ચંદ્રહાસ આખ્યાન/કડવું ૧૦

From Ekatra Wiki
Jump to navigation Jump to search
કડવું ૧૦

[ચંદ્રહાસે નિશાળિયા અને ગુુરુ સમેત આખા રાજ્યને ભક્તિનો રંગ લગાડ્યો. આવા ભક્તિભાવવાળા ચંદ્રહાસે પછી પોતાના પરાક્રમથી આસપાસનાં રાજ્યો જીતી લીધાં. અને પોતાના રાજ્ય પર પ્રભુત્વ ધરાવનાર ધૃષ્ટબુદ્ધિને, પોતાના પિતાને અગિયાર વર્ષ સુધી ખંડણી ન આપવા દીધી. તેથી ખિજાઈને ધૃષ્ટબુદ્ધિ તેના રાજ્ય પર ચડાઈ કરે છે પણ એને યાચકોએ ખબર આપ્યા કે કુલિંદને પાંચ વર્ષનો પુત્ર વનમાંથી પ્રાપ્ત થયો હતો. મોટા થઈ એણે પોતાના પરાક્રમથી આજુબાજુનાં રાજ્યો જીતી લીધાં છે ત્યારે એને ખ્યાલ આવે છે કે હું હવે બળથી એને પહોંચી શકીશ નહીં એટલે મનમાં સમસમી એને કપટથી મારી નાખવાની યુક્તિ વિચારતો ધૃષ્ટબુદ્ધિ ચડાઈ કરવાનું માંડી વાળીને કુલિંદના રાજ્યમાં આવે છે.]


રાગ : મારુ

નારદજી એમ ઊચરે : સુણ, હસ્તિનાપુર-રાજન રે;
ચંદ્રહાસ પ્રત્યે નિશાળિયાને અંતર ઉપન્યું જ્ઞાન રે.         

અધ્યારુ અમથો રહ્યો, કીધો ચંદ્રહાસનો સંગ રે;
પાટી-પાટલા પછાડ્યા પૃથ્વી, લાગ્યો રામ સંગાથે રંગ રે.         

ઢાળ


રામ સંગાથે રંગ લાગ્યો સર્વને અંતરમાંય;
સુતની વિદ્યા સાંભળીને હૈડે હરખ્યો રાય.         

હરિકીર્તન મંદિર મંદિર, મુખે કહે ‘મહાવજી’ નામ;
દેહદમન હરિભજન, વૈષ્ણવ કીધું બધું ગામ.         

એમ કરતાં પુત્ર પ્રૌઢ થયો, રાજરીત સર્વે લીધી;
પૃથ્વી ગઈ ધર્મના ધામમાં, દિગ્વિજે ત્યાંહાં કીધી.         

જીતી સર્વે વશ કીધા દેશદેશના રાય;
છત્ર ચામર ધન આપી લાગે કુલિંદને પાય.         

પછે ચંદ્રહાસે યજ્ઞ કરીને આપ્યાં ભિક્ષુકને દાન;
ભાટ ચારણ બંદીજન ગુણી સંતોખ્યાન રાજન.         

એહવે કૌંતલપુર વિષે પ્રોહિત[1] ધૃષ્ટબુદ્ધિ જેહ;
એક દહાડે તે અહંકારી, અંતર વિચાર્યું એહ;         

‘દેશદેશાંતરના રાજા જીતીને વશ કીધા;
છત્ર ચામર ધન લેઈને, દંડ તેહને દીધા.         

કૌંતલ દેશ તણો જે રાજા, કુલિંદ એવું નામ;
અગિયાર વરસ વહી ગયાં, નથી અપ્યો એકુ દામ.          ૧૦

વાંઝિયો થયો અહંકારી, હવે દેઉં એને શીખ,
નગ્ર એનું લેઉં લૂંટી, કરું માગતો ભીખ.          ૧૧

એવું વિચારી મહારાજએ, સેન તત્પર કીધું;
ફરફરે ધ્વજ ને હસ્તી હલકાર્યા,[2] દુષ્ટે દુંદુભિ દીધું.          ૧૨

ધૃષ્ટબુદ્ધિ કહે જોદ્ધાને ‘એનો દેશ કરો નરેડાટ.’
એહવે સમે સામા મળ્યા બંદીજન ને ભાટ.          ૧૩

તેણે પુરોહિતની પાસે આવી ચંદ્રહાસ વિખણ્યો;
કુલિંદનો કુંવર મહાપ્રાક્રમી પછે પાપીએ જાણ્યો.          ૧૪

ધુષ્ટબુદ્ધે બંદીજનને પૂછિયો સમાચાર :
‘દાસ મારો વાંઝિયો હુતો કાંહાં થકો તેને કુમાર?’          ૧૫

જાચક કહે : ‘સાંભળિયે સ્વામી, કુલિંદ નામે રાજન;
એક દહાડે મૃગયા રમવા, નીસર્યો હુતો વન.          ૧૬

સાંરગ વળતો ગયો નાસી, ઊભો રહ્યો ભૂપાળ;
આરત નાદે દ્યામણો સરખો રોતો સાંભળ્યો બાળ.          ૧૭

કોયે કાપી આંગળી પગની, પુત્ર પૃથ્વી પડિયો;
ચંદ્રવદન જેનું તે કુલિંદને પુત્ર જડિયો.          ૧૮

અશ્વથી ઊતરી રાજાએ તે બાળક હૃદયાશું લીધો.
વાંઝિયો ટાળ્યો વિશ્વંભરે, પુત્ર આપી પનોતો[3] કીધો.          ૧૯

તે રાજાએ આપિયું તેને સરવે રાજધાન;
પ્રથવી-તળમાં નવ મળે તે સરખો કો બળવાન.          ૨૦

યજ્ઞ કરીને ચંદ્રહાસે આપ્યાં ભિક્ષુકને દાન;
તે પાસેથી અમો આવું છું, તમ પાસે રાજાન.’          ૨૧

એવું સાંભળી પુરોહિતને અંતર અગ્નિ લાગ્યો;
સાંભર્યો દાસીનો નંદન, ભાલો હૃદેમાં વાગ્યો.          ૨૨

વલણ


વાગ્યો ભાલો વહ્‌નિ લાગ્યો, પાપીના હૃદે વિખે રે;
‘કાંઈ કપટે મારું એને, તો રાજ હું કરું સુખે રે.’          ૨૩




  1. પ્રોહિત
  2. હલકાર્યા – આગળ ચલાવ્યા
  3. પનોતો – માનીતો