ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૮/ઇ. સ. ૧૯૩૬ની કવિતા
૧
જ્યારે આત્મા વિશદરીતે કોઈપણ વસ્તુ, સત્ય, કે અસ્તિત્વ સાથે સંપર્કમાં આવે, જ્યારે તેમનો અનુભવ કરે અને પોતાનામાં સાવ સામાન્ય નહિ એવી તીવ્રતાથી ઘર કરવા દે, ત્યારે આત્માના અને તેના વિષયના મીલનના યોગથી એક પ્રકારની આનંદની લાગણી અને ઉર્મિની ઉષ્મા ઉદ્ભવે છે; અને તે ઉષ્મા અને તે લાગણીનું વક્તવ્ય તે કવિતા.
વ્યાખ્યા કરવામાં આપણને બહુ મજા નહિ આવે. ફુલ અને ફળની વ્યાખ્યા કરવી અને કવિતાની વ્યાખ્યા કરવી એ બધાં સરખાં છે. આપણે ફૂલ અને ફળ આપણી પાસે હોય તેમ ઇચ્છીએ, ફૂલને સુંઘવાનું અને ફળને ચાખવાનું ઇચ્છીએ,-તેમને વિષે લાંબી લાંબી ચર્ચા કરવાનું આપણે ઓછું પસંદ કરશું. ગુલાબના ફૂલ વિષે સઘળું જાણવું એ આવશ્યક હશે, તે ક્યાંથી અહિંયાં આવ્યું તે જાણવામાં ઐતિહાસિક વૃત્તિ રહી હશે, તેના જુદા જુદા પ્રકાર જાણવામાં માહિતીની તૃષા સંતોષાતી હશે, કેવા કેવા મિશ્રણથી ગુલાબના ફૂલ વિવિધ રંગનાં ઉપજાવી શકાય તેના પ્રયોગો કરવામાં કલારસિક્તા સંતોષાતી હશે; પણ આપણને સામાન્ય રીતે ગુલાબને જોવામાં જ અને તેને સુંઘવામાં જ મજા આવશે. એવું જ કાંઈક કવિતા વિષે છે. કવિતાથી આપણે આનંદોપભોગ કરીએ; તેના કરતાં તેની ચર્ચા વધુ ન જ કરીએ.
૨
ઇ. સ. ૧૯૩૬ની કવિતા વિષે તદ્દન એમ તો કહી શકાય એમ નથી જ કે તેનાં મૂળ હ્યદયમાં હોવા કરતાં મસ્તકમાં વધુ ઉંડાં છે. અર્થઘનતાની મોહિની ૧૯૩૬ની કવિતાના સમસ્ત વાતાવરણમાં પ્રસરી રહેલી છે. કવિ દયારામની જેમ પણ જુદા અર્થમાં આપણે પણ પૂછી શકીએ કે કીયે ઠામ મોહિની ન જાણી. પણ એ અર્થઘનતાની સાથે માનવહૃદયતા પણ છે. માનવ-હૃદયતાની ભૂમિ ઉપરથી કવિતાનો છોડ ઉગી, ઉદ્ભવી શકે. કવિ એ માત્ર વિચિત્ર પ્રાણી નથી, કલાને ખાતર જીવતો માત્ર કલાકાર નથી, સ્વપ્નવિવશ બનતો માત્ર સ્વપ્નદ્રષ્ટા નથી, અથવા દુનિયાથી દુર વસતો તપનાં અમૃત પીતો કો જોગન્દર નથી; ખરી રીતે કવિ દુનિયાથી દૂર દૂર વસી શકતો નથી, દુનિયાથી દુર દુર ઉંડેરા આભમાં વિહરી પણ શકતો નથી. જો કાંઈ પણ એ હોય તો પોતાના માનવબંધુઓ જેવો એ પણ એક માનવ છે, એને પણ એક હૃદય છે જે તેમના પ્રત્યેની સહાનુભુતિમાં ધબકે છે, એનું હૃદય એમના હૃદયથી ભિન્ન નથી, પણ એનું હૃદય એમના હૃદયથી વધારે વિશાળ, વધારે ઉદાર, વધારે કોમલહૃદય, વધારે લાગણી પ્રધાન છે. આ વિશિષ્ટ ઉંડાઈ, આ લાગણી પ્રધાનતા અને ઉર્મિપ્રાધાન્ય સ્વભાવની સૂક્ષ્મતા એની બુદ્ધિને ઉત્તેજિત કરે છે અને તેને ચેતના વડે પ્રેરે છે. આજનો કવિ એના માનવ બંધુજનોથી જુદા પ્રકારની લાગણીઓ અનુભવતો નથી પણ વિશેષ લાગણી અનુભવે છે.
પણ આ પ્રકારની માનવહ્યદયતા માત્ર ૧૯૩૬ની કવિતાનુંજ આવશ્યક અંગ છે એમ ન કહી શકાય. આ માનવ-હૃદયતાએ સાહિત્યના બીજા પ્રકારોને પણ ચોક્કસપણે સર કરી લીધેલા છે.
દરેક કાળની કવિતાનો વિશિષ્ટ પ્રદેશ સૌન્દર્યનો છે તેમ ઈ. સ. ૧૯૩૬ની કવિતાનો પણ છે. પણ સૌન્દર્ય શબ્દ કવિ આત્મા જે સબ ભૂમિ પર વિહાર કરે છે તેને દર્શાવવા માટે ઘણો જ સંકુચિત છે. ઈ. સ. ૧૯૩૬નો કવિ એવો એક્કે વિષય નથી કે જેના પર પોતાની કલમ નથી અજમાવી શકતો-જુના કવિઓ અને વિવેચકો જે વિષયોને અધમ ગણતા તે પ્રકારના વિષયો પર પણ સારી પેઠે કલમ ચલાવી શકે છે-જુનાં પગરખાં, કે તાડીની દુકાનનો માલિક, કે લોકલમાં એવા વિષય પર પ્રભુત્વ દાખવી શકે છે; દેવદાસના બોલપટ પરથી ‘પારૂ’ અને ‘ચંદ્રા’ તેને ખંડ-કવિતાના સફળ વિષય આપી શકે છે; કાશ્મીરની સુંદર કુંજોની શ્રી એના માનસમાં નાચી રહી એની પાસે શ્રી કાશ્મીરા નાચી રહી એવા કુદરત-કાવ્યો સર્જાવી શકે છે; અને માનવ-સ્વભાવ, માનવ કરણી, ભાનવ ભાવનાઓ, આનંદ અને શોક, અને માનવ ભવિષ્ય આ બધા એની કલ્પનાનો વિષય સ્હેલાઈથી અને સરળતાથી બની શકે છે.
આ વિષયોની નવીનતાને સુંદર રીતે પ્રાદુર્ભુત કરનાર એમની કલ્પનાજ છે. સામાન્ય માણસની વસ્તુ વિષેની ભાવનાને આ કવિ-કલ્પના બળ આપે છે, સ્પષ્ટતા આપે છે, જે કહેવાનું છે તેને ચોક્કસતા આપે છે, અને રૂપરંગમાં વિશદતા આપે છે. ઈ.સ. ૧૯૩૬ના કવિની કલ્પના માત્ર ઠાકોરની અર્થ-ધન કલ્પનાજ નથી. એ કલ્પના બુદ્ધિ અને ઉર્મિની મધ્યસ્થમાં રહેતી હોય, અને જાણે બન્ને તરફ પ્રેરણા માટે જોતી હોય અને બન્નેના ગુણાવગુણ પોતામાં ધારતી હોય એમ લાગ્યા કરે છે. ઈ. સ. ૧૯૩૬ની કવિતામાં ધણીવાર ઉર્મિતત્વ અને બુદ્ધિતત્વ એક બીજા ઉપર પ્રબળ અસર કરે છે-ગાઢ ઉર્મિ કલ્પનાને જગાવે છે અને પોતાને કલ્પના ભર્યા સ્વરૂપમાં વ્યક્ત કરે છે; જ્યારે કલ્પના ભરી દ્રષ્ટિ-ઉંડાણ ઉર્મિને સચેત અને ગાઢ બનાવે છે.
આ કવિ-કલ્પનામાં નિરૂપણની શક્તિ છે. પોતાની કુશાગ્ર બુદ્ધિ વડે વસ્તુના ખરા રહસ્યમાં એ ઉંડો ઉતરી શકે છે, (બહારના સર્વ આવિષ્કરણોને દૂર કરીને) જીવનના આવશ્યક અને મૂળભૂત તત્વને પકડી શકે છે અને થોડા શબ્દોમાં સોનેટમાં કે ખંડ કાવ્યમાં તેને રજુ કરી શકે છે. ઇતિહાસના કોઈ અવશિષ્ટ પ્રસંગો પણ આ કવિ કલ્પનાને પ્રેરણાના પાણી પાય છે અને પતીલ જેવા પાસે છંદોના નવા નવા પ્રયોગોવાળા કથાકાવ્યો લખાવે છે (સ્થળ-સંકોચને લીધે એમનું એકકે કથા-કાવ્ય ન લઈ શકાયું તે માટે દીલગીરી). આ કવિકલ્પના જુના બંધનોમાં રાચતી નથી તે તો ચોક્કસ-નવા બંધનો એ સ્વીકારે છે-તેમાં પણ પુરાઈ રહેવું ન ગમવાથી નવા નવા ફેરફાર ઈષ્ટ કે અનિષ્ટ તેમાં કરવા મથે છે. અમુક પ્રકારના છંદનુંજ પ્રભુત્વ અમુક કાવ્ય-પ્રકાર માટે ઈષ્ટ એ માન્યતા બે વરસ પહેલાં જે રૂઢ થઈ ગયા જેવી લાગતી તેને સ્થાને મંદાક્રાન્તા, સ્ત્રગ્ધરા, શાર્દૂલવિક્રીડિત વિ. છંદોના ઉપયોગ પણ ઈષ્ટ ગણાવા લાગ્યા છે.
પરંતુ આ બધી વિશિષ્ટતા દેખાડતો ઈ. સ. ૧૯૩૬નો કવિ ગઈ પેઢીના જેટલી સંગીન વિચાર-સામગ્રી ધરાવવામાં ઓછો પડતો હોય એમ પણ લાગે છે અને ઘણીવાર જીવનના મૂળતત્વને બદલે જીવનની અમુક ડાળીનેજ જીવન માની લેતો જોવામાં આવે છે. સ્વપ્નામાં વિહારવાની ટેવ જો એ ભૂલી ગયો છે તો વિષયની વિશાળતા અને જ્ઞાનનો વિસ્તૃત ભંડાર લાવવાની એને જરૂર છે. જીવનનું અવલોકન જરૂરનું છે પણ જીવનનું અવલોકનજ વિચારની સર્વ સામગ્રી પુરી ન પાડી શકે, તે વિચાર સામગ્રી મેળવવા માટે બીજા સાહિત્યના વિચાર પ્રદેશોમાં ભમવાની, બીજા સાહિત્યકારોના જીવનના અનુભવો અને પરિભ્રમણો પોતાના અનુભવો અને પરિભ્રમણો સાથે સરખાવવાની, પણ એટલીજ જરૂર છે. ઈ.સ. ૧૯૩૬નો સાહિત્યકાર રૂડીયાર્ડ કિપ્લીંગના સાર્થ વાક્યમાં “He knows not England who only England knows” માને છે અને ઈ. સ. ૧૯૩૬નો કવિ તેમાં અપવાદ નથી પણ વિશેષ પ્રયાસ થવાની અગત્ય તો ઉભી જ છે.
ઇ. સ. ૧૯૩૬ ની કવિતા માત્ર આનંદ આપવા માટે જ સર્જાઈ નથી. અલબત્ત એ હેતુ–પ્રધાન જ છે એમ કહેવાનો હેતુ પણ નથી, પણ આનંદ એ એને એકલો હેતુ છે એમ કહેવું એ ઇષ્ટ નથી. પ્રથમતઃ તો કવિતાનું આવિષ્કરણ સ્વતઃ પ્રવર્તિત અને લગભગ અનભિજ્ઞ હોય છે અને જ્યારે પ્રેરણાનો આવેગ ઘણોજ તીવ્ર અને ઉંડો હોય છે ત્યારે કવિતામાં સભાન હેતુ હાજર હોતો જ નથી. પણ એવી તીવ્ર પ્રેરણા કોક વાર જ આવતી હશે કે જ્યારે કવિ પોતાને ભુલી જતો હોય.
ત્યારે ઈ. સ. ૧૯૩૬ની કવિતા માત્ર આનંદ આપવા માટે જ સર્જાઇ નથી. ઈ. સ. ૧૯૩૬ની કવિતામાં વપરાયેલા છંદોમાં કર્કશ પૃથ્વિ હજુ અગ્રતમ સ્થાન સાચવી બેઠો છે. ભાષાની અંદર પણ જો કે જાણી જોઈને કઠણ પત્થરા જેવા શબ્દો વાપરવાનો મોહ ઓછો થયો છે તો ૫ણ કોમળતા કવિતામાં આણવાનો પ્રયાસ ઝાઝો થતો હોય એમ પણ જોવામાં આવતું નથી. ગેયતા કે ડોલન કે સંગીત કવિતામાં બહુ ઓછું છે. કોક રડયા ખડયા ભગવાનલાલ માંકડ હોડી શઢે પવન ભરાવે અને ગુંજે પણ એ પ્રકારની કવિતા લગભગ નથીજ એમ કહીએ તો ચાલે. સારા સારા કવિઓએ રાસ લખવાનો નીમ લીધો હોય એમ પણ લાગે છે. આ બધા તત્વો એેવો ધ્વનિ સૂચિત કરી શકે છે કે ઈ. સ. ૧૯૩૬ની કવિતા હજુ સુધી બુદ્ધિ-પ્રધાન વધુ છે-ઉર્મિ-પ્રધાન થોડી છે.
