ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૫મું/૧૯૩૩ની કવિતા
આપણા સામાજિક ને રાજકીય પ્રશ્નો હજી થાળે પડ્યા નથી, પરંતુ તેઓ બધા ભાવનામાં રંગાઈને કર્મરત તો થયા છે. એ જ રીતે કવિતા વિષે કહી શકીએ કે ૧૯૩૩ની કવિતા ઉદ્રેક છોડી દઇ શાન્ત ભાવનામયતા સાધે છે તે સાથે સ્વરૂપ ધારવા માંડે છે. ઉભરો ઓસરી રહ્યા પછીના દૂધની માફક તે પણ શુદ્ધ તથા સત્ત્વશાલી બને છે. કવિતાયુગની નજરે આ કવિતા હજુ ઊછરતી છે, એટલે આજે ભવિષ્ય ભાખીને તેની શક્તિ હણવામાં ડહાપણ નહિ. તોપણ એટલું કહીએ કે ૧૯૩૩ની કવિતા રૂપે અને ગુણે ગયા વરસના કરતાં ઠીક મોટી થઈ છે તેમજ તંદુરસ્તી અને તેજોમયતા મેળવી શકી છે.
ગુજરાતી કવિતા હિંદી કવિતા જેટલી પ્રચાર પામી નથી અને હિંદી પ્રજાનો બહુ ઓછો ભાગ ગુજરાતી બોલે છે – છતાં ગુજરાતની ભાષા એ તેની સંસ્કૃતિનું પ્રતીક છે; અને એ પ્રતીક હવે મોળું, શિથિલ કે આરામપ્રિય નહિ, પણ પુરુષાર્થભર્યું અને ચારિત્ર્યશીલ બન્યું છે. ગુજરાતની કવિતા પણ પોતાની ભાષાજનનીની એ અલંકાર–શોભા વારસામાં મેળવે છે.
એક શ્લોકનાં મુક્તકો, સૉનેટો અને ગીતો જેવાં ટૂંકાં કાવ્યો, કંઇક લાંબાં કથાકાવ્યો આદિમાં વર્ણનશક્તિની સરળતા સાથે ભાવની માત્રા ભારોભાર છે – એમ છતાં જૂના સાહિત્યમાં જે ‘બૅલેડ’ની રચના હતી તે હજુ આવી નથી. એ અને એવા બીજા કવિતાપ્રકારો જે અંગ્રેજી કવિતામાં છે તે ખીલવવા આપણે બાકી રહે છે. કાવ્ય-વિષયોનું ક્ષેત્ર વ્યાપક બન્યું છે; અને વિચારબલ સાથે છંદબલ દૃઢ થયું છે. ઊર્મિગીતોની કોટિ અદ્ધર ચઢી જણાતી નથી. કવિતાતત્ત્વ એમાં હળવું ને પાતળું જ પ્રવેશે છે. કવિશ્રી ન્હાનાલાલનાં ‘લિરિક’ની કોટિ હજુ વણપહોંચી રહી છે. કવિતા વિચારપ્રધાન જ હોય એ મંતવ્ય અને સ્ત્રીકવિઓનો અભાવ એ બે આ પરિસ્થિતિના મુખ્ય કારણો હોય કદાચ. આ અગેય દશા ઠીક તો નથી જ. રાસે, ભજનો, બાલકાવ્યો આદિ સંઘકવિતા હંમેશ અને કેવળ અગેય તો નહિ બની શકે એ વાત ખ્યાલમાં લેવા યોગ્ય છે. આ વર્ષે ચન્દ્રવદન મહેતા, સુન્દરમ્, કૃષ્ણલાલ શ્રીધરાણી, મેઘાણી, મનઃસુખલાલ ઝવેરી અને સ્નેહરશ્મિ વગેરેના કાવ્યસંગ્રહો બહાર પડ્યા છે. રતિલાલ શુક્લ અને ઉમાશંકર જોષી સહિત સૌ માસિક પત્રો દ્વારા પોતપોતાનાં વ્યક્તિત્વો ખીલવે છે – પરંતુ કાવ્યોનું વ્યક્તિત્વ૧ ખીલવવા તરફ કોઇકનું જ ધ્યાન હશે. સ્વ. અંગ્રેજ યુવક કવિ રૂપર્ટ બ્રૂકના ‘ધ સોલ્જર’ જેવું ઉત્તમ – પાસાદાર, તેજસ્વી અને પૂર્ણ કાવ્યમણિ આપણી કવિતામાં છે ? પ્રામાણિક વૃત્તિએ વિચારતા કહેવું ઘટે કે એવી સજાવટ શરૂ થઈ છે. રમણલાલ સોની, રમણ ન. વકીલ નવા આવનારાઓમાં અગ્ર સ્થાને છે. ‘સ્વપ્નસ્થ’, ‘જનમેજય’, ‘અકવિ’ જેવાં તખલ્લુસોથી કોઇ કોઇ જાણીતા-અજાણ્યા લખે છે; પરંતુ શ્રી. બલવંતરાય ક. ઠાકોર કહે છે તેમ તખલ્લુસો બીનજરૂરી છે અને ઠીક પણ નથી ખરૂં નામ આપવું જ બહેતર છે. ઊર્મિ પત્રનો કાવ્યાંક એ આવકારલાયક નવું પગરણ છે. એવાં સાહસોની આપણે ત્યાં પૂરી જરૂર છે. એમ તો કવિતાના એક મુખપત્રની યે ખાસ જરૂર ઊભી છે. પરંતુ ધનાઢ્ય વર્ગની સહાયતા વિના એ થઈ શકે એમ નથી. ‘પ્રજાબંધુ’વાળા શ્રી ‘સાહિત્યપ્રિય” માને છે કે કાવ્યના એકએક ચરણાન્તે એકએક વિચાર પૂરો થવો જોઈએ – પછી એ વિચાર પૂર્ણ વિરામથી માંડીને અલ્પવિરામ લગીનો હોય. ઘણે અંશે આ ખરૂં છે, સ્વાભાવિક છે; અને ઘણે અંશે એમ બને છે પણ ખરૂં. છતાં આ નિયમ અપવાદ વિનાનો નથી. એક વિચારને બીજા ચરણમાં લંબાવવાથી છંદનો લય તૂટતો લાગે, પણ વિચારનો લય તૂટતો જણાતો નથી—પ્રલંબ બને છે. વળી વિચારપ્રધાન કવિતાને એવી પ્રલંબ રચના અનુકૂળ થતી લાગે છે. અલબત્ત, એ રચના છંદાનુકૂળ અને વિચારાનુકૂળ સ્વાભાવિક હોય તો જ સારીઃ નહિ તો કૃત્રિમ બની જાય એવો ભય છે. મુક્તકોનું વિશિષ્ટ સર્જન અને તેમનો પ્રચાર ઠીક શરૂ થયો છે. આને હું કવિતાનું સુચિહ્ન માનું છું. સંકીર્ણ શબ્દોનું અર્થઘનત્વ કવિતાનું લક્ષ્ય છે. તેનો આ પ્રથમ પદ-અર્થપાઠ છે એમ સમજાય તો આ પ્રયોગ પછી કાવ્યના છુટા શ્લોક સ્વતંત્ર અર્થવાહી અને કાવ્યાનુરૂપ એક મેળ અર્પનારા થશે એમ સહેજે જણાશે. ગયે વરસે બાળકાવ્યોના સાહિત્યની ગણના કરી નથી; અને હજુ પણ એ ગણવા યોગ્ય શિષ્ટ પંક્તિનું સર્જનતત્ત્વશીલ બન્યું જણાતું નથી. બહુધા અનુકરણના આચ્છાદને એ પોઢેલું છે. છંદોમાં ‘પૃથ્વી’એ પોતીકું અગ્રપદ સાચવ્યું છે. અનુષ્ટુભ, ઉપજાતિ વંશસ્થ આદિ પ્રચલિત છંદો પર લખનાર વર્ગની હથોટી સારી બેઠી છે. પણ હવે પછી શું ? એ પ્રશ્ન અનુત્તર છે. ગુલબંકી મર્યાદિત રીતે કામનો છે. શ્રી ખબરદાર રચિત છંદો, વનવેલી, રામ છંદ વગેરે તે તેના કર્તાઓ પૂરતા ફળદાયી હશે; પણ પ્રચલિત બની સફળ થયા નથી. કવિશ્રી ન્હાનાલાલનું ડોલન પણ એવું જ. ગેય ઢાળોનું વૈવિષ્યે આવ્યું નથી; તેમ ‘ફ્રી વર્સ’નું આયોજન પણ લાધ્યું નથી. કવિતાવિકાસના આ પ્રશ્નો ઉકેલવા તરફ લક્ષ દેવું આવશ્યક છે. ૧૯૩૩ની કવિતા વિચારપ્રધાન રહી છે અને કવિઓનાં સ્વભાવગાન તથા સંસ્કૃતિનું પ્રાકટ્ય એમ ઉભય એમાં સમાધાન પામે છે એ આનંદજનક છે. એમ છતાં કવિતા બહોળા લોકસમુદાય સુધી પૂરી પહોંચી નથી. એમ હોવાનાં કેટલાંક કારણો છે. લોકકેળવણી વધે, જનતા જિજ્ઞાસુ બને અને સાહિત્યપ્રિય થાય ત્યારે જ કવિતા સુવાચ્ય થશે. ઊંચી કવિતા આવી કેળવણી મળ્યા સિવાય કોઈ પ્રજામાં લોકગમ્ય થઈ શકે નહિ; એટલે કવિતાને કે કવિઓને દોષ દેવો હાલ ઉચિત જણાતો નથી. આપણી વર્તમાન કવિતા અંગ્રેજી કવિતામાંથી પ્રેરણા મેળવે છે એ હકીકત છે. તોપણ ન્યાય ખાતર કહેવું જોઈએ કે એમાં ગુજરાતની સંસ્કૃતિના જીવનઆદર્શો પ્રતિબિંબિત થાય છે. કવિતા સ્વદેશી રહી છે એમ જ કહીએ. વળી બીજી ભાષાઓની કવિતામાંથી પોતાને અનુરૂપ બને તેવી છંદ-માપરચના, શબ્દાવલિબંધો, લાલિત્યધારાની સમજ વગેરે લેવાની છૂટ દરેક ભાષાને છે. બંગાળી અને જાપાની કવિતાએ અંગ્રેજી સંગીતના ઢાળોનું સુભગ મિશ્રણ કર્યું છે તે કાંઈ ખોટું નથી અને તેથી એ કવિતા અંગ્રેજી કવિતા બની જતી નથી. અને ખરું કહીએ તો કવિતાનું સ્વરૂ૫ સઘળી ભાષાઓમાં એક અને અદ્વિતીય છે. કન્યાકેળવણીની સંસ્થાઓમાં ભાષાના સાહિત્યને અને સંગીત, ચિત્ર આદિ કળાઓને પૂરતું સ્થાન છે; પરંતુ સાહિત્યના વિષયમાં તેમજ સંગીતની કળામાં ગુજરાતી કવિતાને મુખપદ મળે તો સ્ત્રીકવિઓની ઊણપ પૂરવાનો માર્ગ સુલભ અને સરળ બને તેમ છે. આપણે ઈચ્છીએ કે સંસ્થાધારીઓને હૈયે આ વાત વસે. ‘કવિતાને પોષો’ એમ કહેવાનું ગુજરાતની પ્રજાને હજી ય શું બાકી રહે છે ? પ્રભુ આપણા ગર્ભશ્રીમાનોનું અંતઃકરણ જાગૃત કરે અને તેમને ઉદાત્તચરિત બનાવો એટલી પ્રાર્થના.
