ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૭/ગુજરાતી ભાષાનું બંધારણ – સર રમણભાઈ નીલકંઠ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
ગુજરાતી ભાષાનું બંધારણ+[1]

ઉત્તરોત્તર ઉદ્ભવ પામવાનો Evolution (‘ઇવોલ્યુશન’)નો નિયમ પ્રાણીઓની પેઠે ભાષાઓને પણ લાગુ પડે છે. ભાષાઓમાં પણ એક આકારમાંથી બીજો આકાર અને બીજામાંથી ત્રીજો આકાર એમ વંશાવળી બંધાય છે. દરેક નવા વંશજના જન્મકાળમાં એ જ ગોત્રની બીજી શાખાઓ પણ જન્મે છે, અને દરેક પેઢી આસપાસની સ્થિતિને અનુકૂળ થઈ ઘડાય છે, તથા રૂપાન્તર પામે છે. ભાષાઓ પણ મૂળ પૂર્વજની શરીરરચનાની રેખાઓ પોતાના અન્તરમાં જાળવે છે અને તે સાથે બહારનાં બળોના સંસ્કાર વખતોવખત ગ્રહણ કરતી જાય છે. ભાષાઓ પણ આજુબાજુની હાલતને અનુસરીને જીવન્ત રહેવાનો પ્રયાસ ચાલુ રાખે છે. પોતાની ગતિમાં ન જીરવાય એવા જુના અંશોને ત્યાગ કરે છે, અને પોતાની ગતિમાં સહાયક થાય એવા નવા અંશો પોતાનામાંથી નિપજાવે છે.

જીવનવ્યાપારમાં પણ પ્રાણીઓ પેઠે ભાષાઓ પોતામાં ભળી શકે અને પોતે પચાવી શકે એવા જ પદાર્થો પોષણ માટે સ્વીકારે છે, અને પોતાને જન્મથી પ્રાપ્ત થએલું શરીર વધારે વિકાસ પામે, વધારે બળવાન થાય અને વધારે દ્રઢ થાય એ હેતુને મુખ્યત્વે લક્ષ્ય સ્થાપી આ હેતુ સિદ્ધ કરવા ભાષા પોતાના દરેક અંગની સુસ્થતા સાચવે છે. દરેક અંગ માટે એવી સંભાળ રાખે છે કે તેને બહારથી ઈજા ન થાય અને તેમાં અંદરથી જીવન ચાલુ રહે. ભાષાનું અંદરનું જીવન ચાલુ રહેવાનો મુખ્ય આધાર જન્મથી બંધાયેલા શરીર ઉપર હોય છે. મહેટાં થયા પછી પણ જન્મ આપનાર ધરતીને વળગી રહેનાર ઝાડ પેઠે ભાષાને પોતાની જનની તરફથી નિરંતર ચાલુ પોષણપ્રવાહ મળતો નથી, પણ બાલ્યકાળ પછી માતાથી જુદાં પડેલાં પશુપક્ષી પેઠે ભાષાને જન્મ વેળા અંગનો મહોટો વારસો મળેલો હોય છે. એ વારસાને ખિલવવો એમાં ભાષાનો જીવનવ્યાપાર સમાયેલો છે.

‘ઈવોલ્યુશન’નો ક્રમ મનુષ્યજાતિ સુધી લાવ્યા પછી કુદરત દૂર ખસી ગઈ છે અને કુદરતની ધુરા મનુષ્યને ખભે આવી છે. ‘ઈવોલ્યુશન’નું કાર્ય કુદરતને બદલે મનુષ્યે આગળ ચલાવવાનું પ્રાપ્ત થયું છે. કુદરત જે ઉદ્ભવ શારીરિક ફેરફારથી ઉપજાવતી તે ઉદ્દભવ બુદ્ધિવ્યાપારથી ઉપજાવવાનું મનુષ્યને માથે આવ્યું છે. કુદરત હવે મનુષ્યને નવા હાથપગ આપે કે હાથપગમાં નવી જાતનાં બળ આપે એમ રહ્યું નથી. પણ, મનુષ્ય બુદ્ધિબળથી અનેક જાતનાં ઓજાર, હથીઆર અને સાધનો શોધી કાઢી શકે છે અને તે દ્વારા નવી જાતનું બળ વાપરી શકે છે. કુદરત હવે મનુષ્યને પાંખો ઉગાડે એમ રહ્યું નથી,પણ મનુષ્ય બુદ્ધિબળથી બલુન અને એરોપ્લેન શોધી કાઢી આકાશમાં ઉડી શકે છે. તેમ જ, લગ્ન, રાજ્ય અને ધર્મ સરખી સંસ્થાઓથી મનુષ્યજાતિનો ઉત્કર્ષ કરવાનું જે કાર્ય કુદરતથી થઈ શકે તેમ નહોતું તે કાર્ય મનુષ્યના બુદ્ધિબળથી થઈ શક્યું છે. કુદરત જ્યાંથી અટકી ત્યાંથી ઉદ્ભવનું કાર્ય આગળ ચલાવવાની આ ફરજ મનુષ્યને માથે આવી છે એ વાત જાણ્યા વિના હજારો સૈકા સુધી મનુષ્યજાતિ એ કાર્યમાં પ્રવૃત્ત થઈ છે અને કુદરત પેઠે માત્ર સ્વભાવથી ચાલી છે. પરંતુ હવે ઉદ્ભવકાર્યની વસ્તુસ્થિતિ સમજાતાં મનુષ્યજાતિ માત્ર વર્તમાન તરફ જ દ્રષ્ટિ કરતી નથી. પણ, ભવિષ્યને કેમ ઘડવું એ મુખ્ય લક્ષ્ય કરે છે. એ લક્ષ્ય માટે ઉપાયો યોજતાં મનુષ્યો ઈતિહાસની પણ મદદ લે છે અને ભૂતકાળમાં સફળ થયેલા કોઈ અંશો વર્તમાનમાં ગોઠવાય તેવા હેાય તો તેનો પણ ઉપયોગ કરે છે. આવો ઈરાદાવાળો ઉદ્ભવ (intentional evolution) ભાષાવ્યાપારમાં પણ પ્રવર્તે એ સ્વાભાવિક છે અને તેથી, ભાષાના ભૂતકાળમાં એક વાર સફળ થએલા પણ ઈરાદા વગરના ઉદ્ભવ (unintentional evolution) ના યુગમાં લુપ્ત થએલા કે વિકૃત થયેલા વાક્પ્રકાર વર્તમાન ભાષામાં અનુકૂળતાથી ગોઠવી શકાય તેવા હોય તો તે સજીવન કરવામાં આવે એ શક્ય છે. અલબત્ત, ઉત્તરોત્તર થયેલા ઉદ્ભવના ક્રમમાં વર્તમાન ભાષાનું જેવું શરીર ઘડાયું હેાય તે જીરવી શકે, તેના અંગમાં એકરસ થઈ શકે, એવા જ પ્રાચીન અંશો આમ સજીવન કરી શકાય. પ્રાચીન નહિં એવા જે નવા અંશો ગ્રહણ કરી શકે તે પણ આ જ પ્રમાણે આ ભાષાના શરીરના બંધારણુને અનુકૂળ હોવા જોઈએ.

આ રીતે ભાષાનું બંધારણ એ મહત્ત્વનો વિષય છે, અને ભાષાના વિકાસ માટે પ્રયત્ન કરતાં તે ઉપર લક્ષ દેવાની ઘણી જરૂર છે. આ કારણથી, ગુજરાતી ભાષાના બંધારણ વિશે કાંઈક વિચાર કરીશું તે તે નિરર્થક નહિં ગણાય.

ગુજરાતી ભાષાની વંશાવળી મૂળ સંસ્કૃતમાંથી નીકળે છે એ નિર્વિવાદ છે એમ સ્વીકારી આરંભ કરીશું. આ સિદ્ધાન્ત આમ સંકેતના રૂપમાં મુકવાનું કારણ એ છે કે એેવો પણ એક પક્ષ છે કે જેને મતે સંસ્કૃત ભાષા કોઈ કાળે બોલાતી હતી જ નહિં અને માત્ર વૈયાકરણોએ એ ભાષા બોલાતી ભાષાઓમાંથી શુદ્ધ રૂપ બનાવી ગોઠવી કહાડેલી છે તથા સંસ્કૃત ગ્રન્થો માત્ર વૈયાકરણોની એ કૃત્રિમ ભાષામાં લખાયેલા છે. આ પક્ષની અયથાર્થતા વિશે આ પ્રસંગે વિવેચન કરવાની જરૂર નથી, અહીં એટલું જ કહીશું કે આ દેશની ભાષાઓના ઉદ્દભવનો ઈતિહાસ ખોળતાં પાછા હઠતાં હઠતાં પંડિતોને સંસ્કૃત ભાષા જ મૂળરૂપે જણાઈ આવે છે, અને સંસ્કૃત ભાષાનું વ્યાકરણ જ સિદ્ધ કરે છે કે એ બોલાતી ભાષા હતી. સંસ્કૃત વ્યાકરણમાંના અપવાદ, વિભાષા અને જુદા જુદા વર્ગ માટેના જુદા જુદા નિયમો, બોલાતી ભાષાનું અસ્તિત્વ દર્શાવે છે, અને, વેદની ભાષા માટે ‘છન્દ’ અને સંસ્કૃત માટે, ‘ભાષા’ શબ્દનો થયેલો ઉપયોગ પણ એજ હકીકત દર્શાવે છે.

