધિપ્રકાશમાં છપાવેલા તેમજ સને ૧૮૮૬ તથા ૧૮૮૭ના ગુજરાત શાળાપત્રમાં કેટલાક શબ્દો આપેલા. આ પુસ્તકમાં સમાન અર્થ જેવા દેખાતા શબ્દોમાં અર્થના શું તફાવત છે તે બતાવવામાં આવ્યું છે અને તેના સમર્થનમાં ગુજરાતી શિષ્ટ પુસ્તકોમાંથી, દાખલા તરીકે અવતરણો ટાંકી બતાવ્યાં છે. ૧૨. ગુજરાતી શબ્દાર્થ સિંધુઃ—રચનાર વિઠ્ઠલ રાજારામ દલાલ, પ્રકાશક પુસ્તક પ્રકાશક મંડળ–મુંબાઈ, સને ૧૮૯૫. નર્મકોષ પછી કોઈપણ કોષ સંપૂર્ણ રીતે પ્રકટ થયો હોય તો તે આ કોષ છે. પરંતુ તેમાં માત્ર ૨૬૦૦૦ શબ્દોજ આવેલા છે. નર્મકોષમાં વિકલ્પે થતી જોડણીવાળા શબ્દો મુકી દીધા છે, અને ચાલુ નવિન શબ્દો લીધા છે. તદ્દન ઝીણા ટાઈપમાં રોયલ આઠપેજી ૩૩૦ પૃષ્ટ અને કિંમત રૂા. ૫) છે. શબ્દોના અર્થના પર્યાયજ આપેલા છે. ૧૩. રૂઢિપ્રયોગ કોષઃ—સને ૧૮૯૮ માં રા. ભોગીલાલ ભીખાભાઈ પાસે રચાવી ગુ. વર્નાક્યુલર સોસાઈટીએ છપાવ્યો. ઇંગ્રેજીમાં જેને Idioms કહે છે, તેવાજ ગુજરાતી ભાષામાં રૂઢ થએલા શબ્દ કે વાક્ય પ્રયોગોના અર્થ આપેલા છે. ૧૪. ઔષધિકોષઃ—સને ૧૮૯૯માં ગુ. વર્નાક્યુલર સોસાઇટીએ રા. ચિમનરાય શિવશંકર વૈશ્નવ પાસે સદરનો પ્રથમ ભાગ તૈયાર કરાવી છપાવ્યો. ઔષધિઓનાં સંસ્કૃત, ગુજરાતી, મરાઠી, હિંદી, બંગાળી, ઇંગ્રેજી અને લેટીનમાં શું શું નામો છે અને તેના મુખ્ય ગુણ શું છે, તે તેમાં દર્શાવેલા છે. દરેક ભાષાની અનુક્રમણિકા હોવાથી તે ભાષામાં ચાલતો શબ્દ સહેલાઈથી જાણી શકાય છે. ૧૫. જ્ઞાનચક્રઃ—અત્યારસુધી એન્સાઇક્લોપીડીઆ જેવું સાધન નેહોતું. તે આ નામથી સને ૧૮૯૯માં મી. રતનજી ફરામજી શેઠનાએ પ્રથમ ભાગ ‘આજ્ઞ’ સુધીનો પારસી ઑરફનેજ પ્રી. પ્રેસમાં છપાવીને રૂા. ૩) ની કિંમતથી બહાર પાડ્યો. કદ રોયલ આઠ પેજી પૃષ્ઠ ૪૦૦, વિષયો ૧૫૦૦. સદર બીજો ભાગ કિંમત રૂા. ૩-૪-૦ ૨૩૦૦ વિષયો. સદર ત્રીજો ભાગ કિંમત રૂા. ૩-૦-૦ ૧૫૦૦ વિષયો સદર ચોથો ભાગ કિંમત રૂા. ૩-૦-૦ ૧૭૦૦ વિષયો. સદર પાંચમો ભાગ કિંમત રૂા. ૩-૦-૦ ૧૭૦૦ વિષયો ૧૬. પ્રાંતિક શબ્દકોષઃ—રા. બા. ગોવિંદભાઇ હાથીભાઇએ સને ૧૯૦૦માં બહાર પાડ્યો. કડી પ્રાંતમાં વપરાતા જે શબ્દો ચરોતરમાં વપરાતા શબ્દોથી જુદા અર્થના હોય તેવા શબ્દો માટે આ તરફના અધિકારીઓ વિગેરે કડી પ્રાંતમાં જાય તો તેમને અગવડ ન પડે તેમજ સામાન્ય જનતાને પણ ઉપયોગી થઈ પડે તે હેતુથી બહાર પાડ્યો હતો. ૧૭ સંજ્ઞાદર્શક કોષ :—સને ૧૯૦૪ની સાલમાં રતનજી ફરામજી શેઠનાએ પીટીટ ઑરફનેજ કોટન પ્રી. પ્રેસમાં ડેમી ૧૨ પેજી સાઈઝમાં પૃષ્ટ ૧૧૭ નો રૂા. ૧) ની કિંમત રાખી છપાવ્યો. સદરમાં ૫૧૫ સંજ્ઞાઓ આપી છે. એક, બે, ત્રણ વિગેરે સંજ્ઞાઓમાં જે જે સમૂહોનો સમાવેશ થતો હોય તે જણાવ્યું છે. જેમકે દશની સંજ્ઞામાં (૫) દશ અગ્નિકળા, (૨૨) અવતાર જયંતિ, (૨૪) અવસ્થા (૫૦) આયુધ, (૧૪૫) ગ્રંથ, એ પ્રમાણે દશની સંજ્ઞામાં ૨૬ સમૂહો બતાવ્યા છે. પાછળ ક્રમવાર નોંધ આપી છે. દશ આયુધ કીયાં તે જાણવા માટે ૫૦ નંબરની નોંધ જોવાથી જાણી શકાય; દશ અવતાર માટે ૨૨ નંબરની નોંધ વિગત જોવાથી જાણવામાં આવે. ૧૮ સુખશાંતિ કોષઃ—રૂસ્તમજી હોરમસજી મીસ્ત્રીએ ધી ઈન્ડીઅન પબ્લીસીંગ કંપનીના નામથી સને ૧૯૦૭માં રૂા. ૨)ની કિંમતથી પ્રકટ કર્યો. સ. રો. ૧૬ પેજી પૃષ્ટ ૩૬૪. ૧૯ ગુજરાતી શબ્દકોષઃ—સને ૧૯૦૯; કર્તા રા. લલ્લુભાઇ ગોકુળદાસ પટેલ–નર્મકોષ પછી તેવીજ પદ્ધતિસર અને સારા સુધારા વધારા સાથે તેમજ શિષ્ટ ગ્રંથકારોના લખાણમાંથી અવતરણ સાથેનો આ પ્રથમ કોષ બહાર પાડ્યો. તેમાં ૪૦૦૦૦ ઉપરાંત શબ્દો, રોયલ આઠપેજી ૧૦૫૪ પૃષ્ટમાં આપી કિંમત રૂા. ૬) રાખી હતી. નર્મકોષ મળતો નહિ હોવાથી આ કોષ તે સમયને માટે આવકારદાયક થઈ પડ્યો હતો. ૨૦. ગુજરાતી ભાષાનો કોષ (વિભાગોમાં) સને ૧૯૧૨ થી સને ૧૯૨૩ સુધીમાં ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીએ ઘણા ઘણા વર્ષોની મહેનત પછી પ્રકટ કર્યો. એકંદર કિંમત રૂા. ૬-૮-૦ રોયલ આઠપેજી સઘળા વિભાગનાં પૃષ્ટ ૧૯૫૦. શબ્દસંખ્યા ૩૫૬૭૮. ૨૧ ઉર્દુ મિશ્ર ગુજરાતી કોષઃ—પ્રસિદ્ધ કરનાર સય્યદ નિજામુદ્દીન નુરૂદ્દીન હુસેયની. સને ૧૯૧૨. સ્વર વિભાગ ડેમી આઠપેજી પા. ૨૧૬. ૨૨. અર્ધમાગધી કોષઃ— પ્રથમ માગધી શબ્દ–તેનું ગુજરાતી–પછી હિંદુસ્તાની અને પછી તેનું ઇંગ્રેજી–એ પ્રમાણે તેની રચના છે. ઇ. સ. ૧૯૨૩, અજમેર દેવ સહાઈ જૈન પ્રીન્ટીંગ પ્રેસ. ભા-૧ લો રોયલ– આઠ પેજી. પૃષ્ટ, ૫૧૧. ૨૩. ગુજરાતી બંગાળી શિક્ષક અને—ગુજરાતી બંગાળી શબ્દકોષઃ—સને ૧૯૨૪ સંયોજક તથા પ્રકાશક–દેવજી ગોરધનદાસ. પૃષ્ટ ૧૧૨૫. ઈ. પ્રી. પ્રેસ કલકત્તા. (ગુજરાતી–બંગાળીને બદલે બંગાળી–ગુજરાતી કોષ છે.) ૨૪. શબ્દના મૂળ અર્થ સાથેઃ—રચનાર સૈયદ અબદુલ્લા તથા ખેમજી પ્રેમજી–(અરબ્બી—ફારસી–હિંદુસ્થાની શબ્દોના.) સને ૧૯૨૫ રોયલ ૧૬ પેજી પૃષ્ટ ૧૧૬. ઓરીયેન્ટલ પ્રેસ કંપની–અમદાવાદ. ૨૫. શાળોપયોગી ગુજરાત શબ્દકોષઃ—સને-૧૯૨૫. રચનાર લલ્લુભાઈ ગોકળદાસ. રોયલ આઠ પેજી, પૃષ્ટ ૮૬૪. પ્રથમના પોતાના ગુજરાતી શબ્દ કોષના શબ્દોમાં વધારો અને અવતરણ વિગેરેમાં ઘટાડો કરીને શાળાપયોગી થઈ શકે તેવો તૈયાર કરી છપાવ્યો. કિંમત. રૂા. ૬-૪–૦ ૨૬. ગુજરાતી ફારશી–અરબ્બી શબ્દોનો કોષઃ—સને ૧૯૨૬. રચનાર અમીરમીયાં હમદુમીયાં ફારૂકી, પ્રકટ કરનાર ગુજરાત વર્નાક્યુલર સોસાઈટી, રોયલ આઠ પેજી, બે ખંડોમાં, પૃષ્ટ ૩૦૮. ૨૭. ગુજરાતી શબ્દાર્થ ચિંતામણિઃ—સને ૧૯૨૬. પ્રકટ કરનાર જીવણલાલ અમરશી મહેતા. ક્રાઉન ૧૬ પેજી. બે ખંડોમાં-પૃષ્ટ ૭૬૪+૭૭૨ શબ્દ સંખ્યા ૪૨૦૦૦ કિંમત રૂા. ૫–૮–૦. ૨૮. પૌરાણિક કથા કોષઃ—રચનાર ડાહ્યાભાઈ પીતાંબરદાસ દેરાસરી. પ્રકટ કરનાર ધી ગુજરાત વર્નાક્યુલર સોસાયટી સને ૧૯૨૭થી સને ૧૯૩૧ સુધીમાં ખંડ પાંચમાં પ્રકટ કર્યો. રોયલ આઠ પેજી પૃષ્ટ ૧૦૨૬+૭૨. કિંમત રૂા. પ–૦–૦ ૨૯. ગુજરાતી જોડણી કોષઃ—પ્રકટ કરનાર ગુજરાત વિદ્યાપીઠ. સને ૧૯૨૯માં માત્ર જોડણીના નિર્ણય માટે બહાર પાડેલો. કિંમત રૂા. ૩) શબ્દ સંખ્યા ૪૩૭૪૩. સદરની બીજી આવૃત્તિ અર્થ સાથે. શબ્દ સંખ્યા ૪૬૬૬૧. પૃષ્ટ ૮૪૦. કિંમત રૂા. ૪–૦–૦. ૩૦. ગુજરાતી જ્ઞાન કોષઃ—સને ૧૯૨૯થી શ્રીધર વ્યંકટેશ કેતકર, વિભાગોમાં બહાર પાડે છે. પ્રથમ ભાગ ‘અયુથિયા’ સુધીનો સુ. રો. આઠ પેજી પૃષ્ટ ૪૨૪નો અને બીજો ભાગ સુધીનો પૃષ્ટ નો પ્રકટ થયો છે. એનસાઈક્લોપીડીઆના ધોરણે તૈયાર થાય છે. ઉપર પ્રમાણે આપણી ભાષામાં જુદા જુદા ગુજરાતી ગુજરાતી કોષો થયેલા છે. ગુજરાતી જ્ઞાનકોષ–સર્વસંગ્રહ સારા પાયા ઉપર શ્રી કેતકરે વિભાગોથી બહાર પાડવા માંડ્યો છે. પરંતુ તેથી ભાષામાં જોઇતી ખોટ પુરાઈ છે એમ કોઈપણ ભારપૂર્વક કહી શકે તેમ નથી. હજુ ગુજરાતીમાં સંપૂર્ણ સારા કોષની ખામી છે. અને તે ખામી સદાને માટે દૂર કરી શકે તો ગુ. વ. સોસાયટી અથવા ગુ. ફાર્બસ સભા છે. આપણી ગુજરાતી ભાષામાં દિવસે દિવસે શબ્દોનો ભંડોળ વધતો જાય છે. કેટલાક અંગ્રેજીમાંથી ભાષાન્તર કરનારાઓ અગર તો ઈંગ્રેજીમાં વિચાર કરીને તેને ગુજરાતી ભાષામાં મુકનારાઓ પોતાની મગજ શક્તિ પ્રમાણે નવિન શબ્દો યોજે છે. એકજ ઈંગ્રેજી શબ્દને માટે આપણી ભાષામાં એકજ અર્થના ચાર, પાંચ, છ અને સાત સુધી જુદા જુદા શબ્દો જુદા જુદા વિદ્વાનોએ યોજેલા છે. નવિન શબ્દો યોજાએલા બરોબર છે કે કેમ તેને નિર્ણય કરનાર કોઇ સ્થાપિત સંસ્થા કે સભા આપણે ત્યાં નથી. અને તેવી કોઇ હોય તો તેનો નિર્ણય સર્વમાન્ય થઇ શકે કે કેમ તે પણ આપણી પરિસ્થિતિ જોતા એક શંકાનુંજ સ્થાન