ચાખડીએ ચઢી ચાલ્યા હસમુખલાલ/૪

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૪:

‘શા વિચારમાં પડી ગયા. સાહેબ?’ અજયે ‘વ્હીસ્કી’ની નાનકડી અર્ધી ખાલી થયેલી બેટલને ઊંચકી ને વિચિત્ર નજરે એની સામે જોઈ રહ્યો ને હાથને જોરથી ઘુમાવી એણે ‘બોટલ’ને સાબરમતીના પાણીમાં પધરાવી દીધી. ‘તમે વડીલ, ગયે વખતે સંસ્કારની કંઇક વાત કરતા હતા, બહુ મોટી વાત કરી હતી તમે. હું આપની સાથે સંપૂર્ણ સહમત થાઉં છું.’ (મેં થોડોક જ પીધો છે. થોડા ઉશ્કેરાટમાં છું એટલું જ બાકી સ્વસ્થ છું, સંપૂર્ણ સ્વસ્થ છું, સાહેબ તમે જોઈ શકો છો..) આ મારા સંસ્કારનું પ્રતીક... મારે નહોતું કહેવું. તમને વાત પ્રગટ કરી દેવી એટલે અહં ઉપર હથોડીના ઘા લગાવવા. જાણો છો. જાણો છો, હ...હ...હસમુખલાઆલ... (તમારું નામ હું જાણું છું–જાણી ગયો છું, વડીલ-હસમુખલાલ સાચું ને? તમે જ કહી દીધું છે યાદ છે, તમે એકવાર કહેલું, ‘હું જાતે હસ મુખ છું. પણ હવે દોસ્ત, મારું આ મુખ હસતું રાખી શકતો નથી. ક્યારેક રાખવું પડે છે મોઢું હસતું... પણ દોસ્ત, એનો બહુ શ્રમ પડે છે હું તો... હરામ હાડકાનો એશઆરામી જીવ છું ને જંજાળોથી એવો ઘેરાયેલો છું... જાત ઉપર થોડું હસી લઉં છું ક્યારેક, આવડી ગયું છે મને ને કદીક મન મનાવું છું કે હસમુખ સાચો.’). જાણો છો હસમુખરાય (રાય મજાનું રહેશે, યાર). મારા પિતા પાસે એટલો બધો પૈસો છે. પૈસાની ફિલસૂફી વિષે મેં ઘણું ઘણું વિચાર્યું છે. તમે પૈસાને સ્પર્શો એટલે સમજાય કે આ કેવું અનિવાર્ય અનિષ્ટ છે. ‘ઇવિલ’ સાહેબ...હું સત્ય કહું છું... પૈસો જડ વસ્તુ નથી સાહેબ…તો મારા પિતા નાકથી પૈસો પરખી શકે છે ને એમનું નાક બહુ તીવ્ર છે. હું કહેતો હતો કે મારા પિતાએ એટલો બધો પૈસો ભેગો કર્યો છે-તમે બૅન્કમાં કામ કરો છો ને, સાહેબ, તો ય ચોક્કસ આંકડો જાણીને તમે છળી મરશો. અમદાવાદમાં જે થોડા લાખોપતિઓ છે એમાં મારા ‘ડેડી’નું મોભાભર્યું સ્થાન છે. મારા ડેડી કેડીલેક ચલાવે છે–ડેડી મોઢામાં પાઈપ રાખી ગ્રાન્ડ બ્લ્યૂ કેડીલેકમાં ફરે છે ને મને ફેરવે છે. સ્કુટર તો હું શોખનું ફેરવું છું—ડેડીને ચીડવવા. મારી પોતાની બીજી ગાડી છે-ફિઆટ. તમે ફિઆટની સહેલ માણી છે? ફેરવીશ તમને મારી ફિઆટમાં...