ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૬ઠ્ઠું/મગનલાલ લીલાધર દ્વીવેદી
ગુજરાતમાં કળા નથી અથવા કલાવિષયક કંઈ સામગ્રી પણ નથી, તેવો આક્ષેપ કરનારાઓમાં જ કલાપ્રતિ પ્રેમ કે સામગ્રીના અભ્યાસનો ઉત્સાહ નથી એ નિર્વિવાદ છે. ગુજરાત કલાભૂમિ છે, તેમાં ઘણા કલાકારો ઉત્પન્ન થઈ ગયા છે અને અત્યારે પણ થાય છે, પરંતુ કદરના અભાવે તેઓ પ્રસિદ્ધિમાં આવી શકતા નથી અને તેમની કલાકૃતિઓ પણ નષ્ટ થઈ જાય છે. ગુજરાતમાં કલા હોવા છતાં તેનું સંશોધન થયું નથી, તેમજ કલાનો ઈતિહાસ પણ લખાયો નથી, એવે સમયે એક કલાપ્રેમી ગુર્જર ચિત્રકારની સંક્ષિપ્ત જીવનરેખા કલાક્ષેત્રમાં સાહિત્ય પ્રવૃત્તિની કંઇક શરૂઆત જેવું ગણાશે.
ભાઈશ્રી મગનલાલ દ્વિવેદી કાઠીઆવાડમાં લીંબડી તાબે સીયાણી ગામના વતની હતા અને જ્ઞાતિએ ઔદીચ્ય બ્રાહ્મણ હતા. તેમનો જન્મ સંવત ૧૯૩૧માં થયો હતો. તેમના માતાપિતા કાશીમાં રહેતા હતા અને તેમના જન્મ પછી ટુંક સમયમાં જ સ્વર્ગવાસી થયા હતા. આ કારણથી ભાઈશ્રી મગનલાલ ગુંફ ગામમાં પોતાના માસાને ત્યાં ઉછર્યા હતા, અને શરૂઆતની કેળવણી પણ ત્યાં જ પામ્યા હતા. ત્યાર પછી તેઓ અમદાવાદમાં પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કોલેજમાં દાખલ થયા હતા અને ટ્રેઈન્ડ શિક્ષકની પરીક્ષામાંથી ઉતીર્ણ થઈને ભરૂચ જીલ્લામાં કેળવણી ખાતામાં શિક્ષક તરીકે જોડાયા હતા, ત્યાં એકાદ બે વર્ષ રહ્યા પછી તેમની બદલી પાટડીમાં થઈ હતી અને પાછળથી અલ્પ સમયમાં તેઓ અમદાવાદની મ્યુનીસીપાલીટીના કેળવણીખાતામાં જોડાયા હતા અને એ નોકરી તેમણે પોતાના જીવનના અંત સુધી ચાલુ રાખી હતી. તેઓ સ્વભાવે શાંત અને રમુજી હોવા ઉપરાંત સ્વતંત્ર વિચારના હતા. તેમને ઇતિહાસ, પુરાણો અને ધાર્મિક ગ્રંથો ઉપર પ્રીતિ હતી અને ચાલુ ખબરો જાણવા માટે વર્તમાનપત્રો વાંચવાનો ખાસ શોખ હતો.
ભાઈશ્રી મગનલાલને ચિત્રકલા માટે નૈસર્ગિક પ્રતિભા હતી. તેમના કોઈ ગુરૂ નહોતા. જો કે ટ્રેઇનિંગ કૉલેજમાં અને પાછળથી શિક્ષક તરીકેના વ્યવસાય દરમ્યાનમાં મુંબઈની જે. જે. સ્કુલ ઓફ આર્ટની સેકન્ડ ગ્રેડની પરીક્ષાને અંગે તેમને આ કલાનું સાધારણ જ્ઞાન મલ્યું હતું. પરંતુ ચિત્રકલાના જ્ઞાનનું પ્રદર્શન તો છેક બાલ્યાવસ્થાથી જ તેમણે કરવા માંડ્યું હતું. તેમણે આઠ કે નવ વર્ષની ઉમ્મરે બનાવેલું “કૃષ્ણ અને ગોપીઓ”નું જલરંગ ચિત્ર અદ્યાપિ પણ જળવાઈ રહ્યું છે. શિક્ષક વૃત્તિ તેમનો વ્યવસાય હતો જ્યારે ચિત્રકલા તેમનો વ્યાસંગ હતો અને તેમણે જીવનની અંતિમ ઘડી સુધી એ ચાલુ રાખ્યો હતો. તેઓ ક્ષયના વ્યાધિથી પીડાતા હતા અને સીમલામાં સારવાર માટે રહ્યા હતા, ત્યારે બીમારી દરમ્યાનમાં પણ ચિત્રકલા માટે પોતાના પ્રેમ ઉપર અંકુશ રાખી શક્યા ન હતા, કેમકે એ સમયે પોતાના ડોકટરને “તોફાની દરિયામાં ગોથાં ખાતી નૌકામાં પોતાને જ પ્રવાસી અને ડોક્ટરને સુકાની” કલ્પીને એક ચિત્ર આલેખીને ભેટ આપ્યું હતું.
