ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૬ઠ્ઠું/કવિ નાગેશ્વર
કાઠીઆવાડ મધ્યે આવેલા કુંડલા ગામ પાસે ગાધકડા નામનું એક નાનકડું ગામ છે. ઘણા વર્ષો પૂર્વે સુમારે ૧૮૫૫ની સાલમાં આ કવિ નાગેશ્વર આ ગાધકડા ગામમાં થઈ ગયા. તે એમની જન્મભૂમિ હતી, અને તે વખતે એ ગામ જૂનાગઢને તાબે હતું.
નાગેશ્વર કવિ કંઈ પિંગળ શીખેલા નહોતા. પરંતુ તેમનામાં નૈસર્ગિક કવિત્વશક્તિ એટલી તો સરસ હતી કે કોઈ પણ સમયે હાજરજવાબી કવિતા તેઓ બનાવી શકતા. ન્હાનપણથી જ તેમને કવિતાનો શોખ લાગ્યો હતો. તે દિવસે દિવસે વધતો ગયો, અને એ શક્તિને તેમણે સારી રીતે કેળવી હતી. પોતે ગરીબ સ્થિતિના બ્રાહ્મણ હતા. તેઓનો ગૃહસ્થાશ્રમી હતા. વિપ્રવૃત્તિમાં જે કાંઈ અલ્પ આવક થતી, તેમાં પોતાનો ગૃહસંસાર ચલાવતા, અને સુખમય શાંત જીવન ગાળતા.
એ ગાધકડા ગામ પ્રથમ જૂનાગઢના તાબાનું હતું. તેની આસપાસ ભાવનગર રાજ્યના તાબાનાં ગામો આવી રહ્યાં હતાં, અને વચ્ચોવચ આ નાનકડું ગાધકડું હતું. તે વખતે જૂનાગઢના હાલના નવાબ સાહેબના પ્રપિતા મહોબતખાનજી ગાદીએ હતા.
વખત જતાં આ નાગેશ્વર કવિનું નામ કાઠીઆવાડમાં બહુ જાણીતું થયું. વાત પરથી વાત નિકળતાં નવાબસાહેબે પૂછયું કે આપણા મુલકમાં સારો કવિ કોણ છે? તેના ઉત્તરમાં તેમને કહેવામાં આવ્યું કે ગાધકડાના નાગેશ્વર કવિ બહુજ કાબેલ છે. તે પરથી નવાબ સાહેબની તેમને જવાની ઇચ્છા થઇ, અને કવિને પોતાની પાસે બોલાવ્યા.
કવિરાજ તો મનમાં વિચાર કરવા લાગ્યા કે, નવાબે મને શાને માટે બોલાવ્યો હશે. પણ નવાબ સાહેબનું ફરમાન આવ્યું, એટલે ગયા વગર ચાલે નહિ, તેથી પોતે જૂનાગઢ ગયા, ને નવાબ સાહેબ પાસે હાજર થયા.
કવિરાજે નવાબસાહેબને અદબથી સલામ કરી કહ્યું કે, આ સેવકને કેમ બોલાવ્યો! જે હુકમ હોય તે ફરમાવો. નવાબસાહેબે તો એવો અટપટો પ્રશ્ન પૂછયો કે, કહો કવિરાજ! તમે અમારા ગામના એક કુશળ કવિ છો. તમારી કીર્તિ અમે સાંભળી છે. તો હું પૂછું તેનો જવાબ ખરેખર કહેજે કે, મુસ્લિમધર્મ શ્રેષ્ટ, યા હિન્દુધર્મ શ્રેષ્ટ. બરાબર જવાબ આપજો, નહિતર હાથકડી તૈયાર છે.
નાગેશ્વર કવિને તો આ પ્રશ્નથી એક મ્હોટું ધર્મસંકટ આવી પડ્યું. જો હિન્દુધર્મને શ્રેષ્ટ કહે છે, તો નવાબને માઠું લાગે છે, ને વળી હાથકડીનો ભય સન્મુખ ઉભો છે. જો મુસ્લિમધર્મને શ્રેષ્ટ કહે છે તો, પોતાના હિન્દુધર્મને હલકો પાડવાનું હીણપ લાગે છે. પછી પોતે સુદૃઢ વિચાર કરી, તુર્તજ હાજર જવાબી એક દ્વીઅર્થી દુહો કહ્યો :—
તીન લોક તારનેકું,
હજીરા મસીત હયે.