એમ જોશું તો તો જણાશે કે વર્તમાન કવિતા દુનિયાદારીથી અને આર્થિક-વાદથી વધારે ઘેરાયેલી, વર્ગ વિગ્રહના ભણકારાથી ઘેરાયેલી, ઈઝમથી ગભરાયેલી, અને અમારું ખુન વહ્યું તું લાલ એવા તત્વોથી પરવશ બનેલી છે. આપણે ચોક્કસ કહી શકીએ કે કવિતા માત્ર આકાશમાં ઉડવા માટે નથી. વાસ્તવિકતા વગરની કવિતા નકામી છે; પણ નરી વાસ્તવિકતા વાળી કવિતા એ પણ કવિતા નથી-એવી કવિતામાં કવિ-દ્રષ્ટિ રહેતી નથી, માનવ સ્વભાવની ઉમદા બાજુને સ્પર્શતી દલીલ રહેતી નથી, ૫રમ સત્યો દાખવવાના સામર્થ્યવાળી બનતી નથી, અને અલબત્ત આકર્ષક સ્વરૂપમાં હોય-તરતને માટે ચિત્ત ચેારી લે એવા વસ્ત્રાભુષણે સજ્જ હોય તે પણ હંમેશને માટે આપણો પ્રેમ જીતી સાચવી રાખવા જેટલી ચતુર પણ નથી. કવિતાના વાહનમાં સુક્ષ્મ આત્માઓમાં જીવન જોઈ જાગેલા મહત્તમ વિચારો અને ઉચ્ચતમ લાગણીઓને સુંદર સ્વરૂપમાં અને લય પ્રધાન ભાષામાં સ્થાન હોય.
એમ છતાં વર્તમાન કવિતામાં અને ઈ. સ. ૧૯૩૬ ની કવિતામાં ગરીબની લાગણીમય ભાષા છે. ભૂતપૂર્વ કવિતામાં માત્ર કલ્પનાનાં લુમખાં પારકાં કે પોતાનાં, જોવામાં આવતાં તેના સ્થાને, રાજકીય હીલચાલને અંગે મળેલાં જનતા સંપર્કના શોખને લીધે કેળવાયેલી પ્રવાસની ટેવે ગરીબ-જીવનના અનેક બનેવો, યાતનાઓ, અને ભાવનાઓ આપણા કવિઓને બક્ષી છે-અને આવી કેટલીક કવિતાઓ માત્ર સાહિત્યમય ભાષાનું ઉર્મિ વગરનું ખાબોચીયું હોવાને બદલે દર્દમય અને અસરકારક નીવડી છે.
જો એક બાજુ ઈ. સ. ૧૯૩૬ ની કવિતામાં ગરીબોની દુનિયા સબળ રીતે રજુ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે તો સમસ્ત રીતે આપણે જોશું તો જણાશે કે ઇ. સ. ૧૯૩૬ ની કવિતાનો ઝાઝો ભાગ આમ વર્ગને સ્પર્શી શકે એવો નથી. આપણા નાનાલાલ સમજવામાં દુષ્કર છતાં લોકે એમને ગાયા અને ગાશે કારણ એમાં ગેયતા હતી. આપણે આગળ કહી ગયા છીએ કે ઇ. સ. ૧૯૩૬ ની કવિતા ગેયતામાં ખાસ આગળ વધી નથી. છેલ્લા ત્રણ ચાર વરસની કવિતા જોશું તો આપણને જણાશે કે વર્તમાન કવિતા એ કલાની રમત (Sport in Art) બની ગઈ છે-એ પ્રકારની કલા ઘણા મુર્તિમંત કરી શકે પણ એવી મુર્તિમાન કલાનો કશે અર્થ નથી. ઇ. સ. ૧૯૩૬ ની કવિતા માત્ર બુદ્ધિમાનોને જ સ્પર્શી શકે એવી સામગ્રીવાળી હજુ છે. પ્રજા સમસ્તને બળ આપે એવી કવિતા ગાનારા રડયા-ખડયા કોઈ મેઘાણી; નવીનતા વડે તૃપ્ત કરે એવા કોઈ સુંદરમ્, કે પ્રાસાદિક છન્દોબદ્ધતાથી તન્મય બનાવે એવા કોઈ મનસુખલાલ જવલ્લેજ જોવામાં આવે છે. કવિતા જાણે કે જનસમાજથી દૂર પુસ્તક-ગૃહમાં આવી વસી છે.
૩
કેટલીક વાર આપણને કહેવામાં આવે છે કે મહાન કવિએ સર્વ નીતિ તત્વથી દુર રહેવું જેઈએ. એનું એક ધ્યેય જીવનને અનવરત રીતે અને સમગ્ર રીતે જોવાનું અને જેમ છે તેમ તેને રજુ કરવાનું હોવું જોઈએ. કવિનો ઉંચામાં ઉંચો અધિકાર માત્ર કલામય અસર ઉપજાવવાનો જ હોવો જોઈએ. એને મન શુભ અને અશુભ બન્ને સરખાં હોવાં જોઈ એ-એનું કાર્ય બંન્નેને પક્ષપાત વગર-એક બીજા પ્રત્યે સ્હેજ પણ વલણ-વૃત્તિ દાખવ્યા વગર-દર્શાવવાનું હોય. હું માનું છું કે આ મત નાટયાત્મક કવિતાને લાગુ પાડવાનો છે અને આ મત જો કોઈને પણ લાગુ પડી શકે તેમ હોય તો તે નાટયાત્મક કવિતાને.
ત્યારે શું નાટયકારનો ખરેખર હેતુ દરેક પ્રકારના પાત્ર-ઉંચા કે નીચા-ને સરખી રીતે દોરવાનો છે-છંદગી તેની વિવિધતામાં જેવી છે તેવી જ બતાવવાનો છે? પણ જીંદગી પોતે જ શું નીતિના તત્વથી ભરેલી નથી ? એના સારતત્વ અને રચના મૂળભૂત રીતે નીતિથી ભરેલાં નથી ? માનવ-પાત્રની વિચારણાથી શું નિરામય માનસમાં રૂચિ કે અરૂચિ, નૈતિક પ્રશંસા કે નૈતિક વિરક્તિ ઉદ્દભવતી નથી ? અને કવિતા કે જે એજ સારતત્વને નિરૂપે છે તે નૈતિક ન હોવી જોઈએ? નિરૂપેલા પાત્રોની છબી તેને નિરૂપતા કવિહ્યદયમાં અને તેને વિષે વિચાર કરતાં વાચક હ્યદયમાં પ્રેમની કે અરૂચિની સ્વાભાવિક લાગણીઓ ન જગાડે ?
શેક્સપિયર જગતમાં જોવાની મહત્તમ નીતિની ઉંચાઈઓ છુપાવતો નથી તેમ નીચતમ અધમતાઓને હળવી પાડવા મથતો નથી. તે સ્ત્રી અને પુરૂષને છે તેવા ચિત્રીત કરે છે-પણ જુદા જુદા નૈતિક ફેરફારો વડે-એ ઉમદા તત્વ પ્રત્યેની પોતાની પ્રશંસા ખેંચી લેતો નથી અને નીચ તત્વો પ્રત્યેનો પોતાને તિરસ્કાર અને અરૂચિ છુપાવવા મથતો નથી. તેથી જોકે આપણે એમ ન કહી શકીએ કે એ દોષહીન છે-છતાં એનામાં સમગ્ર રીતે એને લઈએ તો એક પ્રકારની સ્વાભાવિક, તંદુરસ્ત, તાજગી દેનારી, આત્માને ઉંચે લઈ જનારી, હવા છે એની આપણાથી ના પાડી શકાય એમ નથી. જીવનની દરેક બાજુ, મનુષ્ય સ્વભાવની દરેક દ્રષ્ટિ, એમાં દ્રઢ રીતે આલેખવામાં આવી છે, પણ ઉંચેરા અને સારા તત્વને એમને સ્વાભાવિક એવું ઉંચું સ્થાન જ આપવામાં આવ્યું છે.
જે નીતિ કવિતાથી અલિપ્ત નાટકમાં પણ રહી નથી શકતી તો પછી કવિતાના અન્ય પ્રકારો જેવાં કે મહાકાવ્ય, ઉર્મિકાવ્ય, પ્રભુભક્તિનાં કાવ્ય વિ. માંથી એ કેવી રીતે અલિપ્ત રહી શકે ? જો કવિતા એ માનવતાના ઉંચ્ચ શિખરોમાંથી ઉદ્ભવતા સ્વચ્છ કુવામાંથી પરિપોષણ પામતી નદી ન હોય પણ માત્ર શહેર અને ગામડાના ગંદવાડને ઘસડી જનારી એક માત્ર પ્રવાહિકા જ હોય તો અલબત્ત સ્વાસ્થ્યની દ્રષ્ટિએ એ પ્રવાહિકા ઉપયોગી હશે પણ બેકન જેને "Participation of diverseness” કહે છે તે તો તેનામાં નથીજ.
જે કવિઓ માનવજાતથી જ્ઞાત એવા ઉચ્ચતમ નૈતિક આદર્શને સ્વીકારતા નથી; તેઓ એમના એ અસ્વીકારના કૃત્યથીજ પોતાની કવિતાને અને પોતાને ઉચ્ચતમ કલાત્મક અસરથી વિદુર રાખે છે. તેથી જેમ આનંદ શેધનારો એ આનંદ મેળવનારો જ નથી તેમ જે માત્ર કલાત્મક અસર ઉપજાવવા મથે છે તે કલાત્મક અસર ઉપજાવવામાં સફળ થઈ શકતો નથી. ઉચ્ચતમ કલા પામવા માટે આપણે કલા ઘડવી જેઈએ. અને તેની પાછળ કોઈ પરમ ધ્યેયને રાખવું જોઈએ. ખરૂં કે કવિતા કોઈ૫ણ ફીલસુફી કે જીવનના કોઈપણ દ્રષ્ટિબિંદુની ગુલામડી થવા સર્જાયેલી નથી. તેમ એ પણ ખરૂં કે એ માનવસ્વભાવમાં જે સહુ ઉચ્ચતમ અને ઉત્તમ છે તેની પડખેજ રહેવામાં ગૌરવ માને છે; અને જે ફીલસુફીમાં કે જીવનના દ્રષ્ટિબિંદુમાં આ તત્વ રહ્યાં છે તેમાં કવિતા તેના સૂક્ષ્મતમ પ્રોત્સાહન મેળવ્યા કરશે.
“સુરેન્દ્ર પંડયા” બી. એ.
૧૯૩૬ની કવિતા
દીપ ઘીનો
(મિશ્રો)
એ સૌમ્ય ને સાત્તિવક તેજભીનો,
મને ગમે કોમલ દીપ ઘીનો. ૨
નમી ગયા રશ્મિ રવિ તણા અને
આકાશથી એાસરી સાંધ્ય-લાલિમા;
એનું મને ના હતું ભાન, આંખો
મીંચી પડ્યો ખુરશીમાં વિચારું,
ને ઊડતું ઉર તરંગના તટે;
ભારે બની પાંપણ ખૂબ થાકથી
કંટાળીને, દ્રવ્ય ઊપાર્જનાર્થે
દોડેલ અંગો પણ સૌ પડયાં હતાં
આરામથી.
ના ધ્યાન મારું, અહિં આવી ક્યારે
ધીમે પદે, ને મુજ પાસ ઊર્મિલા
મૂકી ગઈ કોમલ દીપ ઘીનો.
ઉજાસ જોતાં નયનો ઉઘાડું
ને દીપની નાજુક જ્યોત ભાળું. ૧૬
એ જ્યોતના શુભ્ર પ્રકાશ માંહી
ભિંજાય મારો ગૃહખંડ નાનો.
ઊંચે ચડે પાતળી સેર ધૂપની,
હવામહીં વર્તુલ પારદર્શક
પડે, અને વાયુ મહીં મળીને
અદૃષ્ટ થાતાં, પસરે સુગંધ. ૨૨
ને એ સુગંધ ! નવલી સુગંધ !
એ સ્પર્શતાં અંતરના ઊંડાણથી
ઊડી જતી ગ્લાનિ, અકથ્ય સૌમ્યતા
ની ફુંક આછી ફરકી ગઈ, અને
અંગાંગમાં વ્યાપી રહી પ્રસન્નતા.
ભૂલી ગયો ઉજ્જવળ વીજળીની-
બત્તી, અને વિધુતની ત્વરાથી
વિધુતબળે જીવન જીવતો યુગ.
સરે પડો ગંભીર ભૂતકાળના;
ને આંખ સામે પળમાં સજીવ,
આર્યો તણા ગૌરવનું પવિત્ર
શાન્તિભર્યું જીવનસ્વપ્ન જાગે. ૩૪
પુષ્પો ભર્યાં કાનન; માંહી નર્તતાં
મૃગો; અને ગંભીર ગીત ગાતી
સરસ્વતીનાં ઘનશ્યામ વારિ;
બેસી તટે કૈં ઋષિકન્યકાઓ
ઇંગુદી તેલે લસંતી કલાપ;
રે ત્યાં સૂકાતાં વિટપાવલીએ
ભિંજાયલા વલ્કલ કૈં દ્વિજોનાં.
તેજસ્વી, પુણ્યોજ્જવલ, મંત્રદ્રષ્ટા
મહર્ષિઓ ઉચ્ચરતા ઋચાઓ;
ગુંજી રહેતાં શી ભવ્ય ઘોષથી
મંત્રો તણા; ને ચડતો વિતાને
સુગંધભીનો ધૂપ યજ્ઞકુંડથી
એ દૃશ્ય ઉલ્લાસભર્યા નિહાળું
જ્યાં મુજ સામે ઘૃતદીપ ભાળું. ૪૮
ને સાંભરે મેહક બાલ્યકાળ
જ્યારે મળી ગૌતમ અંજુને હું
પંપાળતાં પ્રેમથી ગાવડીને,
બીતાં બીતાં છેક જતાં નજીક
ને ઝાલતાં એ મદમસ્ત શૃંગો
ધીમે કરી, તેલ ઘસી ઉજાળવા.
ઊભી થતી બા દૂધ દોહી જ્યારે,
ત્યાં થોભતાં હારમહીં જ, પીવા
પ્યાલા લઈને, પય ફીણવાળું.
ગોળી મહીં ઊછળતાં વલોણાં
ને નિત્યનાં ધમ્મરગાન ગાજતાં.
