ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૬ઠ્ઠું/રણજીતરામ વાવાભાઈ મહેતા
સંવત ૧૯૭૩ના જેઠ સુદી ૧૪ તા. ૫મી જુન ઇ. સ. ૧૯૧૭ને સોમવારના રોજ ગુજરાતી ભાષાના એક પરમ ઉપાસક અને ગુજરાત તરફ અસાધારણ મમતા ધરાવનાર સાક્ષર ભાઈ રણજીતરામ વાવાભાઈનું અકાળ મરણ થયું. આજ એ વાતને પાંચ વરસ પુરાં થાય છે તો પણ તે પ્રસંગ આંખ આગળ ખડો ને ખડો જ રહ્યો છે. દિવસોના દિવસો સુધી એ મરણનો પ્રસંગ આંખ આગળ તર્યા જ કર્યો છે અને આજે પણ અત્યારે મારી આંખ આગળ એજ દૃશ્ય નજરે તરે છે. મરણ એ શરીરની પ્રકૃતિ છે; विकृति जिवितमुच्यते बुधैः એવું કવિવાક્ય છે. પરંતુ આ એક જ મરણના અનુભવથી મને ઘણી વિહ્વલતા થયલી અને ઘણા દિવસો સુધી મને ગ્લાનિ રહેલી. આમ ખેદ થવાનું કારણ અસાધારણ કરણ સંયોગોમાં ભાઈ રણછતરામ ચાલ્યા ગયા તેજ છે.
હકીકત એવી છે કે કાશ્મીર કે મહાબલેશ્વર અથવા હવા ખાવાનાં કોઈ સ્થળમાં શેઠ નરોત્તમ મોરારજીએ પોતાના પુત્ર અને પુત્રીને નહીં મોકલતાં અંધેરી પાસે જુઈમાં જ્યાં પોતાનો બંગલો છે ત્યાં જ ઉનાળામાં તેમને રહેવાનું ઠરાવ્યું અને ભાઈ રણછતરામની દેખરેખ નીચે તેમને રાખ્યાં. રણજીતરામભાઈમાં નવું શીખવાનો અને જાણેલું બીજાને શીખવવાનો ઘણો શોખ હતો. તેના પરિણામે તરતાં શીખવા માટે તેમણે પ્રયત્ન આરંભ્યો અને એ આરંભમાં જ પોતાની જાત ખોઈ. એમના જેવા ધીરા માણસને પણ આ સાહસ થાય છે એટલું ધ્યાન રહ્યું નહીં એ વિધિની ક્રૂરતા. જુઇ જેવુ એકાંત સ્થલ–ટેલીફોનની પણ સગવડ નહીં, માણસો પણ થોડાં; શહેરમાં આવતાં જતાં ઘણો વખત લાગી જાય તેથી સગાંસંબંધીઓમાં સમાચાર પહોંચાડાવવાની પણ મુશ્કેલી અને પાણીમાં તણાઈ ગયેલ શબ ત્રણચાર કલાક હાથ ન આવ્યું તેથી થયેલ વિહ્વલતા–આ બધું ભાઈ રણજીતરામભાઈનાં વિધવાએ અશ્રુપૂર્ણ નયને સહન કર્યું તેમાં શેઠના કુટુંબીઓનાં વાત્સલ્યથી જે દુઃખ ઓછું થયું જણાય તેજ. મોડી રાત્રે શબને અગ્નિદાહ થઈ રહ્યા પછીથી હું ઘેર પાછો આવ્યો ત્યારે મગજ ઉપર ઘણો જ ભાર જણાયો અને સવારમાં ઉઠ્યો ત્યારે આગલા દિવસનો પ્રસંગ ખરેખર બન્યો છે કે નહીં જ તે પણ કળી ન શક્યો. પરંતુ રણજીતરામભાઈ ગુજરી ગયા હતા જ; તેમનાં સંતાનોને અને પત્નીને તથા કુટુંબીઓને દુઃખમાં ડુબાડી ગયા હતા જ; અનેક મિત્રોને તેમની વિદ્વત્તાથી જે રસ, આનંદ, લાભ મળતો તે હંમેશ માટે ગયો હતો જ.
રણજીતરામભાઈનો જન્મ સં. ૧૯૩૮ના કાર્તિક સુદી બીજના રોજ સવારના પાંચ વાગતાં તેમના મોસાળના ઘરમાં સુરતમાં થયો હતો. તેમના પિતા મુંબઈ યુનીવર્સીટીના એલ. સી. ઈ. હતા અને ઈ. સ. ૧૯૧૧ના ડીસેમ્બરમાં તેમનું મરણ થયું ત્યારે અમદાવાદમાં નિવૃત્ત થઈ રહેતા હતા. તેમનાં માતા હાલ હયાત છે. એક ભાઈ રા. મોતીભાઈ શોલાપુર મીલમાં ડાક્ટર છે; તથા એક બેન અમદાવાદમાં રહે છે. રણજીતરામભાઈ બધાં ભાંડુમાં સૌથી મોટા હતા. તેમનાં વિધવા શાન્તાબેન ૧૯૧૮ના તાવમાં સ્વર્ગવાસી થયાં. તેમની સંતતિમાં બેન અરુણકિશોરી (જન્મ ૧૯૦૭ના નવેમ્બરમાં) ભાઈ અશોકકુમાર (જન્મ ઇ. સ. ૧૯૧૧નો ઓક્ટોબર) તથા બેન ઉર્વશી–રણજીતરામભાઈ સ્વર્ગવાસી થયા પછી ત્રણચાર માસે જન્મેલ છે તે–છે. રણજીતરામભાઈની બાલ્યાવસ્થા અમદાવાદમાં તેમજ પાલીતાણામાં પોતાના મોસાળમાં વીતી હતી. તેમનો સ્વભાવ નાનપણથી જ એકલશૂરો હતો. કોઈ તેમના મિત્રો નહોતા. ભાઈ જયસુખલાલ કૃષ્ણલાલ તથા હરિપ્રસાદ પીતાંબર મહેતા એજ બે તેમના બાલપણના સ્નેહી; અને આ બંને સાથે હંમેશ સ્નેહસંબંધ વધતો જ રહેલો. પોતાની કે પોતાનાંની વાતો કહેવાની રણજીતરામભાઈને ટેવ જ નહીં. વરસોનાં વરસો સુધી ગાઢ પરિચય રહ્યો હોવા છતાં પોતાનાં સંબંધી તો એમણે બહુ ઓછું કહેલું. નાનપણની વાતો કરતાં એક વાત કરેલી મને ઘણી યાદ રહી છે. તેમના પિતાનો સ્વભાવ કડક હતો. બોલવાની ટેવ જ નહોતી. ઘરમાં હોય ત્યારે સામાન્ય રીતે વાંચવામાં જ ગુંથાઈ રહેતા અને રણજીતરામભાઈ સૌથી મોટા એટલે મર્યાદાથી એમને તો બોલાવતા પણ નહીં. આવી કડક પ્રકૃતિ છતાં પુત્રમાં કોઈ જાતની કુટેવ કે દોષ દાખલ ન થઇ જાય તે ઉપર ખાસ ધ્યાન રાખતા. અંગ્રેજી છઠ્ઠા ધોરણમાં રણજીતરામભાઈ હતા ત્યારે કુસંગતથી બીડી–સીગાર પીવા માંડેલી. તેઓ જ્ઞાતે કાયસ્થ હતા. ધાર્મિક બાધ બીડી પીવામાં તેમને કાંઈ હતો નહીં. પરંતુ કુટુંબ વૈષ્ણવ પંથ પાળતું એટલે બીડી ન પીવાતી. રણજીતરામભાઈને રુબરુમાં કાંઈ કહ્યું નહીં પરંતુ એક વખત કોટના ખીસ્સામાંથી સીગાર હાથ લાગતાં ઘણી જ સખત શિક્ષા કરી. રણજીતરામભાઇએ જીવનમાં ફરી બીડી પીધી નહીં; ફરી કોઇની કુસંગત લાગી નહીં. આખું જીવન સ્વચ્છ નિર્મલ પસાર થઈ ગયું. દુર્ગુણ અને અનીતિ તરફ એમને એટલો બધો તિરસ્કાર હતો કે તેવા લોકો સાથે તેઓ ભળી ન શકતા પરંતુ તેમનો લેશ માત્ર પરિચય પણ સહન ન કરી શકતા. વ્યવહારમાં પડ્યા પછીથી એવા કોઈ માણસના સંબંધમાં પ્રથમ આવવાનું થયું ત્યારે એ માણસના દુરાચારની વાત જાણતાં આખો દિવસ તેમનું સખત માથું દુખવા આવ્યું હતું અને તે માણસનું મોઢું પણ ફરીથી જેવું ગમ્યું નહોતું. કોમલ મગજ ઉપર, સામાન્ય રીતે, આવી જ અસર શરૂઆતમાં થાય છે એવો ઘણાને અનુભવ હશે.
રણજીતરામભાઈનો અભ્યાસ સહજ રીતે પુરો થઇ ગયો. સ્થલની અનુકૂલતા હતી. વ્યવહારનો બોજો માથે પડ્યો નહોતો અને ભણવામાં પણ હોંશીઆર હતા એટલે કૈ વિઘ્ન નડયું નહીં, જોકે મહેનત કરવાની તેમને ટેવ નહોતી એટલે તેમના જેવી શક્તિવાળો માણસ મહેનતથી તો કાયમ પ્રથમ વર્ગમાં જ આવે તેમ તેમના સંબંધમાં બન્યું નહીં. આવી મહેનત ન ઉઠાવી શકાય તેવી તેમની શરીરસંપત્તિ પણ હતી તે વાત લક્ષમાં રાખવાની છે. તદ્દન બાલ્યાવસ્થાથી જ તેમનું શરીર નિર્બલ હતું; હાડ મોટાં હતાં પરંતુ રુધિર અને માંસ નહીં જ. ઈ. સ. ૧૯૦૮માં ભાવનગરમાં નિવાસ કરી રહ્યા અને ત્યાંનું પાણી માફક આવ્યા પછીથી તેમની પ્રકૃતિ સંપૂર્ણ સુધરી એમ કહી શકાય. તોપણ અસલથી જ શરીર નિર્બલ હતું એટલે તેમનું શરીર પહેલવાન જેવું તો બન્યું નહીં જ. મને બરાબર યાદ છે કે જ્યારે મેં તેમને પ્રથમ જોયા ત્યારે મને લાગ્યું કે રણજીતરામભાઈ તો સાહિત્યમાં જ જીવે છે અને એ વાત તેમનો પરિચય વધતાં કહી ત્યારે હસીને સ્વીકારી લીધી.
અભ્યાસ પુરો થયા પછીથી શું કરવું તેની ચિંતા થવા માંડી. એક વરસ તો ‘ફેલો’ તરીકે રહ્યા. ઉમરેઠ ખાનગી સ્કુલમાં જગા ખાલી હતી ત્યાં અરજી કરી અને તે સ્વીકારાઈ તેથી ઈ. સ. ૧૯૦૫ના એપ્રીલથી માંડી લગભગ છ આઠ માસ ત્યાં હેડમાસ્તર તરીકે કામ કર્યું. તેમનો કંઠ ધીમો હતો તેમજ શીખવવાની શક્તિ ખામીવાળી હતી એેવો તેમનો પોતાનો અભિપ્રાય હતો તેથી આ સ્થલ છોડ્યા પછીથી શિક્ષક તરીકે રહેવા તેમણે ક્યાંય ઇચ્છા કરી નહીં. છેલ્લાં વરસોમાં જ્યારે ભાવનગરના દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવનમાં રહેવાનો તેમનો વિચાર થયો ત્યારે પણ પોતાની ઉપલી બે ખામી બાબત કહ્યા જ કરતા. તેમના પિતાની મરજી–બી. એ; થયા પછીથી સરકારી નોકરીમાં તેઓ જોડાય તેવી હતી, પરંતુ તેવો યોગ આવ્યો નહીં અને રા. મણિશંકર રત્નજી ભટ્ટની ભલામણથી ઇ. સ. ૧૯૦૫માંજ ગજ્જરસાહેબના સેક્રેટરી તરીકે રહ્યા. ઈ. સ. ૧૯૦૫ના જુન માસમાં પ્રથમ સાહિત્ય પરિષદ્ મળી એ અગાઉ રણજીતરામભાઈ ઘણા સાક્ષરોની સાથે પત્રવ્યવહાર રાખતા. રા. મણિભાઈ સાથે પણ તેમને પત્રવ્યવહાર હતો જે ઉપરથી તેમની પ્રીતિ સંપાદન કરી હતી. મેં સૌ પહેલાં રણજીતરામભાઈનું નામ અને પત્રો ભાવનગરમાં મણિભાઈને ત્યાં જોયાં. તેમના મોતીના દાણા જેવા સ્વચ્છ અક્ષરો અને તેવું જ ઉચ્ચ લખાણ સૌ પહેલું જોયલું તે હજી સ્મરણમાં છે. પ્રથમ સાહિત્ય પરિષદની યોજનાથી માંડી પૂર્ણાહુતિ સુધી તેમનીજ મહેનત હતી એ સૌને દેખાય તેવું હતું. તેમને માટે જે સારો વિચાર મણીભાઈને હતો તેમાં આ પ્રત્યક્ષ અનુભવથી વધારો થયો અને ગજ્જરસાહેબને ત્યાં તેમને માટે ખાસ ભલામણ કરી. ગજ્જરસાહેબ સાથેના પરિચયથી રણજીતરામભાઇના જીવનમાં ઘણા ફેરફારો થયા અને તેની સારી અસર કાયમ સુધી રહી. ગજ્જરસાહેબની વિદ્વત્તા, ભવ્ય કલ્પનાઓને મૂર્તસ્વરૂપ આપવાની અસાધારણ ખંત અને સૌથી વિશેષ તેમની ઉદારતા અને ત્યાગવૃત્તિ, એનાથી એમના જીવનમાં ઘણા નવા સંસ્કારો રોપાયા અને આમરણાત એમના ઋણી રહ્યાનું કહેતા. સાહેબરામની વાર્તામાં ભૈરવનાથ શેઠનું પાત્ર ગજ્જરસાહેબ ઉપરથી યોજાયલું સહુ કોઈ જાણી શકે તેમ છે, જો કે તે સંપૂર્ણ તો નથી જ.