ગુજરાતી પ્રાકૃતમાંથી ઉતરી આવી છે એ વિશે ઉપરના સરખો વિવાદ નથી એ વાત સ્પષ્ટ છે તથા સર્વમાન્ય છે. પ્રાકૃત ભાષાઓમાંની અપભ્રંશ ભાષાઓમાંથી ગુજરાતીનો ઉદ્ભવ થયો છે એ પણ નિર્વિવાદ છે. મિ. બિમ્સ એમ ધારે છે કે હિંદી ભાષા અપભ્રંશમાંથી થઈ છે અને ગુજરાતી તે હિંદીમાંથી થયેલી ઉપભાષા (dialect) છે.૧[2] ગુજરાતી ભાષા હિંદુસ્તાનની આર્યકુળની ભાષાઓમાં હિંદીને સહુથી વધારે મળતી છે એ ખરૂં છે, પરંતુ, વર્તમાન હિંદી ભાષા ઉપરથી ગુજરાતી ભાષા થઈ નથી, અને ગુજરાતમાં કોઈ વખતે પ્રાચીન હિંદી ભાષા બોલાતી હતી એમ માનવાનું કારણ નથી. તેથી, હિંદી અને ગુજરાતી તે બહેનો નહિં પણ મા દીકરી છે એેવો મત બાંધવાનો કાંઈ આધાર નથી. ગુજરાતની વસતીમાં વખતોવખત ઉત્તર હિંદુસ્તાનની અને રજપુતાનાની વસતીમાંથી પૂરણ થતું ગયું છે અને એ કારણથી હિંદી અને ગુજરાતીનું મળતાપણું લાંબા કાળ સુધી ટકયું છે એ ખુલાસે વધારે સંભવિત છે.

ગુજરાતી ભાષાનું બંધારણ આ રીતે સંસ્કૃત ભાષાના બંધારણમાંથી અપભ્રંશ દ્વારા ઉતરી આવ્યું છે. શબ્દોમાં અને પ્રત્યયોમાં ફેરફાર થયો છે, પણ, ભાષારચનાનું ખોખું ઘણુંખરૂં એનું એ રહ્યું છે. અપભ્રંશમાં તેમ જ ગુજરાતીમાં આવતાં મૂળ શબ્દોમાંના કેટલાક અક્ષર બદલાઈ ગયા છે અને કેટલાક અક્ષર જતા રહ્યા છે. પ્રત્યયોમાં એથી પણ વધારે ફેરફાર થયા છે, કેટલેક ઠેકાણે મૂળના પ્રત્યયો બદલાઈ ગયા છે અને કેટલેક ઠેકાણે પ્રત્યયો અમૂળગા જતા રહ્યા છે. આ પ્રમાણે છૂટક શબ્દોના ઉચ્ચારમાં અને રૂપમાં ફેરફાર થયો છે પરંતુ, વાક્યરચના સંસ્કૃત જેવી જ રહી છે, એટલું જ નહિ પણ શબ્દોમાં રહેલું વાગ્બલ પણ સંસ્કૃત જેવું જ બહુધા રહ્યું છે, અર્થાત્ વિચાર સાથે અમુક પ્રકારે ગતિ કરવાનું જે બળ શબ્દોએ સંસ્કૃતમાં પ્રાપ્ત કરેલું તે બહુધા કાયમ રહ્યું છે. બીજા શબ્દોની સાથે આવા અર્થનો અમુક પ્રકારે ઉદય કરવાનું અને અર્થની છાયા બદલવા માટે પોતાની આકૃતિનો વિસ્તાર કે સંકોચ કરવાનું શબ્દોનું બળ સંસ્કૃત જેવું લગભગ કાયમ રહ્યું છે. સંસ્કૃતમાંથી ઉતરી આવેલી બધી ભાષાઓમાં આ વાક્યરચના અને આ વાગ્બળ જળવાયાં છે, અને, એ ભાષાઓના પરસ્પર ભેદ માત્ર અક્ષરોના અને પ્રત્યયોના ફેરફારમાં રહેલો છે. એમાંથી હરકોઈ ભાષાઓનાં વાક્ય સહેલાઈથી સંસ્કૃતનું તેમ જ એ વર્ગમાંની બીજી ભાષાઓનું દર્શન આપી શકશે. इह नष्ट ग्यान सुनिये न कान એ “પૃથિરાજ રાસા” માંનું જુની હિંદી ભાષાનું વાક્ય સંસ્કૃતમાં इदं नष्टज्ञानं श्रावणीयं न कर्णे એ રીતે મુકી શકાશે અને ગુજરાતીમાં ‘એ નષ્ટ જ્ઞાન સુણીયે ન કાન’ એમ મુકી શકાશે. सुनिये न कान એ પદ્ય રચનાનું कान न सुनिये के कानमें न सुनिये એવું ગદ્ય થાય ત્યાં પણ સંસ્કૃત કે ગુજરાતી સાથે મળતાપણું કાયમ રહેશે. પરંતુ અંગ્રેજીમાં Do not listen to this destroyed knowledge (creed) એમ તરજુમો કરતાં ભાષાનું જુદી જ જાતનું બંધારણ નજરે પડે છે. ઈંગ્રેજી વાક્ય રચવામાંનો do સરખો સહાય્યકારક શબ્દ અને to સરખો અન્વય બતાવનારો ઉપસર્ગ સંસ્કૃત વાક્યરચનામાં નથી અને સંસ્કૃત વાક્યરચના પેઠે અંગ્રેજી વાક્યરચનામાં સાંભળવાની ક્રિયા સાથે એ ક્રિયાનું સ્થાન દર્શાવવા ‘કાન’ શબ્દ મુકાતો નથી, એટલું જ નહિ પણ, श्रवणीयम् એવું સહ્યભેદના રૂપનું કૃદન્ત વિધ્યર્થ દર્શાવવા ઈંગ્રેજીમાં થઈ શકતું નથી. श्रवणीयम् પરથી થયેલાં सुनिये, સુણિયે, એ રૂપ હિંદી અને ગુજરાતીમાં કૃદંત રહ્યાં નથી પણ વર્તમાન કાળના મૂળભેદનાં પહેલાં પુરુષના બહુવચનનાં રૂપ બન્યાં છે, તો પણ श्रवणीयम् નો જ અર્થ તેમાં કાયમ રહ્યો છે. સંસ્કૃતમાં પ્રાપ્ત થયેલું વાગ્બળ લઈને એ પદ પ્રાકૃત ભાષાઓમાં ઉતર્યું છે. તેજ પ્રમાણે जनम अबधि हम रूप निहारनु नयन૧[3] ना तिरपित भेल એ પ્રાચીન બંગાળી કવિ વિદ્યાપતિનું ચરણ સંસ્કૃતમાં जन्मवधि मया रूपं निभालनं नयने न तृप्ते भूते એ રીતે, અને જન્માવધિ મેં રૂપ નિહાળ્યું નયન ના તરપત થયાં; એ રીતે ગુજરાતીમાં સહેલાઈથી મુકાશે. આ વાક્યરચનામાં ‘જન્માવધિ’ પદનું વાગ્બળ સંસ્કૃત સમાસની રચનામાંથી ઉતરી આવેલું છે. અને ઈંગ્રેજીમાં birth-limit એેવો સમાસ કર્યાથી એ બળનો ઉદય થઈ શકશે નહિ. પ્રાકૃત ભાષામાં જ્યાં સંસ્કૃતથી જુદા પડી ગયા હોય છે ત્યાં પણ સંસ્કૃતનું આ વાગ્બળ કાયમ રહે છે. तुका म्हणे देवा माञे सोडववणे धावा એ મરાઠી પદ ગુજરાતીમાં ‘તુકો કહે દેવ મુજને છોડાવવા ધાઓ’ એમ સહેલાઈથી મુકાશે. પણ म्हणे અને सोडववणे ને મળતાં મૂળ સંસ્કૃત રૂપ નથી. પરંતુ, सोडववणे એ રૂપમાં સંસ્કૃત मोचयनाय विसर्जनाय સરખાં રૂપનું વાગ્બળ કાયમ રહેલું છે. અંગ્રેજીમાં તેને માટે to deliver એવી જુદાજ પ્રકારની રચના કરવી પડશે.