રહે છે. ઘણા વર્ષથી જે શબ્દોે કેવળ પ્રચલિત અને યોગ્ય હોય તેવા શબ્દોને પણ અન્ય શબ્દોથી સંબોધવાને કેટલાકો પ્રેરાય છે. (આવો એક દાખલો અસ્થાને નહિ ગણાય. સાઈકોલોજીને માટે ઘણાખરા વિદ્વાનોએ માનસશાસ્ત્ર શબ્દ વાપરેલો છે. અને ઘણા વખતથી તેજ શબ્દ ભાષામાં પ્રચલિત છે. હમણાંજ તેને માટે ચિત્તશાસ્ત્ર એક ભાષણકારે વાપર્યો છે. સાઈકોલોજીના ગુજરાતી અર્થ તરિકે માનસશાસ્ત્રમા શી ન્યૂનાધિકતા હતી કે ચિત્તશાસ્ત્ર શબ્દથી શું વિશેષતા કે અર્થપરિપૂર્ણતા આવી તે જો જણાવ્યું હોત તોપણ એ શબ્દપ્રયોગ સાર્થક હતો.) વળી કેટલાંક ભાષાન્તરો બંગાળી તેમજ હિંદીમાંથી ગુજરાતીમાં થાય છે. તેમાં તે ભાષાઓમાં પ્રચલિત અમુક અર્થના શબ્દો આપણી ભાષામાં લેઈ લેવામાં આવે છે. એજ શબ્દ આપણી ગુજરાતી ભાષામાં ચાલુ હોય પરન્તુ તેના અર્થ બીજાજ થતા હોય તેવા પણ નવિન અર્થમાં વપરાય છે. ચેષ્ટા શબ્દ નાવિન સાહિત્યમાં “કાર્ય” “કામ” “વર્તન” “પ્રયત્ન” એ ભાવાર્થમાં બંગાળીમાંથી લેવાયો છે. વિદ્યાપીઠ પહેલાંના કોઇપણ કોષમાં આ અર્થ આપેલ નથી. એવા શબ્દો પણ ભાષામાં ઉમેરાતા જાય છે. વળી સંસ્કૃતમાંથી પણ નવિન શબ્દોનો વધારો થતોજ જાય છે. ગુજરાતી તળબદી ભાષાના શબ્દોને ગ્રામ્ય શબ્દો સમજી તેમા પોતાના વિચારો જણાવવાની ઇચ્છાજ નહોય, શક્તિ ન હોય કે તેવી ભાષાને પોતાના એક લેખમાં વાપરવી તે એક પ્રકારનું પોતાનું નિકૃષ્ટપણું જણાતું હોય, કિંવા સંસ્કૃતમાં ગુજરાતી લખવી એજ આવશ્યક, શ્રેયસ્કર અને ભાષાની ઉન્નતિકારક માનતા હોય તેમ કેટલાક લેખકો ભાષામાં ચાલુ શબ્દો હોય તે છતાં પણ કેવળ સંસ્કૃત શબ્દો જાણે શોધી શોધીને વાપરતા જણાય છે. આપણી ભાષામાં “લગામ” શબ્દ ચાલુ છે. તે છતાં તેને બદલે “વલ્ગના” શબ્દ વપરાએલો આ લેખકના વાંચવામાં છે. ભાષાની વૃદ્ધિને માટે આવા નવિન શબ્દોનો વપરાશ ઈષ્ટ છે કે અનિષ્ટ છે, તે વિવાદાસ્પદ વિષય છે. પરંતુ કોષમાં તો ગુજરાતી ભાષામાં તેવા વપરાએલા અને વપરાતા શબ્દોને સ્થાન મળવુંજ જોઇએ એ વાત વિવાદાસ્પદ નથી. તેવા ઘણા શબ્દોને હજી સુધી સ્થાન મળ્યું નથી એટલુંજ નહીં પરંતુ આપણા સાહિત્યમાં અત્યારે ખુદ સોસાયટીના જ પ્રકાશનોમાં વપરાતા કેટલાક શબ્દો પણ હાલના કોષોમાં નથી. વળી રાજ્યકર્ત્તી પ્રજાના અસંખ્ય શબ્દો આપણી ભાષામાં સ્વાભાવિક રીતે એવા દાખલ થઈ ગયેલા છે કે ગુજરાતના ઉંડાણના ભાગોમાં પણ ઘણા અંગ્રેજી શબ્દો વપરાતા થઇ ગયા છે. મુસલમાની રાજ્યના સમયમાં જેમ ફારસી-ઉર્દુ શબ્દો ભાષામાં દાખલ થઈ ગયા તેમ આ શબ્દો પણ આપણી ભાષામાં દાખલ થયા છે અને થતા જાય છે. એવા સઘળા શબ્દોને કોષમાં સ્થાન મળવું જોઈએ. શ્રી ગોંડળ નરેશનો કોષ તૈયાર થાય છે, થોડોક ભાગ છપાયો છે અને બીજો છપાતા જાય છે. તેમાં અત્યારસુધી વપરાતા સઘળા શબ્દોનો સમાવેશ થઈ જશે, તેમ આપણે ઘડીભર માનીએ તો પણ ખામી રહેવાની; ભાષાની પ્રગતિમાન અવસ્થામાં નવિનતા વધતી જ જવાની અને તેને જો કોઈપણ પહોંચી વળે તો ગુ. વ. સોસાઈટી કે ગુ. ફાર્બસ સભા. ઇંગ્રેજી ભાષાનો મૂળ કોષ ડૉ. જ્યોન્સને સને ૧૭૫૫ માં તૈયાર કર્યો ત્યારે તેમાં ૫૮૦૦૦ શબ્દો હતા અને તે શબ્દો તે વખતે સારા પ્રમાણમાં લેખાતા હતા. ત્યારપછી વેબસ્ટરની પહેલી આવૃત્તિ સને ૧૮૨૮ માં થઇ તેમાં ૭૦૦૦૦ શબ્દો હતા. સને ૧૮૬૪ માં સદરની unabriged edition-અસંક્ષિપ્ત આવૃત્તિ બહાર પડી તેમાં ૧૧૪૦૦૦ શબ્દો હતા. સને ૧૮૭૦ માં તેનો પાછો વધારો બહાર પડ્યો હતો. વેબસ્ટરની ઈન્ટરનેશનલ ડીક્ષનેરી સને ૧૮૯૦ માં બહાર પડી તેમાં ૧૭૫૦૦૦ શબ્દો હતા. તેમાં પાછો વધારો સને ૧૯૦૦ માં થયો. સને ૧૯૩૨ માં ન્યુ ઈન્ટરનેશનલ ડીક્ષનેરી (વેબસ્ટર) નીકળી તેમાં ૪૫૨૦૦૦ શબ્દો છે. અને તેમાં પણ વધારે સાથેને સાથે નિકળ્યો છે. ઓકસ્ફર્ડ ડીક્ષનેરીમાં લગભગ ૫૦૦૦૦૦ શબ્દો છે. અને તેમ છતાં ત્યાં ડીક્ષનેરીઓ ઉપરાઉપરી નીકળતી જાય છે. આપણી ગુજરાતી ભાષામાં આટલા શબ્દો થવાને તે ઘણાં વર્ષો જોઇએ. પરંતુ કવિ નર્મદાશંકરના પ્રથમ કોષના ૨૫૦૦૦ શબ્દોથી છેલ્લા વિદ્યાપીઠના કોષમાં ૪૬૦૦૦ ઉપરાંત શબ્દો થયા છે. બ્રિટીશ એન્સાઈક્લોપીડીયાની એક નિયમ તરિકે દશ દશ વર્ષે નવિન આવૃત્તિ સુધારાવધારા સાથે નિકળ્યાજ કરે છે. આપણે ત્યાં એક સંસ્થા સિવાય આવું મહાભારત કાર્ય કોઇ કરી શકે નહિ. એક સારો ભાષાપ્રવીણ સારા પગારથી રાખવો જોઇએ. નવિન પુસ્તકો વાંચીને નવિન શબ્દો અગર નવિન અર્થના શબ્દોની નોંધ લે એટલુંજ કાર્ય કરે. સારા લેખકો ઇંગ્રેજી શબ્દોના જે પર્યાય યોજે તે જે આપણા કોષમાં ન હોય તો તેની પણ નોંધ કરે. અને અમુક અમુક મુદતે આ શબ્દો એક વધારે તરિકે બહાર પડે. ગુ. વ. સોસાયટીએ કોષના સંબંધમાં પોતાનો ફાળો આપ્યો છે. હજુ પણ એ દિશામાં તેમનો પ્રયત્ન છે. પરંતુ હવે ગુજરાતી ફાર્બસ સભાએ આ વધારાનું કામ થાય ધરવું જોઇએ. એ ચાર કામની સાથે આ કામ સોંપ્યા વગર કોષને માટેજ ખાસ એક જુદો કાર્યક્રતા રોકવામાં આવે તો જ તેમાં ઈષ્ટ પરિણામ આવે. ગુજરાત અને ગુજરાતી ભાષાની સેવા અને તેની ઉન્નતિ એજ તેનું ધ્યેય હોય તો જ કાર્ય થઈ શકે. વ્યાપારીદૃષ્ટિથી આર્થિક લાભહાનિ જોવા જતાં તો નુકસાન જ દૃષ્ટિગોચર થાય. પરંતુ પરિણામ તો ભાષાની અભિવૃદ્ધિમાં જ આવે. નવિન કોષમાં આપણી ભાષાના જુના તથા નવા કવિઓ તેમજ ગ્રંથકારોના પુસ્તકોમાંથી અર્થ સમજુતી માટે છૂટથી અવતરણો આવવાં જોઇએ; વિજ્ઞાનની દરેક શાખાના યોજાએલા શબ્દો પણ તેવા અવતરણો સાથે આવવા જોઇએ. જેમ બને તેમ કોષ સચિત્ર થવા જોઇએ. પર્યાય શબ્દોનું વિવેચન અંગ્રેજી Synonyms ની માફક અવતરણો સાથે આવવું જોઇએ; અર્થાત એ કોષનો ઉપયોગ કરનારને જોઇતી ઘણીખરી માહિતી મળી શકે તે ધોરણ ઉપર તે તૈયાર થવા જોઇએ, તેટલુંજ નહિ પરંતુ સારા વિદ્વાનો અને ભાષા-શાસ્ત્રીઓને તે સંતોષ આપનાર થવો જોઇએ. આને માટે સમય, સામગ્રી અને સાર્થસાધન જોઈએ તે ઉપર જણાવ્યું તેમ એક સંસ્થા જ કરી શકે. અત્રે એક વસ્તુ આ સંબંધમાં જણાવવાની લેખકને આવશ્યકતા લાગે છે. સને ૧૯૨૨ માં ધી ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની વાર્ષિક સભા પ્રસંગ ઉપર રા. બા. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરીએ એક વિદ્વતાપૂર્ણ લેખ “ગુજરાતી સાહિત્યની ખામીઓ” એ શિર્ષક હેઠળ લખી મોકલ્યો હતો અને તે તા. ૩૦-૬-૨૨ ના રોજ વાંચવામાં આવ્યો હતો, તેમાં ગુજરાતી કોષના સંબંધમાં સદ્ગત ભગુભાઈની કંપનીનો પ્રયાસ હતો, તેવી નોંધ છે. અને તેની નિષ્ફળતાના કારણો પણ આવેલા છે. હકીકત કંઈ પાઠાફેર છે. મી. ભગુભાઈની કંપનીએ જે કામ આરંભ્યુ હતું તે ગુજરાતી-ગુજરાતી કોષનું નહોતું; પરંતુ ઇંગ્રેજી ગુજરાતી કોષનું હતું. આ બાબતમાં તેમનો પ્રયાસ ઘણોજ ઉચ્ચ અને સ્તુતિપાત્ર હતો. પ્રોસ્પેક્ટસ કાઢવામાં આવ્યાં હતાં. રૂા. ૧૦) પ્રથમ મી. મેસર્સ એન. એમ ત્રિપાઠીને ત્યાં ભરવાના હતા. ત્યાં કેટલાંક નાણાં ભરાયાં પણ હતાં. વિલાયત ચિત્રોના ઓર્ડર પણ મુકાઇ ગયા હતા. અને કેટલાંક ચિત્રો આવી પણ ગયાં હતાં. પ્રોસ્પેક્ટસ પ્રમાણે જો ડીક્ષનેરી બહાર પડી હોત તો આપણી ભાષામાં એક ઘણીજ ઉત્તમ ડીક્ષનેરી તે થઈ પડત. આ લેખક પાસે તે પ્રોસ્પેક્ટસ બીસ્માર હાલતમાં છે, અને તેનું ચિત્ર અહિં રજુ કર્યું છે. તે પ્રયાસ કેવો હતો, કિયા કિયા વિષયો લેવાયા હતા અને તે કોને કોને સોંપાયા હતા તેનો ખ્યાલ એ પરથી કંઈક આવશે. હજુ આવા અંગ્રેજી–ગુજરાતી કોષની પણ આપણે ત્યાં ખામી જ છે.
