ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૭/ગુજરાતી ભાષાનો આરંભ – સર રમણભાઈ નીલકંઠ
(સ્વ. સર રમણભાઈ મહીપતરામ નીલકંઠ બી એ; એલએલ. બી.)
કોઈ પણ ભાષાનો આરંભકાલ ચોક્કસપણે નક્કી કરવો એ અશક્ય છે. એેવો નિર્ણય કરવાનાં ઐતિહાસિક સાધનો હોતાં નથી એટલુંજ નહિં પણ ભાષા કંઈ એક દિવસમાં કે એક વર્ષમાં બંધાતી નથી અનેક કારણો અને બનાવોના આવી મળવાથી ભાષાનો ધીમે ધીમે ઉદ્ભવ થાય છે. અને ઉદ્ભવ થતો જાય છે તેમ તેમ ભાષામાં ફેરફાર પણ થતો જાય છે. અતિ પ્રાચીન ભાષાઓ બોલાતી બંધ થતાં તેમાં ફેરફાર થતા અટક્યા છે. તેમના ઉદયનો કાલ જેવો કેવળ અગમ્ય છે તેવો વર્તમાન સમયમાં બોલાતી અને બદલાતી ભાષાઓના ઉદયનો કાલ છેક અગમ્ય નથી; પરંતુ વર્તમાન ભાષાઓનું અમુક સ્વરૂપ ક્યારે ઘડાયું એ નક્કી કરવું બહું અઘરૂં છે. ગ્રન્થો, લખાણો અને વર્તમાનપત્રોનો હાલના જેવો ભારે સાધનરૂ૫ જથો હોય ત્યાં એ મુશ્કેલી પડે નહિં, પણ વર્તમાન મુકી ભૂતકાળમાં જેમ જઈએ છીએ તેમ એ જથો ઓછો મળે છે. વળી ભાષાનું અમુક સ્વરૂપ બંધાય તેજ વખતથી તેનું સાહિત્ય રચાય એમ બનતું નથી; અને લેખી સાહિત્ય તો તેથી પણ મોડું થાય છે. આ રીતે ભાષાને ઉદ્ભવ થયા પછી ઘણે કાળે તેનું લેખી સાહિત્ય ઉત્પન્ન થાય છે. અતિ પ્રાચીન ભાષાઓને લેખન સામગ્રી મોડી પ્રાપ્ત થઈ એ અન્તરાય તે પછીની ભાષાઓને નડ્યો નથી. પરંતુ એ અતિ પ્રાચીન ભાષાઓ બોલાતી બંધ થયા પછી પણ તેની તરફની ભક્તિ ઘણું કાળ સુધી એવી ટકી રહી હતી કે ગ્રન્થો અને લખાણો બોલાતી ભાષાઓમાં નહિં પણ પ્રાચીન ભાષાઓમાં થતાં હતાં. યુરોપમાં તેમજ આ દેશમાં આવી સ્થિતિ પ્રવર્તતી હતી; અને તેથી અમુક ભાષાનું જુનામાં જુનું સાહિત્ય જે સમયનું મળી આવે તે સમયે તે ભાષાનો આરંભ થયો ગણી શકાતો નથી, પણ તે પહેલાં ઘણા સમયથી એ ભાષા સારી રીતે રૂઢ થએલી હોવી જોઈએ એમ અનુમાન થાય છે. આ દેશમાં વળી એવી વિશેષ સ્થિતિ છે કે સંસ્કૃતને બદલે પ્રાકૃત ભાષાનો પ્રચાર થયા પછી અને પ્રાકૃતમાંથી પ્રાન્તીય ભાષાઓ થયા પછી પણ ઘણા કાળ સુધી પ્રાન્તીય ભાષાઓ ગ્રન્થો અને લખાણો માટે વપરાતી નહોતી. બૌદ્ધૌએ પોતાના ધર્મગ્રન્થ પાલીમાં લખ્યા તથા જૈનોએ પોતાના ધર્મગ્રન્થ માગધીમાં લખ્યા. અને ધર્મ સાહિત્યની ભાષાઓ થવાથી એ ભાષાઓ એ ધર્મમંડલોમાં સંસ્કૃત જેટલીજ પદવી પામી. બૌદ્ધૌએ તો પાલીને સંસ્કૃતના પણ પહેલાંની અને સૃષ્ટિની ઉત્પત્તિ સમયની ‘मूला भासा’ કલ્પી, આ રીતે પ્રાકૃત ભાષાઓ પણ તેમનામાંથી ઉત્પન્ન થએલી ભાષાઓના સાહિત્યને રોકનારી થઈ. બ્રાહ્મણો તે પ્રાકૃત ભાષાઓને હલકીજ ગણતા હતા. પ્રાકૃતને શિષ્ટ ભાષા તરીકે તેઓ કબુલ રાખતા નહિં. ‘हे अरयो हे अरयः’ ને બદલે ‘हेऽलवो हेलवः’ બોલનાર અસુરોનો તિરસ્કાર કરી ‘શતપથ બ્રાહ્મણ’ માં કહ્યું છે કે ‘तेऽसुरा आत्तवचसो हेऽलवो हेलब इति वदन्तः पराबभूवुः’ (३ प्र. पा. १-६-११ अध्याय ३२-१ २३). અશુદ્ધ ભાષા બોલનારનો આ રીતે પરાભવજ થાય માટે નિષેધ કર્યો છે કે :–
उपजिज्ञास्यां सम्लेच्छस्तस्मान्न ब्राह्मणो म्लेच्छेत् ।
(३ प्र. पा. १-५-११ अभ्या. २-१-२४.)
અહીં “મ્લેચ્છ” નો અર્થ અપભ્રષ્ટ થએલી ભાષા છે.*[1]
બ્રાહ્મણોના ગ્રંથો સંસ્કૃત ભાષામાં જ લખાયા. નાટકમાં પણ તેમણે વિધિ કર્યો હતો કે શિષ્ટ પાત્રો પાસે સંસ્કૃત ભાષા બોલાવવી.
આ સર્વ કારણોએ પ્રાન્તીય ભાષાઓમાં સાહિત્ય રચાતું અટકાવ્યું. એ અન્તરાય દૂર થયા પછી કેટલાક કાલ સુધી હિંદી અને વ્રજ ભાષાએ રાજકીય આશ્રયથી બીજી પ્રાન્તીય ભાષાઓ ઉપર સામ્રાજ્ય ચલાવ્યું, અને જુદા જુદા પ્રાન્તના વિદ્વાનોનો પ્રયાસ પોતા તરફ ખેંચ્યો.
આ બધાં બળ નરમ પડ્યાં ત્યારે ગુજરાતી સાહિત્યનો આરંભ થયો. ગુજરાતી ભાષાનો આરંભ ક્યારે થયો તેનો એ સાહિત્યપરથી નિર્ણય કરવાનું બની શકે તેમ નથી.
જુના ગ્રન્થો અને લખાણો મળી આવે તે વડે નિર્ણય કરવા જતાં બીજો પ્રશ્ન એ ઉત્પન્ન થાય છે કે કયી ભાષાને ગુજરાતી કે જુની ગુજરાતી કહેવી ? સંસ્કૃત અને પ્રાકૃત વચ્ચે ભેદ કરવામાં બીલકુલ મુશ્કેલી નથી. કેમકે સંસ્કૃત ભાષાનું સ્પષ્ટ મર્યાદાથી બાંધેલું સ્વરૂપ છે અને તેમાંથી સહેજ પણ ફેરફાર શરૂ થયો ત્યાંથી પ્રાકૃત શરૂ થાય છે. પરંતુ પ્રાકૃત અને ગુજરાતી, મરાઠી, બંગાળી, હિંદી વગેરે વર્તમાન પ્રાન્તીય ભાષાઓ વચ્ચે એવી સ્પષ્ટ સુરેખ સીમા બાંધી શકાતી નથી. પ્રાકૃતમાં કાળે કાળે ફેરફાર થયા છે, અને તે છતાં પ્રાકૃત નામ કાયમ રહ્યું છે, સંસ્કૃત નાટકોમાં લખેલી પ્રાકૃત ભાષા પ્રાકૃત વ્યાકરણોમાં આવેલા નિયમોથી જુદી પડે છે. વરરૂચિ અને ચંડ સરખા ઘણા જુના પ્રાકૃત વૈયાકરણોના નિયમો હેમચંદ્ર સરખા પાછળના પ્રાકૃત વૈયાકરણોના નિયમોથી કેટલેક અંશે જુદા પડે છે. હેમચંદ્રના પોતાના પ્રાકૃત વ્યાકરણના આરંભમાં बहुलम्૧[2] (‘ઘણુંખરું) એવું સૂત્ર મુકી કહ્યું છે કે એ સૂત્રનો અધિકાર આખા પ્રાકૃત વ્યાકરણ ઉપર છે, અર્થાત્ એ વ્યાકરણમાં આપેલા બધા નિયમો ‘ઘણું ખરૂં’ પ્રવર્તે છે એમ સમજવાનું છે. સંસ્કૃત પેઠે વ્યાકરણમાં આપેલા જ નિયમો સર્વત્ર પ્રવર્તે અને તેથી ઉલટું તે હમેશ ખોટું જ એમ બનતું નથી. વળી હેમચંદ્ર કહે છે કે आर्षम्[3] એટલે ઋષિઓનું જુનું પ્રાકૃત છે તેમાં બધા નિયમો વિકલ્પે (optionally) થાય છે, તે નિયમો પ્રમાણે થાય પણ ખરૂં અને ન પણ થાય. હેમચંદ્રે પોતે પણ ઘણા વિકલ્પે થતા નિયમો આપ્યા છે, અને તેમાં જુદા જુદા પ્રાન્તોની ભાષાનાં મૂળ પણ કદી કદી નજરે પડે છે. ઉદાહરણાર્થ, स्वप् ધાતુમાંના પહેલા अ નો ओ પણ થાય અને उ પણ થાય, અને એ રીતે स्वापिति૩[4] ને ઠેકાણે सोवइ અને सुवइ એવાં બે રૂપ થાય તે હિંદી सोवे અને ગુજરાતી सुवेનાં મૂળ છે. कृत्वा પરથી ‘काउण’ અને ‘करिअ’૪[5] થાય છે. તેમાં મરાઠી करून અને ગુજરાતી करीने ના આકારનાં મૂળ છે. તે જ પ્રમાણે ધાતુઓના વિકલ્પે થતા આદેશ (બદલે થતાં રૂપ) હેમચંદ્રે આપ્યા છે તે શી રીતે થયા તે દર્શાવ્યું નથી તેમ જ શી રીતે થાય તે સમજાતું નથી. ઉદારણાર્થ સંસ્કૃત कथ् ઉપરથી वज्जर, पज्जर, उप्पाल, पिसुण, सड; बोल्ल, चव,
