ચારણી સાહિત્ય/1.લોકસાહિત્યન આરાધકોને
શ્રી રણજિતરામ સ્મારક સમિતિનાં તથા શ્રી ગુજરાત સાહિત્ય સભાનાં માનવંતા સભાસદ બહેનો તથા બંધુઓ, હું આ સમિતિનો પહેલા પ્રથમ આભાર માનું છું તે તો આપે આજના અર્પણવિધિ માટે પસંદ કરેલા સ્થળ તેમજ અવસર બદલ. મારા સંગ્રહો પુસ્તકાકારે પ્રથમ પ્રગટ થયા તેની પૂર્વે પહેલવહેલું લોકગીતોનું શ્રવણ કરાવવાની તક અજાણ્યો છતાં મને ગુજરાત વિદ્યાપીઠના દિલસોજ અધ્યાપકો અને યુવકોએ આપેલી. ત્યાંથી આ સભાના તે સમયના મંત્રી ડૉ. મચ્છરે મને પ્રોત્સાહિત કરી આ સભાની જાહેર બેઠક સન્મુખ મારો વિષય મૂકવાની તક આપી. તે દિવસનું પ્રેમલ પ્રોત્સાહન હું કદી નહીં ભૂલું. આજે એ વાતને ચાર વર્ષ વીત્યાં. તે વખતે મને અમદાવાદના સાક્ષરોએ, યુવકોએ અને સામાન્ય જનોએ આપેલી હૂંફ હું આજ પણ અનુભવી રહ્યો છું. તે દિવસ મારી પીઠ થાબડનારાઓ આજે પણ હાજર છે. રામનારાયણભાઈ છે, ડૉ. હરિપ્રસાદ છે, ધૂમકેતુ છે, રવિભાઈ રાવળ છે. પરંતુ એક પૂજનીય પુરુષ નથી. ઊગતા તરુણોને માટે સદાના વાત્સલ્યમૂર્તિ શ્રી રમણભાઈ નથી. છતાં અમદાવાદ, ગુજરાત સાહિત્ય સભા, વિદ્યાપીઠ, ગુજરાત કૉલેજ, યુવક સંઘ, વગેરે એ-ના એ જ છે. એની ગોદમાં ઉત્તરોત્તર હૂંફ મને મળતી જ રહી છે. મારો આશાવાદ ને મારી આત્મશ્રદ્ધા, બન્નેના સતત પોષણ કરનાર આ અમદાવાદ ને આ સભા આજે આ અવસરનાં નિમિત્ત બને છે; એનું ઔચિત્ય હું પૂર્ણપણે સમજી શકું છું. અમદાવાદને અને અમદાવાદની સાહિત્ય-કીર્તિના કળશરૂપ આપની સભાને હું નમું છું. નમવા સિવાય તો બીજી કઈ લાગણી અત્યારે અનુભવી શકાય? સાહિત્ય જગતમાં જેને હજુ સાત જ વર્ષનું શીખાઉ શૈશવ ચાલી રહ્યું છે, તેને તો અભિમાન પણ શાં હોઈ શકે? હોય તેટલું પણ આવે ટાણે ગળી જવું જોઈએ. આપનું ચંદ્રકદાન મારા અંતઃકરણમાં ગૌરવને બદલે આત્મનિરીક્ષણની પ્રેરણા જગાવે છે. મને મારા અધિકારની તપાસે ચડાવે છે. અને ગુજરાતના તરુણોને અતિ વહેલી કે અતિ સસ્તી કીર્તિ મળી જવાથી એની પ્રગતિ રૂંધાઈ જાય છે, એ પ્રચલિત મેણામાંથી હું આપને તેમજ મારી જાતને શી રીતે બચાવી શકીશ, તે જ ચિંતામાં મને ઉપાડી જાય છે. એટલે આજને અવસરે મારે માટે તો નમ્ર નીરવતા જ ઉચિત બનત. જે કાંઈ થોડું બોલવા હું ઊભો થયો છું બલ્કે હું આજે આ ચંદ્રક પહેરવા આંહીં હાજર થયો છું તે મારી વ્યક્તિગત