ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/વાઘજી આશારામ ઓઝા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
વાઘજી આશારામ ઓઝા

સ્વ. વાઘજી આશારામ ઓઝાનો જન્મ સં.૧૯૦૬માં મોરબીમાં સામવેદી શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિમાં થયો હતો. એમના પિતાનું નામ આશારામ જાદવજી ઓઝા તથા માતાનું નામ અંબાબાઈ હતું. તેમના મોટા ભાઈ ઈશ્વરભાઈ હતા તે ગોંડળ સ્ટેટમાં નોકરી કરતા હતા અને સંવત ૧૯૪૪માં ગુજરી ગયા હતા. નાના ભાઈ મૂળજીભાઈ જે વાઘજીભાઈની પછી 'મોરબી આર્ય સુબોધ નાટક મંડળી તે સં.૧૯૭૭માં ગુજરી ગયા હતા. એ સિવાય તેમને બે બહેનો હતી. તેમના પિતા ધોરાજીમાં નોકરી કરતા હતા, ત્યાં તેમની પ્રાથમિક કેળવણી શરુ થઈ હતી. તેમની ૧૨ વર્ષની વય થતાં તેમના પિતાજી ગુજરી ગયા હતા. પછી તેમણે મોટા ભાઈ પામે રહી અભ્યાસ આગળ વધાર્યો હતો. ગોંડળ દરબાર તરફથી તેમને સ્કોલરશીપ મળતી. અંગ્રેજી ચાર ધોરણ ગોંડળમાં ભણી તે વધુ અભ્યામ માટે રાજકોટની હાઈસ્કૂલમાં દાખલ થયા હતા અને ત્યાં રહી મેટ્રિકની પરીક્ષા પસાર કરી હતી. કુટુંબની ગરીબ સ્થિતિને કારણે તે કૉલેજનો અભ્યાસ કરી શક્યા નહિ અને મોરબીની અંગ્રેજી શાળામાં શિક્ષક તરીકે જોડાયા. તંદુરસ્તી સારી નહિ રહેવાથી તે નોકરી તેમણે છોડી અને દસ વર્ષની નોકરીને હિસાબે પેન્શન મેળવ્યું. વાઘજીભાઈની શુદ્ધ રહેણી-કરણીથી આકર્ષાઈને મોરબીના મર્હુમ ઠાકોર સર વાઘજીએ તેમને હેમુભાના શિક્ષક તરીકે નીમ્યા. બે વર્ષ પછી નાટક મંડળીના કામને અંગે તેમણે એ નોકરી છોડી અને પોતાની જગ્યાએ મોટા ભાઈના પુત્ર મહાદેવભાઈની ગોઠવણ કરાવી. વાઘજીભાઈએ પોતાના નાના ભાઈ મૂળજી આશારામ ઓઝા, હરિશંકર માધવજી ભટ્ટ, જટાશંકર શિવશંકર પંડ્યા, ગોવિંદજી પ્રાણજીવન ભટ્ટ, કલ્યાણજી બેચર રાવળ અને ધનેશ્વર વિશ્વનાથ રાવળની સાથે રહી ભાગીદારીમાં સંવત૧૯૩૫ના અરસામાં “મોરબી આર્ય સુબોધ નાટક મંડળી" સ્થાપી હતી. મોરબીમાં શેઠની વખારમાં નાટક ભજવવાનું શરુ કર્યું અને પ્રજા તરાથી પ્રોત્સાહન મળતું ગયું. તે સમયે તરગાળા ભવાઈ રમતા અને રામલીલા થતી, પણ આ નાટકો બીભત્સતાથી દૂર રહીને પ્રજાને ઉપદેશ આપતા, તેથી લોકોને તેમાં રસ પડવા લાગ્યો. વાઘજીભાઈના બાળમિત્ર શેઠ વનેચંદ પોપટભાઈએ તેમને આર્થિક મદદ કરી અને પછી કંપની કાઠિયાવાડનાં મોટાં શહેરોમાં જઈ ખેલો ભજવવા લાગી. નાટકો ઉપદેશાત્મક હોવાને કારણે તેને