બા છેવટે હોંશભરી ઉતારતી
મીઠું મજાનું નવનીત સ્વચ્છ
ને તાવતી માખણએ તળાઈમાં,
ત્યાં બેસતાં ઉત્સુક નેત્રથી અમે
એ શ્વેતતાને ગળતી નિહાળતાં.
અગ્નિમહીં બા ધૃતધાર રેડતી;
ઉત્સાહમાં અગ્નિશિખા હસીને
એ ઝીલતી સિંચન, ને સુવાસ
ઊડી રહેતી ગૃહખંડખંડે. ૬૮
આવી યુવા; આવી ઉરે પિપાસા
સૌન્દર્યની, ને ભમતો રહ્યો હું
અસ્વસ્થ ને અર્થવિના અંબુજ શો
વિદ્યુતની રોશની શા નિહાળ્યાં
મુખો, ઘડી બે ઘડી આંખ આંજતાં
રંગીન ને માદક રૂપ કેરું
ફૂટી રહ્યું ચોગમ દારૂખાનું.
ને હું ઊભો સ્તબ્ધ, અતૃપ્ત, એકલો
હૈયે નકામા ભડકા જગાવ્યા;
આવી ત્યહાં પ્રેમલ સૌમ્ય ઊર્મિલા
ને સ્નેહભીનું સ્મિત એક વેરી,
લીધું કરે જીવનનું સુકાન.
બેઠાં અમે ત્યાં ધબકંત હૈયે
ઉલ્લાસ-આશામહીં લગ્નવેદીએ,
ત્યારે પુરોહિત રહ્યા જગાવી
વેદીમહીં, મંગલ એ સુવાસ;
ને ઊર્મિલાએ મુજ ઉર પાથર્યો
શીળો, મૃદુ ને નવલો ઉજાસ. ૮૬
એ સૌમ્ય ને સાત્તિવક તેજભીનો
મારે ગૃહે કોમલ દીપ ઘીનો. ૮૮
(‘પ્રસ્થાન’)નાથાલાલ દવે.
એક કારમી કહાણી
(શેષ)
એક કારમી કહાણી
(શેષ)
વને એક ઘેર ગંભીરો આંબલો ને આંબાની ડાળી,
રમે પંખી બાળ ને બાળી.
રહે ત્યાં મીઠડું નિત્ય કલ્લોલતાં નમણાં એકલ મેનાં,
નાજુક જેને પાય છે હીના !
આવ્યાં ત્યાં કોક વનેથી ઊડતા પોપટજી રઢિયાળા,
લીલે વાન કાંઠડે કાળા !
ઊઠી એક દિન સીમાડેથી જળતી ધૂણીના ધૂમની સેરો,
વાઈ તેની વનમાં લ્હેરો !
ડોલ્યો આંબો ને ડોલી ડાળ પશુ ને પંખીઓ ડોલ્યાં !
વેલે વેલે ફૂલડાં ફૂલ્યાં!
નાચી રહ્યા મોર ને, મેના ડાળ છૂપી ઝીણું ટહુકી,
સુણી રહ્યો પોપટ ઝુકી !
ઝીણું ઝીણું ટહુકો મેનાબાઈ તમારે કંઠ છે મીંઠો,
સુણ્યો કે ક્યાંઈ ન દીઠો!
ક્યારે આવ્યા કેમ પોપટજી બોલ તમારો શો રૂપાળો !
આવ્યો હું તો કરવા માળો.
ચાલો પોપટજી ચરીએ સાથ ને માળો કરીએ સાથે.
ગાતાં ગાતાં રૂડી ભાતે !
ના મેનાં બાઈ તમે ગાઓ અમે સળીઓ ભરીશું,
સુણી ગીત થાક હરીશું !
જોયે પિપટજી હાવાં બેસણાં કેવાં કીધલાં વારુ,
આપણ બે બેસવા સારુ.
ભૂલો છો એ શું બોલ્યાં બાઈ, મારી મેનાં પનોતી,
ઓલ્યે વન વાટડી જોતી.
ભૂંડા ફટફટ તું પોપટ આટલી વારે આ શું બોલ્યો?
વચનથી આમ શું ડોલ્યો?
સીમાડે દૂર ઓલ્યા જોગીની કારમી ધૂણી જાગે!
સાચું બોલ એની સાખે !
તમે આગળ હું પાછળ બાઈ! તમે ક્હો તેની સાખે,
બોલું, કોઈ આળ ન ભાખે,
આગળ મેનાં ને પાછળ પોપટ ધૂણીની પાસ જ્યાં પહોંચ્યાં,
ધૂમાડાના ગોટે ગોટા !
જાણે ધરતીનું ફાડી પેટ અંધારના રાફડા હાલ્યા !
મેનાંને ઊડતાં ઝાલ્યાં!
ન કોઈએ ચીસ, ન કોઈએ શબ્દ, ન કોઈએ હાય એ સૂણી!
જરા થઈ તડતડ ધૂણી !
બેભાન ભોંયેથી જાગી પોપટજી જરી આંખ ઉઘાડે,
બળતા બે પાય જ ભાળે.
અલ્યા જાગી તું બેઠો આંહી દેખે કે કૈં દેખે ના !
બળી ગઈ મીઠડી મેનાં ?
હતો હું સાથ, હવે પ્રાશ્ચિત કે શિક્ષા શી લહું હું ?
કેવી રીતે જીવ ધરું હું ?
ભોળા પોપટ, તું કે હું ને મેનામાં કોણ દેખે છે?
સાચી એક ધૂણી ધખે છે?
અહીં કોઈ કોઈ જીવનની જોડ જોડી જગમાં પળે છે !
એકલડું કોઈ બળે છે !
લિયે જ્યાં પ્રેમીઓ નિજને હાથ અધીકડી દુઃખની દિક્ષા,
કરે કોણ કોણને શિક્ષા ?
જાઓ માળે તમારે તમ પોપટજી ઓ રઢિયાળા,
હતા તમ પંથ જ ન્યારા !
ઉડયા ત્યાંથી પોપટજી લીલે વાન ને કાંઠલે કાળા,
છાની ધરી હૈયે જવાળા.
વને એક ઘેર ગંભીર આંબલો ડાળીએ એ આંબાની
બની આવી કારમી ક્હાણી !
(‘પ્રસ્થાન’)શેષ.
અધુરી પ્રણતિ
(‘મંદાક્રાંતા શિખરિણી’)
આલેખું શે કવનપ્રણતિ ? રક્તથી અશ્રુથી, વા ?
કે ઊલેચું સરવરતણાં વારિ આ માપ હીણાં ?
કે રોકું હું જળ ઘનસર્યા વ્યોમનાં વાદળેથી ?
સર્વે ઓછાં: નવ લખી શકું. પ્રાર્થના આ અધુરી.
આલેખું ક્યાં કે અંધારાં કવન મુજ આ વિશ્વના ચોક મધ્યે ?
કે અંધારા મુજહૃદય શાં વિશ્વઅંધાર વ્યોમે ?
ઊલ્લેખું જ્યાં અધિર બનીને તારલા શબ્દથી આ,
ત્યાં તો દીઠા ધરણિ નભના દૂર આશ્લેષ ગાઢા. ૫
ઊર્મિ કેરી ગહન અટવી, શબ્દ એકે સૂજે ના,
નિ:શ્વાસોનાં અસિમ વનમાં ભાવ એકે મળે ના, ૧૦
રેખા તારી નવ ઝિલિ શકે દર્શનાં ભવ્ય તત્ત્વો,
ત્યારે માડી, ક્યમ કરી શકું શબ્દ સ્વસ્તિક હું આ ?
છે જ્યાં નાનાં નભ ધનુ તણાં દિવ્ય આ દ્વાર મોટા,
માડી તારી મઘમઘ થતી કીર્તિના દેહ કાજે.
વાણી કેવી અવચનિયને દિવ્યને સ્વર્ગનાને ? ૧૫
સંકલ્પો શા મનુજ મનના ? શબ્દના સાજ ત્યાં શા ?
કદી મારે હૈયે સ્વપ્ન શુભ તારાં છલબલ્યાં,
અને નેત્રે મારે દગજળ અમોલાં ઉભરિયાં,
કદી નિશ્વાસે મેં સભર અમિક્યારા સુકવિયા
તરંગો ઊર્મિના વહવું શીદ તો ફોગટ બધાં ? ૨૦
(‘ઊર્મિ’)ભાસ્કર દવે.
અનામિકા
(સુંદરજી બેટાઈ)
રંભાપણું ના વિકસાવવું હવે,
મ્હારે ન કોની બનવું હવે પ્રિયા,
દાસી બની પ્રેમ-પ્રયોગ -કૌશલે
સ્વામિત્વ ના કોઈ તણું સ્વીકારવું.
માતૃત્વના આત્મપુનર્વિધાનના
આહ્લાદના મંગલકારી ઓરતા
સરી સરી ઓસરતા બધા દિસે
અજાણ કો અંતર શૂન્યતામાં.
સૌન્દર્યનો કેશકતાપ મ્હારો
કોદી નહીં કો નરનેત્ર ખેંચશે;
સૌભાગ્યનામી કરબંધ કંકણો
કોના નહીં અંતરને રણાવશે.
નહીં નહીં ચન્દ્રક ભાલશોભા
રચે; ન વસ્ત્રો તણી શોભના કલા
કદી ય કોના દિલને કલાવશે.
રતિસ્વરૂપા ગણજો ન કો મ્હને;
શરીરભૃંગો ન સમીપ આવશો;
પ્રશસ્તિ ના પ્રેમતણી સુણાવશો.
(‘ગુજરાત’)સુંદરજી બેટાઈ.
એનાં સ્મરણેમાં
(‘સ્વપ્નસ્થ’)
અહીં તેનાં નાનાં શ્રમિત ચરણો નિત્ય ફરતાં,
અહીં તેના ફિક્કા અધર મૃદુ ઉચ્ચાર કરતા,
નિરાશા ઘેરાં એ કરૂણનયનો મંદ હસતાં,
અને ઊંડાં નાનાં હૃદયમય ભાવો ધડકતા.
મને તેથી આવું વિજન વન એ એક જ ગમ્યું,
કહે જે જે ધીમે પવન મૃદુ એ એ સ્વરગણું,
મને છાયા તેજો જીવન કથતાં એ નયનનું,
બધે એનાં ઊંડાં મૃદુ હૃદય-ભાવો અનુભવું.
ભલે હો ના આ કો’ કુસુમિત નિકુંજો લહરતી,
પ્રકાશે રંગેલાં અનિલવદને હર્ષિત થતી;
છતાં આ સ્થાને એ કરણ સ્મરણો અંકિત થયાં,
સદા તેથી ચાહું જીવનભર આમાં જ વસવા.
(‘પ્રસ્થાન’)‘સ્વપ્નસ્થ.’
અશક્યાકાંક્ષા ?
(ઉમાશંકર જોશી)
મહત્વાકાંક્ષાના વિવિધવરણા મેઘધનુની,
છટા ફેલે ચક્ષુ રિઝવી, પજવી આત્મબળને,
તરે દૃષ્ટિ સામે કણ થકી થયા મેરૂ દ્યુતિના,
પુરે સાક્ષી કૂડી અફર ઈતિહાસે સ્મૃતિ ભરી.
વિશાળે નાનોશો જગફલક ઈસ્કંદર ઘુમ્યો,
અને બાળે વેશે તખતતખતે બાબર રમ્યો;
ખરી વેળાની ગૈ ફરજ બજવી જોન કુમળી,
યુવાનીમાં શામ્યું પણ વિઘનના કીટ્સ-ઉરને.
શ્વસે મારે હૈયે પણ તણખ એ ચેતનતણી,
સરી જે સૃષ્ટિની પ્રથમ પલકે, જે જળચરો,
વનોની સૃષ્ટિને ગિરિગિરિ ભમંતાં પશુગણો,
તણા પ્રાણે વ્હેતી, યુગયુગ ક્રમે વેગથી ધપી,
પ્રકાશી અંતે જે મનુજ રૂપમાં ઉત્ક્રમવતી.
વિકાસીને આગે પ્રગટ બનું પ્રજ્ઞાપુરુષ હું.
( ‘કુમાર’ )ઉમાશંકર જોશી
ઉત્થાન
(: સ્ત્રગ્ધરા :)
સંસ્કારોની સુધાનાં સુભગઝરણને શોધવાને મચેલા
વીરોએ વાયુ ખેડયા, અતલતલ હવાસિંધુના તાગ લીધા;
અદ્રિનાં શૃંગ ખૂદ્યાં ગહન ગિરિવરો ગૌરવે જેર કીધા,
ભૂમિથી અર્ણવોને સમથલ સફરો કાજ સૂહેલા બનાવ્યા.
પૃથ્વીપેટાળ થાપી અલકનગરીઓ, ધાતુકોષો ધકેલ્યા,
સૃષ્ટિનાં સર્વ તત્ત્વો વશ કરી વરતી ગૂઢ લીધાં રહસ્યો;
વિજ્ઞાનોને વધાર્યો, નિતનિત નવલા રિદ્ધિભંડાર ખોલ્યા,
સ્વાપ્નાદર્શોની સિદ્ધિ પ્રકટ લહી મનોભાવને મૂર્ત કીધા.
ઉત્પાદેલાં બળો એ સરજન નવલાં ભવ્ય ઉત્થાન માગે,
નાના ગોળો વટાવી અપરિમિત વિષે ધીર વિસ્તાર સાધે;
પક્ષીનાં, વ્યક્તિઓનાં, જનપદહિતનાં, બંધનો રાષ્ટ્રનાં યે
તોડી-ફોડી-વછોડી પ્રમુદિત પગલે મુક્તસંસાર થાપે.
શાસ્ત્રો ક્યાં ? અસ્ત્ર છૂપ્યાં, વિપદવિષમનાં સૈન્યનાં સૈન્ય થંભ્યાં,
પોઢેલા પ્રાણ જાગ્યા, પરિમલ પ્રગટ્યા, માનવીભાવ મહેક્યા.
(‘કુમાર’)રામપ્રસાદ શુકલ.