(૨) સંસ્કૃત–ગુજરાતી શબ્દકોષઃ—
આપણી ભાષાને સંસ્કૃત સાથે મા દીકરીનો સંબંધ છે. અને સંસ્કૃતનું વાચન પરાપૂર્વથી ભાગવત-ગીતા-ઉપનિષદો-પુરાણોદ્વારા ગુજરાતમાં ચાલતુંજ આવેલું છે. ઈંગ્રેજી અમલમાં કેળવણીનો પાયો નંખાયો ત્યારે પણ સંસ્કૃતના અભ્યાસને વિસારી દેવામાં આવ્યો ન હતો, તેથી સંસ્કૃત શબ્દોના ગુજરાતી અર્થને માટે પડતી મુશ્કેલી દૂર કરવા માટે સરકારી વિદ્યા ખાતાએ પણ સગવડ કરી હતી. ત્યારપછી ભાષામાં સંસ્કૃતના જ ગુજરાતી કોષો પણ પ્રકટ થયા છે તે નીચેની હકીકતથી સમજાશે. (૧) હિતોપદેશ શબ્દાર્થઃ—સરકારી વિદ્યાખાતાએ રા. રણછોડભાઈ ઉદયરામ તથા શાસ્ત્રી વરજલાલ કાળીદાસ પાસે હિતોપદેશમાં આવેલા સંસ્કૃત શબ્દોના ગુજરાતી અર્થ તૈયાર કરાવેલા તે શબ્દાર્થ સને ૧૮૬૪ માં અમદાવાદમાં છગનલાલ મગનલાલના શિલાપ્રેસમાં છપાયો હતો. સુપર રોયલ આઠ પેજી ૧૭૫ પૃષ્ટ. (૨) સંસ્કૃત ગુજરાતી ડીક્ષનેરીઃ—સને ૧૮૭૧ માં એશિયાટિક પ્રેસ મુંબઈમાં છપાઈ હતી. કર્તા બાજીરાવ તાત્યારાવજી રણજીત–શુદ્ધ કરનાર કવિશ્વર શંકરલાલ માહેશ્વર. (૩) શબ્દ ચિંતામણિઃ—(સંસ્કૃત-ગુજરાતી શબ્દકોષ) યોજક સવાઇલાલ વિ. છોટાલાલ વહોરા–ભાવનગર. પ્રકાશક દોલતરામ મગનલાલ શાહ–વડોદરા–સને ૧૯૦૦. કિંમત રૂા. ૧૨-૦-૦ સુપર રોયલ આઠ પેજી પૃષ્ટ ૧૪૦૮. આ કોષમાં વહેવારમાં રૂઢ થએલા કેટલાક મુખ્ય શબ્દો સિવાય પારિભાષિક શબ્દો લીધા નથી. તે સિવાયના સંસ્કૃત શબ્દો લીધા છે. શબ્દ પછી શાસ્ત્રીય રીતે વ્યુત્પત્તિ આપી છે. વ્યુત્પત્તિ પછી શબ્દોનાં જાતિ આદિ લક્ષણો આપ્યાં છે. ધાતુઓના ગણાદિ લક્ષણો આપ્યાં છે. સમાસોનો વિગ્રહ કરવામાં આવ્યો છે. સ્થળે સ્થળે પ્રમાણભૂત ગ્રંથોમાંથી અર્થસ્પષ્ટીકરણ માટે અવતરણો આપ્યાં છે. (૪) અમરકોષ નામ લિંગાનુંશાસનઃ—ગુજરાતીમાં વિવેચન કરનાર ધર્મચંદ કેવળચંદ ખડોલ, સુપર રોયલ ૧૬ પેછ પૃષ્ટ ૩૪૪+૧૪૮ મૂલ્ય રૂા. ૨–૦-૦ સને ૧૯૧૧ ગુ. પ્રી. પ્રેસ-મુંબાઈ. મૂળ સંસ્કૃત અમરકોષ તેની ટીકા અને પાછળ સંસ્કૃત શબ્દાનુક્રમણિકા આપેલી હોવાથી સંસ્કૃત જે શબ્દ જોવો હોય તેનું આપેલું પૃષ્ટ જોવાથી અર્થ જાણી શકાય છે. (૫) શબ્દાર્થ સંસ્કૃત–ગુજરાતીઃ—કર્તા શાસ્ત્રી ગિરિજાશંકર મયાશંકર મહેતા સને ૧૯૩૦ બે ભાગમાં. પ્રથમ ભાગ ‘ના’ સુધી પૃષ્ઠ ૮૪૦ અને બીજો ભાગ પુરો. પૃષ્ટ ૭૮૪.
૩. ગુજરાતી ઈંગ્લીશ શબ્દકોષોઃ—
જ્યાં જ્યાં રાજ્યપરિવર્તન થાય છે અને રાજ્યકરતી પ્રજા અન્ય દેશની હોય છે, ત્યાં ત્યાં રાજ્યકર્ત્રી પ્રજાની ભાષાની માહિતી આવશ્યક હોય છે. તેમાં મુખ્યત્વે આપણી ભાષાના શબ્દો તેમની ભાષામાં કિયા શબ્દોથી બરાબર યોજી શકાય તે જાણવાની અગવડ વધારે પડે છે. અને તેને માટે જોઇતાં સાધનો નાના મોટા પ્રમાણોમાં વખતોવખત પુરાં પાડનાર સેવાભાવી સદ્ગૃહસ્થો નીકળી આવે છે. આપણે ત્યાં પણ ઇંગ્રેજ સરકારના આવાગમન પછી અને કેળવણી ખાતાનો પાયો નંખાયા પછી, તેવી અગવડો દૂર કરવાને ગુજરાતી ઇંગ્રેજી ડીક્ષનેરી માટે સૌથી પ્રથમ પ્રયાસ સને ૧૮૪૬માં મેસર્સ મીરજાં મહમદ કાસીમ તથા નવરોજજી ફરદુનજીએ કરેલો જણાય છે. સુરતના રહીશ અને તે વખતના નામાંકિત પાંચ દદ્દામાંના એક માસ્તર દલપતરામ ભગુભાઈની હસ્તલિખિત પ્રત ઉપરથી સદર ડીક્ષનેરી સુધારાવધારા સાથે ૧૫૦૦૦ શબ્દોની બહાર પાડવામાં આવી હતી. ત્યારપછી સને ૧૮૬૨માં સુધારાના અગ્રણી અને જેમની હાલમાં શતાબ્દી ઉજવાઇ તે રા. કરસનદાસ મુળજીએ પોકેટ ડીક્ષનેરી બહાર પાડી હતી. સને ૧૮૬૮માં તેની બીજી આવૃત્તિ પણ નીકળી હતી. સને ૧૮૬૩માં મી. શાપુરજી એદલજીએ તેવીજ ડીક્ષનેરી બહાર પાડી હતી અને તેનીપણ બીજી આવૃત્તિ સને ૧૮૬૮માં નીકળી હતી. ત્યારપછી સને ૧૮૭૪માં ઉકરડાભાઈ શિવજીએ જુદા જુદા વિષયોવાર કક્કાવારીથી ડીક્ષનેરી બહાર પાડી હતી. તેજ વર્ષમાં રા. શિવશંકર કસનજી તથા અં. કો. બા. તરફથી ગુજરાતી–ગુજરાતી અને ઇંગ્રેજી ડીક્ષનેરી પ્રકટ થઈ હતી. ગુજરાતીના ગુજરાતીમાંજ અર્થ આપી તેની સાથે ઇંગ્રેજી અર્થ પણ આપીને અત્યારસુધીની ડીક્ષનેરીઓથી જુદી ભાત પાડી હતી. ત્યારપછી લગભગ અગીઆર વર્ષના ગાળામાં આવી કોઈ ડીક્ષનેરી બહાર પડેલી જણાતી નથી. પરંતુ સને ૧૮૮૫ માં રાજકોટમાં રા. કાશીદાસ બ્રીજભુખનદાસ તથા બાલકિસનદાસ બ્રીજભુખનદાસે ગુજરાતી–ગુજરાતી અને ઇંગ્રેજી ડીક્ષનેરી લગભગ ૨૫૦૦૦ શબ્દોની પ્રગટ કરી હતી. ત્યારપછીના દશ વર્ષના ગાળામાં અમદાવાદમાં ચાર પોકેટ ડીક્ષનેરીઓ નીકળી હતી. પરંતુ તેમાં સને ૧૮૯૨માં રા. લલ્લુભાઈ ગોકલદાસે જે પોકેટ ડીક્ષનેરી બહાર પાડી તેની ૧૯૦૦ તથા ૧૯૧૨ માં થઇને ત્રણ આવૃત્તિઓ ૨૫૦૦, ૪૦૦૦ અને ૪૦૦૦ પ્રતોની અનુક્રમે નિકળી હતી. બાકીની પ્રતો એક એક હજારની નિકળી હતી. મતલબ રા. લલ્લુભાઇ ગોકલદાસની ડીક્ષનેરી લોકપ્રિય નીવડી હતી. પરંતુ ગુજરાતી ઇંગ્રેજી ડીક્ષનેરી પદ્ધતિસર, શબ્દોના મૂળ સાથે અને ઉદાહરણો સાથે સારા મોટા કદની તૈયાર કરવાનું માન મિ. એમ. બી. બેલ્સારેને માટેજ બાકી રહ્યું હતું. મિ. બેલ્સારે એક દક્ષિણી ગૃહસ્થ હતા અને અમદાવાદની હાઈસ્કુલમાં માસ્તર હતા. આ ડીક્ષનેરી યોજવાના કામમાં તેમને ઉશ્કેરનાર અને રોકનાર મિ. એચ. કે. પાઠક હતા. આ પાઠક ગુ. વ. સોસાયટીમાં કારકુન હતા. (ડીક્ષનેરી પ્રકટ થઇ ત્યારે તેઓ સોસાયટીમાં હતા કે કેમ તે ધ્યાનમાં નથી.) તેમને ઈંગ્લીશ આવડતું ન હતું. પરંતુ તેઓ સાહસિક હતા. અને અમુકની જરૂર છે અને અમુકમાં લાભ છે તે તેઓ જોઈ શકતા હતા. ગુજરાતી-ગુજરાતી કોષના વિવેચનમાં મે. ભગુભાઈની કંપની સંબંધમાં જે ઉલ્લેખ હતો તે કંપનીના પણ મિ. પાઠક એક અગ્રગણ્ય ભાગીદાર હતા. ઈંગ્લીશ ગુજરાતી કોષ મોટાપાયા ઉપર કાઢવાની યોજના પણ મિ. પાઠકનીજ હતી અને મિ. રૂસ્તમજી શેઠનાને તેમણેજ સદર ડીક્ષનેરી માટે ઉભા કર્યા હતા. મનુષ્ય એક કાર્ય આરંભી તેને સંપૂર્ણ સંચાલનમાં મૂકયા વગર લાલસાને વશ થઇ બીજાં કાર્યોમાં ઝીપલાવે છે અને બગડે બે થાય છે તેમ આ. મિ. પાઠકે, મે. શેઠના સંઘવી અને ભગુભાઇની ભાગીદારીથી પાઠકસંઘવીની કંપની વ્યાપારાર્થે કાઢી, મિ. શેઠનાને જાપાન મોકલ્યા અને મોટી નુકશાની પરિણામે ખમવી પડી. ઈંગ્લીશ ગુજરાતી ડીક્ષનેરીની મોટી આવૃત્તિ પડી ભાગવાનું આ પણ એક કારણ હતું. પરંતુ આતો વિષયાન્તર થઈ ગયું. મિ. બેલ્સારેએ ઘણી મહેનત લીધી છે; અને ગુજરાતી ભાષામાં એક સારી પ્રમાણભૂત અને વિદ્વતાપૂર્ણ ડીક્ષનેરી મુકી છે. તેને માટે ગુજરાત તેમનું આભારી રહેશેજ. પરંતુ અત્રે લેખકથી એક ઉલ્લેખ કર્યા વગર રહેવાતું નથી. ગમે તેવું સારૂં ઇંગ્રેજી જાણનાર દેશી એક વિદ્વાન ઈંગ્રેજ ભાષાશાસ્ત્રી જેટલી નિપુણતા ન ધરાવે અને ભાષાના રૂઢિપ્રયોગો સંપૂર્ણ ભાવાર્થમાં ન ગ્રહણ કરી શકે એ જેટલું સ્વાભાવિક છે, તેટલું જ ગમે તેવો ગુજરાતી ભાષાનો જાણકાર એક દક્ષિણી, બંગાળી કે પંજાબી ગુજરાતી ભાષાના રૂઢિપ્રયોગો કિંવા ખાંચખુચ ન સમજી શકે તે પણ સ્વાભાવિક છે. ગુજરાતમાં ઘણા વર્ષથી રહેતા અને ગુજરાતીઓના સારા સંસર્ગમાં આવતા ઘણા દક્ષિણીઓને “હું ચોપડી લાવી છું” અગર “મેં ચોપડી લાવી છે” એવા ખોટા પ્રયોગો