ચાંદરણાં/અફવા
Jump to navigation
Jump to search
18. અફવા
- અફવા ‘ચાલે છે’ કહેનારો ખરેખર અફવા ફેલાવે છે કારણ કે તે તો ઊડતી હોય છે.
- એક અફવાને કેટલા બધા કાન મળે છે!
- પોલી અફવાનાં પરિણામ કેવાં નક્કર હોય છે.
- અફવાની ઉજાણીમાં આખું ગામ જોડાય!
- અફવાની ગતિ જોતાં પ્રકાશની ગતિ અફવા લાગે છે.
- અફવાની ગતિના માઈલેજ ગણી શકાતા નથી.
- અફવા નિરાધાર હોય છે પણ નિઃસહાય નથી હોતી.
- આ અફવા તો પવનને પણ દિશા આપે છે.
- ‘અફવા’ ન હોત તો પુરુષ જન્મ આપનાર ન બની શકત!
- અફવાનું કુળ એટલું ઊંચું હોય છે કે બ્રાહ્મણ પણ તેને અસ્પૃશ્ય નથી માનતો.
- માણસમાં રહેલો ભય અફવાની સફળતા નક્કી કરે છે.
- અફવા હોય છે ધુમ્મસ પણ ઘડીવારમાં તે રેતીનું તોફાન બની જાય છે.
- સત્યને એક માણસ નથી મળતો, અફવાને ટોળાં મળે છે.
- અંગત જૂઠનું સામૂહીકરણ એટલે અફવા.
- અફવા બાબતે માણસોમાં ‘એકતા’ હોય છે!
- અફવા હોય છે ગાજરની પીપુડી, પણ તે બ્યૂગલ બની જાય છે!
- અફવાને માત્ર એક જ કાળ હોય છે, વર્તમાન!
- અફવા ફેલાવનારો કદી નિરાશ થતો નથી!
- અફવા છાપ વગરનો એવો ખોટો સિક્કો છે, જે જોતજોતામાં ચલણી થઈ જાય છે!
- મહાન હોવાની અફવા પોતે જ ફેલાવવી પડે!
- અફવાની ભૂમિ સૌથી વધારે ઉપજાઉ હોય છે!
- દેવદૂતની જેમ અફવાને પણ પાંખ હોય છે!