જરૂર હોં, સાહેબ’ અજ્ય શાહે મોઢામાંથી પાઈપ કાઢી નાંખી, ઇટાલિયન પૅન્ટના ગજવામાં મૂકી દીધી. ને હસમુખલાલના બીડીના ઝૂંડામાંથી એણે બીડી ખેંચી ને બંન્નેએ સળગાવી જાન્યુઆરીની રાત. ઠંડીનો ચમકારો વધતો જતો હતો. દૂધેશ્વરની રેતાળ ભૂમિ લગભગ ભેંકાર થઈ ગઈ હતી. ક્યાંક ચૂપચાપ ઓળાઓ રેતીમાં પગલાં પાડતા હતા. ‘નાનપણમાં, યાદ નથી ક્યારે. પણ પાંચેક વર્ષનો હોઈશ ને મારી મા ગુજરી ગયેલી. ને ઘરમાં ડેડીની બહેન... મારી ફોઈ થાય ને? બડી બદમાશ હતી એ બાઈ. એ બાઈએ મને ઉછેરેલો. સગા ભાઈના પૈસા ઉપર એની નજર મંડાઈ રહી છે. નાનપણમાં આ ફોઈએ મને ઓછું દુઃખ નથી આપ્યું. બડી બદમાશ છે એ બાઈ. મારી સગી ફોઇ, ડેડીની બહેન... પણ જવા દો એ વાત...હું તો સંસ્કારની તમારી વાતમાં તમને ‘થ્રી ચીઅર્સ’ આપું છું. મારા ડેડી પીએ છે, જાલીમ પીએ છે, સાહેબ. માત્ર પીતા નથી. અમારે બંગલે ચાર ટાઈપીસ્ટ છોકરીઓ, બધી જ યુવાન, હોં સાહેબ, રાતના આઠથી અગિયારની સર્વિસ ઉપર આવે છે. ચારેયના પગારો પાંચસેથી એાછા નથી ને મહિના-બે મહિનામાં ચહેરાઓ બદલાયા કરે છે. તાજા, કુમળા ચહેરાઓનું મૂલ્ય ડેડી મૂલવી જાણે છે. આપ તો સમજદાર છે, બધું સમજી લેશો... મારી ફોઈની દુષ્ટ જીભ તમે જોઈ નથી, સાહેબ, ધારે તો તમને ઘડીભરમાં ઊભા ને ઊભા સળગાવી દે, એટલું ઝેર એ બાઈની નસોમાં ભર્યું છે. નાનપણમાં આટલું ઝેર મેં કેમ પચાવ્યું હશે... મારા ડેડી પીધેલા હોય ત્યારે આ દુષ્ટ બાઈ એમને ‘ભાઈલ’ ‘ભાઈલા’ કહીને પૈસા પડાવી લે છે મારા ડેડી મૂર્ખ છે મહામૂર્ખ છે. પીએ છે ત્યારે— આ ફિલસૂફી ભણવાનું મેં એમની ઉપરવટ થઈને લીધેલું. એમની તો ઇચ્છા હતી હું એમના મોભાને શોભે એવો એન્જિનિયર થાઉં ને તુરત સ્ટેટ્સ કે જર્મની જાઉં. ને ફોઈએ બતાવેલી એના જેવી કોઈ દુષ્ટ છોકરીને પરણી લઉં, જરા પ્રતિષ્ઠિત બનું ને એમની આ અઢળક મિલકતનો વારસો મેળવવાને લાયક બનું. ને લાયકાત એટલે? જમાનાનો-અમદાવાદી જમાનાનો એક ખાધેલ–પીધેલ નબીરો બનું. બસ, ત્યારથી જ મારે મારા ડેડી સાથે ઘર્ષણ શરૂ થઈ ગયું. સગો બાપ, ઘૂરક્યા કરતો છતાં ક્યારેક પૈસા આપીને વત્સલ હોવાને દાવો કરતો. ફિલસૂફી સાથે બી_એ. ને એમ. એ. થયો છું. બંનેમાં મારે પ્રથમ વર્ગ છે. હું મારી રૂમમાં બેસી અભ્યાસ કરતો હોઉં ત્યારે એમની કોઈ ટાઈપીસ્ટ છોકરી આવીને મને ચિઠ્ઠી આપી જાય-ડેડી આમ ઘરમાં ને ઘરમાં પણ ચિઠ્ઠી લખીને મારી સાથે વ્યવહાર રાખતા. સગા બાપને દીકરા સાથે મોઢામોઢ વાત કરતા નાનમ લાગવા માંડી હતી. ચિઠ્ઠીમાં લખ્યું હોય : ડોન્ટ બી એ બૂક-વર્મ, ગેટ યોરસેલ્ફ આઉટ ઈન ધ વર્લ્ડ... ને સગા બાપે પછી ઉમેયું હોય : એન્જોય ધીસ ફેર ગર્લ ઇફ યુ પ્લીઝ. આ ચિઠ્ઠી જોઈને હું જાણી જાઉં કે પીધેલી અવસ્થામાં કોઈએક છોકરીને એમની દીકરી તો મારી બહેન થવાને લાયક એવી છોકરીને-ખોળામાં બેસાડીને... હું જાણું છું સાહેબ, ઝાઝું નહિ કહું. તમે સમજદાર આદમી છો. ને સગા બાપ વિષે આમ કહેવું... મને તો તમારી સંસ્કારની વાત યાદ આવે છે, ત્યારે થાય છે કે આ અમારા કુટુંબ વિષે ફેલાયેલી એક લોકવાયકા કદાચ સાચી હશે. મારી મા, એનો ફોટો મારી રૂમમાં છે, પરમ શ્રદ્ધાળુ ને સરળ એવી ભલીભોળી સ્ત્રી હોવી જોઈએ. મારા ડેડીની જાહેજલાલી ને રંગીન આદતોને એ સરળ ને ગરીબ સ્વભાવની સ્ત્રી-મારી મા નહિ પોષી શકી હોય. ખબર નથી, વાત ખોટી જ હોવી જોઈએ, સાહેબ... લોકવાયકા ખોટી જ હોવી જોઈએ, સાહેબ, કે મારી માના અકાળ મૃત્યુમાં મારા ડેડીનો હાથ હતો. રિબાઈ રિબાઈને મરવા કરતાં આવું અકાળ મૃત્યુ... અહીં આ દૂધેશ્વરની સ્મશાનભૂમિમાં, ત્યારે હું માંડ છ વર્ષનો હોઈશ, મેં એને ભડભડ બળતી જોઈ છે. પણ પેલી વાત, તમે શું માનો છો વડીલ? આ લોકવાયકા ખોટી જ હશે ને? ખોટી જ હોવી જોઈએ. મારા ડેડીએ એને...’ અજયના ચહેરાની કુમળી રેખાઓ તપાવેલા તાંબાની જેમ લાલ બની ગઈ હતી. હસમુખલાલે બીડીને દમ ખેંચ્યો. અંધારાને વીંધીને અગ્નિનું અજવાળું અજયની બે આંખો ઉપર પડ્યું ત્યારે એમને લાગ્યું કે અજયની એક આંખનો ડોળો ખુન્નસથી બહાર ધસી આવ્યો છે તો બીજી આંખનો ડોળો... કશીક નિ:સહાયતાથી અંદર ઊંડે ઊંડે ધસી ગયો છે. હસમુખલાલ ધીરેથી બબડી રહ્યા : ‘સાળુ નાટક જોઉં છું કે શું? બધું વેંત વગરનું, નહિ ધારેલું ફૂટી નીકળ્યું...’ ‘તમે શું કહ્યું સાહેબ? તમે ધરતીકંપને અનુભવ કર્યો છે... ધરતીકંપ? શેકસ્પિયરે એની નાડ ઉપર ઘણું ધરતીકંપ અનુભવ્યા હશે... હ..હ...હ એનાં નાટકો... એણે અનુભવ્યાં નહીં, કદાચ જીરવ્યાં ય હશે.’ કહી અજય ગીડ-ગીડ-કરતાં હસવા લાગી ગયો ને અચાનક અટકી ગયો, કલાકના સો માઈલની ઝડપે ફેલાયેલા હાસ્યને એક જબરજસ્ત બ્રેક વાગી ગઈ, ને... ‘ધરતીકંપ તો માનવીના હૈયામાં ને મનમાં ક્યાં ઓછા થાય છે, હસમુખરાય. પણ જવા દો એ વાત... પચ્ચીસ વર્ષમાં એક અફવાએ મારો તો ટોટો પીસી કાઢ્યો છે. ને એ અફવા જો એક હકીકત.. એક સત્ય પુરવાર થશે તો હું શું કરીશ. જાણો છો, સાહેબ..હું શું કરીશ-કલ્પી શકો છો?’ અજયની વાત સાંભળીને કે પછી શીત પવનની એક લહેરખીને કારણે હોય-હસમુખલાલને ધ્રુજારી આવી ગઈ. અજયે ખુલ્લા હાથની આંગળીઓ લંબાવીને રેતીના બાચકા ભરી, અસહાય બની મુઠ્ઠીઓ વાળી ને રેતીના કણોને દબાવી-ભીંસ દઈ દીધી. એની મુઠ્ઠીમાંથી રેતી સરકી ગઈ... ‘મારી કૉલેજના રજિસ્ટરમાં મારા ડેડીનું અસ્તિત્વ નથી. મારા નામ પાછળ એ ભૂતની જેમ પણ જીવી ના શકે. કૉલેજનું રજિસ્ટર, આપ જોઈ શકો છો. એમનું નામ હું આપની આગળ પણ લેવા માંગતો નથી. હું અજયકુમાર શાહ છું ને એ રીતે જ જીવવા માગું છું- એ. શાહ. ‘મારા ડેડીની ભાષામાં ‘અજ્ય નાલાયક ને વેદિયો નીકળ્યો… ફિલસૂફી ને કવિતા જેવી મુફલિસ વાતમાં અટવાઈ ગયો.’ ‘છેલ્લાં બે વર્ષથી આ વાત એમના મોઢે ઘણાંને સાંભળવા મળી છે ને મારી ફોઈને આમાં જ એક મોટી આશા બંધાઈ છે. મારું કાસળ આ ઘરમાંથી નીકળી જાય તો ડેડીની મિલકત ભોગવનાર એના ત્રણ દીકરાઓ તૈયાર ઊભા છે. ડેડીના અવસાન સમયે આ ત્રણ દેવદૂતો એમની આગળ ઊભા હશે. પણ મારા ડેડી કાચી માટીના માણસ નથી, સાહેબ, બધું સમજે છે. બધું જ સમજે છે. હજુય કોઈ વાર મને એમની પાસે બોલાવે છે ને એ બધું સમજાવવા કોશિષ કરે છે, હવે કહે છેઃ ‘તારી ફિલસૂફી સાથે તને સ્વીકારવા હું તૈયાર છું. પણ આ બધો વેપાર...તારે શું જોઈએ છે આખરે? જિંદગીમાં તને આ ફિલસૂફી કે કવિતા-કશું ઉપયેગમાં નહિ આવે– તું અજય, થોડાં વર્ષ પરદેશ ફરી આવ, દુનિયા જોઈ આવ-તારી રીતે, બીજી કોઈ જવાબદારી સ્વીકારીશ નહિ.’ ગઈ કાલે આ વાત નીકળતાં એમણે મને ‘ડ્રામેટિક’ અપીલ કરી, સાહેબ. મારા ડેડી કેટકેટલી કળામાં પાવરધા છે ને કઇ માટીના માણસ છે એ હું કે તમે શું કોઈ પામી શકે એમ નથી. ‘લે, અજ્ય’ કહેતાં, મારો ખભો થાબડી એમણે મારા હાથમાં એક ચેક મૂકી દીધો પચીસ હજારનો! ને મારો હાથ ખેંચી. હથેળી ઉપર ચેક મૂકી, એની મૂઠી વાળી એમણે મને ફરીથી થાબડ્યો. ‘માય ડીયર બોય...’ -ને આ ચેક હાથમાં આવતાં, આજે બે વર્ષ પછી મારે આ વ્હીસકીનો આશરો લેવો પડ્યો છે. આ ચેક મેં હાથમાં લીધો. ને એને મુઠ્ઠીમાં કલાકો સુધી સાચવી રાખ્યો. અત્યાર સુધી હું મારી પૈસાની ફિલસૂફી ઉપર મુસ્તાક હતો. હું માનતો હતો કે, આવા એક નહિ, પણ અનેક ચેકને મારી ફિલસૂફીની એક ફૂંકથી ઉડાડી દેવાની મારામાં શક્તિ છે. પણ નહીં...નહીં સાહેબ, નહીં... આ રહ્યો એ ચેક, હજુ હું એને પંપાળ્યા કરું છું. મને લાગે છે કે, અજયકુમાર શાહનું હવે ટૂંક સમયમાં જ અવસાન થશે. લાવો, છેલ્લી બીડી ફૂંકી લઈએ.

