ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૬ઠ્ઠું/શ્રી મન્નૃસિંહાચાર્યજી

From Ekatra Foundation
Jump to navigation Jump to search


શ્રીમન્નૃસિંહાચાર્યજી

[વડોદરાના શ્રેયસ્સાધક અધિકારિ વર્ગના આચાર્યશ્રી]

સમસ્ત ગુજરાતમાં શ્રેયસ્સાધક વર્ગનું નામ આજે સુપ્રસિદ્ધ છે. એ સુપ્રસિદ્ધ અને સુપ્રતિષ્ઠિત વર્ગના સંસ્થાપક મૂળ પુરુષ શ્રીમન્નૃસિંહાચાર્યજી હતા. એમનો જન્મ સંવત્ ૧૯૧૦ના કાર્તિક વદ ૧૪ના દિવસે; સુરત જિલ્લાના માંડવી તાલુકાના કડોદ ગામમાં થયો હતો. તેઓ શુકલ યજુર્વેદની માધ્યંદિની શાખાના અધ્યાયી, ગાર્ગીયિગોત્રીય, વિશનગરા નાગર બ્રાહ્મણ જ્ઞાતિના હતા. તેમના પિતાનું નામ દુર્લભરામ હતું. તેઓ સુશીલ વૃત્તિના અને ભક્તિમાન હૃદયના હતા. તેમનાં માતુશ્રી મહાલક્ષ્મી પણ સ્વધર્મનિરત ભક્તિપૂર્ણ હૃદયવાળાં હતાં. તેમને બીજા ચાર ભાઈ હતા અને તેમાં દલપતરામ પણ કવિ તરીકે પ્રસિદ્ધ હતા. ‘સકલશાસ્ત્ર નિરૂપણ’ નામનો તેમનો લખેલો એક ગ્રંથ છે.

બાલ્યાવસ્થામાં સામાન્ય શિક્ષણ લીધા પછી તેમના પિતાશ્રી પુત્રોને સુક્ષિણ મળે તે હેતુથી સુરત આવી વસેલા. ત્યાં તેમને ગુજરાતી નિશાળમાં મૂકવામાં આવ્યા. પરંતુ બાલ્યાવસ્થાથી જ એમની વૃત્તિ વિલક્ષણ સ્વરૂપ ધારણ કરતી હતી અને તેથી ઘેરથી નિશાળે જવા નીકળતા પરંતુ નિશાળે ન જતાં નદી તટે એકાંતમાં વિચરતા અથવા તો સાધુ સંતોના આશ્રમોમાં જઈને બેસતા. આમ છતાં નિશાળમાં કોઈ કોઈ દિવસે હાજરી આપતા અને તે વખતે તેમનો અભ્યાસ સારો જણાતો. થોડો ગુજરાતી અભ્યાસ કર્યા પછી અંગ્રેજી અભ્યાસ શરૂ કર્યો. સુરતની મિશન હાઈસ્કુલમાં અંગ્રેજી અભ્યાસ કરતા ત્યારે તેમનું વય આશરે ચૌદ પંદર વર્ષનું હતું, પરંતુ તે વયે પણ તેમના શિક્ષક રેવરંડ મોન્ટગોમરી સાથે ધાર્મિક વિષયમાં ચર્ચા કરતા અને તે કાળે પણ તેમનામાં પ્રતિભાનાં કિરણો ઝળકતાં.

અંગ્રેજી અભ્યાસ કરી, તે વખતે ચાલતી ‘પબ્લિક સર્વિસ’ની પરીક્ષા આપી અને તેમાં ઉત્તીર્ણ થયા.

એ સમયમાં સુરતમાં નવો પ્રાર્થના સમાજ સ્થપાયો હતો. તેના વ્યવસ્થાપકોમાંના કેટલાએક તેમની સુંદર વિચારશૈલી અને વક્તૃત્વથી પરિચિત હતા અને તેથી સમાજના પ્રચારકાર્ય માટે તેમને ઉપદેશક નિમ્યા. તે સમાજના પુરુષો એજ તેમના નામ સાથે આચાર્યપદ જોડ્યું હતું અને ત્યારથીજ તેઓ નૃસિંહાચાર્યજીના નામથી પ્રસિદ્ધિ પામ્યા હતા.