નવાબ સાહેબે કહ્યું કે, એનો અર્થ સમજાવો. ત્યારે કવિએ કહ્યું કે ત્રણ લોક તરી જવામાં હજીરા મસજીદ છે.
નવાબ સાહેબ તો સાંભળી બહુ પ્રસન્ન થયા, અને કવિરાજને ઇનામ આપ્યું, ને તે દિવસથી તેમને રાજ્યકવિની પદ્વી આપી, તથા વર્ષાસન બાંધી આપ્યું. એ રીતે કવિની કદર કરી. નવાબસાહેબનો વળતો ઉપકાર માની, કુરનસ બજાવી, આજ્ઞા લઈ, કવિરાજ તો વિદાય થયા.
કવિરાજે મનમાં જાણ્યું કે માઠું થયું તે સારા સારૂ. જેમ તેમ બલામાંથી છૂટ્યા તો ખરા, નહિંતર હાથકડી પહેરવાનો સંકટ સમય આવી લાગ્યો હતો, પરંતુ આબાદ બચી ગયા, એટલુંજ નહિ, પરંતુ હાથકડીને બદલે ઇનામ તથા વર્ષાસન મળ્યાં, એ પ્રભુની પૂર્ણકૃપા, જો કે આપણે તો દુહામાં હિન્દુધર્મજ શ્રેષ્ટ માન્યો છે કે :-
તીન લોક તારનેકું,
હજી રામ સીત હયે.
એટલે કે ત્રણે લોક તરી જવામાં હજી પણ રામ સીતા છે, એવો ભાવાર્થ કહ્યો. પરમકૃપાળુ પરમેશ્વરે લાજ રાખી. તેનો પાડ માનતો પોતાને ગામ ગાધકડે આવી પહોંચ્યો, ને પોતાની સ્ત્રી આગળ બનેલી સર્વ હકીકત કહી સંભળાવી, સ્ત્રી પણ રાજી થઈ.
પ્રસંગોપાત્ કવિરાજને જૂનાગઢ જવું પડતું, ને કવિતાઓ બનાવી ત્યાં સર્વેના મનરંજન કરતા. એ રીતે કવિએ નવાબનું વર્ષાસન જીવિતપર્યન્ત ખાધું.
જો કે કવિની કવિતાઓ, લેખો, કે ઉલ્લેખો કંઇપણ ઉપલબ્ધ નથી. આતો ત્યાંના જૂના વયોવૃદ્ધોની કર્ણ ઉપકર્ણથી સાંભળેલી હકીકત લખી છે. તેમાં જો કંઇ ન્યૂનાધિકતા હોય તો તે સંભવિત છે. કવિનો જન્મ વા અવસાન સમય પણ મળી શકતાં નથી.
સમયના પરિવર્તનથી હાલમાં એ ગાધકડું ગામ ભાવનગર રાજ્યને તાબે થઈ ગયું છે. એ ગામનો ઈનામદાર લૂવારા નામનો ઘણા વર્ષોથી હતો, તેથી તેના જ નામથી લૂવારા ઇનામદારનું એ લૂવારા ગામ કહેવાતું.
આજે એ ગાધકડા ગામનો વહિવટ ભાવનગર રાજ્ય હસ્તક છે. તે રાજ્યે એ ગામ કોઈ ઈનામદારને અમૂક વર્ષને પેટે આપી દીધેલ છે. એ ગાધકડું ગામ કુંડલાથી ૭–૮ માઈલ થાય છે. હાલમાં ત્યાં સ્ટેશન થયું છે.
કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું તેમ કવિરાજને થયું.
नहि कल्याणकृत् कश्चिदुर्गतिं तात गच्छति ॥
તા. ૧લી જુલાઈ
સને ૧૯૩૫