કશ્મીરા નાચી રહી
(ત્રિભુવન વ્યાસ)
ગિરિચરણેથી ધરતી ઉપર, સરતી સરતી સ્હેલ કરે
રેલમછેલ કરંતી જેલમ, સુંદરતાની હેલ ભરે
રસમય ધરણી રાજી રહી, શ્રી કશ્મીરા નાચીરહી !
જળ જળ જળમય ભર્યું ધરાતલ, ઝરણાં ગિરિવર સતત ઝરે
ખળ ખળ ખળ રવ ઘરર ઘરરરવ, અવનિ ને આકાશ ભરે
ગિરિવર માળ વિરાજી રહી, શ્રી કશ્મીરા નાચી રહી !
વસુધા મધુરી સુધા છલકતી, શૈલ ગગનતલ ચૂમી રહ્યા
ઠામ ઠામ સૌંદર્યદેવીની, હૃદયંગમ અતિ મધુર અહા !
વીણા અજબ વાજી રહી, શ્રી કશ્મીરા નાચી રહી !
ધોધમાર ધસમસતાં ઉજળાં, ઉછળે હિમજળ અનહદ જ્યાં !
પહાડનાં શિર પીગળી પીગળી, વહેતાં ચોગમ જનપદમાં,
ઉષ્મા અહીંથી નાસી રહી, શ્રી કશ્મીરા નાચી રહી!
ઉભા નભમંડલને ઘેરી, ઉન્નત ભવ્ય પ્રચંડ-સુધીર
ભારતના પ્રતિહાર સરીખા, હિમગિરિ શોભે ધવલ શરીર
ગંભીરતા ગાજી રહી, શ્રી કશ્મીરા નાચી રહી !
બ્હેકે ભરચક કુસુમે ખીલ્યા, નંદનવન શા મનહર બાગ
નૈક ફુઆરા બહુમુખ ધારા, ઉછાળતા જલશિકર વિભાગ
સ્વર્ગછટા છાજી રહી, શ્રી કશ્મીરા નાચી રહી !
કાંચનતખ્તસમી તન કાંતિ, સુંદર ચટક ગુલાબી ગાલ
ઘેરી શ્યામલ કુંતલ ચંચલ, અલકલટો શી રમતી ભાલ
સુંદરીઓ રૂપરાશિ મહીં, શ્રી કશ્મીરા નાચી રહી !
દેવદારૂથી ડુંગર લીલા, ધરતી લીલી ડાંગરથી
ઉપવન લીલાં મૃદુલ ઘાસની, મખમલ સરખી ચાદરથી
આદર દિલના યાચી રહી, શ્રી કશ્મીરા નાચી રહી !
તરુ-સૈનિકશાં પોપલરોની, ગગન પ્રલંબિત સરલ છટા
ગાઢી શીતલ ચિનારની શુભ, નયન મનોહર પથતરુઘટા
વનરાજી અહીં લાજી રહી, શ્રી કશ્મીરા નાચી રહી !
વાદળનાં દળ ઉમટી ધવલાં, પર્વતની પાછળ નીકળે
શું ગિરિપાળે ક્ષીરસિંધુનાં, પ્રચંડ એ મોજાં ઉછળે ?
રમણીયતા રાચી રહી, શ્રી કશ્મીરા નાચી રહી !
ખભેખભાને ઠેલી ઉભા, પ્રપિતા હિમગિરિના પૌત્રો
યુગ યુગની ઉથલપાથલનાં, ગાતા ઘોર સ્વરે સૂત્રો
કો ગહનતા ગાજી રહી, શ્રી કશ્મીરા નાચી રહી !
ધરા લસંતી જળ લક્ષ્મીથી, જળ વિલસંતાં કમળોથી
કમળો ઘેર્યાં નવનવ કુસુમે, રમ્ય ગુલાબ ખીલ્યાં સૌથી
પ્રસરી સૌરભ તાજી રહી, શ્રી કશ્મીરા નાચી રહી !
ચાંદની સરતી છલતાં સરપર, ઉંડી ખીણે તિમિર સરે
પર્વતપર વાદળદળ સરતાં, ચપળા શી ચમકાર કરે !
ઘોર ચઢી ધનરાજીમહીં, શ્રી કશ્મીરા નાચી રહી !
હિમથી શ્વેત અને હરિયાળો, પ્રદેશ શ્યામલ શૈલ વિષે
સ્ફટિક-નિલમ-વૈદૂર્ય ખચિતશો, ભારત માનો મુકુટ દિસે !
પ્રભા દિગંત પ્રકાશી રહી, શ્રી કશ્મીરા નાચી રહી !
સંધ્યાને ગિરિપર પશ્ચિમમાં, પ્રતિદિન નવલા રંગ ચડે
અને ઉષાને અભિનવ સ્વાંગો, અદ્દભુત દિવ્ય પ્રકાશ વડે-
સજાવતી પ્રાસી રહી, શ્રી કશ્મીરા નાચી રહી !
જળદેવી શી ચિનાબ જેલમ, જળના બહુ ભંડાર ભરે
અનિલ અનેરા શીતળ બલપ્રદ, સ્થળ સ્થળ હિમઅંબાર કરે
હિમધવલા પ્રતિમા શી થઈ, શ્રી કશ્મીરા નાચી રહી !
ઝાડપ્હાડ ને ઝરા મનોહર, સરિતા સરવર સભર ભર્યા
પુષ્યે છાયાં લીલાં ઉપવન, હિમ નિરખીને નયન ઠર્યો
કુદરત નિત્ય નવાજી રહી, શ્રી કશ્મીરા નાચી રહી !
(‘સૌરાષ્ટ્ર શિક્ષક’)ત્રિભુવન વ્યાસ.
કંસારાનો કોયડો
(: રાગ–ધીરાની કાફી:)
કાળજડામાં સાંધા રે
સાંધા કોઈ સીવી દિયો હોજી!
આતશના અજવાળા રે
આતમથી કો ઓળખો હોજી !
ઘટઘટના આ ઘટમાં ૫
ભેંકારી અંજવાશ,
ત્રિભુવન તમસે ભર્યું
તયેં પ્રગટયો તું અંબાર
ભેંકારોના ભેદુને
આતશમાં ન ઓળખ્યો હોજી ! ૧૦
પોલાણોમાં પ્રેમની
તેં ચેતાવી ચીનગાર,
ધખાવી ધમતો રહ્યો
એ ધમણોથી ય ઢેખાર
ભુવનોના ભંગારો રે ૧૫
અગની ઓજે ઓરવ્યા હોજી ! .
એકમ રસની દેગમાં
તું ઉકળ્યો અપરંપાર,
ઢાળ રચીને ઢીમના
તું સૂક્ષ્મ થયો સાકાર; ૨૦
કણકણમાં યે કોર્યો રે !
એ કંસારાનો કોયડો હોજી !
ભવભવની ભઠ્ઠીઉ ચણી
એણે સળગાવ્યો અંગાર,
તાવણ માંડી તાવિયે ૨૫
એણે આતમનો રસ ભાર;
ત્રિભુવનને તારે રે !
જ્યોતિ તો જાપો જપે હોજી !
આભે કોટી કોડિયાં
વચ્ચે સૂરજની સગવાટ ૩૦
મ્હારે આતમ-શે’રે માંડિયો
મ્હેં અજર અભેદ્યનો પાટ;
અક્ષર સાયર આવ્યે રે !
ત્રાપો તરે તોરથી હોજી !
ત્રાપાએ તુંબી લઈ ૩૫
બેઠો જીવનસંતનો સંઘ
આવ્યા ‘ઓહમ્’ના ધણી
મ્હારાં ભર્યાં ઓજસે અંગ;
ઠાલામાં ઠેરાણો રે !
જીવતરનાં વાસણ વસ્યાં હોજી !
(‘ઊર્મિ’)સુધાંશુ
કવિનાં કુસુમે
(ગુલાબદાસ બ્રોકર)
કવિશ્રીએ કાવ્ય ઘણાં બનાવ્યાં
કો પુષ્પની સૌરભ સ્નિગ્ધ જેવાં,
ને અંતમાં કોઈ પ્રિયા રિઝાવા
રચ્યું પ્રિયા કાજ મધુર કાવ્ય.
તે કાવ્યની પ્રાણ બની પ્રિયા જે
સૌન્દર્ય તેને અદકું વર્યું’તું,
જે વાણી જે કાવ્ય મહીં જ શક્ય
તે વાણીથી વર્ણન રૂપકેરું
પ્રિયાતણા, તે કવિએ કર્યું’તું.
એ રૂપરાજ્ઞી સમીપે કવિશ્રી
ધરી શકે શો ઉપહાર રમ્ય
સિવાય કે પુષ્પ તણાં જૂથોને
ગૂંથી ધરે કાવ્ય મહીં અનેરા ?
ગુલાબ લીધું, બટમોગરો, ને
ચંપો, ચમેલી, જુઈ, મોગરો, ને
ડોલે પ્રિયા સૌરભ જેની લેતાં
તેવું ભર્યું ડોલર કાવ્યમાંહે.
અને બીજાં અન્ય અસંખ્ય પુષ્પો
જેનાં નહીં નામ કદા હું જાણું
તવાં બધાં કાવ્યમહીં કવિએ
ભરી, પ્રિયાને ઉપહાર આપે.
ને અંતમાં ‘આ ઉપહારનો શો
રહ્યો પ્રિયે ! અર્થ તમે કદાપિ
આ પ્રેમીને અંતર જો ન આપો,
જેનું વહે અંતર આપ મોટી?’
એવું લખ્યું કૈંક અને પ્રિયાની
કને જઈ કાવ્ય દીધું સ્વહસ્તે.
એ વાંચી સૌંદર્ય વધે પ્રિયાનું
ઓષ્ટે રમી ર્ હે સ્મિત એક છાનું.
અસંખ્ય પુષ્પો વનરાજિ મધ્યે
ખીલી રહ્યાં, જેમ સુરમ્ય ઓષ્ટે
આછાં સ્મિતો કો નવયૌવનાનાં,
વસંતની કોઈ પ્રભાતવેળા.
એ પુષ્પની સુંદરતા ભુલાવે
સૈાન્દર્ય એવું નિજમાં ભર્યું’તું,
એવી પ્રિયા ને કવિ તે રસજ્ઞ,
ત્યાં એકદા તે સ્થળમાંહીં આવ્યાં.
‘પ્રિયે! હશે સુંદર તું વધુ કે
નિસર્ગની સુંદરતા બધી આ ?’
વદી, પ્રિયાના મુખને નિહાળે
ગુલાબનાં પુષ્પ રમી રહે ત્યાં,
હતું ત્યંહીં સુંદર એક પુષ્પ
એ પુષ્પના ગુચ્છમહીં પડેલું.
ઔત્સુક્યથી તે સહસા ઉપાડયું
અને ધર્યું તે કવિનેન સામે.
‘નિસર્ગની સૌરભથી ભરેલ
આ પુષ્પનું નામ નહીં હું જાણું
કહો, વસે એ તમ કાવ્યદેશે,
વદી, પ્રિયા એ કવિને નિહાળે.
‘એ પુષ્પનું નામ હું યે ન જાણું.’
‘ને આ?’ પ્રિયા પુષ્પ બીજું બતાવે.
‘નહીં’,’ન આ?” ના, નહિ એય જાણું,’
આશ્ચર્યમુગ્ધા બની તે રહે ત્યાં.
‘તમે લખો કાવ્ય નિસર્ગકેરાં
પુષ્પો થકી એ સઘળાં ભરેલાં
ને પુષ્પને ઓળખી યે શકો ના ? ’
પૂછે પ્રિયા વિસ્મિત ચારુ નેત્રે.
માધુર્ય જે શબ્દ ભરે બીજાનાં
કાવ્યોમહીં, શબ્દ જ તે ગ્રહીને
માધુર્ય માટે અમ કાવ્યકેરાં
અમે અમારાં પદમાં સુહાવીએ.
સંબંધ એ શબ્દ અને પદાર્થનો
જાણ્યે પ્રિયે ! લાભ કશો થવાનો ?
‘શું એમ? એ કાવ્ય સુશોભનાર્થ
વદી ગયા નામપરંપરાઓ
પુષ્પોની, ને એ ઉપહાર આપ્યો
તમે પ્રિયાને ? બસ, એજ જ્ઞાન ?
કાવ્યો મહીં શબ્દ તણી મીઠાશ
રહે, શું એ માટ જ પ્રેમ વ્હાવો?
ને જેમ જાણો નહિ પુષ્પ જોતાં
શું તેમ ના પ્રેમ કદા પિછાનો ?
પુષ્પો ધરો કિન્તુ ન પુષ્પ જાણો
તે પ્રેમને પ્રેમરૂપે પિછાનો ?
એ પ્રેમ તો કાવ્ય સુશોભનાર્થ,
પ્રિયા ઉરે એ ઝીલેવો ન શક્ય.
“ ઉરો પ્રવાહી કરી પ્રેમકેરી
નદી વહાવું પ્રિય પાત્ર માટે”
એ સર્વમાં શબ્દ તણી મીઠાશ,
ભલે હશે કાવ્ય, ન પ્રેમ કિન્તુ.
વદી, બની ક્રુદ્ધ, સુરૂપ બાલા
વહી ગઈ ત્યાં કવિને મૂકીને,
ને એકલો તે કુસુમો નિહાળે
પ્રભાતમાં ત્યાં કુસુમે હસી ર્ હે.
ગુલાબદાસ બ્રોકર.
ક્રમ કો અનાદિ
(: વસંતતિલકા:)
આંબા તણી સુરભિ ફોરતી મંજરીનાં
છૂપાઈને મધુર કોકિલ કૈં કુહૂકે;
ને કંઠથી, ઋતુ-વસંત-મદે સ્ત્રવે છે
બેફામ, મત્ત, કુહુકાવલિ અસ્ખલત.
પીવા ગએલ જળ પાળ તળાવ કેરી,
જાળે ફસાઈ તફડે દઈ ચીસ હોલું;
ચિત્કાર આર્ત કરતું અહીં સખ્ત દાબ્યું
પારેવડું કળકળે શકરા—નહોરે.
