ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૭/ગુજરાતી સાહિત્યની અભિવૃદ્ધિ અર્થે મુદતબંધી કાર્યક્રમ
મુદ્દતબંધી કાર્યક્રમ
વીસેક વર્ષ ઉપર દેખીતો નજીવો પણ પરિણામમાં ગંભીર અને ક્રાંતિવાદી એવો એક બનાવ અમદાવાદમાં બનવા પામ્યો હતો, તેનો આ પ્રસંગે ઉલ્લેખ કરવો ઘટે છે.
મહાત્મા ગાંધીએ, દક્ષિણ આફ્રિકાથી હિંદમાં પાછા ફર્યા બાદ, આખા દેશમાં ફરી, આખરે અમદાવાદમાં કાયમ નિવાસનો નિર્ધાર કરી, સાબરમતીના તીરે સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી હતી. અહિં દેશપરદેશનાં અનેક જાણીતા અને નામાંકિત સ્ત્રીપુરુષો એમની મુલાકાતે પધારતાં, તેમના દર્શનનો અને પ્રસંગોપાત્ તેમને સાંભળવાનો લાભ મેળવતાં એ અમદાવાદનું સુભાગ્ય હતું.
એક પ્રસંગે હિન્દનું ઉમદા નારીરત્ન, કોકીલકંઠી શ્રીમતી સરોજિની નાયડુ સત્યાગ્રહ આશ્રમમાં આવ્યાની ખબર પડતાં, અમદાવાદના શિક્ષિત સમાજે તેમને સાંભળવાનો યોગ સાધવા આનંદભવન થીએટરમાં તેમનું જાહેર વ્યાખ્યાન ગોઠવ્યું હતું.
એક કવિયત્રી તરીકે શ્રીમતી સરોજિની નાયડુનું નામ અંગ્રેજી વાચક આલમમાં જાણીતું હતું અને એક તેજસ્વી અને પ્રતાપી વક્તા તરીકે તેમની કીર્તિ બહોળી પ્રસરેલી હતી; આવાં સન્માનિત સન્નારીનું દર્શન કરવા, તેમનાં માધુર્યભર્યા શબ્દોનું પાન કરવા કયો હિન્દી ઉત્સુક ન હોય !
આખું થીએટર વ્યાખ્યાનનો સમય થતા પહેલાં ચીકાર ભરાઈ ગયું હતું અને મહાત્માજી, શ્રીમતી નાયડુ સાથે, વખતસર આવી જતાં, સભાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું.
તે સમયે અંગ્રેજી શિક્ષણની પેઠે ભણેલાઓમાં અંગ્રેજી વક્તૃત્વનો મોહ પ્રબળ અને વિશેષ હતો; વાતચીતમાં તેમ ભાષણમાં, ચાલુ કામકાજમાં તેમ ખાનગી પત્રવ્યવહારમાં અંગ્રેજીનો ઉપયોગ બહુધા થતો અને સૌ કોઈ તે ભાષામાં પ્રવિણતા મેળવવાને પ્રયાસ કરતું હતું.
સભામાંના હાજર ઘણાખરાની એવી માન્યતા હતી કે શ્રીમતી સરોજિની અંગ્રેજીમાં ભાષણ આપશે; પણ તેમણે ઉભા થતાં, મહાત્માજીને સંબોધીને પૂછયું, ક્યી ભાષામાં બોલું; અને તેનો ગાંધીજીએ તુરત જવાબ આપ્યો, કે સઘળાં સમજી શકે એવી હિન્દી બોલીમાં.
શ્રોતાવર્ગને એ સાંભળીને આઘાત પહોંચ્યો, કેમકે તેમનું માનસ જુદી રીતે ટેવાયેલું હતું; અને શ્રીમતી નાયડુને હિન્દીમાં બોલવાનો ઝાઝો મહાવરો નહિ તેમ તેમાં હિન્દી-ઉર્દુ શબ્દો મિશ્રિત હોવાના કારણે તે વ્યાખ્યાન રસપ્રદ થઈ પડશે નહિ એમ પણ કેટલાકને લાગેલું; પણ એક મુરીદને શોભે એવી અદબ અને આમન્યાથી તેમણે એક કલાક સુધી વાગ્પ્રવાહ છટાપૂર્વક ચાલુ રાખી, ગુરુની આજ્ઞાને માન આપ્યું હતું; જોકે તેમ કરવામાં તેમને થોડીક મુશ્કેલી શરૂઆતમાં જણાઈ હતી.
આ નવા પ્રયોગ સામે અંગ્રેજી શોખીનોમાંથી બે ચારે સ્થાનિક વર્તમાનપત્રોમાં ચર્ચાપત્રો લખી મોકલી પોતાનો વિરોધ અને રોષ વ્યક્ત કર્યો હતો; પણ તે દિવસથી એ અખતરાએ જડ પકડી, એ પ્રથા સર્વમાન્ય થઈ પડી છે એમ કહી શકાય.
એ પ્રથાને પુષ્ટિ આપનારો બીજો એવો પ્રસંગ ટુંક મુદતમાં બનવા પામ્યો હતો.
સન ૧૯૧૭માં બીજી ગુજરાતી કેળવણી કોન્ફરન્સ ભરૂચમાં મળનારી હતી; તેના પ્રમુખપદે મહાત્માજીની વરણી થઈ હતી. સદરહુ કોન્ફરન્સ ગુજરાત પુરતી હોવા છતાં, તેના પ્રમુખનું ભાષણ, શિરસ્તા મુજબ, અંગ્રેજીમાં લખાતું; પહેલી કૉન્ફરન્સના પ્રમુખ સર ચીમનલાલે તેમનું વ્યાખ્યાન અંગ્રેજીમાં જ આપ્યું હતું.
પણ મહાત્માજી પ્રચંડ ક્રાંતિકારી છેઃ ઉપરોક્ત પ્રથા તેમને પસંદ ન પડી. તેઓ માતૃભાષાના પૂજક અને ભક્ત છે: અને એમની દ્રઢ શ્રદ્ધા છે કે જનતાના ઉદ્ધાર અને ઉત્કષ સારૂ માતૃભાષાનો ઉપયોગ અને પ્રચાર જ એક રામબાણ ઈલાજ છે, એટલે તેમણે પરિષદના પ્રમુખ તરીકેનું વ્યાખ્યાન ગુજરાતીમાં લખ્યું એટલુંજ નહિ પણ તેનું કામકાજ સ્વભાષામાં ચલાવ્યું હતું. કોઈ સ્થળે બોલવાનું પ્રાપ્ત થાય ત્યાં, ખાસ કારણ સિવાય, ગુજરાતી કે સમસ્ત દેશની સર્વસામાન્ય ભાષા હિન્દીનોજ ઉપયોગ તેઓ કરતા. ચાલુ વિચાર પ્રવાહ સામે એ પ્રકારે કામ લેવામાં તેમને ઘણો વિરોધ વેઠવો પડેલો એટલુંજ નહિ પરંતુ તે કાર્યમાં તેમને પોતાને પણ થોડો શ્રમ પડેલો નહિ; એક દ્રઢ સંકલ્પવાળો પુરુષ નિશ્ચય કરે તો કેટલે અંશે સિદ્ધિ મેળવી શકે છે તેનું એ પ્રસંગ એક ઉત્કૃષ્ટ દ્રષ્ટાંત પૂરૂં પાડે છે.
આપણા મહાકવિ પ્રેમાનંદે, ગુજરાતી ભાષા સાહિત્ય -તેનાં અમુક અંગો, – બરોબર સમૃદ્ધ થવા ન પામે ત્યાંસુધી, એવી લોકવદંતિ છે કે, પોતે માથે પાઘડી નહિ પહેરવાની પ્રતિજ્ઞા લીધી હતી; તે કાળે ઉંમરલાયક પુરુષ પાઘડી ન પહેરે એ એક દૂષણ લેખાતું; એવું મહાન વ્રત મહાત્માજીએ માતૃભાષાના પ્રચાર અર્થે ગ્રહણ કરેલું માલુમ પડે છે. એમણે માતૃભાષાનું મહત્વ અને ગૌરવ વધાર્યું છે, એટલુંજ નહિ પણ એમના પ્રયાસથી ગુજરાતીએ સમાજજીવનમાં તેનું યથાયોગ્ય સ્થાન પાછું મેળવ્યું છે; અને તેનો બહોળો ઉપયોગ તેમ અભ્યાસ થવા પામ્યો છે.
છેલ્લી યુરોપીય લડાઈ પહેલાંની આપણા દેશની સ્થિતિથી જેઓ પરિચિત છે, તેમને આ પરિવર્તન, ખરેખર, વીસમી સદીની એક નવાઈ જ લાગશે.