કરતા સાંભળ્યા છે. તેઓ તેમની ભાષાના પ્રયોગો કે શબ્દના અર્થો પ્રમાણે આપણી ભાષાના પ્રયોગ કે અર્થો સ્વાભાવિક રીતે કર્યે જાય છે. મિ. બેલ્સારે પણ એક દક્ષિણી હોવાથી તેવા સર્વસામાન્ય નિયમમાંથી બાતલ થઈ શક્યા નથી. કેટલીક જગોએ મિ. બેલ્સારેથી પણ ડીક્ષનેરીમાં તેવાં સ્ખલનો થઈ ગયાં છે. માત્ર એક નિર્વિવાદ ઉદાહરણ અત્રે આપ્યું છે. કોઇ પ્રસંગે લેખકને “કાંતવું” શબ્દ ડીક્ષનેરીમાં જોવાની જરૂર પડી, ત્યારે તેમાં “કાંત્યુ પીંજ્યું કર્યું કપાસ” એ રૂઢિપ્રયોગનું ઇંગ્લીશ તેમાં “Well thrashed cotton” જોયું, મરાઠીમાં કાપુસનો અર્થ રૂ થાય છે. એટલે તેમણે કાંતેલું, પીંજેલું રૂ તેવો અર્થ કરીને તેનું ઇંગ્લીશ મુક્યું. આવી ભૂલ એક દક્ષિણી કરી શકે એ સ્વાભાવિક છે. સામાન્યરીતે એક એવી માન્યતા રહેલી છે કે અમુક ભાઇએ લખેલા કે તૈયાર કરેલામાં ભૂલ હોય જ નહિ. પરંતુ આપણે ભૂલવું ન જોઈએ કે “મનુષ્યાઃ સ્ખનલશીલા” માણસ માત્ર ભૂલને પાત્ર છે. રા. ભાનુસુખરામ નિર્ગુણરામ મહેતાએ ત્યારપછી ગુજરાતી–ઈંગ્રેજી કોષ વધારે મોટો અને વધારે સારો પ્રકટ કરાવ્યો છે. તેમાં પણ પૂર્વોક્ત નિયમાનુસાર એજ અર્થ કાયમ રહી ગયો છે. લેખકને ફરીથી લખવું પડે છે કે મિ. બેલ્સારેએ આ ડીક્ષનેરી તૈયાર કરવામાં અને તેની બીજી આવૃત્તિ સુધારી વધારી બહાર પાડવામાં ઘણીજ જહેમત ઉઠાવી છે અને ઘણો સારો શ્રમ લીધો છે. તે માટે ગુજરાતી સાહિત્ય તેમનું ઋણીજ છે. સદરની બીજી આવૃત્તિમાં તેઓશ્રીએ ઘણાજ સુધારા વધારા કર્યાં છે. કેટલીક ખામીઓ પણ પુરી પાડી છે. અને તે સને ૧૯૦૪ માં બહાર પડી છે. તેને ત્રીજી આવૃત્તિ સને ૧૯૨૭ માં પ્રકટ થઈ છે. મિ. બેલ્સારેની ડીક્ષનેરી પછી સને ૧૮૯૮ માં ભગુભાઈ ફતેહચંદ કારભારીએ ધી સ્ટુડન્ટસ ગુ. ઈ. ડીક્ષનેરી રૂા. ૬-૮-૦ ની કિંમતથી વિદ્યાર્થી વર્ગને ઉપયોગી થઈ પડે અને ઓછી કિંમતે મળી શકે તે હેતુથી બહાર પાડી હતી. ત્યારપછી એટલે સને ૧૮૯૮ થી સને ૧૯૨૫ ના ગાળામાં કેટલીક પોકેટ ડીક્ષનેરીઓ સામાન્ય જનતા અને વિદ્યાર્થી વર્ગ માટે બહાર પડેલી છે. અને તે સઘળુ વિગતવાર આ સાથે સામેલ રાખેલા “ગુજરાતી–ઈંગ્રેજી શબ્દ કોષો પ્રસિદ્ધ થયાની સાલવાર નોંધ” નામના પરિશિષ્ટમાં આપેલ છે. ત્યારપછી આવી ડીક્ષનેરી અત્યાર સુધીના સુધારા વધારા સાથે ઇંગ્રેજી ડીક્ષનેરીઓની પદ્ધતિસર તૈયાર કરાવવાની આવશ્યકતા વડોદરાના બુકસેલર એમ. સી. કોઠારીને જણાઈ અને તેમણે આપણા સાહિત્ય ક્ષેત્રમાં જાણીતા મિ. ભાનુસુખરામ નિર્ગુણરામ મહેતા તથા તેમના ચી. ભરતરામ ભાનુસુખરામ મહેતા પાસે તૈયાર કરાવરાવી ક્રાઉન આઠ પેજી, ૧૬૧૦ પૃષ્ટની, રૂા. ૧૫-૦-૦ ની કિંમતથી સને ૧૯૨૫ માં બહાર પાડી. અત્યાર સુધીની બહાર પડેલી ગુજરાતી–ઇંગ્રેજી ડીક્ષનેરીઓમાં આ સૌથી શ્રેષ્ટ છે. સાહિત્ય પ્રેમીઓ આશા રાખી શકે છે કે સદરની બીજી આવૃત્તિ ઘણા સુધારા વધારા સાથે તેમજ ભાષામાં દાખલ થયેલા નવિન શબ્દોનો ઉમેરો કરીને તથા પર્યાય શબ્દોના બરાબર બંધ બેસતા ઈંગ્રેજી શબ્દો અને તેના વિવેચન અને ઉદાહરણ સાથે અંગ્રેજી Synonyms ના ધોરણ ઉપર સામેલ કરી તેમજ બીજા ઉપયોગી પરિશિષ્ટો સહિત બહાર પાડી જણાતી ખામી દૂર કરશે.
૪. ઇંગ્લીશ–ગુજરાતી કોષોઃ—
ઈંગ્રેજ લોકોના આ દેશમાં આવાગમન અને તેમની સત્તાના સ્થાપન પછી તેમની ભાષા જાણવાની આવશ્યકતા જણાય એ સ્વાભાવિક છે; તે પ્રમાણે આપણી ગુજરાતી ભાષામાં પણ તેમની ભાષાના શબ્દો સમજાવવા માટે સૌથી પ્રથમ પ્રયત્ન સને ૧૮૦૮ ની સાલમાં થયેલો જણાય છે. વેપાર રોજગાર, ધંધાદારી કેળવણી તેમજ છાપખાના વિગેરેની નવીન પ્રથાઓમાં પારસી કોમ સાહસ ખેડવામાં હમેશા પ્રથમ ભાગ લે છે. તે પ્રમાણે છાપખાના અને વર્ત્તમાનપત્રનો પ્રથમારંભ પારસી ગૃહસ્થો તરફથીજ થયેલો હતો. તે અરસામાં સને ૧૮૦૮ ની સાલમાં પ્રથમ ઈંગ્લીશ–ગુજરાતી ડીક્ષનેરી તે વખતે ચાલુ વપરાશમાં આવતા જુદા જુદા ખાતાઓના શબ્દોની ડીક્ષનેરી “A Vocabulary-English and Gujarati” એ નામથી મુંબઈ સમાચાર પ્રેસમા ડેમી આઠ પેજી ૧૮૦ પૃષ્ટની છપાઈ હતી. સને ૧૮૦૦ માં કલકત્તામાં ઇંગ્લીશ-બંગાળી ડીક્ષનેરી બહાર પડેલી અને જેની ચાર આવૃત્તિ થઇ હતી તે ઉપરથી સદર ડિક્ષનેરી તૈયાર કરવામાં આવી હતી. તે અરસામાં આટલી નાની ડીક્ષનેરી કામચલાઉ સારી ગણાઇ હશે. કેમકે ત્યારપછી લગભગ ૫૦ વર્ષના ગાળામાં બીજી કોઈ ડીક્ષનેરી બહાર પડેલી લેખકના જોવામાં કે જાણવામાં નથી. પરંતુ જેમ જેમ ઇંગ્રેજી ભાષાનો અભ્યાસ વધતો ગયો અને કેળવણીનો પ્રચાર થતો ગયો તેમ તેમ સારી ડીક્ષનેરીની આવશ્યકતા એ ક્ષેત્રમાં જણાઇ છે. સને ૧૮૫૪ માં રે. મિ રોબર્ટસને એક ડીક્ષનેરી બહાર પાડી હતી. સદર ડીક્ષનેરી સંબંધમાં તપાસ કરતાં લેખકને તેની જુની પ્રત પણ મળી શકી નથી એટલે એ સંબંધમાં વધુ વિગત આપવાને કાંઇ પણ બીજું સાધન નથી. પરન્તુ ત્યાર પછી ટુંકા ગાળામાંજ વધારે સારૂં સાધન પુરૂ પાડવાની ધગશ મિ. અરદેશર ફરામજી મુસ તથા નાનાભાઇ રૂસ્તમજી રાણીનામાં ઉત્પન્ન થયેલી દૃષ્ટિગોચર થાય છે. તે કામ તેમણે સને ૧૮૫૧ થી શરૂ કરેલું સમજાય છે. તેમણે ઉપાડેલું કાર્ય સંગીન અને સારા પાયા ઉપરનું હોવાથી અને તે એકદમ પુરૂ થઈ શકવાનો સંભવ નહિં હોવાથી તેઓએ તે વિભાગોમાં બહાર પાડવાનો નિશ્ચય કર્યો જણાય છે. તે પ્રમાણે તેમણે “The Comprehensive English-Gujarati Dictionary” (મોટો કોષ) એ મથાળાથી પ્રથમ વિભાગ A અને B શબ્દોનો સને ૧૮૫૭ માં બહાર પાડ્યો હતો. સદરનો બીજો, ત્રીજો અને ચોથો ભાગ ઉપરાઉપરી એક પછી એક Honor શબ્દ સુધીના સને ૧૮૬૧ સૂધીમાં બહાર પાડ્યા. આવા મોટા કામમાં ખંત, હિમ્મત અને સાહસ હોવા છતાં જે મુખ્ય મુશીબત નાણાંની નડે છે તેજ મુશીબતને લીધે ૧૧ વર્ષ સુધી તેમને આ કામ મુલતવી રાખવું પડ્યું જણાય છે. અનુકૂળતા થયે પાંચમો ભાગ સને ૧૮૭૨ માં બહાર પાડ્યો હતો. સને ૧૮૯૫ સૂધી મિ. મુસ અને મિ. રાણીના સાથેજ કામ કરતા હતા. સને ૧૮૯૫ માં મિ. મુસનું મૃત્યુ થતાં તે કામ એકલા મિ. રાણીનાને ભાગ આવ્યું હતું. તેમા મદદને માટે તેમણે તેમના ચિરંજીવીને સામેલ કર્યા હતા. સને ૧૯૪૦ માં મિ. નાનાભાઈ રાણીના પણ ગુજરી ગયા ત્યારે ડીક્ષનેરીનું કામ S અક્ષર સુધી આવ્યું હતું અને બાકીનું કામ તેમના ચિરંજીવી રૂસ્તમ ના. રાણીનાએ સને ૧૯૦૮ માં પુરૂંં કર્યું હતું. સદર કોષમાં મૂળથી જ ઇંગ્રેજી શબ્દોના ગુજરાતી પર્યાયો આપવાની તેમજ તે શબ્દ ઉપરથી નિકળતા બીજા ફ્રેઝીસોના ગુજરાતી અર્થ આપવાની રૂઢિ ગ્રહણ કરેલી તે તેમણે ઠેઠ સૂધી કાયમ રાખી છે. અત્યંત ખંત અને મહેનતથી તેમણે આ કાર્ય કરેલું છે. ખાનગી માણસો અને તે પણ સામાન્ય પરિપાટીના માણસો આવા કાર્ય આરંભે તો તેમાં તેમને જે મુશીબતો નડે તે સઘળી મુશીબતો મિ. રાણીના તથા મિ. મુસને નડી હતી. સરકાર પાસે પણ તેમણે મદદની માગણી કરી હતી પરન્તુ ત્યાંથી પણ તેમના પ્રારબ્ધમાં મદદ મળવાનું લખાયું નહોતું. તેમ છતાં પોતાનાજ બળ ઉપર ઝઝુમી તેમણે આ કાર્ય સંતોષકારક રીત્યે પુરૂ કરી આપણી ભાષામાં સારા કોષ આપવાનો ઉપકાર કર્યો છે.