દેશળજી પરમાર
‘એકોઽહં બહુસ્યામ્’
જ્યોતિ શૂન્યે, દિશા શૂન્યે, કાલાતીત મહા તમે
યોગનિદ્રા થકી જાગી એકલા વિભુ નિર્ગમે!
ઘૂમે બધે તિમિર ઘોર કરાળ ફાળે,
રાત્રિ નહિ, દિવસ ના ધબકે ન કાળે!
એકાન્ત નીરવ બધું, નહિ જ્યોતિ હાસ્ય,
એકાકી મૂક કરતો વિભુ મન્દ લાસ્ય !
ત્યાં ‘એકોઽહં બહુસ્યાં’નું સ્વપ્ન મંગલ મંજુલ,
જાગતું વિભુને હૈયે પ્રશાન્ત સૌમ્ય નિર્મલ!
એ સ્વપ્નના ઉર થકી પ્રગટી હુતાશ,
કંપાવી તે તિમિર ઘોર કરે પ્રકાશ!
ને શૂન્યનું ઉર તૂટી પડી ખંડ ખંડ
સીમા ઉગે ગગન શબ્દ ઘૂમે પ્રચંડ!
તમરૂપ હતો પૂર્વે, જ્યોતિ રૂપ બન્યો પ્રભુ!
નિહારિકા ઉરે ખેલે રાસલીલા નવી પ્રભુ!
(૨)
છલછલ છલકે તે તેજનો ભવ્ય સિન્ધુ,
ત્રિભુવન ભરી જાણે ખેલતા કોટિ ઇન્દુ,
અગણિત રવિ જન્મી ઘૂમતા તેજ-ફાળે,
ગ્રહ ઉપગ્રહ જાગી ઝૂલતા વિશ્વ-ડાળે!
તારાઓનાં વનો ડોલે, વચ્ચે મંદાકિની વહે,
એકમાંથી અનેકોની લીલા તે વિકસી રહે!
તણખા સૂર્યના ઊડી જન્મતાં વસુધા ગ્રહો,
વહ્નિની ઝુંડ ઝાડીમાં ફૂટતી પ્રાણ કૂંપળો!
પ્રથમ સૃજનની તે ભવ્ય જ્યોતિ નિહાળી
પુલકિત વિભુનેણે હર્ષની રેલ ચાલી!
મૃદુ નયન–સુધા તે દિગ્દિગન્તે વિરાટે
ઝરમર વરસે એ નર્તતી પૃથ્વી પાટે!
આનન્દઘેલી પૃથ્વીએ અબ્ધિનું ધરી દર્પણ
નિમંત્ર્યા વિભુને હૈયે ગુંજીને સ્નેહ સ્વાર્પણ.
(૩)
ઉલ્લાસે વસુધા કેરી આંખમાંથી સુધા ઝરે,
બુઝાવી વહ્નિ–જ્વાળા તે સોહી ર્હે વારિ-અંબરે!
ઘેરા અબ્ધિ તણા પ્રશાન્ત ઉરના વારિ તણા દપણે,
જોતાં વિષ્ણુ પ્રફુલ્લ આત્મ-પ્રતિમા આનંદઘેલા બને;
ચારે હસ્ત પ્રસારી સાગર પરે ઉષ્મા કરી શાન્ત તે
નિઃસીમે રમતા વિરાટ ઉરમાં લ્હેરો નવી થન્ગને!
જન્મ ને મૃત્યુને ભવ્ય હીંચકે ઝૂલતા પળે
મત્સ્યાવતાર રૂપે તે સ્વયંભૂ પૃથિવી પરે!
નાચે સિન્ધુતરંગ ઇન્દુ મલકે નાચે દિવા ને નિશા,
જાગે નૂતન પ્રાણ ગાન મધુરાં જાગી કરે સૌ દિશા;
એકે કૈં બનીને અનેક રમતા વિશ્વેશ પાછા તહીં,
સ્વપ્નો દિવ્ય નવાં નવાં ઉર ઝીલી હર્ષે ગજાવે મહી.
તરંગ જાગતા મોટા સિન્ધુને ઉર હર્ષના,
વીંઝી જોજન શું પુચ્છ કરે કૈં મત્સ્ય ગર્જના!
(૪)
ના ચહે વારિ કેરાં જ ઘેરાં ગાન વિરાટ તે,
માંડે સ્વપ્નભરી દૃષ્ટિ દૂરદૂર ધરા પરે.
સ્મિતે ભરી તે મુદિતા વસુન્ધરા–
ઉરે સ્ફુરે કોમલ સ્નેહના ઝરા!
પળે પળે તે વિભુને નમે લળે,
તટે તટે ત્યાં પ્રભુ કૂર્મ થૈ ફરે!
ઘડીમાં તટ પે નાચી ઘડીમાં ડૂબતા જળે,
કૂર્મ તે સ્નેહની ગાંઠે અબ્ધિ ને ભૂમિને જડે!
યુગો યુગો એમ વહે અને બને
અનેક ત્યાં એક થકી ક્ષણે ક્ષણે,
પ્રફુલ્લ, રોમાંચ થકી તૃણે તૃણે
ધરા નવી સોહતી શ્યામ અંચલે!
યુગો, કલ્પો ઊગે ડૂબે મત્સ્ય કૂર્મ ધરા ભરે,
કન્દરા ગિરિઓ જાગે પૃથ્વીની વેલ પાંગરે!
(૫)
સિન્ધુમાં ને તટે ખેલી ધબકંતાં ઉરો સમાં,
ધરાનાં ગિરિાશૃંગોને ઉલ્લાસે વિભુ ઝંખતા.
વરાહ બનીને વિરાટ જગ તોળતાં દંતપે
ગજાવી ગિરિગહ્વરો વનવનો પળે ભૂ પરે!
નિહાળી અતિ ભવ્ય તે હરિતણી નવી મૂરતિ
ઉઠે થનગની ધરા, ચકિત વ્યોમગંગા થતી!
ચાલે ત્યાં તો ખરીમાંથી પ્રાણના તણખા ઉડે,
વરાહ ગર્જના ઝીલી આનન્દે ધરતી ડૂબે.
સ્ફૂરે વિકસી ત્યાં રહે જડશિલા ઉરે સ્પન્દનો,
ઊડે ખીલી કઠોરમાં મૃદુ ફુલો, અને વન્દનો
કરી વિટપ સૌ ધરે વિરલ અર્ધ્ય, ને વ્યાપતી,
ધરા-વદન લાલિમા મૃદુલ સ્નિગ્ધ મુગ્ધાતણી.
ધરતીને ઉરે કેડી જીવજીવનની પડે,
યુગયુગો સુધી ભોમે વરાહે હરિ સંચરે!
(૬)
પ્રચંડ ને વિશાળી તે કાયા ભવ્ય વરાહની
ધીમે ધીમે કરી નાની વિભુ લીલા કરે નવી.
નૃસિંહ રૂપે અવતાર ધારી,
નખે મહા દિવ્ય પ્રભા જગાડી,
પ્રલ્હાદ કાજે—મનુજન્મ કાજે
વિરાટ તે બદ્ધ થતો જ ચાલે!
નૃસિંહ ઘૂમતા ભોમે ઉષા સન્ધ્યા, દિવા નિશા,
હૈયામાં નીરવે સૂતી જાગવા ઝંખતી ગિરા.
પ્રચંડ શબ્દો નભને ધ્રુજાવે,
દિગન્ત હૈયે લહરે સ્ફુરાવે,
વને વને કુંજલતા ગુહામાં
નૃસિંહ વ્યાપે સઘળી દિશામાં!
છોડીને શૂન્યની શય્યા વહ્નિ ને વારિમાં રહી
પૃથ્વીને પાટલે ખેલી ગુહામાં વિભુ રહે વસી!
(૭)
દેહ કેરી જ લીલામાં ખેલતા વિભુને ઉરે
સૂક્ષ્મ ને કોમલે તત્ત્વે બંધાવા કામના સ્ફુરે!
વિમલ ઉજ્જ્વલ કૌમુદી રેલતી,
વનવને સુતી મંજરી લ્હેરતી,
પરિમલે વસુધા મુદિતા ઝૂલે,
નયન વામનનાં નમણાં ખુલે!
વિજન તે ધરા અંકે, ઘેરાં ગીચ વનેવને,
ધરી વામનનું રૂપ મનુજે હરિ સંચરે!
કનક કૂંપળ ગાઢ તમે ખીલે,
મન તણી નવી જ્યોત જગે વહે!
જગ–ઉષા મનુબોલ–સુધા ઝીલે,
દશ દિશા કવિતા છલકી રહે!
ક્યાં તે વિરાટ કાયા ને ક્યાં તે નાજુક માનવી?
વામને કલ્પ કલ્પાન્તે પ્રભા પુનઃ ઝગે નવી!
(૮)
દંતને નખને સ્થાને પરશુ કર ધારતા,
પરશુરામ રૂપે તે પૃથ્વી પે હરિ રાજતા.
કલ્પના વિકસતી પળે પળે,
અસ્ત્ર શસ્ત્ર યુગ આદિ તે ઝગે;
ચેતનાદ્યુતિ સભા સ્થળે સ્થળે,
ગોત્રબદ્ધ મનુજો ઘૂમે જગે.
પ્રતિબિમ્બ મહીં મોહ્યો ભ્રમ ડૂબ્યો પછી તહીં,
વિકાસ-પન્થ શોધીને નવા નવા રમે હરિ –
કુંજકુંજ સરિતા તટેતટે
ઘૂમતા પરશુરામ ભૂમિ પે;
આદિ તે તિમિર કંપતું નભે,
પૃથ્વીની પરશુએ પ્રભા દીપે.
દિને દિને વધી ફાલી માનવી–વેલ મ્હોરતી,
પરશુરામને સાદે ધરિત્રી આખી ડોલતી.
(૯)
સ્ફુરતિ પરશુની વાધે વિકાસ ઝંખતી રહે,
તેજના પુંજ શા રામ શિવધનુ કરે ગ્રહે!