ગુજરાતી વાક્યરચનાનું સંસ્કૃત અને અપભ્રંશમાંથી થયેલું અવતરણ કંઈક વધારે વિસ્તારથી તપાસીશું. હેમાચાર્યે પ્રાકૃત વ્યાકરણમાં ઉદાહરણ માટે આપેલું અપભ્રંશ ભાષાનું એક પદ્ય જોઈશું.

विट्टीए मइ मणिअ तुहुं मा कृरु वंकी दिठ्ठी ॥
पुत्ती सकण्णी भल्ली जिम मारइ हिअइ पइट्ठि॥ *[4]

‘બેટી ! મેં તને કહ્યું (કે) વાંકી દ્રષ્ટિ મા કર. પુત્રી ! હૃદયમાં પેઠેલા કાનવાળા ભાલા જેમ (પેઠે) મારે છે.’

मह मणिय (मणिअं) તે સંસ્કૃત मया मणितम् ઉપરથી થયેલો અપભ્રંશ છે. ‘ભણ’ ધાતુનો ગુજરાતીમાં હવે સહ્યભેદનો કર્મણિ પ્રયોગ થતો નથી, તેથી મેં ભણ્યું નહિં પણ ‘મેં કહ્યું’ એમ કહેવાશે. એ પ્રયોગ પણ સંસ્કૃત मया कथितम् ના અપભ્રંશ मइ कहिअं ઉપરથી થયો છે. ‘હું કહું’નો ભૂતકાળ ‘હું કહ્યું’ નહિ પણ મેં કહ્યું હોવાનું એ જ કારણ છે કે સંસ્કૃતમાં कथितम् સહ્યભેદમાં હોવાથી એ ક્રિયા કરનાર કારણ દર્શાવનારી ત્રીજી વિભક્તિમાં મુકાય છે. ગુજરાતીમાં ભૂતકાળનાં રૂપ ઘણાં- ખરાં આ જ પ્રમાણે થયાં છે. સંસ્કૃતમાંના ભૂતકાળના अकथयम् સરખાં રૂપાખ્યાન ગુજરાતીમાં ઉતર્યાં જ નથી. સંસ્કૃતમાં પણ વાતચિતમાં अहमकथयम् સરખાં ક્રિયાપદના પ્રત્યયથી થયેલાં રૂપના કરતાં કૃદન્તના પ્રત્યયથી થયેલાં मया कथितम् સરખાં કૃદન્ત રૂપનો પ્રચાર હોવો જોઈએ એમ આ ઉપરથી જણાય છે.

અકર્મક ક્રિયાપદોનો ભૂતકાળ આવ્યો, ગયો, ચાલ્યો, એકર્તરિ પ્રયોગમાં થાય છે, અને કેટલાંક સકર્મક ક્રિયાપદોનો ભૂતકાળ ભણ્યો, પામ્યો, અડકયો, એમ કર્તરિ પ્રયોગમાં થાય છે, એ રૂપ પ્રાકૃત અને (અપભ્રંશ) ભાષાના ભૂતકાળના રૂપ ઉપરથી થયેલું છે. સંસ્કૃતના જાતજાતના ભૂતકાળના બદલે પ્રાકૃતમાં એક જ ભૂતકાળ છે. વ્યંજનાન્ત ધાતુઓના ભૂતકાળ માટે ત્રણે પુરુષમાં અને બંન્ને વચવમાં પ્રાકૃતમાં ईअ૧[5] પ્રત્યય છે, ઉપરથી चल्लीअ, वेल्लीअ, मणीअ એવાં રૂપ પ્રાકૃતમાં થતાં ગુજરાતીમાં ચાલ્યો, બોલ્યો, ભણ્યો એવાં રૂપ થયાં છે. પરંતુ આ ईअ પણ ઉપરના જ क्त પ્રત્યય પરથી થયેલું છે. સંસ્કૃતમાં કૃદન્તનો એ क्त પ્રત્યય કર્મણિ પેઠે કર્તરિ પ્રયોગમાં વપરાય છે (જેમકે सःआगतः =તે આવ્યો) તે ઉપરથી ભૂતકાળનું રૂપ બનેલું છે; ‘કાંપ્યો’ તે સંસ્કૃત अकम्पत, चकम्पे કે બીજા કોઈ ભૂતકાળના રૂપ ઉપરથી નહિં પણ कम्पितः એ સંસ્કૃત કૃદન્ત ઉપરથી થયેલું છે.

ગુજરાતીમાં ક્રિયાપદોનો ભૂતકાળ આમ સંસ્કૃત પરથી આવ્યો છે તેથી એ ભૂતકાળનાં રૂપમાં સંસ્કૃત કૃદન્ત પેઠે જાતિના ફેરફાર થાય છે. કહ્યા, કહી, કહ્યું, ની જાતિનો ભેદ સંસ્કૃત कथितः कथिता कथितम् ની જાતિના ભેદને લીધે થયેલો છે. સંસ્કૃત अकथयत् રૂપ ઉપરથી ગુજરાતીમાં ભૂતકાળ થયો હોત તો સંસ્કૃત પેઠે ગુજરાતીમાં પણ ભૂતકાળના રૂપમાં જાતિનો ભેદ થાત નહિં. ઉપરના પદ્યમાં मारइ રૂપ છે તે સંસ્કૃત मारयति ઉપરથી થયું છે. ગુજરાતીમાં मारइ ઉપરથી ‘મારે’ થયું છે. અહીં મૂળ સંસ્કૃત કૃદન્ત નથી તેથી તેને જાતિ નથી; તેથી ગુજરાતીમાં પણ ‘મારે’ એ રૂપ ને જાતિ નથી.

हिअइ पइठ्ठि (હઈએ પેઠી) એ સંસ્કૃત ह्यदये प्रविष्टा ની રચના કાયમ રાખે છે. એ માટે ઈંગ્રેજીમાં entered into the heart એવી વાક્યરચના થાય; entered ની પછી તેનું કર્મ heart આવે, તેમ જ અધિકરણની સાતમી વિભક્તિ ह्यदये પેઠે heart ને જોડાયેલો વિભક્તિનો પ્રત્યય લાગ્યાથી નહિં પણ છુટો into ઉપસર્ગ આવ્યાથી અને તે heart ના ૫હેલાં મુકાયાથી પ્રદર્શિત થાય છે.

સંસ્કૃત ભાષાનું બંધારણ ગુજરાતીમાં આ રીતે ઉતરી આવેલું છે એ હકીકત વિચારતાં ગુજરાતી ભાષામાં વિભક્તિઓનો પ્રકાર કાંઈક જુદો છે એ લક્ષમાં લેવાનું છે. આ ફેરફાર સમજવા સારૂ ભાષાઓના ઉદ્ભવનો ક્રમ મિ. બિમ્સે દર્શાવ્યો છે૧[6] તે લક્ષમાં લઈશું. તેઓ કહે છે કે ભાષાઓના ઉદ્ભવના ચાર ક્રમ છે, syntactidal, agglutinative synthetical અથવા inflectional અને analytical. આમાંના પહેલા syntactical એટલે અન્વયાધાર ક્રમમાં ભાષા હોય ત્યારે તેમાં માત્ર એકેક સ્વરવાળા નાના શબ્દો હોય છે, તેમાં ફેરફાર થતા નથી કે તેનાં રૂપાખ્યાન થતાં નથી, એના એ જ શબ્દો નામ કે ક્રિયાપદ કે અન્વય તરીકે વપરાય છે. અને માત્ર વાક્યમાંના અન્વય ઉપરથી શબ્દો કેવો સંબંધ બતાવવા વાપર્યા છે તે સમજાય છે. ચીનાઈ ભાષા આવા અન્વયાધાર સ્વરૂપમાં છે.

આના પછીનો ક્રમ તે agglutinative એટલે ચહોંટાડેલાં રૂપનો હોય છે. એ ક્રમમાં આવેલી ભાષામાં કેટલાક શબ્દો નામ કે ક્રિયાપદ તરીકે વપરાય એવા રહ્યા હોતા નથી, તે શબ્દો અવ્યય થઈ ગયેલા હોય છે, અને તે શબ્દો વિભક્તિનાં રૂપ કરવા સારૂ નામનેને લગાડવામાં આવે છે. તથા કાળી તથા પુરુષનાં રૂપ કરવા સારૂ ક્રિયાપદને લગાડવામાં આવે છે. નામના કે ક્રિયાપદના શબ્દોની અંદર એ અવ્યયો ફેરફાર કરી શક્તા નથી, માત્ર તેને ચહોંટાડવામાં આવે છે. તુર્કી ભાષા આ સ્વરૂષમાં છે.