ઉપરની ડીક્ષનેરી મોટા પાયા ઉપર હોવાથી તાત્કાલિક જરૂરિયાતને પહોંચી વળવા એજ બે ભાઇઓ તથા કવિ નર્મદાશંકર લાલશંકરે સને ૧૮૬૨ માં ધી કોમ્પેન્ડીઅમ ઇ. ગુજરાતી ડીક્ષનેરી યુનિયન પ્રીન્ટીંગ પ્રેસમાં છપાવીને બહાર પાડી. વળી તેજ સાલમાં ધી કોમ્પેન્ડીઅમ ઓફ ઈ. ગુ. ડીક્ષનેરી એ નામથી રા. ઝવેરિલાલ ઉમિયાશંકર યાજ્ઞિક, રા. ત્રિભોવનદાસ દ્વારકાદાસ તથા મોતીરામ ત્રિકમદાસે બહાર પાડી. સદર ડીક્ષનેરી રા. ઝવેરિલાલ યાજ્ઞિક કૃત ડીક્ષનેરી એ નામથી ઘણા વખત સૂધી પ્રચલિત રહી હતી. કારણ કે સને ૧૮૭૧ માં મિ. મુસ અને મિ. યાજ્ઞિકના નામથી ઈંગ્રેજી–ગુજરાતી ડીક્ષનેરી એ શિર્ષક હેઠળ તેની નવિન આવૃત્તિ નિકળી હતી. તેનીજ ત્રીજી આવૃત્તિ સને ૧૮૮૦ માં અને ચોથી આવૃત્તિ સને ૧૮૮૪ માં પ્રકટ થયેલી હતી. એટલે સદર ઝવેરિલાલકૃત ડીક્ષનેરી સને ૧૮૬૨ થી તે સને ૧૮૮૪ સૂધી ચાલુ જ હતી. બીજી કોઇ ડીક્ષનેરી તે દરમ્યાન નિકળી હોય તેવું લેખકના જાણવામાં નથી. ત્યાં સૂધી સદર ડીક્ષનેરી તે વખતના ચાલુ વપરાશને માટે પુરતી ગણાતી હતી અગર તો તે કરતાં વિશેષ કરી બતાવવાનું કોઈને ગમે તે કારણો લેઇને અનુકૂળ નહિં આવ્યું હોય. પરંતુ સરકારી કેળવણી ખાતાને સારા ઈંગ્લીશ–ગુજરાતી કોષની ખામી જણાઈ અને તે કામ મોટું અને નાણાંની જરૂરિયાતવાળુ હોવાથી સરકારી કેળવણી ખાતાને જ તે હાથમાં લેવું પડ્યું. રેવરન્ડ રોબર્ટ મોન્ટગોમરી, રા. અંબાલાલ સાકરલાલ દેસાઇ અને રા. મણિધરપ્રસાદ તાપિપ્રસાદને આ કામ માટે ખાતાએ નિયુક્ત કર્યા. કેટલાક વર્ષના સતત ઉદ્યોગ, મહેનત અને ખંતના પરિણામે સને ૧૮૮૭ માં આ ડીક્ષનેરી બહાર પડી. આપણી ગુજરાતી ભાષામાં જો કોઈપણ ઈંગ્લીશ–ગુજરાતી ડીક્ષનેરી વિદ્વતાપૂર્ણ, શાસ્ત્રીય પદ્ધતિસર અને સંપૂર્ણ આધારભૂત બહાર પડી હોય તો તે આજ ડીક્ષનેરી છે. વિવિધ ત્રિપુટિના પ્રયત્નથી આ ડીક્ષનેરી તે સમયના માટે સંપૂર્ણતાના શિખરે પહોંચી હતી. તેની વિશેષતા એ હતી કે અત્યાર સૂધીમાં કોઇએ અખત્યાર નહિં કરેલી ઈંગ્રેજી કોષોની પદ્ધતિસર તેની રચના રાખી હતી. સરકારી કેળવણી ખાતામાં, મુંબાઈ તરફ અને ખાસ કરીને અંગ્રેજોમાં તે મોન્ટગોમરી ડીક્ષનેરી તરીકે, સુરત જીલ્લામાં, મણિધરપ્રસાદકૃત ડીક્ષનેરી તરીકે અને ખેડા તથા અમદાવાદ જીલ્લામાં તે અંબાલાલકૃત ડીક્ષનેરી તરીકે પ્રસિદ્ધ હતી. સદર ડીક્ષનેરી સરકાર તરફથી બહાર પાડવામાં આવી હતી અને તેની કિંમત રૂ. ૯–૦-૦ રાખવામાં આવી હતી. જ્યારે સરકારે પિતાના પ્રકાશનો બંધ કર્યા અને તેમણેજ તૈયાર કરાવેલાં અને છપાવેલાં પુસ્તકોના હક્કો તેના કર્ત્તાઓને સોંપી દીધા ત્યારે સદર ડીક્ષનેરીના કર્ત્તાઓમાં રા. અંબાલાલભાઈ એકલા હયાત હોવાથી તેમને હક્ક સોંપી દેવામાં આવ્યો હતો. તેઓશ્રીએ સદરને સંસ્કાર આપીને તેની બીજી આવૃત્તિ સને ૧૯૧૦ માં છપાવી હતી અને તેની કિંમત માત્ર રૂ. ૫) રાખી હતી. પરંતુ આ મોટી ડીક્ષનેરી સને ૧૮૮૭ માં બહાર પાડી તે પહેલાં સને ૧૮૮૫ માં રા. ઝવેરિલાલ ઉમિયાશંકર યાજ્ઞિક અને મોતીરામ ત્રિકમદાસે ધી સ્ટુડન્ટસ ઇંગ્લીશ–ગુજરાતી ડીક્ષનેરી એ નામથી એક ડીક્ષનેરી બહાર પાડી હતી. તેમજ સને ૧૮૮૬માં મી. રાંદેરીયા અને પટેલે ધી ઇંગ્લીશ– ગુજરાતી ડીક્ષનેરી એ નામથી અમદાવાદમાં એક બહાર પાડી હતી. તેની બીજી આવૃત્તિ સને ૧૮૯૫માં બહાર પડી હતી. સને ૧૮૮૭માં સરકારી ડીક્ષનેરી બહાર પડી તેની કિંમત રૂ. ૯–૦-૦ તે સમયને માટે વધુ લાગવાથી હલકી કિંમતની ડીક્ષનેરી મેસર્સ એચ. એમ. સી. એન્ડ કોએ રૂ. ૩–૦-૦ ની કિંમતથી અમદાવાદમાં બહાર પાડી હતી અને તેનો ઉઠાવ પણ સારી થયો હતો તેવું આ લેખકના જાણવામાં છે. ત્યારપછીના સાત વર્ષના ગાળામાં પોકેટ ડીક્ષનેરીઓ ચાર ઈસમોની જુદી જુદી બહાર પડેલી તે સાથેના સામેલ કરેલા પરિશિષ્ટ ઉપરથી જણાશે. મિ. એચ. કે. પાઠકે મોટા પાયાપર ઇંગ્લીશ–ગુજરાતી ડીક્ષનેરી મિ. શેઠના દ્વારા રૂ. ૧૦–૦-૦ ની કિંમતની પ્રસિદ્ધ કરવાની જાહેરાત આપેલી અને જેનો બ્લોક આ લેખમાં આપેલો છે તે પ્રયાસ નિષ્ફળ જવાથી આ લેખકને એક ઈંગ્લીશ–ગુજરાતી ડીક્ષનેરી કાંઇક તેવાજ ધોરણ ઉપર પરન્તુ નાના પાયા ઉપર તૈયાર કરવાની વૃત્તિ ઉદ્ભવી અને રા. શંકરભાઈ ગલાભાઈ પટેલને તેની હકીકત સમજાવી તેમને પણ એ કાર્યમાં સામેલ કર્યાં. બન્ને જણાઓએ જુદા જુદા અક્ષરો હાથમાં લેઈ કામ કરવા માંડ્યું; પરન્તુ જેમ જેમ કામ કરતા ગયા તેમ તેમ જણાયું કે આ કાંઇ રમતની વાત નહોતી; માત્ર અંબાલાલભાઈ સિવાય બીજી ડીક્ષનેરીઓ થયેલી તે ધોરણ ઉપર કામ કરવામાં કાંઈ અર્થ નહોતો; અને જો રા. અંબાલાલભાઇના ધોરણ ઉપર કાંઈ કામકાજ થાય તોજ ડીક્ષનેરી પ્રસિદ્ધ કર્યાનું સાર્થક ગણાય. આ વિચારોથી લેખકને પદ્ધતિ ફેરવવી પડી અને કાંઇક વિશેષતા જણાય તે સ્વરૂપે કામ લેવાનો નિશ્ચય થયો. અત્રે લેખકને સ્વીકાર કરતાં આનંદ ઉપજે છે કે જો રા. અંબાલાલકૃત ડીક્ષનેરી આ પહેલાં બહાર ન પડી હોત તો આ લેખકની ડીક્ષનેરી કેવળ નિર્માલ્યજ થાત, અને તેની ઉપરાઉપરી નાનીમોટી ૧૫ આવૃત્તિઓ નિકળી જ નહોત. અંબાલાલકૃત ડીક્ષનેરીનેજ લેખકની ડીક્ષનેરી સર્વાંશે આભારી છે. એજ ડીક્ષનેરીએ લેખકને દિશા બતલાવી, એજ ડીક્ષનેરીએ ડીક્ષનેરીમાં શું શું આવવું જોઇએ તેનું ભાન કરાવ્યું, એજ ડીક્ષનેરીએ તેને જોઈતાં સાધનનો મોટો ભાગ પુરો પાડ્યો અને એજ ડીક્ષનેરીના દૃષ્ટિબિંદુથી લેખક એના પ્રયાસમાં સફળ થયો. બીજાઓને એમાં વિશેષતા લાગે એ સ્વાભાવિક છે પરન્તુ જે કાંઈ પણ વિશેષતા તેમાં હોય તો તે પણ એજ ડીક્ષનેરીના ધોરણને જ લીધે છે. આની પ્રથમ આવૃત્તિ સને ૧૮૯૪ માં બહાર પડી હતી. તેની બીજી આવૃત્તિઓ અને પ્રકાશનો સાથેના પરિશિષ્ટથી જાણવામાં આવશે. સને ૧૮૯૫ માં મિ. મેડોરાએ મિ. ભગુભાઇ ફતેહચંદ પાસે ડીક્ષનેરી તૈયાર કરાવીને શ્રી સ્ટુડન્ટસ ઇંગ્લીશ–ગુજરાતી ડીક્ષનેરી એ નામથી બહાર પાડી. તેની બીજી આવૃત્તિ સને ૧૯૦૧ માં નિકળી. બીજી સ્ટુડન્ટસ ઈ. ગુ. ડીક્ષનેરી સને ૧૮૯૯ માં મે. જમનાદાસ ભગવાનદાસની કમ્પનીએ બહાર પાડી. ત્યારપછી પોકેટ ડીક્ષનેરીઓ બહાર પડી તે સાથેના પરિશિષ્ટમાં આપેલી છે. પરંતુ સને ૧૯૦૬ ની સાલમાં બુકસેલર મોતીલાલ મગનલાલે રા. બી. સી. દેસાઈ પાસે તૈયાર કરાવીને એક મોટી ડીક્ષનેરી “ધી મહાભારત ડીક્ષનેરી” એ નામથી બહાર પાડી. પ્રથમ તેમનો વિચાર સદર ડીક્ષનેરી ના “ધી ન્યુ સ્ટાન્ડર્ડ ડીક્ષનેરી”ના નામથી બહાર પાડવાનો હતો. પરન્તુ લેખકની ડીક્ષનેરીનું નામ ધી “સ્ટાન્ડર્ડ ડીક્ષનેરી" હોવાથી “ન્યુ સ્ટાન્ડર્ડ” એ નામને કાયદાનો બાધ આવવાથી કોરટના પ્રતિબંધને લીધે ઉપરના નામથી બહાર પાડવી પડી હતી. સદર ડીક્ષનેરી પણ સમયાનુસાર સર્વગ્રાહી હતી. સને ૧૯૧૦ માં ડો. આર. એન. રાણીનાએ ધી મેન્યુએલ ઓફ ઈ. ગુ. ડીક્ષનેરી એ નામથી એક ડીક્ષનેરી બહાર પાડી હતી. ત્યારપછી મોટી ડીક્ષનેરી તરીકે શ્રીશયાજી કલ્પદ્રુમ બહાર પડેલો છે. આમાં કાયદાને લગતા શબ્દોજ લેવામાં આવ્યા છે. વડોદરા રાજ્યમાં જે નિબંધો બહાર પડેલા તે નિબંધોમાં ઇંગ્રેજી શબ્દોને બદલે જે શબ્દો વપરાયેલા તે શબ્દો આ કોષમાં લીધા છે. પરન્તુ તેમાં વિશેષતા એ છે કે ઇંગ્રેજી શબ્દના ૧ ગુજરાતી ૨ મરાઠી, ૩ સંસ્કૃત, ૪ ઉર્દુ, ૫ પર્ઝીઅન, ૬ હિંદી અને ૭ બંગાળી ભાષામાં વપરાતા પર્યાયો આપેલા છે. પછીના કોલમમાં ગુજરાતીમાં હાલ શું વપરાય છે તે આપેલ છે અને છેલ્લા કોલમમાં કિયા શબ્દો વાપરવા લાયક છે તેની સૂચના કરી છે.
ઉપર પ્રમાણે ઇંગ્લીશ–ગુજરાતી કોષોનો ટુંકાણમાં પરિચય કરાવ્યો છે. નાના મોટાં અત્યાર સૂધીના પ્રકાશનો માટે સાથે પરિશિષ્ટ સામેલ છે. મોટા પાયા ઉપરની ઈંગ્લીશ–ગુજરાતી ડીક્ષનેરીની હજુ આપણી ભાષામાં ખામી છે. અને તેવો કોષ કોઈ સંસ્થા વગર કરી શકે તેમ નથી. ઘણા ઇંગ્રેજી શબ્દોના નવિન ગુજરાતી શબ્દો યોજાયા છે અને હજુ યોજાય છે. પારિભાષિક શબ્દોની ડીક્ષનેરીઓ પણ બહાર પડતી જાય છે. સોસાઇટીએ પણ તેવા શબ્દોના વપરાયેલા પર્યાયો બહાર પાડ્યા છે. શયાજી જ્ઞાન મંજુષા તરફથી પણ તેના પારિભાષિક શબ્દોના સમૂહો બહાર પડેલા છે. વિદ્યાપીઠ તરફથી પણ “ગણિતકી પરિભાષા” એ નામથી ઇંગ્રેજી શબ્દોના સંસ્કૃતમાં આવેલા શબ્દોના પર્યાયો આપેલા છે. તેવા સઘળા શબ્દો ઈંગ્લીશ ગુજરાતી ડીક્ષનેરીમાં આવી જવા જોઈએ. આપણા રૂઢિપ્રયોગો તેમજ પર્યાય શબ્દોની સંપૂર્ણ સમજુતિ Synonyms તરીકે આવવી જોઈએ. મિ. શેઠનાના પ્રોસ્પેક્ટસ પ્રમાણેના દરેક શાખાના શબ્દો આવી જવા જોઇએ તેમજ સંપૂર્ણ ચિત્રોનો તેમાં સમાવેશ કરવો જોઇએ. મતલબ વેબ્સ્ટર, સ્ટાન્ડર્ડ, ઓક્સફર્ડ, ઓજલ્વી, સેન્ચ્યુરી અને તેથી નામાંકિત ડીક્ષનેરીઓના એકત્રિત ધોરણ ઉપર સારો મોટો પ્રમાણભૂત ઇંગ્લીશ-ગુજરાતી કોષ થવો જોઇએ. સરકાર કે સંસ્થા સિવાય અન્યથી આ બને તેવું નથી. પરમાત્મા આપણી ગુજરાતી ભાષામાં આવા એક કેાષનો ઘણીજ ત્વરાથી ઉમેરો કરે એ ઈચ્છાપૂર્વક આ લેખક આ લેખ પુરો કરે છે.