પંદર મિનિટનું ઘેરું મૌન છવાઈ ગયું. છળી પડેલા હસમુખલાલમાં એક નવી પ્રજ્ઞાની વેલ પાંગરી રહી હોય એમ એમનું મન જુદી જુદી ભૂમિકાઓ વટાવવા લાગ્યું. કશુંક સમજાતું હતું, ક્યાંક અધૂરું રહી જતું હતું. વચ્ચે એમણે ચિત્તસમગ્રથી બધું સાંભળ્યું હતું, તો ક્યાંક એ બીજે જ ખોવાઇ ગયા હતા. હસમુખલાલે ઝડપથી વિચારવા માંડ્યું ને વિચારી કાઢ્યું: સગો બાપ દીકરાના આત્માને ખરીદવા બેઠો છે. એ ખરીદી દીકરાએ માન્ય રાખવી? કે બાપને તરછોડી આ ચેકને સાબરમતીમાં પધરાવી દેવો? એક નવો જ પ્રકાશ, એક નવી જ ભૂમિકા ઉપર હસમુખલાલ ફરવા માંડ્યા. આજ સુધી અજાણ એવી અનોખી પ્રજ્ઞામાં હસમુખલાલનું મન પ્રવેશતું હતું. ‘કેમ અચાનક ચૂપ થઈ ગયા, સાહેબ? નારાજ થઈ ગયા? આ વ્હીસકીને હું ફરીથી નહિ અડકું. ને હું તમારા જેવા મુરબ્બીની સલાહ માંગું છું. ‘અજયકુમાર શાહ ફોર સેલ’નું પાટિયું મુકાઈ ગયું છે. અને બુદ્ધિ ને પ્રતિભા ને ફિલસૂફીનું જ્ઞાન હોવા છતાં હું વેચાવાનુ પસંદ કરીશ? ના-ના મુરબ્બી એવી સલાહ ના આપશે. કંઈકે બોલો સાહેબ, ચૂપ ન થઈ જશો. આપ અનુભવી છો. ને આ તો મારા જીવનની એક એવી પળ છે... તમારી સંસ્કારની વાતમાં મને ખૂબ રસ છે, સાહેબ, કહો હું શું કરીશ? મારે શું કરવું જોઈએ? આવતી કાલે હું એવો નિર્ણય લઇશ કે ‘યસ ડેડી,’ ને આ ચેક વટાવી બોઇંગ ૭૦૭માં, અનેક ફૂલહાર ઝીલતો હું સ્ટેટ્સ જવા રવાના થઈશ કે પછી એકાદ નાના ગામડામાં ગરીબ કૉલેજમાં, ગરીબ પ્રાધ્યાપક બની, એકાદ ગરીબ-સંસ્કારી છોકરી સાથે લગ્ન કરી... શું કરીશ હું આવતી કાલે, સાહેબ? વકતૃત્વ હરીફાઈનાં ઈનામો, નાટકનાં ઈનામો, ચર્ચાસભાના પ્રશંસા-ઉદ્ગારો ને એમ. એ.નું વિશેષ યોગ્યતા સાથેનું પ્રથમ વર્ગનું સર્ટિફિકેટ ને બીજા ચંદ્રકોને જાહેર લિલામ માટે મૂકીશ? સ્ટેટ્સ જતાં પહેલાં આ કામુ, કૃષ્ણમૂર્તિ ને સમાજવાદી ઘોષણાના દંભનું પ્રતીક હું બનીશ જઈશ? શેકસ્પિયર તો આપે કોઈ કાળે વાંચ્યો હશે. હેમ્લેટની ‘ટુ બી એર નેટ ટુ બી’ની વ્યથાને હું સાક્ષાત્કાર કરી રહ્યો છું. મારામાં હેમ્લેટ ઊગી રહ્યો છે...પચીસ હજારને ચેક, કેડીલેક, ડેડી સાથેનું સમાધાન ને સુંદર છોકરીએ... હું મર્યાદા જાળવીશ, છતાં કહી લેવા દે કે હું અત્યાર સુધીમાં મન ફાવે એ છોકરીને ભોગવી શક્યો હોત. એને બદલે ‘સેક્સ’ને ‘પ્રેમ’ની મારી આગવી ફિલસૂફી... મારી પોતાની વ્યાખ્યાઓ...