चम्प, सोस અને साह૧[6] એવાં રૂપાન્તર વાગ્વ્યાપારતા નિયમો જોતાં શી રીતે થાય, અક્ષરોચ્ચાર અશુદ્ધિથી કરતાં कथ् ઉપરથી શી રીતે થાય તે સમજાતું નથી. પરંતુ એમાંના सङ ઉપરથી મરાઠી ‘सांगणे’ અને बोल्ल ઉપરથી ગુજરાતી ‘બોલવું’ થયાં છે એવાં ધાતુમૂળ માલમ પડે છે. આવા ધાતુઓ સંસ્કૃત ધાતુ ઉપરથી થયેલા નથી પણ દેશમાં બોલતા દેશ્ય શબ્દો છે એમાં શક નથી. તેમ વળી પ્રાકૃતના અને અપભ્રંશના કેટલાક નિયમો ગુજરાતી ભાષાનું મૂળ શોધવામાં કામે લાગતા નથી. પ્રાકૃતમાં कृपाનું किपा૨[7] થાય તે ગુજરાતી ‘કિરપા’નું મૂળ નથી. અપભ્રંશ अम्मासुનું अम्हासु૩[8]થાય તે ગુજરાતી ‘અમારામાં’ નું મૂળ નથી. આ રીતે પ્રાકૃત અને અપભ્રંશ ભાષાઓ કેટલે સુધી ઘડાયેલી હતી ત્યારે તેમાંથી ગુજરાતી ભાષા ઉદ્ભવ પામી અને ગુજરાતી ભાષા એ ભાષાઓમાંથી પોષણ લેતી ક્યારે બંધ પડી એ નક્કી કરવું બહુ કઠણ છે. તેમ જ વળી બધા તદ્ભવ શબ્દ એટલે સંસ્કૃત શબ્દ ઉપરથી રૂપાન્તર પામી ઉત્પન્ન થએલા તમામ ગુજરાતી શબ્દો પ્રાકૃત અને અપભ્રંશ વ્યાકરણોમાં આપેલા નિયમો પ્રમાણે જ કે તેમાં આપેલાં રૂપો ઉપરથી જ વ્યુત્પન્ન થયા છે એેવો સાર્વત્રિક સિદ્ધાન્ત થઈ શકશે નહિં. પ્રાકૃત વ્યાકરણ પ્રમાણે સંસ્કૃત वियोगः ઉપરથી પ્રાકૃત विओओ૪[9] થાય, પણ ગુજતીમાં એ શબ્દ આવ્યો નથી અને ‘વિજોગ’ એવું તદ્ભવ રૂપ થયું છે. સંસ્કૃત ધૈર્યનું પ્રાકૃતમાં धीरं કે धीज्जं૫[10] થાય પણ ગુજરાતીમાં ‘ધીરજ’ એવું ત્રિજું જ રૂપ થયું છે. कर्म ઉપરથી પ્રાકૃત कम्म૬[11] થાય પણ ગુજરાતીમાં ‘કરમ’ એવું રૂપ થયું છે.૭[12] આ રૂપ પ્રાકૃત ઉપરથી આવ્યાં હોય એમ કહી શકાશે નહિં.
આ રીતે આ દેશમાં પહેલવહેલી ક્યા સમયમાં અને ક્યા રૂપમાં બોલાતી ભાષાને ગુજરાતી ભાષા કહેવી એ નક્કી કરવાના કઠણ વિષયમાં પ્રથમ પ્રશ્ન એ છે કે “અપભ્રંશ” ભાષાને ગુજરાતી ભાષા કહેવી કે નહિં. અપભ્રંશ ભાષા ગુજરાતમાં બોલાતી હતી એેવો ચોખ્ખો પુરાવો મળી આવ્યો નથી, પણ અપભ્રંશ ભાષા ગુજરાતી ભાષાને ઘણી મળતી છે અને તેથી ગુજરાતી ભાષા અપભ્રંશ ઉપરથી થઈ છે એમ વિદ્વાનોનું માનવું છે. શાસ્ત્રી વ્રજલાલ કાળીદાસ ગુજરાતી ભાષાના ઈતિહાસમાં કહે છે કે, “પ્રાકૃત ભાષા ઉપરથી અપભ્રંશ ભાષા થઈ અને અપભ્રંશ ઉપરથી જૂની ગુજરાતી ભાષા થઈ છે. જૂની ગુજરાતી ભાષાનું વ્યાકરણ અપભ્રંશ ભાષાના વ્યાકરણ સાથે ઘણું મળતું છે.” બીજી સાહિત્ય પરિષદના પ્રમુખપદ ઉપરથી આપણા વિદ્વદ્રત્ન રા. રા. કેશવલાલ હર્ષદરાય ધ્રુવે કહ્યું છે કે, “હેમાચાર્યની अष्ठाध्यायीનો अपभ्रंश તે ગૂજરાતી જ છે.” અલબત્ત કેટલાકનો મત એેવો પણ છે કે અપભ્રંશ તો આભીરો વગેરેની ભાષા હતી, અને શૌરસેની ભાષા ઉપરથી ગુજરાતી ભાષા થઈ છે. (નર્મગદ્યની પ્રસ્તાવનામાં ગુજરાતી ભાષા વિશેની પ્રસ્તાવનામાં ઉતારેલાં વચન.) વળી નાટકમાં નીચેના પાત્રોના મુખમાં અપભ્રંશ ભાષા મુકવાની કહી છે.
शकराभीर चाण्डालशबर द्राविडोड्डजाः।
हीना वनेचराणां च विभाषाः सप्त कीर्तिताः॥
પરંતુ શૌરસેની અને ગુજરાતી વચ્ચે ઘણું મળતાપણું નથી. પ્રાકૃત પરથી થએલી ભાષાઓમાં અપભ્રંશ સાથે જ ગુજરાતીને સહુથી વધારે મળતાપણું છે એ શાસ્ત્રી વ્રજલાલ કાળીદાસે ઘણી સારી રીતે બતાવ્યું છે. વળી, અપભ્રંશ એ પ્રાકૃતનું સહુથી છેલ્લું રૂપાન્તર છે એમ જણાય છે. વરરુચિના ‘પ્રાકૃત પ્રકાશ’માં સામાન્ય પ્રાકૃતના નિયમો પછી પૈશાચી, માગધી અને શૌરશેની એ ત્રણ ભાષાના નિયમો કહ્યા છે; અને પૈશાચી તથા માગધીને શૌરસેની પરથી નીકળેલી કહી છે, તથા શૌરસેનીને સંસ્કૃતપરથી નીકળેલી કહી છે. વળી શૌરસેનીના કેટલાક નિયમો આપી शेषं महाराष्ट्रीवत्૧ १ [13] એમ કહ્યું છે, અર્થાત્ સામાન્ય પ્રાકૃત તે મહારાષ્ટ્રી છે અને શૌરસેનીનું ઘણુંખરૂં બંધારણ તેના જેવું છે અમ કહ્યું છે. વરરુચિએ અપભ્રંશના નિયમ દર્શાવ્યા નથી તેથી તેના સમયમાં અપભ્રંશ ભાષા થઈ નહિં હોય એમ અનુમાન થાય છે. ચંડના ‘પ્રાકૃત લક્ષણ’ માં અપભ્રંશનું નામ છે. તે ગ્રંથમાં કહ્યું છે કે, જોડાઅક્ષરમાં છેવટનો ‘र’ હોય ને અપભ્રંશમાં તેનો લોપ ન થાય.૧ હેમચંદ્રના વ્યાકરણમાં એવા ‘र’નો લોપ વિકલ્પે થાય છે એમ કહ્યું છે.