ત્રીજો ક્રમ inflectional અથવા synthetical એટલે સંયોગમયરૂપનો હોય છે. એવી ભાષામાં ઉપર કહેલા અવ્યયો પ્રત્યય બની ગયેલા હોય છે. તે અવ્યય તરીકે જુદા હોતા નથી પણ શબ્દોની અંદર દાખલ થાય છે અને શબ્દોના છેવટના અક્ષરો બદલી રૂપાખ્યાન ઉત્પન્ન કરે છે. સંસ્કૃત ભાષાનું આ સ્વરૂપ છે.

ચોથો ક્રમ analytical એટલે પૃથક્કરણવાળી ઘટનાનો હોય છે. એ ઘટનાવાળી ભાષામાં ત્રીજા ક્રમવાળા પ્રત્યયો લાંબા વખતના ઉપયોગને લીધે ઘસાઈ ગયેલા હોય અને નજરે પડતા નથી. આ કારણને લીધે પ્રત્યયો શબ્દોમાં ભળેલા છતાં શબ્દો પહેલા ક્રમની ભાષાના જેવા છુટા માલમ પડે છે; અને નામ, ક્રિયાપદ વિગેરેના શબ્દો જુદા જુદા એળખાય એવા હોય છે. વિભક્તિ, કાળ વગેરે દર્શાવવા સારૂ એ શબ્દોની જોડે ઉપસર્ગો વાપરવા પડે છે. ઇંગ્રેજી ભાષાનું આ સ્વરૂપ છે.

ગુજરાતી ભાષા આમાંના ચેથા ઉદ્ભવક્રમમાં પેઠેલી છે, પરંતુ એ ચોથા ક્રમનું સ્વરૂપ એમાં હજી પૂરેપૂરૂં બંધાયું નથી. ત્રીજા ક્રમમાંથી ચોથા ક્રમમાં સંક્રાન્તિ કરવાની અવસ્થામાં ગુજરાતી ભાષા છે; તેથી, તેમાં થોડાં લક્ષણ ત્રીજા ક્રમનાં છે અને થોડાં લક્ષણ ચોથા ક્રમનાં છે. આ બે પ્રકારનાં લક્ષણ ગુજરાતી વિભક્તિઓમાં ખાસ કરીને નજરે પડે છે. ત્રીજી અને સાતમી વિભક્તિઓમાં synthetical (સંયોગમય) પદ્ધતિથી પ્રત્યય લાગી (અને તેથી શબ્દોમાં વિકાર થઈ) રૂપાખ્યાન થાય છે; પણ તે સિવાયની વિભક્તિઓમાં પ્રત્યય લાગતા નથી, પણ analytical (પૃથક્કરણવાળી ઘટનાની) પદ્ધતિથી માત્ર શબ્દ પાછળ ઉપસર્ગ મુકી વિભક્તિનો અર્થ દેખાડવામાં આવે છે. વળી કેટલેક ઠેકાણે પ્રત્યય કે ઉપસર્ગ લાગતા પહેલાં શબ્દનું રૂપ કંઈક વિકૃત (oblique) થાય છે, કેટલેક ઠેકાણે શબ્દનું રૂપ અવિકૃત રહે છે, કેટલેક ઠેકાણે પ્રત્યય લાગ્યા પછી અર્થના પૂરણ તથા પોષણ સારૂ ઉપસર્ગનો ઉમેરો કરવામાં આવે છે અને કેટલેક ઠેકાણે બે વિભક્તિઓ દર્શાવવાના ઉપસર્ગ એક સાથે લગાડવામાં આવે છે.

કર્તા દર્શાવનારી પહેલી વિભક્તિનો પ્રત્યય ગુજરાતીમાં છે જ નહિ. પહેલી વિભક્તિના અર્થમાં શબ્દનાં મૂળ રૂપ વપરાય છે. આ મૂળ રૂપ એક જ રીતે થયેલાં નથી. સંસ્કૃત તત્સમ શબ્દોને છેડે અ, ઈ, ઉ, (હસ્વ કે દીર્ઘ) હોય ત્યાં તે શબ્દ મૂળ અને વિભક્તિના પ્રત્યય વગરના (પ્રતિપાદિક) રૂપે વપરાય છે; ઉદાહરણ, દેવ, ફલ, કન્યા, મણિ, મતિ, નદી, ગુરુ, ધેનુ, વધૂ, ઈત્યાદિ, મૂળ સંસ્કૃત શબ્દને છેડે ઋ હોય કે વ્યંજન હોય ત્યાં સંસ્કૃત ભાષાના પ્રથમના એક વચનને રૂપે શબ્દ ગુજરાતીમાં વપરાય છે; ઉદાહરણ, પિતા, રાજા, સ્વામી, ભગવાન, ચંદ્રમા, નામ, વગેરે સંસ્કૃતમાં भगवान કે चन्द्रमाः સરખાં પ્રથમાના એકવચનનાં રૂપ હોય છે ત્યાં

છેવટના બેડા’ વ્યજનમાં ‘અ’ ભેળવાય છે અને વિસર્ગ કહાડી નાંખવામાં આવે છે. સંસ્કૃત પરથી થયેલા નરજાતિ તદ્ભવ શબ્દોમાં મુળમાંનો છેવટને ‘અ’ કાં તો કાયમ રહે છે અથવા તો તેને ‘ઓ’ થાય છે. ઉદાહરણ, सं. कर्ण-ગુજ. ‘કાન,’ सं चूर्ण-ગુજ. ‘ચૂનો’ મૂળમાંના ‘અ’નો આમ ‘ઓ’ થવાના કારણ વિશે મતભેદ છે, ડોકટર હર્નેલ એમ ધારે છે કે પ્રાકૃતમાં નામવાચક શબ્દોને છેડે क ઘણોખરો ઉમેરાય છે તે क ઉપરથી ગુજરાતીમાં ‘ઓ’ અને હિંદીમાં છેડે ‘आ’ થયો છે; ઉદાહરણ, सं घोट ઉપરથી घोटक, તે ઉપરથી घोडओ (પ્રાકૃત પ્રથમાનું એકવચન), તે ઉપરથી ગુજરાતીમાં ‘ઘોડો’ અને હિંદી ‘घोडा’.૧[7] મિ. બીમ્સ કહે છે કે क ઉપરથી આ ‘આ’ કે ‘ઓ’ થયો હોય તો કેટલાક શબ્દોમાં મૂળનો ‘અ’ કાયમ રહે છે તેમ બને નહિં; ઉદાહરણ कर्ण પરથી હિંદી, ગુજરાતી વગેરેમાં ‘કાન’, गर्भ પરથી ગાભ, વગેરે તેમનો મત એ છે કે મૂળ સંસ્કૃત ઉચ્ચારણમાં સ્વરોના ભાર (accent) હતા અને તેથી જુના વખતમાં થયેલા તદ્ભવ શબ્દોમાં એ ભારની અસર કાયમ રહી છે. એ કારણથી જ્યાં મૂળ અકારાન્ત સંસ્કૃત શબ્દમાં છેલ્લા સ્વર પર ભાર ઝીલી લેવા સારૂ ‘અ’ નો ‘ઓ’ (કે હિંદી ‘आ’) થયો છે; ઉદાહરણ सं. कीट –ગુજરાતી ‘કીડો’, હિંદી कीडा. सं. चूर्ण, ગુજરાતી ચૂનો, હિંદી चूना પણ જ્યાં મૂળમાં ઉપાન્ત્ય સ્વર પર ભાર હતો ત્યાં છેવટે ભાર ન હેાવાથી છેવટનો ‘અ’ કાયમ રહ્યો છે, ऊ० सं, कर्ण-ગુજરાતી કાન, હિંદી कान; सं, मार्ग ગુજરાતી માગ, હિંદી माग. પાછળના સમયમાં સંસ્કૃતમાંના સ્વર ભાર જતા રહ્યા, તેથી, તદ્ભવ શબ્દોમાં આ નિયમ નથી.૨[8] રા રા. કેશવલાલ હર્ષદરાય ધ્રુવ કહે છે કે ‘સંસ્કૃતના પુલ્લિંગમાં પ્રથમના એકવચનના પ્રત્યય स् કે વિસર્ગનું રૂપ બદલાઈ પ્રાકૃતમાં તેનો ओ થયો. પ્રાકૃતમાંથી બહુધા મૂળ અર્થમાં જ સંક્ષિપ્ત उ રૂપે તે પ્રત્યય જૂની ગુજરાતીમાં આવ્યો. ચાલુ ગુજરાતીમાં તેણે પુનઃ પૂર્ણ ओ રૂપ ધારણ કર્યું. પરંતુ અહિં તેમાં એક નવીન જ ફેરફાર થયો. મૂળ પ્રત્યય સંસ્કૃતમાં તેમ જ પ્રાકૃતમાં વિભક્તિવચનવાચક હતો. વર્તમાન ગુજરાતીમાં તે જાતિવાચક જ બની રહ્યો.૧[9] સંવત ૧૪૫૦ માં ગુજરાતીમાં લખાયેલા ‘મુગ્ધાવબોધ ઔક્તિક’માં ધમ્મુ, સંસારું, સંબંધ પહિલઉ, એવાં રૂપ નજરે પડે છે, એટલુંજ નહિ પણ, વિવેકિઉ, પ્રમાદિઉ એવાં (સંસ્કૃત ઈકારાન્ત રૂપોમાં उ ઉમેરી થયેલાં) રૂપ પણ નજરે પડે છે. ધર્મ, સંસાર સંબંધ, વિવેકી, પ્રમાદી, એ શબ્દો ફરીથી તત્સમરૂપે ગુજરાતીમાં લેવાયા છે તેથી તેમાં ‘ઉ’ કે ‘ઓ’ નથી; પણ, વાઘ, મોર, એવા શબ્દોનાં ‘વાઘો’, ‘મોરો’ એવાં રૂપ નથી તેનું કારણ મિ. બીમ્સે દર્શાવેલું ભારસ્થાન હોવું જેઈએ.