સુરતમાં તે હતા તે સમયમાં તેમને મધુસૂદન સ્વામિ નામે નેવુ વર્ષના વૃદ્ધ સન્યાસી સાથે સમાગમ થયો હતો. એ સ્વામિ મંત્રશાસ્ત્રમાં ઘણા કુશળ હતા. બીજા એક ભૂમાનંદ સ્વામિનો સમાગમ પણ થયેલો. ઉપનિષદ્ વગેરેનું થોડું તેમની પાસે અધ્યયન તેમણે કર્યું હતું. એ ઉપરાંત સુરતમાં એક વૃદ્ધ બ્રહ્મચારી મોહનલાલજી હતા. તેઓ ભક્તિપૂર્ણ હૃદયથી તલ્લીન થઈ કીર્તનો બહુ ઉત્તમ પ્રકારે કરતા. તેમના સમાગમનો યોગ પણ તેમને થયો હતો.

સંવત્ ૧૯૩૦–૩૧ના અરસામાં વડોદરા કેમ્પમાં રેસીડેન્સીમાં પબ્લીક વકર્સ ડીપાર્ટમેંટમાં નોકરી મળવાનો યોગ આવ્યો. એ નોકરીમાં પણ તેમની કારકીર્દી વિલક્ષણ હતી. પોતાની જગાનું કામ અલ્પ સમયમાં પૂરું કરી સ્વતંત્ર વિચરતા. પરંતુ તેમના કામથી તેમના ઉપરી અધિકારીઓ સંતુષ્ટ રહેતા અને ત્યાંના કેટલાક અવ્યવસ્થિત કામની થયેલી સુવ્યવસ્થાથી મી. બોકલાર્ક બહુ પ્રસન્ન થયેલા. તેમના ઉપર સાહેબને સ્વાભાવિક સ્નેહ અને મમત્વ પ્રકટેલાં. તેઓ એ સમયમાં પોતાની સ્વતંત્ર વૃત્તિને લીધે રાજીનામું ગજવામાં દરરોજ રાખી મૂકતા. ઉપરી અધિકારીની અપ્રસન્નતા જણાતાં તે આપી દેવાનો જ વિલંબ!