એ સાધનવડેજ તેઓ જનસમુદાયને પોતાનો સંદેશો પહોંચાડી શક્યા છે, એટલુંજ નહિ પણ નવીન વિચાર પ્રવાહ ગતિમાન કરી ગુજરાતી સાહિત્યની સુંદર સેવા કરવાની સાથે, તેની ઉપર સજ્જડ છાપ પાડેલી છે; પણ તે આખોય વિષય તદ્દન સ્વતંત્ર વિચારણા માગી લે છે. બ્રિટિશ રાજ્ય અમલ આપણા દેશમાં સ્થાપિત થતાં અંગ્રેજ હાકેમોએ યુરોપીયન જ્ઞાનને પ્રાધાન્ય આપી, શિક્ષણ માટે અંગ્રેજી ભાષાને પસંદ કરી હતી. પરંતુ તેનો ઉદ્દેશ એવો નહોતો કે કે શિક્ષણના વાહન તરીકે સ્વભાષાનો ત્યાગ કરી, કેવળ અંગ્રેજીનો ઉપયોગ કરવો; પણ નવા વિચાર પ્રવાહમાં સૌકોઈ ખેંચાઈ અંજાઈ અંગ્રેજી ભાષા સાહિત્યના અભ્યાસ પાછળ ઘેલા બન્યા હતા; અને રાજ્યકર્તાઓને તો તે અનુકૂળ અને રૂચતુંજ હતું. પણ આપણા કેળવાયેલા વર્ગ ઉપર તેની ખૂબ ખરાબ અસર થવા પામી હતી; વિદેશી અને અપરિચિત વાહન દ્વારા નવું શિક્ષણ મેળવવા જતાં, તેમને ઘણું સોસવું પડયું હતું; અને ઘણાનો માનસિક વિકાસ શ્રમસાધ્ય અને કુંઠિત બન્યો હતો; અને તેમાં વધારે શોકજનક એ હતું કે એ નવશિક્ષિતોએ માતૃભાષાનું વાચન અને અભ્યાસ કરવાનું છોડ્યું હતું. આ હાનિ થોડી નહોતી. તેઓ અંગ્રેજી ભાષા સાહિત્યના પૂરા પૂજારી બન્યા હતા; માતૃભાષા તેમને કંગાળ લાગતી, એટલે તે પ્રતિ ધ્યાન જ આપતા નહિ. એ સ્થિતિમાં શાળા પાઠશાળાના અભ્યાસક્રમમાંથી તે ટળે એ સ્પષ્ટ છે. પણ એ શરમજનક પરિસ્થિતિ નિવારવા સ્વર્ગસ્થ રાનડેએ વીસમીસદીના આરંભના વર્ષમાં, ભગીરથ પ્રયત્ન કરી, દેશી ભાષાઓનું વાચન અને અભ્યાસ વધે, એ ઉદ્દેશથી યુનિવરસિટિની એમ. એ; ની પરીક્ષામાં દેશી ભાષાના વિષયને સ્થાન અપાવવા તેઓ શક્તિમાન થયા હતા; પણ તે ઠરાવ એકરીતે પ્રશંસાપાત્ર હતો, પણ તે વસ્તુતઃ દ્રાવિડી પ્રાણાયામ સમાન હતો. માતૃભાષાને બદલે શિક્ષણના વાહન તરીકે અંગ્રેજીને પસંદ કરી જેવી ગંભીર ભૂલ કરવામાં આવી હતી તેવી રીતે હાઈસ્કુલોના નીચલા ધોરણોમાંથી માતૃભાષાનો વિષય દાખલ કરવાને બદલે, છેકછેવટની અને એકજ પરીક્ષા માટે તેને સ્થાન અપાયું એ નિર્ણય ડાહ્યો તેમ વ્યાજબી નહતો. વિદ્યાર્થીઓમાં થોડાકજ એવી મ્હોટી અને ઉંચી ફલંગ મારી શકે; કારણકે પ્રાથમિક શાળામાં અભ્યાસ કર્યા પછી તે ઉમેદવારને વચલા વર્ષોમાં એ વિષય શિખવાને ભાગ્યેજ તક સાંપડતી હતી.
આ કઢંગી અને અયુક્ત વ્યવસ્થા હતી એ સૌ સમજતા; પણ સરકારી સ્થાપિત ધોરણો સામે કાંઈ થઈ શકતું નહિ. પણ લડાઈ દરમિયાન કલકત્તા યુનિવરસિટિ કમિશન ઉંચી કેળવણીનો પ્રશ્ન સમગ્રરીતે અવલોકવા નિમાયું હતું, તેનો રીપોર્ટ બહાર પડ્યા પછી માતૃભાષાનું મહત્વ પિછાનવામાં આવી, અગાઉની તેની સ્થિતિમાં સુધારો કરવામાં આવ્યો હતો. મુંબઈ યુનિવરસિટિએ તે પછી માતૃભાષાના વિષયને બી. એ; ના પાસ વર્ગમાં અને પાછળથી બી. એ; ઓનર્સ કોર્સમાં દાખલ કર્યો અને હાઈસ્કુલોના ચાર ધોરણોમાં તેને સ્થાન આપી, મેટ્રીક્યુલેશનની પરીક્ષામાં તે વિષય લેવા પરવાનગી અપાઈ હતી, પણ કમનસીબીની વાત એ હતી કે તેને કૉલેજના પહેલા અને બીજા વર્ષમાં સ્થાન ન હોવાથી, વચ્ચે તુટ પડતી તે આવતા વર્ષથી સુધારવામાં આવનારી છે; એટલે હવેથી હાઈસ્કુલના ચોથા ધોરણથી શરૂ કરીને તે એમ. એ; ની પરીક્ષા સુધી એક વિદ્યાર્થી માતૃભાષાનો સલંગ અભ્યાસ કરવા અને તેની પરીક્ષા આપવા શક્તિમાન થશે. આ બધી હકીકત ઉપરથી એટલું સ્પષ્ટ થશે કે જેમના હસ્તક કેળવણીનું તંત્ર હતું, તેમને માતૃભાષા માટે કાંઈ પડેલું નહોતું અને સાવકાં અપત્ય સરખું તેમનું તે વિષય પ્રત્યેનું વર્તન હતું. મહાત્માજીએ આ વિષયને હાથ ધર્યા પછી, તેમની હિલચાલના પરિણામે, દેશી–માતૃભાષાનું સાહિત્ય બહોળું વંચાતું થઈ, તેને વિશેષ વેગ મળેલો છે; અને આખુંય વાતાવરણ બદલાયું છે.
એ પ્રવૃત્તિને લઈને માતૃભાષાનો અભ્યાસ વધે, દેશી ભાષાનું સાહિત્ય ખીલે અને સમૃદ્ધ થવા પામે અને એ સાહિત્ય જગતભરના સાહિત્યમાં માનભર્યું સ્થાન મેળવવા શક્તિમાન થાય એમ આપણે જરૂર ઈચ્છીશું.
અને આપણી એ ઈચ્છા અસ્થાને નથી. આવતે વર્ષે હિન્દી પ્રજાને પ્રાંતિક સ્વરાજ્ય બક્ષવામાં આવનારરૂં છે; સ્થાનિક સ્વરાજ્યની બક્ષિસ પછી પચાસે કે વધુ વર્ષે એ હક્કની પ્રાપ્તિ થાય છે. તાજેતરમાં સિંધને મુંબઈ ઈલાકામાંથી જુદું પાડવામાં આવ્યું છે; અને એવી રીતે, વ્યવસ્થા ખાતર ઇલાકાના ભાષાવાર વિભાગો પાડવામાં આવે, જેમકે ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્નાટક અને એ વિભાગ મુજબ જુદી જુદી ભાષાવાર યુનિવરસિટિ, જે સારૂં માગણી છે, તે સ્થાપવામાં આવે તો આપણે અજાયબ થઈશું નહિ. અને એવી વિભાગવાર યુનિવરસિટિઓ અસ્તિત્વમાં આવે તો કેટલીક મુશ્કેલીઓ યુનિવરસિટિ અભ્યાસક્રમમાં નડે છે તે આપોઆપ દૂર થવા પામશે. પરંતુ એ સ્થિતિ પ્રાપ્ત કરવા સારૂં આપણે કેટલીક પૂર્વતૈયારી કરવી પડશે તેમ તે માગણીને સંતોષી શકાય એવી રીતે સર્વસાધન સામગ્રીથી આપણે સજ્જ અને તૈયાર હોવું જોઈશે.
વાસ્તે અત્યારની સ્થિતિ અને સંજોગો પૂરા લક્ષમાં લઈ, અને વિચારી, આપણા ભાષા સાહિત્યમાં જે ઉણપો અને ખામી માલુમ પડે છે તે દૂર કરવા અને પૂરી પાડવા આપણે કટિબદ્ધ થઈ, તે સારૂ એક નિયોજિત અને મુદ્દતબંધી કાર્યક્રમ યોજવો એ આવશ્યક લાગે છે.
તેને પહોંચી વળવા આપણા પ્રાંતમાં સારા નસીબે, સાહિત્યને જ પ્રધાન સ્થાન આપતી કેટલીક સાર્વજનિક સંસ્થાઓ પ્રવૃત્ત છે, તેમાં ગુજરાત વર્નાક્યુલર સોસાઈટી, શ્રી. ફાર્બસ ગુજરાતી સભા, ગુજરાત સાહિત્ય પરિષદ અને સાહિત્ય સંસદ અગ્રસ્થાન લે છે; તેમજ નવજીવન કાર્યાલય, ગુજરાતી પ્રેસ, વડોદરા રાજ્ય ભાષાંતર ખાતુ, પુસ્તકાલય સહાયક સહકારી મંડળ, પ્રસ્થાન કાર્યાલય, દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન, કુમાર કાર્યાલય, ગાંડિવ મંદિર વગેરેની પ્રવૃત્તિ આપણા સાહિત્ય અને સંસ્કૃતિને પોષનારી છે, અને તે દરેકનાં કાર્યની કાંઈ ને કાંઈ ખૂબી કે વિશિષ્ઠતા હોય છે. હમણાં જ શ્રીયુત કનૈયાલાલ મુનશીની પ્રેરણા અને પ્રોત્સાહનથી સેન્ટ ઝેવિયર્સ કૉલેજ ગુજરાતી ઇન્સ્ટીટ્યુટ નિકળ્યું છે, તેણો ઉદ્દેશ ગુજરાતી ભાષા અને સાહિત્યનો પદ્ધતિસર અને ઐતિહાસિક રીતે અભ્યાસ અને સંશોધન કરવાનો છે.