નાન્યતરજાતિમાં આ ‘એ’ ને ઠેકાણે: ‘ઉ’ છે અને એ જાતિમાં પણ તદ્ભવ શબ્દોના સોનું, આંગણું, તેમ જ દૂધ, ઘર એવા બે જાતનાં ઉકારાંત અને અકારાંત રૂપ છે. ‘ઓ’ નો ખુલાસો છે તે જ ‘ઉ’ નો ખુલાસો છે. સંસ્કૃત નાન્યતરજાતિને એકવચનનાં सुवर्णम्, अंगनम् એવાં રૂપ ઉપરથી સોનું, આંગણું; એમાંનું અનુસ્વારવાળું ઉ આવ્યું છે. આ રીતે થયેલા ઉં ની અને અનુસ્વાર વગરના તથા બીજી રીતે થયેલા ઉ ની વચ્ચેનો ભેદ લક્ષમાં રાખવો જોઈએ. લિંબુ, રતાળુ, ચપ્પુ, જાજરૂ, એ વગેરે શબ્દોમાંનો ‘ઉ’ સંસ્કૃત અકારાન્ત નાન્યતરજાતિ શબ્દના એકવચનના રૂપ ઉપરથી ઉતરી આવ્યો નથી, તેથી વિભક્તિ અને પ્રત્યય લાગવામાં એ બે પ્રકારના શબ્દોની સરખી સ્થિતિ થતી નથી. જ્યાં છેડે મૂળમાં સંસ્કૃતમાં अ હતો અને તેના अम् એવા રૂપ ઉપરથી ઉં થયું છે ત્યાં વિભક્તિ કે પ્રત્યય લાગતાં મૂળ अ હોવાના કારણથી ‘આ’ વાળું વિકૃત રૂપ થાય છે; ઉદાહરણ, સોનું, આંગણું; તેનાં વિકૃતરૂપ સોના, આંગણા, તે પરથી સોનાનું, આંગણમાં. પરંતુ ‘ઉ’ કારાન્ત શબ્દોમાં મૂળ ‘અ’ ન હેાવાથી તેમનું એવું વિકૃત રૂપ થતું નથી; ઉદાહરણ, (લિંબાનો, રતાળામાં–એમ નહિં પણ) લિંબુનો, રતાળુમાં. આ ભેદ ભૂલી જઈ ‘ચપ્પાની ધાર,’ ‘જાજરાનું બારણું’ એવા ખોટા પ્રયોગ કદી કદી કરવામાં આવે છે. એવી જ સામી ભૂલ ઉકારાંત શબ્દ માટે કરવામાં આવે છે. ‘ચપ્પુની ધાર’ ને બદલે ‘ચપ્પાની ધાર કહેવામાં આવે છે અને તે સાથે, ‘આદાની કરચ’ ને બદલે ‘આદુની કરચ’ એેવો ખોટો પ્રયોગ કરવામાં આવે છે. મૂળ ‘આદું’ શબ્દ ઉકારાન્ત (સં. आर्द्रम् પરથી થયેલો) છે; મૂળ શબ્દ ‘આદુ’ નથી. વ્યુત્પત્તિ અને વ્યાકરણ વિરુદ્ધના આ પ્રયોગ શિષ્ટતા ખાતર અને ભાષાનું બંધારણ જાળવવા ખાતર અટકાવવા જોઈએ.

કર્મ દર્શાવનારી બીજી વિભક્તિનો પણ ગુજરાતી ભાષામાં પ્રત્યય નથી, અને પહેલી વિભક્તિવાળું મૂળ રૂપ બીજી વિભક્તિના અર્થ માટે પણ વપરાય છે. વ્યાકરણમાં કેટલીક વાર ‘ને’ ને બીજી વિભક્તિનો પ્રત્યય કહેવામાં આવે છે; પરંતુ, ખરી રીતે એ ‘ને’ ચોથી વિભક્તિનો અર્થ દર્શાવે છે. ‘મેં ફળ ખાધું,’ ‘તું આકાશ જોય છે,’ ‘તેણે રસ્તે કાપ્યો’. એ બીજી વિભક્તિ બતાવવાનો પ્રકાર છે. ‘મેં ફળને ખાધું’, ‘તું આકાશને જોવે છે’, ‘તેણે રસ્તાને કાપ્યો.’ એવી રીતે ‘ને’ લગાડી બીજી વિભક્તિ કરવી એ ખરી ગુજરાતી બોલી નથી. ‘હું ચાકરને પગાર આપું છું’ એવા વાક્યમાં ‘ચાકરને’એ ચેાથી વિભક્તિથી બીજી વિભક્તિનું કાર્ય થાય છે, અને સંસ્કૃતમાં સંપ્રદાનના અર્થમાં ચોથી વિભક્તિ વપરાય છે તે ઉપરથી એ પ્રકાર થયો છે. આ રીતે બીજા કેટલાક અર્થમાં પણ ચોથી વિભક્તિના પ્રયોગથી અપ્રધાન કર્મ દર્શાવવામાં આવે છે. એ સંસ્કૃત ભાષાનું વાગ્બળ છે.

ત્રીજી વિભક્તિ કરણ દર્શાવે છે અને તે માટે સંસ્કૃત इन પ્રત્યયમાંથી શેષ રહેલો इ પ્રત્યય ગુજરાતીમાં વપરાય છે. આ રીતે देवेन ના અર્થમાં ‘દેવે’ વપરાય છે. મરાઠી नें અને હિંદી ने માં મૂળનો ‘ન્’ રહ્યો છે, પણ ગુજરાતીમાં તો ‘ન્’ વગરનો ‘ઈ’ જ રહ્યો છે. આ synthetical રૂપ છે. પણ ભાષાની ગતિ analytical ઉદ્ભવ તરફ હોવાથી આ ‘ઇ’ ઉપરાંત ‘થી’ સરખો ઉપસર્ગ આ વિભક્તિ દર્શાવવા સારૂ ઉમેરવામાં આવે છે, ‘લાકડીએ’ માં રહેલા કરણનો અર્થ વધારે પુષ્ટ કરવા સારૂ ‘લાકડીએથી’ એવું રૂપ વાપરવામાં આવે છે. અને વળી, એ જ અર્થમાં ‘લાકડીથી’ એવું કેવળ ઉપસર્ગવાળું રૂપ વધારે રૂઢ થતું જાય છે, અને વિભક્તિનો ‘એ’ પ્રત્યય ઘસાઈ જવા તરફ વલણ પ્રકટ થતું જાય છે.