હોલાં કબૂતર તણી સહુ જિંદગાની
કેરી હરેક ક્ષણમાં પડછાંય-બાજ;
પ્રત્યેક કોકિલ-વિરામ-પલે અનેક
ચીસી તીણી ઉઠી શમે; ક્રમ કો અનાદિ.
તું યે ભલે કવિ ! લવે મૃદુ પ્રેમકાવ્યો,
હર્ષસ્વરો તળ ડુબ્યા જગ આર્તનાદો.
(‘કુમાર’)તનસુખ ભટ્ટ
ચંડોળને
(: મિશ્રોપજાતિ: પૃથ્વી :)
ચંડોળ ! તારી સ્વસ્પાદ-પંક્તિ
ધરી જગે તું, નભયાત્રી થાતો;
આકાશની સોનલ પંથ–દડીને
પલોટતે, અંતરગાન રેલતો:
ધપી રહ્યા આગળ વ્યોમ-પંથ જે,
તે માટ તું ચિંધત માર્ગ પાંખથી
જણાય ના તું અમને, તથાપિ
દોરી રહે દૃષ્ટિની દિવ્ય દોરે;
તારો પડ્યો પંથ અનંત ઉચ્ચશો !
શાને છતાં ચક્ષુ ખુંપે ભુમિપે ?
અખૂટ સૌન્દર્ય મધૂર પ્રીતિ,
કેરી કરે હેલ સ્વનેત્ર દ્વારથી ?
‘ઘુમી ગગનમાં અને નજર રાખવી પૃથ્વીમાં: ’
કવિ ! જીવન ઉચ્ચનો વિશદ મર્મ ઝીલી રહુ.
(‘ઊર્મિ’)મોહિનીચંદ્ર
જૂનાં પગરખાં
[શિખરિણી]
ફગાવ્યાં ગુસ્સામાં સડકપર જૂનાં પગરખાં,
હુલાવી ફૂલાવી જગત કર્યું જેનું વરસદિ’:
નવાં લેવા ન્હોતું મન ન થતું જૂનાં નિરખીને
નવાંને મોહાસ્ત્રે જીવન કર્યું જૂનું રઝળતું !
ખિજાઈને નાની કુસુમ રડી ‘મારે નવ ખપે
જૂની ચુંથાએલી ચુંદડી; લઈ આપો અબઘડી
નવી,’ ત્યાં બા બોલી ‘જુની કશુંય જાણે ન કરવું,
પથારીમાં આખું વરસ રહી માંહી વહુ; ગગા !’
ગયો હું કંટાળી નિરખી જુનવાણી પગરખાં,
બચુડી યે જુની ચુંદડી થકી ત્રાસી ગઈ હવે,
નહિ બાને જૂની વહુ તણી પથારી પરવડે,
નવી વસ્તુ માટે અધીર બની બેઠાં સહુ અમે !
અમે અંધારાનાં વતની વિજળીચાપ નિરખી,
ભુલી બેઠાં તારાસૂરજશશિની જીવનગતિ.
(‘કૌમુદી’)ઇન્દુલાલ ગાંધી
જાની દોસ્ત
(ગૌતમ)
બહુએ મિત્ર શેરીના મળ્યા ને ચાલતા થયા,
પરંતુ તું સમો ભેરૂ મળ્યો ના હજુ અન્ય કો.
મળ્યો તું સાંજના જે દિ’ ઓળખીને ઉદાર દિલ,
અહર્નિશ સાથે ર્ હેવાને પ્રેમનાં પારખાં દિધાં,
ભૂલથી ગાંધીને હાટે જૈ ચડયો તોય ના ગમ્યું,
ફરી તું દોડતો આવ્યો ઝાલ્યો હાથ વિયોગથી,
અંધારે મેં દગો દેવા યત્નો કીધા ગણાય તે,
કરી સૌ માફ તેં મારા પ્રેમને પાઠ શિખવ્યો.
ઉર્વશી પ્રેમ ના જાણે, ના જાણે એ શકુન્તલા,
પ્રેમને પેખતું હૈયું તે ખોટા રૂપિયા જ તું!
(‘ઊર્મિ’)ગૌતમ
ચંદ્રા
(પ્રેમશંકર હ. ભટ્ટ)
ને સૌ એનાં કમળમુખને ચૂમવા રોજ રાત્રે
નાનાં-મોટાં, રૂપ—કુરૂપ કે વર્ણના ભેદ ભૂલી,
આવે ને એ સ્મિતકુસુમના સ્વસ્તિકો ચારું વેરી,
રહેતી હૈયે થનગન થતી ઊર્મિમાળા અનંત
વ્હીલાવીને, પળ પળ સહી વેદના કો અકથ્ય. ૫
જીવનપંક મલીન મહીં તનુ
ડુબવી શોધતી શું રસપોયણી ?
જગતનાં ઘનઘોર તમો મહીં
ભટકતી કયું તેજ નિહાળવા ? ૯
રૂપજીવા હતી તો યે જન્મો જન્મ તણો સખા
ઝંખતી ઝંખનામૂર્તિ બનીને ચિત્તશૂન્ય એ,
કોની રાહે ધરી શ્રદ્ધા ભાવિ જેવું અગોચર
વાંચતી વ્યોમનું હૈયું તેને ન્યાળી પળેપળ ? ૧૩
હશે જ શાં મન્થનની પ્રચંડ
ઝડી ઝિંકાતી ઉરમાંહી એનાં ?
હશે જ વા કો સ્મૃતિપુષ્પ પૂર્વનું
મ્હોર તું ત્યાં શત્ શત્ મૃદુ પાંખડીએ પ્રફુલ્લ ? ૧૭
સૌભાગ્ય એનું નયને ય ન્યાળવા
મયંકને ના ભવયોમ કેરાં?
ને ઝીલતાં હાસ્ય સુમંદ એનું
બહાવવી ના ભરતી કદી ય ? ૨૧
ને એની કામના કેરાં મંગળ પૌરુષ ભર્યો
દેવદાસ ઉભો આવી ગોહે તે દિ અચાનક;
ઊગ્યા ઉઠી અંકુર સૌ અપૂર્ણ
પ્રગાઢ એને ઉર વૃત્તિ કેરા;
અને મૃદુભાર સહી લજામણી
લજ્જાઈ ઊઠી સહસા જ આપથી.
અંધારું ચીંધવા કાજે લિસોટો ક્ષણ તેજનો
સળકી આથમ્યો ત્યારે સ્થિતિ સમજી સત્ય તે.
ને તે પછી જીવનવાદ્ય કેરો
તંતુ બન્યો એ, સ્વર સુપ્ત ઉરના
બન્યા અધીરા રણકાર વ્હાવવા !
અંગાંગમાં ચેતનમંજરી ધરી,
વસંતનો વૈભવ મુગ્ધભાવે
ફૂલી ફાલી ચહે અર્ધ્ય અર્પના જ ચિરંતન. ૩૫
ને એ ?
એ તો એનાં ઉરઉરધિનો વાડવાગ્નિ અબૂઝ
હૈયા કેરા પ્રણયરસથી અન્યના, ભાવશૂન્ય.
આવ્યોતો ઠારવા કાજે ચંદ્રા પાસે અચાનક. ૩૮
સંતાપના ડુંગર શી શિરે પડયા
પ્રચંડ કે વીજઝીલેલ વૃત્ત શું,
ઘડીકમાં પલ્લવ પુષ્પ હીણું
શોષાઈ તૂટ્યું તન એ પ્રફુલ્લ ?
ને સ્વચ્છ એ જીવનજાન્હવી જળ
ડહોળાયલાં મ્લાન બની દીસે ક્યમ ?
શેં નિર્જળી નેનકળા મહીં ઉંડે
ભર્યાં દીસે દુઃખ, વિષાદ, મ્લાનતા ? ૪૬
એવા તે શા ય ઓથારે ભીંસાયું ઉર એહનું
કે ધા નાખતો મૂક જીવે જીવ્યાંમૂવાં સમું ?
હતાં સ્વજન કોઇના ? નહિ ભવાબ્ધિમાં મંગિની
બની પથ તરાવવા હૃદય પ્રેમભીનું મળ્યું ?
હતું જ નવ કોઈ કે સઢસુકાન હીણું રહે
વિદીર્ણ ઉરનાવ એનું ડુબતાં સુધી આથડી ? ૫૨
જીવનવ્યોમ મહીં ઘનઘોર યે
પરમ મંગલ તેજ પ્રસરતી,
યુગયુગોતરની સખિ-સંગિની
હતી; છતાં ક્યમ ઈન્દુકલા સમી
ક્ષણ ઉગી ગઈ આથમી પાર્વતી ? ૫૭
મૃત્યુની આંધીમાં ડૂબે અનેકાનેક તો પછી
ડૂબે એકાદ તો તેનો કરે કોઈ શું ઓરતો ?
મૃદુલ ના તનવેલડી શૂન્યમાં
ભળી હતી પ્રિય પારુ તણી છતાં,
ઊગીને આથમી આભે દેવદાસ તણાં સદા. ૬૨
સદેહા કરુણા જેવી પળી પારૂ પરગૃહે
તે દેખી દાષતું એનું ભગ્ન હૈયું સનાતન.
ને જીંદગીનો પથ દીઈ કાપતાં
પડી, ખડી; શેષ રહેલ એનાં
વ્હિલાયલાં જીવનની મૃદુતા
પરે ધરીને ડગ શૂન્યભાવે,
ધિક્કાર, ઘૃણા, છળને કટુતા
તણો ધરી બોજ, રૂપાજીવાનો
ઋણાનુબંધને બેઠો પ્રણાધિક પિયુ બની. ૭૧
નિગૂઢ જે નીંગળતા વ્રણો પડયા
અનેક, હૈયે મૃદુ દેવદાસના;
ચંદ્રા ચહે જીવનધન્ય માની
રુઝાવવા આતમધાર રેલી;
તો યે એનું હૃદય સ્મૃતિમાં અન્યની લુબ્ધ દીસે. ૭૬
ભૂતકાળ તણું પીવા અલભ્ય ઝાંઝવાજળ
ધીમે ધીમે બને એ તો જિંદગી રણમાં મૃગ.
કથા આ જાણતી તો યે હૈયે ભર્યો છલોછલ
પ્રેમામૃતે સહે ચંદ્રા તપ્ત રણો રસાળવા.
વિનવી ભાવ વડે મૂઠ એ રહે;
‘હૃદયમંદિરમાં વસજો, પૂજું
પુનિત મૂર્તિ સમાન ગણી’ :-તદા
‘નવ હું જે નિરખો નજરે તમે’
ઉચરતો સત ગૂઢ સનાતન
નાદેથી ભવ્ય એનાં હૃદયતલ થકી ઊઠતા, દેવદાસ ૮૬
તો યે તે ઘેલુડી ચંદ્રા વહાવી ઉરથી સુધા
તોષવા આરજૂ એની ગણે ના અવહેલના.
પરંતુ જે વજ્જરઘા વિધાત્રી
ઝીંકે સદા અંતરમાં અદીઠ,
સીંચે કદી સ્નેહ અખંડ તો ય
પ્રયત્નથી માનવના રુઝાય ?
વંટોળમાં કાળ તણા ભયંકર
જતા ઉડી ડુંગર: સિંધુ ને યુગો
મૂક્યા વિના જ્યાં અવશેષ એમના
કેવી રીતે ટકે ત્યાં ચરણ લથડતાં, માનવી રાંક કેરાં ? ૯૬
અહી વ્રણ નિગૂઢની પીઠ અસહ્ય એનું તનુ
પળે પળ વ્હિલાઈને તિમિરશૂન્યમાંહી ભળે
છતાં નયન ઝંખતાં દરસ એક પારુ તણા;
પ્રિયા હૃદયમાંહી જે યુગયુગાંતરોથી રમી
રહી; વળી રચાઈ જે જીવન અન્યશી એહનાં-
પ્રિયા–પ્રિયતમા–પવિત્ર ઉરમૂર્તિ શી પાર્વતી ! ૧૦૨
અને ટમટમી રહ્યો જીવનદીપ એ જાળવી,
‘ભૂલીશ નવ કોદિ હું’ વચન વેદના નીતર્યાં
વિદાય વખતે વદી; પથ પળ્યો અને ભગ્નશી
કરુણ નજરે રહે યુગ અનન્ત શો પંથ એ
નિહાળી, ઉરભાવને શબદદેહ આપ્યા વિના
વદી ઘણું ય, સ્થાન જો હૃદયમાં મળે તેટલું !’ ૧૦૮
અને અધવચે જ એ,
પળ્યો પંથ અજાણ કો;
અજાણ પથ જ્યાં જઈ, નહિ જ કોઈ પાછું ફરે.
અચાનક શું આવશે જ્યમ સ્વયં હતો એકદા
ઉભેલ ઉરપાસ જે યુગ અનેકથી ઝંખતું
પ્રમુગ્ધ: કદિ આરજૂ પૂરણ એની થાશે અને
પ્રફુલ્લ પ્રિયદર્શને ઉરપરાગ મ્હોરેલ તે
પદે પ્રણયઅર્ધ્ય અર્પી ફરી ધન્ય થાશે હવે ?
[‘કૌમુદી’]પ્રેમશંકર હ. ભટ્ટ
પાર્વતી
(મનઃસુખલાલ ઝવેરી)
સૂતેલા મુજ હૈયાના જગાડે કોણ તારને ?
અને કોણ બહાવે છે ત્યાંથી સ્વરની ધારને ? ૨
સીતા હશે એ करुणस्य मूर्ति ? વા
તપસ્વિની એ શું હશે શકુન્તલા ?
હશે શું વા એ પિનિલોપ ગ્રીસની ?
વા એ હશે કુમુદ સંસ્કૃતિસત્ત્વ જેવી ! ૬
અથવા ડેસ્ડિમોનાના આર્ય હૈયે સ્ત્રવી રહ્યો
સનાતન હશે પુણ્ય પાવન સ્રોત મૌગ્ધ્યનો ? ૮
નથી કશું; એ નહિ કોઈ મારાં
આજે ઉખેળે ઉરનાં પડોને;
ન આજ તેને સ્મૃતિસ્પર્શ, મારો
ગુંજી રહે અન્તરએક તારો. ૧૨
દેવી કે દેવજાતા વા વાદળોમાં વિરાજતી
સુન્દરી કોઈ ના મારે વસી આજ ઉરે રહી
પરંતુ આ અન્તરમાંહિ મારા
ગાથા રમે આજ ગરીબ કેરી.