આ સર્વ સાહિત્ય સંસ્થાઓ એકત્રિત થઈ, સહકાર સાધે અને યોજનાપૂર્વક એકાદ કાર્યક્રમ, મુદ્દતબંધી, ઉપાડી લે તો ગુજરાતી સાહિત્યની અભિવૃદ્ધિ થવા પામે, તેમાં બળ અને વેગ આવે, સાથે સાથે નવિનતા અને વિવિધતા આવે; તેમજ ગુજરાત યુનિવરસિટિ નજદિકમાં સ્થપાયલી જોવાને આપણે ઉત્સુક છીએ, તેની સિદ્ધિમાં એ સંગઠન જરૂર સહાયક થઈ પડશે.
પ્રસ્તુત વિષય ધ્યાનમાં રાખીને આપણે હવે આપણી જે જરૂરિયાતો છે તે વિચારીશું; અને તે જરૂરિયાતો વેળાસર પૂરી પડે તે સારૂં ચોક્કસ કાર્યક્રમ, મુકરર મુદ્દતનો યોજીએ તો તે કાર્યમાં ગતિ આવે, કેટલીક સવડ મળે અને ક્યાં મુશ્કેલી નડે છે તે સમજવામાં આવશે.
આપણી ભાષામાં એક સારા અને પ્રમાણભૂત કોશની ઉણપ અદ્યાપિ છે, એ પહેલી નજરે આપણને માલુમ પડશે; તેના વિના આપણું ભાષાસાહિત્ય અપૂર્ણ અને પાંગળુંજ રહેવા પામે; અને ભાષાસાહિત્યનો અભ્યાસ કરવામાં તેની અગત્ય હંમેશાં રહેવાની જ.
ખ્રિસ્તિ મિશનરીઓ આપણા દેશમાં બાઈબલનો ઉપદેશ કરવા આવી વસ્યા તેમને તે કાર્ય સારૂ આપણી દેશી ભાષાઓ શિખવાની જરૂર માલુમ પડી; અને તેમાં મદદગાર થઈ પડે એ હેતુથી જે તે પ્રાંતની ભાષાનો કોશ અને વ્યાકરણ પહેલપ્રથમ એ મિશનરીઓએ તૈયાર કરેલાં મળી આવશે. કહેવાનું તાત્પર્ય કે આપણી ભાષાનો કોશ અને વ્યાકરણનો પાયો ચણવાનો યશ એ ધર્મોપદેશક બંધુઓને પ્રાપ્ત થાય છે.
સન ૧૮૪૮માં ગુજરાતી ભાષા સાહિત્યની અભિવૃદ્ધિ અને ખિલવણી સારૂં ફૉર્બસ સાહેબે અમદાવાદમાં ગુજરાત વર્નાકયુલર સોસાઈટીની સ્થાપના કરી, તેના પ્રથમ કાર્ય તરીકે એ દુરંદેશીવાળા પુરુષે ગુજરાતી જુના ગ્રંથોની હાથપ્રતો પ્રાપ્ત કરી, તેની નકલ કરાવવાનું આરંભ્યું હતું; એ કારણે કે તે ગ્રંથમાંનો શબ્દભંડોળ ગુજરાતી કોશ સંપાદન કરવામાં ઉપયોગી થઈ પડશે. +અને એ વિષય પરત્વે નોંધ કરતાં કવિ દલપતરામે સન ૧૮૫૧ના વાર્ષિક રિપોર્ટમાં, વધુમાં, જણાવ્યું હતું, કે— “હાથનાં લખેલાં પુસ્તકો શામળભટનાં આઠ, નરસિંહ મહેતાનાં આઠ, એક લજ્જારામ ભટનાં ગીતોનું તથા બીજાં છ તે રચનાર કવિઓનાં નામ વગરનાં એ રીતે ૨૩ પુસ્તકો એ વરસમાં લખાયાં. તે નામ વગરનાં પુસ્તકોમાં રામાયણ તથા ભારતની સારી ગુજરાતી ભાષામાં કથાઓ છે. વાર્ષિક રીપોર્ટમાં સેક્રેટરી વળી લખે છે કે એવાં પુસ્તકોનો સંગ્રહ કરવો ઘણો જરૂરનો છે, કેમકે એક તો તે પુસ્તકો લોકોને વાંચવા મળે અને તેમાંના શબ્દો એકઠા કરીને ગુજરાતી કોશ થઈ શકે. કોશને માટે ૬૦૦૦ શબ્દોનો તો સંગ્રહ કરેલો છે; અને કોશનું સંપૂર્ણ પુસ્તક કરવાને તો કેટલાંક વરસ જોઈએ. એવું પુસ્તક બનાવવાનાં સાધનોનો સંગ્રહ કરવો એ સોસૈટીની ઓછી ફરજ નથી. "x + ગુ. વ. સોસાઈટીનો ઇતિહાસ ભા. ૧ લો. પૃષ્ઠ. ૧૨૯. x The person employed in taking charge of the library is also at work in copying the old manuscripts which contain the only real Guzarattee in existance and which must eventually prove of the highest value, when as I hope we shall be able to cause the compilation of a Dictionary - જુઓ ગુ. વ. સોસાઈટીનો પહેલા વર્ષનો રીપોર્ટ.
ઉપરોક્ત શબ્દ સંગ્રહ કરવાનું કાર્ય સોસાઈટી તરફથી લાંબા સમય સુધી ચાલ્યું હતું અને સરકારી કેળવણી ખાતાની તે કાર્યમાં મદદ અને સહકાર સુદ્ધાં હતાં. પછીથી એ શબ્દોનો જોડણીનો પ્રશ્ન ઉપસ્થિત થતાં તેનો નિર્ણય કરવા, સરકારી ખાતા તરફથી બે અને સોસાઈટી તરફથી બે એમ મળીને ચાર સભ્યોની એક સમિતિ નિમવામાં આવી હતી; અને તેણે છેવટે નવી વાચનમાળા સારૂ જે જોડણી નિયમો તૈયાર થયા તે માન્ય રાખ્યા હતા.
ગુજરાતી કોશનું કામ ધીમે ધીમે ગતિ કરતું હતું; પણ તેના સંપાદન કાર્ય માટે બરાબર ગોઠવણ થઈ નહોતી. એવામાં સોસાઈટીનો હીરક મહોત્સવ ઉજવવાનો પ્રસંગ આવી મળતાં, તે નિમિત્ત એક શાળાપયોગી કોશ તુરત બહાર પાડવાનો ઠરાવ થયો; તદનુસાર એ કોશ આઠ ભાગમાં પ્રસિદ્ધ કરવામાં આવેલો છે.
ગુજરાતી કોશના વિષયમાં આજસુધીમાં, જુદે જુદે હાથે અને ભિન્ન-ભિન્ન સ્થળેથી જે પ્રયત્નો થયેલા છે, તેની સવિસ્તાર માહિતી જાણીતા અંગ્રેજી ગુજરાતી કોશના સંપાદક શ્રીયુત ગોવર્ધનપ્રસાદ વ્યાસે ગ્રંથ અને ગ્રંથકાર પુસ્તક ૫ માં સંગ્રહેલી છે. પરંતુ એ વિષયમાં તેમ સાહિત્ય લખાણમાં શબ્દોની જોડણીની બાબતમાં તીવ્ર મતભેદ પ્રર્વતતો હતો; અને તેનું પરિણામ એ આવતું કે જે કોઈ મનઃ સ્વપણે, અશુદ્ધ, બેભથ્થુ અને ખોટી જોડણી લખતો, તે આપણા સાહિત્યનો એક મ્હોટો દોષ હતો.
હોપવાચનમાળા તૈયાર કરતી વખતે એ પ્રશ્ન નડેલો; તે સારૂ વિદ્વાનોની એક જોડણી કમિટી પણ નિમવામાં આવી હતી અને સર. ટી.હોપ-કમિટીના અધ્યક્ષે, પોતે એક જોડણીકોશ-લિખિત-યોજ્યો હતો.
સાહિત્ય પરિષદની બેઠક મળવા લાગી ત્યારથી એ પ્રશ્ન સૌને મુંઝવી રહ્યો હતો; પરિષદે તેના સિદ્ધાંતો વિચારી, કેટલાક નિર્ણયો કર્યા હતા.
પણ લખનારાઓને જે મુશ્કેલી પડતી, તેનો ઉકેલ ગુજરાત વિદ્યાપીઠે, મહાત્માજીના આદેશથી, જોડણી કોશ, પાછળથી સાર્થ જોડણી કોશ રચીને આણ્યો છે અને તે કોશ બહુ વ્યવહારૂ અને ઉપયોગી થવા પામ્યો છે.
નજદિકમાં ગુજરાતી લખાણ શાસ્ત્રશુદ્ધ, એકધારૂં અને ચોક્કસ થવા પામે તો આપણે તેનું માન એ જોડણીકોશના પ્રયોજકોનેજ આપીએ.
આ તો ગુજરાતી લખાણમાં જે અશુદ્ધિ અને અનિયમિતતા જોડણી સંબંધી જોવામાં આવતી તેની સુધારણાનો એક માર્ગ થયો. પરન્તુ એક સારા, સમૃધ્ધ, આધારભૂત અને શુદ્ધ વ્યુત્પતિવાળા કોશની ખામી ઉભીજ રહે છે.
સન ૧૯૨૨માં “ગુજરાતી સાહિત્યની ખામીઓ” એ વિષય ઉપર ગુજરાત વર્નાકયુલર સોસાઇટી તરફથી વ્યાખ્યાન આપતાં દી. બા. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરીએ ગુજરાતી કોશ વિષે નિરાશાજનક ઉદ્ગાર કાઢતાં, જણાવ્યું હતું, કે ”એ મૂળ (નર્મ) કોશને વધારે કિમતી, વધારે સંપત્તિવાળો બનાવવા વિવિધ હાથે અને વિવિધ સ્થળેથી પગલાં લેવાયાં છે. તે પગલાનું પરિણામ નહિ જેવું આવ્યું છે અને લેવાય છે તેનું પરિણામ તેથી બહેતર આવશે કે કેમ તેની શંકા છે.”