સંપ્રદાન દર્શાવનારી ચોથી વિભક્તિ માટે ઉપર કહ્યું તેમ ‘ને’ વાપરવામાં આવે છે, આ ‘ને’ તે synthetical ક્રમનો પ્રત્યય નથી, પણ analytical ક્રમનો ઉપસર્ગ છે. સંસ્કૃતમાં ચોથી વિભક્તિનો પ્રત્યય ने નથી, અને, વળી સંસ્કૃત ચોથી વિભક્તિના પ્રત્યય પ્રાકૃતમાં આવ્યા જ નથી. આ ‘ને’ ની વ્યુત્પત્તિ બે પ્રકારે ધારવામાં આવે છે. મિ. બીમ્સ ધારે છે કે ‘लगि’ (=સુધી) ઉપરથી એ ઉપસર્ગ ઉદ્ભવ્યો છે. લાગવાને અર્થ ‘લગિ’ ઉ૫સર્ગમાં છે તે જ અર્થ ‘ને’ માં છે. लगि માંથી ‘ગ્’ (વેગથી બોલતાં પ્રાકૃતમાં કેટલાક અનાદિ અસંયુક્ત-શબ્દની શરૂઆતમાંના નહિ, જોડાક્ષરમાંના નહિં, એવા વ્યંજનો ઉડી જાય છે તે નિયમ પ્રમાણે) ઉડી જતાં તેનું लइ રૂપ થાય અને તેમાંથી મરાઠી ला, નેપાળી लै અને ગુજરાતી ‘ને’ (લ-ન ની અદલાબદલીના નિયમ પ્રમાણે) થયાં છે એમ તેઓ કહે છે.૯[10] રા. રા. કેશવલાલ કહે છે કે છઠ્ઠી વિભક્તિના અર્થના રૂપને સાતમી વિભક્તિમાં મુક્યાથી આ ‘ને’ વાળું રૂપ થયું છે; ઉદાહરણ, ‘તેનું’ ઉપરથી તેને યોગે, તેને માટે, એવાં રૂપમાં ‘નું’ ની સાતમી વિભક્તિ કરતાં આ ‘ને’ બીજી-ચોથી વિભક્તિનો વાચક થયો છે.૧૦[11] બન્ને રીતે, આ ‘ને’ વિભક્તિનો પ્રત્યય નથી, પણ, માત્ર ઉપસર્ગ છે.

અપાદાનનો અર્થ દર્શાવનારી પાંચમી વિભક્તિ માટે વપરાતા ‘થી’ ‘થકી’ એ પણ પ્રત્યય નથી, પણ ઉપસર્ગ છે. રેવરન્ડ જોસેફ વાન સામરન ટેલર ‘થી’ ની વ્યુત્પત્તિ માટે ઘણી ધારણાઓ રજુ કરે છે. તેઓ કહે છે કે ‘થી’ તે સંસ્કૃત પ્રત્યય अत् કે तस् ઉપરથી થયું હેાય. (ઉદાહરણ સં. बलात् કે बलतः ઉપરથી ‘બળથી’ થયું હોય,) અથવા તો પ્રાકૃત પ્રત્યય दो, त्तो, हि કે दु ઉપરથી ‘થી’ થયું હોય, અથવા તો કોઈ પ્રાન્તમાં ચાલતા ‘વિશેષ્ય પદના લિંગ પ્રમાણે’ તે થયું હોય.૧૧[12] મિ. બીમ્સ ધારે છે કે સંસ્કૃત तस् ઉપરથી હિંદી ते થયું અને તેમાં हि ઉમેરતાં तही ઉપરથી ગુજરાતી ‘થી’ થયું.૧૨[13] રા. રા. કેશવલાલ દર્શાવે છે કે स्थकी, स्थकु, ध्यकु, એવાં રૂપ પ્રથમની ગુજરાતી ભાષામાં જોવામાં આવે છે. અને તે રૂપ સંસ્કૃત स्थित ઉપરથી થયેલાં છે. ‘ચાકર ગામથી આજ આવ્યો’ તે વાક્યમાં ‘ચાકર ગામ છતાં આજ આવ્યો’–‘ચાકર ગામ હતો (स्थित) તે આજ આવ્યો’, ‘ચાકર ગામ થતો આવ્યો’ નો અર્થ છે.૧૩[14] स्थित ઉપરથી ‘થી’ ની આ વ્યુત્પત્તિ વધારે સંભવિત લાગે છે. આમ, સંસ્કૃત પ્રત્યય પરથી ‘થી’ ની વ્યુત્પત્તિ થઈ જ નથી, અને, ‘થી’ પ્રત્યય નહિં પણ ઉપસર્ગ છે.

જાત જાતના સંબંધ દર્શાવનારી છઠ્ઠી વિભક્તિના અર્થમાં ગુજરાતીમાં વપરાતો ‘નો’ પણ પ્રત્યય નથી પણ ઉપસર્ગ છે. સંસ્કૃતમાં છઠ્ઠી વિભક્તિના કે બીજી કોઈ વિભક્તિના પ્રત્યયને જાતિ કે વચન હોતાં નથી. સંસ્કૃતમાં रामस्य पुत्रः, रामस्य भार्या, रामस्य राज्यम्, रामस्य भ्रातरः, रामस्य पदानि, એ બધે ઠેકાણે स्य પ્રત્યય એનો એ રહે છે, તેને જાતિ કે વિભક્તિ લાગતાં નથી; પણ, ગુજરાતીમાં રામનો પુત્ર, રામની ભાર્યા, રામનું રાજ્ય, રામના ભાઈઓ, રામનાં પગલાં, એમ નો, ની, નું, ના, નાં, ની જાતિ અને વિભક્તિ બદલાય છે. આ હકીકત જ દર્શાવી આપે છે કે ‘નો’ તે synthetical કે inflectional પ્રત્યય નથી. વ્યુત્પત્તિ આ વાત સાબિત કરે છે. સંસ્કૃતમાં છઠ્ઠી વિભક્તિના બહુવચનમાં नाम् પ્રત્યય છે તે ઉપરથી આ ગુજરાતી ‘નો’ થયાની કેટલાકની ધારણા છે પણ તે નિરાધાર છે. ‘देवानाम् ઉપરથી દેવોનાં’ એમ ન્યાયતરજાતિના શબ્દો આગળ મુકવાના (ઉ. દેવોનાં કાર્ય) છઠ્ઠી વિભક્તિના રૂપ ઉપરથી એ વિભક્તિનો પ્રત્યય આવે અને તે પછી તે પરથી નું, ની, નો એવાં રૂપ થાય એ સંભવિત નથી. બહુવચન ઉપરથી એકવચન થાય અને નાન્યતરજાતિના રૂપ ઉપરથી નરજાતિનું રૂપ થાય એેવો ક્રમ કોઈ ઠેકાણે થયો નથી. પ્રાકૃત ભાષાઓ સંસ્કૃતના નરજાતિના એકવચનના રૂપને આધારભૂત ગણી પ્રવર્તે છે. ‘નો’ ની જાતિ અને વચન ધ્યાનમાં લેતાં સંસ્કૃત तन ઉપરથી ગુજરાતીમાં છઠ્ઠી વિભક્તિનો અર્થ દર્શાવનારાં રૂપ થયેલાં છે એમ જણાઈ આવે છે. સંસ્કૃતમાં નામને तन લગાડી સંબંધદર્શક વિશેષણ કરવામાં આવે છે. ઉદાહરણ, सायम् ઉપર सायंतनः=સાંજનો. એ વિશેષણનાં જાતિ અને વચન પ્રમાણે सायंतनी (=સાંજની) सायंतनम्(=સાંજનું), सायंतनाः (=સાંજના), એવાં જુદાં જુદાં રૂપ થાય છે. એ રીતે तन વાળા સંસ્કૃત રૂપ ઉપરથી થયેલાં વિશેષણનાં રૂપ ગુજરાતીમાં છઠ્ઠી વિભક્તિનો અર્થ દર્શાવવા સારૂ વપરાય છે, અને તેથી, તેને જાતિ અને વચનના ભેદ થાય છે. આમ આ ‘નો’ તે પણ વિભક્તિનો પ્રત્યય નથી, અને, છઠ્ઠી વિભક્તિનાં સંસ્કૃતરૂપને ગુજરાતી છઠ્ઠી વિભક્તિનું નહિં પણ સંસ્કૃત વિશેષણનું વાગ્બળ અહીં ઉતર્યું છે. હેમચંદ્રે કહ્યું છે કે અપભ્રંશમાં છઠ્ઠી વિભક્તિનો ઘણું ખરૂં લોપ થાય છે.૧૪[15] અને વળી અગાડી જતાં તેણે કહ્યું છે કે केर અને तण એ અપભ્રંશમાં સંબંધ દર્શાવનારા આદેશ છે.૧૫[16] આ केर અને तण ઉપરથી ગુજરાતી ‘કેરો’ અને ‘તણો’ થયા છે, અને તે ઉપસર્ગ થઈ છઠ્ઠી વિભક્તિનો અર્થ દર્શાવે છે. તેમ જ વળી तण માંનો त् તે અનાદ અસંયુક્ત હોય ત્યારે લુપ્ત થનાર અક્ષરોમાંનો હોવાથી અને પ્રાકૃત તથા અપભ્રંશમાંનો ण ગુજરાતીમાં ‘ન’ થતો હોવાથી तणो ઉપરથી ‘નો’ થયો છે. મુગ્ધાવબોધ ઔક્તિકમાં तणउ, तणउं, नउ એ રૂપ જોવામાં આવે છે.