લાયકાતના વિચારથી નહિ. અંગત પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થવાનું સમજી હું નથી આવ્યો. મારા ગુણદોષ અને મારી ન્યૂનાધિકતા વિષે હું ભ્રમણામાં પડીને નથી આવ્યો. મારી સમજ તો સ્પષ્ટેસ્પષ્ટ એ જ છે કે આજનું ગૌરવદાન તે લોકસાહિત્યના ખુદ વિષયને જ અર્પણ થતું ગૌરવદાન છે એટલે કે એ ક્ષેત્રમાં શુદ્ધ ભાવે પોતપોતાની મતિશક્તિ મુજબ ખેડાણ કરી રહેલા સમસ્ત બંધુ સેવકોને અપાતું આ પ્રતિષ્ઠાદાન છે. એ સમસ્તની વતી આ ઋણસ્વીકાર કરવાની તક લેવા હું ઊભો થાઉં છું એટલે એ રીતે આ અવસર મારે માટે પણ એ સહુ ભાઈઓ પ્રતિ પ્રેમાંજલિ આપવાનો અવસર થઈ પડે છે. એમાંના કેટલાકને તો આજ મારી અંજલિ કેવલ નિવાપાંજલિ જ બને છે : (1) કચ્છવાળા ભા. શ્રી જીવરામ અજરામર ગોર, કે જેણે પંદર વર્ષો ઉપર ‘ગુજરાતી’ પત્રના વાર્ષિકમાં દોહાબદ્ધ વાર્તાઓનું ઘણું જ શુદ્ધ અને ધડાબંધી સંશોધન નીતાર્યું હતું. (2) ભાઈ ખીમજી વસનજી, કે જેણે 1913માં આ સાહિત્ય પ્રતિ કોઈ દૃષ્ટિ કરવા પણ તૈયાર નહોતું તે સમયે દોહાઓ શોધી શોધી ‘કાઠિયાવાડી જવાહીર’ નામનો સારો સંગ્રહ આપ્યો હતો. (3) ગુજરાતી લોકગીતોના ‘બિશપ પર્સી’ બનનાર સ્વ. રણજિતરામભાઈ, જેણે આ વિષયને પોતાના નિબંધ વાટે ગુજરાતી સાહિત્ય પરિષદમાં પહેલા જ અધિવેશનમાં સહુથી પહેલું સ્થાન આપ્યું અને જેણે વિનાકંઠે અન્ય અનેકવિધ પ્રવૃત્તિઓની વચ્ચે રહ્યા રહ્યા પણ એક અથાક સંગ્રાહકનું કામ કર્યું. એટલાની આજે ખોટ પડી છે. તેઓ જ્યાં હો ત્યાં પ્રસન્ન થજો! સદ્ભાગ્યે તે સમયના વૃદ્ધ પ્રતિનિધિઓ કેટલાક હજુ હયાત છે. તેઓનું ઋણ પણ કેમ ચુકાય? જૂના કંઠસ્થ સાહિત્યનું મુખ જે કાળે હજુ લગીરે ઊજળું થયું નહોતું, છેક ત્યારથી જ છોને એક જ દિશામાં છતાં પોતાની સ્વયંસ્ફુરણા વડે જે સંગ્રહો કરી રહેલાં એ મૂંગા મૂંગા ભાઈ કહાનજી ધર્મસિંહ : જેણે 1912થી કંઠસ્થ સાહિત્ય નામે દોહા-સોરઠાના બે ભરચક સંગ્રહો આપ્યા. એને ટપે તેવું કામ આજ પણ હજુ નથી થતું. એણે અર્થો આપ્યા હોત તો એ ક્યારના પંકાઈ ગયા હોત. ભાઈ જગજીવન કા. પાઠક બરડાનું પ્રેમ-સાહિત્ય ઉખેળી ‘ગુજરાતી’ના અંકોમાં વ્યવસ્થિત રીતે ધરતા આવ્યા છે. ભાઈ હરગોવિંદ પ્રેમશંકર ત્રિવેદી આ અનુભવમાં બુઝર્ગ બની ગયા; ‘કાઠિયાવાડની જૂની વાર્તાઓ’ છેક 1922માં એમણે સંપાદિત કરી. ધીરસિંહજી