ગજ્જરસાહેબ સાથેના નિવાસ પ્રસંગે તેમને સ્વ. ગોવર્ધનરામભાઈ સાથે પણ સંબંધ થયો. ૧૯૦૭ના જાન્યુઆરીમાં ગોવર્ધનરામ ગજ્જરસાહેબના બંગલામાંજ અવસાન પામ્યા તે વખતે રણજીતરામભાઈ પણ હાજર હતા. ગોવર્ધનરામભાઈની હયાતીમાં અને અવસાન પછીથી તેમનું જીવનચરિત્ર રણજીતરામભાઈને હાથે લખાવી તૈયાર કરાવવા ગજ્જરસાહેબને આગ્રહ રહ્યા કરતો, પરંતુ તેમ બની શક્યું નહીં. જીવનચરિત્ર લખવા જેટલો નિકટ પરિચય ગોવર્ધનરામભાઈ સાથે તેમના મરણને લીધે થઈ ન શક્યો તે એક કારણથી પણ રણજીતરામભાઇએ એ કામ શરુ કરેલ નહીં.
ગજ્જરસાહેબને ત્યાં એકજ પ્રકારનું કામ નહોતું. રણજીતરામભાઇની હાજરીની તેમને વારંવાર જરૂર પડતી તેથી રહેવાનું પણ તેમની સાથેજ રાખ્યું હતું. કેટલાક મહીના ગીરગામ બેકરોડ ઉપર એક ઉંચા માળામાં પાંચમે મજલે તેઓ રહેતા પરંતુ વાલકેશ્વર જેટલે જવાઆવવાની મુશ્કેલી પડવાથી થોડા દિવસ પછી એ ઘર કાઢી નાખ્યું અને સહકુટુંબ ગજ્જરસાહેબ સાથે જઇ રહ્યા. ગજ્જરસાહેબ જેવી પ્રકૃતિના માણસની સેવા ઉઠાવવી અને તેમાં સંતોષ આપવો એ કાંઈ સામાન્ય વાત નહોતી–રાત્રે બાર વાગે કે બે વાગે ગમે ત્યારે તેમને નવો વિચાર સુઝે એટલે ઉંઘમાંથી પણ રણજીતરામભાઈને ઉઠાડી નોંધ લેવરાવતા. આ સ્થિતિમાં બીજો માણસ, ઓછા અનુભવવાળો અથવા જલદ પ્રકૃતિવાળો, લાંબુ ખેંચી શકે નહીં. પરંતુ રણછતરામભાઈએ એ સ્થિતિ બે અઢી વરસ ચલાવી અને ગજ્જરસાહેબ સાથે તેમને ત્યાંથી છુટા થયા છતાં હમેશનો સંબંધ જાળવી રાખ્યો. ગજ્જરસાહેબની ઉદારતાની પણ હદ નહોતી. જુવાન રણજીતરામભાઈ ઉપર તેમને ગાઢ પ્રીતિ હતી. પોતાના નોકર તરીકે તેમના તરફ દ્રષ્ટિ નહોતી. તેમના અગત્યના કામકાજમાં રણજીતરામભાઈ ભાવનગર હતા ત્યારે અને પછીથી મુંબઈ હતા ત્યારે પણ તેમની એક મિત્ર તરીકે સલાહ લેતા. તેમના મિત્રો કે સંબંધીઓમાં વીખવાદ ઉભો થતો તેમાં રણજીતરામભાઈને પણ મધ્યસ્થ રાખતા એની મને જાતમાહિતી છે. રણજીતરામભાઈએ ગજ્જરસાહેબનો સંબંધ છોડ્યા પછીથી નવદસ વરસ બીજે સ્થલે ગાળ્યાં પરંતુ એમ કહેતા કે મેં જેવી ત્યાં નિરંતર સરસ્વતીની ઉપાસના થતી જોઈ હતી તેવી ફરીથી ક્યાંય જોઈ નથી.
ઇ. સ. ૧૯૦૭ના સપ્ટેમ્બરમાં તેઓ મુંબાઈ હતા ત્યારે બીજી સાહિત્ય પરિષદ્ ભરાઈ; તેના મંત્રી તરીકે ભાઈ અંજારીઆ તથા ઠાકોરલાલ હરીલાલ દેસાઇ સાથે તેમણે પોતે જ કામ કર્યું હતું. યાદી ઘડવાથી માંડીને તેમણે પોતે જ ઘણી મહેનત લીધી હતી. નિબંધ લખવાનો અવકાશ તેમને નહોતો મળ્યો તેવી પ્રથમ પરિષદમાં જેમ લોકગીતનો લેખ વાંચેલો તેમ આ પરિષદમાં તેઓ કૈં લખી શક્યા નહીં. પરંતુ તેમની સ્થિતિ બદલાતી જતી હતી–પરિષદ્ સંબંધે તેમને સતત ઉદ્યોગ કરવો પડતો. એ નવી સંસ્થામાં રસ ઉત્પન્ન કરવા માટે અનેક સાક્ષરો અને ગૃહસ્થો સાથે ખાનગી સંબંધે તેમજ મંત્રી તરીકે તેમને પત્રવ્યવહાર કરવો પડતો. લેખો માટે ઘણાઓ પાસે માંગણી કરવી પડતી. પોતાને એમ લાગે કે અમુક વિષય ઉપર ગુજરાતી સાહિત્યમાં કાંઈ લખાણ નથી તો તે વિષયનાં અંગ્રેજી પુસ્તકો મેળવી લેખક પાસે લેખ તૈયાર કરાવતા. સાહિત્ય પરિષદની સંસ્થાને તેમના જીવનથી હું જુદી નથી પાડી શકતો. એ સંસ્થાને ઉભી કરીને જ અટકયા નહીં પરંતુ તે ચાલુ રહે, દેશના અનેક સાક્ષરો અને પ્રસિદ્ધ પુરુષે તેમજ સામાન્ય વર્ગ તેમાં ભાગ લે, તે બળવાન સંસ્થા બને, ગુજરાતની ભાવિ પ્રજાને દોરનાર નીવડે, ગુજરાતનું ગૌરવ વધારે, એવા બધા પ્રયત્નો તેમણે આખી જિંદગી સુધી કર્યા જ. સાહિત્ય પરિષદને તેમના વિચારોમાં હંમેશ અગ્રસ્થાન હતું. તે સંસ્થાને માટે કડવું વાક્ય બોલનાર ગમે તે હોય તોપણ સહન ન કરી શકતા. ટુંકમાં, પરિષદ ઉપર તેમને ગાઢ મમતા હતી, અને તેના વિના તે આજ સુની છે તે પણ દેખાય છે.