સ્નેહ-જ્યોતિ વિધુ–વદન તે રામ ઉલ્લસ મંત્રે;
છૂટાંછૂટાં મનુતનુજને ગૂંથતા એક તંત્રે!
પૃથ્વી–હૈયે યુગયુગ સૂતી વિશ્વના સ્વપ્ન જેવી,
સીતા જાગે, કૃષિપુલકિતા જાગતી ભૂમિદેવી.
ગોત્ર, કુટુમ્બ ને ગ્રામો, કૃષિ સંસ્કૃતિ ખીલવી,
રામચંદ્ર કરે સ્થાયી ભમતાં નિત્ય માનવી!
અબ્ધિ હૈયે કુસુમ સમ કૈં પથ્થરોને તરાવી,
ખંડેખંડે વિચરી કરતા રામ તે વીર્યશાળી.
કાન્તારોમાં, વિજન પથમાં, સંસ્કૃતિ-દીપ-માળા,
ને સૌંદર્યે ધરતી વિલસે જેમ કો મુગ્ધ બાલા!
વાલ્મીકિ રચતા પ્હેલું વિશ્વનું કાવ્ય ઉજ્જ્વલ,
સંસ્કૃતિની ઉષા ભોમે જાગતી દિવ્ય નિર્મલ!
(૧૦)
સમાજસ્થાપના કેરૂં પ્રભાત વિલસે જગે,
મુક્તા–પુંજ ઉરે જાણે ઊર્મિલા કૌમુદી ઝગે!
ઝુલે વ્યોમે ઊંડે કમલ સમ જાણે નવ શશી,
રહેવા જે રીતે શરદ નભમાં સ્વપ્ન વિલસી,
સ્ફૂરે એવાં ગાનો ઉભય યમુનાતીર ગજવી,
બજે બંસી ઘેરી મુદિત નીરખે કૃષ્ણ પૃથિવી!
કલા ને કવિતા જાગે, જાગતાં ગોપગોપીકા,
ગીતાનાં ગાનમાં ઝૂલે વિશ્વની મુગ્ધ રાધિકા.
રમી ચક્રે શંખે ત્રિભુવન ભરી ચેતન થકી,
ગણો ને રાજ્યોના ગગનભરતા ઘુમ્મટ રચી,
રમાડી ગોપાલો નગરજનને મુગ્ધ કરીને;
જગાડે બંસીથી નિશદિન ઘૂમી કૃષ્ણ મહીને!
મહાભારત કેરૂં તે વ્યાસ કાવ્ય રચે મહા,
જગને અન્તરે સોહે કૃષ્ણની ભવ્ય તે પ્રભા!
(૧૧)
વહે ઘેરાં ગાને છલ છલ થતી જીવનનદી,
રહે કુંજે કુંજે મૃદુ મનુજને શ્વાસ પમરી;
ધનુષ્ય, કે શંખે ભરી જીવનથી બાલ વસુધા,
ત્યજી શસ્ત્રો અર્પે હરિ હૃદયની મંગલ સુધા.
વહે વ્યોમે રેલી પ્રણય–અમૃતે દેવ–સરિતા,
સ્ફુરે ભોમે દિવ્યા હૃદય–અમૃતે સ્નેહ–કવિતા!
જુએ, જાગે, વન્દે સકલ વસુધા ભક્તિ મુદિતા,
દિશા ગાજે ગાને ઉરઉર ઝગે બુદ્ધ–સવિતા!
અહો! વિશ્વે કેવી પરમ વિભુની જ્યોતિ નીતરે!
બધાં પંખી પ્રાણી મનુઉરતટે આવી વિરમે!
મહા તેજે ભોમે મનુજ તરણી શાન્ત સરતી,
ભુલાવી ભેદો સૌ વિચરતી ગિરા શાક્યમુનિની;
માનવીમાનવીઓ માનવેતર જીવની.
બન્ધુતાની ઉષા ભોમે બુદ્ધને વદને ઝગી!
(૧૨)
સ્નેહ સૌન્દર્ય ને શાન્તિ વિશ્વસંઘ તણાં સ્ફૂરે,
સ્વપ્નો કૈં ભાવનાભીનાં સ્વચ્છ માનવના ઉરે!
બ્રહ્માંડે કલ્કિ કેરાં નયન અમૃતથી પ્રાણના ધોધ છૂટે,
ખંડેખંડે પ્રચંડા મનુજ–સરજી તે ભૂમિની પાળ તૂટે;
વ્યાપે ભોમે દિગન્તે અણુઅણુ ભરતી કલ્કિની ભવ્ય પ્રજ્ઞા,
નક્ષત્રો ને ગ્રહો સૌ ચકિત બની જુએ સૌમ્ય તે જ્ઞાનમુદ્રા!
પ્રજ્ઞા તણો ઝગે ભાનુ કલ્કિ અવતરે જગે,
અન્તર્દષ્ટિ બની લોકો તેજના પુંજમાં રમે!
લ્હેરે, ચોપાસ લ્હેરે, અણુઅણુ ધબકી કલ્કિ રૂપે વિરાટ,
પ્રજ્ઞાના કોટિ સૂર્યો ઝળહળ ઝળકે પ્રાણનો શાન્ત ઘાટ!
ડોલે બ્રહ્માંડ ડોલે, નિશદિન છલકે પ્રાણને સિન્ધુ ગાને,
લીલા અંકે શમાવી હરિ હૃદય-તૃષા બીડતા નેત્ર ધ્યાને!
લીલા પૂર્વે મહા શન્યે તમ રૂપ હતો પ્રભુ,
લીલા અંતે મહા છન્દે પ્રજ્ઞારૂપ બન્યો વિભુ!
(કુમાર) ‘સ્નેહરશ્મિ’
યુગદ્રષ્ટા
(સ્રગધરા)
વાલ્મીકિ કુંજે ને પુષ્પપુંજે, ગિરિવરકુહરે, નૂપુરે નિર્ઝરોનાં,
સિંધુસ્રોતે પ્રચંડે, જલધિજલતરંગે દિશા-અંતરાલે,
પંખીગાને સૂરીલે, વન-રણ-ગગને, તારકાવૃન્દસૂરે,
સન્મંત્રો ગુંજતા’તા સરલ શુભ સ્વયં સૃષ્ટિને બાલ્યકાલે.
ત્યારે વીણા જગાડી જનકુલ ભમિયો વાલ્મીકિ તું રસર્ષિ,
ક્રૌંચીની આર્ત ચીસે તવમૃદુ હૃદયે શોક શ્લોકત્વ પામ્યો;
કલ્યાણાર્થે જનોના ઉર શુભ જગવી ભાવના ભદ્રદર્શી,
દ્રષ્ટા! કારુણ્યમૂર્તિ! તવ કવનરસે વિશ્વનો તાપ વામ્યો.
તેં ગાયાં રામસીતા, મનુહૃદય તણાં ભવ્ય દેવત્વ સ્થાપ્યા,
શીળી મીઠી કુટુમ્બી જગકુલની વ્યવસ્થા તણાં મૂલ્ય માપ્યાં;
તારી વિણા હજી યે ઉરઉર રણકે દિવ્ય ભાવાર્થભીની,
પોષે પીયૂષપાને કલકલ ઝરતી કાવ્યગંગા યુગોથી.
તેં સર્જ્યો રામ કાવ્યે, કવન તવ ઝર્યું વા મહાવીરપાદે,
કો જાણે! કિંતુ વિશ્વે ઉભય અમર છે અંતરે ઊર્મિનાદે.
વ્યાસ મેરૂ મોટે વલોણે જલધિજલ વલોવ્યાં પુરા રત્ન કાજે,
દેવોએ દાનેવોએ, અદ્ય કુટિલ યુદ્ધે વલોવાઈ એવી.
ચંડી આર્યપ્રજાઓ, મનુકુલ પસર્યાં ઉષ્ણ હાલાહલો,
મૃત્યુઘેરા પ્રણાશે સુખરૂપ પ્રગટ્યો’તો અમીકુંભતારો.
કાવ્યે સીંચ્યું મહાભારત, યુગ ઇતિહાસે ભરી ભવ્ય ગાથા!
આત્માનાં મંથનોમાં સમર ઉપડતાં દેવ ને દાનવોનાં,
હૈયે હાલાહલો જ્યાં વિકટ પ્રસરતાં, ત્યાં અમી કાવ્ય કેરાં
તારાં મીઠાં ઝરે, ને અસુર શું લડવાને નવી શક્તિ દેતાં.
તેં ગાયા સર્વ ભાવો, પ્રબળ હૃદયઆવેગ ગાયા વિરાટ,
જોયો તેં કાળકાંઠે નૃપતિકુલવ્યવસ્થા તણોધ્વંસઘાટ;
તારે ઘોરે વિશાળો દિશદિશ ભરતો ગર્જને કાવ્યસિંધુ,
મોજાં સ્પર્શ્યાં ન એવું નવ કંઈ જગતે, તારૂં ઉચ્છિષ્ટ સંધું.
બ્રહ્મર્ષિ! દિવ્ય દ્રષ્ટા! અમર યુગની મૂર્તિ! સ્થિતપ્રજ્ઞ યોગી!
ગીતા ગાનાર! તે તો મનુજઉરવ્યથા ગાઈ સર્વસ્વ મોંઘી.
ભાવિ દ્રષ્ટા સંસારે સર્વ રાજ્યો ડગમગ કરતા યુદ્ધવંટોળ ઘૂમ્યા,
મૂર્છા પામી સ્વહસ્તે શતશત જખમે સંસ્કૃતિ યંત્રઘેરી,
લોકોનાં શાસનો યે કરપીણ ઘટનાના શક્યાં એહ ખાળી;
ત્યાં ફૂટી પ્રેમભીની અમૃત નીગળતી ભારતે વીરડી આ
માગે છે આજ ત્રીજે ભરતકુલકવિ પ્રૌઢ વાચસ્પતિ કો;
આવા કોલાહલે યે જગતહૃદયનું દિવ્ય સંગીત જોતો,
રાષ્ટ્રનું ઐક્ય ગાતો, પ્રતિજન ઉર માનવ્યનો દિવ્ય દ્રષ્ટા,
ને ભેદોમાં અભેદે નિશદિન રમતો શાંતિનો સ્વપ્નસૃષ્ટા.
મોંઘી સ્વાતંત્ર્યકૂચે કદમ ઉપડતાં પ્રેમઉન્માદ જંગે,
કૂદે ભૂખ્યાં, દબાયાં, પતિત, દલિત સૌ મુક્તિઆશે ઉમંગે,
પીલાએલાં જનોની સુકરુણ કથની શબ્દનો દેહ માગે,
પ્રેમે શૌર્યે પ્રજાના હૃદયઝરણનું મૂક સંગીત જાગે.