નોકરી ઉપરાંત પોતાનો ફુરસદનો સમય તેઓ ચિત્રકલાની આરાધનામાં વીતાડતા હતા; અને એ આરાધનાનો તેમને હેતુ દ્રવ્ય કે કીર્તિની પ્રાપ્તિ નહોતી, પરંતુ કલાક્ષેત્રમાં પોતાનાથી બને તેટલો ફાળો આપીને દેશની કલા સંપત્તિમાં કંઈક ઉમેરો કરવાનો હતો. જીંદગી દરમ્યાનમાં તેમણે એક પણ ચિત્ર વેચ્યું ન હતું અને મૃત્યુ બાદ ચિત્રવિક્રય કરવાની તેઓએ ખાસ મના કીધી હતી. પોતે અપુત્ર હતા. પરંતુ ચિત્ર સંપત્તિને પોતાની સંતતિ અને સંપત્તિ માનતા હતા. સંવત ૧૯૭૬માં આશરે ૪૫ વર્ષની ઉમ્મરે તેમણે આ સંસારનો ત્યાગ કર્યો, અંતિમ સમયે પણ પોતાનાં બધાં ચિત્રો તેમણે ખુલ્લાં મુકાવ્યાં હતાં અને તેમને જોતાં જોતાં જ પ્રાણત્યાગ કર્યો હતો. ચિત્રકલા ઉપર તેમના અસીમ પ્રેમની પ્રતીતિરૂપ આ કિસ્સો સાંભળીને કોની આંખોમાં આંસુ ન આવે?
ભાઈશ્રી મગનલાલના ઘણાખરાં ચિત્રોની કલ્પના ઇતિહાસ, પુરાણો અને લોકગાથાઓમાંથી લીધેલી છે. એ પરથી તેમનું વાંચન વિશાળ હતું તેમ સ્પષ્ટ દેખાઈ આવે છે. આજ દિવસ સુધી કોઈને પણ ન સૂઝ્યા હોય તેવા પ્રસંગો તેમણે ચિત્રસૃષ્ટિમાં સરજ્યા છે એ તેમની કલાની અપૂર્વતાનો પૂરાવો છે. કાલ્પનિક ચિત્રો ભાવવાહી છે અને તે માંહેલા કેટલાક ઉપહાસાત્મક પણ છે કે, જે ભારતીય ચિત્રકલા ક્ષેત્રમાં બહુધા જોવામાં આવતાં નથી. હાસ્યરસને ચિત્રસૃષ્ટિમાં વિતિર્ણ કરવાનો સફળ આરંભ તેમણે કર્યો હતો. “વિના બોલાવ્યા મહેમાનો”નું વાંદરાઓની મીજલસનું ચિત્ર અને “ઉંચા કાનવાળા અમલદાર”નું ચિત્ર તેના દૃષ્ટાંતો છે. કવિ જેમ પોતાને માટે તેમજ પોતાના સ્વજનોને માટે કાવ્યકલાનો ઉપયોગ કરે તેમ તેઓ સાંસારિક જરૂરતના પ્રસંગો પર ચિત્રકલાનો ઉપયોગ અને તે કેટલીક વાર સફળતાથી કરતા હતા. એક સમયે અમદાવાદની મ્યુનીસીપાલીટીના કેળવણીખાતામાં પોતાના હક તરીકે ઉંચી પદવી મેળવવા માટે અરજી કરતી વેળા “ગાયને ધાવતા (હકદાર) વાછડાને ખેંચતા ગોવાળ” (હકદારનો હક કેમ છીનવી શકાય?)નું એક ચિત્તાકર્ષક ચિત્રનુ નિર્માણ કરીને તેનો ઉપયોગ તેમણે કર્યો હતો. અર્થાત કલા દરેક રીતે જીવનોપયોગી છે એવો સાક્ષાત્કાર તેમને થયો હતો.
