ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૫મું/મુનિશ્રી હેમાંશુવિજયજી (અનેકાન્તી)
એઓ શ્વે. મૂર્તિપુજક જૈન સંપ્રદાયના સાધુ છે. એમની જાતિ વિસાપોરવળ અને ધર્મ જૈન છે. એમના પિતાનું નામ વનેચંદ્રજી અને માતાનું નામ પાર્વતી હતું. એમનું મૂળ વતન બલદુઠ (સીરોહિ સ્ટેટ) હતું. એમને જન્મ વિક્રમ સંવત્ ૧૯૬૦ ના વૈશાખ માસના શુકલ પક્ષમાં પાડિવ ગામમાં થયો હતો. એમનું નામ હિમ્મતમલ હતું. અગ્યાર વર્ષ સુધી એમણે ગામડાની શાળામાં અભ્યાસ કર્યો. એમનો ગણિતનો વિષય સારો હતો. ગુજરાતીનો મામુલી અભ્યાસ ત્યાંજ કર્યો. કવિ દલપતરામની કવિતા ઉપર એમનો પ્રેમ ત્યારથી હતો. વિ. સંવત્ ૧૯૭૧ માં એઓ કરનૂલ (મદ્રાસ) ગયા. એમના પિતાની ત્યાં મોટી દુકાન હતી. તેઓ સાહસિક વ્યાપારી હતા. એમણે ત્યાં રહી વ્યાપારમાં સારી હોંશિયારી મેળવી; ખાનગી ઇંગ્રેજી અને ઉર્દુનો અભ્યાસ પણ કર્યો. વિ સંવત્ ૧૯૭૪ માં એમના પિતાએ મુંબઈમાં દુકાન કરી એટલે એઓ મુંબઈ આવ્યા. એઓને મુંબઈમાં ચુનીલાલભાઇ કાનુનીનો સમાગમ થયો. કાનુની એક સાચા બ્રહ્મચારી અને ત્યાગી શ્રાવક છે. એમના સંસર્ગની હિમ્મતમલના જીવન ઉપર ઘણી સુંદર અસર થઈ. તેજ અરસામાં ‘બ્રહ્મચર્ય દિગ્દર્શન’ (વિજયધર્મસૂરિ રચિત) નામનું પુસ્તક એમણે વાંચ્યું. આથી એમણે અઢાર વર્ષ પહેલાં લગ્ન નહિ કરવાનો નિશ્ચય કર્યો. તેજ સમયે શાસ્ત્રવિશારદ શ્રીવિજયધર્મસૂરિ મુંબઈ પધાર્યા. તેમનો ઉપદેશ હિમ્મતમલે સાંભળ્યો અને સંસાર ઉપર એમની વિરક્તતા થઈ. એઓએ બે વર્ષ સુધી વિજયધર્મસૂરિ પાસે સાધુ ધર્મનો અભ્યાસ કરી તેમની પાસેજ વિ. સંવત્ ૧૯૭૮ ના વૈશાખ સુદી ત્રીજે, પિતાને સમજાવી ઇંદોરમાં જાહેર રીતે દીક્ષા લીધી. એમનું સાધુ દશાનું નામ હિમાંશુવિજય રાખી મુનિરાજશ્રી વિદ્યાવિજયજીના શિષ્ય થયા, કે જેઓ પ્રસિદ્ધ વક્તા, જબ્બર લેખક અને સાક્ષર છે. એમણે સંસ્કૃત વ્યાકરણનું અધ્યયન શાન્તમૂર્તિ મુનિશ્રી જયંતવિજયજી પાસે કર્યું; સાથે સાથે કેટલાંક જૈનસૂત્રોનું પણ અધ્યયન કર્યું. હવે દર્શનશાસ્ત્ર અને સાહિત્યનો અભ્યાસ કરવાની એમની ઉત્કંઠા વધી. સન્મતિ તર્ક સુધી જૈન ન્યાયના ગ્રંથોનો અભ્યાસ મુનિશ્રીએ કર્યો. નૈયાયિક, વૈશેષિક, બૈૌદ્ધ અને યોગસાંખ્ય દર્શનના સ્વતંત્ર ગ્રંથોનું એમણે મોટા પંડિત પાસે ખાસ અધ્યયન કર્યું. કાવ્ય અને અલંકાર શાસ્ત્રનો અભ્યાસ એમણે પ્રારંભમાં ન્યાયતીર્થ મુનિશ્રી ન્યાયવિજયજી પાસે કર્યો. સંસ્કૃતમાં કાવ્ય રચવાની પદ્ધતિ પણ તેમની પાસે જાણી લીધી. કાવ્યનો ઉંચો અભ્યાસ એમણે પંડિત શિવદત્ત કવિરત્ન પાસે કર્યો. અભ્યાસ સારો થયો હોવાથી એમણે કલકત્તા યુનીવરસીટીની ન્યાય અને સાહિત્યની તીર્થ સુધીની