એવે વીણા ભરીને જગતલ વહવા, વિશ્વમાંગલ્ય ગાવા,
જ્યાં હો ત્યાંથી ધરા પે અવતર કવિઓ મુક્તિભાનુ વધાવા!
(કુમાર) ઉમાશંકર જોશી
માગું આશિષ
(સ્રગધરા)
‘સૃષ્ટિનાં હીર બાળી ઉછળી ઉમટતા ઘોર દાવાનળોને
હૈયામાં હું સમાવું; અણુ અણુ અરપી એહના દાહ ઠારૂં
એવું જે કોઈ ઇચ્છે મનુજ, સ્વપ્ન એ શેં ગણીને ઉવેખું?
જાણું એવું બન્યું ના, નવ પણ બનશે, તોય વાંછી રહું હું.
મારી નાની મતિને બહુ બહુ મથતો વારવા તાત! તો યે
લીધાં સ્વપ્નાં ન છોડે, શિશુ હઠ મહીં એ આભને બાથ ભીડે.
તારી ઇચ્છા વિના ના પ્રગટ ઋત થતું ને અસત્ ના પ્રજાળે,
રે! જાણું તો ય શાને લઘુમતિ ચહતી સ્વપ્નની સિદ્ધિ ચારુ!
વિશ્વોના કૈંક ગોળે અણતમ પૃથિવીને અણુ માનવી કો,
ચાહે સૃષ્ટિતણા સૌ ક્રમ જ પલટવા એ અહમ્ને પસારો.
એ સત્ત્વે સાથ દેતાં લગીર પણ પ્રભો! થાય જો દ્રોહ તારો
આત્મા ને ઇન્દ્રિયોના સકળ ગણ મથી એક તુંમાં ડુબાડું.
ને એ ભક્તિથી રીઝે તુજ ઉર કદી તો માગું આશિષ માત્ર,
કે પેલા માનવીની સફળ કર વિભો આશ, શી ખોટ તારે?
(કુમાર) રતિલાલ શુકલ
શૂન્યશેષ!
(પૃથ્વી)
નહિ! નહિ જ પાલવે શયન પાંશુ પે પાશવી
ખરી, ચરણ, ડાબલા મલિન સ્પર્શ મેલી બનીઃ
ઉભીશ અવરોધતો ગગનચુંબી પ્રાસાદને
શ્રીમંત મુજ વૈભવે, ધનકુબેરના નાદનેઃ
ન તો ય પરિતૃપ્તિ; સપ્ત જલસાગરે ગાજતા
નવે નવ દ્વિ પે, ભૂપે, સકળ લોકમાં રાજતા
જહાંગીર મહાન કો ભરખ–જ્વાલા–જ્વાલામુખી,
તણે મુખ વિરાજીને ગગનને ભરૂં હું મૂઠી :
ગ્રહો, તરલ ધૂમકેતુ ય, નિહારિકા, તારલા,
મુકુટ સમ રાજતા મહત માનવી હું શિરેઃ
પ્રદીપવિચિમાલ્યશી સુરસરિતની મેખલા
વિરાટ મુજ દેહની કટિ પરે પ્રભા વીકિરેઃ
હવે તું કર–આમળું! ઉછળતો તને ઝાલવાઃ
પિતા મુજ પદે પડયો? મલિન પાંશુ પે ન્યાળવા
તને શરીર આ વિરાટ મુજ આજ આડું ખડું!
(કુમાર) કૃષ્ણલાલ શ્રીધરાણી
પૃથ્વી
(પૃથ્વી)
સમાધિમય શૃંગથી, જટિલ વારિ વંટોળથી
અને કડકડાટથી–ગગન વીજળી વેદના
વિરાટ પછંદ મેઘ નભ ભેદતી ગર્જના—
પછાડ ઘુઘવાટથી, જલપ્રપાત અંગોળથી,
શિલા ત્રુટિત કાંગરા–નવીન ભોમ રંગોળથી,
મહા ભીષણ કોપ જ્વાલતણી તીવ્ર સંવેદના
પછી ખળખળે નદીજલ પયોધિમાં નિત્યના,
સુખે ગિરિવરે જતાં સૂરજ-વાયુ ઢંઢોળથી.
અને કુદરતે જ તેમ વળી માનવી જીવને
અનંત ઘટમાળ એમ, રસયુદ્ધની ક્રોધ ને
ભયાનક કરુણ રૌદ્ર શુચિ પ્રેમ ને વીરતા
પછી પરમ એક શાંત રસ ઊર્મિ સ્થાયી થતાં,
અનંત યુગથી વહે જીવન કાવ્યમાં યે રસે
વિલંબિત ગતિ સ્ફુરે, સતત એક પૃથ્વી વિષે.
(કુમાર) ચન્દ્રવદન મહેતા
મૃત્યુ
(સ્રગ્ધરા)
કંપે છે વજ્ર કાયા જગત પગ તળે છૂંદનારા વિરોની,
લક્ષ્મીનાં લોલ નેને રજનીદિનભૂલ્યા નંદ આનંદી ઊઠે,
ગંગાનાં નીર જેવી સુભગ કવિ તણી કાવ્યધારા વિરામે,
રે! તારા નામમાત્ર ભડ ભીરુ બનીને સ્થિરતા હારી બેસે.
શું છે તારી સ્મૃતિમાં? અકળ અણકથી ક્રુરતા પાર્ષદોમાં?
કેવા છે ઝેર નેને? અગર ગજબ છે કેવું તારૂં સ્વરૂપ?
છે તારા જૂથમાં શું મનુજ ભરખતી, રાચતી રક્તસ્નાને,
મુંડોની માળગૂંથી, શિવ રીઝવતી કો ભૈરવી જોગણી કે?
ના ના, ભૂલ્યો; નથી કૈં; મનુજ અબુધની લાલસાથી ભરેલી,
હત્યારી કલ્પનાના અગણિત ચીતર્યા સ્વાર્થીલા સૌ તરંગો.
ઢાળીને પાપણો આ, કુસુમ કળી સમા કુમળાં હાસ્ય વેરી,
તારે ખોળે મધુરાં નભપરીસપનાં સેવતાં બાળ પોઢે;
રંકો ને રાય કેરાં કુટિલ જગતનાં કૈં કલંકો અનામી,
હર્ષોન્માદો વિષાદો જય–અજય તણા ભાવના વાંયુ ઝેરી.
વામે સૌ તારી કુંજે; અમર જીવનનાં કિન્નરી ગીતગુંજે.
સત્ત્વોના સાર જેવા પરમ પ્રિય પિતા! થાકી નેનો મીચું હું,
ઇચ્છું ત્યારે મને યે શિશુ સરલ ગણી પ્રેમથી અંક લેજે.
(કુમાર) ચમનલાલ ગાંધી
રાત છેલ્લી
જે ભૂમિના રજકણ કણે દેહ મારો ઘડયો આ,
પોષ્યાં જેનાં હૃદય પીયૂષે દેહદેહી, પ્રિયે, આઃ
થાકીપાકી શ્રમિત ઢળતાં પાંપણો નીંદ ખોળે
પોઢાડંતી ફૂલપરિમલો પાથરી, જે હિંચોળેઃ
એ ભૂમિના વરસ વસમાં વીતતાં, વ્હાલી, આજે,
એના લૂંટી રસકસ ગુમાને ઊભો શત્રુ ગાજેઃ
એનું મોઘું ઋણ ચુકવશું મુક્તિના જગ ખેલે
કાલે, ને આજ તેથી મુજ તુજ ગણવી, વ્હાલી, આ રાત છેલ્લી.
વ્હાલી, જો આ અજબ પ્રભુનાં સૃષ્ટિસૌન્દર્ય મોંઘાં,
જો કેવા આ અમિત ઉછળે, મુક્તિનું ગાય ગાણું
સિંધુમોજાં, નભથી નીતરે કૌમુદી, ભવ્ય ટાણું:
ગુંજે શબ્દો શ્રવણપુટ ‘ના જંગના રંગ સોંઘા’
યોગી જેવા લીન હિમગિરિ જે પડ્યા ધ્યાનમગ્નઃ
પોઢી સૃષ્ટિઃ જળથળ પ્રવાસી પડ્યા નીંદખોળે
જાણી ઉગ્યા અકળ વિભુ સૌન્દર્ય શું રાસ ખેલેઃ
પી લેજે પાંપણોથી હૃદય ધબકતે છેલ્લું સૌન્દર્યલગ્ન.
ચાલો પાછા નવ પ્રહર પૂરી હશે રાત્રિ બાકી,
લ્યો સંભાળો કર તમ સુકાને લઉં હું હલેસાં:
કે’તાં પાછી સરર સરતી નાવ વાધી અગાડી,
આવી પ્હોંચી તટ સમીપ એ હાંકતી થાકીપાકી.
ત્યાં દૂરેથી રણતુરી તણા સૂર કાને પડ્યા ને,
‘ચાલો’ કે’તાં કર લીધ કરેઃ આંખ ચોળી ઉઘાડીઃ
એતો જાણે હિમઢગ પડ્યોઃ ના જરી હાલીચાલી
મારી, એની અને શું જગત સકળની એ હતી રાત છેલ્લી?
(ઊર્મિ) ‘જનમેજય’
સ્વપ્નસરોવરે
સરોવર તણાં તીરે સુહાગી વનદેવતા,
પીગળી પડતી જાણે વેણુનાદે વસન્તના.
પતંગ ત્યાં તોરણ તેજ કેરાં
મેંદી તેણે સૌરભસૂત્ર ગૂંથે,
ને પૂરતી સ્વસ્તિક ચન્દ્રિકાના
ઉલ્લાસઘેલી મૃદુ માધવશ્રી.
ત્યાં ભૃંગનાં ગુંજનના સતારે
તરંગ ધીમે નિજ તાલ આપે;
ધીમે તહીં કોકિલ મત્ત કોઈ
કૂજી રહી પંચમ સૂર રેલે.
પ્રફુલ્લ ત્યાં પુષ્પતણા પરાગે
પ્રમત્ત ધીમે પદ વાયુ આવે,
ને : મુગ્ધ મીઠી સરપોયણીને
અચિંતવી વૃક્ષ વિશે સમાવે.
ધીમેથી એની ઉરપાંખડીને
ખોલી, ભરીને સ્મિત નેણ એને,
મૂંઝાવતો ચશ્ચશ ચુમ્બનોથી,
રીઝાવતો ચાટુશ તે પ્રિયાને.
અનીશ એના અભિરામ અંગે,
રોમાંચ કેરી લહરી પધારે;
ઉત્કમ્પ પામે મૃદુ મુગ્ધતા ને
બીજી પળે એ રસલીન થાયે.
ઘેરી વળે કો મધુમોહ એને,
ઢળી પડે લોચન લોલ એનાં;
કરે અનોખી રમણીયતા એ,
ઘડેલ જાણે સ્મરનાં સ્મિતેથી.