ચિત્રકારે રંગીન ચિત્રોમાં કોઈપણ રંગ તરફ અણગમો કે અધિકાનુરાગ દેખાડેલ નથી. જે પાત્ર, વસ્તુ, દ્રશ્ય વાસ્તવિક જે રંગનું સંભવે તેજ રંગથી તેને ચીતરેલ છે. ઉગ્ર રંગોને પણ અંકુશ વિના સ્થાન આપીને મિશ્રણ તથા ઘટનાના પ્રભાવથી આનંદદાયી બનાવ્યા છે અને એ રીતે અન્ય દેશોની ચિત્રકલાને મુકાબલે ભારતીય ચિત્રકલાનું યથાર્થ અને ઉત્કૃષ્ટ સ્વરૂપનું દિગ્દર્શન તેમણે કરાવ્યું છે. ચિત્રોનાં પાત્રોનું અંગ પ્રમાણ અને મુખમુદ્રા ઉપર ભાવોની આલેખન શક્તિ પ્રશંસનીય છે. “શંકર અને ભીલડી”ના ચિત્રમાં શંકરનું અંગ પ્રમાણ અને “દમયંતી–અજગર” પ્રસંગના ચિત્રમાં પારધીના ચહેરા ઉપર ક્રોધનો સંનીવેશ અદભૂત છે. ચિત્રની પિઠિકામાં જ્યાં શિલ્પકૃતિ હોય ત્યાં તેની સમકાલિન પદ્ધતિ આલેખવામાં તેમણે સફળ પ્રયાસ કર્યો છે. એક સ્થળે જલાશયના દ્રશ્યમાં હંસો અને બતકો સાથે એક કીનારા પર પાણી પીતા જાનવરો દેખાડવા ઉપરાંત બીજા કીનારા ઉપર મગરોને જલાશયમાંથી બહાર લાવીને બેસાડવાનું તેઓ ભૂલ્યા નથી. તેમનાં ચિત્રો પાત્રો રંગભૂમિ ઉપર સ્તબ્ધ હાલતમાં ઉભેલ પાત્રો જેવાં જીવંત હોય તેવાં જ દેખાય છે.
તૈલચિત્રો જેટલાં મૌલિક છે તેટલાં જ સુંદર છે. તેમના સંગ્રહમાં એક હિંદદેવીનું પણ ચિત્ર હોવા ઉપરાંત કુદરતી દ્રશ્યો, મકાનો, પશુઓ અને પક્ષીઓનાં ચિત્રો છે અને તે માંહેલા કેટલાએકની કલ્પના શાળોપયોગી બનાવવાની હોય તેમ અનુમાન થઈ શકે છે. નાના મોટા કદના જલરંગ ચિત્રો પણ ઘણાં છે અને થોડાં કેવલ રેખાચિત્રો પણ છે.
ભાઈશ્રી મગનલાલનો ચિત્રસંગ્રહ જોતાં કલ્પનાની મૌલિકતા, ભાવનાની શુદ્ધતા અને આલેખનશક્તિની દક્ષતા ખાસ લક્ષણો રૂપે દેખાઈ આવે છે, પરંતુ એ લક્ષણો સાથે શિષ્ટતા, નિરીક્ષણશક્તિ, મનુષ્ય સ્વભાવના અને સૃષ્ટિસૌન્દર્યના અભ્યાસનો સહયોગ થવાથી તેઓ કલાવિધાનમાં સફળતા અવશ્ય મેળવી શક્યા છે. ચિત્રકલાના વિભાગોને અંગે સૃષ્ટિચિત્રો, માનવ પાત્રો સહિત પ્રસંગો, કેવળ પશુ પક્ષીઓ અને ઉપહાસાત્મક ચિત્રો જોતાં તેઓ આ કલામાં સર્વદેશીય હતા એમ માનવું પડે છે.
આ કલાકારે પોતાનું જીવન ચિત્રકલાને ચરણે નિઃસ્વાર્થ બુદ્ધિથી અર્પણ કરીને ગુજરાતની ઉત્તમ સેવા બજાવી છે, પરંતુ તેમના જીવન દરમ્યાનમાં તેમની યોગ્ય કદર ન થઈ એ કેવળ ગુજરાતમાં રસજ્ઞતાનો અભાવ અને ગુર્જર નેતાઓ અને સાહિત્યકારોએ અત્યાર સુધી કલાની કરેલી ઉપેક્ષાનું પરિણામ કહી શકાય, જો કે ભાઈશ્રી મગનલાલને પાંચમી અને છઠ્ઠી ગુજરાતી સાહિત્ય પરિષદ અને અમદાવાદમાં મળેલ છત્રીસમી રાષ્ટ્રીય મહાસભા તરફથી રૌપ્યપદકો મલ્યાં હતાં, પરંતુ તેમની કલાકૃતિઓની ઉત્કૃષ્ટતા જોતાં મને લાગ્યું કે તેમની જે વિષેશ કદર થવી જોઈતી હતી તે હજી સુધી થઈ નથી.