રણજીતરામભાઈ ઈ. સ. ૧૯૦૮ના એપ્રીલ માસમાં મુંબઈ છોડી ભાવનગર રા. રા. પ્રભાશંકર દલપતરામ પટ્ટણી પાસે રહ્યા. મુંબઈમાં ભરાયલી બીજી સાહિત્ય પરિષદને પ્રસંગે રા. રા. વિશ્વનાથ પ્રભુરામ વૈદ્ય–જેઓ વ્યવસ્થાપક મંડળના પ્રમુખ હતા–અને તેમનો પરિચય થયો. તેમણે પટ્ટણીસાહેબને સારા માણસની જરૂર છે એમ જાણતાં રણજીતરામભાઈની ભલામણ કરી. રણજીતરામભાઈ રહ્યા એ વખતે ભાવનગર–રાજ્યના કેળવણી ખાતામાં એક જગા ખાલી હતી અને તે ઉપર જ તેમની નીમણૂક થશે એમ લાગતું હતું; પરંતુ પટ્ટણીસાહેબે બહુ થોડી મુદતમાં રણજીતરામભાઈની યોગ્યતા જોઈ લીધેલી હોવી જોઈએ જેથી પોતાનું બધું ખાનગી કામકાજ તેમને સોંપી પાસે જ રાખ્યા.
રણજીતરામભાઈના જીવનમાં ભાવનગરના નિવાસને ઘણું મહત્ત્વનું સ્થાન મળે છે. તેઓ પોતે ભાવનગરથી થયલા ફાયદાઓનું અનેક વખત વર્ણન કરતા. પ્રથમ તેમની પ્રકૃતિ – જે હંમેશાં શિથિલ રહેતી તે–ત્યાંના નિવાસથી ઘણી સુધરી. હાડકાંના માળખા જેવા શરીરમાં બહુ માંસ તો ન ભરાયું પણ દૃઢતા તો લોઢાની આવી હતી. માઈલોના માઈલો સુધી લેશ વિસામો ખાધા સિવાય રખડવાની–ફરવાની તેમનામાં સ્ફુર્તિ હશે એમ કોઈ ઉપરથી જોનાર કહી શકે તેમ નહોતું; પરંતુ તેઓ તેમ ફરી શકતા અને તે ભાવનગર રહ્યા પછીથી જ.
ભાવનગર આવ્યા અગાઉ તેમનું માનસિક બંધારણ અમુક રીતે દ્રઢ બંધાયલું નહોતું. તાજા કોલેજ જીવનમાંથી છુટી વ્યવહારમાં પડ્યા અને પ્રવૃત્તિનો બોજો માથે એટલો રહેવા માંડ્યો કે ગંભીર વિષયોનો અભ્યાસ કે ચિંતન કરવા અવકાશ નહીં મળેલો. સુધારાના પવનની સામાન્ય છાપ જેવી પડે છે તેવી ભાવનગર આવ્યા અગાઉ તેમના ઉપર હતી, જે સંસ્કારી લેવા અભ્યાસ અને અવકાશ ભાવનગરમાં મળ્યાં. અહીં ભાવનગરમાં તેમણે પોતાને યોગ્ય વાતાવરણ જમાવ્યું હતું. સહજ પણ સાહિત્યમાં રસ લેનાર માણસો સાથે પરિચયમાં આવતા અને તેમનાં વિદ્વત્તા કે અનુભવ બીજાઓને ઉપયોગી થાય તેવો પ્રયાસ કરતા. મહુવાનિવાસી કવિ ત્રીભોવન પ્રેમશંકર તથા હરગોવિંદ પ્રેમશંકરનો સંબંધ અહીં જ બંધાયો. રા. દેવશંકર વૈકુંઠજી ભટ જેમને ઇતિહાસનો, જુની વાર્તાઓનો તથા ગીતો વગેરેનો શોખ છે તેમનો પણ પરિચય થયો. રા. રા. માનશંકર પીતાંબરદાસ મહેતા જેઓ એક સારા લેખક તથા અભ્યાસી છે તેમનું પણ ઓળખાણ કર્યું. આ ઉપરાંત પ્રોફેસર વિઠ્ઠલરાય મહેતા તથા રા. નરભેશંકર દવે જેઓ તેમની નજીકમાં જ રહેતા તેમની સાથે પણ તેઓ ભેળાતા. તેમણે પોતે સાહિત્યની અનેક પ્રકારે સેવા આદરી હતી અને તેમાં સૌની સહાય ઘણા જ ભાવપૂર્વક સ્વીકારતા. બીજાઓ જે જે વિષયમાં નિષ્ણાત હોય તે તે વિષય ઉપર લખે તેવી યોજનાઓ કરતા.
ભાવનગરની બાર્ટન લાયબ્રેરી સમૃદ્ધ છે–તેનો જુનાં પુસ્તકોનો તથા સંસ્કૃત પુસ્તકોનો સંગ્રહ જોવા તેમણે અવકાશ મેળવ્યો હતો. કૉલેજ લાયબ્રેરીમાંથી પણ વારંવાર પુસ્તકો મંગાવતા. આ ઉપરાંત પટ્ટણીસાહેબની પોતાની લાયબ્રેરી તેમણે આખી તપાસી હતી. તેમાં અનેક નવીન પુસ્તકો તેમણે પોતે જ મંગાવ્યા હતાં. આ બાબતમાં પટ્ટણીસાહેબની એમને એટલી બધી અનુકૂળતા હતી કે કોઈ પણ નવીન પુસ્તક તેમને યોગ્ય લાગે તે ખુશીથી મંગાવતા. અંગ્રેજી માસિકો સાહિત્યનાં, કલાનાં, ચિત્રનાં, બાલકોપયોગી–અનેક જાતનાં પુસ્તકો અને માસિકો તેઓ અહીં મેળવી શકતા અને તેમનો અભ્યાસ કરતા. એક સારા વિદ્વાને એક વખત વાતચીતમાં કરેલી વાત બરાબર છે કે હાલ સાક્ષરોમાં રણજીતરામભાઈ જેવો વર્તમાન સાહિત્યનો સર્વદેશી વાચક કે અભ્યાસક કોઈ છે નહીં.
ભાવનગરમાં તેઓ રહ્યા ત્યારપછી લગભગ બેએક વરસ પછી તેમણે એક એવા ગૃહસ્થની ઓળખાણ કરી અને સંબંધ જમાવ્યો કે જેવો સંબંધ તેમને બીજા કોઇ સાથે હતો તેમ મને ખબર નથી. પ્રો. નૃસિંહપ્રસાદ કાલિદાસ એ વખતમાં કૉલેજના પ્રોફેસર હતા પરંતુ તેઓ ચુસ્ત સનાતન ધર્મી અને નથુરામશર્માના શિષ્ય હોવાથી તેમના સમાગમમાં આવતાં રણજીતરામભાઈને સંકોચ થતો. ઇ. સ. ૧૯૧૦ના વરસમાં દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવન નામની સંસ્થાની સ્થાપના થયા અગાઉ એ સંસ્થા વીશે પટ્ટણીસાહેબ સાથે અનેક વખત ચર્ચા ચાલતી–શરૂઆતમાં કયા ધોરણ ઉપર સંસ્થા શરુ કરવી એ પણ તેમની સાથે જ ચોક્કસ થયું હતું. આ ભવન સંબંધે જ ચર્ચા ચલાવવા એક પ્રસંગે ભાઈ નૃસિંહપ્રસાદ રણજીતરામભાઈને ઘેર આવી ચડ્યા અને ત્યાં કલાકો સુધી કેળવણીવિષયક સંસ્થા કેવી હોવી જોઇએ એ બાબત વાતચીત ચાલી. સાંઝે ભાઈ નૃસિંહપ્રસાદ ગયા પછીથી રણજીતરામભાઈએ કહ્યું કે આ ગ્રહસ્થમાં આટલી બધી વિચારની ઉદારતા હશે એમ હું માનતો નહોતો.
ઇ. સ. ૧૯૧૦ના ડીસેમ્બરમાં ભવન સ્થપાયું અને તેમાં રણજીતરામભાઈએ ઇતિહાસ શીખવવાનું માથે લીધું. આ શિક્ષણ લાંબી મુદત આપી ન શકાયું કારણ કે ૧૯૧૨ના ડીસેમ્બરમાં પટ્ટણીસાહેબ મુંબઈ ગયા તેમની સાથે તેમણે પણ ભાવનગર હંમેશ માટે છોડ્યું.
ભાવનગર છોડ્યા પછીથી ભાઈ નૃસિંહપ્રસાદ સાથે તેમણે ભવન સંબંધે પત્રવ્યવહાર ચાલુ રાખ્યો. ભવનને તેમના વિચારોમાં હંમેશ પ્રથમ સ્થાન હતું અને એક સામાન્ય બોર્ડીંગમાંથી વધીને તે મોટી સંસ્થા થાય તેવાં તેમનાં સ્વપ્નો સાચાં પડ્યાં છે તે જોવા તેઓ હાલ હયાત નથી, પરંતુ ભવનના સંચાલકો અત્યારે પણ માને છે કે રણજીતરામભાઈનો આત્મા હંમેશાં તે સંસ્થામાં હાજર છે.
ભાવનગરમાં એમનો સંસાર બહુ સુખરૂપ હતો. કૉલેજ પાસેના એક એકાંત વિશાળ ઘરમાં તેઓ રહેતા. તેમનું મકાન સાહિત્યની સેવા કરનાર કે રાજકીય અથવા શિક્ષણશાસ્ત્રમાં રસ લેનાર ગૃહસ્થોનું વિશ્રામસ્થાન હતું. જે બધાં વરસો તેઓ ભાવનગરમાં રહ્યા તેમાં એક બે વખત જ મહીનો પંદર દિવસ તેઓ ભાવનગરથી અમદાવાદ ગયા હતા. આજે દસ બાર વરસે એ દિવસો હું ફરી સ્મરણમાં લાવું છું. રાત્રે ચાંદનીમાં મનોહર સરોવરના કિનારા તરફ, વિશાળ બાગમાં કે મીલની પાછળના મેદાનમાં તેઓ એક બે મિત્રો સાથે ફરતા. મંડળ જામ્યું હોય ત્યારે સ્વાભાવિક રીતે વાત તો તેજ કરતા. વિષય સામાજીક સુધારણનો હોય, સાહિત્ય–પ્રવૃત્તિનો હોય, ચાલુ શિક્ષણપદ્ધતિનો અથવા દેશી રાજ્યોનો હોય, પણ તેઓજ મુખ્ય વક્તા હોય.
કવિ નાનાલાલ રણજીતરામભાઈના ગાઢ સ્નેહી હતા. તેમની કવિતા નવીન કવિતા તરીકે આદર પામી હાલ દરેક યુવાનોમાં વંચાય છે, તેની શરૂઆત રણજીતરામભાઈના જમાનાથી થયલી. અમદાવાદમાં તેઓ હતા તે વખતે એક દિવસ ફરવા જતાં પ્રાર્થનાસમાજનો પટાવાળો “જ્ઞાનસુધા” વેચતો હતો. રણજીતરામભાઈએ તે જોયું અને વેચાતું લીધું. એ અંક ૧૮૯૮ના માસથી ડીસેંબર ૧૮૯૯ના માર્ચમાં લગભગ બહાર પડેલો હતો. તેમાં ‘વસંતોત્સવ’ છપાયું હતું. રણજીતરામભાઈએ એ આખું જોયું અને પટાવાળા પાસેથી મળ્યા તેટલા બીજા અંકો પણ ખરીદ્યા. ઘેર જઈ તે કાવ્ય ધ્યાનપૂર્વક વાંચ્યું, અને તેની અંદર તેમને અનેક આકર્ષક અંશો જણાયા. ‘વસંતોત્સવ’ ઉપર એમણે સૌ પહેલી ટીકા લખેલી,–જો કે તે અધુરી જ રહેલી. તે “સાહિત્ય” માસિકમાં કટકે કટકે છપાયલી છે. મૂલ નિબંધ સુરત કાયસ્થ મંડળ સમક્ષ ભાષણરૂપે વાંચ્યો હતો.
