ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/પૃથુલાલ હરિકૃષ્ણ શુકલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
પૃથુલાલ હરિકૃષ્ણ શુક્લ

સ્વ. પૃથુલાલ હરિકૃષ્ણ શુક્લનો જન્મ તા.૧૯-૯-૧૮૯૫ને રોજ થએલો. તે મૂળ નડિયાદના વતની હતા, અને બાજ ખેડાવાળ જ્ઞાતિના હતા, તેમના પિતાનુ નામ હરિકૃષ્ણ મોતીલાલ શુકલ અને માતાનું નામ પ્રસન્નબા. તેમણે લગ્ન કર્યું નહોતું. તેમના દાદા નડિયાદના સ્ટેશનમાસ્તર હતા તેથી તેમનું વતન નડિયાદ થએલું. તેમના પિતા હરિકૃષ્ણ સુરત જીલ્લામાં પોસ્ટ માસ્તર હતા એટલે તેમના પિતા સાથે બાલ્યાવસ્થા સુરત જિલ્લામાં તેમણે ગાળી હતી. પ્રાથમિક કેળવણી તેમણે ચીખલી અને ગણદેવીમાં લીધી હતી. માધ્યમિક કેળવણી પણ એ જ જીલ્લાનાં જુદાં જુદાં ગામોમાં અંગ્રેજી ૬ ધોરણ સુધી લીધી હતી. પંદરથી અઢારમા વર્ષ સુધી તે સુરત જીલ્લામાં રહેલા. એ વખતે પિતાનું અવસાન થતાં તે નોકરી માટે એક વર્ષ સુધી મદ્રાસ, કલકત્તા, રંગુન, રામેશ્વર વગેરે સ્થળે ફર્યાં અને ત્યાંથી તેમને સુરત તેડી લાવવામાં આવ્યા, ત્યાંથી ૨૧મા વર્ષે તે નડિયાદ આવ્યા. નડિયાદમાં થોડો વખત તેમણે અંત્યજશાળામાં કામ કર્યું. સને ૧૯૧૮ના અરસામાં તેમણે છોટાલાલ પરીખ અને શંકરલાલ શુક્લની સાથે મળીને 'ભારત' પત્ર તથા પ્રેસની પ્રવૃત્તિ ઉપાડી. એ પત્રના પ્રથમ તંત્રી પૃથુલાલ શુકલ હતા. ત્યારપછી તે ગાંધીજી પાસે સત્યાગ્રહાશ્રમમાં આવીને રહ્યા અને એક વર્ષ પછી ત્યાંથી છૂટા થઈ પાછા નડિયાદ ગયા. ત્યાંથી મુંબઈ જઈને ૧૯૨૬માં કોઈ સ્ટીમરના વાયરલેસ વિભાગમાં તેમણે કામ કર્યું. છેવટે ૧૯૨૮માં તે ‘સાંજ વર્તમાન' પત્રની એફીસમાં જોડાયા. તા.૧૫-૧૧-૧૯૩૧ને રોજ સાંતાક્રુઝમાં ન્યુમોનિયાની બિમારીથી તેમનું અવસાન થયું. તેમની મુખ્ય કૃતિઓ “ફુલપાંદડી” (૧૯૨૪) અને “આરામગાહ” (૧૯૨૮) છે. તેમની કલમ પ્રતિ શ્રી કવિ નાનાલાલે “ફુલપાંદડી'ની પ્રસ્તાવનામાં અનન્ય પ્રેમ દર્શાવ્યો છે. તેમનાં કેટલાંક લખાણો હજી અપ્રકટ અવસ્થામાં છે. રવીન્દ્રનાથ અને ટોલસ્ટોયનાં લખાણોએ તેમના જીવન અને લેખન ઉપર અસર નીપજાવી હતી.

***