ચારણી સાહિત્ય/નિવેદન

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નિવેદન

ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળાના, સને 1941-’42ના વ્યાખ્યાતા તરીકે મારી પસંદગી કરી હતી તે સન્માન બદલ હું મુંબઈ યુનિવર્સિટીનો અત્યંત આભારી બન્યો છું. મારા ઇષ્ટ વિષય લોકસાહિત્ય પરનાં એ પાંચ વ્યાખ્યાનો મેં ’43ના જુલાઈ માસમાં યુનિવર્સિટીના કૉન્વોકેશન હૉલમાં આપ્યાં હતાં. લોકસાહિત્ય પ્રત્યેના પ્રબળ અનુરાગથી તેમ જ મારા પ્રત્યેના ઊંડા આદરભાવથી પ્રેરાઈને શ્રોતાજનોએ જે મોટી સંખ્યામાં આ વ્યાખ્યાનોમાં હાજરી આપી હતી તેથી એક પાસે હું ગુજરાતના શિક્ષિત જનસમૂહનો ઓશિંગણ બન્યો હતો, તેમ બીજે પાસે પગ ધ્રૂજે તેવી આકરી કસોટીમાં મુકાયો હતો. પ્રત્યેક વ્યાખ્યાનની લેખનબદ્ધ કરીને આણેલી ઝીણી-મોટી વિગતોનું અને કેટલાક કૂટ પ્રશ્નોનું આલોચન એટલી ખદબદતી જનતાના ધસારાની સામે મુશ્કેલ બની ગયું હતું. તથાપિ છેવટ સુધી મારી લાજ રહી એને મોટું સદ્ભાગ્ય માનું છું. ‘લોકસાહિત્યનું સમાલોચન’ એ શીર્ષક તળે એ પાંચેય વ્યાખ્યાનોનું છેક આજે અઢી વર્ષે પ્રકાશન થાય છે. આ વિલંબનાં કારણો મારા કાબૂની બહારનાં હતાં. વ્યાખ્યાનો અપાયાં તે વખતના ઉત્કંઠ વાતાવરણની વચ્ચે એની ત્વરિત પ્રસિદ્ધિ થાય તો અભ્યાસી જનો પ્રત્યેનો મારો ધર્મ મેં અદા કર્યો લેખાય એવી લાગણીથી મેં આ વ્યાખ્યાનો રાણપુરના સ્વાધીન મુદ્રણાલયમાં છાપવા આપવાની યુનિવર્સિટીને વિનંતી કરી હતી. યુનિવર્સિટીનાં ધોરણ અને રસમ મુજબ મારો ઇચ્છેલ નિર્ણય છેક એક વર્ષે પણ આવ્યો એ માટેય હું યુનિવર્સિટીનો અને આ નિર્ણય લેવરાવવામાં જેમની ભલામણ મુખ્યત્વે કાર્યસાધક હતી તે મુરબ્બી શ્રી દિ. બ. કૃષ્ણલાલ મો. ઝવેરીનો ઋણી રહીશ. પણ તે પછીનું દોઢ વર્ષનું રોકાણ તો એવા સંજોગોને આભારી છે કે જે બદલ મને સંતાપ તેમ જ શરમ થાય છે એટલું કબૂલ કર્યા ઉપરાંત વધુ કહેવું તે બધું વિફલ છે. વ્યાખ્યાનો અપાતાં પહેલાં તેની હસ્તપ્રતો વાંચી જઈ સુધારાવધારા સૂચવનારા મારા બે સ્નેહીજનોનો — પ્રો. મનસુખલાલ ઝવેરી અને અ. સવાઈલાલ ઈશ્વરલાલ પંડ્યાનો — આભાર નોંધવાની તક લઉં છું. વ્યાખ્યાન ત્રીજામાં સ્વ. મહીપતરામકૃત ‘વનરાજ ચાવડો’ની સાથોસાથ એમણે સંગ્રહી સંપાદિત કરેલો ‘ભવાઈ સંગ્રહ’નો નિર્દેશ કરવો રહી ગયો છે. ‘લોકોની અવસ્થા અને રૂઢિઓ બતાવનારી સાદી અને ખરી છબીઓ’ લેખે સ્વર્ગસ્થે પોતે જ ઓળખાવેલ આ ભવાઈનું સાહિત્ય અને લોકસાહિત્યનો એક ગણનાપાત્ર રાશિ છે; અને એમાંનાં બિભત્સ અંગોની વચ્ચે પણ એની ગુણવત્તાને પકડી લેનારી આ સ્વ. સંશોધકની દૃષ્ટિ ‘ચોખલિયા’ કહેવામાં મારી ભૂલ થઈ છે એટલું વાચકોના લક્ષ પર મૂકું છું. બોટાદ : 26-2-1946 ઝવેરચંદ મેઘાણી