મારી અંગત માન્યતાને આકાર આપવામાં જ મેં આટલાં વર્ષો વિતાવી દીધાં— આપ સાહેબ મૌન ન રહો. આ નાટક નથી. એના પ્રેક્ષક માત્ર ન બનો. વિનંતી કરીને કહું છું કે એક મુરબ્બી તરીકે મને ઉગારી લ્યો. નસીબમાં હું માનતો નથી. નસીબને આધારે આ પ્રશ્ન મુકાય એવો નથી. મારી ઈચ્છાથી મેળવી શકાતી મારી મુક્તિનો આ પ્રશ્ન છે. પણ મને સંસ્કારની વાતમાં રસ છે. મારા લોહીમાં જેનું લોહી ભળ્યું છે એવા મારા ડેડીની નૈતિક અધઃપતનની જાળમાં હું લગભગ ફસાઈ ચૂક્યો છું. બહુ ગણતરીબાજ છે મારા ડેડી. ને બુદ્ધિશાળી પણ એટલા પ્રખર છે. જાણે છે કે એમનું જ થોડું લોહી મારી રગોમાં વહે છે... એમણે એ લોહીને જ પડકાર્યું છે. અજય શાહનું અવસાન એમની આંખના એક સૂચિત પલકારામાં જ સમાયું છે. ‘તમે ન બોલવાનું પસંદ કરો છો, સાહેબ? મને માન્ય છે. કદાચ મારો ‘ક્રોસ’ મારે જ ઉઠાવવાનો છે, કબૂલ કરું છું, કદાચ આ બધું નાટક તમને લાગતું હશે. આપ બૅન્કમાં કામ કરો છો ને?’ ‘જુઓ’ અજયે એના પૅન્ટના પાછળના ગજવામાંથી પાકીટ કાઢી ચેક હસમુખલાલ આગળ ધર્યો. ‘જુઓ સાહેબ, આ આંકડો વાંચો, આ બૅન્કનું નામ જુઓ. હું પીધેલો નથી. નાટક નથી કરતો.’ હસમુખલાલના શરીરમાં લોહી ઝડપથી પરિભ્રમણ કરવા માંડ્યું. ચૂપચાપ એમણે હાથની એક આંગળી વડે જાતને ચીમટી ભરી જોઈ. એ કોઈ અલૌકિક એવી ભૂમિકામાં નહોતા જ. વાઘરીઓનું ટોળું સાબરમતીમાં સ્નાન કરી પાછું જતું હતું, એક નશ્વર દેહ બળી ચૂક્યો હતો. જાન્યુઆરીની રાત અમદાવાદમાં ચમકીલી ને ઠંડી હોય છે. બન્ને જણ ઊઠ્યા. ચૂપચાપ. ને ચેહના બુઝવા આવેલા અંગારા આગળ હાથ ફેલાવી હૂંફ લેતા ને તાપતા બેસી ગયા. ‘વ્હીસ્કી’ પીધા વગર હસમુખલાલનું મગજ ધમધમ થઈ ગયું હતું. ચેહ બળી રહી હતી. હવે તો જીવનની અનેક અધૂરી એષણઓની રાખ પડી હતી. એની હૂંફ ને ગરમાવો હસમુખલાલ બીડીની હૂંફ સાથે માણી રહ્યા હતા. હસમુખલાલ હજુ મૌન હતા. સ્તબ્ધ હતા. ફરી એક વાર ધીરેથી એમણે બંડીમાં હાથ નાંખી ડાબે પડખે એક ચૂંટી ખણી લીધી. આ કોઈ સ્વપ્નભોમકા તો નથી ને એની ખાતરી કરી લીધી. ને સાથે પેલા યુવાનને સ્પર્શી જોવાને બહાને એમણે એમને જમણો હાથ ફેલાવી એને આશ્વાસન આપતા હોય એવી રીતે હાથથી થાબડી લીધો. એનું અસ્તિત્ત્વ એ લોહી-હાડકાં જેવી સ્થૂળ ને નક્કર હકીકત હતી. મગજની શિરાઓમાં ‘લોહી ધમધમ કરતું ભરાયું હતું. ને અજયે કહ્યું : ‘સાહેબ, એક છેલ્લી વાત કહેવા માંગું છું.’ ચેહની રાખમાંથી એક બળતો તણખો હવાના ગુબ્બારામાં ઊડવા માંડ્યો, ‘હું આ ચેક વટાવીશ તો પચીસ હજાર રૂપિયા તમારા હાથમાં મૂકીશ. તમને આપી દઇશ. હું મુક્તિ મેળવીશ. આ પૈસા આપ સ્વીકારજો... સ્વીકારશો ને?’ વીજળીનો પ્રવાહ અડક્યો હોય એમ હસમુખલાલ ઊભા થઈ ગયા. એમને ધીરેથી હાથ પકડી અજયે બેસડ્યા, ‘લાવો, સાહેબ, બીડી.’ કહી એમની પાસે નિરાંતે બેઠો-જાણે એ પેલી વાત બોલ્યો જ નથી, બંનેએ બીડી સળગાવી. ‘હું હવે પૂરતો સ્વસ્થ બની ગયો છું ને સોગંદપૂર્વક કહું છું કે આ પચ્ચીસ હજારની જરૂરિયાત મારે નહિ, સાહેબ, તમારે છે ને એ તમારે સ્વીકારવા જોઈએ. આપ સ્વીકારશો ને? મધ્ય વર્ગના એક માનવીની સમસ્યા ઉકેલવાનો મોકો મને મળ્યો છે, એમાં તમે નિમિત્ત બનો, હસમુખરાય.’ હસમુખલાલ ફરીથી ઊભા થઈ ગયા. અજય બોલતો રહ્યો : ‘હસમુખરાય, આમાં તમારીને મારી એમ બે માનવીની સમસ્યા ઊકલી જશે. આ પચીસ હજાર તમારા હાથમાં મૂકીને હું દૂર દૂર ચાલ્યો જઈશ, જ્યાં મારા ડેડીનો પડછાયો પણ ન પડે. મારું જીવન કેડીલેક ફેરવવામાં કે પૈસા કમાવવામાં કે અર્થહીન એવી પ્રવૃત્તિમાં હું વેડફી નાખવા માંગતો નથી. જીવનના અર્થસભર સ્તર ઉપર હું જીવવા માંગું છું. જ્યાં પળેપળે જિવાતા જીવનની સજાગતા હોય. ડેડીનું જીવન હું જોઈ રહ્યો છું–વાહિયાત ને અર્થહીન એ જીવન છે. હું આ રસ્તે જવા માંગતો નથી. ને તમે...તમને જ્યાં સુધી આટલા પૈસા એકી સાથે નહિ મળે ત્યાં સુધી સતત એક જ ચક્કીમાં, એક જ ઘરેડમાં પિસાતા રહેશો. ‘સંસ્કારી’ થવા મારે આ પૈસાનો ત્યાગ કરવાનો છે ને તમારે પૈસા મેળવવાના છે. આપણે જુદા પડવા જ ભેગા મળી ગયા છીએ. મજાક મારી આદત નથી, સાહેબ.’ અજયના અવાજમાં એક નિતાંત માધુર્ય છલકાઈ રહ્યું. રેતીના કણો જાણે સુખની સ્નિગ્ધ ને ઋજુ લાગણી હોય એમ હસમુખલાલ ઊભા ઊભા પગથી રેતીને પંપાળવા લાગ્યા. પણ બીજી જ પળે એક ક્રૂર મશ્કરી...સુખના એક વીંછીનો ડંખ જાણે એમણે અનુભવ્યો. એમણે બીડી ફેંકી દીધી ને બોલી પડ્યા : ‘ભાઈલા, હું ગરીબ હોઇશ પણ મારી આવી ક્રૂર મશ્કરી... બનાવટ... નહીં, દોસ્ત, આવું તને ના શોભે. તું આ પચીસ હજાર...’ અજે એમને બોલવા ન દીધા, ‘મેં સોગંદ લીધા છે. સાહેબ, મારા શબ્દ ઉપર વિશ્વાસ રાખો. આ પૈસા ઉપર મારો પૂરો અધિકાર છે ને આ પૈસા હું કોને આપું છું, કેમ આપું છું એની સંપૂર્ણ જવાબદારી મારી છે. આપ નિશ્ચિંત રહો. હું તો હજુ માંડ પચીસની ઉંમરનો છું, પણ તમારું આખું જીવન જો આ એક ચેક ને એમાં લખેલા આંકડાથી ભર્યું ભર્યું, સમૃદ્ધ ને સંસ્કારી થઈ જતું હોય તો એના જેવો આનંદ…પણ આમાં મારો ય સ્વાર્થ છે, એ સ્વાર્થ વ્યક્તિગત મોક્ષના સ્વાર્થ જેવો છે. તમને પૈસા આપીને હું બચી જઈશ. એ પળ મારી મુક્તિની હશે, જે પળે આ પચીસ હજાર તમે સહર્ષ સ્વીકારશો ને હું સહર્ષ એનો ત્યાગ કરીશ.’ વ્હીસ્કીની બોટલ સાબરમતીમાં કદાચ તરતી હોય તો ખોળી કાઢી ને એમાંથી થોડી ‘વ્હીસ્કી’ પી લેવાની એક ઇચ્છા હસમુખલાલના શરીરમાં એક ક્ષણભર છવાઈને લુપ્ત થઈ ગઈ. એમના કબજીયાત ને હરસમસાવાળા ઓગણપચાસ વર્ષના દેહમાં કશુંક ન સમજાય એવું ઊભરાતું હતું ને ઊથલપાથલ થતું હતું. એમને ગળગળા નહોતું થવું તો ય થઈ જવાયું. અજયને એમણે ફરીથી કહ્યું : ‘દોસ્ત, મારી આવડી મોટી મજાક...’ ‘હસમુખરાય, તમે મારા વડીલ છો. મેં તમને મુરબ્બી માન્યા છે. આ ફિલસૂફીનાં પુસ્તકો એ મારી ગીતા છે-મારી નિષ્ઠાના જન્મદાતા છે; આ એમના પર હાથ મૂકીને હું કહું છું કે હું જે કાંઈ કહી રહ્યો છું એ સત્ય છે ને સત્ય સિવાય બીજું કશું નથી. હું જે પ્રસ્તાવ મૂકી રહ્યો છું એમાં-મેં કહ્યું એમ-મારો અંગત સ્વાર્થ છે-મારી મુક્તિ. ને મારી મુક્તિમાં તમે નિમિત્ત બનો. ‘તમે કહો એ દિવસે અહીં આ ભૂમિ ઉપર હું તમને પચીસ હજાર રૂપિયા પહોંચાડી દઉં..કાલે સાંજે..કાલે તો રવિવાર છે, તો પરમદિવસે સાંજે મળશો, સાહેબ?’ હસમુખલાલ વધારે ગળગળા બનતા ગયા. વીજળીના પ્રવાહ જેવો આઘાત અનુભવતા એ સ્તબ્ધ ને મૂઢ બની ગયા હતા.

*

અજયનું સ્કૂટર ઘરઘરાટ કરતું ચાલ્યું ગયું. દુધેશ્વરના ભેંકાર વાતાવરણમાં મધ્યરાત્રિનો એક થયો હતો. આખો રસ્તો ભયંકર રીતે સ્તબ્ધ બની ગયો હતો. કૂતરાં રડતાં હતાં, શિયાળવાં ચીસો નાંખતાં હતાં, પણ હસમુખલાલને કોઈ વાતનું, કશાનું ભાન ન હતું. ‘વ્હીસ્કી’ એમણે પીધો છે કે નહીં એ વિષે પણ એ હવે સાશંક હતા. સાબરમતીની રેતીના પટ ઉપરથી રસ્તા ઉપર આવતાં એ બબડી પડ્યા : ‘સુખના વીંછીએ ડંખ દઈ જ દીધો.’

* * *