આ વખતથી જ તેમને ગુજરાતી વાંચવા તરફ વિશેષ આકર્ષણ થયું. નાનપણથી જ પોતાના ઘરમાં પ્રાચીન કાવ્યમાલાનાં પુસ્તકો હતાં તે વાંચવાનો તો તેમને શોખ હતો, પરંતુ આધુનિક ગુજરાતી સાહિત્ય તો એમણે કૉલેજમાં દાખલ થઇને જ વાંચવા માંડ્યું. તેમનો ઉદ્યોગ ઘણો હતો. સારાં સારાં કાવ્યો નોંધી લેતા. એવી એક આખી નોટબુક હાલ પણ મારી પાસે પડી છે; જેમાં રા. મણિશંકર રત્નજી ભટ્ટની દુષ્પ્રાપ્ય કવિતાઓ સ્વચ્છ અક્ષરે લખેલી છે. રા. અંજારીઆ ‘કાવ્યમાધુર્ય’ જેવો સંગ્રહ પ્રકટ કરે છે એ વાત તેમના જાણવામાં આવી ત્યારે પોતે એકઠી કરેલ કવિતાનો સમૂહ તેમને આપ્યો એમ તેમના કહેવા ઉપરથી મારા મન ઉપર છાપ રહેલી છે.
રા. રા. નાનાલાલ કવિ ભાવનગરમાં વારંવાર આવતા કારણ કે રા. મણિભાઈ સાથે તેમને ઘણો સ્નેહ હતો. ઉતારો મણિભાઈને ત્યાં હોય પણ આખો દિવસ હરવાફરવાનું રણજીતરામભાઈ સાથે. એ બે જણનો મેળ કૈં અદ્ભુત હતો. કવિના જેવો પ્રતિભાશાળી પુરુષની રણજીતરામભાઈને પુરી કદર હતી અને તેમના લેખો માટે પક્ષપાત હતો. કવિ પણ ખરા મિત્રભાવથી દરેક લેખ તેમને જોવા અને સુધારવા મોકલી આપતા. રણજીતરામભાઈના હાથથી ઉભી થયલી સાહિત્ય પરિષદનું અધિવેશન રાજકોટમાં ઈ. સ. ૧૯૦૯માં અગાઉના કોઈપણ અધિવેશન કરતાં વધારે વિશાળ ધોરણ ઉપર થયું. તેના એક મંત્રી રા. બલવન્તરાય ઠાકોર હતા. તેમણે પરિષદ માટે ફર્લો લીધી હતી અને પરિષદને ફતેહમંદ કરવા તેમણે સ્થલે સ્થલે ભાષણો કર્યા હતા. ભાવનગરમાં પરિષદની એક પેટાકમીટી નીમી હતી અને તેના મંત્રી તરીકે રણજીતરામભાઈ હતા. તેમને તો પરિષદ કોઈ રીતે વિજયી નીવડે એવો જ આગ્રહ રહેતો અને તેથી તેમણે જાહેર સૂચનાઓ છાપા દ્વારા કરવા માંડી. સહેજ અસાવધપણાથી, ત્રીજી પરિષદના પ્રમુખ તરીકે નરસિંહરાવભાઈની પસંદગી થવી જોઈએ એમ એમનાથી લખાયું અને તે લખાણ ઉપર અનેક જાતના પ્રહાર થવા માંડ્યા. વાતાવરણ જ તદ્દન બદલાઈ ગયું. ભાવનગરની સભાએ દરખાસ્ત પસાર કરી તે પણ જુદી દૃષ્ટિથી જોવાઈ અને બે પક્ષ પડી ગયા. રણજીતરામભાઈ કયા પક્ષમાં રહેશે તેની કોઈને શંકા નહોતી જ. પરિષદથી અલગ થવાય તેમ નહોતું. પરિષદના હરકોઈ કાર્યવાહકો–ગમે તેટલા શાણા અને દીર્ઘદર્શી હોય–તેમને પણ રણજીતરામભાઈની ઉપયોગિતા જણાતી. રાજકોટમાં કોઇક ન સમજાય તેવા મતભેદથી કવિ પરિષદથી જુદા પડ્યા હતા અને તેવી વિષમ સ્થિતિમાં રણજીતરામભાઈએ પોતાનો ધર્મ બરાબર બજાવ્યો. કવિ સાથે એવો જ સંબંધ રહ્યો અને પરિષદથી પણ પોતે જુદા ન પડ્યા. એ વખતે ઘણી કડવી ચર્ચાઓ ચાલી હતી અને તેજ કલહના પરિણામરૂપે આજ પણ હું ધારું છું કવિ જેવા સાક્ષર પરિષદથી દૂર જ રહ્યા છે. રણજીતરામભાઈને આ કલહ ઘણો જ સાલતો, પરંતુ લાંબી મુદતે ‘સરલ કાઠીઆવાડીઓએ’ પરિષદના સુકાનને જે રીતે ચલાવ્યું તે વાજબી હતું એમ લાગેલું. પણ એ માન્યતા થતાં વરસો વીત્યાં હતાં.
કવિનો સ્વભાવ મોજી અને તડફડ કહી દેવાનો એમ છતાં રણજીતરામભાઈ તરફની ચાહના એમને ઘણીજ. તેઓ રણજીતરામભાઇની ઉન્નતિ થાય તેમ હંમેશ ઇચ્છતા અને તેવા યત્નો પણ વારંવાર કરતા. પરિણામ કાંઇ ન આવ્યું તે ખેદની વાત છે. કવિ ભાવનગરમાં હોય ત્યારે વાતોના બહાર ચાલે. રાત્રે સુવાની વાત કેવી? બબ્બે વાગ્યા સુધી એકઠા બેસી અનેક પ્રકારની વાતો થાય, અનેક ચર્ચાઓ થાય. તેમાં કવિની પોતાની કવિતાઓ માટે પણ બધુંજ સારું કહેનાર સૌ ન બેઠા હોય. તેમની ખોડ બતાવતાં તેઓ હસે અને એમજ કહે “ત્યારે એમ માને.” રણજીતરામભાઈ કાવ્યની ખુબી બહુ સારી રીતે સમજતા. ધ્વનિ અને વ્યંગ ઉપર તેઓ બહુ પ્રસન્ન થતા પરંતુ પિંગળ ન જાણતા એટલે તેમને મન તો કવિની અપદ્ય કવિતા, અક્ષરમેળ કે માત્રામેળ છંદ બધું સરખું હતું. મને એમ લાગેલું કે કવિની કવિતા શાસ્ત્રીય નથી એ વાતથી તેમને ક્ષોભ નથી થતો તેનું કારણ આ પિંગળનું અજ્ઞાન જ છે. ગમે તેવી મનોહર કલ્પનાઓ ભરી હોય, ઉચ્ચ ભાવનાઓ હોય પરંતુ જ્યાં ગેય જ નહીં ત્યાં કવિતા તરીકે તે કઈ રીતે સ્વીકારાય? રણજીતરામભાઈને કવિની કવિતા માટે એટલો પક્ષપાત હતો કે બલવન્તરાય ઠાકોર તેમને કવિના શિષ્ય ગણતા.