૧[14] એ રીતે ચંડના અને હેમચંદ્રના વખત વચ્ચે થએલો ફેર માલમ પડે છે, અને प्रिय ઉપરથી प्रिय થાય તેમ पिउ પણ થાય. ग्राम ઉપરથી ‘ગ્રામ’ પણ થાય અને ‘ગામ’ પણ થાય. એ હેમચંદ્રનો નિયમ અપભ્રંશને ગુજરાતીની વધારે સમીપ આણતો પ્રકટ થાય છે. ચંડના એ વ્યાકરણની પ્રસ્તાવનામાં ડૉક્ટર હોર્નેલે પ્રાકૃત ભાષાઓનાં સ્થલ વિભાગનો નકશો આપી દર્શાવ્યું છે કે જુદાં જુદાં સ્થળેાએ મળી આવતા શિલાલેખોની ભાષા ઉપરથી માલુમ પડે છે કે હાલના સંયુક્ત પ્રાન્તો બિહાર, બંગાળા, ઓરિસ્સા અને મધ્યહિંદમાંના ઈશાન તરફના ભાગમાં માગધી ભાષા બોલાતી હતી, અને તે ભાષાની વિશેષતા એ છે કે સંસ્કૃત ‘र’ નો તેમાં ‘ल’ થાય છે. મધ્યહિંદમાંના નૈર્ઋત્ય તરફના ભાગમાં, પશ્ચિમહિંદમાં અને દક્ષિણહિંદમાંના કેટલાક ભાગમાં સામાન્ય પ્રાકૃત બોલાતી હતી. અપભ્રંશ ભાષા સિંધુ નદીની પૂર્વે આવેલા ઉત્તર હિંદમાં બોલાતી હતી, અને તે ભાષાની વિશેષતા એ છે કે જોડાક્ષરમાં પાછલો ‘र’ તેમાં કાયમ રહે છે. ચંડે કહેલા નિયમ પ્રમાણે સામાન્ય પ્રાકૃતમાં પહેલી વિભક્તિના એકવચનમાં છેડે ‘ઓ’ પણ આવે અને ‘એ’ પણ આવે. એટલે सं. देवः નું देवो પણ થાય અને देवे પણ થાય. હોર્નેલ કહે છે કે એમાંનાં ‘એ’ કારાન્ત રૂપ મધ્યહિંદની જોડાજોડ તેની પશ્ચિમે આવેલા દેશ વિભાગના શિલાલેખોમાં માલમ પડે છે, અને એ ભાગની ભાષા પાછળથી અર્ધ માગધી કહેવાઈ; અને ગિરનાર વગેરે સ્થળના શિલાલેખોમાં ‘ઓ’ કારાન્ત રૂપ માલમ પડે છે, અને તે તરફની ભાષા પાછળથી મહારાષ્ટ્રી અને શૌરસેની કહેવાઈ. આ રીતે મહારાષ્ટ્રી અને શૌરસેની એક કાળે ગુજરાત તરફ પ્રવર્તી હશે ખરી. નરસિંહ મહેતાનાં કાવ્યોની અસલ ભાષા લહીઆએાએ પાછળથી બહુ બદલી નાખ્યા છતાં તેમાં હજી चो અને चा એવા છઠ્ઠી વિભક્તિના પ્રત્યય માલમ પડે છે તે આ જુની મહારાષ્ટ્રીની શાખ પુરે છે. અને હેમચન્દ્રે અપભ્રંશના નિયમો આવ્યા પછી કહ્યું છે કે અપભ્રંશની ઘણીખરી રચના શૌરસેની પ્રમાણે છે૨[15] તે અપભ્રંશના પાયામાં રહેલી શૌરસેની દર્શાવે છે. પરંતુ ગુજરાતની હાલની વસ્તી પંજાબ તરફથી આવેલી છે અને પંજાબમાં હજી ‘ગુજરાત’ નામે જગા છે એ દાક્તર બુલ્હરની શોધ ધ્યાનમાં લેતાં अपभ्रंश ભાષા દાક્તર હોર્નેલે ઉપર બતાવેલા પ્રદેશમાંથી ગુજરાતમાં આવી એ સંભવિત જણાય છે. હેમચંદ્રાચાર્યે પોતાના વ્યાકરણને છેડે અપભ્રંશના નિયમો કહ્યા છે અને તે સાથે એ ભાષાનાં ઘણાં ઉદાહરણ આપ્યાં છે, પરંતુ એટલા જ પરથી હેમચંદ્રના વખતમાં ગુજરાતમાં અપભ્રંશ ભાષા બોલાતી હતી એમ કહી શકાતું નથી. અપભ્રંશ ભાષા કયા દેશની ભાષા છે અને પ્રથમ બોલાતી કે હાલ બોલાય છે એ વિશે હેમચન્દ્રે કાંઈ કહ્યું નથી. અલબત્ત, શૌરસેની માગધી, પિશાચી અને ચૂલિકા પિશાચીના નિયમો તેમણે આપ્યા છે તેના કરતાં અપભ્રંશના ઘણા નિયમો આપ્યા છે અને અપભ્રંશના ઉદાહરણ માટે કાવ્યગ્રન્થોમાંથી અનેક ઉતારા કર્યા છે; પણ ઉપર કહેલી ત્રણ ભાષા માટે તેમ ન કરતાં એકજ ઠેકાણે ચૂલિકા પૈશાચી માટે એેવો ઉતારો કર્યો છે અને પ્રાકૃત માટે પણ જુજ ઉતારા કર્યા છે; તેથી અપભ્રંશ હેમચંદ્રના ચિત્ત સમક્ષ ઘણી નજીક હતી એમ તો જણાય છે. તેમજ वहिल (વહેલો), विट्टाल (વટાળ), कोड (કોડ, શોખ), केर ( કેરો-સંબંધ દર્શક), (તણો-સંબંધ દર્શક), વગેરે અપભ્રંશના ખાસ શબ્દો હેમચન્દ્રે આપ્યા છે, તે દર્શાવે છે કે અપભ્રંશ ગુજરાતમાં બોલાતી હોવી જોઈએ. તેમજ બીજી સાહિત્ય પરિષદ્દમાં ઉપર કહેલા ભાષણમાં રા. રા. કેશવલાલભાઈએ દર્શાવ્યું છે તેમ અમદાવાદમાં સંવત ૧૫૦૮ માં રચાયેલા वसंत विलास નામે કાવ્યમાં ‘ખેલવાને’ એવા ( तुम् infinitive of purpose)ના અર્થમાં खेलन રૂપ વપરાયેલું છે અને ‘મંડનમાટે’ એવા (तादथर्थ ના અર્થમાં मंडनरेसि રૂપ વપરાયેલું છે. એ રૂપો હાલની ગુજરાતીમાં નથી પણ હેમચન્દ્રે અપભ્રંશનાં એવાં રૂપ બતાવ્યાં છે.૧[16] તે હકીકત ૫ણ ગુજરાતમાં અપભ્રંશ ભાષા બોલાતી હતી એમ દર્શાવી આપે છે. હેમચન્દ્રે પોતાનો ગ્રન્થ સંવત ૧૧૬૮ માં સિદ્ધરાજ જયસિંહના વખતમાં લખ્યો છે તેથી અપભ્રંશ ભાષા તે સમય પહેલાંથી પ્રવર્તમાન હતી એટલું તો જણાય છે. અલબત્ત, અપભ્રંશ ભાષામાં ફેરફાર થઈ હાલની ગુજરાતીને વધારે મળતી ભાષા બોલવા માંડ્યા પછી પણ શિષ્ટ ભાષા તરીકે અપભ્રંશ ભાષા કાવ્યોમાં વપરાતી હોય અને તેથી તે કાવ્યો રચાયાં તે સમયે અપભ્રંશ પ્રચલિત હતી એમ ચોકસપણે કહી શકાય નહિં. પણ એ માત્ર કાલનિર્ણયનો જ પ્રશ્ન છે, સ્થલનિર્ણયનો પ્રશ્ન નથી. અપભ્રંશ ભાષાનાં કાવ્યોનાં ઉદાહરણ લેતાં સ્થલનિર્ણયમાં શંકા રહેતી નથી.
काती करवत कापतां वहिलउ आवइ ।छह।
नारी विध्या हलवलइ जाजीवह ता ।दह॥
‘કાતે અને કરવતે કાપેલાનો વહેલો છોડો આવે છે; નારીએ વિઘેલા જ્યાં સુધી જીવે ત્યાં સુધી તેમનો દેહ ટળવળે છે.’
आगि दाधा पालवइ ।छद्व। पाधइ वृक्ष।
नारि हुताशनि जालिया छार उहंउीथया लक्ष॥
‘આગે દાઝેલાં વૃક્ષ પાલવે (તેને ફરી પલ્લવ આવે) અને છેદેલાં વૃક્ષ વધે; (પણ) નારી હુતાશનથી બાળેલા લાખો રાખ થઈ ઉડે છે.’
अठ्ठोतरसु बुद्धडी रावणतणइ कपालि ।
एकू बुद्धि न सांपडी लंका भंजण कालि ॥
રાવણને કપાળે અઠ્ઠોતેરસે બુદ્ધિ (હતી, પણ) લંકા ભાંગી તે કાળે એકે બુદ્ધિ સાંપડી નહિ.૧[17]
‘મુંજરાસા’માંના આ દુહાની અપભ્રષ્ટ ભાષા ગુજરાતી ભાષાની એટલી બધી નજીક છે કે એ ભાષા ગુજરાતમાં હતી એમાં સંદેહ રહેતો નથી. નરસિંહ મહેતાએ ‘સુરતસંગ્રામ’માં પોતાની ગુજરાતી ભાષાને ‘અપભ્રષ્ટગિરા’ કહી છે, પણતેજ સમયમાં થયેલા પદ્મનાભે ‘કાન્હડદે પ્રબંધ’માં પોતાની ગુજરાતી ભાષાને ‘પ્રાકૃત’ કહી છે, અને તે પછી ઘણે કાળે થયેલા અખાએ પોતાની ગુજરાતી ભાષાને ‘પ્રાકૃત’ કહી છે; તેથી, એ ઠેકાણે ‘અપભ્રંશ’ અને ‘પ્રાકૃત’ એ શબ્દો માત્ર ‘સંસ્કૃતથી ઉતરતી ભાષા’ એવા અર્થમાં વપરાયેલા છે. ગુજરાતી તે જ અપભ્રંશ કે પ્રાકૃત એેવો અર્થ ત્યાં ઉદ્દિષ્ટ નથી.