વિઠ્ઠલરાય ગોવર્ધનપ્રસાદ વ્યાસ
ગુજરાતી–ગુજરાતી શબ્દકોષો પ્રસિદ્ધ થયાની સાલવાર નોંધ.
| અનુ ક્રમ. |
કોષનું નામ. | કર્તાનું નામ. | પ્રસિદ્ધ કર્તા. | આવૃતિ | ઇંગ્રેજી સાલ. |
કોષનું કદ | પ્રત | પાનાની સંખ્યા. |
કિંમત. | કિયા પ્રેસમાં છપાવ્યો. | વિશેષ હકીકત |
| ૧ | નર્મકોષ (વિભાગામાં) | કવિ નર્મદાશંકર લાલશંકર |
પોતે | પ્રથમ અંક | ૧૮૬૧ | ૧૦૨ | ભાવનગર દરબારી છાપખાનામાં |
||||
| બીજો અંક. ક વિભાગ. |
૧૮૬૨ | ૫૮ | આ ચાર વિભાગમાંથી અ થી તગારુ શબ્દ સુધી આવ્યા હતા. | ||||||||
| ત્રીજો અંક. | ૧૮૬૪ | ૧૪૦ | |||||||||
| ચોથો અંક. | ૧૮૬૬ | ||||||||||
| ૨ | નર્મકોષ (આખો) | બીજી આવૃત્તિ | ૧૮૭૩ | રોયલ ૪ પેજી | ૬૧૯ | ૨૨–૦–૦ | ભાવનગર દરબારી છાપખાનું તથા સુરત આઈરીશ પ્રેસ. |
||||
| ૩ | નર્મકથાકોષ (સંખ્યાત શબ્દાવલી તથા પર્વો– ત્સવ તિથ્યાવલી) |
પહેલી | ૧૮૭૦ | "સોળપેજી | ૩૨૮ | ૩–૮–૦ | સુરત સોદાગર પ્રેસ. | રામાયણ, મહાભારત, ભાગવત કથાપ્રસંગ ના પાત્રોની હકીકત. | |||
| ૪ | ગુજરાતી શબ્દાર્થ સિંધુ. | વિઠ્ઠલદાસ રાજારામ દલાલ. |
પુસ્તક પ્રસારક મંડળી મુંબાઈ |
પહેલી | ૧૮૯૫ | "આઠપેજી | ૩૩૦ | ૫–૦–૦ | પારસી પ્રિન્ટીંગ પ્રેસ મુંબાઈ |
લગભગ ૨૬૦૦૦ શબ્દો છે. ઝીણા ટાઇપમાં વધારે મેટર સમાવી છપાવ્યો છે. | |
| પ | રૂઢિપ્રયોગ કોષ. | ભોગીલાલ ભીખાભાઈ | ગુ. વ. સોસાઈટી | પહેલી | ૧૮૯૮ | " | ૩૭૨ | ૦૧-૧૨-૨૦૦૦ | ધી યુનીયન પ્રી. પેસ. | ખરી રીતે આ કોષ નથી પણ સંપૂર્ણ કોષમાં આવવા જોઈતા પ્રોયોગોનો સંગ્રહ છે. | |
| ૬ | ઔષધિ કોષ. | ચિમનરાય શિવશંકર વૈશ્નવ |
ગુ. વ. સોસાઈટી | પહેલી | ૧૮૯૯ | ડેમી ચાર પેજી | ૨૪૧ | ૧–૮-૦ | ધી યુનીયન પ્રિન્ટીંગ પ્રેસ, અમદાવાદ |
નામ પ્રમાણે ઔષધી- ઓના સંસ્કૃત, મરાઠી, ગુજરાતી,હિંદી, બંગાળી, તામીલ, કર્ણાટકી, અરબી ફારસી, તેલુગુ, અને લેટિનમાં ગુણસાથે નામો આપ્યાં છે. | |
| ૭ | ગુજરાતી શબ્દકોષ. | લલ્લુભાઈ ગોકલદાસ પટેલ. |
પોતે | પહેલી | ૧૯૦૯ | ૧૦૫૪ | ૬–૦-૦ | વિજય પ્રવર્તક પ્રેસ અમદાવાદ. |
૪૦૦૦ ઉપરાંત શબ્દો | ||
| ૮ | ગુજરાતી ભાષાનો કોષ (વિભાગોમાં) |
ગુજરાત વર્નાક્યુલર સોસાઇટી |
ગુજરાત વર્નાકયુલર સોસાઈટી. |
સ્વરવિભાગ | ૧૯૧૨ | "આઠપેજી ૧૦૦૦ | ૨૧૬ | ૦–૮-૦ | ગુજરાત પ્રિન્ટીંગ પ્રેસ તથા યુનીયન પ્રિન્ટીંગ પ્રેસ. |
||
| વ્યંજનવિભાગ ક | ૧૯૧૫ | ,, | ૧૫૨ | ૦–૮-૦ | ગુજરાત પ્રિન્ટીંગ પ્રેસ | ||||||
| વ્યંજનવિભાગ ખ, ગ, ઘ |
૧૯૧૬ | ૧૫૩થી૩૦૪ | ૦–૮-૦ | ||||||||
| વ્યંજનવિભાગ ડ થી જ |
૧૯૧૬ | ૨૫૭ | ૧–૦-૦ | ||||||||
| વ્યંજનવિભાગ ટ થી ન |
૧૯૨૧ | ૧૧૦૦ | ૩૨૭ | ૧–૦-૦ | જ્ઞાન મંદિર પ્રેસ અમદાવાદ |
સંખ્યા ૩૫૬૭૮ | |||||
| વ્યંજનવિભાગ પ થી ભ |
૧૯૨૨ | ૧૨૦૦ | ૨૫૪ | ૧–૦-૦ | |||||||
| વ્યંજનવિભાગ મ થી વ |
૧૯૨૨ | ૧૧૦૦ | ૨૭૬ | ૧–૦-૦ | ધી યુનીયન પ્રિન્ટીંગ પેસ | ||||||
| વ્યંજનવિભાગ શ થી હ |
૧૯૨૩ | ૧૨૦૦ | ૧૬૪ | ૧–૦-૦ | |||||||
| ૯ | શાળોપયોગી ગુજરાતી શબ્દકોષ |
લલ્લુભાઇ ગોકલદાસ પટેલ. |
પોતે | પહેલી | ૧૯૨૫ | ૨૦૦૦ | ૮૬૪ | ૬–૪-૦ | સૂર્પ્રપ્રકાશ પ્રીં. પ્રેસ. | પ્રથમ કોષમાં શબ્દોનો વધારો અને અવતરણો- માં ઘટાડો કરીને શાળોપયોગી તરીકે છપાવ્યો.. | |
| ૧૦ | ગુજરાત ફારસી અરબ્બીશબ્દોનો કોષ |
અમીરમીંયા-હમદુ મિયાં ફારૂકી. |
ગુજરાત વર્નાકયુલર સોસાયટી. |
ખંડ ૧ લો | ૧૯૨૬ | ૧૨૫૦ | ૧૪૪ | ૧–૦-૦ | વસન્ત મુદ્રણાલય. | ||
| ખંડ ૨ જો | ૧૯૨૬ | ૧૪૫થી૩૦૮ | ૧–૦-૦ | ,, | |||||||
| ૧૧ | ગુજરાતી શબ્દાર્થ ચિંતામણિ. |
જીવાણલાલ અમરશી મહેતા |
પોતે | પહેલી |
૧૯૨૬ | ક્રાઉન સોળ પેજી | ૨૦૦૦ | પ્રથમ ખંડ 764 | ૫–૮-૦ | સૂર્પ્રપ્રકાશ પ્રીં. પ્રેસ ૧ થી ૨૮૮ |
કુલ શબ્દો ૪૨૦૦૦. |
| પ્રથમ ખંડ | વસંત પ્રેસ ૧ થી ૪૧૬ |
||||||||||
| ખંડ રજો | ૨૦૦૦ | બીજો ખંડ 772 | ૫–૮-૦ | શ્રી ભારત વિજય પ્રેસ પા. ૧ થી ૭૭૨. |
|||||||
| ૧૨ | પૌંરાણિક કથા કોષ (વિભાગોમાં) |
ડાહ્યાભાઈ પીતાંબર દાસ દેરાસરી. |
ગુ.વ. સોસાયટી. |
ખંડ ૧ | ૧૯૨૭ | રોયલ ૮ પેજી | ૨૦૦૦ | ૧થી ૧૬૦ | ૧–૦-૦ | સૂર્યપ્રકાશ પ્રીં. પ્રેસ | |
| ખંડ ૨ | ૧૯૨૮ | ૧૬૧થી૩૨૦ | |||||||||
| ખંડ ૩ | ૧૯૨૯ | ૩૨૧થી૪૪૮ | |||||||||
| ખંડ ૪ | ૧૯૩૦ | ૪૪૯થી૫૯૨ | |||||||||
| ખંડ ૫ | ૧૯૩૧ | ૫૯૩થી૭૧૮ + ૭૨ |
|||||||||
| ૧૩ | જોડણી કોષ. | વિદ્યાપીઠ. | પહેલી | ૧૯૨૯ | રોયલ ૮ પેજી | ૨૩-૦-૦ | નવજીવન પ્રેસ. | માત્ર જોડણી પુરતોકોષ શબ્દ સંખ્યા ૪૩૭૪૩ | |||
| ૧૪ | સાર્થ જોડણી કોષ | ઉપરની બીજી આવૃતિ અર્થસાથે |
૧૯૩૧ | ૨૪-૦-૦ | .. | અર્થ સાથે કોષ-શબ્દ સંખ્યા ૪૬૬૬૧ |
આ ઉપરાંત જુદી જુદી વિગતોના કોષો માટે “ગુજરાતી-ગુજરાતી” શીર્ષક લેખ જોવો.
ગુજરાતી-ઇંગ્રેજી શબ્દકોષો પ્રસિદ્ધ થયાની સાલવાર નોંધ.