પણ છેવટે તેનાં કારણો વિચારી તપાસી તેઓ એવા નિર્ણય ઉપર આવે છે, કે “એ કોશના અંગે એક સ્વતંત્ર સંસ્થાજ ઉભી થવી જોઈએ; અને ટોળે કરેલી રકમના ટ્રસ્ટીઓ નીમી તેમની મારફતે સંસ્થાને નિભાવવી જોઈએ. એ સંસ્થાના સભ્યોમાંથી એક યા બેને ઉપરી એટલે એડીટર તરીકે ગોઠવવા જોઈએ, કે જેમના હાથ તળે સઘળું કામ પાકી રીતે થતું આવે.
ટુંકામાં મારું કહેવું એ છે કે ગુજરાત વર્તાકયુલર સોસાઈટી કે શ્રી ફોર્બસ ગુજરાતી સભા કે એવી કોઈ મર્યાદિત ભંડોળવાળી સંસ્થા પાસેથી કોશની આશા રાખવી નકામી છે. “કારણ એ વાત તેમના ગજા ઉપરાન્તની છે. એને માટે તે એક સ્વતંત્ર સંસ્થા, પૈસાની પૂર મદદવાળી, એ કાર્યને લાયક એવા યોગ્યતાવાળા વિદ્વાનોના ઉદર પોષણાર્થના સાધનવાળી, છેક યુવાન નહિં પણ સહેજ ઉમ્મરે પહોંચેલા, ઘડાએલા અને અનુભવી સાક્ષર જેમાં ઉત્સાહપૂર્વક ભાગ લેતા હોય અને જેમનું લક્ષ્ય માત્ર આ એકજ વિષય હોય તેવા લક્ષ્યબિંદુવાળી જોઈએ અને જ્યારે તેવી સંસ્થા અસ્તિત્વમાં આવશે ત્યારે જ ગુજરાતી ભાષા સર્વાંગ સંપૂર્ણ કોશ જોવા ભાગ્યશાળી થશે એવું હું ધારૂં છું.”[1]
ગુજરાતી કોશ, ઉપર જણાવ્યું તેમ, સોસાઈટી તરફથી હીરકમહોત્સવ નિમિત્ત, માત્ર વિદ્યાર્થીઓની જરૂરિયાતો લક્ષમાં લઈને,શાળોપયોગી રચાવવામાં આવ્યો હતો, તેમાં પુનરુક્તિઓ છે; અપૂર્ણતા છે; દોષો છે; પણ નવો કોશ સંપાદન કરવામાં એક ખરડારૂપે તે જરૂર ઉપયોગી થઈ પડે; વળી કોશ જેવા મ્હોટા કાર્યમાં વિદ્વાનોનો પુરતો સહકાર અને સાથ આવશ્યક છે, એ વિસરવું જોઈએ નહિ.
સોસાઈટીનો ઉપરોક્ત કોશ અજમાયશી હોઈ તેની પ્રતો સોસાઈટીના આજીવન સભ્યો અને રજીસ્ટર લાઈબ્રેરીઓને આપવા પુરતી કઢાવી હતી; અને બીજા એવા સારા કોશને અભાવે, તે કોશની પ્રતો ખદીદવા ચાલુ માગણી થતાં, દી. બા. કેશવલાલભાઈ સોસાઈટીના પ્રમુખ તરીકે નિયત થતા, તે કોશનું નવું સંસ્કરણ એમના તંત્રીપણા હેઠળ કાઢવા નિર્ણય કરવામાં આવ્યો; અને તે કોશ બને તેટલો શુદ્ધ, ચોક્કસ, પ્રમાણભૂત અને સંપૂર્ણ થાય એવી વ્યવસ્થા યોજવામાં આવી હતી; અને તે કાર્ય સુકર થઈ પડે એ સારૂ એક ન્હાનું સલાહકાર મંડળ પણ કારોબારી કમિટીની સંમતિથી નિમ્યું હતું. પણ છેવટે તે કામનો સઘળો ભાર દી. બા કેશવલાલ એકલા ઉપર આવી પડ્યો હતો.
સ્વભાવે ઝીણવટથી કામ કરનારા, જાતેજ બધું વિચારી તપાસી, વ્યવસ્થિત રીતે સંકળનારા, શુદ્ધતા અને છોક્કસાઈ સારૂ પૂરો આગ્રહ રાખનારા અને મર્યાદિત સમય તે કાર્ય પાછળ આપી શકે એવી સ્થિતિમાં, તેમ છતાં કોશના નમુના રૂપે ત્રણ અક્ષરો, अ, आ અને प તેમણે અગવડ વેઠીને પણ પદ્ધતિસર સંપાદન કરી આપ્યા હતા, અને તેમાંનો प અક્ષર છપાયલો છે. તે કાર્ય એમણે એકલે હાથે, બહારના કોઈની મદદ વિના કરેલું છે. દરમિયાન એમની આંખે મોતીઓ ઉતરતાં તે કાર્ય બંધ કરવું પડયું હતું.
સદરહુ કોશના સંપાદન કાર્યમાં તેમણે કેટલાક નિર્ણયો કર્યા હતા તે જાણવાજેવા છે.
(૧) ભાષામાં પ્રચલિત સર્વ શબ્દનો સમાવેશ થવા પામે તે સારૂં પ્રાચીન કવિઓ જેમની કૃતિઓમાંના શબ્દો અગાઉ લેવાયલા જણાતા નથી તે, તે કાવ્યો ફરી વાંચીવંચાવી, ઉદાહરણ સહિત નોંધવા. (૨) પ્રાચીન કવિઓનાં પ્રસિદ્ધ અને મહત્વનાં કાવ્યોનું નવેસર સંશેાધન અને સંપાદનકાર્ય હાથ ધરવું; એ આશયથી કે તે કાવ્યોની શુદ્ધ ટેક્ષ્ટ, નવી અને જુની ઉપલબ્ધ હાથપ્રતોના આધારે, તૈયાર થાય; તેની સાથે જ તેમાંનો શબ્દ ભંડોળ જૂદો તારવવામાં આવે અને તે કાવ્યોમાં જુની ગુજરાતીનાં જે રૂપો સચવાઈ રહ્યાં હોય તે નોંધી લેવાય, જે ગુજરાતી વ્યાકરણ રચવામાં ઉપયોગી થઈ પડે. (૩) શબ્દોના અર્થ ક્રમાનુસાર, વ્યાખ્યા બાંધી, ઉદાહરણ સહિત આપવા. (૪) દરેક શબ્દની, બનતાં સુધી, વ્યુત્પત્તિ આપવી; તે સારૂં અપભ્રંસ સાહિત્યનું જ્ઞાન આવશ્યક માન્યું હતું. (૫) જે વ્યાખ્યા અને અર્થ આપવામાં આવે તે શુદ્ધ અને ચોક્કસ હોય.
એમની આંખે અડચણ આવી ન હોત અને બહારના વિદ્વાનોનો પૂરો સહકાર મળ્યો હોત તો એમના હસ્તે જ ઉપરોક્ત કોશ આજ સુધીમાં અડધા ઉપરાંત તૈયાર થવા પામ્યો હોત; આપણા ભાષા સાહિત્યના એમના જેવા પ્રખર અને તલસ્પર્શી વિદ્વાન અને અભ્યાસી બહુ થોડાક જ મળી આવશે.
કવિ પ્રેમાનંદની પેઠે એઓ પણ ગુજરાતીમાં જ લખવાનો આગ્રહ ધરાવે છે, અને ગુજરાતી ભાષા સાહિત્ય સમૃદ્ધ અને ગૌરવવંતુ થાય તે સારૂ અનેકવિધ પ્રયત્નો હમેશ કરતા રહેલા છે.
એ ભાષા પ્રેમથી પ્રેરાઈને ઉત્તરાવસ્થામાં આ ભગીરથ કાર્ય એમણે આરંભ્યું હતું; અને આજે એંસી વર્ષની વયે, તે કોશનું કાર્ય ફરી ઉપાડી લેવામાં આવે તો, તેના તંત્રીમંડળમાં જોડાઈ, યથાશક્તિ સહાયતા આપવાને તેઓ ખુશી છે.
ઓક્ષફર્ડ ન્યુ ઇંગ્લિશ ડિક્ષનેરી ત્રણ જમાનાના સતત પરિશ્રમ પછી સન ૧૯૨૮માં, દેશદેશાંતરોના હજારો વિદ્વાનો અને અભ્યાસીઓના સહકાર અને સહાયતા વડે, લાખો રૂપિયાનો ખર્ચ થઈ, મ્હોટા દશ વૉલ્યુમમાં પ્રસિદ્ધ થઈ હતી. અંગ્રેજી સ્કોલરશીપનો તે ઉત્કૃષ્ટ નમુનો છે; તેનો ઈતિહાસ પણ એટલો જ રોમાંચક છે.
ભાષા જીવંત હોઈ દરરોજ તેમાં નવાનવા શબ્દોની ભરતી થતી રહેવાની, તે કારણે કોશમાં વખતોવખત સુધારા ને ઉમેરા થવાના અને તે ઓક્ષફર્ડ ડિક્ષનેરી સંબંધમાં પણ થવા પામ્યું છે; એટલે કોશની પ્રવૃત્તિ સતત ચાલુ રહે અને તેનાં નવીન સંસ્કરણ થતાં રહે એ જરૂરનું છે.
ઉપર જણાવ્યું છે કે આપણી ગુજરાતી ભાષાનો સારો અને વિશ્વસનીય કોશ નથી, અને તે ખામી હવે નભાવી લેવાય એવી નથી. તે વાસ્તે પહેલી તકે વ્યવસ્થા કરવી ઘટે છે, અને તે કાર્ય ગુજરાતી સાહિત્ય પરિષદ, જે પ્રાંતની મ્હોટી અને સર્વદેશી સંસ્થા છે, તેણે અન્ય સાહિત્ય સંસ્થાઓની સહાનુભૂતિ અને સહકાર મેળવી ઉપાડી લેવું જોઈએ.
અગાઉ બતાવ્યું છે તેમ મહાત્માજીએ ગુજરાતી ભાષાના અભ્યાસને પુષ્કળ વેગ આપેલો છે અને જોડણી કોશ રચાવીને એ કાર્ય સરળ કરી મૂક્યું છે; એમના પ્રમુખપદે મળતું સાહિત્ય પરિષદનું બારમું સંમેલન તે કાર્યની સિદ્ધિ સારૂં, યોગ્ય ઠરાવ કરી ઘટતી તજવીજ કરે, તો તે સેવા આપણા સાહિત્યની મ્હોટી ખામી દૂર કરી, તે તેનું જીવંત સ્મારક થઈ રહેશે.
તામિલ ભાષાનો કોશ મદ્રાસ યુનિવરસિટિ છપાવી રહી છે; નાગરી પ્રચારિણી સભાએ ‘હિન્દી શબ્દસાગર’ બહાર પાડી હિન્દી જનતાની ઉત્તમ સેવા કરેલી છે; અને મહારાષ્ટ્રમાં એક મર્યાદિત ભંડોળની જવાબદારી વાળી એક મંડળી થયેલી છે, તેના તરફથી મરાઠી કોશના ત્રણ વોલ્યુમો પ્રસિદ્ધ થઈ ચૂક્યાં છે. માત્ર ગુજરાત પ્રમાદ સેવે છે; તેની પાસે યોગ્ય લાયકાતવાળા વિદ્વાનો નથી, એમ નથી; કોશની સાધનસામગ્રી નથી, એમ પણ નથી; પૈસાની અછત છે એવું કારણ આગળ ધરી શકાય એમ નથી. જે કાંઈ મુશ્કેલી અગર જરૂરનું છે તે સંગઠ્ઠન છે; વિદ્વાનો અને સાહિત્ય સંસ્થાઓનો સહકાર અને સાથનું; તેના અભાવે એ કાર્ય ખોરંભે પડેલું છે.
દી. બા. કૃષ્ણલાલભાઈ તે સારૂં એક સ્વતંત્ર કોશ મંડળની સૂચના કરે છે તે વ્યવહારૂ અને વાજબી છે. મુંબાઈ યુનિવર્સિટિએ એ વિષયને અભ્યાસક્રમમાં સ્થાન આપેલું છે અને તે કાર્યમાં આપણે તેનો સહકાર જરૂર મેળવી શકીએ; એ કોશના સલાહકાર મંડળમાં યુનિવરસિટિનો એક પ્રતિનિધિ નિમાય તે ઇચ્છવાયોગ્ય છે. એ કાર્ય સાહિત્ય પરિષદનું એક ધ્યેય હોવું જેઈએ, અને સાહિત્ય સંસદ્, શ્રી ફોર્બસ સભા અને ગુજરાત વર્નાકયુલર સોસાઈટી તે કાર્યમાં જોડાવાની ના પાડી શકશે નહિ. ગુજરાત વિદ્યાપીઠે સાર્થ જોડણીકોશ યોજીને નવો ચીલો પાડેલો છે અને નવું સ્થપાયલું ગુજરાતી ઇન્સ્ટ્રીટ્યુટ એ કાર્યમાં સક્રિય ફાળો આપશે એમ આપણે માની લઈશું. તે સિવાય દેશી રાજ્યોમાં વડોદરા રાજ્યની સાહિત્ય સેવા જાણીતી અને ઉંચી કોટિની છે; શ્રી ગોંડળનરેશ ભગવતસિંહજી એક સારો અને સંપૂર્ણ ગુજરાતી કોશ યોજવાનો અભિલાષ ધરાવે છે અને ભાવનગર રાજ્ય, જે સાહિત્યકારોની કદર કરતું આવેલું છે તે સર પ્રભાશંકર પટ્ટણીની દોરવણીથી યોગ્ય ફાળો જરૂર આપે.
ગુજરાતી કોશની પ્રવૃત્તિ મ્હોટા પાયા ઉપર ઉપાડવાને, આ પ્રમાણે ભૂમિકા, તૈયાર માલુમ પડશે; ફક્ત તે માટે કોઈએ આગેવાની લેવી જોઈએ; અને તે સારૂં સાહિત્ય પરિષદ સર્વ રીતે યોગ્ય સંસ્થા છે. તે એ કાર્ય શરૂ કરે તો તેને પ્રાંતની જૂદી જૂદી સાહિત્ય અને કેળવણી વિષયક સંસ્થાઓની મદદ જરૂર મળે, એ વિષે શંકા રાખવાનું કાંઈ કારણ નથી.
તે સારૂં ફંડ એકઠું કરવા સાહિત્ય પરિષદ યોગ્ય લાગે તો જાહેર અપીલ કરે અથવા તો એક લાખ રૂપિયાની મૂડીવાળી, મર્યાદિત જવાબદારીની એક મંડળી કાઢે, જેનો શેર રૂ. દશનો હોય, તે શેરહોલ્ડરને કોશની નકલ તે રકમ પૂરતી વિના મૂલ્યે મળે.
અન્ય પ્રાંતોમાં એ પ્રમાણે વ્યવસ્થા થયેલી છે, અને તે યોજના ફતેહમંદ નિવડેલી છે; આપણે અહિં તે યોજના અમલમાં મૂકવા મૂશ્કેલી નહિ નડે એવું માનવું છે.
તે કોશના સંપાદન કાર્યમાં નિષ્ણાતોને રોકવામાં આવશે, પણ તેની સાથે એક સલાહકાર સમિતિ નિયોજવામાં આવે, તેમાં જૂદી જૂદી સાહિત્ય અને કેળવણી વિષયક સંસ્થાઓના પ્રતિનિધિઓ નિમવામાં આવે; તે એ કાર્યમાં ઘણી રીતે મદદગાર થઈ પડશે.
વધુમાં જે યોજના ઘડવામાં આવે તેમાં એક કલમ એવી ઉમેરવામાં આવે કે તે કોશનું કામ, મુકરર સમયમાં, પૂરૂં કરવા તજવીજ થાય.
ગુજરાતી કોશ સારૂં આવી એકાદ યોજના હાથ ધરવામાં આવે, જે આપણા ભાષા સાહિત્યની એક ખોટ પૂરી પાડશે અને તે વિષયના નિષ્ણાતોના હસ્તે, એ વિષયમાં હિત ધરાવતા, જૂદા જૂદા પ્રતિનિધિઓના બનેલા સલાહકાર મંડળની દેખરેખ નીચે, સંપાદિત થઈ, તે કોશ પ્રમાણભૂત અને સર્વમાન્ય નિવડશે એવી આશા પડે છે.[2]
કોશની પેઠે ભાષાનું જ્ઞાન મેળવવા અને તેનો અભ્યાસ કરવા વ્યાકરણ ગ્રંથ પણ એટલા જ મહત્વનો છે. તેના નિયમો અને સિદ્ધાંત જાણેથી, ભાષા પર સારો કાબુ આવે છે, અને તે વડે લેખન શુદ્ધ થવા પામે છે અને તેમાંના દોષ પારખી શકાય છે. વળી ભાષાનો વિકાસ સમજવા તે જ્ઞાન બહુ મદદગાર થઈ પડે છે.
સને ૧૮૬૭ માં સોસાઈટીની સૂચનાથી રેવરંડ જોસફ વૉન ટેલરે એક મ્હોટું, ગુજરાતી વ્યાકરણ, વૃજલાલ શાસ્ત્રીની મદદ લઈને, રચ્યું હતું; અને લાંબા સમય સુધી એજ પાઠ્ય પુસ્તક તરીકે વંચાતું. પણ પછીથી ગુજરાતીનો અભ્યાસ વધતાં અને શાળા પાઠશાળામાં એ વિષયને સ્થાન અપાતાં એક શાસ્ત્રશુદ્ધ અને સંપૂર્ણ વ્યાકરણની ખોટ નડવા લાગી અને તે મુશ્કેલી દૂર કરવા એ વિષયના નિષ્ણાત, એક સમર્થ વૈયાકરણી રા. બા. કમળાશંકર ત્રિવેદીએ બૃહદ વ્યાકરણ લખ્યું, તે હાલમાં યુનિવરસિટિના અભ્યાસક્રમમાં નિયત થાય છે.
પરંતુ એ બંને—ટેલર અને કમળાશંકરનાં-વ્યાકરણોનો સામાન્ય દોષ એ માલુમ પડે છે કે તેની રચના અને વ્યવસ્થા, જાણે કે ગુજરાતી સંસ્કૃતમાંથી સીધી જ ઉતરી આવી હોય એ પ્રમાણે કરેલી છે, પણ તે વાસ્તવિક નથી. પ્રાકૃત સંસ્કૃતમાંથી આવ્યું અથવા તો સંસ્કૃતની સાથે સાથે લોકભાષા તરીકે તેનો ઉપયોગ થતો એ વિવાદસ્પદ પ્રશ્નમાં આપણે નહિ ઉતરીએ; પણ પ્રાકૃતમાંથી અપભ્રંશ ઉદ્ભવ્યું અને એ અપભ્રંશમાંથી આપણી દેશી ભાષાઓ, હિન્દી, ગુજરાતીનો ઉદ્ભવ થયો; તેથી પ્રાકૃતનું અને અપભ્રંશનું જ્ઞાન તેની રચના અને બંધારણ સમજવામાં વિશેષ મદદગાર થઈ પડશે; ગુજરાતીમાં જે પ્રત્યયો ઉતરી આવ્યા છે, તેના રૂપોના ફેરફાર થયા છે, અને શબ્દોમાં વિકાર અને ઉત્ક્રાંતિ થવા પામી છે, એ સઘળું જાણવા સમજવાને અપભ્રંશનું જ્ઞાન એક માત્ર કુંચી છે. એકલા સંસ્કૃતના જ્ઞાન વડે તે કોયડો નહિ ઉકલશે.