અપભ્રંશ ભાષાને ગુજરાતી ભાષા કહેવી કે ગુજરાતી ભાષાની માતા કહેવી એ સંબંધમાં રા. રા. કેશવલાલભાઈએ ઉપર કહેલા ભાષણથાં કહ્યું છે કે ગુજરાતી ભાષાના ત્રણ યુગ પાડવા: (૧) પહેલો યુગ તે ઈ. સ. ના દસમા અગિયારમા શતકથી ચૌદમા શતક સુધીનો; અને તે યુગની ગુજરાતીને અપભ્રંશ કે પ્રાચીન ગુજરાતી નામ આપવું ઘટે છે. (૨) બીજો યુગ તે પંદરમા શતકથી સત્તરમા શતક સુધીનો; અને તે યુગની ગુજરાતી જે જુની ગુજરાતી કહેવાય છે તેને મધ્યકાલીન ગુજરાતી કહેવી યોગ્ય છે. (૩) ત્રીજો યુગ તે સત્તરમા શતક પછીનો; અને તે યુગની ગુજરાતી તે અર્વાચીન ગુજરાતી છે એ નિર્વિવાદ છે. ઇંગ્રેજી ભાષાના પણ આ પ્રમાણે આંગ્લ સાકસન (Anglo Saxon) અર્ધ સાક્સન (Semi Saxon), પ્રાચીન ઇંગ્રેજી (Old English), મધ્યકાલીન ઈંગ્રેજી (Middle English) અને અર્વાચીન ઇંગ્રેજી (Modern English) એવા ભેદ પાડવામાં આવ્યા છે. ‘આંગ્લ સાકસન’ નામ કહાડી નાખી તે ભાષાને અને તે પછીની ઉપર કહેલી બધી ભાષાઓ ફક્ત “ઇંગ્રેજી” જ કહેવી એમ કેટલા ઇંગ્રેજી વિદ્વાનોનો મત છે. કેટલાકનો તેથી ઉલટો મત છે કે જુદા જુદા નામથી એળખાતા ભાષાવિભાગને આ રીતે એક વર્ગમાં મુકવાથી અગવડ પડશે, અને જે વસ્તુઓ યથાર્થ રીતે જુદી છે તેને એક કહેવાથી ગુંચવાડો થશે; કારણ કે અર્વાચીન ઇંગ્રેજી તે આંગ્લ સાકસનના પાયા ઉપર રચાઈ છે, અને તેમાંથી જ ઉદ્ભવ પામી છે, તોપણ એ બે વચ્ચે એટલો બધો ફેર છે કે એ બેમાંથી એકનું સંપૂર્ણજ્ઞાન હોય તો માત્ર તેટલાથી એમાંની બીજી આંખથી કે કાનથી સમજાય નહિ.૧[18] અપભ્રંશ ભાષાને ગુજરાતી કહેવી કે નહિ તે બાબત આ પાછલા દ્રષ્ટિબિન્દુથી વિચાર કરીએ તો એટલું તો કહેવું પડે કે જેને અર્વાચીન ગુજરાતીનું જ્ઞાન ન હોય તે માત્ર અપભ્રંશ શીખીને અર્વાચીન ગુજરાતી સમજી શકે નહિં, અને જેને અપભ્રંશનું જ્ઞાન ન હોય તે માત્ર અર્વાચીન ગુજરાતી શીખીને અપભ્રંશ સમજી શકે નહિ. અલબત્ત, ફેર છે તેમ સરખાપણું પણ છે, અને આવા સંબંધમાં હેલમનો અભિપ્રાય લક્ષમાં લેવા યોગ્ય છે. ઈંગ્રેજી ભાષાનો આરંભ નકી કરવો એના કરતાં કંઈ વધારે મુશ્કેલ હોઈ શકે નહિ. અહીંથી સીમા બાંધવાની અમારી મરજી છે એમ કોઈ કારણ જણાવ્યા વિના સ્વચ્છંદ રીતે કહીએ તોજ એ કાર્ય થઈ શકે. યુરોપખંડની બીજી ભાષાઓમાં આ નિર્ણય માટે સાધનોની ખામી છે એવું ઇંગ્રેજી માટે કારણ નથી; પણ તેથી ઉલટું કારણ છે, અને તે એ કે શબ્દો બહુ ધીમે ધીમે ક્રમમાં ઉદ્ભવ પામતા આવ્યા છે, અને તેને પરિણામે હાલનાં રૂપ થયાં છે એમ બતાવી શકાય તેવું છે કારણકે તેરમા સૈકાની જુનામાં જુની ઈંગ્રેજી ભાષાને બારમા સૈકાની આંગ્લ-સાક્સન ભાષા સાથે સરખાવીએ તો ઇંગ્રેજીને જુદી ભાષા શા માટે કહેવી અને આંગ્લ-સાસન ઉપરથી રૂપાન્તર થયેલી કે સાદી થયેલી ભાષા શા માટે ન કહેવી એનો ઉત્તર દઈ શકાતો નથી. પરંતુ ચાલતો આવેલો વહીવટ કાયમ રાખવો જોઈએ અને એમ કહેવું જેઈએ કે આંગ્લ-સાકસન બદલાઈને ઈંગ્રેજી થઈ અને તે એ પ્રમાણે કે (૧) શબ્દોના ઉચ્ચાર અને જોડણી ટુંકાં થયાં અથવા બીજી રીતે રૂપાન્તર પામ્યાં; (૨) વિભક્તિનાં ઘણાં રૂપ, વિશેષે કરીને નામનાં રૂપ, મુકી દેવામાં આવ્યાં અને તેથી ઉદ્દેશક ઉપસર્ગો (articles) અને સાહાય્યકારક અવ્યયોનો વધારે ઉપયોગ થયો; (૩) ફ્રેન્ચ ઉપરથી ઉપજેલાં રૂપ દાખલ થયાં. આમાંનો માત્ર બીજો પ્રકાર જ નવા રૂપની ભાષા દર્શાવવા સમર્થ છે એમ હું ધારૂં છું, અને આ ફેર એેવો ધીમે ધીમે થયો છે કે કેટલાક લેખને માતાનું છેલ્લું બાલક ગણવું કે પુત્રીની પ્રજોત્પાદકતાનાં આરંભચિહ્નો ગણવાં એ આપણી મુશ્કેલી ઝાઝી દૂર થતી નથી.” વિભક્તિઓનાં રૂપ જતાં રહે ત્યારે ભાષા બદલાયેલી ગણવી એ હેલામનો નિયમ લઈએ તો અપભ્રંશનાં સંસ્કૃત વિભક્તિઓના પ્રત્યય ફેરફાર સાથે પણ રહેલા છે, અને ગુજરાતીમાં એ સર્વ પ્રત્યય જતા રહેલા છે. ગુજરાતીમાં વાસ્તવિક રીતે પ્રત્યયદ્વારા વિભક્તિઓનાં રૂપાખ્યાન છે જ નહિં; માત્ર સાહાય્યકારી અવ્યયોથી વિભક્તિઓ સરખા અર્થ દર્શાવવામાં આવે છે અને પહેલી અને બીજી વિભક્તિઓમાં તો શબ્દનું પ્રત્યય કે અવ્યય વગરનું મૂલ રૂપ જ વપરાય છે અપભ્રંશમાં પણ પહેલી અને બીજી વિભક્તિઓના પ્રત્યયનો લોપ થાય છે, અને છઠ્ઠી વિભક્તિના પ્રત્યયનો ઘણું ખરૂં લેપ થાય છે,૧[19] અને અપભ્રંશમાં પ્રાકૃત કરતાં પણ વધારે ઠેકાણે વિભક્તિના પ્રત્યયના આદેશ (નિયમ વગરના બદલે મુકાતા શબ્દ) થાય છે. એ ખરૂં છે તોપણ અપભ્રંશમાં नहेण (ત્રીજી વિભક્તિનું એકવચન) लक्खेहिं (ત્રીજી વિભક્તિને બહુવચન.) गिरिसिङगहुं (પાંચમીનું બહુ વચન) परस्सु (છઠ્ઠીનું એકવચન ) तणहं (છઠ્ઠીનું બહુવચન) એ વગેરે પ્રત્યયવાળાં રૂપાખ્યાન થાય છે તેથી એવા અંશમાં અપભ્રંશને તે ગુજરાતીથી જુદી ભાષા જણાય છે. અલબત્ત હેલામ કહે છે તેમ આવા ફેરફાર બહુ ધીમે ધીમે થાય છે અને અર્વાચીન ભાષાનાં રૂપની ઉત્પત્તિ ખોળતા ખોળતા ભૂતકાળના ઈતિહાસમાં જઈએ તો ક્રમે ક્રમે મૂળભૂત પ્રાચીન ભાષા તરફ જઈ પહોંચીએ છીએ, અને અહીંથી પ્રાચીન ભાષાની હદ પુરી થઈ અને અહીંથી અર્વાચીન હદ શરૂ થઈ એવો સુરેખ વિભાગ થઈ શક્તો નથી. તેથી, અપભ્રંશનું નામ વિકલ્પે જુની ગુજરાતી કહીએ તો તેમાં અયથાર્થતા નથી; માત્ર જાણીતી થએલી વિભાગ ૫દ્ધતિનો ત્યાગ થાય છે. એ અપભ્રંશ કે જુની ગુજરાતી ઈસ્વી સનના દસમા સૈકા કરતાં વધારે જુની નહિં હોય એમ લાગે છે. અલબત્ત, ચોકસ નિર્ણય કરવાનાં સાધન નથી. મરાઠી ભાષાનો મુકુન્દરાજ પણ ઈ. સ. ૯૭૮ માં થયો છે.
સાધારણરીતે જે જુની ગુજરાતી કહેવાય છે અને રા. રા. કેશવલાલભાઈના વિભાગ પ્રમાણે જે ‘મધ્યકાલિન ગુજરાતી’ કહેવાય તે ભાષામાં લખાયેલું જુનામાં જુનું પુસ્તક હાથ લાગ્યું છે તે “મુગ્ધાવબોધ મૌક્તિક” નામે છે. એ પુસ્તક સંવત ૧૪૫૦માં રચાયેલું છે, અને તેમાં ગુજરાતી ભાષામાં સંસ્કૃત વ્યાકરણના નિયમો સમજાવ્યા છે. ગ્રન્થકારે પોતાનું નામ આપ્યું નથી પણ તે પોતાને ‘દેવસુન્દર ગુરુના પગની રજ’ કહે છે, અને રા. રા. કેશવલાલભાઈએ દર્શાવ્યું છે તેમ તે જૈન હોવો જેઈએ. એ પુસ્તકની ભાષા અપભ્રંશથી જુદી પડે છે, તોપણ હાલની ગુજરાતી ભાષામાં નથી એવા અપભ્રંશના અંશ તેમાં નજરે પડે છે. “जेह तउ हुंतउ थउ थकउ इत्यादि बोलि वइं जेह वस्तुनइं परित्याग सूचीइ अपादान." "पहनउ तणउ एहरहइं किहिं इत्यादि बोलिवइं उक्तिमाहि जेह वस्तु रहइ कारकसिउँ अथवा सवंध सिउं स्वस्वामित्वादिक संबंध सूचि यह। अनइ जेहरइं क्रिया हेतुपणाउं न हुइं ते संबंध तिहां षठ्ठी हुइ.” અહીં કહેલો પાંચમી વિભક્તિનો हुंतउ પ્રત્યય પ્રાકૃતમાં हिंतो અને सुंतो રૂપે માલમ પડે છે. અને અપભ્રંશમાં તેને વધારે મળતું રૂપ कहन्तिहु (ક્યાંથી) છે; પણ હાલની ગુજરાતીમાં તે રહ્યો નથી. थउ, थकउ હાલની ગુજરાતીમાં થી, થકી રૂપે છે, પણ (પ્રાકૃત કે) અપભ્રંશમાં તે નથી. છઠ્ઠી વિભક્તિના કહેલા एहनउનું હાલનું ગુજરાતી રૂપ એનો છે પણ અપભ્રંશમાં તે નથી. तणउ અપભ્રંશમાં છે અને ગુજરાતીમાં પણ તણો, તણી, તણું રૂપે છે. तहरहइं એવું છઠ્ઠીનું રૂપ અપભ્રંશમાં નથી તેમ હાલની ગુજરાતીમાં ૫ણ છઠ્ઠીના પ્રત્યયમાં મારૂં, તારૂં, અમારૂં, તમારૂં, સોનેરી, રૂપેરી, અનેરો, અને ઘણેરો એ આઠ શબ્દ સિવાય ‘ર’ નથી; અને તેમાંના પણ છેલ્લા બે ફક્ત કવિતામાં વપરાય છે. પરંતુ રા. રા. કેશવલાલભાઈએ દર્શાવ્યું છે કે પદ્મનાભના ‘કહાનડદે પ્રબંધ’માં, ભાલણની ‘કાદમ્બરી’માં, રત્નાગરના ‘વસંત વિલાસ’માં અને ગદ્ય “વૈતલ પંચવીશી’માં कणयरी (=કનકની), पारशीकर (=પારસીના), बालंभरहइं (=વહાલમનું, વહાલાનું) मातारि (=માનું), એવાં રૂપ નજરે પડે છે. મારવાડીમાં थारो (=તારો) बापरो (=બાપનો) અને બંગાળીમાં आमार (=અમારૂં) અને रामेर (=રામનું) એવા ‘ર’ કારવાળા છઠ્ઠીના પ્રત્યય હાલ પણ છે. હિંદીમાં मेरा, हमेरा, तेरा, तुम्हेरा એવા સર્વનામનાં છઠ્ઠીનાં રૂપમાં ‘ર’ છે, પણ તે સિવાય છઠ્ઠીનો પ્રત્યય को છે.
આ પુસ્તકની સાલ પહેલાં સાડા છસેં વર્ષ ઉપર લખાયેલું જણાતું એક ગુજરાતી વાક્ય દાક્તર હરિલાલ હર્ષદરાય ધ્રુવને પાટણમાં એક પ્રતિમા નીચેના લેખમાં મળી આવ્યું છે. श्री वणराज राउनी अणहिलवाडइ पाटणि उमामहेश्वर स्थापना छइ વિ. સં. ૮૦૨ એવું એ વાક્ય છે. પરંતુ राउ ની એવું છઠ્ઠી વિભક્તિનું રૂપ અને छइ એવું अस् નું રૂપ એ સમયે પ્રવર્તમાન હોય એમ લાગતું નથી; કેમકે તે પછી ઘણા કાળ સુધી એવાં રૂપ વપરાયાં નથી અને સંવત્ ૮૦૨માં ઉમામહેશ્વરની સ્થાપના થયેલી એ વાત ઘણાં વર્ષો પછી એ સ્થળે લખેલી છે એમ જણાય છે.
‘મુગ્ધાવબોધ ઔક્તિક’ પછી આગળ ચાલતા જઈએ છીએ તેમ ગુજરાતી ભાષા હાલના સ્વરૂપ તરફ વધારે બંધાતી જોઈએ છીએ. અને તે હકીકત કવિતા કરતાં ગદ્યમાં વધારે સ્પષ્ટતાથી જણાય છે. ‘शुवुबोहोत्यनी’ નામે પુસ્તક ‘મૌક્તિક’ પછી થયેલું છે તેમાંથી થોડાં વાક્ય ઉતારીએ.
कुंडिन नगरि भूधर वणिक्पुत्र। तेहनि पुण्यना क्षयतु धननु क्षय हौउ। धनना अयतु सगे सहूइ छाडयु। गतमान हौउ। पोति घणा दिवसनी लोहतुला हूंती। ते अनेरानि धरि मुकीनि देशांतरिग्यं। केतले दिवसि वली धन उपार्जी आव्यु।
‘સંગે સહુએ’ વચન આજ પણ પ્રચલિત છે. ‘હૂતી’ એ રૂપ હજી સુધી સુરત તરફ છે અને ‘ગ્યં’ ને મળતું કાઠીઆવાડી રૂપ ‘ગ્યો’ છે.
આ પછી સંવત ૧૫૦૮માં રચાયેલા “ વસંત વિલાસ” માંના બે દુહા લઈએ.
नाहु निछिछि गामटि सामाटि मयणअजाणि।
मयण महाभड असहिह सही हिइइ हगइ बाणि॥
ईणं परि कोइलि कुंजइं पूंजइं जुवति मणोर।
विदुर वियोगिनी धूजइं कूंजइं मयण किशोर ॥
नाहु પરથી થયેલા ‘નાહુલો’, ‘નાવલો’ હજી પ્રવર્તમાન છે; गामटि પરથી હાલનું ‘ગામઠી,’ ‘ગામડીયો’ રૂપ થયેલાં છે; सामाटि રૂપ કાયમ છે, अजाणि હવે નરજાતિ વાચક નથી પણ એ મૂળ રહ્યું છે. ईणं परि પરથી ‘એણીપેર’ થયેલું છે.
આ પછી મળી આવતો ગ્રંથ તે ‘કહાનડદે પ્રબંધ’ છે. તે સંવત્ ૧૫૧૨માં રચાયેલો છે. તેનો કર્તા પદ્મનાભ વીસનગરો નાગર હતો, અને મારવાડમાં ઝાલોરને રાજ કવિ હતે. તેનું કાવ્ય બહુ ઉંચી શક્તિ પ્રદર્શિત કરે છે. તેમાંથી એક બે કડીઓ લઈએ.
तिणि अवसरि गुजरधर राय, करणदेव नामि बोलाय।
तिणि अवगणिउ माधव बंभ, तांहिं लगइ विग्रह आरंभ॥
रीसायु मूलगु परधान, करी प्रतिज्ञा निम्यूं धान।
गूजरातिनूं भोजन करूं, जु तरकाणूं आणूं अरूं॥
આ કાવ્ય ‘વસંત વિલાસ’ ના સમયનુંજ હોવા છતાં તેની ભાષા હાલની ગુજરાતીને ઘણી વધારે મળતી છે. ‘વસંત વિલાસ’ કાંઈક વધારે જુના કાળમાં શિષ્ટ ગણાતી કાવ્ય ભાષામાં લખાયેલું છે એમ લાગે છે. ઉપરની બે કડીમાંના बंभ (બ્રાહ્મણ) અને अरूं (અહીં, આ તરફ) શબ્દ હવે પ્રવર્તમાન નથી, પણ ગીતોમાં ‘ઓરો એારાં’ રૂપે માલમ પડે છે. अवगणिउ, रिसायु, मूलगु એનાં અવગણિયો, રીસાયો, મૂળગો એવાં ઓકારાન્ત રૂપ, અને अवसरि, नामि એનાં અવસરે, નામે એવાં એકારાન્તરૂપ એ કાળ પછી થયાં છે. એવા એવા ફેર સિવાય બીજી રીતે આ ભાષા હાલની ગુજરાતીની બહુ નજીક છે.
નરસિંહ મહેતા, મીરાં, ભાલણ, ભીમ, એ કવિઓ આ સમયના જ છે, પણ તેમની મૂળ ભાષા લહીઆઓએ એટલી બધી બદલી નાખી છે કે તેમના આ લખાણ આ સંબંધમાં કામ આવે તેમ નથી. કદાચ ભાલણની ‘કાદમ્બરી’ પ્રસિદ્ધ થશે ત્યારે તેની અસલભાષા હાથ લાગશે. “અપ્રસિદ્ધ ગુજરાતી પુસ્તક” ની માસિક ગ્રંથાવલીમાં ગદ્ય રામાયણ પ્રસિદ્ધ થયું છે. તે પુસ્તકના કર્તાનું નામ જણાયું નથી પણ તેની મૂળ ભાષા જળવાયેલી લાગે છે. એ પુસ્તક નરસિંહ મહેતાના વખતનું છે એમ શાસ્ત્રી વ્રજલાલ કાળીદાસનું માનવું હતું, અને ભાષા પણ તેવીજ જણાય છે. થોડા ઉતારા કરીશું. “એકવાર વાલ્મીકનિ આશ્ચમિ નારદ આવ્યા છિ, વાલ્મીકિ ઘણી પૂજા કરીનિ પૂછયું, આજ અહ્મો કૃતાર્થ કિધા હે સ્વામી અહ્માનિ કહોનિ એહવો ત્રૈલોક્યમાંહિ માનુંભાવ પુરુષ કો છિ…તે તમસાનિ તિરનિ વિષિ વાલ્મીકિ વિદ્યાર્થિ સહિત તિહાં આવ્યાં, તે ઉત્તર તીર્થ દીઠું તિહાં વિદ્યાર્થિ સાથિ ધિરિયુ વલ્કલ અણાવ્યું તે તીર્થમાંહિ રહ્યા …એહવો શબ્દ મુખમાંહિથી નીસર્યુ, ત્યાર પહિલુ પૃથિવીમાંહી શ્લોક નથી. કાવ્ય શ્લોક છંદ વાણી કાંઈ નથી. તે માટે વાલ્મિક તથા વિદ્યાર્થી વિચારવા લાગ્યા જે એ મહાવાક્ય શબ્દ હવું તે શું હવું. કાંઈ એક પદબંધ દીસિછિ એમ વિચારતાં થિકાં તિર્થાવગાહન કરી પોતાનિ આશ્રમિ આવ્યા, આસનિ બિઠા ધ્યાન કરવા લાગ્યાં.”