કલ્યાણિની; કામણ મેં ધરાનાં
જેથી લહ્યાં સ્વર્ગ થકી અનોખાં.
પૃથ્વીને જડ હૈયે યે કવિતા આવી જો સ્ફુરે
તો કોના ઉરમાં જૂઠી ઝંખના સ્વર્ગની રમે ? ૨૦
સ્વર્ગે સદા પ્રેમતણી પ્રસન્નતા,
ગીતો સદા જીવનની વસન્તનાં,
સંતૃપ્તિનું સંતત ધામ એ તો,
પ્રદેશ એ કેવળ પૂર્ણતાનો. ૨૪
કલ્પવૃક્ષ તળે શેણે સંભવે ઓરતા તહીં ?
ને તેથી સંભવે શેણે કવિતા તુજ પાર્વતી ? ૨૬
મનોરથો જ્યાં ઉઠતાં વિરામે,
ના આરજૂ જ્યાં કદિ ચિત્ત જાણે,
ત્યાં સંભવે કેમ જ કાવ્ય તારું,
સ્વપ્નો તણા સંતત સર્જનોનું. ૩૦
પંકમાં પોયણી જેવી જન્મી ગેહે ગરીબના
ભણ્યા વિણ વણી દીધી જીવનને ભવ્ય તેં કલા ! ૩૨
શબ્દમાં ન સરી તારી ભાવના ઉર મુગ્ધની,
તો યે કાલ જતાં ત્યાંથી મ્હોરી કવિતમંજરી. ૩૪
રંગો ગ્રહી યૌવનની ઉષાના
તેં ચીતર્યું ચિત્ર હશે રૂપાળું,
નવા જ ભાવે ઉર મુગ્ધ કેરા,
ગુંજ્યું હશે જીવનગીત ન્યારુ. ૩૮
ગીત તે સંભળાવ્યું યે હશે તેં દેવદાસને,
રોપીને સુખનું શીળું સ્વપ્ન તેને ય અન્તરે. ૪૦
સંચી રહી તું સુખસ્વપ્ન, મુગ્ધ ઓ !
શા ભાવથી અન્તરનાં દળોમાં ?
ને શા પ્રયત્ને પમરાવવા તે
મથી રહી તું જગજંગલોમાં ? ૪૪
જગતની સહી તેં અવહેલના,
કટુ સહ્યા વ્રણ તેં જગવેણના;
ચહુ દિશે ચડી આંધી વિરોધની,
પણ ડગી નહિ નિશ્ચયપાંખડી. ૪૮
તે ડગી, ડગતાં હૈયું નબળું દેવદાસનું;
લોપાયું મિત્ર તારું ને ગીત તારું ડૂબી ગયું. ૫૦
અને પરાયાં ઘરમાં પળી તું
સ્વમાનની જ્યોતિ અખંડ સંચી;
અને રસસ્વપ્નની ભસ્મમાંગી
સર્જી રહી તું તપ કેરું સ્વપ્ન. ૫૪
એ સ્વપ્નનાં સર્જનકાર્યમાંથી
ભાંગલ્ય મ્હોર્યું ઉરના વિષાદમાં;
નૈરાશ્યની નિર્મલ ભવ્યતા ધરી,
તપસ્વિની તું જગમાં બની રહી. ૫૮
ને આત્મની સૌરભ તું બહાવતી
ફોરી રહી કો કુલમાધવી શી;
પૃથ્વી પરે પ્રેમની પૂર્ણિમાના
તું પાથરી પુણ્ય પ્રકાશને રહી. ૬૨
ને છતાં પૂર્વનાં આપ્યાલીધાં અન્તરની કથા
સ્મૃતિનાં પુષ્પ રૂપે યે અન્તરે સાચવી રહી. ૬૪
દિનના દિન ચાલ્યા ને વીતી કૈં રજની ગઈ,
વર્ષોનાં વર્ષ વીત્યાં ને યુગ જાણે ગયો ફરી. ૬૬
દેવદાસતણું ‘પારુ’ લાડિલી તું મટી ગઈ,
અને નખશિખાન્તે તું “પાર્વતીમાં’ બની રહી. ૬૮
ન તોય તારું સ્મૃતિપુષ્પ સ્નેહનું
વ્હિલાયું અન્તસ્તપને અખંડ એ;
ઉદાત્ત તારા ઉરકાવ્યના રસે
તું જાળવી એની રહી કુમાશને. ૭૨
“કહ્યું છે દેવદાસે, તો એકદા આવશે જ એ’
શ્રદ્ધાથી સબળી સેવી નિરખી રહી વાટને. ૭૪
અને યદા આખર આવિયો તે,
સન્ધ્યા તણી અન્તિમ રેખ તેનાં
સૂનાં સૂનાં જીવનઆભ માંહે
વ્હિલાતી’તી મૃત્યુ તણા તમિસ્ત્રે. ૭૮
ને હતો જગના લોકે ‘હતભાગ્ય, અસંયમી,
પાપિષ્ઠ’ કહીને એને વગોવ્યો ને વિછાડિયો. ૮૦
છતાં ય તેં જીવનભેર પેલું
સંચેલ તારું ધર્યું પુષ્પ એને;
ને એહની આથમતી કલાને
દીધી રસી તેં કુમળાં કવિત્વે.
દેવદાસ ગયો ડૂબી શૂન્ય સિંધુ અનંતમાં
અને જીવનના તું યે ડૂબી ગૈ અન્ધકારમાં. ૮૬
અન્ધકારે ય આશાની નિહાળી તેં પ્રભા કશી?
કે ફરી સ્વપ્નભસ્મેથી સ્વપ્ન બીજું ઘડી રહી ? ૮૮
સ્વપ્નની ભસ્મથી સ્વપ્નો નવાં તુ પ્રગટાવતી,
ભવ્ય કો સ્વપ્નશાં તારાં કરી જીવન રહી. ૯૦
નમું જીવન કેરી એ કલાને તુજ, પાર્વતી !
કલા-જે પૃથ્વીહૈયે યે કવિતા પમરાવતી.
(‘કૌમુદી’)મનઃસુખલાલ ઝવેરી
તદા પ્રકટજો નિશા !
(: પૃથ્વી:)
નિશા! રજની સુંદરી! તવ વિરાટ આ શ્યામલા
સુરમ્ય મૃદુ સાળુને અનિલ લ્હેરતે પાલવે
વીંઝ્યું જગત જંપિયું સુખદ શાન્ત નિદ્રા મહીં,
સમગ્ર દુ:ખ ખેદનાં જીવન ડારતાં બંધનો
ભૂલી ક્ષણ, ઉરે ધરી સ્વપ્નમાલ્ય શી મોહના
ભવિષ્ય અણજાણની, સુખદ ભૂત સૃષ્ટિતણી
નશા! જગત પોઢિયું તવ કૃપા ભર્યું, કેમ ના
જરા મુજ ગરીબપે તવ ઉદારતા દાખવે?
નહિ–! ઉર ન વાંછતું, મુખ ભલે ચહે એ કૃપા;
યદા જીવનધૂપના મધુ સુગંધગંધે ઉરો
સમગ્ર જગનાં સુવાસિત કરી જ, દુર્ગન્ધ એ
કરી ઉરઉરેથી દૂર ઘન સ્વાર્થ ભાવો તણી
નવીન પ્રકટાવું સામ્ય—જગ—ભાવના વિશ્વમાં,
તદા પ્રકટજો, નિશા! જીવનની જ નિદ્રા ચિરા ?
(‘કુમાર’)પ્રહલાદ પાઠક
તારલી
(बादरायण)
આકાશ સાગર સંગમભોમમાં
સન્ધ્યાની જ્યોત રમી વિરમે,
અંધારના પડ વિશ્વને આવરે
આકાશે તારલી એજ ઝગે,
વ્યોમ વિરાટમાં એ ન ડૂબે.
એવી વસી મારે અન્તર તારલી,
એનાં ય તેજ અનસ્ત રહ્યાં;
વિશ્વને ઘેરતાં, ઘૂમરી ઘૂમતા
એને ન વાદળ કોઈ નડયાં,
તેજ એનાં ન જરી પલટ્યાં.
સૂરજચન્દ્રનાં તેજ તણી મારે
હૈયે જરી નહિં આશ ધરું;
તારલી નાનીશી તેજ ઝીણું ઝરે,
અન્તર એ જ ઉજાસ ભરું,
અંધાર સાથ એ તેજ લડું,
જીવનમાર્ગ ન ભૂલો પડું.
(‘પ્રસ્થાન’)बादरायण
નવકાલસર્જના
(: વંશસ્થ:)
ધરા તણા નીર, નવાણ ને ઝરા
વરાળની ઝાળ રચી જલાવનો,
અખંડતપ્તા બળતી વસુંધરા–
સૌભાગ્યના સ્વાંગ પુરા પ્રજાળતો,
માર્તણ્ડ ચણ્ડો નભમણ્ડલાણ્ડમાં
દહી રહ્યો દારૂણ દુઃખિની ધરા;
પૂષા જળીને નભ-ચૈત્ર મધ્યમાં
સ્વનામને બે ઘડી વિસ્મર્યા હવા.
આષાઢની પ્રાવૃષની ઝડી પડી,
ખીલી તડિત્–વલ્લરીને વસંતશ્રી;
વર્ષા તણાં નીર, સમીર-તાંડવે
સંગે કડેડયો ઘન-બાર માંડવો.
મેઘો રૂઠયો મૂશળધાર વર્ષતા
આદિત્ય-ભઠ્ઠા પૂર માંહી કર્ષતી;
ગાજે દશોદિશ બુલંદ ગર્જનાઃ
ઉત્પાટજો હો! નવ-કાલ-સર્જના.
(‘કુમાર’)તનસુખ ભટ્ટ
પથ્થર ઘડજે રે
(જેઠાલાલ ત્રિવેદી)
પ્રભુ મને પથ્થર ઘડજે રે
નથી મારે હીરલો થાવું રે,
પ્રભુ મને પથ્થર ઘડજે રે.
હીરો બની મારે પેટી પટારે
રૂંધી ન મરવું તેજ; ૫
પ્રભુ મને તેજ ન દેજે રે,
પ્રભુ મને પથ્થર ઘડજે રે,
પથ્થર ઘડજે ને ક્યાંય પટકજે
નદી સરોવર તીર;
મને સૌ પીડતું છેને રે, ૧૦
પ્રભુ મને પથ્થર ઘડજે રે.
હીરા બની કોઈ એકજ નર કે
નારીનો થાઉં દાસ,
પથ્થર થઈ પૃથ્વીની સેવારે,
કરી મારે લ્હાવજ લેવારે. ૧૫
પ્રભુ મને પથ્થર ઘડજે.
તેજ હીરામાં ને ઝેર હૃદયમાં
ગમતું મને ના એમ,
પ્રભુ મને પથ્થર ઘડજે રે,
ઘડી મન ફાવે ત્યાં ધરજે રે. ૨૦
પ્હાણને આપે પ્રભુપદ લોકો
હીરલે જડતાં અંગ
એમાંથી તું ઉગારી લેજે રે,
પ્રભુ મને પથ્થર ઘડજે રે.
પ્રભુપદ કોઈને દેજે રે
મને તો તું પથ્થર ઘડજે રે
કહ્યું દેવ, આટલું કરજે રે,
પ્રભુ મને પથ્થર ઘડજે રે.
(‘ઊર્મિ’)જેઠાલાલ ત્રિવેદી
દિવાસ્વમ
[પૃથ્વી]
હતા ભરબપોર ધોમ ધખતા જ વૈશાખના,
નિવૃત્તિ-ઉરમાં હતું તડફતું જગત-માછલું;
વિશાળ ખુરશીમહીં નિકટ બારીની હું પડ્યો,
મહોદધિ તરંગખેલમહિં મસ્ત હું ન્યાળતો.
સમીપ જ પડયાં હતાં સરસ કાવ્યનાં પુસ્તકો,
પરન્તુ મુજ નેન તો પવન ફરફરે પરવર્યા
નવીન જ પ્રદેશમાં, ત્યહિં થયો ચમત્કાર શો!
યુવાન હું મટી ગયો, સરક્યું જ્ઞાનગાંભીર્ય સૌ,
કિશોર હું ફરી થયો, થનગનાટ પામ્યો પુનઃ;
સુરેશ, મનુ, બિન્દુ સાથે બસ ખૂબ મસ્તી મચી,
થઈ તુરત ત્યાં શરૂ રમત આંબલાપીપળીઃ
ઉટાંગ સમ કૂદતા વિટપ વૃદ્ધ વડલાતણા,
અધો શિર બની વળી વડજટાલટે હીંચતા;
થયો કડડડાટ શો? વડ ઢળ્યો! અમે એ પડયા!
ગયાં નયન ઊઘડી સ્વપ્નસૃષ્ટિ પામી વિલય;
કરી નઝર બ્હાર-બે ઝગડતા હતા આખલા.
(‘પ્રસ્થાન’)मित्रावरुणौ
પ્રયાણઘડી
રાગ : સારંગ
રંગ્યા ક્ષિતિજને કિનારે
સૂરજદેવ! ઉભા રહો રે.
સોનેરી સિંધુના એ તીરે
સૂરજદેવ! ઉભા રહો રે.
ફૂલડાંમાં ફૂલ બની આ જમોરે મેં કવું,
પોપટીનું ગીત મારે ગાવું?
સૂરજદેવ! ઉભા રહો.
સૂર્યમુખી આશધરી નીરખી હજી રહ્યું,
હૈયાની આશમાં હું ઝૂલું ?
સૂરજદેવ! ઉભા રહો.
ગીતમાળ મેં રચી ઉણું કંઈક ત્યાં રહ્યું,
દૈવી કો સૂર એમાં પૂરું:
સૂરજદેવ ! ઉભા રહો.
દેવ ડૂબશો નહિ, પ્રકાશ નીરખી રહું,
તિમિરછાયથી હું કંપું;
સૂરજદેવ! ઉભા રહો.
