ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૮/શ્રી. રાજચંદ્ર રવજીભાઈ પચાણ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
રાજચંદ્ર રવજીભાઈ પચાણ (શ્રીમદ્ રાજચંદ્ર)

શ્રીમદ્ રાજચંદ્રનો જન્મ સંવત ૧૯૨૪ ના કાર્તિક સુદ ૧૫ ને રવિવારે કાઠિયાવાડના મોરબી રાજ્યના વવાણિયા ગામમાં થયેલો. તેમના પિતાનું નામ રવજીભાઈ પચાણ ને માતાનું નામ દેવબાઈ હતું.

સાત વર્ષ સુધી રમતગમતમાં વીતાવ્યા. પણ સાતથી અગિયાર વર્ષે કેળવણી લીધી. તેમની સ્મૃતિ નાનપણથી જ એટલી તેજ હતી કે તેમને કોઈ વસ્તુને એક જ વખત વાંચી જવી પડતી. ને તે તેમને યાદ રહી જતી. આઠમા વર્ષથી જ તેમણે કવિતા કરવી શરૂ કીધી હતી પણ તેમનું ચિત્ત અધ્યાત્મ તત્ત્વ તરફ ઢળતું હતું, એટલે નાનપણથી જ તેમના કાવ્યોમાં એ ધ્વનિ જણાતો. તેમના દાદા કૃષ્ણની ભક્તિ કરતાં, છતાં તેમનું ચિત્ત નાનપણથી જૈન ધર્મ તરફ વળેલું. ને જૈન દર્ષનના પુસ્તકો વાંચી તેમાં વિશેષ દ્રઢ થયું.

ચૌદ પંદર વરસની ઉમ્મરમાં તેમની યાદશક્તિ એકદમ ખીલી નીકળી ને તેમણે આઠ અવધાન, સોળ અવધાન ને ઓગણીસ વર્ષની ઉમરે સો અવધાન કરી મુંબઈની પ્રજાને ચક્તિ કરી. આ જોઈ સ્વ. મલબારીએ કહેલું કે રાજચંદ્ર એ બુદ્ધિ અને સ્મરણશક્તિ પર અજબ કાબૂ ધરાવનાર છે. તેમણે તેરમા વર્ષથી અંગ્રેજી અભ્યાસ શરૂ કરેલો પણ સંજોગો અનુસાર તેઓ આગળ નહિં વધી શકેલા છતાં તેઓ કોઈપણ ભાષાને યાદ રાખી શકતા અને અવધાનની અંદર અંગ્રેજી, ફારસી, ફ્રેન્ચ, હિંદી કે કેઈ ભાષામાં આડાઅવળા કહેવાયેલા શબ્દો તેઓ બરાબર ગોઠવી, કહી શકતા.

વીસ વર્ષની ઉમરે તેમના લગ્ન સં. ૧૯૪૪ના મહા સુદ ૧૨ ના રોજ થયેલા. તેમનાં પત્નીનું નામ જબકબાઈ હતું. તેઓએ લગ્ન કર્યા ત્યારે જાતિયશાસ્ત્રના બોધક પ્રવીણ સાગર વગેરે પુસ્તકની તેમના પર અસર હતી, છતાં એ આશ્ચર્ય છે પાછળથી તેમણે સંસારેનો ત્યાગ નહોતો કર્યો છતાં ત્યાગી જેવી સ્થિતિ પ્રાપ્ત કરી લીધી હતી. તેમની યાદશક્તિ માટે એક જ દ્રષ્ટાંત બસ થશે. એક વખત તેમણે બારેક પુસ્તકો લીધાં. તેમના નામ એક જ વખત જોયાં ફરી આંખે પાટા બાંધી ફક્ત સ્પર્શનેન્દ્રિયથી એકેએક પુસ્તકને એાળખી લીધું.

૫ણ બાવીસમા વર્ષે તેમને લાગ્યું કે અવધાનના પ્રયોગો જાહેરમાં ન કરવા. તેનું એક કારણ તો એ હતું કે તેમની શક્તિ પુષ્કળ ખરચાઈ જતી હતી. ને તેથી નાકેથી લોહી ૫ણ પડતું હતું આથી જાહેર અવધાન પ્રયોગમાંથી નિવૃત્ત થઈ તેમણે બાવીસમા વર્ષે ઝવેરીના ધંધામાં પ્રવેશ કર્યો. ને મુંબઈમાં પેઢી નાખી.

શ્રી. રેવાશંકર. શ્રી. માણેકલાલ નગીનદાસ શ્રી. છોટાલાલ લલ્લુભાઈ ઝવેરી વગેરે તેમના ભાગીદાર હતા. અને દરેકે એક એક કામ સંભાળી લીધું હતું, શ્રીમદ્ રાજચંદ્રે આર્થિક મુંઝવણની ઉકેલ, હિસાબ, વિલાયત સાથેનો પત્રવ્યવહાર વગેરેની જવાબદારી રાખેલી. સંવત ૧૯૪૨માં તો આ પેઢી-રેવાશંકર જગજીવનની કંપની-મજબૂત પેઢી તરીકે જાણીતી થઈ ને શ્રીમદ્ રાજચંદ્રે કુશળ ઝવેરી તરીકે નામના મેળવી.