વ્હેરાભાઈ ગોહિલ નમ્ર અને નિરભિમાની રજપૂત : જેણે શોધિત-વર્ધિત કરેલાં ભક્ત-ચરિત્રો-પ્રેમકથાઓ વગેરે આજે સામાન્ય જનતામાં સસ્તે ભાવે વંચાય છે. છેક 1912થી એ બધાએ યુગના પાયા રોપ્યા. લોકસાહિત્યની પ્રતિષ્ઠા તથા તેનો અભ્યાસ બન્નેની ભૂમિકા બાંધવામાં એમણે પૂરેલા પાયા આજે અમને ખપ લાગે છે. ત્રીજો સમુદાય : 1923 પછીના નવયુગમાં છેક ભાવનગર પરિષદથી માંડી ગુજરાતનાં શહેરો ને ગામડાંમાં સ્વકંઠે ગાઈને તથા ‘શારદા’માં છાપીને લોકગીતો તથા કથાઓનો રંગ છાંટનાર ભાઈશ્રી રાયચુરા, એનું પોતાનું લેખન ને શોધન તો રૂડું છે જ; પરંતુ એથી વધુ રૂડું તો એ છે કે એમણે સંખ્યાબંધ ભાઈઓ-બહેનોને આ ક્ષેત્રમાં કામ કરતાં બનાવ્યાં છે. બાલ-લોકસાહિત્યનું શોધન-સંપાદન કરી બાળકોની ભૂખ ભાંગનાર શ્રી દક્ષિણામૂર્તિવાળા ગિજુભાઈ તથા સરભોણ આશ્રમવાળા જુગલરામની જોડલી. એણે શાસ્ત્રીય શિક્ષણના ક્રમમાં લોકસાહિત્યનું સ્થાન અનિવાર્ય બનાવી દીધું છે. ભાઈશ્રી ઇન્દુપ્રસાદની ઉમરેઠ-મંડળી : વિદ્યાપીઠનું બીજારોપણ : જેના ફલરૂપે ગૂર્જર ગીતોનો અલાયદો એક સંગ્રહ મારી કને આવી તૈયાર પડ્યો છે. ભાઈ ઈશ્વરલાલ વીમાવાળા ‘ખાયણાં’ના સંપાદક તથા પ્રચારક. આ તો દૃશ્ય-સમુદાય : પાછળ પડદે રહી અમ સર્વેને લોકસાહિત્યનો સંઘરો કરાવનારાં સંખ્યાબંધ બહેનો-ભાઈઓ : એ પિંગળશીભાઈ, ઠારણભાઈ, ગગુભાઈ, દુલા કાગ વગેરે ઉદાર દિલના ચારણો, બારોટો, અને અમારામાંના પ્રત્યેકની સરવાણીઓ બની જનારી એ નિર્લોભી નિસ્પૃહી બહેનો જેનાં નામો કોડીબંધ હોવા છતાં કદી છાપે ચડ્યાં નથી. એ તમામના તરફથી આપની સમિતિનો હું આભાર માનવા આવેલો છું, અને એ રીતે મારા વ્યક્તિગત અહંકારનો બોજો મારા માથા પરથી ઊતરી સમષ્ટિના યશરૂપે વહેંચાઈ જાય છે. ને મારે ભાગે રહેતા અંશની અધિકારી વ્યક્તિ પણ બે જુદી જ છે. એક છે દરબારશ્રી વાજસૂર વાળા ને બીજા છે મારા પૂજનીય ભાઈ અમૃતલાલ શેઠ. કલકત્તાના એલ્યુમીનીઅમના કારખાનાના મજૂર મેઘાણીને સાહિત્ય-સેવકનો નવો અવતાર આપનાર ભાઈ અમૃતલાલ શેઠનું મારા પરનું ઋણ સંભારતાં મને મારાં છેલ્લાં સાત વર્ષોનું ઘડતર યાદ આવે છે. એના જીવનનો પ્રધાન સૂર રાજસ્થાની પ્રજાનું રાજપ્રકરણ : પરંતુ આપને વિસ્મય થશે કે મારી પ્રવૃત્તિનો પ્રથમ શબ્દ શ્રી અમૃતલાલના મુખનો શબ્દ છે. એને મન લોકસાહિત્ય માત્ર