ઢળી પડે એ સરસેજ માંહી,
બીછાવી જ્યાં ચાદર ચાંદનીની;
ગૂંથી દીધાં તારક–ચન્દ્ર કેરાં,
સહસ્ર જ્યાં સૌરભપૂર્ણ પુષ્પો.
નિષેધની નિર્બળ યુક્તિઓ સૌ
સિત્કારના સૂર વિશે સમાય,
ને એ ભળી કુજનધાર માંહે
વસન્તના વેણુરવે લપાય.
* * *
વિલોકતી લોલ વિલાસ લીલા,
બેઠી હતી હું સરતીર ત્યારે;
ન જાણ્યું શેણે પણ પાંપણે ત્યાં
ડળી રહ્યાં બે જલબિન્દુ મારે.
ભરી ભરીને ઉર બંસરીમાં,
લસી રહ્યો’તો રસરાજ મત્ત;
મારે ઉરે તેમ લસી રહ્યા’તા–
નહીં કહું–જાવ; લસ્યું ન કોઈ!
કુમાશથી ત્યાં કર બે અચિંત્યા,
દાબી રહ્યાં લોચન આર્દ્ર મારાં;
રોમાંચ માંરે તન પાંગરેલાં
એ પારખી સ્પર્શ ગયાં ઘડીમાં.
“જાણી ગઈ હું તમને, રહોને,”
લવી રહીઃ ને મુજ નેણ ન્ય્હાળે
નિર્વાણને આતમના, સુધાને
સંતપ્ત આ એકલ ચિત્ત કેરી.
રણત્ઝણી ત્યાં ઉરતાર મારા
રહ્યા તમારા પદના રવેથી,
વસન્તની મૂર્ત વિલાસ શોભા
જેની અધીરી ગતિમાં વસી’તી.
સ્મિતો સજીને અધરે અનોખાં,
ઉભા તમે વલ્લભ, શી છટાથી!
શૃંગારનાં કામણ મોહનો સૌ,
વસ્યા તમારી ચખબેલડીમાં.
સમીપ ઊભા પ્રિય, તોય હૈયું
અનીશ છાંડે નિજ મૌગ્ધ્યને ના,
સર્યું જ ના સ્વાગતવેણ એક,
સ્ફુરીય કે ના સ્મિતરેખ આછી.
નિવારવા ક્ષોભ મથી રહી ત્યાં,
ભીડી જ દીધી ભુજપિંજરે ને;
વૈયાત્યથી માર્દવ અંગકેરું
મર્દા રહ્યા મોહન, મારૂં કેવું!
સમાધમાં વિકલતા સરે ને
સૌભાગ્યભાવે વિશમે વ્યથાઓ,
આનન્દની એક જ રેખ જેવાં
બની જતાં ગાત્ર અચેત મારાં.
ને મૌગ્ધની કૂંપળકામળી શી
પ્રફુલ્લ મારા અધરે તમારી
જડી તમે ચુંબનમ્હોર દીધી,
ઉન્મત્ત કોઇ અતિદંશ જેવી.
“ઉંડું, ખસોને, ક્યમ આમ” મારી
જીભે સ્ફુરે કૈં પ્રતિષેધ વાક્યો;
પરંતુ આ શું? સહુ એ સરે ક્યાં?
દુર્દૈવ મારાં! જડ જાગૃતિ રે!!
વિશ્લેષને સાગર વીરડી, ને
તારાકણી એક તમિસ્ર માંહે,
એને ન જો સ્વપ્ન કરી રહે તો
રહી જ કૂડી વિધિવક્રતા ક્યાં?
એ પૂર્ણિમાઃ એ પ્રિયસ્પર્શઃ ને એ
અનન્ય આનંદ તણી સમાધિઃ
નિસર્ગનાં લાસ વિકાસકેરાં
છો આથમ્યાં જાગૃતિના તમિસ્રે.
છતાં ય એ એકનરેખ ચારુ
હજી ય મારા અધરે રમે છે;
ને ન્ય્હાળું તેને તવ પાંગરે છે
હજી ય રોમાવલિ અંગ મારે.
(ઊર્મિ) મનઃસુખલાલ મ. ઝવેરી
પથ્થરે પલ્લવ
(ઉપજાતિ-વંશસ્થ-વસંતતિલકા)
પળે પળે પ્રાણ નવા પ્રફુલ્લતી,
નવી નવી નૂતનશ્રી વિકાસતી,
વર્ષા જહીં જીવનવૃષ્ટિ સીંચતી,
પૃથ્વી પરે જલધરે હું સુકાઉં ત્યાં કાં?
આ આભ ખાલી ઉરને ભરીને
લચી રહ્યું ગર્ભિણી ગાય જેવું,
તે સીંચતું વત્સલ ઊર્મિધારા
દૂઝે શું સ્નિગ્ધ જગજીવન કામધેનુ!
વસુન્ધરા આ અભિષિક્તદેહા,
મહાફુલોની જનની ઋતંભરા,
પ્રત્યંગ એ પલ્લવ પુષ્પ ધારતી,
ધારે વિશાળ હૃદયે ઊગતી વિસૃષ્ટિ.
ધરાતણાં શષ્પ અનેક શસ્યો,
પ્રફુલ્લ દેવો તણી ભેટ આ જે,
ચરી ચરી ગોપશુ દૂઝતાં વધે,
ધાન્યો લણી મનુજ જીવનપંથ ખેડે.
સમુદ્રથી અભ્ર, તહીંથી વર્ષા,
વર્ષા થકી ગંજ અખૂટ ધાન્યના,
ગૌદૂધથી, ધાન્યની વાનીઓથી;
પુષ્ટિ ગ્રહી પ્રગટ માનવ ત્યાં થઉં હું.
હું માનવી સર્જનઅદ્રિ કેરી,
ઉત્તુંગ ટોચે અણજોડ ઊભું,
નિષ્પ્રાણ, નિષ્પલ્લવ શો રહી શું
જાઉં રુંધાઈ ધવલા હિમથી વિઘાતી?
ઝરંતી ધારે નવલક્ષ વર્ષા,
ભીંજાય પૃથ્વી, પલળું ય હું ત્યાં,
ખીલે બધાં ને કરમાઉં હું કાં?
મૂંઝાવતા હૃદય પ્રશ્ન ઉઠે તડૂકી.
શું ટોચ તો માત્ર નિહાળવાની?
કે વીજળીઘા ખઈ તૂટવાની ?
શું પથ્થરે પલ્લવ બેસશે ના?
શું ફૂટશે અવર કૈં નહિ માનવીથી?
(કુમાર) સુન્દરમ્
પ્રભુના પગલાં
જાડી જાડી ભલે જેલની ભીંતુ, તેથી જાડું મારૂં ઉર;
તેજથી પાતળી કાય પ્રિ’તમની કેમ તે રે’શે દૂર?
રગે રગ વેણુ વાગે,
રુંવે રુંવે આરતી જાગે.
બારણે બંધુકધારીની ચોકી ને અંતરે મલમેલાણ;
પવન બિચારો ન પેસી શકે, પણ પ્રિ’તમના પગરાણ.
કોઈથી ના વરતાયે,
ઉંચાનીચ છોને થાયે.
બારણે ગાજે આલબેલુંના ઘડી ઘડી ઘોર અવાજ;
ભીતરમાં ભણકાર પિયુના; સામૈયાના સાજ.
વાજીંતર ગેબના ગાજે,
સાહ્યબો આવશે આજે.
જાડી ભીંતુ, તમે જાગતી રે’જો; જાગજે જાડાં ઉર!
જાડી જંજાળું, જાગજો-દેજો આલબેલુંના સૂરઃ
પ્રભુનાં પગલાં થાશે,
જાડપું આપણી જાશે!
(ઊર્મિ) કરસનદાસ માણેક
બીલીપત્ર
કાજળભરેલી રાતને આરે
વીંઝાય હીમની પાંખ;
કંપતું કાયર અંતર મારું
ઊઘડે ના જરી આંખ,
દિશાઓ બેઠી બનીને અવાક.
મેઘને સાદ કરી કરી ઊછળે
ધરતીનો ઉકળાટ;
ડગલે ડગલે દાઝતો દાઝતો
દોડી રહ્યા પૂરપાટ,
શોધતો આશાનો કિરણઘાટ.
લાહ્ય બળે તળેઃ આભની કેડીએ
ઊતરે અગનજ્વાળ;
રક્તના બિંદુએ બિંદુએ ઠારીશ
જ્વાળામુખી વિકરાળ,
તારા લોચનની શી વરાળ!
પંથ ન્હોતો તોય વાયુને પારણે
કરતો સાગર પાર;
એક હાથે જુદું જીવન સાચવ્યું
બીજે સંસારનો ભાર;
માનતો વિનય જેવડી હાર.
આંખ ઉઘાડી કે શૈશવે પેઠો
પુરુષનો અવતાર;
ડગલે ડગલે અગ્નિનાં આસનો
જ્વાલાઓનો પરિવાર,
ઘડિયાં હામ તણાં હથિયાર.
શ્વાસને હીંચકે હીંચકી હીંચકી
તાણ્યા શરીરના તંગ;
આજે તો અંધની લાકડી પેરે
આથડ્યા કરે અંગ,
આયખું કેમ ઊતરશે ગંગ?
કાયાનો થાક ચડ્યો મારા ઉરને
નેનનાં નીતર્યો નૂર;
તેજ ભરૂં ત્યાં તો અંતર ફરતાં
આવે તિમિરનાં પૂર
મારો મારગ કેટલે દૂર?
વાણીનો થાક ચડ્યો મારા મુખને
શ્વાસની ભોંકાય શૂલઃ
ઉરને બારણે અગન બેઠી
માગતી મૃત્યુનાં મૂલ
મારું જીવન પત્થર તુલ્ય,
ભક્તિના થાકે અકાળ ઢીલા કર્યા
વર્તમાનના વણાટ;
ભાવિની ભોગળો એકલે હાથે
કેમ ઉઘાડીશ તાત!
ખૂટ્યું તેલ ખૂટી ગઈ વાટ!
અંતે તારી પગકેડીએ દીઠું
કિરણ નાચતું એક;
હૈયાના શૂન્ય સરોવરે એનાં
વર્તુલ દોર્યો અનેક;
કિરણે ડ્હોળિયું તળિયું છેક.
વર્તુલે વસ્તુલે ઉઘડી વાણી
કિરણે કિરણે રંગ,
મેઘધનુષ્યની પણછે ચીતર્યો
પંથ ભરીને પતંગ
નિરખ્યા કાવ્યનાં નિર્મલ અંગ.
ન્હોતું ખેલ્યું તેને ખેલવા બેઠો
છોડી ખલકના ખેલ;
થાકેલ હૈયાની પડખે ચણવા
માંડ્યા કાગળના મ્હેલ
જેને સાચવવા નહિ સ્હેલ!