૫ણ તેઓ આ ઝવેરી થવા કરતાં, અધ્યાત્મ-ઝવેરી થવા ઈચ્છતા હતા, આથી ધંધામાંય તેમની આંતર-વૃત્તિ ધર્મ તરફ જ ઢળ્યા કરતી ને ધંધાને કે સંસારનો તે ત્યાગ ન કરી શકતા તેથી તેમને દુ:ખ થતું ચોવીસમે વર્ષે તેમણે સારી એવી રકમ પ્રાપ્ત કરી લીધી હતી-સર્વ વાતે સુખી હતા છતાં તેઓ જ લખે છે: ‘એક પુરાણ પુરુષ અને પુરાણ પુરુષની પ્રેમ સંપત્તિ વિના તેમને કશું નથી રૂચતું.’ ઈ. સ. ૧૮૯૭માં મહાત્મા ગાંધીજી જ્યારે વિલાયતથી અભ્યાસ કરી પાછા ફર્યા. ત્યારે તેમને શ્રીમદ્ રાજચંદ્ર સાથે મુંબઈમાં પરિચય થયો, અને તેમનાથી તેઓ મુગ્ધ થયા. આનું સુંદર વર્ણન મહાત્મા ગાંધીજીએ તેમની આત્મકથામાં કર્યું છે. “જેના પર હું મુગ્ધ થયો તે વસ્તુનો પરિચય મને પાછળથી થયો-એ હતું તેમનું (શ્રીમદ્ રાજચંદ્રનું) બહોળું શાસ્ત્રસલ તેમનું શુદ્ધ ચારિત્ર, અને તેમની આત્મદર્શન કરવાની ત્યારે ધગશ. આત્મદર્શનને જ ખાતર એ પોતાનું જીવન વ્યતીત કરતા મેં પાછળથી જોયું.”

સત્તાવીસ વર્ષની ઉમ્મરે તો તેમની વૃત્તિઓ લગભગ આંતર-સ્મણ જ કરતી. એવા માંદા પડયા, અને આરામમાં આત્મમંથનને વધુ અવકાશ મળતો અને તેથી માંદગીમાંથી ઊઠયા પછી સંવત ૧૯૫૨માં તેમણે તેમના ભાગીદારોને જણાવ્યું કે તેઆ ભાગીદારીમાંથી છૂટા થવા ઈચ્છે છે. ભાગીદારોએ સ્નેહવશ થઈ તેમના ભાઈ મનસુખભાઈનો ભાગ ચાલુ રાખ્યો.

ધંધામાંથી નિવૃત્તિ મેળવ્યા પછી તેઓ એકાંતમાં ફરવા લાગ્યા. કેટલાક વખત સુધી તો તેઓ ક્યાં છે તેની પણ ખબર પડતી નહિ-આત્મશોધન અર્થ તેમણે આણંદ, વસો, મોરબી, નડિયાદ, ખંભાતપાસ વડવા, અને તેની આસપાસના જંગલોમાં તેમણે વખત ગાળેલો છે વધુ વખત ઈડર ને તેની આસપાસના પ્રદેશમાં તેમણે ગાળેલો છે.

મહાત્મા ગાંધીજી ઉપર શ્રીમદ્ રાજચંદ્રના વિચારોની જબરી અસર થઈ છે, ને ઊંડી છાપ પડી છે. તે દક્ષિણ આફ્રિકામાં જ્યારે જ્યારે મહાત્મા ગાંધીજીને, હિંદુ ધર્મમાં શંકા થઈ તે સમયે તેના નિવારણમાં મદદ કરનાર રાજચંદ્ર જ હતા.

તેમણે જે કાંઈ લખ્યું છે તે સ્વલક્ષી જ છે. પણ એ સંગ્રહો સ્વલક્ષી સાહિત્ય પરથી તેમ જ તેમના કેટલાક પુસ્તકો પરથી તેમની શૈલી પ્રૌઢ, સંસ્કૃત, મિત અને સચોટમય-જણાય છે. કારણ કે તેમણે કાંઇ લખ્યું છે. તે અનુભવમાંથી જ લખ્યું છે.

તેઓ કવિ તરીકે ઓળખાતા, પણ તેમને કવિ કરતાં તો દાર્શનીક કહેવરાવવા માટે વધારે યોગ્ય હતા. તેઓ માત્ર ૩૩ વર્ષની નાની ઉમરે રાજકોટમાં સંવત ૧૯૫૭ ના વદ ૫ ને દિવસે કાળને શરણ થયા- જો વધુ જીવ્યા હોત તો ગુજરાતને એક અજોડ એવો અધ્યાત્મી કવિને ફિલસુફર સાંપડત.

નીચેની તેમની આ બધી કૃતિઓ–પૂર્ણ કે અપૂર્ણ-શ્રીમદ્ રાજચંદ્ર નામનો દળદાર ગ્રંથ સ્મગી પ્રભાવક મેડઠ મુંબઈ તરફથી બહાર પડેલ છે. શ્રીમદ્ રાજચંદ્રનો અભ્યાસ કરનારને તે સંપૂર્ણ રીતે ઉપયોગી થઈ પડે તેમ છે.

-: એમની કૃતિઓ :-

મોક્ષમાળા
ભાવના બોધ
આત્મસિદ્ધિ શાસ્ત્ર
સ્ત્રીનીતિબોધ વિભાગ ૧
પુષ્પમાળા
નમિરાજ
પંચાસીકાય
મોક્ષસિદ્ધાંત
આત્માનુશાસન
શ્રી રત્નકરંડશ્રાવકાચાર
ભાવનાસંગ્રહ