સારો આવકાર મળ્યો. વાઘજીભાઈએ ‘સીતાસ્વયંવર,’ 'ઓખાહરણ', 'કેસરી પરમાર' નાટકો રચી આપ્યાં અને તેમની દેખરેખ નીચે તે ભજવાયાં. ભાગીદારો ઉમંગી હતા નાટકો રચાયા પછી પાત્રોની પસંદગી થતી અને તેને અનુરૂપ જ કામ સોંપાતું. આથી કંપનીએ થોડા સમયમાં સારી કીર્તિ સંપાદન કરી. નાટકનો ધંધો મોરબી આર્ય સુબોધ નાટક મંડળીનાં નાટકોને કારણે ઉપદેશકનો પવિત્ર ધંધો લેખાવા લાગ્યો. કંપનીના બધા ભાગીદારો શ્રીમન્ નૃસિંહાચાર્યજીના શિષ્યો હતા અને સારા આચારવિચારવાળા હતા તેની છાપ પણ પ્રજા ઉપર પડતી. વાઘજીભાઈએ નાનપણમાં વાઘજીકૃત ‘ઈશ્વરમહિમા' નામનું એક પુસ્તક કવિતામાં લખ્યું હતું. તે ઉપરાંત તેમણે નીચે જણાવેલાં નાટકો નાટક મંડળી માટે લખી આપ્યા હતાં. તે બધાં ભજવાયાં હતાં તથા તેમાંનાં કેટલાંક પૂરેપૂરાં પ્રસિદ્ધ થયાં હતાં. (૧) સિતાસ્વયંવર (સં.૧૯૩૪), (૨) દ્રૌપદીસ્વયંવર, (૩) રાવણવધ, (૪) ઓખાહરણ (સં.૧૯૩૬), (૫) ચિત્રસેન ગંધર્વ, (૪) પૃથુરાજ રાઠોડ (સં. ૧૯૩૭), (૭) કેદારસિંહ પરમાર, (૮) ભર્તુહરિ, (૯) ચાંપરાજ હાડો (સં. ૧૯૪૦), (૧૦) રાજસિંહ (વીરબાળા), (૧૧) સતી રાણકદેવી, (૧૨) જગદેવ પરમાર, (૧૩) ત્રિયારાજ, (૧૪) ત્રિવિક્રમ (સં. ૧૯૪૮), (૧૫) ચંદ્રહાસ, (૧૬) વિબુધવિજય. વાઘજીભાઈનું ધર્મ સંબંધી જ્ઞાન ઉંચા પ્રકારનું હતું. સ્વામી આત્મારામજી અને અચ્યુતાનંદજી સાથે તેમને પરિચય થએલો અને તે તેમને ગુરુ તરીકે માનતા. તેમણે હિંદનાં મુખ્ય તીર્થસ્થાનોની યાત્રા કરીને અનેક સાધુ મહાત્માઓનો પરિચય કર્યો હતો. શ્રીમન્ નૃસિંહાચાર્યજીનો સમાગમ પણ તેમણે સારી પેઠે સેવ્યો હતો. મોરબી કંપનીમાં રોજ ૨૫-૩૦ સાધુ જમાડવાનો રીવાજ હતો તેમજ ધર્માદા કાર્યમાં અનેક વખત તે નાટરની ઊપજ આપતા. પહેલાં તેમને લગ્ન કરવાની ઈચ્છા જ નહોતી એટલે નાના મૂળજીભાઈને તેમણે પહેલાં પરણાવ્યા. પણ પાછળથી ભાઇના તથા મિત્રોના આગ્રહથી તેમણે ૩૮ વર્ષની ઉંમરે ડુઆ (તા. ધાનેરા)ના રહીશ હેતા ત્રવાડીની પુત્રી કંકુબાઈ સાથે લગ્ન કર્યું હતું. તેમનું અવસાન વઢવાણ શહેરમાં ૪૬ વર્ષની વયે સંવત ૧૯૫૨ના પોષ વદ ૧૩ ને રોજ થયું હતું. તે પોતાની પાછળ વિધવા અને બે પુત્રીઓ મૂકી ગયા હતા. હાલ તેમાંનું કોઈ હયાત નથી. તેમને પુત્ર નહોતો તેમજ તેમના નાના ભાઈ મૂળજીભાઈને પણ પુત્ર નહોતો. આજે તેમના મોટાભાઈ ઈશ્વરભાઈનો પૌત્ર ભાઈ અમૃતલાલ વિદ્યમાન છે, અને સ્વ. મૂળજીભાઈનાં વિધવા વિદ્યમાન છે.

***