ચાંદનીના હંસ/૨૯ પથ્થર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પથ્થર

સ્તનથી છૂટી પડેલી ડીંટડી જેવો
કથ્થાઈ રંગનો પાસાદાર
આ પથ્થર.
લિસ્સો અને કઠણ,
એની ટોચ ઉપર
આંગળીનું ટેરવું મૂકતાં જ
ફૂલનાં ઝૂંડ ખીલી શકે.
અને બંધ હથેળીમાંથી નિચોવાય
બ્રેસીયરના પોલાણનો અવકાશ.
રેબઝેબ મુઠ્ઠી ઉઘાડતાં જ
આ પથ્થર
સમુદ્રમંથનમાં મળી આવેલ ચળકતું મોતી.
ધારો તો એના કાંકરા જેવા કદ ઉપરથી
ઝગારા મારતી ખાણ
કે કોઈ ખડકાળ ઊંડી ખાઈનો અંદાજ મેળવી શકો.
જેની ઉપર પટકાઈ પટકાઈ
માણસે
મેળવી છે લિસ્સી પાસાદાર સપાટી.
એ પર આંગળી ફેરવી રમી શકાય,
ઊડી પણ.
અને મહાકાય લપસણા પહાડ પરથી
એક નમૂનેદાર કણી
ચૂંટી પણ શકાય.

૯-૮-૮૦