‘કેરો’ એ ઉપસર્ગની વ્યુત્પત્તિ ડૉ. હોર્નેલ સંસ્કૃત कृत ઉપરથી કહાડે છે. સંસ્કૃત कृतः प्राकृत करिओ, તે પછી केरो, केरको, અને પછી केरओ, केरो, એેવો ક્રમ તે દર્શાવે છે. મિ. બીમ્સ પણ આ વ્યુત્પત્તિ સ્વીકારે છે.૧૬[17] ડૉ. વેબર અને લેસન સંસ્કૃત कार्य ઉપરથી केरो નો ઉદ્ભવ થયેલો માને છે. કોઈ વિદ્વાનો સંસ્કૃત कीय અને कर ઉપરથી केरो વ્યુત્પન્ન થયેલો માને છે.૧૭[18] આ केरो ઉપરથી છઠ્ઠી વિભક્તિનો અર્થ બતાવવા હિંદીમાં का (घोडेका), બંગાળીમાં इर (रामेर) અને મારવાડીમાં रो (वोडारो) થયેલા છે. મરાઠીમાં चा સંસ્કૃત त्य ઉપરથી થયેલો છે એમ મિ. બીમ્સ ધારે છે; ઉદાહરણાર્થ, घोटकत्स्यः, घोडअश्वो, घोडाचा घोडयात्रा એે ક્રમ તે બતાવે છે.૧૮[19] નરસિંહ મહેતાએ ‘નારસિંહાચા સ્વામી મુજશું રમતાં, સંસારમાં તેને ભય કશો’ એવું चा વાળું છઠ્ઠી વિભક્તિનો અર્થ દર્શાવનારૂં રૂપ વાપર્યું છે. એ વિભક્તિ દર્શાવનારો સિંધી ‘जो’ પણ એ રીતે સંસ્કૃત त्य ઉપરથી થયેલો છે એમ મિ. બીમ્સ કહે છે.

આ રીતે, સંસ્કૃત પરથી થયેલી આ દેશની બધી ભાષાઓમાં છઠ્ઠી વિભક્તિનો પ્રત્યય નથી, પણ તે વિભક્તિનો અર્થ દર્શાવવા બીજી વાગ્ઘટના સંસ્કૃત પરથી લેવામાં આવી છે. છઠ્ઠી જેવી મહત્ત્વની વિભક્તિમાં synthetical સ્વરૂપ લુપ્ત થયું છે એ આ ભાષાઓનું analytical સ્વરૂપ પ્રધાનપણે દર્શાવે છે.

અધિકરણ દર્શાવનારી સાતમી વિભક્તિનો ‘ઈ’ પ્રત્યય તે સંસ્કૃત इ પ્રત્યય જ છે. સંસ્કૃતમાં તે અમુક નામ માટે છે, પણ ગુજરાતીમાં તે બધાં નામ માટે વપરાય છે. સંસ્કૃતમાં लोक ની સાતમી વિભક્તિ लोके થાય અને नदी ની नद्याम् થાય, પણ ગુજરાતીમાં તો ‘લોકે’ તેમજ ‘નદીએ’ થાય. Analyticel ક્રમને લીધે આ synthetical પ્રત્યયનું બળ ગુજરાતીમાં નરમ થઈ ગયું છે, અને ‘માં’ લગાડવાથી થતાં ‘લોકમાં’ ‘નદીમાં’ એ રૂપ વધારે પ્રચાર પામે છે. ‘માં’ પ્રત્યય નથી પણ ઉપસર્ગ છે. સંસ્કૃત मध्ये ઉપરથી ‘માંહે’ અને ‘માં’ એમ વ્યુત્પત્તિ થઈ છે.

સંસ્કૃત વિભક્તિઓનું બળ આમ ઘટી જવાથી, વડે, કરીને, માટે, સારૂ, કાજે, પાસે, પાસેથી, આગળ, આગળથી, અંદર, અંદરથી, પર, ઉપર, એવા અનેક ઉપસર્ગો વિભક્તિઓના અર્થ દર્શાવવા અથવા વિભક્તિઓના અર્થમાં પૂરણ તથા પોષણ કરવા ગુજરાતીમાં વપરાય છે.

હિંદી ભાષામાં વિભક્તિઓના અર્થના ભેદ ગુજરાતીથી ઓછા છે. જાતિની બાબતમાં હિંદીએ જાતિભેદ જ લગભગ કાઢી નાખ્યો છે. નાન્યતરજાતિ તે માત્ર વ્યાકરણની કલ્પના હોવાથી અને વસ્તુસ્થિતિમાં ન હોવાથી હિંદીએ તે જાતિ જ કાઢી નાખી છે. નારી જાતિ પણ ફક્ત પ્રાણીઓમાં જરૂરની છે, અને પદાર્થોમાં વાસ્તવિક રીતે જાતિ ન હોવાથી તે જરૂરની નથી એમ હિંદીએ ગણ્યું છે. પ્રાણીઓમાં જ્યાં વાસ્તવિક રીતે જાતિ છે ત્યાં પણ હિંદી ભાષા જાતિને બહુ જરૂરની ગણાતી નથી. હિંદીમાં ओरत आइ કહેવાય અને ओरत आयी પણ કહેવાય. વચન અને જાતિની સંકુલતા હિંદી ભાષામાં આમ ઓછી હોવાથી ગુજરામી ભાષાનું બંધારણ એટલે અંશે હિંદીથી જુદું પડે છે.

ક્રિયાપદનાં રૂપમાં synthetical બંધારણના અંશ વધારે રહેલા છે. ઉપર વર્તમાનકાળ અને ભૂતકાળનાં રૂપ વિશે કહ્યું છે. ભવિષ્યકાળ દર્શાવવા ‘આવીશ’, ‘જશે’, એવી રીતે પ્રત્યયો ધાતુમાં દાખલ થઈ રૂપ બને છે. ‘આવે છે,’ ‘ગયો હતો,’ એવાં રૂપમાં ક્રિયાની વિશેષ રીત દર્શાવવા પ્રત્યયોને બદલે બે ક્રિયાપદને કે એક ક્રિયાપદ અને એક કૃદન્તને જોડવામાં આવે છે એટલી સંસ્કૃતથી ભિન્નતા છે. સંસ્કૃતમાં अस् ધાતુ અપૂર્ણ શક્તિવાળું છે અને તેનાં બધા કાળનાં રૂપ થઈ શકતાં નથી, તે જ પ્રમાણે ગુજરાતીમાં છે; અને એ ધાતુ માટે છે, હતું, થશે, એવાં રૂપ કરવાં પડે છે.

ગુજરાતી ભાષાના ધાતુઓ સંસ્કૃત ભાષાના કે તળપદી દેશી ભાષાનાં છે. સંસ્કૃત ધાતુઓ ઉપસર્ગ સાથે ‘વિચારવું’ ‘અનુભવવું’ એવા રૂપમાં જ્યાં વપરાય છે ત્યાં તે ‘વિચાર’ ‘અનુભવ’ એવાં સંસ્કૃત ભાવવાચક નામ પરથી થયેલાં હેાય છે. સંસ્કૃત ‘भू’ ધાતુનું ગુજરાતીમાં ‘હો’ રૂપ થઈ ગયું છે, પરંતુ ધાતુના ક્રમમાં ‘અનુભવવું’ રૂપ ગુજરાતીમાં આવ્યું નથી તેથી તેમાં ‘હો’ની અસર નજરે પડતી નથી. પરંતુ, ક્રમ જુદો બનતાં છતાં સંસ્કૃત નામ ઉપરથી જેમ ગુજરાતી ધાતુ થઈ શકે છે તેમ ફારસી નામ પરથી ગુજરાતી ધાતુ થઈ શક્તા નથી; ‘વિચાર’ પરથી ‘વિચારવું’ થાય છે તેમ ‘ખ્યાલ’ પરથી ‘ખ્યાલવું’ થઈ શકતું નથી, અને, તેનું કારણ એ છે કે ફારસી ભાષાના શબ્દો જ ગુજરાતીમાં લઈ શકાય છે, પણ બંધારણ લઈ શકાતું નથી. ‘બક્ષવું’ ‘કબુલવું,’ ‘શરમાવું,’ ‘ખરચવું’, એમ કેટલાક ધાતુ ફારસી શબ્દો પરથી થયા છે પણ તેની સંખ્યા બહુજ થોડી છે, અને તેમાં પણ ફારસી શબ્દોને સંસ્કૃત પરથી થયેલાં ધાતુનાં રૂપ આપવામાં આવે છે. સંસ્કૃત શબ્દોને ફારસી ધાતુનાં રૂપ આપી શકાતાં નથી.