| અનુ ક્રમ. |
કોષનું નામ. | કર્તાનું નામ. | પ્રસિદ્ધ કર્તા. | આવૃત્તિ | ઇંગ્રેજી સાલ. |
કોષનું કદ | પ્રત | પાનાની સંખ્યા. |
કિમત. | ક્યાં છપાએલ. | વિશેષ હકીકત |
| ૧ | ગુજરાતી-ઇંગ્લીશ- ડીક્ષનેરી. |
મિ. મીરજાંમહમદ કાસીમ તથા નવરોજજી ફરદુનજી |
પોતે | પહેલી | ૧૮૪૬ | ધી કુરીઅર પ્રિન્ટીંગ પ્રેસ |
સદર કોષ ૧૫૦૦૦ શબ્દોને અને સુરતના રહીશ માસ્તર દલપરામ ભગુભાઈની હસ્ત લિખિત પ્રત ઉપરથી તૈયાર કરવામાં આવ્યો હતો. | ||||
| ર | ધી પોકેટ ગુજરાતી ઈંગ્લીશ ડીક્ષનેરી. |
રા. કરસનદાસ મુળજી |
પોતે | પહેલી | ૧૮૬૨ | રાણીના યુનીયન પ્રી પ્રે. | |||||
| પોતે | બીજી | ૧૮૬૮ | |||||||||
| ૩ | ગુજરાતી-ઇંગ્લીશ- ડીક્ષનેરી. |
મિ. શાપુરજી એદલજી. |
પોતે | પહેલી | ૧૮૬૩ | ||||||
| બીજી | ૧૮૬૮ | ||||||||||
| ૪ | ગુજરાતી-ઇંગ્લીશ- ડીક્ષનેરી |
ઉકરડાભાઈ શીવજી. | પોતે | પહેલી | ૧૮૭૪ | રોયલ આઠ પેજી |
૧૦૦૦ | ૨૩૬ | ૨–૮-૦ | જ્ઞાનદિપક પ્રેસ. | જુદા જુદા વિષયો વાર (જેવા કે સાધારણ શબ્દો ગણિત-તોલ-માપ વેપાર-કરીઆણું- અનાજ-દવા-વસાણાં- કા૫ડ-બાંધકામ-પ્રાણી સંબંધી-શરીર વિભાગો વનસ્પતિ,ન્યાતજાત, સગપણ-કુટુંબ સંબંધી આકાશી-કુદરતી ધર્મ કુલ ૧૮૦૦૦૦ શબ્દો. |
| ૫ | ગુજરાતી-ગુજરાતી અને ઈંગ્રેજી ડીક્ષનેરી. |
શિવશંકર કરસનજી અને અં. કો. બા |
પોતે | પહેલી | ૧૮૭૪ | રોયલ સોળ પેજી |
૧૦૦૦ | ૪૪૮ | ૩–૦-૦ | ||
| ૬ | ગુજરાતી-ગુજરાતી અને ઈંગ્લિશ ડીક્ષનેરી. |
મિ. કાશીદાસ બ્રીજ ભૂખણદાસ તથા મિ. બાલકીસનદાસ |
પોતે | પહેલી | ૧૮૮૫ | સુપર રોયલ સોળ પેજી |
૧૧૩૨+૧૬ | ૫–૦-૦ | કાઠીઆવાડ જનરલ પ્રે. રાજકોટ |
૨૫૦૦૦ શબ્દો કરતાં વધારે. | |
| ૭ | ધી પોકેટ ગુજરાતી- ઈંગ્લીશ ડીક્ષનેરી. |
મિ.એમ. એમ. દલાલ એન્ડ એમ. સી. ઝવેરી. |
પોતે | પહેલી | ૧૮૮૬ | ધી અમદાવાદ યુનાઇટેડ પ્રીન્ટીંગ પ્રેસ. |
|||||
| ૮ | ધી પોકેટ ગુજરાતી- ઈંગ્લીશ ડીક્ષનેરી, |
પી. એસ. છાપખાનાવાલા |
પોતે | પહેલી | ૧૮૮૬ | ધી અમદાવાદ ટાઈમ્સ પ્રેસ. | |||||
| ૯ | ધી પોકેટ ગુજરાતી- ઇંગ્લીશ ડીક્ષનેરી, |
લલ્લુભાઇ ગોકલદાસ પટેલ. |
પોતે | પહેલી | ૧૮૯૨ | રોયલ ૩૨ પેજી | ૨૫૦૦ | ૧૨૪૦ | ૧–૮-૦ | શ્રી આર્યોદય પ્રી.પ્રેસ. | |
| મણીલાલ દોલતરામ બુકસેલર |
બીજી | ૧૯૦૦ | ૪૦૦૦ | ૧૨૧૮ | ૧—૮-૦ | ||||||
| પોતે | ત્રીજી | ૧૯૧૨ | ૪૦૦૦ | ૧૨૧૮ | ૧–૮-૦ | ||||||
| ૧૦ | ધી પોકેટ ગુજરાતી- ઈંગ્લીશ ડીક્ષનેરી, |
પાંડે અને એમ. સી. શાહ. |
પોતે | પહેલી | ૧૮૯૨ | ૧૦૦૦ | યુનાઇટેડ પ્રી. પ્રેસ. | ||||
| ૧૧ | ધી પોકેટ ગુજરાતી- ઈંગ્લીશ ડીક્ષનેરી. |
મરચંટ | પોતે | પહેલી | ૧૮૯૩ | ધી નિર્ણય સાગર પ્રેસ. | |||||
| ૧૨ | ધી પ્રોનાઉન્સીંગ એન્ડ ઈટીમોલોજીકલ. ગુજરાતી- ઈંગ્લીશ ડીક્ષનેરી. |
એમ. બી.બેલ્સારે | એચ. કે. પાઠક | પહેલી | ૧૮૯૫ | ડેમી આઠ પેજી | ૨૦૦૦ | ૫–૦-૦ | ધી ગુજરાત ગેઝેટ પ્રેસ. | ||
| એચ. કે. પાઠક | બીજી | ૧૯૦૪ | રોયલ ૮ પેજી | ૨૦૦૦ | ૫–૮-૦ | વિજય પ્રવર્ત્તક પ્રેસ. | |||||
| આર. એમ. શાહ | ત્રીજી | ૧૯૨૭ | ૧૦૦૦ | ૧૨-૦-૦ | ધી સૂર્યપ્રકાશ પ્રી. પ્રે. | ||||||
| ૧૩ | ધી સ્ટુડન્ટસ-ગુજરાતી- ઇંગ્લીશ ડીક્ષનેરી. |
ભગુભાઇ ફતેચંદ કારભારી. |
પોતે | પહેલી | ૧૮૯૮ | ડેમી આઠ પેજી | ૨૦૦૦ | ૬૪૪ | ૩–૮-૦ | વિજય પ્રવર્ત્તક પ્રેસ. | |
| ૧૪ | ધી-જેમ-ગુજરાતી- ઇંગ્લીશ ડીક્ષનેરી |
કે. બી. નાણાવટી. | સોમચંદ ભગવાનદાસ. |
પહેલી | ૧૯૧૫ | રોયલ ૩૨ પેજી | ૨૦૦૦ | ૧૧૬૮ | ૧–૮-૦ | સત્ય વિજય પ્રેસ. | |
| બીજી | ૧૯૧૬ | ૧૧૬૮ | ૧–૮-૦ | ||||||||
| ત્રીજી | ૧૯૩૨ | સુપર રોયલ ૩૨ પેજી |
૧૧૯૨ | ૨–૮-૦ | ધી ડાયમંડ જ્યુબીલી પ્રે. | ||||||
| ૧૫ | ધી હેંડી ગુજરાતી- ઇંગ્લીશ ડીક્ષનેરી. |
પોપટલાલ મગનલાલ |
ધી ગુજરાત ઓરીએન્ટલ બુક ડેપો |
પહેલી | ૧૯૧૬ | સુપર રોયલ ૧૬ પેજી |
૨૦૦૦ | ૧૦૨૬ | ૩–૪-૦ | શ્રી જ્ઞાનમંદિર પ્રેસ. | |
| ૧૬ | ધી પોકેટ ગુજરાતી- ઈંગ્લીશ ડીક્ષનેરી. |
મેં. એન. એમ. ત્રિપાઠીની કંપની |
પોતે | પહેલી | ૧૯૨૩ | ૫૦૦૦ | ૧૨૩૦ | ૨–૮-૦ | ધી યુનીયન પ્રેસ મુંબાઈ. | ||
| બીજી | ૧૯૨૮-૨૯ | ૩૦૦૦ | ૨–૮-૦ | ધી વૈભવ પ્રેસ. | |||||||
| ૧૭ | ધી-મોર્ડન ગુજરાતી- ઈંગ્લીશ ડીક્ષનેરી. |
રા. ભાનુસુખરામ નિર્ગુણરામ મહેતા તથા ભરતરામ ભાનુસુખરામ મહેતા |
એમ. સી. કોઠારી બુકસેલર. |
પહેલી | ૧૯૨૫ | ક્રાઉન ૮ પેજી | ૨૦૦૦ | ૧૬૧૦ | ૧૫–૦-૦ | ધી ભારત વિજય પ્રી. પ્રેસ વડોદરા. |
ઇંગ્રેજી–ગુજરાતી શબ્દકોષો પ્રસિદ્ધ થયાની સાલવાર નોંધ.
| અનુ ક્રમ. |
કોષનું નામ. | કર્ત્તા.. | પ્રસિદ્ધ કર્ત્તા. | આવૃત્તિ | ઇ.સ,. | કોષનું કદ | પ્રત | પાનાની સંખ્યા. |
કિમત. | ક્યાં છપાયેલ.. | વિશેષ હકીકત |
| સાલ. | |||||||||||
| ૧ | ઈંગ્લીશ-ગુજરાતી ડીક્ષનેરી. |
મિ. રોબર્ટસન. | પોતે | પહેલી | ૧૮૫૪ | ||||||
| ૨ | ધી કોમ્પ્રીહેન્સી ઈંગ્લીશ-ગુજરાતી ડીક્ષનેરી (વિભાગોમાં) મોટો કોષ |
અરદેશર ફરામજી Template:SIC તથા નાના નાનાભાઈ રૂસ્તમજી રાણીના |
કર્તા | પ્રથમ ભાગ | ૧૮૫૭ | સદર મોટા કોષ સને ૧૮૫૧માં શ્રી. નાના- ભાઇએ શરૂ કરી પ્રથમ ભાગ A અને B નો સને ૧૮૫૭માં બહાર પાડયો. ત્યારથી મિ. અરદેશર ફરામજી મુનસી મદદથી મદદથી ૧૮૯૫ સુધી કામ કર્યું. બીજો, ત્રીજો અને ચોથો ભાગ ઉપરા ઉપરી બહાર પડ્યા. Honor શબ્દ સૂધી પાંચમો ભાગ ૧૮૭૨માં બહાર પડ્યો. સને ૧૯૦૦માં તેમના મરણ પછી તેમના દીકરા રૂસ્તમ એન. રાણીનાએ સને ૧૦૮માં તે પુરી કરી બહાર પાડી. | |||||
| બીજો, ત્રીજો, ચોથો |
૮૬૧ | રોયલ ૪ પેજી | ૪૦-૦-૦ | યુનિઅન પ્રેસ | |||||||
| ૩ | ધી કોમ્પેન્ડીઅમ ઓફ ઈંગ્લીશ-ગુજરાતી ડીક્ષનેરી. |
અરદેશર ફરામજી મુસ, નાનાભાઈ રૂસ્તમજી તથા કવિ નર્મદાશંકર લાલ શંકર. |
પોતે | પહેલી | ૧૮૬૨ | રોયલ ૧૬ પેજી |
૬૦૮ | ૨–૮-૦ | યુનિઅન પ્રેસ-મુંબાઇ. | ||
| ૪ | ઇંગ્રેજી-ગુજરાતી ડીક્ષનેરી |
ઝવેરિલાલ ઉમિયાશંકર શંકર યાજ્ઞિક, ત્રિભોવનદાસ દ્વારકાદાસ તથા મોતીરામ ત્રિકમદાસ. |
પોતે | પહેલી | ૧૮૬૨ | મુંબાઇ યુનિઅન પ્રેસ. | |||||
| ૫ | ઇંગ્રેજી-ગુજરાતી ડીક્ષનેરી. |
અરદેશર ફરામજી મુસ તથા ઝવેરિલાલ ઉમિયાશંકર યાજ્ઞિક |
પોતે | પહેલી (બીજી) | ૧૮૭૧ | નંબર ૩ તથા ૪ ની ડીક્ષનેરીઓ ભેગી કરી બન્નેના નામથી બહાર પાડી. | |||||
| ત્રીજી | ૧૮૮૦ | ||||||||||
| ચોથી | ૧૮૮૪ | ||||||||||
| ૬ | ધી સ્ટુડન્ટસ ઇંગ્લીશ- ગુજરાતી ડિક્ષનેરી. |
રા. ઝવેરિલાલ ઉમિયાશંકર તથા મોતીરામ ત્રીકમદાસ. |
પોતે | પહેલી | ૧૮૮૫ | ||||||
| ૭ | ઇંગ્લીશ- ગુજરાતી ડિક્ષનેરી. |
મેસર્સ રાંદેરિયા અને પટેલ |
પોતે | પહેલી | ૧૮૮૬ | ||||||
| બીજી | |||||||||||
| . | ત્રીજી | ૧૮૯૫ | |||||||||
| ૮ | ધી ઇંગ્લીશ-ગુજરાતી ડીક્ષનેરી. (અમદાવાડ-ખેડા જીલ્લા અને કાઠિયાવાડ માં અંબાલાલ કૃત ડીક્ષનેરી તરીકે, સુરત, ભરૂચ જીલ્લાઓમાં મણિધર પ્રસાદ કૃત ડીક્ષનેરી તરીકે અને સરકારી ખાતામાં મોન્ટગોમરી ડીક્ષનેરી તરીકે જાણીતી) |
રેવન્ડ રોબર્ટ મોન્ટગોમરી, અંબાલાલ સાકરલાલ દેસાઈ તથા મણિધર પ્રસાદ તાપીપ્રસાદ. |
સરકારી કેળવણી ખાતુ. |
પહેલી | ૧૮૮૭ | ડેમી ચાર પેજી |