અહીં ‘આશ્રમિ,’ ‘છિ,’ ‘તિહાં,’ ‘ધિરિયું,’ ‘હેવું,’ વિચારતાં થિહાં એવાં રૂપ ફક્ત હાલની ગુજરાતી જાણનારથી પણ સમજાય તેવાં છે.
સંવત્ ૧૫૬૮માં રચાયેલા ‘વિમલરાસ,’ નામે જૈન ગ્રન્થની ભાષા પણ આજ પ્રકારની છે. તેમાંથી બે કડીઓ ઉતારીશું.
दिनि दिनि वाधइ विमलकुमार
अहनिसि अंगि विमलाचार।
हरखीं माता हूलावती।
विमलवाणि बोलइ भावती॥
विमलकुंवर पुउढइ पालणइ
मां हिंडोलइ ऊलटि घणइ।
हारलडे हूलावइ बाल
खिणि खिणि आवी करइ संभाल ॥
અહીં पुउढइ ઉપરથી હાલનું ‘પોઢે,’ અને આમાંના खिणि खिणि ને ઠેકાણે હાલ પાછું क्षणे क्षणे ગુજરાતીમાં દાખલ થયું છે. इમાંથી થયેલા વર્તમાન ए વિશે આગળ કહ્યું છે. આ સિવાય આ કડીઓમાંની બાકીની ભાષા તે હાલથી ગુજરાતી જ છે. [20]
શિષ્ટ ગ્રન્થોની ભાષા જોયા પછી સાધારણ વ્યવહારના લખાણોની ભાષાપર દ્રષ્ટિ કરીએ. આ માટે કેટલાક દસ્તાવેજોનો ઉપયોગ કરીશું.૧[21]
સંવત ૧૫૮૩મા અમદાવાદ પાસે રાજપુરમાં થયેલું વેચાણ ખત છે તેમાં દસ્તુર પ્રમાણે આરંભમાં પાદશાહ, કાજી, દીવાન વગેરેનાં નામ સંસ્કૃત માં આપ્યાં છે અને પછી વેચાણનો વ્યવહાર ગુજરાતીમાં લખ્યો છે. વેચનાર અને લેનાર (ग्राहक) નાં નામ કહ્યા પછી લખ્યું છે કે :–
"आपणी भूमि साह सामलना पाडा मध्ये हूती ते भूमि राज्यटंका ८०४ आंक आठसइ चिरोत्तर माटइ वेचाती परी. आसारवा विण्डू जादव लाखा सारणनइ आपी सही। ते भूमि परी. आसइ रवाइ विण्हूए जादवइ लाखइ सारणइ आपणइ कबजि करी द्राम एकं मूठिं गिणी आप्या सही। ते द्राम सो० लइइ लाडणइ संघइ काशीइ आपणइ जमणइ हाथिं संभाली लोधा सही। पूर्व पश्चिम श्रे० कसा अबा वनाना कहर लगइ गज १६। तथा उत्तर दक्षण दालीया लाडण जीवा (गांगा) महिराज एकढाली पछीतथी वाट सूधा गज ३५। एवम जमलइ सर्व थै गज ५६० अंके पांचसइ साठि पूरा। अथाघाट पूर्ब श्रे. कसा अबा बनानूं फलीह। दक्षण दालीया लाडण जीवा गांगा महिराज। पश्चम परी. दमा आसा सूदानूं फलीह । उत्तरं हीडवानु मार्ग शेरीनु । तथा एवं विद्या भूमिः परी०-आसारवा विण्हू जादव लाखा सारण आचंद्रार्क भोक्तव्या । लहूआ लाडलशंघा काशीदास संबंधो नास्ति । ए भूमि नइ किधर को दावु करइ तेह नइ लहुआ लाडल शंधा काशी प्रीछवइ ।
હાલના દસ્તાવેજોમાં આમાંની भूमिनुं ‘ભોમ’ द्रामनुं ‘દામ’ અને आघाटનું ‘ખુંટ’ થયું છે. एक मूढिं गिणी आप्या જતું રહ્યું છે અને હવે તો ‘રોકડા મુંબઈગરા ગણી આપ્યા છે’ એ વાક્ય દાખલ થયું છે. प्रीछवइ ને ઠેકાણે હવે ‘મન મનાવે’ વપરાય છે. कहर નો ‘કરો’ जमलइનું ‘જુમલ્લે’ फलीहનું ‘ફળીઉં’ એ ફેરફાર પણ થયા છે. પણ તે ફક્ત દસ્તાવેજોનીજ ભાષાના નથી, પણ સામાન્ય ભાષાના છે.
चिरोत्तरનું ‘ચિલ્લોતેર’ હજી આંક ગોખતાં બોલાય છે. जमणइ हाथि संभाली लोधा એ વાક્ય હવે દસ્તાવેજોમાંથી જતું રહ્યું છે અને भूमिनइ कीधइको दावु करइમાંનું कीधइ જતું રહ્યું છે, અને એ અર્થમાં ‘ઉપર’ શબ્દ હવે વપરાય છે.
સંવત ૧૫૯૯ માં અમદાવાદમાં લખાયેલા ग्रहण पत्र (ઘરાણીઆ દસ્તાવેજ) માં કેટલુંક અશુદ્ધ સંસ્કૃત છે પણ ગુજરાતી ભાષા સંબંધી જાણવાજોગ નીચે પ્રમાણે છે.
डुढीऊ १ नवुं टंका ६ लेखइ अंके छ लेखइ । घरग्रहणे। घर खडकीबद्ध मध्य उपवर्ग २ गोझारि २ पटसालि प्रांगण सहित सन्मुख छापरुं पक्केष्ट वली-खाप नलीआ-वारत-कमाड सहित खडकीबद्ध ग्रहणे मूंक्यां । *** पार्श्व ऊत्तरइ मोदी धना सुता समधर सायरनां घर । पार्श्व पूर्वे *** । एवं ४ खूंट। प घर पडइ अखडइ राजकि दैवाकि लागै ते तथा नलीआ खोटि धणी छोडवतां सर्व वरती आपइ । संचरामणी वसनाहारनी। जांलगइ टंका आठ सहिश्र चिडोत्तेर आपइ । तिध्हारइं छुटइ *** बंधी अवधि वरिष ५ नी । * * * घरभाडुं नहीं । द्राम व्याज नहीं। खाल-परनाल- नीछार-वाटिक पूर्वा रोति संबंध।"
અહીં आघाटનું ‘ખુંટ’ થઈ ગયેલું છે. पार्श्व पूर्वे વગેરેને બદલે હવે ‘પુરવ પાસા’ વગેરે લખાય છે. राजकि दैवाकिનું હવે ‘રાજક દૈવક’ થયું છે. वरती आपइનું હવે ‘વાળી આપે’ થયું છે.૧ ‘વળતદાણીઆ’ શબ્દમાં वरतीની છાયા વધારે રહી છે. मराठी परत તેને મળતું છે. નળીઆં અને સંચરામણીની શરતો હજી પણ એવી જ થાય છે. પણ संचरामणि वसनाहारनी ને બદલે ‘સંચરામણી તમારે શીર છે’ એવી વાક્ય રચના હવે પ્રચલિત થઈ છે. बंधी નું હવે ‘બાંણી’ થયું છે. तिव्हारइं નું ‘તેવારે’ થયું છે. घरभाडुं नहिं हाम व्याज नहि એ શરતો કાયમ રહી છે,પણ ‘ઘરનું ભાડું નહિં ને રૂપીઆનું વ્યાજ નહિં’ એવી વાક્યરચના થઈ છે. पूर्वा रीति संबंध ને બદલે હવે ‘અસલ હક મુજબ લખાય છે. ‘ટકા’ નો મૂળ અર્થ ઈંગ્રેજી per cent જેવો નહોતો પણ टंका તે ચાલતું નાણું હોવાથી સો ટંકાએ અમુક ટંકા લેખે વ્યાજ લખાતું એ આ દસ્તાવેજ ઉપરથી સમજાશે.
બીજા દસ્તાવેજોમાંથી વાકયો ન ઉતારતાં શબ્દો અને પદો જ લઈશું. સંવત ૧૬૧૮ માં લખાયેલા ‘વિચિણી’ (વહેંચણી)ના દસ્તાવેજમાં હાલના ‘તે’ ને ઠેકાણે ‘તૌ’ છે. ‘ખુશીથી’ ને ઠેકાણે ‘પ્રીછી’ છે. ‘જુદા થયા’ને ઠેકાણે ‘જૂજૂઆ થયા’ છે ‘કોઈ જાતનું સહિઆરૂં નહિં’ ને ઠેકાણે ‘તલાવિ પાણી સહીઆરો નહીં’ છે. ‘भूमि’ ને બદલે એમાં ‘ભોમ’ લખેલું છે.
સંવત ૧૬૫૧ માં અમદાવાદમાં થયેલા વેચાણખતમાં ‘घरविक्रीतं’ લખ્યું છે, તે બદલે હવે ‘વકરીત વેચાણ ઘર’ એવું લખાય છે.[22] પ્રથમના टंका ને બદલે એ ખતમાં ‘रूपहीआ’ શબ્દ આપ્યો છે અને તે ‘अमदावादनी टंकशाळना रोकडा’ છે. एकमुष्टानि दत्तानि એ વાક્ય તેમાં કાયમ છે. હાલના ‘એારડા બે’ તે તેમાં उरडा बि છે. હાલના ‘આકાશથી તે પાતાળ સુધી નવે નિધિ અષ્ટમાસિધ’ તે તેમાં आपातालीं वर नायेन नवनिधि सहित છે. જુના खडकी बद्ध અને હાલના ‘ખડકીબંધ’ ને ઠેકાણે એમાં ‘ખડકીબધ’ છે. ‘વારસ’ ને ઠેકાણે એમાં विरशी છે. ‘ખુંટ’ શબ્દ એમાં વપરાયો છે અને હાલના ‘કુલ અભરામ ન દાવે’ ને ઠેકાણે એમાં अमाराना दावे એ પદ છે. આ તથા ‘मतुं’ ને ઠેકાણે ‘મતુ’ દાખલ થાય છે. ખત લખનાર કદી मतं લખે છે પણ સહી કરનાર તો ‘મતુ’ જ લખે છે.