સાહિત્ય નહોતું. એમાંથી એ તો નવયુગના સૂરો સાંભળે છે. એની પાછળ પ્રેરણા વાંચે છે. એ કેવલ મુદ્રક ને પ્રકાશક નથી, પ્રેરક છે. આજે જાહેરમાં ઊભા રહી એના ઉપકારો નોંધવાની પહેલી તક લઉં છું. અને એના ઉપકારો એટલે સમસ્ત સૌરાષ્ટ્ર મંડળના. પરંતુ રખે હું આ ઉપકાર માનવા જતાં મારું તેઓશ્રી સાથેનું આત્મીયપણું ઓછું કરતો હોઉં તે ભયથી અટકું છું. આજના ચંદ્રક-અર્પણનું ગૌરવ મારા મનથી વિશિષ્ટ રીતે ચડિયાતું છે, તેનું કારણ એ છે કે એ ગૌરવ આપનાર મંડલ માત્ર લોકસાહિત્યમાં જ રચ્યુંપચ્યું, ખાસ પક્ષ કરનારું, એકદેશીય અભિરુચિ સેવનાર મંડલ નથી, પણ સર્વ દિશાના સાહિત્યમાં ઊંડો રસ ધરાવનારી ભિન્ન ભિન્ન સર્વદેશીય વ્યક્તિઓની બનેલી સંસ્થા છે. એટલે આપના નિર્ણય પાછળ મોહનું નહિ પણ તટસ્થ સમતુલના આપનું દૃષ્ટિબિન્દુ હશે. એટલે જ આપનું આ ગૌરવદાન લોકસાહિત્યનું મુખ ઉજ્જ્વલ બનાવે છે; શિષ્ટ સાહિત્યની ને એની વચ્ચે સેતુ બાંધે છે; એની કંગાલિયત ધુએ છે, અને સાથોસાથ બીજી બાજુ અમો સહુ જે એના અનુરાગીઓ છીએ તેમનામાં વિવેક, સમતુલા, શાસ્ત્રીયતા, અભ્યાસ, વિશાલતા અને ગંભીર ચિંતનની જવાબદારીનું ભાન જન્માવે છે. માત્ર ગુણગાનની વૃત્તિ પર આ થકી ઇષ્ટ અંકુશ મુકાય છે. આપે મૂલવેલાં મૂલ એ ન્યાયે મારે મન ઘણાં મહત્ત્વનાં છે; અધિક મહત્ત્વનાં છે કારણ કે સ્વયંસ્ફુરિત છે. અને છેલ્લું જેને કદી દીઠા નથી તે સ્વ. રણજિતરામભાઈનું સ્મૃતિ-ચિહ્ન આજ મારી છાતી પર ચોડાય છે એથી હું મારા કાર્ય પર હમેશાં એમની પ્રેરક છાયા છવાએલી અનુભવતો રહીશ; એના નામ સાથે આજથી આ સંબંધ જડાતાં મારી પ્રવૃત્તિ પરત્વે મને એમનું ગૌરવ ને ગાંભીર્ય નિરંતર સ્મરણભીનું રહ્યા કરજો એ મારી પ્રભુ-પ્રાર્થના. લોકસાહિત્યનું સંશોધન હજુ ત્રૂટક છૂટક, એનું સંપાદન-કાર્ય હજુ ઘણુંખરું અશાસ્ત્રીય અવસ્થામાં, એનું વર્ગીકરણ, એનું તોલન, એમાંથી અતીત સભ્યતાની સપ્રમાણ તારવણી : અને વર્તમાનમાં સીંચવાલાયક એનાં સત્ત્વોનો કોમલ વિવેક — એ હજુ નહિ જેવાં દેખાય છે. ક્યાંક નર્યું જનમનરંજન, ક્યાંક અધકચરો અભ્યાસ તો ક્યાંક લગભગ અવહેલના : એકીકરણનો, સમગ્રતાની દૃષ્ટિ-ખીલાવટનો હજુ અભાવ : આંતરપ્રાંતીય કે આંતરરાષ્ટ્રીય અવલોકનના તો આછા આછા કોઈક ચમકારા : એ બધાની વચ્ચે પણ ગુણજ્ઞ ગુજરાતે લોકસાહિત્યનો પ્રવાહ અણરુંધ્યો રેલાવા દીધો છે. વિરોધ અને હાંસીનાં સ્વાગત થયાં હોય તો તે નજીવા જ. બેશક આ વિષયનું આગમન નવું અને ધસારાબંધ હોઈ, એ પર મતભેદ અનિવાર્ય છે. છતાં ગુજરાતે ઘણું ઔદાર્ય દાખવ્યું છે. વિષય ચર્ચા થતી હોય તો તે પ્રમાણિક છે. ઉત્સાહી થોડાંક જે છે, તેને પાછા પાડ્યાના પ્રસંગો વિરલ જ છે. આપની સભાએ તો અમારા માટે હંમેશાં પોતાનું વ્યાસપીઠ તૈયાર રાખેલું છે. મને નવી સામગ્રી પ્રાપ્ત થતાં હું તો પ્રથમ અહીં જ આવું છું. આવી મનમોટપનો શો પ્રત્યુત્તર અમે સહુ આજે આપશું? અમારી પોતાની જાતને સંબોધીને હું આટલો આત્મ-બોધ ઉચ્ચારવા પ્રેરાઉં છું કે અમે સહુ અભ્યાસ વિસ્તારીએ : વિવેક કેળવીએ : કૂવા માયલાં દેડકાં ન બનીએ : સૂંઠને એક ગાંઠિયે ગાંધી ન બનીએ : જૂનાં સંશોધન કરી રહ્યા છીએ માટે જે કાંઈ જડે તેને ઉચિત વફાદાર રહીને રજૂ કરીએ : અને કડકમાં કડક ટીકાને ખમી લઈએ એટલું જ નહિ પણ સામે ચાલીને નોતરીએ. જેમ વ્યક્તિ કરતાં સંસ્થા મોટી, તેમ વ્યક્તિ કરતાં વિષય મોટો આપણા વ્યક્તિત્વ કે આપણી પ્રતિષ્ઠા ખાતર વિષયને આપણી દાસી ન બનાવીએ. દોષ દેખાડે તેની પ્રત્યે શીદ ચીડાઈએ? મલિન આશયનું આરોપણ શીદ કરીએ? ઉલટું જાહેરમાંથી આવતી સમાલોચનામાંથી વિવેકપૂર્વક સાર ખેંચી, આપણા વિષય પરનું આપણું તોલન કાં વધુ કડક ન કરીએ? આપણી તો મોસમ કાળે કરીને ઊતરી જવાની, કદાચ ઓચિંતાની આપણી આંખો મીંચાવાની. પછી વિષયને જીવવા દેવો છે કે મરવા? જીવવા દેવો હોય તો આપણે છેલ્લી પીંછી એવી ફેરવતા જવું, કે આપણે ભૂલાઈએ, પણ વિષયના રંગો ન ઊડી જાય. સહિષ્ણુતામાં આપણા મિશનનો મોટો વિજય છે. અને ‘અહં’નો એ રીતે નાશ થતાં આપણે બેવડા મમત્વથી મહેનત કરી શકશું. આપણા લોકસાહિત્યની તુલા હજુ વિદ્વાનોમાં નક્કી કરી નથી. અમે ઊછળતાં લોહીના આશકોએ કરેલા સંપાદનકાર્યમાં પ્રચારકતાનો અંશ સહેજે પ્રધાન બની જાય. એથી બીજી રીતે, વિવેચનના ક્ષેત્રમાં પાકી પ્રતિષ્ઠા વગરના અમારા જેવાઓ તોળી તોળીને બોલે-લખે તે સુધ્ધાંય આજે અત્યુક્તિમાં ખપી જાય. એટલે હવે તો પરિપક્વ પુરુષોએ લોકસાહિત્યનાં મૂલ મૂલવવા બેસી જવાનો સમય આવી ગયો છે. સ્વ. રણજિતરામભાઈની ખોટ એ દૃષ્ટિએ મારા જેવાને ભારી ખટકે છે. કોઈ નવા રણજિતરામ નીકળશે. દરમિયાન એક ભય દૂર થવો ઘટે. લોકસાહિત્ય અને શિષ્ટ સાહિત્ય વચ્ચે વિરોધ, વેર