ભાવનગરના આ નિવાસનો ઇ. સ. ૧૯૧૨ના ડીસેંબરમાં અચાનક અંત આવ્યો. પટ્ટણીસાહેબ મુંબઇના ગવર્નરની કારોબારી કાઉન્સીલમાં નીમાયા. પટ્ટણીસાહેબ ભાવનગરથી જાય ત્યાર પછી ત્યાં રહેવા રણજીતરામભાઈની ઇચ્છા નહોતી. આટલા વરસના અનુભવ અને અવલોકનથી દેશી રાજ્યો માટે તેમને તિરસ્કાર આવ્યો હતો. માત્ર ભાવનગરનો જ તેમણે અભ્યાસ નહોતો કર્યો. દરેક રાજ્યો તરફથી પ્રકટ થતા વાર્ષિક અહેવાલો તેઓ ધ્યાનપૂર્વક વાંચતા–તે બધા અહેવાલો ઉપર જાતે ટાંચણ પણ કરતા અને તેમને ખાત્રી થઈ હતી કે દેશી રાજ્યો સુધર્યા સિવાય રહેવા યોગ્ય નથી.
પટ્ટણીસાહેબે તો રણજીતરામભાઈ સંબંધે શી વ્યવસ્થા કરવી તે ધારી મુકેલું જ હોવું જોઈએ, રણજીતરામભાઈએ ચાલવાનું હતું તેના આગલા દિવસ સુધી પોતે હવે શું કરવા ધારે છે તે બાબત પટ્ટણીસાહેબને કે તેમનાં ઘરનાં બીજાં કોઈને જણાવ્યું નહોતું. પરંતુ તેજ રાત્રે પટ્ટણીસાહેબે રણજીતરામભાઈને મુંબઈ પણ સાથે જ આવવા કહ્યું. રણજીતરામભાઈને કાંઈ તૈયારી કરવાની નહોતી જ. ભાવનગર છોડવું જ હતું તેથી ટ્રેનમાં બીજે દિવસે સાથે જ બેઠા.
ઇ. સ. ૧૯૧૩થી માંડી ૧૯૧૬ના એપ્રીલ સુધી રણજીતરામભાઇ પટ્ટણીસાહેબ સાથે રહ્યા. મુંબઈના આવા ટુંકા નિવાસમાં તેમણે ઘણું કામ કર્યું. પરિપક્વ અભ્યાસ વિના કોઈ લેખ લખવા તેઓ પ્રવૃત્ત ન થતા. મુંબઈમાં રહ્યા પછી તેમણે લેખો લખવા માંડ્યા. ગુર્જર સભામાં ભાષણો આપવા માંડ્યાં. પુના અને મહાબલેશ્વરમાં રહેવાનું થતું ત્યારે પણ ત્યાં સાહિત્યની ઉપાસના આદરતા. પુનાની ડેક્કન કૉલેજની લાયબ્રેરીનો તેમજ ધારાસભાની લાયબ્રેરીનો સારો લાભ લીધો. ફર્ગ્યુસન કૉલેજમાં શીખતા ગુજરાતી વિદ્યાર્થી સાથે તેઓ ભેળાતા. ઐતિહાસિક નોટ્સ તેમણે આ વખતે તૈયાર કરી કારણ કે તેઓ ભાવનગરમાં હતા. ત્યારથી ઇતિહાસનું એક પ્રમાણભૂત પુસ્તક બહાર પાડવા ઇચ્છતા હતા પરંતુ જોઈએ તેટલાં સાધનો ત્યાં મળ્યાં નહોતાં. તામ્રલેખો, અને શિલાલેખોમાંની અગત્યની સામગ્રી તેમણે ઘણી મહેનતથી નકલ કરી ઉતારી લીધી. એ સામગ્રીનો ઉપયોગ તેમના હાથથી થવા વારો આવ્યો નહીં. હાલ ફાર્બસ સભાએ ઉદારતાથી તે બધી નોટ્સ ખરીદી લીધેલી છે.
ઇતિહાસ ઉપરાંત તેમણે હીંદુસ્થાનની સ્ત્રી કવિઓ ઉપર પુસ્તક લખવા ધાર્યું હતું. સંસ્કૃત, ઉર્દુ, બંગાળી, મરાઠી સ્ત્રી કવિઓની માહિતી તેમણે મેળવી હતી તે કટકે કટકે લેખરૂપે ‘વસંત’માં પ્રસિદ્ધ કરાવી હતી.
પરંતુ તેમને ખરેખરો શોખ તો વાર્તા–નવલકથાનો હતો. તેમણે જુવાનીથી એક સારી નવલકથા લખવા ધારેલું. હાલ તેમની જે નોટો પડી છે તેમાં અનેક વાર્તાઓનાં ખોખાં તૈયાર કરેલાં છે. કોઈની લીંટી, કોઈનું પાનું અને કોઈનાં ચાર પાનાં લખેલ છે. એ બધી વાતો અપૂર્ણ જ છે માત્ર તેમણે પુનામાં હતા ત્યારે “સાહેબરામ” સૌથી મોટી વાત લખવા માંડી. અમુક ભાગ લખાયો, પણ પછીથી અધુરો રહ્યો, અને કદી તે ભાગ પુરો ન થયો. એ વાર્તામાં એમનો અભ્યાસ જણાઇ આવે છે. પાછળથી મિત્રોમાં એ વાર્તા સંબંધે ચર્ચા કરવા માંડી અને હું ધારું છું ભાઈ ચંદ્રશંકર પંડ્યાએ વસ્તુ ફેરવવા કહેલું. રણજીતરામભાઈને પોતાને પણ આખી લખાઈ છે તે રૂપમાં વાર્તા પસંદ નહોતી આવતી તોપણ તે સહજ રીતે જ લખાઈ ગઈ છે એટલે હવે કાંઈ ફેરવવું નહીં એવા અભિપ્રાયથી તેમણે સુધારો કરવા માંડી વાળેલો. “સાહેબરામ” તથા “સહીયરો”ના પાત્ર આલેખનમાં એમના પરિચયમાં આવેલી ઘણી વ્યક્તિઓની આછી છાપ જણાઈ આવે છે તોપણ ઉપર લખવા પ્રમાણે ભૈરવનાથ શેઠનું પાત્ર ગજ્જરસાહેબ ઉપરથી અને “સહીયરો”માં પ્રો. નરનારાયણનું પાત્ર ભાઈ નૃસિંહપ્રસાદ ભટ્ટ ઉપરથી યોજેલું દેખાઈ આવે છે. વાર્તાના નાયક સાહેબરામની કલ્પના એકજ વ્યક્તિ ઉપરથી નથી ઉઠેલ પણ બેચાર વ્યક્તિના ચારિત્ર્યની મેળવણી છે. ‘સરસ્વતીચંદ્ર’માં અલકકિશોરી અને નવીનચંદ્રનો પ્રસંગ વર્ણવાયો છે એને મળતો સેનાનો પ્રસંગ આવે છે તે વાત તેમને સાલતી. કેટલાકે એમ પણ ઠસાવવા યત્ન કરેલો કે આપણે ભણેલા માણસો વિદ્યાની આવી હાંસી કરશું તો કન્યાઓને કેળવણી આપવા તરફ ભણેલા માણસોનું પણ વલણ રહેશે નહીં. તેમણે પોતે આ પ્રસંગનું કદી સમર્થન તો કરેલું નહીં જ એમ મને ખબર છે. માત્ર અનાયાસે લખાયું છે અને મનુષ્યસ્વભાવમાં એવી નિર્બલતા છે એવું અનુભવીએ છીએ માટે જ ફેરફાર નથી કર્યો. હકીકત તરીકે એક વાત જણાવવી જરુરની છે. તેઓ કહેતા કે હું બધા સાથે ભેળાઉં એવી પ્રકૃતિનો પહેલેથી જ નહીં, એટલે જીવનમાં ઘરનાં માણસો સિવાય કોઇને જાણવા કે મળવાનો પ્રસંગ સરખો આવ્યો નથી.