તે વ્યાકરણો રચાયે ઘણો સમય થયલો છે અને તે પછી ગુજરાતી ભાષા સાહિત્ય સારીરીતે ખીલ્યું છે; અને બીજી પ્રાંતીય ભાષા સાથેનો પરિચય વધતાં ગુજરાતી લખાણમાં તેની અસર સુદ્ધાં થવા પામી છે.
એક સમર્થ લેખક, કદાચ વ્યાકરણ દોષ કરે, પણ તે એક રૂઢ શબ્દ પ્રયોગ તરીકે, માન્ય થશે અને પ્રચારમાં આવશે.
નવજીવન સાપ્તાહિકની શરૂઆત કરી તે સમયે મહાત્માજીના લખાણમાં વ્યાકરણ દોષો આવતા તે સામે કેટલેક સ્થળેથી ટીકા થયેલી, પણ આપણે કવિ દયારામના શબ્દોમાં કહીશું કે, “શું જાણે વૈયાકરણી, વસ્તુના રસને શું જાણે વૈયાકરણી,” તેમ મહાત્માજીના સંદેશાએ જનતા પર જે પ્રબળ છાપ પાડેલી છે અને તેની અસરથી તેમનાં જીવન પ્રાણવંત અને પ્રગતિમાન થવા પામ્યા છે, તેનો એમને (વૈયાકરણી) ક્યાંથી ખ્યાલ આવે ? જે સર્વ લખાણનું લક્ષ્યબિંદુ હોય અથવા હોવું જેઈએ.
ભાષા સાહિત્યના વિકાસ અને અભિવૃદ્ધિ સાથે તેના વ્યાકરણમાં નવા નવા પ્રયોગ થવાના અને ફેરફાર ઉદ્ભવવાના અને જીવંત સાહિત્યનું એ તો ચિહ્ન છે; અને તે ઇષ્ટ છે; વાસ્તે વ્યાકરણ ગ્રંથોની વખતોવખત તપાસ થઈ તેમાં યોગ્ય સુધારાવધારા કરવામાં આવે તે થોડું અગત્યનું નથી.
સન ૧૮૩૬ માં દાદોબા પાંડુરંગે, સુરતના પાંચ દદ્દામાંના એક, મરાઠીમાં પહેલ વહેલું વ્યાકરણ રચ્યું હતું અને ચાલુ વર્ષમાં તેની શતાબ્દી ઉજવવાની ગોઠવણ પણ થયેલી છે. તે ઉત્સવ ઉજવનાર મંડળીનો આશય પણ મરાઠી વ્યાકરણનો ઐતિહાસિક અને શાસ્ત્રીય પદ્ધતિએ વિચાર કરી, તેને શુદ્ધ કરવાનો છે અને તે કાર્ય જરૂરનું માલમ પડશે.
આ બધી હકીકત લક્ષમાં લેતાં, સૌ કોઈ એ વિષે સંમત થશે કે ગુજરાતી ભાષાનું વ્યાકરણ, નવેસર, ગુજરાતી ભાષાનો ઉદ્ભવ અને તેનાં કારણો વિચારી તપાસી, લખાવવા વેળાસર વ્યવસ્થા થવી ઘટે છે, અને ઉપરોક્ત ગુજરાતી કોશનું સંપાદક મંડળ અસ્તિમાં આવે, એ કાર્ય હાથ ધરે, તો તેમાં ઘણી સુગમતા થવા પામે; એટલું જ નહિ પણ તે શાસ્ત્રીય અને ઐતિહાસિક ધોરણસર રચવામાં ઝાઝી મુશ્કેલી પડશે નહિ.
દી. બા. કૃષ્ણલાલભાઈએ “ગુજરાતી સાહિત્યની ખામીઓ”માં ગુજરાતી સાહિત્યની ખામીઓમાં ગુજરાતી કોશની પેઠે ગુજરાતના ઈતિહાસનો પણ નિર્દેશ કર્યો હતો.
છેલ્લાં ત્રીસ પાંત્રીસ વર્ષોમાં આપણા પ્રાંતના તેમ હિન્દના ઈતિહાસ ઉપર સારો પ્રકાશ પડેલો છે; અને તે વિષે ઉપયુક્ત માહિતી આપતાં કેટલાક પુસ્તકો રચાયલાં છે; એ ક્ષેત્રમાં સોસાઈટીનો ફાળો મ્હોટો અને મહત્વનો છે; સામાન્ય વાચકને આપણા દેશનો ઈતિહાસ જાણવાને સોસાઈટીએ બને તેટલી માહિતી પૂરી પાડવાનો પ્રયત્ન કરેલો છે; તે ઈતિહાસ, ગુજરાતી પ્રજાજીવનની દ્રષ્ટિએ, લખાવવા હજી વાર છે; તે સારૂ પ્રથમ સાધન સામગ્રી એકઠી કરવાની જરૂર છે. તેનું બરોબર સંશોધન અને અભ્યાસ થયા પછી, તે ઉપરથી એક નવીન અને સ્વતંત્ર ઇતિહાસ રચાવવાનું બની શકશે.
ગુજરાતનો પ્રાચીન ઈતિહાસ તુટક અને અસંબદ્ધ મળે છે. તે પ્રશ્ન કાંઈક ગુંચવણભર્યો અને કઠિન હતો, તેમાં સિંધમાં મ્હોંજેડેરો અને પંજાબમાં હરપ્પામાં થયેલાં ખોદકામ અને શોધખેળનાં પરિણામે હિન્દના ઈતિહાસનો આખોય દ્રષ્ટિકોણ ફેરવાઈ ગયો છે અને નવા નવા મુદ્દાઓ ઉપસ્થિત થયા છે; કેમકે તે સંસ્કૃતિનાં ચિહ્નો–અવશેષો, લિંબડી, અમરેલી વગેરે જૂદે જૂદે સ્થળેથી મળ્યાંના સમાચાર વર્તમાનપત્રદ્વારા જાણવામાં આવ્યા છે તે તેનો વિસ્તાર બતાવે છે, પણ તેની સીમાં ક્યાં સુધી પહોંચી હતી તે વિષે આપણે હજી અજ્ઞાત છીએ.
વળી નર્મદાખીણ શોધખોળ મંડળ જે પ્રવૃત્તિ કરી રહ્યું છે તે પણ એ વિષય ઉપર નવીન પ્રકાશ પાડે એમ સંભવે છે.
ગુજરાતી પ્રજા પંચરંગી જાતિઓની બનેલી છે, તેમાં ભાટીઆ, લુહાણા, ખોજા, મેમણ, પારસી, મુસ્લિમ, જૈન, બ્રાહ્મણ, નાગર વગેરેનો સમાવેશ થાય છે. એ જાતિઓનો ઈતિહાસ જાણ્યાથી તેનો વૃત્તાંત એક અદ્ભુત રોમાંચક કથા જેવો માલુમ પડશે. એ જાતિઓ ક્યાંથી આવી, શા કારણે દેશ છોડ્યો, ગુજરાતમાં કેવી રીતે દ્રઢ થઈ, પ્રાંતના વિકાસ અને વિસ્તારમાં તેમણે શી સહાયતા આપેલી છે, દેશની આબાદી અને સમૃદ્ધિ મેળવવામાં દરેકે કેવો અને કેટલો હિસ્સો આપેલો છે અને એક બીજી જાતિઓ માંહોમાંહે ભળી જઈને ગુજરાતી પ્રજા તરીકે એક થવા પામી અને તેની પરસ્પર શી અસર થઈ, એ આખો પ્રશ્ન સમગ્રપણે વિચારવા જેવો છે.
ગુજરાતના ઇતિહાસની ખાત્રી લાયક ઐતિહાસિક હકીકત સાંપડે છે તે સમયથી, બહારની વિદેશી જાતિઓએ, ગુજરાત ઉપર, એક પછી એક આક્રમણ કરી પોતાની સત્તા સ્થાપી હતી. શક, હૂણ અને ગુર્જરોનો વૃત્તાંત તેની સાબિતીરૂપ છે. પછીથી એ જાતિઓ હિન્દુધર્મમાં ભળી ગઈ હતી એ ઓછું આશ્ચર્યજનક નથી. જૈનોનાં આગમ ગ્રંથો વલ્લભીપુરમાં લિપિબદ્ધ થયા હતા; અને જૈનધર્મ અને સંસ્કૃતિએ ગુજરાતના ઘડતરમાં મ્હોટો ફાળો આપેલો છે, એ વિસરવું જોઈએ નહિ. મુસ્લિમ અને મોગલ સત્તા લાંબા સમય સુધી ગુજરાતમાં ટકી હતી અને પ્રજા જીવનપર, રાજકર્તા તરીકે તેમણે તેમજ ઈસ્લામ ધર્મે પ્રબળ અસર કરેલી છે, તેનાં અનેક ચિન્હો મળી આવશે.
મરાઠાઓનો અમલ ઝાઝો વખત રહ્યો ન હતો; તોપણ તેની છાપ ગુજરાતી જીવનમાં જોવામાં આવશે અને અનેક મહારાષ્ટ્રી કુટુંબો ગુજરાતમાં સ્થાયી વસ્યાં છે, એ પણ સામાજિક દ્રષ્ટિને એક વિચારણીય મુદ્દો રજુ કરે છે.