અથવા વિસંવાદિત્વના ઓળા કલ્પવાની જરૂર નથી. એ બન્ને પરસ્પરનાં પૂરકો છે. લોકસાહિત્ય પણ શિષ્ટ સાહિત્યની માફક પ્રવાહી ને પ્રગતિશીલ છે. અથવા બનવું જોઈએ. એનાં મૂલ ઐતિહાસિક જુનવટમાં જ પરિસમાપ્ત થતાં નથી. એમ હોત તો કોઈ સંગ્રહસ્થાન જ એને માટે ઉચિત સ્થાન બનત. હું તો માનતો થયો છું કે લોક જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી એનો મુખોચ્ચાર લોકસાહિત્ય પણ રહેશે, ને એ શિષ્ટના બોલ ઝીલવા રહેશે. શિષ્ટ સાહિત્યનું સ્થાન યુગના ‘એડવાન્સ ગાર્ડ’, અગ્રસરપદે રહેશે. યુગેયુગનાં નવતર આંદોલનો, આત્મ-મંથનો આકાંક્ષાઓ, મહેચ્છાઓ, વેદનાઓ, ક્લ્પનાઓ એ બધાને પી પી પોતાના પ્રાણ રુધિર વડે લખી જશે શિષ્ટ સાહિત્યકારો અને એ લખ્યાં-ભાખ્યાંને ઘોળી ઘોળી, ઘૂંટી ઘૂંટી, પચવા લાયક બનાવી ઘરે ઘર પાશે લોકસાહિત્યકારો : જેમ રાજકારણમાં, જેમ શિક્ષણમાં, જેમ સામાજિક જીવનમાં, તેમજ થવાનું સાહિત્યમાં લોકસાહિત્ય જો જૂનું છે તે-નું તે જ ને તેટલું જ રહેશે તો વણવાપર્યું કોહી જઈ, ગંધાશે ને જનતામાં નાટકનાં ગીતો, ગઝલો-કવાલીઓ રૂપે સડો નીપજવાથી તેમજ શિષ્ટ સાહિત્ય જેવું નીપજે છે તેવું જ અક્કડ અણગળ અને અહંકારી રહેશે. સુરાપાન સમ બની રહેશે. બન્ને વચ્ચે મેળ કરાવવાથી જ સંજીવનનો સુગંધી રસ નીતરશે. વિદેશોમાં એ સંવાદિત્વનાં મૂલ વહેલાં સમજાયાં છે. ત્યાં જૂનાં લોકસાહિત્યનાં અંગો — ગીતો વાર્તિકો વગેરે નવાં યુગબલનાં વાહકો બન્યાં છે. કેમકે શિષ્ટોએ એને તરછોડ્યું કે તિરસ્કાર્યું નહીં. આંહીં પણ ન્હાનાલાલ, બોટાદકર, ત્રિભુવન, મસ્ત કવિ, ગિજુભાઈ વગેરેએ આ જૂના લોક-અંગોને નવું ચૈતન્ય ઢાળવાનાં બીબાં તરીકે અપનાવી મેં કહ્યા તેવા મેળનું હૂબહૂ ઉદાહરણ ધરી દીધું છે. શિષ્ટ સાહિત્યકાર તો પોતાનાં મનોમંથનો રૂપે પણ મંથનોને પોતાની રીતે ઉતારી આગળ ચાલશે. એનો આતમ-દાહ એને અટકવા નહિ આપે. એ તો નિત નિત નવતર ભાવનાની ભોમ શોધતો ભટકશે. પરંતુ એની પછવાડે એ ભાવના સૃષ્ટિને લોક ગમ્ય ન બનાવવાના યત્નો નહિ થાય તો પેલા ભાવનાપુંજની શી કિમ્મત હશે? એ યત્નો કરવામાં તો જૂના લોકસાહિત્યનું ભાષાબલ, ભાવ-બલ, રેખા-બલ ખપ લાગશે. અન્ય દેશોમાં, જર્મનીમાં ‘વૉન્ડર વૉગેલ’ની હીલચાલ શાળા અને ઘર બન્નેનાં ગૂંગળાવતાં વાતાવરણમાંથી બાળકોને લોક-રાસ, લોક-રમતો ને