[‘કૌમુદી’]જ્યોત્સના શુકલ
પ્રભુની સ્નેહઠગાઈ
(ધોળ)
જા રે પ્રભુ ! આ તારું જગત નથી જોઈતું!
એને આગળ કરી તું ગુપ્ત રહે શું દૂર ?
તારી લાખ લીલામાં સર્વ રહ્યા લોભાઈને,
પણ મુજને તો જોઈએ એકજ તુજ ઉરનૂર;
જા રે પ્રભુ ! આ તારૂં જગત નથી રે જોઈતું! ૫
તારો સૂરજ આવી બાંધે તેજકિરણ વડે,
તુજ તારા અમને તમજાળે ઘસડી જાય;
હું તો તેજ તિમિર વચ્ચે મુજ આંખો ઠેરવું,
તારી છાય જરા પકડું કે તું લોપાય !
જા રે પ્રભુ ! આ તારૂં જગત નથી રે જોઈતું ! ૧૦
તુજ સંદેશા જેવા ગગને ઘન ઘૂમી રહે,
તારા ઘોર નગારાં વાગી રહે આકાશ;
અમૃતબિંદુ પડે ટપકી તુજ પ્રેમળ પાત્રથી,
ભિંજવે ભૂમિ, પરંતુ ભિંજાય ન મારી આશ;
જા રે પ્રભુ ! આ તારૂં જગત નથી રે જોઈતું ! ૧૫
તારી વીજલપાંખ ઉડી રહે વાદળ વાદળે,
પળમાં જબકાવી જગવે સૂતા અંધાર;
તારાં સ્વર્ગતણાં દ્વારોના ઢાંકઉઘાડ એ
આ જે સૌને, પણ ક્યાં છે તુજ અંતરદ્વાર ?
જા રે પ્રભુ ! આ તારૂં જગત નથી રે જોઈતું ! ૨૦
રંગેરંગ ભર્યા આભે તારાં પગલાં પડે,
જાણે એ પૂઠે પડતાં જડશે તુજ વાટ;
ઘડીના રંગો એ જગને ઝૂલવી રહે, પણ હું તો
માગું તુજને-નહીં તુજ વસ્ત્રોના ઝળકાટ !
જા રે પ્રભુ ! આ તારૂં જગત નથી રે જોઈતું ! ૨૫
તારી માયાનાં નખરાં મોહી રહે સર્વને,
મારૂં મનુજહદય સપડાય તહીં ઘડી એક;
તારા ઠોકા ત્યાં સુણતાં જાગે ફરી આત્મ મુજ:-
આ તો તું નહીં-તારી છે પ્રતિમૂતિં અનેક ?
જા રે પ્રભુ ! આ તારૂં જગત નથી રે જોઈતું!
જીવનભર આવાં જ રમકડાંથી શું રાચવું ?
અમારે રોવું ને તારે જોવું સંતાઈ?
તું શું નવાં નવાં આપે તે નહીં ભાંગી જશે ?
જા રે! આ તો તારી શાશ્વત સ્નેહ ઠગાઈ!
જા રે પ્રભુ! આ તારૂં જગત નથી રે જોઈતું ! ૩૫
તારી દિશા દિશાના પડદા માંડુ ખોલવા,
મારા રંગ બધા ધોઈ નાખું રસલોલઃ
ઠોકી ઠોકી તારાં દ્વાર તને પજવું હું યે,
તારી પાસ અદલ બોલાવી દઉં એક બોલ !
ત્યારે પ્રભુ! જોજે હસી પડશે મુજ બળ જોઈતું ! ૪૦
(‘ઊર્મિ’)અરદેશર ફરામજી ખબરદાર
પૃથ્વી ભરી
(: વસંત:)
આવે જુવાળ પથ દર્શક પ્રાણભેરુ
ને દ્રષ્ટિનો ભ્રમણપંથ બને વિશાળ;
ત્યારે બને જીવનક્ષેત્ર વધુ રસાળ,
ધારી સુકાન નિજ ધ્યેય થકી ઘડેલું.
ઉત્તેજના જગતની જરીએ ન લે છે,
ના પ્રેરણા પરગજુ થઈને પીએ છેઃ
અંધારની જટિલતા મહીં પ્રાણ પૂરી,
સિદ્ધાંતના અકળ પ્રશ્ન ઉકેલી લે છે.
ઊર્મિ અદમ્ય ઉઠતી જગ જીતવાની,
યુગોન્નતિ મહીં સહર્ષ ફના થવાની;
હૈયું ચગે ચરણના પડછંદ સંગે,
શ્રદ્ધા સમોત વિચરે જયના ઉમંગે
પૃથ્વી ભરી જીવનતેજ પ્રસાર્યું જેણે,
એણે જ સ્મારક રચ્યું નવપ્રેરણાનું.
(‘નવચેતન’)ઇન્દુલાલ ગાંધી
મને અધિક છે પસંદ
(પૃથ્વી)
મને અધિક છે પસંદ,
અગણ્ય ઉડુઓ થકી ખચિત ખુલ્લી રાતોથી યે
મને બસ પસંદ છે સઘન મેઘથી આવરી
અડાબીડ જ અંધકારભર રાત, જેમાં કયહીં
તગી અટુલી તારલી લઘુક એક જાતી જરી.
મને અધિક છે પસંદ,
અસંખ્ય મધુ વાનીઓથી છલકંત મિજબાનીઓ
થકી વધુ પસંદ છે સતત કૈં કડાકા પછી
અથાગ રખડાટના, મળતી દીન યજમાનના
ગૃહે અ-રસ રોટી સાથ ચટણીની તીખી મઝા.
મને અધિક છે પસંદ,
સુરીલ દૃઢતાલ શાસ્ત્રમય ગાન-જલ્સાથી યે
મને વધુ પસંદ છે ગભરુ નાનકા બાળના
મુખેથી સરતું સુહાસ્ય રમતાં, કંઈ ક્રન્દનો
વિષે, વિસરી રોવું, એક અણધાર્યું ‘તા...તા’ સુખી.
મને બસ પસંદ છે જગતના સુયોજ્યા બધા
પ્રહર્ષ થકી, લાધતી સહજ એક હર્ષક્ષણ.
(‘કુમાર’)સુન્દરમ્
માગું બસ રાતવાસો જ હું
(‘શેષ’)
ગયો દિ, થયું મોડું ને ઉપર રાત અંધરી છે,
નભે ઝઝૂમતાં ધનો, નહિ હું માર્ગનો ભોમિયો,
નજીક ન સરાઈ, સાથી વણ થૈ રહ્યો એકલો,
પિછાણ નહિ ક્યાંઈ, ને મુલક આ અજાણ્યો મને.
બધો દિવસ ચાલી ચાલી ચરણોય થાકી ગયા,
ન આશ્રમ બીજો-ન બારી પણ ખુલ્લી બીજે ક્યહીં,
નિહાળી તમ દીપ દ્વાર પણ આ તમારાં ખુલાં,
અજાણ અહીં આવી માગું બસ રાતવાસો જ હું.
વિશાળ તમ હમ્ર્ય માંહી કયહાં કો ખૂણે સાંકડો,
થશે મુજ જઈફ કેરી મૂકી દેહને પૂરતો;
તમો નસીબદારને નહિ કશું જણાશે ય ને
પરોડ મુજને થતાં નવીન તાઝગી આવશે.
મુસાફરી હજી રહી હું નવ જાણું કે કેટલી,
પરંતુ તવ પાડ અંત સુધી કો દિ ભૂલીશ ના.
[‘પ્રસ્થાન’]‘શેષ’
મિત્ર
(ઉપજાતિ)
અનાજદાણા ઉપયોગના છે
ચાળ્યા પછી ચારણીમાં સદા એ;
મિત્રો ગણો સુહદ એ જ કે જે
વિપત્તિની ચારણીમાં ચળાયો.
[‘ગુજરાત’]કેકિન
रसो वै सः
[પૃથ્વી]
“ભલે ઝગડતા બધા ધરમના મહાપંડિતો,
છતાં અમર સત્ય કે સકળમાં તું વ્યાપી રહ્યો
સદા રસરૂપે; વૃથા વિવિધ ભેદ છે વિશ્વમાં
અહર્નિશ વધી રહ્યા પ્રગતિ પંથને રોધતા.
જનો સ-રસ આત્મના પરમરૂપને ભૂલતા
થયા નીરસ, શોધતા જગતમાં ફરે શાંતિને.
પિતા ! વિપુલ વિશ્વનો મહદ ભાર તારે શિરે,
હું તો શિશુ છતાં સહાય કરવા સદા ઈચ્છતો.
વિભો ! હું રસરેલથી જગવતો મહાઐક્યને,
મને બલવતો કરી ગરવ અંતરે પામજે.
પ્રસન્ન તુજને ચહું કુસુમમાલથી રાખવા
અને નિતનવાં નિવેદન ધરી ભજું ભક્તિથી. "
કરી અગરધૂપ, દીપ નિજદેવના ગોખમાં
દુકાનપતિ તાડીનો પ્રતિદિને કરે પ્રાર્થના.
(‘પ્રસ્થાન’)पिनाकिन् त्रिवेदी
રાસ
(શેષ)
સાહેલી મોરી રે કાળી કાલંદરીને કાંઠડે,
રાસ ખેલે છે ગોપીઓની સંગ, અલબેલો
વેણ વગાડતો કાનૂડો !
સાહેલી મોરી રે ડોલે છે કાન ને મોરલી,
કાંઈ ડોલે છે. ગોપી અંગ અંગ, અલબેલો,
વેણ વગાડતો કાનૂડો !
સાહેલી મોરી રે ડોલે છે ચંન્દ્ર ને તારલા,
તાલ દે છે મહીં મેઘ મૃદંગ, અલબેલો
વેણ વગાડતો કાનૂડો !
સાહેલી મોરી રે ડોલે છે કાલંદરીનાં પાણીડાં,
કાંઈ ડોલે છે કાલિય ભુજંગ, અલબેલે લો
વેણ વગાડતો કાનૂડો !
સાહેલી મોરી રે ડોલે ગગન દેવ દેવીઓ,
કાંઈ ડોલે છે શંભુ ને અનંગ અલબેલો
વેણ વગાડતો કાનૂડો !
સાહેલી મોરી રે રમવા ચાલો ને એ રાસમાં,
જહીં રાસ રમે ગોપીઓની સંગ, અલબેલા
વેણ વગાડતો કાનૂડો !
(‘પ્રસ્થાન’)શેષ
લોકલમાં
(:વસંતતિલકા : )
એની દીઠી ન નજરે મુખમાધુરી મેં.
દેખાત તો ઘણી ય ડોક ફિરાવતામાં;
જોયું ન કિંતુ ફરીને જરી, ના જ જોયું.
ને તો ય તે ક્ષણેક્ષણે મુજ અંતરે તો
એ સૌમ્યરેખ રસમૂર્તિ તરે અનસ્ત.— ૫
એનાં હશે પ્રણયકામણપૂર્ણ નેણ,
ધીરે ઢળી ઉછળતું ય હશે જ હૈયું.
દીઠેલ આ નયનથી ન સ્વયં અરે મેં,
તો યે કહું અમૃતકોશ હશે જ હૈયું
વેગીલી લોકલ તણા ધબકાર તાલે
ધીરેધીરે ઉછળી મસ્ત ઢળી રહેતું.—
હું તો શું જાણું, પણ સામી જ બેઠકે કો
બેઠેલ વૃદ્ધ; જરી ફેરવી ક્ષીણ નેત્ર
જે આમતેમ, કદિ ઝોકૂં ય ખાઈ લેતો.
એ ક્ષીણલોચન મહીં કહીંથી ય ત્યાં તો
મેં જોઇ, જોઈ સહસા ભભુકંતી આગ.
આંખો કરી જરઠ કોટિક રોમ કેરી.
ટાળી મને મુજ પૂંઠે કંઈ તાકી જોતો,
ને કૈં ચિરંતૃષિત ચક્ષુથી પી રહંતો.— ૧૯
મેં પૂંઠ ફેરવી ન જોયું સ્વયં જરીકે.
કે કૈં હતી જરુર ના. મુજ આંખ સામે
એ વૃદ્ધનાં પરમ તૃપ્ત પ્રસન્ન નેત્રે
મેં એક જોઈ છબી ડોલતી લોલ મારત.— ૨૩
લાવણ્યમૂર્તિ મુજનેત્રથી જોઈ જાતે
મેં હોત, તેથી અકદા રસરૂપ રંગે
એ કાલજર્જરિત નેત્ર મહીં નિહાળી.
ને એકવાર નિરખેલ તહીં હજી યે
જોયાં કરું ઉર ભરીભરી નેણ એનાં
વિશ્વો ઉછાળી ઢળતું વળી મત્ત હૈયું
ને બે વસંતલચતી કરવેલ રમ્ય. — ૩૦
[‘ગુજરાત’ ]ઉમાશંકર જોષી
વતનનો તલસાટ
(: મંદાક્રાન્તા :)
ગાળી લાંબો સમય દૂરનાં દોહ્યલાં પાણી પી પી,
જાવા હાવાં જનમભૂમિએ પ્રાણ નાખે પછાડા.
કૂવાકાંઠે કમરલળતી પાણીઆરી, રસાળાં
ક્ષેત્રે ક્ષેત્રે અનિલલહરે ડાલતાં અન્નપૂર્ણૉ,
હીંડોળંતાં હરિત તૃણને ખંતીલા ખેડૂતોનાં
મીઠ્ઠાં ગીતો, ગભીર વડલા, શંભુનું જીર્ણ દ્હેરું,
વાગોળંતાં ઘણુ, ઊડી રહ્યો વાવટો વ્યોમ ગેરૂ,
ઓછીઓછી થતી ભગિની, લંગોટિયા બાલ્ય ભેરૂ;
ઝંખી નિદ્રા મહીં ઝબકતો, જાગતાં નિંદ લેતો.
ઘેલા હૈયા ! સહુ ય મળશે; કિન્તુ કાલાગ્નિમાંથી
સંભાળેલા સ્મૃતિસુમનનાં સારવેલા પરાગે
સીંચ્યું મોંઘા મધુપુર સમું મ્હોડું ક્યાં માવડીનું ?