બધી પરીક્ષાઓ આપી. બે વિષયની તીર્થ પરીક્ષાઓમાં પાસ થયેલા જૈન સાધુઓમાં એઓશ્રી પહેલા જ છે. વ્યાકરણ અને સાંખ્યની પ્રથમા અને મધ્યમા પરીક્ષામાં પણ એઓશ્રી પાસ થયેલા છે. હેમચંદ્રાચાર્યના વ્યાકરણથી એમણે પ્રાકૃત માગધી, અપભ્રંશ વિગેરે ભાષાઓનું સારૂં જ્ઞાન મેળવ્યું. એઓશ્રીએ ઘણું બ્રાહ્મણ સંન્યાસિ અને જૈન સાધુ તથા શ્રાવકોને ન્યાય, વ્યાકરણ, કાવ્ય વિગેરેનું અધ્યયન કરાવ્યું છે અને કરાવતા રહે છે. સારા સારા વિદ્વાનો એમની સાથે તાત્ત્વિક વાર્તાલાપ અને ચર્ચા કરી સંતોષ મેળવે છે. સને ૧૯૨૬ થી એમણે લખવાનું શરૂ કર્યું. ‘જૈનધર્મ પ્રકાશ’માં ‘લેખન શક્તિ’ વિષે પહેલો લેખ લખ્યો. ધીરે ધીરે મુનિશ્રીએ હિંદી, ગુજરાતી, સંસ્કૃત અને પ્રાકૃત ભાષાઓમાં ગદ્યપદ્ય લેખો લખી પોતાની શક્તિનો સારો વિકાસ સાધ્યો. સરસ્વતી, માધુરી અને કાન્ત, પ્રભાત, આત્માનંદ, વીર, શ્વેતામ્બર જૈન, જૈનમિત્ર, જૈનધર્મપ્રકાશ, શારદા, બુદ્ધિપ્રકાશ, પીયૂષ પત્રિકા, જૈન, જૈનપ્રકાશ, મહારાષ્ટ્રીય જૈન, ખેડાવર્તમાન, દેશીમિત્ર, મુંબઈસમાચાર, સાંજ, સંધિ, ગુજરાત સમાચાર, વિગેરે ત્રૈમાસિક, માસિક, અઠવાડિક અને દૈનિક પત્રોમાં ઇતિહાસ, સમાલેચના અને સમાજ વિષયના એમના મહત્ત્વના લેખો પ્રસિદ્ધ થયા છે. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાઓમાં એમની કવિતાને વિદ્વાનો વખાણે છે. ધર્મવિયોગમાળા નામનું એક કાવ્ય એમણે સાત ભાષાઓમાં રચ્યું છે. જુદા જુદા પત્રોમાં એમના ઘણા સંસ્કૃત કાવ્યો પ્રસિદ્ધ થયા છે, અને ઘણાં છપાવ્યા વિના અપ્રસિદ્ધ છે. મુનિશ્રીને સંશોધન, સમાલોચના અને જ્ઞાનદાન આપવાનો ઘણો શોખ છે. શાંત રીતે કોલાહલ વગરના સ્થાનમાં રહી લખવા વાંચવાનું એમને વધારે ગમે છે. શિવપુરી, મુંબઇ ને ઇંદોર એમના વિદ્યાભ્યાસના ખાસ ક્ષેત્રો છે. હેમચંદ્રાચાર્યના વૃત્તિ સહિત વ્યાકરણ વિગેરે પ્રાચીન ગ્રંથોનું એમણે નવી પદ્ધતિએ સંશોધન કર્યું છે. માળવા, યૂ.. પી., વ્રજભૂમિ, બુંદેલખંડ મહારાષ્ટ્ર, ખાનદેશ અને ગુજરાતમાં એમણે પગે ચાલીને પર્યટન કર્યું છે અને કેટલાંક પ્રવાસનાં વર્ણનો એમણે પ્રસિદ્ધ કર્યા છે. અત્યારે એઓશ્રી સાહિત્યસેવા અને ઉપદેશનું ઉમદા કાર્ય કરતાં, વ્યાખ્યાત ચૂડામણિ મુનિરાજશ્રી વિદ્યાવિજયજીની સાથે ગુજરાતમાં વિચરી રહ્યા છે.
: : એમની કૃતિઓ : :
| પુસ્તકનું નામ. | પ્રકાશન વર્ષ. | |
| ૧ | ધર્મવિયોગ માળા | ૧૯૩૨ |
| ૨ | જયંતપ્રબંધ | ” |
| ૩ | સિદ્ધાન્ત રત્નિકા (પ્રસ્તાવના) | ૧૯૩૦ |
| ૪ | પ્રમાણ નયતત્ત્વાલોક (સંશોધિત) | ૧૯૩૩ |
| ૫ | સિદ્ધહેમશબ્દાનુશાસનમ્ (સંશોધિત) | ૧૯૩૪ |
| ૬ | જૈન સપ્તપદાર્થી (સંશોધિત) | ૧૯૩૪ |