(ઊર્મિ) ઇન્દુલાલ ગાંધી
શિલ્પી નાગૂ વલૂ
આઠસો વર્ષનાં જૂનાં મંદિરો ધર્મકાવ્ય શાં,
પુરાણી શિલ્પશક્તિના, ભક્તિના શેષ આ પડ્યા;
મૂક પાષાણવાણીમાં અમલ સ્વર સંઘર્યા,
વર્ષોને વીંધતા આવ્યા, સ્પર્શતા આત્મતંતુને.
લાગ્યા કરાલ કર ધર્મનૂન કેરા,
તૂટ્યાં શિરે શુભ કલામય મંદિરોનાં;
એ સ્થુલ હસ્ત સમજ્યા નહિ સૂક્ષ્મ નાશ,
એણે હણ્યો મનુજ–આત્મતણો વિકાસ,
બીડાએલી હતી એની દિવ્ય આતમઆંખડી,
વિશ્વધર્મની ના એણે પરખી પ્રેમપાંખડી.
અમ્ભોક્ષાકાર વરસે સુધી ઊડિયા, ને
વાયા અનેક વરસો વળી ક્ષારવાયુ;
ધીમાં ખમી સતત ઘર્ષણ કાલ કેરાં,
પ્રાચીન ગૌરવ ઊભું અહીં ક્ષીણપ્રાણ.
ગરવા સિન્ધુ! ત્હેં દીઠું ભૂતગૌરવ નિર્મળું,
આજે યે તું રહ્યો જોઈ થયું સર્વ છણુંવણું.
શી એ હતી સુભગ ધર્મકલાની દૃષ્ટિ!
કેવો હતો પરમ ધર્મ કલા તણો વા!
કેવી હશે લલિત મંગલ કાવ્યમાલા,
નાગૂરચી અહીં પુરાતન પથ્થરોમાં!
જડ ચૈતન્યનો ભેદ એકદા તેં ભૂલાવિયો,
રેડીને આત્મ પાષાણે કલાત્મા પ્રગટાવિયો.
શિલ્પી! પ્રશંસુ તુજ હું શુભ ધર્મદૃષ્ટિ?
શિલ્પી! વખાણું તુજ વા હું કલાની વ્યક્તિ?
નાગૂ! ગૂંથ્યાં ઉભય ત્હેં વર એક સૂત્રે;
પાષાણમૂર્ત તુજ આત્મ કર્યો સખા! ત્હેં.
નાગૂ વા અન્ય વા હો તું, ત્હારૂં સ્વત્વ અહીં ખડું,
ઉવેખ્યું કાલના હસ્તે; તો ય હું ગરવું ગણું.
વિકાસ નાગૂ! તુજ આત્મપુષ્પનો,
સોહાવતો આ સ્થળ દીર્ઘકાલ;
મ્હારા સમા યાતૃ અનેક આવશે,
એકાદ ભાવભર્યું અશ્રુ અર્પશે.
(કુમાર) સુંદરજી ગો. બેટાઇ
ગુરુદક્ષિણા
(વસન્ત તિલકા)
શાં વિસરૂં વિરલ એ વીરસચ્ચરિત્ર!
આલેખું શાં પ્રખર એ પુરુષાર્થચિત્ર?
શું વર્ણવું અતુલ એ ગુરુભક્તિ શ્રદ્ધા!
શી વીરવિક્રમ કથ્યે મુખ માત્ર સતા!
તો યે ગણી સ્મરણપુણ્ય તણી મહત્તા,
વીર પ્રશસ્તિ રચવે મતિ આ પ્રસકતા;
જાણી સુચિન્તન સદાય મહાહિતાર્થ,
આ ઉચ્ચરી રહુ થઈ સહજે કૃતાર્થ.
(અનુષ્ટુપ)
ધનુર્વિદ્યાધર શ્રેષ્ઠ દ્રોણાચાર્ય ગુરુત્તમ,
પાંડુપુત્રાદિને દેતા ધનુર્વિદ્યા પ્રબોધન
(ઉધોર)
ના કો બાણવિદ્યાજાણ
ધરતી પરે દ્રોણ સમાન;
ખ્યાતિ અખિલ ક્ષિતિતલમાંહ્ય,
જે સમ અવરની ન સુહાય!
ગ્રહેવા સુફલ શરવિદ્યાર્થ,
મહીપતિ તનુજ કેરા સાર્થ;
વળી કૈં નૃપ તણા સમુદાય,
સેવે દ્રોણચરણની છાંય.
(વસન્તતિલકા)
ત્યાં એકદા શરકલાભ્યસનોગ્રકામી,
આવી ઊભો ગુરુપદે નિજ શીર્ષ નામી;
ભિલ્લેન્દ્રપુત્ર ભડ વિક્રમશાલી ભવ્ય,
યાચંત શિષ્યપદને વીર એકલવ્ય!
(વૈતાલીય)
ગણતા પણ ભિલ્લપુત્રને શરવિદ્યાધ્યયને સુપાત્ર ના,
ગુરુ શિષ્યપદે ન સંઘરે, ‘કરશે એહ અનર્થ’ ધારતા.
(શિખરિણી)
પરંતુ તીવ્રેચ્છા હૃદય શરવિદ્યાપઠનની,
થશે શું એ મિથ્યા જવ લગી ન સિદ્ધિ ફલતણી?
ઘડી માટી કેરી સુભગ લલિત દ્રોણપ્રતિમા,
લહે વિદ્યાસિદ્ધિ, સમરી ગુરુ સાન્નિધ્ય મહિમા.
(વસન્તતિલકા)
જેને ઉરે પ્રબલ જાગ્રત છે શુભેચ્છા,
જે અન્તરે ઉદિત સદ્ગુરુ ભક્તિશ્રદ્ધા;
એકાગ્રતા અચલ ને પુરુષાર્થ ઉગ્ર,
તેને ન દુષ્કર કશું જગમાં સમગ્ર.
(શાર્દૂલવિક્રીડિત)
એવે કૌરવ પાંડવાદિ મૃગયા અર્થે વને આવિયા,
સાથે શ્વાન શિકારી એક મૃગયાખેલાર્થ લાવિયા;
નાસે આમ ઘડીકમાં વનપશુ પૂંઠે ધસે તેમથી,
ખેલંતાં વિપથે કહીં વહી જતાં, છૂટા પડ્યા શ્વાનથી.
(સોરઠો)
પાડ્યો વિખૂટો શ્વાન, અરણ્યમાંહે આથડે,
ત્યાં કો ભિલ્લ યુવાન શ્વાન તણી નજરે ચડે.
(શાર્દૂલવિક્રીડિત)
ઝાલ્યું કામઠું હાથ, ખાંધ ભરવ્યું ભાથું ભર્યું તીરથી,
ડીલે મેલ ચઢ્યો ઘણો, ભિષણ શું કો ભૂત વા પારધિ!
કૃષ્ણાજીન ધર્યું શરીર, વીંટિયું માથે જટાજૂટને,
જોતાં શ્વાન ભસે વિચિત્રરૂપ આ ભિલ્લેન્દ્રના પુત્રને.
(ઉઘોર)
ત્યાં તો તરત વીર કિરાત
ગ્રહેતાં તુણીરથી શર સાત,
રચીને કુશલ કાર્મુકફંદ,
મુખ દે શ્વાનનું કરી બંધ.
રૂંધે પણ વિંધે ન મુખ,
કૌશલ અતીવ એ અદ્ભુત,
ઈષુ એક્કે ય ના ભોંકાય,
ના વળી શ્વાનથી ય ભસાય!
(અનુષ્ટુપ)
અરણ્યે ફરતા એમ, પાંડવાદિ રમે જહીં;
બાણબદ્ધ મુખ શ્વાન સ્થળે તેહ ચડે જઇ.
(પૃથ્વી)
તહીં જઈ સમીપમાં ધણી તણી ઉભો શ્વાન કે,
પ્રબદ્ધ મુખ એહને નિરખી સૌ રહે વિસ્મયે;
હશે વિરલ કોણ અપ્રતિમ એહ બાણવાળી,
રચી ગહન જેહણે વિષમ આ ઈષુસાંકળી!
(વસન્તતિલકા)
આ એમ વિસ્મિત મને ઉરમાં વિચારે,
ને વીરદર્શનતણા અભિલાષ ધારે;
વિદ્યા ધનુર્ધરતણી બહુશઃ પ્રશંસે,
શોધે બધે વન ફરે, મિલનાર્થ ઝંખે.
(ઉધોર)
કરતાં કંઇક એમ તપાસ,
આવે ભિલ્લપુત્રની પાસ;
પાંડવ પૂછે નામ નિવાસ,
‘કોનો તનય? શો અભ્યાસ?’
વળતાં વદે ભિલ્લકુમાર :
‘નિવાસે અહીં વનમોઝાર;
ભિલ્લનૃપ હિરણ્યધનુષ,
તેનો એકલવ્ય હું પુત્ર;
દ્રોણાચાર્ય કેરો શિષ્ય,
ધરી ગુરુમૂર્તિ માંહે ચિત્ત;
સંતત સેવતાં ગુરુચર્ણ,
લહેતો બાણવિદ્યા મર્મ!
(અનુષ્ટુપ)
પછીથી પાંડવાદિક નિવર્તી દ્રોણઆશ્રમે,
ભિલ્લવિક્રમની વાર્તા નિવેદે ગુરુદેવને.
(ઉધોર)
સુણીને દ્રોણ પાંડવવાણ,
જાવા વન કરે નિર્માણ;
કાં જે ભિલ્લ હસ્તની માંહ્ય,
કદી જો અસ્ત્રવિદ્યા જાય.
નિર્ભય થઈ દષ્ટ અજીત,
તો એ આદરે વિપરીત.
(દ્રુતવિલમ્બિત)
ઉર વિષે ધરી એ ભયધારણા
ગુરુ ચહે કરવા લઈ ડરવારણા;
લઇ કરી કંઈ નિશ્ચય અન્તરે,
વનપથે ગુરુ તુર્ત જ સંચરે.
(ભુજંગી)
તહીં દ્રોણને દૂર દેખી કિરાત,
કરે દોડી સામે જ સાષ્ટાંગપાત;
વદે હાથ જોડી, પ્રીતે પૂજી પાય,
‘ગુરો! શિષ્ય હું આપનો એકલવ્ય.’
(હરિગીત)
સુણી દ્રોણ કહેઃ ‘મુજમાટ એવી હોય જો ગુરુભાવના,
તો વીર! માગું તેહ મુજને આપ તું ગુરુદક્ષિણા!’
કહે ભિલ્લપુત્રઃ ‘કૃપાળુ! ક્હો તે ચરણમાંહિ ધરૂં પ્રભો!’