સંવત ૧૬૮૪ માં અમદાવાદમાં થયેલા વહેંચણીના દસ્તાવેજમાં त्रोटे एकमता थइनि એવું પદ છે. ‘વીગત’ ને ઠેકાણે व्यगत છે उरडो નથી પણ ‘ઓરડો’ છે. ‘ખુણાં’ના અર્થમાં મરાઠી कोपरा શબ્દ વાપર્યો છે. ‘આવ્યો છે’ ને ઠેકાણે आवाछि ‘સહિઆરા’ ને ઠેકાણે सोध છે. ‘વચ્ચે’ ને ઠેકાણે व्ययि છે. ‘ગમે એટલે માળ કરે કરાવે’ ના અર્થમાં एक भूम द्वीभूम त्रीभूम करी करावि લખ્યું છે. ‘ત્યાં લગી’ ને ઠેકાણે ताहारलमि પદ વાપરેલું છે, જે હજી સુરત તરફ વપરાય છે.
સંવત ૧૭૦૬ માં થએલા વેચાણખતમાં હાલના ‘પારસાત’ ને ઠેકાણે पारस्वात ( सं. पार्श्चात् = પાસેથી) છે. ‘ઘરાણે’ ને ઠેકાણે गरहिणि છે. હાલના ‘અઘાટ વેચાણ’ ને ઠેકાણે अदृष्ट वेचातु છે,
હાલના ‘ભાગલાગ નથી’ ને ઠેકાણે लगो भागो नास्ति છે. હાલના ‘કુલ’ અભરામ ન દાવે’ ને ઠેકાણે कुल अभिराम न दावे છે. અમદાવાદની ટંકશાળના રૂપીઆ आकरा कोरा કહ્યા છે.
સંવત ૧૭૨૮માં “શ્રી સુખસેનાબાદ શ્રી વેગનપુર”માં થયેલા વેચાણખતની ભાષા અને જોડણી બધી રીતે હાલની ગુજરાતી જ છે. માત્ર તેમાં ‘જગજીવનદાસ’ને બદલે સર્વત્ર यगजीवनदास લખ્યું છે. ‘કોઈ જાતનો સંબંધ રહ્યો નથી ‘ ના અર્થમાં ‘तलाव्य पाणी सहीयारो नहीं એ જુનું વાક્ય એમાં પણ વપરાયું છે. ‘વારસ’ની જોડણી वारस છે. રૂપીઆને आकरा कोराને બદલે खराखोरा કહ્યા છે.
સંવત ૧૭૮૮માં बेहिरामपुर (બહેરામપુર) માં થયેલા ઘરાણીયા ખતમાં ग्रहेणे સિવાય બીજી બધી ભાષા અને જોડણી હાલની જ છે. રૂપીઆને आकरा कोराને બદલે खराखोरा કહ્યા છે.
સંવત્ ૧૮૨૪ માં અમદાવાદમાં લખાયેલા ખતમાં ‘જોગ’ ને ઠેકાણે योग्य છે. હાલના ‘નરભેરામ’ ને ઠેકાણે नीरभेराम છે, અને प्रीछवे શબ્દ કાયમ છે. બીજી બધી ભાષા અને જોડણી હાલની જ છે.
આ પ્રમાણે આપણે ગુજરાતી ભાષાનો આરંભનો ઈતિહાસ કાંઈકે જોયો, અને તે ભાષાનું સ્વરૂપ બંધાતા સુધી તેના ઉદ્ભવનો ક્રમ પણ કાંઈક જોયો. અલબત્ત, અહીં ફક્ત દિગ્દર્શન કરવામાં આવ્યું છે અને આ વિષય ઘણો વધારે વિસ્તાર કરવા જોગ છે, અને એ વિસ્તાર કરતાં એ ધ્યાનમાં રાખવાનું છે કે શબ્દોચ્ચારના ફેરફાર વિશે વ્યાકરણોમાં આપેલા નિયમોથી જ બધો ઈતિહાસ અને બધો ક્રમ જડતો નથી. એ નિયમો સાર્વત્રિક નથી, અને માત્ર ‘ઘણુંખરૂં’ પ્રવર્તે છે એ ઉપર કહ્યું છે. પ્રાકૃત વ્યાકરણોમાં આપેલા નિયમો ઉપરાંત જુદી રીતે પણ શબ્દોચ્ચારના ફેરફાર કે અપભ્રંશ થયેલા છે. અને એવા ફેરફાર કે અપભ્રંશ એ વ્યાકરણો થયા પહેલાંના પણ છે અને પછીના પણ છે. તેમજ વળી અર્વાચીન ભાષાએાના બંધારણમાં શબ્દોચ્ચારના ફેરફાર સિવાય બીજાં કારણો પણ પ્રવર્તે છે એ લક્ષમાંથી ખસી જવું ન જોઈએ. પ્રોફેસર સીવર્સ કહે છે કે, અર્વાચીન ભાષાઓના બંધારણમાં પ્રવર્તતાં બે મુખ્ય કારણો છે. “શબ્દોચ્ચારમાં થતા ફેરફાર (phonetic variation) અને સામ્યથી બંધાતાં રૂપ (formation by analogy). આ કારણો સાધારણ રીતે વારાફરતી પ્રવર્તે છે અને ઘણીવાર એક બીજાને વિરોધે પ્રવર્તે છે; એમાંના પહેલા કારણથી ઘણીવાર મૂળના એક રૂપમાં ભિન્નતા થઈ અનેક રૂપ ઉત્પન્ન થાય છે, અને એમાંના બીજા કારણથી જુનાં ભિન્ન રૂપનો ભેદ રદ થાયછે અને શબ્દોચ્ચારથી એક રૂપતામાં ફેરફાર થયો હોય તે બદલી નાખી પાછી એકરૂપતા આણવામાં આવે છે.” પ્રેફેસર સીવર્સ દર્શાવે છે કે શબ્દોચ્ચારનું બળ આખી ભાષામાં એક સરખું પ્રવર્તે છે, અને તેમાં અપવાદ હોતા નથી; પણ સામ્યથી થતા ફેરફાર માત્ર અમુક શબ્દોને કે અમુક જાતના શબ્દોને જ લાગુ પડેછે અને તેથી તે અનિયમિત તથા સ્વચ્છંદી હોયછે. ઉદાહરણાર્થ પ્રાચીન ઈંગ્રેજીમાં feet (પગ)અને book (ચોપડી) એવા શબ્દ હતા, અને તેનાં બહુવચન feet અને books અવાં હતાં. અર્વાચીન ઇંગ્રેજીમાં footનું foot થયું છે અને bookનું book થયું છે. પરંતુ અર્વાચીન ઇંગ્રેજીમાં એ બે શબ્દોના બહુવચન foot અને books એમ અનુક્રમે થયાં છે આ રીતે foot feet અને book એ ત્રણે રૂપ શબ્દોચ્ચાર ફેરફાર ( phonetic change ) ના નિયમસર થયાં છે પણ તે પ્રમાણે deeનું deech થવું જોઈતું હતું તે ન થતાં (armનું arms એવાં) બીજાં બહુવચનનાં રૂપના સામ્ય પ્રમાણે books થયું છે. આ રીતે ભાષાનો ઈતિહાસ અને ઉદ્ભવ તપાસતાં આ બન્ને નિયમ લક્ષમાં લેવા જોઈએ. ફક્ત શબ્દોચ્ચારના ફેરફારને સ્વાભાવિક નિયમ કહી સ્વીકારવો અને સામ્યથી થતાં બંધારણને ખોટું સામ્ય ( false analony) કહી તેની અવગણના કરવી એ ભૂલ છે.૧[23]
વળી બીજી એક હકીક્ત લક્ષમાં રાખવી જોઈએ કે ગુજરાતી ભાષામાં સાહિત્ય થવા માંડયું તેની સાથે વિદ્વાનોની વિદ્વતા ભરેલી ભાષા સાહિત્યમાં દાખલ થવા માંડી. ગુજરાતના વિદ્વાનો સંસ્કૃત, પ્રાકૃત કે હિંદીમાં ગ્રન્થો લખતા ત્યાં સુધી ગુજરાતી ભાષા ઉપર તેમની વિદ્વતાની અસર થઈ નહોતી, પણ તેમણે ગુજરાતી ભાષામાં ગ્રન્થ કરવા માંડ્યા તેની સાથે તેમની ભાષા અને તેમની શૈલી ગુજરાતી ભાષામાં દાખલ થવા માંડી, પ્રાકૃત અને અપભ્રષ્ટ શબ્દોને બદલે તેમણે સંસ્કૃત શબ્દો વાપરવા માંડ્યા અને તેમનાં પુસ્તકો દેશમાં વંચાતાં અને લોકપ્રિય થતાં એ સંસ્કૃત શબ્દો પણ લોકોમાં રૂઢ થયા. આ રીતે सिरिमन्त, सिंघ, कन्ना वयण, मणोरह સરખાં પ્રાકૃત રૂપો જતાં રહી પાછાં श्रीमन्त, सिंह, कन्या, वचन, मनोरथ વગેરે શુદ્ધ સંસ્કૃત રૂપ દાખલ થયાં છે. અને કેટલીકવાર એવાં સંસ્કૃત રૂપ દાખલ થયા પછી બીજી વાર બીજી રીતે અપભ્રંશ થયો છે. ध्रमનું પાછું धर्म થઈ વળી ‘ધરમ’ થયું છે. किएिण નું પાછું कृपण થઈ પછી ‘કરપીણ’ થયું છે. ગુજરાતમાં કેટલાક ભાગમાં સંસ્કૃત શબ્દો પાછા દાખલ થયા પછી આ પ્રમાણે અપભ્રંશ થયો નથી પણ સંસ્કૃત રૂપો જ કાયમ રહ્યાં છે. આ કારણોથી પણ એકલા પ્રાકૃત વ્યાકરણમાં કહેલા શબ્દોચ્ચારના ફેરફાર ( phonetic change ) ના નિયમો પરથી ગુજરાતી ભાષાનો ઈતિહાસ અને ક્રમ ઉપજાવી શકાશે નહિં, પણ તે સાથે જુના ગ્રન્થો અને લખાણોનાં અભ્યાસની આવશ્યક છે.