અંગ્રેજી અમલે તો આપણી પ્રજામાં જે ચેતન આણ્યું છે તે કાંઈક અજબ છે. ગુજરાતી પ્રજાજીવન એથી ખૂબ રંગાયું છે અને તે ક્રાંતિકારી નિવડે તો આપણે અજાયબ થઇશું નહિ.
ગુજરાતી પ્રજા અને ગુજરાતી સંસ્કૃતિ, ઉપરની વિગતો વિચારતાં, વિધવિધ તત્ત્વોથી મિશ્રિત-composite છે; રંગ તેમ ધર્મ, વિચાર અને સંસ્કૃતિમાં ભિન્ન માલુમ પડશે, પણ સરવાળે એક ગુજરાતી પ્રજા તરીકે તે મગરૂરી લેતી જણાશે.
વધુમાં ગુજરાતીઓની સાહસિકતા, વાણિજય પ્રેમ, કાર્યદક્ષતા, વ્યવહારિક ડહાપણ અને વિનય એ સર્વ એ ગુજરાતની વિશિષ્ટતા છે.
આજ સુધીમાં લખાયલા ઈતિહાસમાં રાજકીય બનાવોને પ્રાધાન્ય આપવામાં આવેલું છે, પણ બે હજાર વર્ષના લાંબા ગાળામાં પ્રજાજીવન કેવી રીતે આગળ વધતું રહ્યું, વિકાસ પામ્યું, તેમાં ક્યારે ક્યારે ભરતી ઓટ આવ્યા, અને તેનાં શાં પરિણામો નિપજ્યાં, એ પદ્ધતિસર તપાસવું જોઈએ, તેમ ભારતવર્ષના એક અંગ તરીકે ગુજરાત પ્રાંતે કોઈ વિશિષ્ટ સેવા કરેલી છે કે કેમ અને તે કેવા પ્રકારની તેની વિગતો પણ આપણે મેળવવી તપાસવી જોઈએ.
જે મુદ્દાઓ અત્રે ઉપસ્થિત કર્યા છે તે નવા નથી; તેનો આશય માત્ર એ છે કે તે પ્રતિ બહુ થોડું જ ધ્યાન અપાયું છે; પણ દુઃખની બીના એ છે કે જે થોડાઘણા તેનો અભ્યાસ કરવા આતુર છે, તેમને તે માટે જરૂરી સાધનો મેળવવામાં ખૂબ મુશ્કેલીઓ નડે છે.
સન ૧૯૨૧માં “ગુજરાત પુરાતત્વ”ની સ્થાપના કરવામાં આવી ત્યારે એવી આશા પડેલી કે ઇતિહાસના અભ્યાસીને જે અડચણ પડતી તે એથી દૂર થશે, એટલુંજ નહિ પણ આપણા પ્રાન્તનો એક સવિસ્તર અને વિશ્વસનીય ઈતિહાસ લખાવવાનો તેના તરફથી પ્રબંધ થશે.
પરંતુ દેશમાં જાગેલી રાજકીય પ્રવૃત્તિના અંગે તે દ્વાર અકાળે બંધ પડયું હતું.
એક તરફથી નવાં નવાં ખોદકામ અને શોધખોળના પ્રયત્નો ચાલુ છે તેમ બીજી તરફથી જુનાં ઐતિહાસિક લખાણો, જેમકે પેશ્વાનું દફતર, ગાયકવાડ સરકારનું દફતર, અંગ્રેજી રેસિડેન્સિનું દફતર, પોર્ટુગીઝ અને ડચ વૃત્તાંત વગેરે સાધનસામગ્રી વધુને વધુ પ્રમાણમાં પ્રકાશમાં આવતી જાય છે, અને વેરણખેરણ પડેલું ઐતિહાસિક સાહિત્ય પુષ્કળ છે.
પર પ્રાંતોમાં ઐતિહાસિક સંશોધનનું કાર્ય વેગભર થઈ રહ્યું છે; જૂદી જૂદી યુનિવરસિટિઓએ પણ તે પ્રવૃત્તિ ઉપાડી લીધેલી છે. પૂનામાં ભાંડારકર રીચર્સ ઈન્સ્ટીરયુરની સાથે ભારત ઇતિહાસ સંશોધન મંડળનું કાર્ય પણ પ્રગતિમાન માલુમ પડશે.
એ સ્થળે ઇતિહાસના અભ્યાસ અને લેખનકાર્ય માટે પુષ્કળ સામગ્રી સંગ્રહેલી ઉપલબ્ધ છે.
ગુજરાત પુરાતત્ત્વમાં મ્હોટો પુસ્તક ભંડાર છે; પણ તે અધુરો છે.
જ્યાં સુધી ઇતિહાસના અભ્યાસીઓ સારૂં એક કેન્દ્રિત સ્થળે, ઉપલબ્ધ સર્વ સાધન સામગ્રી સંગ્રહવામાં નહિ આવે, અને તેના સંશેાધન અને અભ્યાસ સારૂ, પુરતી ગોઠવણી નહિ થાય, ત્યાં સુધી ગુજરાતના એક સારા ઈતિહાસની આશા રાખવી નિરર્થક છે.
તે માટે પ્રથમ એક ઈતિહાસ મંડળ, ઈતિહાસપ્રેમીઓનું સ્થાપવામાં આવે એ અગત્યનું છે; તે ઐતિહાસિક વસ્તુઓ અને સાધનો એકત્ર કરવા, સંગ્રહવા પ્રયાસ કરે, તે પછી જ ગુજરાતનો સાચો અને વાસ્તવિક ઇતિહાસ, પ્રજાજીવન વિકાસની દ્રષ્ટિએ, આલેખવાનું બની શકશે.
આપણે ઈચ્છીશું કે સાહિત્ય પરિષદ તે દિશામાં યોગ્ય અને વ્યવહારૂ પગલાં લેશે; સાથે સાથે એવી વિનંતિ પણ આપણે કરીશું કે ચોક્કસ મુદ્દતમાં એ યોજના અમલમાં મૂકાઈ, “ઈતિહાસ સંશોધન મંદિર” મૂર્ત સ્વરૂપ ધારણ કરે; તે માત્ર એક અભિલાષ રહેવા ન પામે.
ગુજરાતી સાહિત્યના ઈતિહાસનો પ્રશ્ન ગુજરાતના ઈતિહાસ જેવો મુશ્કેલ નથી; પણ તે સારૂં કેટલુંક પ્રારંભિક કાર્ય-spade work- થવું જોઈએ છીએ; તો એ વિષયને યથાયોગ્ય ન્યાય આપી શકાય, તેમ તેમાંના પ્રવર્તક બળો બરોબર સમજવામાં આવે.
ગુજરાતી સાહિત્ય સામાન્યતઃ બે વિભાગમાં વહેંચાયેલું છે; (૧) પ્રાચીનયુગ-કવિ દયારામ સુધી (૨) અર્વાચીનયુગ–દલપતરામથી શરૂ કરીને.
પરંતુ આપણું પ્રાચીન સાહિત્ય બધું છપાયલું નથી; ઘણું હજી અપ્રસિદ્ધ, ભંડારોમાં અને ખાનગી સંગ્રહોમાં, અંધારામાં પડેલું છે.
પ્રાચીન કવિઓ વિષે આપણને જે માહિતી મળેલી છે, તે પૂરી નથી; તેમની કેટલીક કૃતિઓ વિષે પૂરતી ખાત્રી મળતી નથી; અને કેટલાકનો નામોલ્લેખ સાંપડે છે.
આપણા પ્રાંતમાં અરાઢશેં એંસીમાં રાષ્ટ્રીય અસ્મિતાનાં આંદોલનો ફરી વળતાં પ્રાચીન ગુજરાતી સાહિત્યને પ્રકાશમાં આણવાના પ્રયાસ થયા હતા; તે પ્રવૃત્તિને લઈને આપણને બૃહતકાવ્ય દોહનના આઠ ભાગો, પ્રાચીન કાવ્યમાળાના પ્રાંત્રીસ ગ્રંથો અને પ્રાચીન કાવ્ય ત્રૈમાસિકના ત્રીસથી વધુ અંકો મળેલા છે. સદરહુ પુસ્તકો બહાર પડયા પછી તે કાવ્યોની વધુ અને સારી પ્રતો પ્રાપ્ત થયલી છે તેમ બીજી અનેક નવી હાથ લાગી છે.
પણ તે સઘળાની એકત્રિત માહિતી મેળવવાની મુશ્કેલી પડે છે. પ્રાચીન સાહિત્યની હસ્તલિખિત પ્રતોના પાંચ સંગ્રહો જાણીતા છે:– (૧) શ્રી. ફોર્બસ સભા હસ્તલિખિત પુસ્તક સંગ્રહ. (૨) કવીશ્વર દલપતરામ હસ્તલિખિત પુસ્તક સંગ્રહ, ગુ. વ. સોસાઈટી હસ્તક, (૩) વડોદરા રાજ્ય સેન્ટ્રલ લાઈબ્રેરી પુસ્તક સંગ્રહ; (૪) “ગુજરાતી” પ્રેસ હસ્તલિખિત પુસ્તક સંગ્રહ (૫) ડાહીલક્ષ્મી લાઈબ્રેરી પુસ્તક સંગ્રહ–નડિઆદ.
સ્વર્ગસ્થ શેઠ પુરૂષોત્તમ વિશ્રામ માવજી પાસેનો સંગ્રહ હાલમાં કોની પાસે છે તે જાણવામાં નથી.
તે સિવાય વેરણખેરણ, અણનોંધાયલી અને અંધારામાં રહેલી હાથ પ્રતોની સંખ્યા બહુ મ્હોટી માલુમ પડશે.