મુંબઇના એમના નિવાસ દરમીઆન તેઓ મોરારજી ગોકુલદાસની નવી ચાલીમાં રહેતા. ત્યાં ભાઈ ચંદ્રશંકર પંડ્યા, કનૈયાલાલ મુનશી, ઈંદુલાલ યાજ્ઞિક અને અંબાલાલ જાની સાથે ઘણા પરિચયમાં આવ્યા. ભાઈ ચંદ્રશંકરે તથા રા. મુનશીએ પોતાના રણજીતરામભાઈ સંબંધેના અનુભવો જુદે જુદે સ્થલે આપ્યા છે. ભાઈ યાજ્ઞિકે પણ ધર્મજના વિદ્યાર્થીઓ સમક્ષના ભાષણ પ્રસંગે રણજીતરામભાઈ સંબંધે હાર્દિક ઉદ્ગારો કાઢ્યા હતા.
રણછતરામભાઈએ લખવાનું ઇ. સ. ૧૯૦૨થી શરુ કરેલ. પ્રથમ “વસંતોત્સવ” ઉપરની ટીકા તથા વિક્રમ સંવતના ૧૮મા સૈકામાં ગુજરાતનું સાંસારિક અને ધાર્મિક દર્શન જે “M”ની સહીથી ‘બુદ્ધિપ્રકાશ’માં કટકે કટકે પ્રસિદ્ધ થયેલ છે. તેમનું શાળામાં નામ રણજીતરામ હતું પરંતુ કુટુંબમાં સૌ મણિભાઈ કહીને બોલાવતા તેથી “M” એવા એ નામના પ્રથમાક્ષરથી એ નિબંધ છપાવેલ છે.
ઉમરેઠના ટુંકા નિવાસ દરમીઆન તેમણે લોકગીતો ઘણાં એકઠાં કર્યા હતા. એ વરસે દુકાળ હતો અને કાઠીઆવાડ તથા ગુજરાતનાં અનેક નિર્ધન થયેલ કુટુંબો ગામડાણાંથી નીકળી ઉદરનિર્વાહાર્થે શહેરમાં નીકળી પડતાં. રણજીતરામભાઈનાં વહુ આવાં સ્ત્રી પુરુષોને ખાવાનું આપી ગીત ગવરાવે અને ત્યારે જ લખી લે. આ રીતે આ સંગ્રહ પતિપત્ની બન્નેએ એકઠો કરેલો છે. ઘણાં ગીતોની મૂલ નકલ સ્વ. શાન્તાબેનની લખેલી છે.
ભાવનગરમાં તેઓ હતા ત્યારે “ઇસુનું વર્ષ ૧૯૦૮” એ નામનો લાંબો લેખ તેમણે ‘બુદ્ધિપ્રકાશ’ માટે લખ્યો. ગુજરાતની બધી હીલચાલોનું અવલોકન તેમાં કરેલું છે. એ પ્રથા ચાલુ રાખવા તેમને અભિલાષા હતી પણ પાછળથી અનેક વ્યવસાયમાં રહેવાનું થવાથી તે નિયમસર લખી ન શકતા અને એવા નિબંધોની કીંમત અમુક કાલ સુધીની જ હોય છે એ વાત પણ તેઓ માનતા. એમના દાખલાથી ગુજરાત વર્નાક્યુલર સોસાયટીએ બે ગૃહસ્થોને જુદાં જુદાં વરસોનું અવલોકન લખવાનું કામ સોંપ્યું પણ ફલ કૈં આવ્યું નથી. ગુજરાતની બધી પ્રવૃત્તિઓનું ટુંકામાં દિગદર્શન કરાવનાર લેખ તરીકે એ જ લેખ હાલ માર્ગદર્શક છે.
XXX
રાજકોટમાં ઈ. સ. ૧૯૦૯માં ત્રીજી પરિષદ મળી તે વખતે સામાન્ય મંત્રીઓ તરીકે પહેલીજવાર રમણભાઈની સાથે પ્રો. આનંદશંકર અને પ્રો. ઠાકોર નીમાયા. ઇ. સ. ૧૯૧૨માં વડોદરામાં ચોથી પરિષદ મળી તે વખતે ભાવનગરથી રણજીતરામભાઈ મિત્રમંડલ સાથે ત્યાં ગયા હતા. તે વખતે પરિષદના બંધારણનો ખરડો રચવામાં તેમણે ઘણો અગત્યનો ભાગ લીધો. રાજકોટમાં જે વિસંવાદ ઊભો થયો હતો તે અમુક અંશે શમ્યો હતો–જો કે કવિ તો હાજર નહોતા રહ્યા–અને પરિષદ્ ઘણી રીતે સફલ થઇ હતી.
પાંચમી પરિષદ્ ઇ. સ. ૧૯૧૫ના મે માસમાં સુરતમાં ભરાઈ. આ પ્રસંગે રણજીતરામભાઇએ ઘણું કામ કર્યું. પરિષદના સ્થાનિક મંત્રીઓમાં ભાઈ મનહરરામનો ઉદ્યોગ ઘણો જ હતો અને તેથી પરિષદ્ વિજયી નીવડી. પરંતુ રણજીતરામભાઈએ પણ ખાસ એક માસની રજા પરિષદ્ માટે જ લીધી હતી. અને પરિષદ્ સંબંધનો ઘણો ભાર પોતાને માથે લીધો હતો.*[1]
- ↑ * લાભશંકર પ્રભુરામ ભટ્ટ (ગુજરાત જેષ્ઠ સં. ૧૯૮૭, વર્ષ ૧. અંક ૩.)