૨૦૦૦ | ૯–૦-૦ | સુરત આઇરીશ પ્રેસ. | ||
| ૯ | ઇંગ્લીશ-ગુજરાતી ડીક્ષનેરી. |
મે. એચ. એમ. સી. એન્ડ કો. |
મંગળદાસ પ્રભુદાસ |
પહેલી | ૧૮૮૭ | રોયલ ૮ પેજી |
૨૦૦૦ | ૫૩૮ | ૩–૦-૦ | ધી ગુજરાત ગેઝેટ પ્રેસ. | |
| ૧૦ | ધી પોકેટ ઇંગ્લીશ- ગુજરાતી ડીક્ષનેરી. |
વિઠ્ઠલરાય ગો. વ્યાસ મનસુખરાંમ મુળચંદ શાહ તથા એચ. કે. પાઠક. |
પોતે | પહેલી | ૧૮૮૯ | રોયલ ૩૨ પેજી |
૨૦૦૦ | ૧–૮-૦ | ધી અમદાવાદ આર્યોદય પ્રિન્ટીંગ પ્રેસ. |
||
| ૧૧ | ધી પોકેટ ઇંગ્લીશ- ગુજરાતી ડીક્ષનેરી. |
એમ. સી. શાહ. | પોતે | પહેલી | ૧૮૯૨ | રોયલ ૩૨ પેજી |
|||||
| ૧૨ | ધી પોકેટ પ્રાનાઉન્સીંગ ઈંગ્લીશ ગુજરાતી ડીક્ષનેરી. |
મોતીરાંમ ત્રીકમરાંમ અને જે. સી. ડી. |
પોતે | પહેલી | ૧૮૯૨ | સુપરરોયલ ૧૬ પેજી |
૨૦૦૦ | ૧૦૨૪ | ૩–૦-૦ | મુંબાઈ | |
| ૧૩ | ધી પોકેટ ઇંગ્લીશ- ગુજરાતી ડીક્ષનેરી. |
એન એચ. પટેલ પટેલ |
પોતે | પહેલી | ૧૮૯૪ | ||||||
| ૧૪ | ધી સ્ટાન્ડર્ડ ઈંગ્લીશ ગુજરાતી ડીક્ષનેરી. (વ્યાસ અને પટેલ કૃત તરીકે જાણીતી) |
વિઠ્ઠલરાય ગો. વ્યાસ તથા શંકરભાઈ ગલાભાઈ પટેલ. |
પોતે | પહેલી | ૧૮૯૪ | સુપરરોયલ ૮ | ૨૦૦૦ | ૧૩૦૪ | ૫–૦-૦ | વિજયપ્રવર્ત્તક પ્રેસ અમદાવાદ. |
|
| બીજી | ૧૮૯૭ | ૨૦૦૦ | ૫–૪-૦ | વિજય પ્રવર્ત્તક પ્રેસ. | |||||||
| ત્રીજી | ૧૯૦૩ | ૨૦૦૦ | ૧૬૮૮ | ૫–૮-૦ | ધી જૈન પ્રિન્ટીંગ પ્રેસ. | ||||||
| ચોથી | ૧૯૦૯ | ૨૦૦૦ | ૧૬૮૮ | ૫–૮-૦ | ધી સત્ય વિજય પ્રેસ. | ||||||
| પાંચમી | ૧૯૧૩ | ૨૦૦૦ | ૧૬૮૮ | ૬–૮-૦ | ધી સત્ય નારાયણ પ્રેસ. | ||||||
| છઠ્ઠી | ૧૯૨૩ | ૨૦૦૦ | ૧૮૬૬ | ૧૮-૦-૦ | ધી સૂર્ય પ્રકાશ પ્રેસ. | ||||||
| ૧૫ | ધી સ્ટુડન્ટસ-ઇંગ્લીશ ગુજરાતી ડીક્ષનેરી. |
ભગુભાઇ ફતેહચંદ કારભારી. |
ડી. જે. મેડોરા. પોતે કારભારી. |
પહેલી | ૧૮૯૫ | સુપરરોયલ ૮ પેજી |
૨૦૦૦ | ૨–૮-૦ | ગુજરાત ગેઝેટ પ્રેસ. | ||
| બીજી | ૧૯૦૧ | સુપરરોયલ ૮ પેજી |
૩૧૦૦ | ૩–૦-૦ | |||||||
| ૧૬ | ધી સ્ટુડન્ટસ સ્ટાન્ડર્ડ ઇંગ્લીશ ગુજરાતી ડીક્ષનેરી. |
વિઠ્ઠલરાય ગો. વ્યાસ તથા શંકરભાઇ જી. પટેલ |
પોતે | પહેલી | ૧૮૯૬ | રોયલ ૮ પેજી | ૨૦૦૦ | ૧૧૩૬ | ૦૩-૧૨-૨૦૦૦ | વિજયપ્રવર્ત્તક પ્રેસ. | |
| ,, | બીજી | ૧૯૦૫ | સુપરરોયલ ૮ પેજી |
૨૦૦૦ | ૯૧૨ | ૦૩-૧૨-૨૦૦૦ | જૈન પ્રીન્ટીંગ પ્રેસ. | ||||
| ત્રીજી | ૧૯૧૫ | ૨૦૦૦ | ૯૭૬ | ૪–૦-૦ | સત્યવિજય પ્રી. પ્રેસ. | ||||||
| ચોથી | ૧૯૨૪ | ૨૦૦૦ | ૯૭૬ | ૬–૦-૦ | સૂર્ય પ્રકાશ પ્રી. પ્રેસ. | ||||||
| ૧૭ | ધી સ્ટુડન્ટસ ઇંગ્લીશ ગુજરાતી ડીક્ષનેરી. |
મે. જમનાદાસ ભગવાનદાસની કંપની |
પોતે | પ્રથમ | ૧૮૯૯ | ||||||
| ૧૮ | ધી સ્ટાર ઇંગ્લીશ- ગુજરાતી ડીક્ષનેરી. |
ભગુભાઈ એફ. કારભારી અને મિ. પટેલ |
પોતે | પ્રથમ | ૧૯૦૧ | રોયલ ૬૪ પેજી |
૫૦૦૦ | ૭૨૭ | ૦-૧૦-૦ | ધી એજ્યુકેશન સોસાઇટી પ્રેસ મુંબાઇ. |
|
| બીજી | ૧૯૧૨ | ,, | ૫૦૦૦ | ૭૨૭ | ૦-૧૦-૦ | સુરત જૈન પ્રીન્ટીંગ પ્રેસ. | |||||
| ૧૯ | ધી મહાભારત ડીક્ષનેરી. | બી. સી. દેસાઇ. | મોતીલાલ મગનલાલ શાહ બુકસેલર. અમદાવાદ. |
પહેલી | ૧૯૦૬ | સુપરરોયલ ૮ પેજી |
૨૦૦૦ | ૧૬૧૬ | ૬–૦-૦ | વિજય પ્રવર્તક પ્રેસ. | |
| ૨૦ | ધી મેન્યુઅલ ઓફ ઇંગ્લીશ ગુજરાતી ડીક્ષનેરી. |
ડૉ. આર. એન. રાણીના. |
પોતે | પહેલી | ૧૯૧૦ | રોયલ ૮ પેજી | ૨૦૦૦ | ૬૫૦ | ૩–૮-૦ | ધી યુનીઅન પ્રેસમુંબઇ. | |
| ૨૧ | ધી કોન્ડેન્સ્ડ ઇંગ્લીશ- ગુજરાતી ડીક્ષનેરી. |
વિઠ્ઠલરાય ગો. વ્યાસ | પોતે | પહેલી | ૧૯૧૧ | રોયલ ૮ પેજી | ૨૧૦૦ | ૬૮૪ | ૨–૮-૦ | વિજય પ્રવર્ત્તક પ્રેસ. | |
| વિઠ્ઠલરાય ગો. વ્યાસ તથા શંકરભાઇ જી. પટેલ |
પોતે | બીજી | ૧૯૧૭ | ૨૧૦૦ | |||||||
| ત્રીજી | ૧૯૨૨ | ૨૧૦૦ | સૂર્ય પ્રકાશ પ્રીન્ટીંગ પ્રેસ. |
||||||||
| ચોથી | ૧૯૨૬ | ૩૨૦૦ | ૭૭૬ | ૬–૦-૦ | સૂર્ય પ્રકાશ પ્રીન્ટીંગ પ્રેસ. |
||||||
| પાંચમી | ૧૯૩૨ | ૨૧૦૦ | ૯૨૮ | ૬–૦-૦ | ધી રામવિજય પ્રીન્ટીંગ પ્રેસ. |
||||||
| ૨૨ | ધી કોન્સાઇસ ઇંગ્લીશ ગુજરાતી ડીક્ષનેરી. |
શંકરભાઈ જી. પટેલ | પોતે | પહેલી | ૧૯૧૧ | ૨૧૦૦ | ૨–૮-૦ | ધી વિજય પ્રવર્ત્તક પ્રેસ. | |||
| ૨૩ | ધી પોકેટ પ્રોનાઉન્સીંગ ઇંગ્લીશ-ગુજરાતી ડીક્ષનેરી. |
ભગુભાઈ એફ. કારભારી. |
એન. એમ. ત્રિપાઠીની કંપની. |
પહેલી | ૧૯૧૨ | રોયલ ૩૨ | ૪૦૦૦ | ૯૮૩ | ૧–૮-૦ | ધી કોરોનેશન પ્રેસ– મુંબાઇ. |
|
| ૨૪ | ધી પ્રોનાઉન્સીંગ પોકેટ ઈંગ્લિશ ગુજરાતી ડીક્ષનેરી. |
વિઠ્ઠલરાય ગો. વ્યાસ તથા શંકરભાઈ ગલાભાઈ પટેલ. |
પોતે | પહેલી | ૧૯૧૪ | સુપર રોયલ ૩૨ પેજી |
૨૧૦૦ | ૧૦૮૮ | ૧–૪-૦ | ધી સૂર્ય પ્રકાશ પ્રીન્ટીંગ | |
| બીજી | ૧૯૨૨ | ૨૧૦૦ | ૧૦૮૮ | ૩–૦-૦ | |||||||
| ર૫ | ધી જેમ ઈંગ્લીશ- ગુજરાતી ડીક્ષનેરી. |
કે. બી. નાણાવટી. | સોમચંદ ભગવાનદાસ બુકસેલર. |
પહેલી | ૧૯૧૫ | રોયલ ૩૨ પેજી |
૨૦૦૦ | ૧૦૦૦ | ૧–૮-૦ | ધી સત્ય વિજય પ્રેસ. | |
| બીજી | ૧૯૧૬ | ૨૦૦૦ | ૧૦૦૦ | ૧–૮-૦ | |||||||
| ત્રીજી | ૧૯૨૨ | સુપરરોયલ ૩૨ પેજી |
૨૦૦૦ | ૧૧૪૪ | ૨–૮-૦ | સૂર્ય પ્રકાશ પ્રેસ. | |||||
| ચોથી | ૧૯૩૦ | ૨૦૦૦ | ૧૨૪૪ | ૨–૮-૦ | |||||||
| પાંચમી | ૧૯૩૨ | ૨૦૦૦ | ૧૨૪૪ | ૨–૮-૦ | ધી ડાયમંડ જ્યુબીલી પ્રેસ. | ||||||
| ૨૬ | ધી કોહિનુર-ઇંગ્લીશ- ગુજરાતી ડીક્ષનેરી. |
કે. બી. નાણાવટી. | સોમચંદ ભગવાનદાસ. |
પહેલી | ૧૯૧૫ | ડેમી ૩૨ પેજી | ૨૦૦૦ | ૫૪૦ | ૦-૧૦-૦ | ભાસ્કર પ્રેસ-વડોદરા. | |
| બીજી | ૧૯૨૨ | ૨૦૦૦ | ૫૪૦ | ૦-૧૨-૦ | અમદાવાદ સૂર્ય પ્રકાશ પ્રેસ. | ||||||
| ત્રીજી | ૧૯૩૦ | ૨૦૦૦ | ૬૬૪ | ૦-૧૩-૦ | ,, | ||||||
| ચોથી | ૧૯૩૨ | ૨૦૦૦ | ૬૭૨ | ૦-૧૩-૦ | ડાયમંડ જયુબીલી પ્રેસ. | ||||||
| ૨૭ | ધી પોકેટ પ્રોનાઉન્સીંગ ઇંગ્લીશ ગુજરાતી ડીક્ષનેરી. |
બી. એચ. યાજ્ઞિક અને અંબાલાલ બુ. જાની. |
એન. એમ. ત્રિપાઠીની કંપની. |
પહેલી | ૧૯૨૧–૨૨ | સુપરરોયલ ૩૨ પેજી |
૫૦૦૦ | ૧૨૧૦ | ૨–૮-૦ | યુનિઅન પ્રીન્ટીંગ પ્રેસ મુંબાઇ. |
|
| બીજી | ૧૯૨૬-૨૭ | ૫૦૦૦ | ૧૨૧૦ | ૨–૮-૦ | |||||||
| ત્રીજી | ૧૯૩૧ | ૩૦૦૦ | ૧૨૧૦ | ૨–૮-૦ | ધી વૈભવ પ્રેસ-મુંબાઇ. | ||||||
| ૨૮ | ધી હેંડી-ઈંગ્લીશ ગુજરાતી તથા ઈંગ્લીશ ડીક્ષનેરી. |
એસ. કે. વૈદ્ય. | ધી ગુજરાત ઓરીએન્ટલ બુક ડેપો |
પહેલી | ૧૯૨૬ | ક્રાઉન ૮ | ૨૦૦૦ | ઈં.ગુ.૫૩૪ ગુ.ઇં. ૨૮૦ |
૭–૦-૦ | સૂર્ય પ્રકાશ પ્રી. પ્રેસ. તથા જ્ઞાનમંદિર પ્રેસ. |
|
| ૨૯ | ધી ન્યુ ઇંગ્લીશ- ગુજરાતી ડીક્ષનેરી. |
ડી. જે. વૈશ્નવ. | કરસનદાસ નારણદાસ સુરત. |
પહેલી | ૧૯૨૭ | રોયલ ૮ પેજી | ૨૦૦૦ | ૯૧૨ | ૬–૮-૦ | સુરત સીટી પ્રી. પ્રેસ. | |
| ૩૦ | ધી સ્ટુડન્ટસલ ઇંગ્લિશ- ગુજરાતી ડીક્ષનેરી. |
જમનાશંકર તુલશીદાસ મંકોડી. |
શંકર નરહરી જોશી–પુના. |
પહેલી | ડેમી ૮ પેજી | ૯૨૦ | ૩–૦-૦ | ચિત્રશાળાપ્રેસ-પુના. | |||
| ૩૧ | શ્રી શયાજી શાસનશબ્દ કલ્પતરૂ. |
ન્યાયમંત્રી કચેરી. | પહેલી | ૧૯૩૧ | ફુલસ્કેપસાઇઝ | ૯૧૨ | ૧૨-૦૮-૨૦૦૦ | વડોદરા સરકારી | કાયદા વિષયક ઇંગ્રેજી- શબ્દના ગુજરાતી મરાઠી-સંસ્કૃત-ઉર્દુ- પર્શીયન-હિંદી-બંગાળી- ગુજરાતી ભાષામાં હાલ વપરાતા શબ્દો અને છેવટે સૂચવાયેલા શબ્દો- એવી રીતે ફુલસ્કેપ-સાઇઝ આડા કાગળમાં કોલમવાર આપેલ છે. |