ગુરુ વદેઃ ‘દક્ષિણ હસ્તનો વીર! લાંવ તો તુજ અંગુઠો’
(પૃથ્વી)
સુણી ભીષણ માગણી ગુરુતણી ન લેશે ડગે,
સમર્પણ કરે ગણી તૃણસમો કરાંગુષ્ટને!
પ્રસન્નમુખથી પછી વીર રહે કરી વન્દના;
અહો! ક્યમ જશે કથી વિરલ એ ગુરુઅર્ચના?
(માલિની)
જય જય જય એવા વીરને વિશ્વ ગાજે,
સફલ જીવન જેનાં પૂર્ણ ને રમ્ય રાજે!
મુજ જીવન લહેવા એ ગુરુપ્રીતિ દિવ્ય,
પ્રણતિ તવ પદે આ વીર! ઓ એકલવ્ય!
(અનુષ્ટુપ)
એ કથા, એ ગુરુભક્તિ સ્મરંતાં એકલવ્યની,
શિર વીરપદામ્બોજે સહેજ આ રહે નમી.
(કૌમુદી) શિરીષ શેલત
અચળ એક શરીરધારી
મેરુ ચળે કદિક એમ ઉરે વિચારી
સર્જ્યો ઇશે અચળ એક શરીરધારી;
હું હું કરી ઉછળતો જલાધ હુંકારી
માઝા હવે નહિ મૂકે તમને નિહાળી.
દિવાલો દુર્ગની કીધી મુક્તિના માર્ગ મોકળા,
પડીને પાણીમાં કોરા રે’વાની શીખવી કળા,
લોઢાં ઘાસાય ક્રૂર કર્કશ ચીસ થાય.
ને વેરઅગ્નિ જગમાં જન જાળી ખાય;
તે લોહને સુભગ પારસસ્પર્શ તારો
થાતાં ઉડ્યો અવનિ કંચનનો ફુવારો.
શીલાને પાદસ્પર્શથી પ્રભુએ પ્રાણ પ્રેરીઆ,
શીલાથી યે મરેલાને વિનાસ્પર્શે જગાડીઆ.
સંધ્યા થતાં જ અહીં સત્વર સૂર્ય ડૂલે,
ને ચંદ્રને સમયનું નહિ ભાવ મૂલેઃ
અંધારમાં સબડતા જગની દયાથી
દાવો અખંડ પ્રકટ્યો પ્રભુએ ત્વરાથી,
સૂર્ય જેવા પ્રતાપી યે આથમે ને ફરી ઉગે,
આપને દેહમંદિરે આત્મજ્યોતિ સદા ઝગે.
(કુમાર) પ્રેમશંકર ભટ્ટ
વિધવા
(પૃથ્વી)
બળું, રગરગે ઝળું, દરદ-દુઃખ દાવાનલે,
રહે અદમ વેદના પળપળે ઉરે ડામતી
જિવંત મુજ ચર્મને, પદપદે સ્મૃતિ ડંખતી
કરાલ ભીસ અંતરે દઇ, ન ક્યાંય શાંતિ મળે!
ઊંડા મહલમંદિર ઘૂડગુહા સમાં કોટડાં,
રહું સળવળી મહીં ઘૃણિત માનવીકીટ હું;
અભદ્રમુખ શાપિતા અનધિકારિણી વિશ્વની
સમસ્ત મનદેહના સહજ યૌવનાધર્મની,
કઠોર સહું યાતના થથરતે કરે લૂછતી
કપોલ વહતી ઉન્હી સતત ધાર, ને આપતી
નિરર્થ સુકુમારના વલયચંદ્રદીપ્તિ હીણી!
પ્રિયા! પ્રકૃતિ માત એ પ્રકટ સૃષ્ટિ હું આપની,
તમે જગ હજીય વિસ્તરી રહ્યાં, મને એકને
દિયો ન પ્રકટાવવા કૃપણ સૃષ્ટિ કાં માહરી?
(ઊર્મિ) રમણલાલ સોની
હસું
(પૃથ્વી)
અસંખ્ય કુટિરો થકી રજનીમાં સુણું શાંત હું
નિસાસ, વળી અશ્રુથી પ્રતિ નિશા દિવાલો ભીંજે,
છુટે કહીંક ડુસકાં હૃદય-સ્પન્દનો દુઃખના
સમાં, જન રીબાય ને અવનિમાં ભરે વેદના,
કરૂં ક્યમ પ્રવાહની ત્વરિત હું ગતિ અશ્રુની
વહાવી મુજ આંસુને? ક્યમ વિશાળ હું વેદના
તણા સૂર કરૂં બજાવી મુજ દુઃખના ગીતને?
ઊંડાણ ઉરના અગમ્ય તહીં હું ભરૂં સર્વ એ.
અને દિન અમાસને શશિવિહીન સિંધુ હસે,
હસે ઝરણ માર્ગમાં ખડક જ્યાં આથડે,
વીંધાય ઉર વીજથી ગગન મેઘનું એ હસે,
વીંધાઇ અથડાઈને ત્યમ હસું હમેશાં જગે.
(કુમાર) પ્રહલાદ પારેખ
વિશ્વદેવ
(વસંતતિલકા-ઉપજાતિ)
ગેબી વિશાલ નભઘુમ્મટ આસમાની
તારા ત્રિલોકમય મંદિરશીર્ષ શોભે,
તારાતણા ઝુમ્મર કોટિ ઓપે,
સોહે સુધાકર-દિવાકર દીપ ગોખે.
મંદિર-આંગણ ઉપા નવલા ગુલાલે
પૂરે પ્રતિ દિવસ મંગલ સાથિયાઓ,
સંધ્યા સુવર્ણાચલથી સુરમ્યા
ધ્યાને નિમગ્ન તવ આરતીઓ ઉતારે.
સાતે સમુદ્ર તવ સ્તોત્ર ધ્વનાવતા આ
ગંભીર ઘોષ ગગને પડછંદ પાડે,
ને વિશ્વગોળા અવકાશ મધ્યે
ઘૂમે અનર્હત જયંત સુમંત્ર તારા.
દ્વારો દશે દિશ તણાં દિનરાત ખુલ્લાં
રહે મંદિરે તવ અખંડ પ્રવેશવાને,
બ્રહ્માંડ ચૌદે તહીં પૂજનાથ,
આવે નમસ્કૃતિ ભરી લઈ અંજલિઓ.
ના વર્ણવ્યો તવ જતો મહિમા અમેય,
આશ્ચર્યકારી તવ રૂપ અકલ્પ્ય ન્યારૂં;
અનંતથી યે ગુણ ના ગણાયે,
તારા ન શશ્વતીતણા ઉરમાંય માયે.
હું ક્ષુદ્ર માનવ કરૂં તવ અર્ચના શી?
વાચા અને મતિ જરા મહીં હારી જાતી;
ચાહું બનીને રજફૂલ કેરી
તારા મહાપદતણે રહું નિત્ય ચોંટી.
(પ્રસ્થાન) પૂજાલાલ
ધરતીને
તારા વિશાળ હૃદયે મમ શાન્તિભાન
જ્યાં વિશ્વનું સકળ દુઃખ વિરામસ્થાન
ત્યાં હું અનંત શુભ શાન્તિ મહીં ઢળીશ
તારૂં જ કો મધુર રૂપ બની રહીશ
જેથી દુઃખી તૃષિત કો મુજ ભાંડુ કાજે
હું શાન્તિની હૃદયમૂર્તિ બની શકીશ.
તારા વિરામમય અંક મહીં મને લે
જ્યાં દુઃખ કે સુખ કશું નહિ, માત્ર શાન્તિ
આ પ્રાણ મા સતત કેવળ ઝંખતો એ
જ્યાં વિશ્વ સર્વ બનતું શુભ એકરંગી.
(પ્રસ્થાન) સ્વપ્નસ્થ
ઝંખના
રમું કમળકુંજમાં, પદ સરે ભલે પંકજે,
હિમાદ્રિશિખરે ચડું, સકળ અંગ ઠંડાં પડે,
સુણું ગગનગીતડું રજનિ સર્વ જાગું ભલે;
સરે પગ, છતાં મળે કમળની કલા પેખવા,
ઠરૂં હિમ થકી છતાં ગિરિ વિશાળ નેત્રે ધરૂં,
કરે ન અડવું કદી કમળપાંખડીને કુણી.
અડું ન ગિરિ ખેલતા નવલ તેજના રંગ હું,
અને પજવતો નથી રજનીને બૂમથી કદી.
જહીં રૂપ તણી સુધા વરસતી સરૂં હું તહીં.
ભરૂં નયન બાલ આ જગત વિસ્મયે ફાટતા,
હશે ક્યમ જ ઝંખના રૂપકલા તણી આવડી?
ઉભું જગ પ્હણે સુને, તિમિરવાદળી જ્યાં નથી,
અને સરલ આત્મને, વિમલ સત્ય સૌન્દર્યથી-
ભરી જીવનમાં હસું.
(ઊર્મિ) ‘દુર્ગેશ’
ઉરપવૃત્તિ
મુજ જીવનતન્ત્રી તણા સહુ તાર,
કદી સ્વરમેળ ધરે, બસુરા
કદી ‘કાં’? નવ એ પુછશો.
મુજ એક જ વાદ્ય અનેક ત્યહીં
સ્વર કોમલ મધ્યમ તીવ્ર વહન્ત;
સહુ વાદકના ઉરભાવ તણાં,
પ્રતિબિમ્બ ગ્રહી જડ તાર સચેત
બની, કંઈ ગાન કરે સુણતાં,
ન રૂચે યદિ દોષ શું વાદ્ય તણો?
એ ગાનસ્રોત તણું મૂળ ક્યહીં, અને વ્હે
માર્ગે કિયે, ક્યમ; ન તે કંઇ વાદ્ય જાણતું;
યાત્રી અનેક લઈ વાદ્ય, ઉરે ભરેલ જે,
ગીતો અનેક જરી તન્તુ મહીં ઉતારતા.
આવતા યાત્રીઓ જાતા, ગાનોદ્ભવ થાતા શમે;
મૂક વાદ્ય બને, તંતુ નિશ્ચેષ્ટ સૌ પડ્યા રહે.
૨
ગગન સ્વચ્છ કદી તપતો રવિ,
પૃથિવી ધાર પ્રકાશતણી ઝીલે,
કદીક શ્યામલ વાદળછાંયથી
જગત શેકનિમગ્ન બન્યું દિસે.
વિવિધ માનવ ભાવ વસ્યા ઉરે,
ઘડી ઘડી ફરતા ઘનછાય શા;
કદિક કો’ સ્થિર ત્યાંહિ ઠરેલ હો,
તદાપ તે ચિર ના જ ટકી શકે.
આવે ને જાય એ અભ્રો ક્યાં? એને નવ પૂછશો.