વ્હાલી તો ચે જનનીહીણ એ જન્મભૂમિ ન તોષે,
જીવું કલ્પી જનની સહની જન્મભૂમિ વિદેશે.
[‘કુમાર’ ]રમણિક અરાલવાળા
વધામણી
(ચન્દ્રવદન મહેતા)
સોહાગી સોણલે વધાવું રે
હું તો સોહાગી સોણલે વધાવું.
સેનારૂપાને દોર તારાની ગુંથણી ગુંથીને પાથણું બિછાવું
સન્ધ્યાના નવરંગ રંગી અંગુલીઓ મોંઘેરા છાંટણે વધાવું.
રે હું તો —
આકાશી થાળમાં ચાંદાનો દીવડો મૂકી હું
ઘેરા સાગરની ઝાંઝર ઘંટડી છોળે છોળે હું બજાવું.
રે હું તો —
મેઘલી રાતની ઘેરી વાદળીઓ વીજળીની કોરે મઢાવું
ધિનિકિટ ધિનિકિટ વાગે મૃદંગતાલ, થૈ થૈ નાચીને નચાવું.
રે હું તો—
[‘કૌમુદી’]ચન્દ્રવદન મહેતા
વિફળ યત્ન
(ભાસ્કર વહોરા)
વ્યોત તણી ભીતરથી દોડી,
ચંદ્રસૂરજ ને તારક છોડી,
યુગ યુગ કેરી દિવ્ય યોગિની,
રમવાને આવી.
સાગર સરિતા નર્તન કરતી,
દલ કમલે જઈ સર્જન કરતી,
કુંજ નિકુંજે હસતી,
જોતી ને ફરતી.
પાછળ માનવ આંખ મીંચીને,
ધર્મ કર્મ આનંદ ત્યજીને,
સત્ય તત્ત્વ સૌન્દર્યદેવીને,
જોવાને દોડ્યો.
જોઈ શકે, નવ પકડી શકતો,
યત્ન કરે પણ પાછો પડતો,
મૂઢ બનીને માનવ અંતે
રોવાને માંડ્યો.
[‘માનસી’ ]ભાસ્કર વહોરા
વાંછા
(પ્રહલાદ પારેખ)
શબ્દની હોડલી કોઈ જ્યારે નથી
લઈ જવા ભવનો ભાર મારો
સ્મિત તણાં રશ્મિઓ દાખવી ના શકે
ઉરનો ભાગ જે એક ન્યારો.
૨
દેહ નાનો લઈ ભાવના ભારને
સ્કંધપે ઉઠતું એક આંસુ
નેનનાં નીરના એક એ કિરણમાં
ઊજળું ઉર આખું ય થાતું
૩
સર્વ અર્પણ તણો ભાવ એ નેનના
નીરમાંહી વહે ભક્તિ કેરો
પ્રેમીનો પ્રેમ, કારુણ્ય સંતો તણું
લઈ જતો અશ્રુનો એક રેલો.
૪
મૂક થાઉં સહુ શબ્દ જાઉં ભૂલી
સ્મિત તણાં તેજ કો’દિ બુઝાયે
કિન્તુ જે અશ્રુમાં ઉર મારૂં વહી
ચરણ તારે જતું ના સુકાયે.
(‘કૌમુદી’)પ્રહલાદ પારેખ.
વ્યષ્ટિ અને સમષ્ટિ
(: ગઝલ:)
કોઈ મને વસ્લનો વકીલ કહે છે, કોઈ મને ઈશ્કનો અસીલ કહે છેઃ
કોઈ ખુશાલી તણો ખલીલ કહે છે, કોઈ મને દુઃખનો દલીલ કહે છે:
ફાવતું સહુયનું સહુય કહે છે: કોઈ સખી કો મને બખીલ કહે છેઃ
રીસ નથી રાખી કોઈ સાથ મેં કદી —મૂર કહે કોઈ, કોઈ પીલ કહે છે:
કોઈ અદુકો મને હરીફ લખે છે; કોઈ મને મિત્ર માનશીલ કહે છે:
કોઈ મને માત્ર મૂર્ખ કાચ ગણે છે, કોઈ મને જૌહરે જલીલ કહે છેઃ
એક થકી અન્ય કાંઇ ઓર કહે છે; સાથ પરંતુ સહુ પતીલ કહે છેઃ
(‘કૌમુદી’)પતીલ
શબે વસ્લ !*[1]
(: દ્રુતવિલંબિત:)
નભ પરે પ્રગતે દૂર લાલીમા,
દિવસનું અવસન થતું પછી—
પ્રગટતો નભમાં શશી હર્ષથી !
જગત શાંત થતું પડી સોજમાં.
પ્રથમ એ મુજ મીલન તો હતું,
હ્રદય તો ધબકી ગભરાવતું;
તદપિ અંગ વહે ઝણગી નવી,
સમજ ના પડતી મુજને કશી.
મન વિચાર—ઝુલે ઝુલતું નવા,
પતિ હવે મુજને લઈ બાથમાં,
અધરથી મુજ ઓષ્ઠ મીલાવશે,
રમત કૈં રમશું નવી પ્રેમની.
કુમુદિની જ્યમ વાટ શશી તણી,
નિરખતી પતિવાટ હું બારીએ;
ધવલ સેજ કરી જરી લેટતી
ઘડિકમાં મમ દ્વાર થતાં ખુલાં.
પ્રિય તણો ગઈ કોટ ઉતારવા,
પ્રિય કહે,’નવ સ્ત્રી તણું કાર્ય આ’!
મુજ સમીપ પછી કર તે ગ્રહી,
વચન કૈં ઉચરે ઉપદેશનાં;
‘રમત હો નવ આશય આપણો,
લગન જ્ઞાન પ્રસારક હેતુ છે !
નવ ભણી પ્રિય તું તવ ઘેર તો,
તવ પતિ તવ શિત્તક માનજે’!
‘લઈ દઈશ તને નવી ચોપડી,
શીખવવા તુજને નીત બેસું હું;
શ્રવણ જો કરશે દઈ ધ્યાન તો,
ઘડિકમાં ઇંગ્લીશ વદતી થશે.
‘પ્રથમ આ દિન, પાઠ તને દઉં,
ઉચરવું વદતાં ‘યસ’, ‘હા’ નહાં:
ફીકર તું ધરતી નવ અંતરે !’
જઈ પછી સરતાં દ્વય સેજમાં.
નૂતન સૂર્ય ભરે પગલાં જગે;
શયન ત્યાગી જઉં ઘર કામમાં;
પતિ ગયા નિજ ઓફિસમાં પછી
લઈ ગઈ નણદી મૂજને દૂરે.
શ્રવણમાં વદતી ‘કહે, રાત્રી તેં
રમતમાં પિયુ સાથ વિતાવી કે?’
કથન કાજ હતી જીભ ના મને?
નયનથી મમ અશ્રુ વહી વદે !
(‘નવચેતન’)‘મુરારી’.
સત્યં શિવં સુંદરમ્
(નંદનાથ કેદારનાથ દીક્ષિત)
પેલા નિકુંજ ભણી ચાલ પ્રિયે ભરીશું,
આનંદ કૈં પ્રણયગોષ્ટિ મીઠીથી લેશું;
ને આ સરોવર અમીરસથી ભર્યું જે
ત્યાં ચાલી જાશું દિલ વાત કરંત ધીમે.
૨
મારી ભણી નજર રાખી પ્રિય જુએ છે
નિષ્પાપ જે ઉર નિખાલસ નેત્રમાં તે ?
કેવું દિસે સઘળું શાંત જ આ સમે હ્યાં !
જાણે મળ્યાં શિવ અને સત સુંદરં હ્યાં !
૩
જો વામ ભાગ સરની રચના રસાળી,
આ બાળ-પુષ્પ રમતાં કુલ સંગ મ્હાલી:
સૌન્દર્ય નિર્મળનીતિ મૃદુ લગ્નબંધે,
છે સંકળાયેલી અહિં દિસતી જ સંઘે !
૪
આ આપણો વિમલ સુંદર સ્નેહબંધ,
સૌન્દર્ય ને સરળ ભાવભર્યો પ્રબંધ
અંધા હશે તદપિ નેત્ર વિના નિહાળે!
સત્યં શિવં મહિં જ સુંદરતા વિરાજે.
૫
કુંજે અને સરવરે કુસુમે શિશુએ,
છે આ ભર્યા ઉભય અંતરમાં નિશાએ
ઉદાત્ત ને મધુર ભાવભિના વિચારો;
સત્યં, શિવં અનુપ સુંદરને વિષે હો !
(‘માનસી’)નંદનાથ કેદારનાથ દીક્ષિત
શ્રેષ્ઠ કુમ્ભકાર !
(: મનહર:)
ઉંડા ઉંડા અંધારાની ખાણથી ખણી લેવાને;
હૈડે દાખી હેત પ્રેમ-પાવડો પછાડ્યો છે.
બાલ માનસોની માટી, ખંતને ગધેડે ખેંચી;
સ્નેહ, છાલકામાં કો-નિશાળોની લાવ્યો છે.
શિસ્ત અને નિયમોના ચારણામાં ચાળી એને;
પ્રેરણાનાં પાણી સીંચી પીંડલો બનાવ્યો છે.
પદાર્થો ને પુસ્તીકાને લાકડે ગતી આપી ને;
શિક્ષણ પ્રણાલીઓને ચાકડે ચઢાવ્યો છે.
ઘડયા રૂડા ઘાટો એના, વિશ્વમાં વિકાસો માટે;
મનન નિદિધ્યાસન—ટપલે ટીપાવ્યો છે.
કોર્યા ને કંડાર્યા એમાં કાંગરા કળાના કેવા !
સંસ્કૃતિ સીંચીને રૂડી, ઓપ ચળકાવ્યો છે.
નિભાડે તિતિક્ષાઓને, ભલું થવા કાજે ભાર્યો;
પરિક્ષાના આગ્નિઓના, તાપમાં તપાવ્યો છે.
ટકોરા બઝાવી તેને તપાસ્યો પરિક્ષકોએ;
બોલ્યો નહીં બોદો તે ઉત્તીર્ણ થઈ આવ્યો છે.
જ્ઞાન પરબોને કાજે માટલું બનાવી માંડ્યો
ત્રાસતો તૃષાતુરોના પ્યાસનો બુઝાયો છે.
વાહવા વદે પીનારાં શિતળાં પિયૂષવારી;
શ્રેષ્ઠ કુંભકાર તું તો શિક્ષક જણાયો છે !
(‘શારદા’)દેવકૃષ્ણ પિતાંબર જોશી
સ્વાતંત્ર્ય
(પૂજાલાલ)
અલૌકિક પ્રભાતપાંખ પર નીલ સ્વાતંત્ર્યનું
વિહંગ નભ ખૂંદતું ફરત નીડની શોધમાં;
દિગંતભર ગાજતું ઊલટના નિજાનંદનું
વિમુક્ત જયગાન જાગરણ આણતું લોકમાં.
ઘૂમ્યું નિહાવને વને, રતન, મોતી ને હીરલા—
તણા ફળ લુભાવતાં લચત, ના તહીં ઊતર્યું;
સુવર્ણમય મેરુશૃંગ નિરખ્યાં, ના ત્યાં યે ઠર્યું;
સરસ્વતીતણાં ય ધામ મન ના રુચ્યાં નિર્મલા.
પણે વિપુલ કુંડમાં અગન ઊછાળ્યો યજ્ઞનો,
શિખા પર શિખા ચડી રમત આભઉત્સંગમાં,
મહાબલિ અપાય ભક્તિભર અજ્ઞ ને પ્રજ્ઞનો,
પડાપડી કરે શહીદ નરનારીઓ રંગમાં.
વિહંગ તહીં સ્વાર્પણાગ્નિ પર નીડ બાંધી ઠર્યું,
વિરાટ શિવશાંતિતેજ સુખસ્વર્ગમાં પાંગર્યું.
(‘પ્રસ્થાન’)પૂજાલાલ
હું માત્ર
(‘પારાશર્ય’)
સતૃષ્ણ સંવ્યાકુલ ઝંખનામાં
હું આજ તારાં પગલાં સુણી રહું.
અખંડધારા અસહાય કાર્યમાં
સંતોષ કર્તવ્યમહીં ધરી લઉં.
અસ્વિત્વ હું ભાવભર્યા શરીરમાં
હું એક તારો થડકો ઝીલી રહું.
[‘પ્રસ્થાન’]‘પારાશર્ય’
હોડી સઢેં
(ભગવાનલાલ લ. માંકડ)
આજ મારી હોડીસઢે પવન ભરાણો રે.
કાંકે એમાં આવી બેઠો મહારાવ રાણો રે.
આજ મારી હોડીસઢે પવન ભરાણો રે.
તરતી કરંતી કાંઈક કંઈક એ તો ચાળા ચેન,
ભારતે હલેસે એ તો માલતી’તી જેમ તેમ;
આજ એ હલેસે બેઠો માલમી ય શાણો રે.
આજ મારી હોડીસઢે પવન ભરાણો રે.
તર્ક ને વિતર્ક વધ્યા જોતાંમાં મને ઘડીક,
ઊઠશે તોફાન હોડી ડૂબશે એ લાગી બીક;
વળિયો પ્રસ્વેદ અને ખૂબ ઘભરાણો રે.
આજ મારી હોડીસઢે પવન ભરાણો રે.
ત્યાં તો ઉડી પંખીણીશી ઝટપટથી ફડફડાટ,
પવનવેગે એ કાપે પાણી જોતાં સરસરાટ,
અહા ! પેલો સામેનો કિનારે દેખાણો રે,
આજ મારી હોડીસઢે પવન ભરાણો રે.
કાંકે એમાં આવી બેઠો મહારાવ રાણો રે.
આજ મારી હોડીસઢે પવન ભરાણો રે.
[ ‘કૌમુદી’]ભગવાનલાલ લ. માંકડ
- ↑ *દંપતિના પ્રથમ મિલનની રાત્રી
Lua error in package.lua at line 80: module ‘strict’ not found.