‘મધ્ય કાલીન’ ગુજરાતી ભાષાના લેખકોએ ઉપર કહ્યું તેમ ગુજતીમાં સંસ્કૃતનું પોષણ કર્યું તે ગુજરાતીમાં ઉપરછલ્લું રહ્યું નથી પણ તેનાં મૂળ ઊંડાં ઉતરી સજડ થયાં છે. અને તે ઉપરથી અનેક પ્રકારે ભાષામાં વિકાસ અને ઉલ્લાસ થયો છે. પ્રેમાનન્દ સરખા ગ્રન્થકારોએ સ્વભાષાના અભિમાનથી, ‘મધુરી ગુર્જરીની મીઠાશ મોઘી ઘણી’ સાબિત કરવા સારૂ મૃતપ્રાય સંસ્કૃતને સ્થાને આખા આર્યાવર્તમાં બધા પ્રાન્તોની ભાષાઓમાં ગુજરાતીને શ્રેષ્ટ પદે સ્થાપવા સારૂ તેને મહારાષ્ટ્રી સરખું ‘મહાગુર્જરી’ નામ આપવા સારૂ, તેને “પાદે પાદ રસાળ ભૂષણવતી” બનાવવા સારૂ, તેમાં સંસ્કૃતનું પોષણ કર્યું. અને અખા સરખા ગ્રંથકારોએ એવી કવિત્વમય દ્રષ્ટિથી નહિં પણ જ્ઞાનીના દ્રષ્ટિબિન્દુથી વિચાર આગળ ભાષાનું સ્વરૂપ નકામું તે એવી વૃત્તિથી,
‘ભાષાને શું વળગે ભૂત, જે રણમાં જીતે તે શૂર;
સંસ્કૃત બોલે તે શું થયું, કાંઈ પ્રાકૃતમાંથી નાશી ગયું ?’
એવી સંસ્કૃત તરફની અનાદરબુદ્ધિથી ગુજરાતી ભાષાને ખીલવવા અને વેદાન્તના વિચારો પ્રકટ કરવા અનેક સંસ્કૃત શબ્દો ગુજરાતીમાં દાખલ કર્યા. આ રીતે જુદાં જુદાં વલણથી પ્રયાસ કરતા ગુજરાતી ગ્રંથકારોએ ગુજરાતી ભાષામાં સંસ્કૃત ભાષાનું અને સંસ્કૃત સાહિત્યના ગૌરવનું પોષણ કર્યું છે. અને ત્યારપછી મુસલમાની રાજ્યના સમયમાં ફારસી અને અરબ્બી શબ્દો દેશમાં દાખલ થઈ ભાષાના મૂળમાં ઉતર્યા છે, અને ભાષાવૃક્ષનાં જુદાં જુદાં અંગની પ્રફુલ્લતામાં સામીલ થયા છે. એ સર્વ ઈતિહાસ અને બંધારણ હવે રદ થઈ શકે તેમ નથી. હવે તે ઉદ્ભવ પામતો આવેલો ક્રમ ઉપાડી લઈ ભાષાને વધારે અર્થવાહક–વધારે સમર્થ કેમ કરવી અને સાહિત્યને વધારે વિસ્તારી–વધારે ઉન્નત કેમ કરવું એ ઉદ્દેશ લક્ષમાં રાખી પ્રયાસ કરવાનો છે. ફક્ત વાર્તાઓ, કહેવતો, શીખામણની વાતો અને બાળોપયોગી ગ્રન્થો પ્રકટ થઈ શકે એટલું જ ભાષાનું ગજું રહે એેવો બંધ તાણીને બાંધી શકાશે નહિં, પણ ભવ્યમાં ભવ્ય અને સુન્દરમાં સુન્દર કલ્પનાઓ પ્રકટ થઈ શકે, ઉચ્ચમાં ઉચ્ચ અને ગહનમાં ગહન વિચારો પ્રકટ થઈ શકે, ઝીણામાં ઝીણા અને અદ્ભુતમાં અદ્ભુત પદાર્થધર્મો પ્રકટ થઈ શકે, દૂરમાંની દૂર અને વિચિત્રમાંની વિચિત્ર ભૂમિઓનાં વર્ણન અને તેમની સાથનાં વ્યાપાર અને વ્યવહાર પ્રકટ થઈ શકે, સાહિત્ય, ઈતિહાસ, તત્વજ્ઞાન, નીતિમીમાંસા, સૃષ્ટિવિજ્ઞાન, અર્થશાસ્ત્ર, રાજ્યશાસનશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, ભાષાશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર ઇત્યાદિ અનેક વિષયોના. ઉંડામાં ઉંડા વિચારો પ્રકટ થઈ શકે, એવું ગુજરાતી ભાષાનું સામર્થ્ય બંધાવું જોઈએ. એ સર્વ સામર્થ્ય સાધારણ વ્યવહાર અને વાતચિત માટે આવશ્યક નથી. તેમ જ ગુજરાતી ભાષાની વિશેષતા નાબુદ કરી તેને લગભગ સંસ્કૃત કે ફારસી આકારની કૃત્રિમ ભાષા બનાવી દેવી એવું પણ એ સામર્થ્યનું સ્વરૂપ નથી. પરંતુ ઉન્નતિમાં આગળ વધેલા સર્વ દેશીઓની પેઠે આ દેશમાં પણ માનસિક પ્રગતિને જીરવી શકે, અને અગાડી વધારી શકે એવું સામર્થ્ય ભાષામાં આવવું જોઈએ. એ ભાષા સર્વ પ્રકારના લેખમાં વાપરી શકાશે નહિં એ ખરૂં છે, પણ ઉપર કહેલા વિષયોમાં દેશને બળવાન તથા ગુણવાન કરવા એ ભાષા આવશ્યક છે. એ ઉત્કર્ષના પ્રયાસ સફળ થાઓ એવી પ્રાર્થના કરી આ લેખ સમાપ્ત કરીશું.
- ↑ * “ બાઈબલ " ના ‘ઓલ્ડ ટેસ્ટમેન્ટ’માં પણ આવા પ્રકારની કથા છે કે, લડાઈમાંથી નાસતા ઈક્રમાઈટ લોકો જોરડન નદી ઓળંગવા આવ્યા ત્યારે તેમના શત્રુ ગિલીઅડાઇટ લોકોએ તેમને રોક્યા. પુછતાં જે એમ કહે કે હું ઈક્રમાઈટ છું, ‘તેને ગિલીઅડાઈટ કહેતા કે “શિબોલેથ” એેવો ઉચ્ચાર કર. ઈક્રમાઈટ લોકોને ‘શ’ બોલતાં નહોતો આવડતો, તેથી તેઓ “સિબોલેથ બોલ્યા, અને એ રીતે પકડાઈ જાય તેને ગિલીઅડાઈટ લોકો કતલ કરતા. એ રીતે ૪૨,૦૦૦ ઈક્રમાઈટ લોકો તે સમયે જોરડનને કીનારે માર્યા ગયા જજ્જિસ, પૃ. ૧૨.
- ↑ १.सिद्ध हेमचंद्र : ८।१।२.
- ↑ २.सिद्ध हेमचंद्र : ८।१।३
- ↑ ३.सिद्ध हेमचंद्र : ८।१।३४.
- ↑ ४. सिद्ध हेमचंद्र : ८।१।२७
- ↑ १.सिद्ध हेमचंद्र० ८।४|२.
- ↑ २.सिद्ध हेमचंद्र ८।४।१२८
- ↑ ३.सिद्ध हेमचंद्र ८।४।३८१
- ↑ ४. सि० हे० ८।१।१७७,
- ↑ ५. सि० हे० ८।२।६४.
- ↑ ३. सि० हे० ८।२।७९ ૩. ’કામ’ એવું પણ રૂપ છે પણ તેનો અર્થ ‘કરમ’થી જુદો છે.
- ↑ ७. प्राकृत प्रकाश १२।३२
- ↑ प्राकृत लक्षण ३।३७.
- ↑ १ सिद्ध हे. ८|४|३९८
- ↑ २ सिद्ध हेमचंद्र० ८|४|४४६.
- ↑ १.सिद्ध हेमचन्द्र ८|४ ४४१ તથા ८|४|४२५.
- ↑ ૧ શાસ્ત્રી વ્રજલાલ કાળીદાસકૃત “ગુજરાતી ભાષાનો ઈતિહાસ”
- ↑ ૨ History of English Literature by T. B. Shaw. (ટી. બી. શૉ કૃત ઇંગ્રેજી સાહિત્યનો ઈતિહાસ.)
- ↑ १, सिद्ध हेमचंद्र ८।३।३४४-३२६,
- ↑ ૧.આ સર્વ ઉતારા રા. રા. કેશવલાલ હર્ષદરાય ધ્રુવે પ્રસિદ્ધ કરેલાં જુનાં ગુજરાતી પુસ્તકો ઉપરથી લીધા છે; અને એ પુસ્તકોમાંના તેમજ ‘મુગ્ધાવબોધ મૌક્તિક’ ઉપરના તેમના વિદ્વત્તા ભરેલા વિવેચનની આ નિબંધમાં સહાયતા લીધી છે.
- ↑ ૧ આ દસ્તાવેજો રા. રા. કેશવલાલ હર્ષદરાય ધ્રુવે કૃપા કરી મને વાંચવા આપ્યા છે તે માટે હું તેમનો આભારી છું.
- ↑ ૧ કાઠિયાવાડમાં હજી ‘વરતી આપે’ વપરાય છે.
- ↑ ૧ એનસાઈક્કલોપીડિયા બ્રિટાનિકા, ફાઈલોલોજી વિશે લેખ,–બીજો ભાગ નવમી આવૃત્તિ.
Lua error in package.lua at line 80: module ‘strict’ not found.