બીજી રીતે પણ ફારસી શબ્દોને એ જ પ્રમાણે સંસ્કૃત બંધારણમાં ઉતારવામાં આવે છે. ફારસી ‘શરમ’ શબ્દને સંસ્કૃત आलु પરથી થયેલો ‘આળ’ પ્રત્યય લગાડી ‘શરમાળ’ શબ્દ કરવામાં આવે છે, પણ, ઉલટી રીતે ‘બુદ્ધિબાજ’ શબ્દ બનાવવામાં આવતો નથી. ફારસી ‘મહેતર’, ‘મુગલ’ પરથી સંસ્કૃત રૂપમાં સ્ત્રી જાતિવાચક ‘મહેતરાણી’, ‘મુગલાણી’ નામ બનાવવામાં આવે છે. ફારસીમાં નાન્યતર જાતિ ન છતાં ‘કારખાનેહ’, ‘પંચનામેહ’, વગેરે ફારસી શબ્દોનાં ‘કારખાના’, ‘પંચનામા’ એવાં હિંદી રૂપ ઉપરથી ‘કારખાનું’, ‘પંચનામું’, એવાં નાન્યતર જાતિનાં ગુજરાતી રૂપ કરવામાં આવ્યાં છે. ફારસીમાં નાન્યતર જાતિ ન હેાવાથી, ‘વડેાદરૂં’, ‘ધંધુકું’, ‘ધોળકું’, એ શહેરોનાં નામ મુસલમાની અમલમાં ‘વડોદરા’, ‘ધંધુકા’, ‘ધોળકા’ બન્યાં. તોપણ તે શબ્દોની જાતિ નાન્યતર રહી છે, અને ‘વડોદરે’, ‘ધોળકે’ ‘ધંધુકે’ એવાં સાતમી વિભક્તિનાં રૂપ મૂળનું ‘ઉ’ સૂચવે છે. ફારસીમાં ‘શરબતે અનાર,’ એવી રીતે છઠ્ઠી વિભક્તિનો સંબંધ દર્શાવાય છે તેમ ગુજરાતીમાં થઈ શકતું નથી, પણ ‘અનારનો શરબત’ એમ ફારસી શબ્દોને સંસ્કૃત પ્રત્યયની રીતથી જ જોડી શકાય છે. ‘જનાબે આલી’ એવા રૂપમાં છઠ્ઠીના પ્રત્યય વડે વિશેષણ અને વિશેષ્યને ફારસીમાં જોડાય છે તેમ ગુજરાતીમાં થઈ શકતું નથી. ગુજરાતીમાં તો ‘આલી જનાબ’ એમ જ રચના થઈ શકે. આમ પરભાષાના શબ્દો સંસ્કૃતથી ઉતરી આવેલા બંધારણને અનુકૂળ થઈને જ ગુજરાતી ભાષામાં દાખલ થઈ શકે છે.

આ રેખાચિત્રથી ગુજરાતી ભાષાના બંધારણ તરફ દ્રષ્ટિ કરવામાં કાંઈક સહાયતા થશે, અને એ બંધારણનો અભ્યાસ વિસ્તારથી કરવાનો આરંભ થઈ શકશે. એ બંધારણનું સ્વરૂપ સમજાતાં ગુજરાતી ભાષાનું સામર્થ્ય કેવે પ્રકારે વધી શકે તેમ છે તેની કલ્પના થઈ શકે છે. સંસ્કૃત ભાષાના જે ભારે અંશોનો સરલતા ખાતર ધીરે ધીરે ત્યાગ થયો છે તે અંશો ગુજરાતી ભાષામાં દાખલ કર્યાથી ગુજરાતીનું સામર્થ્ય વધે નહિં પણ ઉલટું દબાઈ જાય એ ખરૂં છે. પરંતુ સંસ્કૃત ભાષાના જે અંશો ગુજરાતી ભાષાના બંધારણમાં અનુકૂળતાથી ગોઠવાય તેવા છે, જે સંસ્કૃત ભાષામાંથી આવેલા જીવનને જાગ્રત કરે તેવા છે, અને જે માત્ર શિષ્ટ સાહિત્યને અભાવે નિકળી ગયા હતા, તે અંશો દાખલ કરવાથી ગુજરાતી ભાષાનો પ્રભાવ વિશેષ વૃદ્ધિ પામશે એમાં શક નથી. ફારસી ભાષાના જે શબ્દો ગુજરાતી ભાષાના બંધારણમાં દાખલ થઈ વ્યવહારમાં અને લેખનમાં ઉપયોગી થયા છે, તે પણ આવશ્યક થયા છે, અને તેનો ઉચ્છેદ કરી ભાષાને ખંડિત કરી શકાય તેમ નથી. તેમ જ વળી, નવા વિચારો, નવી કલ્પનાઓ, અને નવા સંબંધો દર્શાવવા સારૂ ફારસી, ઈંગ્રેજી, સરખી ભાષાઓના શબ્દો દાખલ થતા જાય છે તે પ્રવાહ પણ અટકાવી શકાય તેમ નથી. એ સર્વે આગન્તુક અંશો ગુજરાતી ભાષાના જીવનરસનું પોષણ પામે અને છુટા પડી સુકાઈ ન જાય તે માટે ભાષાનું બંધારણ સાચવવું જોઈએ એ જ આ સંબંધે લક્ષમાં લેવાનું છે. ગુજરાતી ભાષાનો કોઈ સેવક એ ભાષાની આગળ વધતી ગતિ રોકી રાખવાની ઈચ્છા કરશે નહિં. એ ગતિ અકુંઠિત થઈ વધારે ને વધારે વેગવાળી થતી જાય એ જ સર્વનું લક્ષ્ય હોવું જોઈએ.


  1. +વડોદરામાં ભરાયેલી ચોથી ગુજરાતી સાહિત્યપરિષદમાં વાંચેલો નિબંધ.
  2. 1. A Comparative Grammar of the Modern Aryan Languages of India, by John Beams.
  3. ૧ બીમ્સકૃત વ્યાકરણ, ભાગ ૧, પુષ્ઠ ૮૫
  4. *सिद्धेमचंद्र, ८।४।३२९
  5. १ सिद्धहेमचंद्र ८।३।१६३
  6. ૧ બીમ્સકૃત વ્યાકરણ, ભાગ ૧, પૃષ્ઠ ૪૧.
  7. ૧. સંસ્કૃત चूर्ण, भल्ल, दीप પરથી ગુજરાતીમાં જ્યાં ચૂનો, ભાલો, દીવો, એમ છેડે ‘ઓ’ થાય છે ત્યાં હિંદીમાં चूना, भाला दीवा એમ છેડે ‘आ’ થાય છે. સંસ્કૃત ध्वज ઉપરથી હિંદીમાં તેમજ ગુજરાતીમાં धजा રૂપ થયું છે. મરાઠીમાં चुना, दिवा એવાં રૂપ છે; બંગાળીમાં, પંજાબીમાં અને એરિયામાં પણ તેવાં જ રૂપ છે, સિંધીમાં चूणो, डिओ એવાં રૂપ છે. भल्ल પરથી પંજાબી, ઓરિયા અને સિંધિમાં ગુજરાતી પેઠે ‘भालो’ છે.
  8. ૨. બીમ્સકૃત વ્યાકરણ, ભાગ ૨, પૃષ્ઠ ૬.
  9. ૧.’મુગ્ધાવબોધ ઔક્તિકનું’ અવલોકન, બુદ્ધિપ્રકાશ, ઓગસ્ટ, ૧૮૯૧.
  10. ૯. બીમ્સકૃત વ્યાકરણ, ભાગ ૨, પૃષ્ઠ ૨૬૦.
  11. ૧૦. મુગ્ધાવબોધ ઐક્તિકનું અવલેકન, “બુદ્ધિપ્રકાશ,” ઓગસ્ટ, ૧૮૯૧.
  12. ૧૧. ગુજરાતી ભાષાનું વ્યાકરણ, કલમ ૧૧૩, પૃષ્ઠ ૬૬, (ચોથી આવૃત્તિ )
  13. ૧૨. બીમ્સકૃત, વ્યાકરણ, ભાગ ૨, પૃષ્ઠ ૨૭૩.
  14. ૧૩. મુગ્ધાવબોધ ઐક્તિકનું અવલોકન, બુદ્ધિપ્રકાશ, ઓગસ્ટ, ૧૮૯૧.
  15. १४. सिद्धहेमचन्द्र. ८/४/३४६.
  16. १५. सिद्धहेमचन्द्र. ८/४/४२२.
  17. ૧૬. બીમ્સકૃત વ્યાકરણ, ભાગ ૨, પૃષ્ઠ ૨૮૫.
  18. ૧૭. Linguastic Survey of India by Dr. G. A. Grierson, Vol IX, P. 328.
  19. ૧૮. બીમ્સકૃત વ્યાકરણ, ભાગ ૨, પૃષ્ઠ ૨૯૦,

Lua error in package.lua at line 80: module ‘strict’ not found.