એ સમયે તેમનું નિવાસસ્થાન કેમ્પ પાસે નિજામપુરામાં હતું. તેમના સમાગમમાં આવનાર મનુષ્યોનું તેમની અધ્યાત્મવિષયોની ચર્ચાથી ત્યારથી જ આકર્ષણ થવા લાગ્યું હતું અને એ વર્ગને અર્થે તેમણે સ્વતંત્ર કાવ્ય રચના ત્યારથીજ શરૂ કરી હતી. એ કાવ્યો નૃસિંહવાણીવિલાસ પ્રથમ પુસ્તકરૂપે હાલમાં પ્રસિદ્ધ છે. કર્ણોપકર્ણ તેમના સંબંધમાં વડોદરાની જનતા જાણીતી થવા લાગી. તેમની ભવ્ય અને પ્રતાપી મુખમુદ્રા, વર્ચસયુક્ત તેજસ્વી કાંતિ, દિવ્યપ્રતિભા, રસગંભીર વાણી, આશ્ચર્યજનક યુક્તિવાદ અને નિર્મળ પ્રેમ ભરી વૃત્તિથી ક્રમે ક્રમે ગુજરાત સમસ્તનો ઉચ્ચ સંસ્કારી સુશિક્ષિત વર્ગ તેમના પ્રતિ આકર્ષાયો. તે સમયે પશ્ચિમના જડવાદનું વાતાવરણ પ્રભલ હતું. અંગ્રેજી કેળવણીના રંગથી ત્યાંની સંસ્કૃતિ જ સર્વોત્તમ છે એવો ખોટો મોહ પ્રજામાં વિશેષ વધતો જતો હતો. આર્ય શાસ્ત્રો આપણી યોગવિદ્યા, આપણી તત્ત્વવિદ્યા વગેરે કપોલ કલ્પિત અને ગપગોળાકાંડ માત્ર છે એવું મંતવ્ય નવ શિક્ષિકોમાં જ્યાં ત્યાં વધતું જતું હતું. પરંતુ શ્રીમન્નૃસિંહાચાર્યજીએ સુંદર વિચાર શ્રેણીથી આપણી તત્ત્વવિદ્યા જગતની વિદ્યાપાત્રના શિખર ઉપર છે, આપણી યોગશાસ્ત્રના ચમત્કારિક વાતો ગપગોળા નથી પરંતુ સિદ્ધ અધ્યાત્મ નિયમો અને માનસશાસ્ત્રના સિદ્ધાંતો ઉપર રચાયેલી સત્ય વસ્તુઓ છે, એ સ્પષ્ટ કર્યું હતું અને તેથી અંગ્રેજી કેળવણીમાં આગળ વધેલો ઘણો મોટો વર્ગ તેમના પ્રતિ આકર્ષાયો હતો અને વડોદરા રાજ્યનો તેમજ અંગ્રેજી રાજ્યનો મોટો અમલદાર વર્ગ તેમના શિષ્યવર્ગમાં હતો અને છે. તેમના શિષ્યવર્ગમાંના ઘણા સાક્ષર વર્ગમાં ઉત્તમ ગણાતા વિદ્વાનો છે. મહાકાલ માસિક દ્વારા અધ્યાત્મ વિદ્યાનું પ્રબલ આંદોલન ઉત્પન્ન કરી પ્રખર અધ્યાત્મભાવનાઓથી ગૂજરાતની પ્રજાને જાગ્રત કરનાર મહાકાલના સુપ્રસિદ્ધ વિદ્વાન તંત્રી શ્રીયુત છોટાલાલ જીવનલાલ, તેમના પટ્ટ શિષ્ય હતા. એ ઉપરાંત પ્રિન્સિપાલ કણીયા (કીકાણી પ્રાઇઝ માળાના પાતંજલ યોગદર્શનના વિદ્વાન લેખક), હિંદ તત્ત્વજ્ઞાનનો ઇતિહાસ, ઉપનિષદ્ વિચારણા વગેરે તાત્ત્વિક ગ્રંથોના વિદ્વાન લેખક દિ. બા. નર્મદાશંકર મહેતા, શ્રીયુત નગીનદાસ ગોકળદાસ મહેતા બી. એ. (વડોદરા રાજ્યના એજ્યુ. ઇન્સ્પેકટર), ષડ્દર્શન સંગ્રહના કર્તા શ્રીયુત મણિશંકર હરગોવિંદ ભટ્ટ, શ્રીયુત કૌશિકરામ વિઘ્નહરરામ મહેતા, શ્રીયુત નગીનદાસ સંગવી વગેરે અનેક સુપ્રસિદ્ધ વિદ્વાનો છે.

કેમ્પની નોકરીમાંથી મુક્ત થઈ પછીથી વડોદરા શહેરમાં, ભૂતડીને ઝાંપે, તેઓ આવીને રહ્યા હતા. હાલ ત્યાં વિશાળ આશ્રમ છે અને ‘નૃસિંહાશ્રમ’ના નામથી પ્રસિદ્ધ છે. આ સ્થાનમાં આવ્યા પછી અનેક દૂર દેશના વિદ્વાનો, સાધુ સન્યાસીઓ વગેરે તેમના સમાજનો લાભ લેતા. શ્રીયુત મનઃસુખરામ સૂર્યરામ ત્રિપાઠી, વડોદરાના દિવાન સાહેબ મણિભાઈ જસભાઈ, વગેરે પ્રતિષ્ટિત પુરુષો તેમના દીર્ઘ પરિચયમાં હતા. થીયોસોફીકલ સોસાયટીના તે સમયના પ્રમુખ કર્નલ ઑલ્કોટ પણ કોઈ કાર્ય અર્થે તેમને મળવા આવેલા, વડોદરા રાજ્યના પ્રસિદ્ધ સંગીતાચાર્ય પ્રો૦ મૌલાબક્ષ તેમના દૃઢ સમાગમમાં હતા અને નિત્ય તેમના આશ્રમમાં આવી કીર્તનો ગાતા. સંગીતનું નોટેશન પદ્ધતિથી શિક્ષણ તેમણે જ શરૂ કર્યું હતું અને એમણે કરેલાં નોટેશન માટેનાં કાવ્યો તેમણે શ્રી નૃસિંહાચાર્યજી પાસે રચાવ્યાં હતાં.