જૈન પ્રાચીન સાહિત્ય સંબંધમાં મ્હોટી સવડ એ છે કે તે જુદા જુદા ભંડારોમાં સુરક્ષિત અને સુવ્યવસ્થિત સંગ્રહાયલું છે, તેમ તેની યાદી, જરૂર પડે મળી શકે છે; અને શ્રીયુત મોહનલાલ દલીચંદે “જૈન કવિઓ” એ નામે બે ગ્રંથો, એ સાહિત્યની લંબાણ સમાલોચના સહિત, બહાર પાડયા પછી, તે સંબંધી બહુ થોડું જાણવાનું બાકી રહે છે.
તે ધોરણે જૈનેતર પ્રાચીન સાહિત્યની તપાસ અને નોંધ થાય એ આવશ્યક છે.
કવીશ્વર દલપતરામ અને શ્રી ફોર્બસ સભાના સંગ્રહની યાદીઓ છપાયલી છે, એવી યાદીઓ સેન્ટ્રલ લાઈબ્રેરીની, ગુજરાતી પ્રેસની, ડાહીલક્ષ્મી લાઈબ્રેરીની અને શેઠ પુરુષોત્તમ વિશ્રામ માવજી સંગ્રહની થવી જોઈએ.
એ યાદીઓ ઉપરથી કેટલુંક પ્રાસ્તાવિક કાર્ય થઈ શકે; જૂદા જૂદા કવિઓની કૃતિઓની સાલવાર અને સમગ્રપણે નોંધ કરી શકાય; તેમ તેના પુનઃ પ્રકાશન કે નવાં પ્રકાશન સારૂ યોજના ઘડવાનું સરલ થાય.
એવી માહિતી, જે તે સ્થળેથી એકત્ર કર્યા વિના પ્રાચીન ગુજરાતી સાહિત્યનો પૂરો કે પૂરતો ખ્યાલ નજ આવે; એટલુંજ નહિ પણ તે વિષે જે કાંઈ અભિપ્રાય કે નિર્ણય દર્શાવવામાં આવે તે દોષમુક્ત અથવા ખોટા નિવડે.
એ સંબંધમાં વિશેષ કાંઈ કહેવાનું નથી; માત્ર એ વિષયમાં રસ લેતા યોગ્ય લાયકાતવાળા અભ્યાસીને, જેવા કે શ્રી. રામલાલ મોદી, શ્રી. કેશવરામ શાસ્ત્રી, શ્રી. ભોગીલાલ સાંડેસરા-ને યોગ્ય પારિતોષિક આપી, રોકવામાં આવે; પણ તે કાર્યમાં વિલંબ થવો ન જોઈએ; કારણ કે અજ્ઞાનતાને લઈને આપણી એ સંપત્તિનો, પ્રતિદિન ધીમે ધીમે, નાશ થતો જાય છે. તે પાછી મેળવવાનું અશક્ય થઈ પડશે અને તેનું મૂલ્ય રૂપિયા, આના, પાઈમાં આંકવાનું નથી.
આપણા પ્રાંતની પ્રધાન સંસ્થા ગુજરાતી સાહિત્ય પરિષદનું એ કર્તવ્ય છે કે તે સારૂં તે યોગ્ય વ્યવસ્થા કરે.
અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ રચવામાં બીજા પ્રકારની અડચણ નડે છે; અને તે તેનાં સાધનોની, નોંધ અને વૃત્તાંતોની.
વર્તમાન સાહિત્ય દિવસે દિવસે વિકસતું અને ખીલતું જાય છે, તેમાં નવીનતા અને વિવિધતા આવી, તે સમૃદ્ધ થયું છે; પણ આપણા સાહિત્યકારો અને તેમની સાહિત્ય કૃતિઓ વિષે બહુ થોડી હકીકત મળી આવે છે; અને જે કાંઈ ઉપલબ્ધ છે તે સંગ્રહિત કે સંકલિત કરેલી મળતી નથી; તેથી તે દિશામાં પ્રયાસ કરવો જોઈએ; અને તે એ પુરુષોનાં સ્વતંત્ર, વિવેચનાત્મક અને માહિતીપૂર્ણ જીવનચરિત્રો રચાયે વધુ સવડભર્યું થઈ પડશે.
ગુજરાતી સાહિત્યમાં ચરિત્ર વિભાગ સત્ત્વહીન અને અપૂર્ણ છે; પ્રજાના ઘડતરમાં એ સાહિત્ય ઘણું ઉપયોગી નિવડે; અંગ્રેજી સાહિત્યનો એ વિભાગ એટલો સત્વશાળી અને સમૃદ્ધ છે કે તે ઈર્ષા ઉપજાવે; ગુજરાતી સાહિત્યની એ ખામી જરૂર આપણે દૂર કરવી જોઈએ; અને તે ચરિત્ર ગ્રંથો સાહિત્યનો ઈતિહાસ તૈયાર કરવામાં બહુ મદદગાર નિવડશે.
જાણીતી ઈંગ્રેજી સાક્ષરમાળા (English men of letters) ના ધોરણે કવિશ્વર દલપતરામથી શરૂ કરી સ્વર્ગસ્થ સર રમણભાઈન કાળ સુધીના વિદેહી સાક્ષરોનાં પ્રમાણભૂત ચરિત્રો તેના અધિકારી પુરુષોને લખવાનું સોંપવામાં આવે એ અત્યારના સંજોગોમાં હિતાવહ છે; અને તે સાધન સાહિત્ય પ્રાપ્ત થતાં અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ રચાવવાનું કાર્ય અઘરૂં થઈ પડશે નહિ.
પ્રાંતિક સ્વરાજ્ય અમલમાં આવતાં, એેવો એક ભય ઉભો કરવામાં આવ્યો છે કે એકબીજા પ્રાંતો વચ્ચે કેટલીક ખોટી હરિફાઈ થવા પામશે; આપણે એ ભીતિ પ્રતિ ઝાઝું લક્ષ આપીશું નહિ; તે ભય અસ્થાને માનીશું; પણ આપણું જે પ્રજાકીય ઐક્ય છે; જે પરસ્પરનો પરિચય અને સંબંધ છે, તેને દ્રઢતર કરવા, ગાઢ બંધનોથી જોડવા, તેના એક માત્ર ઇલાજ તરીકે, તે પ્રાંતના ભાષા સાહિત્યથી વાકેફ રહીએ, એ મહત્વનું છે. તે પરસ્પર જોડનારી સાંકળ નિવડશે; અને એથી બીજો લાભ એ થશે કે આપણું ભાષા સાહિત્ય તે દ્વારા સમૃદ્ધ થશે.
આપણા સાહિત્યમાં નવી નવી, સ્વતંત્ર અને મૌલિક કૃતિઓ રચાય, તેથી આપણે જરૂર અભિમાન ધરીએ; પણ બીજી રીતે ભિન્ન ભિન્ન ભાષાઓમાંથી ઉત્તમ કૃતિઓના તરજુમા આપણે આપણા સાહિત્યમાં પ્રાપ્ત કરીએ, એ ઓછું ઉપયોગી કાર્ય નથી.
તે સંબંધમાં છૂટાછવાયા અને વ્યક્તિગત પ્રયાસ કરવામાં આવે તેનાં કરતાં સાહિત્ય પરિષદ એક સમિતિ નીમે, તે, એ પ્રશ્નનો જુદી જુદી દ્રષ્ટિએ વિચાર કરી, એક યાદી તૈયાર કરે એ વધુ પસંદ કરવા જેવું છે.
હંસ માસિક દ્વારા હાલમાં જૂદી જૂદી ભાષાઓમાં છપાતા લેખોનો પરિચય કરાવવા પ્રયત્ન ચાલુ છે, તે આવકારપાત્ર છે; પણ જે તે ભાષાના સર્વોશ્રેષ્ઠ લેખકોની ઉત્તમ કૃતિઓનો સ્વભાષામાં તરજુમો વાંચવાનો લાભ મળે એ ધેારણ જ ઈષ્ટ છે.
લિપિ સુધારણાનો પ્રશ્ન અત્યારે ચર્ચાઈ રહ્યો છે તેનો વ્યવહારૂ ઉકેલ આવતાં, એ લિપિમાં પરપ્રાન્તિય સાહિત્ય, વાંચવાનો મહાવરો પડે, સુગમતા થશે અને તે મ્હોટો લાભ છે.
તથાપિ સાહિત્યના એક વિભાગ તરીકે ભાષાંતર સાહિત્યનું મૂલ્ય છે અને તેની જરૂર ઉભી રહેવાની જ.
પ્રસ્તુત લેખનો એક જ આશય છે કે ગુજરાતી સાહિત્યમાં જે ઉણપો જણાય છે તે દૂર કરવા અને તેની જરૂરિયાતોને પહોંચી વળવા, સાહિત્યપરિષદ તે વિષે પુખ્ત વિચાર કરી, યોગ્ય નિર્ણયપર આવે, એટલુંજ નહિ પણ જે કાર્યક્રમ યોજે તે મુકરર સમયમાં પૂરો થવા પામે.
કર્મવીર પુરુષ તરીકે જેમની ખ્યાતિ બંધાયલી છે, જેમને માત્ર કાર્ય પસંદ છે; અને કાર્યમાંજ અચળ શ્રદ્ધા ધરાવે છે, એઓ આ સંમેલનની બીજી બેઠક મળતાં સુધી તેના સુકાની રહેશે.
એ વિશ્વવંદ્ય વિભૂતિ પાસેથી, સંમેલનના પ્રમુખ તરીકે, એટલી આશા આપણે રાખીશું કે ગુજરાતી સાહિત્યની ખામીઓ, દોષો અને જરૂરિયાતો સંબંધમાં સાહિત્ય સંમેલન જે તે નિર્ણય ઉપર આવી તે અમલમાં મૂકાય અને મુકરર વખતમાં પૂરો થાય એેવો એકાદ કાર્યક્રમ નિયોજશે.[3]
Lua error in package.lua at line 80: module ‘strict’ not found.