ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૫મું/મુનિશ્રી મંગલવિજયજી
માતાના પરલોકવાસી થયા પછી મનસુખને દુઃખ થયું. પણ જગત્ સ્થિતિનું જ્ઞાન થયું. એ ટાણામાં શાસ્ત્ર વિશારદ શ્રી વિજય ધર્મસૂરી વિહાર કરતા લીંચ આવ્યા, મધુર અને ભાવવાહી તેમની વાણી સાંભળવાને પુણ્ય પ્રસંગ મનસુખને સાંપડ્યો. આ ઉપદેશથી એમને સંસારની અસારતાનું ભાન થયું. એમણે શ્રી વિ. ધર્મસૂરી પાસે જીવન પર્યંત બ્રહ્મચર્ય પાળવાની ભીષ્મ પ્રતિજ્ઞા લીધી. પૂર્ણ યુવાવસ્થામાં આવી પ્રતિજ્ઞા લેવી એ એમના મનોબળની સાક્ષી પૂરે છે. એમનું ધાર્મિક જીવન ઘણું સારૂં હતું. એ વારસો એમના પિતા પાસેથી એમને મળ્યો હતો. ‘સમરાદિત્યરાસ’ પુસ્તકે એમના વૈરાગ્યમાં વૃદ્ધિ કરી. એમના પિતાના મૃત્યુ પછી એઓ ‘સમી’ ગામમાં શ્રી વિજય ધર્મસૂરી પાસે ગયા. દીક્ષા આપવા પ્રાર્થના કરી. એમની ઉંમર યોગ્ય હતી, વૈરાગ્ય હતો, છતાં સૂરિજીએ મોટાભાઇ વિગેરે વડિલોની સંપૂર્ણ અનુમતિ લાવવા કહ્યું. મનસુખે તે મંજૂર કરી બધાને સમજાવી અનુમતિ લઈ પાછા આવ્યા. વિ. સં. ૧૯૫૬ વૈશાખ સુદિ ૫. એમણે શ્રી વિજયધર્મસૂરિ પાસે મહુવામાં જૈન સાધુની દીક્ષા લીધી. એમનું નામ શ્રી મંગલવિજયજી રાખ્યું. મુનિશ્રી મંગલ વિજયજી, ગુરૂ પાસે રહી આત્મશાંતિ-સાધુ જીવનનો અનુભવ કરવા લાગ્યા, એમના ગુરૂના અહિંસા, સંયમ, અને તપની અસર એમના ઉપર પડી. પોતાનામાં રહેલી ગૂઢ શક્તિઓનો વિકાસ કરવાનાં મધુર સ્વપ્નાં એઓ સેવવા લાગ્યા. વિદ્વાન થવાની મહત્વાકાંક્ષા એમનામાં વધતી ગઇ. એમના ગુરૂએ એની પૂર્તિની તમામ સવડ કરી આપી. વિ. સં. ૧૯૫૮ માં શ્રીવિજયધર્મસૂરિ વિહાર કરી કાશી ગયા. એમની સાથે મુનિરાજ શ્રી મંગલવિજયજી પણ હતા. કાશીમાં શ્રી યશોવિજયજી જૈન પાઠશાળા સ્થપાઈ. ત્યાં એમણે સાધુઓ અને વિદ્યાર્થીઓની સાથે ઉંડું અધ્યયન કર્યું. જૈન તો શું અજૈન ન્યાય સિવાય નવ્ય ન્યાયના પણ ‘પક્ષતા’ ‘સામાન્ય નિરૂક્તિ’ ‘હેત્વાભાસ’ જેવા ગ્રંથો ભણ્યા. ભણવા સાથે એઓ જૈન અને અજૈન છાત્રોને ભણાવતા રહેતા. અનેક સંન્યાસીઓને પણ ભણાવ્યા. તેથી પોતાના વિષયમાં એઓ નિષ્ણાત થયા. કાશીની મધ્યમા પરીક્ષા એમણે આપી. પ્રાચીન હિન્દુ ન્યાયની તીર્થ પરીક્ષા એમણે કલકત્તા જઈ મુનિશ્રી ન્યાયવિજયજી સાથે આપી. જેઓ એમના સહાધ્યાયી ગુરૂભાઇ થાય છે. પ્રાકૃતનો પણ અભ્યાસ કર્યો. કલકત્તાના બંગાલી વિદ્વાનોએ એમની પંડિતાઈથી સંતુષ્ટ થઈ એમને ન્યાય વિશારદ્ પદ આપ્યું. કેટલાક વર્ષો સુધી કલકત્તા સંસ્કૃત એસોસીએશન પરીક્ષાના એઓ પરીક્ષક તરીકે રહ્યા. બીઆવર (મારવાડ)માં એમને પ્રવર્તક ૫દ મળ્યું. આગ્રામાં વિ. સં. ૧૯૭૯ માં એમને ઉપાધ્યાય બનાવવામાં આવ્યા. શ્રી વિજયધર્મસૂરિ સાથે બંગાલ, મગધ, યુ. પી., મેવાડ, મારવાડ થઈને વિ. સં. ૧૯૭૨ માં ગુજરાતમાં એમણે ભ્રમણ કર્યું. મુંબઈ, દક્ષિણ થઈ એઓ માલવામાં ગયા. એમના ગુરૂની આજ્ઞાથી એઓ ફરી કાશી ગયા. કાર્યકુશળ મુનિશ્રી જયંતવિજયજી પણ એમની સાથે હતા. વીરતત્ત્વ પ્રકાશક મંડળ પાઠશાળાને સુદ્રઢ કરવા ત્યાં એમણે પ્રયાસો કર્યા પણ કેટલાક કારણોથી સફળતા મળી નહિ; વિ. સં. ૧૯૭૮ માં એમના ગુરૂશ્રી વિજયધર્મસૂરિનું શિવપુરીમાં નિર્વાણ થવાથી એમનું વિહાર કરી શિવપુરી આવવાનું થયું. શિવપુરીમાં કેટલોક સમય રહી એમણે શ્રીમતી સુભદ્રાદેવી (ડૉ. ક્રાઉઝે) તથા વી. ત. પ્ર. મં. ના છત્રોને અધ્યયન કરાવ્યું. વીરતત્ત્વ પ્રકાશક મંડળ પાઠશાળાના નિભાવ માટે લોકોને ઉપદેશ આપી એમણે હજારોની મદદ મોકલાવરાવી. દક્ષિણમાં મદ્રાસ, બેંગલોર, માઇસેર સુધી એમણે પગેથી મુસાફરી કરી છે. ગત્ વર્ષમાં એમણે બંગાલમાં રહી સમેત શિખરજીના જીર્ણોદ્ધારનું કાર્ય કરાવ્યું તથા સરાક જાતિના લોકોને તેમનો ધર્મ સમજાવ્યો..
એઓ એક સાધુ હોવા છતાં સારામાં સારા વિદ્વાન છે. ગુજરાતી અને સંસ્કૃતમાં તત્ત્વજ્ઞાનના ઉપયોગી એમણે અનેક ગ્રંથો લખ્યા છે. ગુજરાતી ભાષામાં એમની કવિતા પણ તત્ત્વજ્ઞાનથી ભરેલી હોય છે. કેટલીક કવિતાઓ તેલુગી ભાષાથી મિશ્રિત પણ બનાવી છે. છાપાઓમાં લખવાનું એમને પસંદ નથી. સાધુઓ અને ગૃહસ્થોને ભણાવવામાં એઓ આનંદ માને છે. એમણે બીજા દેશોમાં પણ ગુજરાતનું નામ દીપાવ્યું છે. આચાર્યશ્રી વિજયેન્દ્રસૂરિ, મુનિરાજશ્રી વિદ્યાવિજયજી તથા મુનિશ્રી ન્યાયવિજયજી વિગેરે વિદ્વાન મુનિઓ એમના ગુરૂભાઈઓ છે. એમના બે શિષ્યો અત્યારે એમની સાથે છે.: : એમના ગ્રન્થો : :
| નં. | પુસ્તકનું નામ. | પ્રકાશન વર્ષ. |
| ૧ | તત્ત્વાખ્યાન (પૂર્વાર્ધ)ગુજરાતી. | |
| ૨. | ”(ઉત્તરાર્ધ)” | |
| ૩ | દ્રવ્યપ્રદીપ” | |
| ૪ | સપ્તભંગી પ્રદીપ” | |
| ૫ | સમ્યક્ત્વ પ્રદીપ” | |
| ૬ | ધર્મ પ્રદીપ (પદ્ય)” | |
| ૭ | ધર્મજીવન પ્રદીપ (પદ્ય)” | |
| ૮ | અષ્ટ પ્રકારી પૂજા (પદ્ય)” | |
| ૯ | જૈન તત્ત્વપ્રદીપ સંસ્કૃત | |
| ૧૦ | ધર્મદીપિકા (વ્યાકરણ)” |