એમનો શિષ્યસમૂહ શ્રેયસ્સાધક અધિકારી વર્ગના નામથી સમાજમાં પ્રસિદ્ધિ પામ્યો. એ વર્ગ તરફથી મહાકાલ માસિક પ્રકટ કરવામાં આવ્યું. શ્રીમન્નૃસિંહાચાર્યજીના પછી પણ એ માસિક શ્રીયુત છોટાલાલ જીવણલાલના તંત્રીપણા નીચે ચાલુ હતું અને આધ્યાત્મિક અને ધાર્મિક વિષયોની સુંદર ચર્ચા દ્વારા ગુજરાત સમસ્તની બહુ ઉત્કૃષ્ટ સેવા બજાવી છે.

શ્રીમન્નૃસિંહાચાર્યજીએ કોઈ સ્વતંત્ર મત કે પંથનું સ્થાપન કર્યું નથી. આર્ય તત્ત્વવિદ્યાનાં રહસ્યોનું જ્ઞાન આપી તેના અધ્યયન અધ્યાપનની પાઠશાળા સમાન એમની સંસ્થા કાર્ય કરતી અને કરે છે. તેમણે દેહોત્સર્ગ સ્વેચ્છાપૂર્વક સંવત ૧૯૫૩ના શ્રાવણ શુદ પંચમીને દિવસે મધ્યાહ્ને કર્યો હતો એમ મનાય છે.

તેમનું વર્તન નિતાંત નિરભિમાન અને પ્રતિક્ષણ નિરભિમાનતાનું બોધક હતું. ગુરુમાં ગુરુપદ શિષ્યોથી આરોપિત હોય છે અને તેનું અભિમાન હોવું એ ગુરુના ભૂષણરૂપ નહિ પણ દૂષણરૂપ છે એમ તેમનું મંતવ્ય અને આચરણ હતું.

તેમની પછી તેમના જ્યેષ્ઠ પુત્ર શ્રીમદ્ ઉપેન્દ્રાચાર્યજી આચાર્ય પદે છે. બીજા પુત્ર શ્રીસુરેશ્વરાચાર્ય પણ વિદ્યમાન છે. એક પુત્રી શ્રીમતી ભારતી દેવી હતાં. તેમનું લગ્ન રાજકોટના એ. જી. જી.ના દફતરદાર સાહેબ હિંમતરામજીના પૌત્ર સાથે થયું હતું. તેમનું અવસાન થોડા સમય પૂર્વે ઇ. સ. ૧૯૩૨માં થયું હતું.

શ્રીનૃસિંહાચાર્યજી જાતે ગૃહસ્થાશ્રમી હતા અને ગૃહસ્થાશ્રમમાં રહીને નિષ્કામ ભાવથી ગૃહસ્થાશ્રમનાં સર્વ કાર્ય કરતાં જ જીવન મુક્ત દશાને પ્રાપ્ત કરવી એ તેમનો પ્રધાન ઉપદેશ હતો.

શ્રીનૃસિંહાચાર્યજીએ મહાકાલ માસિકમાં અનેક લેખો લખેલા છે. તેમાંના લેખોનો સંગ્રહ ગ્રંથરૂપે પ્રકટ થયેલો છે. તેમજ બીજા સ્વતંત્ર ગ્રંથો પણ રચેલા છે. તેમનું શરીર અલ્પ સમય જ રહ્યું છે. તેમનું સ્વરૂપાવસ્થાન મધ્યમાયુમાં થયું. છતાં વિશાળ સાહિત્ય તેમના તરફથી સમાજને મળ્યું છે એ નીચેની યાદી ઉપરથી સ્પષ્ટ જણાય છે.

-: તેમના રચેલા ગ્રંથો :-

(૧) ભામિની ભૂષણ પાંચ ભાગ
(૨) શ્રી ત્રિભુવનવિજયી ખડ્ગ (પૂર્વધારા–ઉત્તરધારા) એકજ ગ્રંથ
(૩) શ્રી સિદ્ધાંતસિંધુ (પ્રથમ તથા દ્વિતીય રત્ન)
(૪) સતી સુવર્ણા
(૫) શ્રી નૃસિંહ વાણીવિલાસ પ્રથમ પુસ્તક
(૬)  ”દ્વિતીય  ”
(૭)  ”તૃતીય  ”
(૮) શ્રી સુરેશચરિત્ર
(૯) શ્રી સદ્બોધ પારિજાતક
(૧૦) સન્મિત્રનું મિત્ર પ્રતિપત્ર
(૧૧) પંચવરદ વૃત્તાન્ત
(૧૨) સુખાર્થે સદુપદેશ