પ્રવાહે કાળના વ્હેતા, પરિવર્તન શાં નવાં?
(કૌમુદી) ‘બાદરાયણ’
ભણકાર – દર્શન – મુક્તિ
કહે તું કે “કાલે
મળીશું આ કાળે”
પરન્તુ ના ભાળે તરલ ગતિ વ્હે જે જલસમી,
સખી! શ્વાસોચ્છવાસે, મરણ ઘટિકા જીતનવ તણી :
વિપળ પળ ચાલુ દિવસની–
અવગણ નહિં તું પ્રણયની,
રખે શ્રદ્ધા ભોળી! તુજ હૃદયને છેતરી જતી.
ન કાલે; અત્યારે
ઘડીયે કાં સારે–
વૃથા! કાં! આ વારે, પ્રલયજલ, કાલે નવ ધસે,
ચુરાયે વા પૃથ્વી ગ્રહ અવર સાથે ઘરષણે!
અહા! મૃત્યુદૂતો!
ક્ષણો થોડી થોભો.
અહીં બીજે શોધો બલિ; નવ હજી તત્પર થયો,
તમારી સંગાથે ગમન કરવા હા! પળ રહો;
અચલ નિયમો હો તમ ભલે,
કઠિન ફરજો છો નવ ચળે –
પ્રિયાનાં ભાળ્યાં ના તદપિ નયનો અન્તિમ પળે;
પ્રિયે! વ્હેલાં ચાલો,
પળે આ સંભાળો...
અહા! દૂતો થોભો! શ્રવણ પડતા નૂ પુરતણા–
ઝણત્કારો; વેગે વ્યથિતચરણો એ ઉપડતા.
હવે પાશો નાંખો,
ગળું મ્હારૂં બાંધો,
ઉઠાવું ના વાંધો; અમૃતવરષી તે નયનની—
ઝરે, બીડાતાં આ મુજ નયનમાં, જીવન અમી.
ગમન કરતાં કાં ગગનમાં?
નયનપથથી કાં પિગળતા!
મ્હને મૂકીને હા! યમ અનુચરો ક્યાં વિચરતા?
અરે!! શાને ભીતિ—
ઉરે દૂતો! પેઠી –
સતી સાવિત્રીની પ્રણયમય મૂર્તિ વ્રતવતી—
પરિત્રાણે ઊભી અડગ ચરણે શું મુજ દીઠી?
(ઊર્મિ) નલિન મણિશંકર ભટ્ટ
ક્ષમ્ય
આ વર્ષમાં સ્ખલન જે અણજાણતાં કે
જાણ્યે થયાં, સકળ કાજ હું માફ ચાહું;
વિશ્વાસઘાત પણક્ષમ્ય સહુ જ પ્રેમે,
તો ક્ષમ્ય નિર્બલ હુંના અપરાધ ના શું?
આવેશની વિપલમાં કટુ શબ્દ બોલ્યો,
અસ્થિર કો’ ક્ષણ વિષે મુજ ધર્મ ચૂક્યો;
વા કો’ પ્રમત્ત પળમાં કૃત દાસી દાવો,
એ સૌ છતાં પ્રણયિની ગણજે જ ત્હારો.
ભૂલે પડી અગર ક્ષુલ્લક લાગણીથી,
પ્રેરાઈને પ્રતિપળે જન થાપ ખાય;
કિન્તુ હશે હૃદય કાંચન-શુદ્ધ પ્રેમ,
બીજી ક્ષણે જ પરિતાપ ઉરે થશે તો.
ક્ષારામ્બુ જેમ રવિતાપ થકી વરાળ
કેરૂં રૂપાન્તર ધરી નભ સંચરે છે :
મિષ્ટામ્બુ રૂપ ધરતું ઠરતાં વરાળ,
હાર્દિક મેલ પરિતાપ વિષે ગળે છે.
છે દમ્પતીજીવન ક્ષારસમુદ્રવારિ,
પ્રેમે થતા કલહથી બનતું વરાળઃ
સંધિ તણો શીતળ સ્પર્શ થતાં તુષાર,
દામ્પત્યના જલ બને, ગળતો જ ક્ષાર.
ચાંચલ્ય ભાવતણું, રોષ, અહ! પ્રમાદ,
તારુણ્યનો સહજ વ્યાપક એ સ્વભાવ;
આર્ઘક્યનાં દિસત દુર્લભ સ્વપ્ન જેને,
એવા મ્હને મદ પ્રમાદ શું ક્ષમ્ય ના છે?
(ઊર્મિ) રમણલાલ ન. વકીલ
સ્નેહ – શૃંખલા
ઉંચે પેલા શિખરો ગિરિના એ હાર કેરા મણકા બધાએ,
મઢ્યાં હશે શું સહુ નીલરત્ને? અદૃશ્ય કો’ મેર શું સંકળાયા;
ઝુંડો છવાયાં ગિરિઆવલીના, ના કો’ પ્રયત્ને ચળી એક પાદે,
બાંધ્યાં પદો વજ્રની શૃંખલાએ. ઉલ્લંઘી જાશે તજીને સીમા તે.
સ્વેચ્છા થકી બંધાયલા સ્નેહની શૃંખલાએ,
બંધાયલા આપણ મિત્રભાવે;
વ્હાલા કદી બંધન ના તજીશું;
એવાં ગ્રથી પ્રાણ સદા રહીશું.
નિસર્ગતત્ત્વો નિરખી સદાએ,
નિસર્ગકાવ્યો પ્રતિદિન ગાશું.
(કૌમુદી) પુષ્પા ૨. વકીલ
ઝૂઝૂં
ભલે જીવિતમાં કદા અતિકરુણ મંદાકિની,
ઉરે સળગતી શિખા પ્રલય વહ્નિ ઉરાડતી;
વિનાશ વળતાં બધે સમસમે સ્મશાની રાત,
રણો સમ સરે ઝગેઅસહ શુષ્કતા શાપિત,
મચે ગડગડાટને જગતની ઘૃણા વર્ષતી,
ભલે વિજળી કો નહીં ઝબુકતી ચીલો દાખતી;
ચીરે જિગરને પુરૂં આગમ કો મહા વેદના,
વહે રગતરેલ ને ખદબદુ સદા તેહમાં.
પ્રહાર પડતાં પડું કદી પળેક મૂર્ચ્છિત થઈ,
ઉડું ફક્ત હેતને શબદ એક સૂણ્યા વિના;
હસે ખડખડાટ એ જગત મારી સામે સદા,
કદીક દ્રવતું સહાનુભૂતિ દાખવે ડારતાં.
વહે જીવિત સત્યને વદી વદી દુઃખો સર્વે ર્હે,
છતાં અડગ હું જગે જલધિ જેમ ઝૂઝૂં સખે.
(કૌમુદી) કુ. ઉષા ડૉક્ટર
અર્પણ
સંધ્યાના દ્વાર સુધી ચરણ ઘસડતો હું પહોંચીશ તાત!
લંબાવી પાય તારા ઘડીક પણ મને મેલવા શ્વાસ દેજે,
પથિક પ્રિય ગણી શિશને અંક લે જે.
વીણાના તાર જેવી થરથરતી કરી સ્તબ્ધ રોમાવલિને,
આમંત્રું ચેતનાને સકલ રસ મહીં તાહરૂં ગાન ગાવા.
જીવન રસકલા સર્વ પહેલાં ધરાવું.
ના, ના, એવું કશું યે લગીર પણ તને અર્પવું આજ મારે,
હૈયાના ગૂઢ મંત્રો અગળ વિષ ભર્યા કે અબૂઝેલ ઈર્ષ્યા.
ચરકમળમાં અર્પવાની મહેચ્છા.
(ઊર્મિ) ‘મળેલું’
દાવાનળને
દવાનળ! જળી તમે વન વિશે જ પાછા શમો
અને કદી ન ખેલવા જનસમાજમાં કાં ભમો?
નથી શું અહિં વ્હેમનાં વન, અસત્યનાં કાનનો,
અરણ્ય અરિભાવનાં, છળપ્રપંચના જંગલો?
(કુમાર) રતિલાલ શુક્લ
વીર નર્મદને ગુજરાતીઓને બોધ
(પૃથ્વીતિલક)
ન શોક કરશો કદાપી રસિકો વિકાસી મુજ તાવણી;
જુઓ સકલ જીવ-જીવન, ન એક બે-દરદ ભાળશો;
ભલે દરદ, ઘા ભલે, અપયશો ભલે, અભિભવો ભલે,
સદાય ઉર પ્રેમમાં, રૂધિર જ રહે બ્હડતું શૌર્યમાં.
(કુમાર) બળવન્તરાય ક. ઠાકોર
બંધાઈ ગયું
બેઠી બિસ્તર બાંધવા પ્રિયતણો લૈ ત્યાં પ્રવાસે જવા,
બાંધ્યા કોટ ખમીસ, ધોતર, ડબી સાબુ અને અસ્તરો,
ને ત્યાં ગાંઠ ઘણી કસી, પણ વળી મંડી જ સૌ છોડવા,
આવ્યો પ્રીતમ પૂછતો ‘ક્યમ અરે, પાછું બધું છોડતી?’
બોલી, ‘ભૂલ થકી બધાની ભળતું બંધાઈ હૈયું ગયું.’
(પ્રસ્થાન) સુન્દરમ્
કવિ અને કોયલ
પોષાએ કોકિલાઓ કળકળ કરતા કાગડાના કુટુંબે,
આત્માની પ્રેરણાથી પણ સ્વર મીઠડા કોકિલા વિશ્વ કુંજે;
તેવી રીતે કવિ આ ભડભડ બળતા વિશ્વમાં ઉછરે છે,
કિંતુ એના ઉરેથી અમીરસ સરખા સ્રોતકાવ્યો સરે છે.
(પ્રસ્થાન) જેઠાલાલ ત્રિવેદી
સાવિત્રી
ને એ ભમી ચિર સુદૂર અનંત એવા
તારાજડિત નભમાં પરિત્યક્ત દેવી;
આંખે વહે નીર મુખે વહતી સુવાણી
રીઝાવવા મથતી કાલ પ્રચંડને એ.
અંધાર, ને, દૂર ઉંડાણ મહી ભમીને
શોધી રહે પગલી કાલની એમ આત્મા,
જો રીઝવે કદિય તો વરદાનમાં એ
પામે પ્રકાશ, વળી ચેતન, પ્રેમ, મોઘાં.
(કુમાર) હરિશ્ચન્દ્ર ભટ્ટ
મૌનસરોવર
ભારે ભર્યા મૌનસરોવરે આ
કો ફેંકશોના અહીં શબ્દકાંકરી
મારૂં વિંટાશે સ્થિર પ્રાણપુષ્પ
તરંગની વર્તુલ શૃંખલામાં.
(કુમાર) ઉમાશંકર જોષી