લોકકથાઓના કાર્યક્રમોની ઉન્મુક્ત લહરીઓમાં ઉપાડી જાય છે. આંહીં પણ શિક્ષણના નવયુગમાં દલપતશાઈ તેમજ ઠાકોરશાઈ બન્ને જાતનાં બંધનોવાળી કવિતાનું સ્થાન તાલ, નૃત્ય અને સરલ સૌંદર્યે મહેકતી લોક-કવિતાને ચોક્કસ સ્થાન અપાતું જાય છે. બેશક એમાં પસંદગી, ફેરફાર, નવસર્જન વગેરેનો વિવેક આવશ્યક છે. પરંતુ સિદ્ધાંતને હિસાબે આજે આ સાહિત્યનાં બલો શિક્ષણમાં પ્રવેશેલી ક્રાંતિને જબ્બર વેગ દઈ રહ્યાં છે, અને બાલ તેમજ તરુણ માનસમાં મૂંઝાતાં કેટલાંયે અવ્યક્ત તત્ત્વો આ સાહિત્યરૂપી દ્વાર વાટે વ્યક્ત બની મનોવૃત્તિને હળવી બનાવી રહેલ છે. જેટલું થયું છે તે કરતાં કેટલાગણું હજુ પડ્યું છે! હું જોઉં છું ને મારા અંતરમાં દાહ થાય છે. અનેક વહીવંચાઓને, ચારણોને, વાર્તાનવેશોને, ટપોટપ મરતા દેખીને મન આઘાત પામે છે. પિંગળશીભાઈને મેં કહેલું કે ઓચિંતી તમારી આંખ મીંચાશે ત્યારે આ ગંજના ગંજ ચોપડાઓની શી દશા? વહીવંચા અને ચારણોના ચોપડાઓમાં થોકેથોક પડેલાં ઐતિહાસિક પ્રશસ્તિ-કાવ્યો દા.ત. ઠારણભાઈ વળાવાળા પાસે, પડ્યાં છે. ચારણી મહાકાવ્યો; જાલંધર પુરાણ, ભૃંગી પુરાણ, એકાદશ માહાત્મ્ય, ઓખાહરણ, નાગદમણ વગેરે; જે ભાષા તેમજ યુગનિરૂપણને હિસાબે અત્યંત ઉપકારક થઈ પડશે, એ બધાં હજુ અકબંધ પડ્યાં છે. ચારણોના ચોપડામાં એને ઉધઈઓ ખાઈ રહી છે. કોમેકોમનાં સ્ત્રીજનો પાસે પડી રહી ઝડપથી લુપ્ત થતાં રાસો, લગ્નગીતો, બાલકથાઓ, વ્રતકથાઓ, હલકા મનાતા સંખ્યાબંધ પુરુષો પાસે પડેલાં ભજનો, કાફીઓ, રાવણહથાવાળાઓ, તૂરીઓ, મેરો, વાઘેરોની, ગુજરાતની ભીલ, કાળીપરજ, રાનીપરજ વગેરે જાતિઓનાં ગીત-ભજનો. ભિન્ન ભિન્ન નૃત્ય-કલાનાં અંગો; જે આજે નવા નિપજાવવા મથીએ છીએ તે પણ હજુ ત્યાં મોજુદ છે. તુર્તમાં જ એ બેમૂલ સમૃદ્ધિ ગુમાવી બેસશું. પછી એ અંગમરોડ, એ લાવણ્ય, એ ડોલન લેવા આપણે યુરોપથી આના પાવલોવાને ઉતારવી પડશે. શિક્ષણમાં ને સમાજજીવનમાં, રંગભૂમિ પર ને વ્યાયામ ક્ષેત્રમાં આવતીકાલે એ વિના આપણને ચાલવાનું નથી. એ માટે તો લખાવા ને ચિત્રો અંકાવા ઉપરાંત જે રીતે ભાઈ કનુ દેસાઈ કરી રહ્યા છે તે રીતે અમુક ભાઈ-બહેનોના દેહમાં એ નૃત્યની રીતિઓ જીવંત સ્વરૂપે ઉતારી લેવામાં આવે તે જરૂરનું છે. આ સંશોધન પાછળ પાંચ-દસ પ્રેમી તરુણોને પગારવડીએ વળગાડી દેવાનું, ચારણ ભાટોને મહેનતાણાં આપવાનું, એ અંગમરોડો ને લાવણ્ય રેખાઓની ચોક્કસ છબીઓ પ્લેટો લઈ લેવાનું, એને શીખી લેનારાં નૃત્ય-શિક્ષકો કેળવવાનું, સારા ઢાળો ગ્રામોફોનમાં સંઘરાવી લેવાનું, સ્વર-પદ્ધતિ નક્કી કરાવી લેવાનું, પં. ખરે જેવા સંગીત વિશારદો જે માટે તલખે છે ને અનાયાસે આંતરસ્ફુરણાથી એ કામ ઉપાડી લેવા માગે છે. સૌ. શાંતિબહેન બરફીવાળાનો પ્રયત્ન પણ હમણાં જ એ જ દિશામાં થયો છે. એવાં બહેનો-ભાઈઓની સહાય મેળવી મોટું જોર આ સ્વર-પદ્ધતિ સાધી લેવાના કામમાં આપવું ઘટે છે, નહિ તો એક વિરલ સંગીત ગુમાવી બેસશું. આજનો યુગ પ્રજાયુગ : એટલે કે લોકયુગ : એટલે કે જનતા સમસ્તને સ્પર્શે તેવાં કલા સાહિત્યનો યુગ કરોડોનાં મનોમંથનને વ્યક્ત કરે. એવી વાણીની જરૂર પડી છે. લાખોની ઊર્મિઓનું વહન કરે તેવાં વાહનો જોઈએ છે. માનવજાતિનો ઇતિહાસ — એટલે સંસ્કૃતિનો ઇતિહાસ — નવેસર લખાઈ રહ્યો છે અને તેનું ઝીણામાં ઝીણું દફતર લોકસાહિત્ય છે. એટલે જ આજે યુરોપ આદિ દેશોમાં આ વિષયની મહત્તા સ્પષ્ટ થઈ છે. દેશેદેશના ‘ફોકલોરીસ્ટ્સ’ ફરે છે. હમણાં જ એક ડચ ‘વર્લ્ડ ફોકલોરીસ્ટ’ બની પોતાનાં પત્ની સાથે આંહીં આવ્યા છે. માસિકો નીકળ્યાં છે. આંહીં હિન્દમાં પણ — 1. બંગાળા : કલકત્તા યુનિવર્સિટીમાં ડૉ. દિનેશચન્દ્ર સેન કામ કરે છે. 2. પંજાબ : ભાઈ સંતરામ બી. એ.એ ગીતો એકઠાં કરેલ છે. 3. ઉત્તર હિન્દ : રા. રામનરેશ ત્રિપાઠી કે જે અત્યાર સુધી શિષ્ટ કવિતાના ધુરંધર આરાધક બની રહેલા, તેમણે સેંકડો લોકગીતોનો સંગ્રહ માંડ્યો છે, અને સ્વ. લાલા લજપતરાયે આ કાર્ય પર બુદ્ધિપૂર્વકના આશીર્વાદ ઉચ્ચાર્યા છે. 4. મહારાષ્ટ્ર : ‘ઐતિહાસિક પોવાડે’ કેલકરના પુત્રે સંગ્રહેલ છે. એ બધા વચ્ચે પરસ્પર સંબંધ બંધાય, આંતરપ્રાંતીય આપ-લે થાય એવા સુયોગો છે. આપ ન કલ્પી શકો તેવું ઐક્ય આંતર-પ્રાંતીય લોકસાહિત્યમાં વહેતું મેં દીઠું છે, અને એ બધું ઘણે ઉજ્જ્વલ મોંએ આંતરરાષ્ટ્રીયતાના દરબારમાં બેસી શકશે. બંગાળનાં જે બૅલડ યુરોપમાં પણ ચકિત કરી શક્યાં તેના કરતાં લેશ પણ ન ઊતરે તેવાં કથાગીતો, ઊર્મિગીતો ને રસ-ગીતો આપણે ત્યાં પડ્યાં છે તેની મને શ્રદ્ધા છે. આંહીં બીજું ઘણું છે જે અન્ય સ્થળે હરગીઝ નથી જ. આ બધાનો સંગ્રહ કોણ કરશે? એમાં ઝુકાવવાનું ક્ષેત્ર કોણ તૈયાર કરશે? તમારા જેવી સંસ્થાનું એ ઉચિત કાર્ય છે. જેની આર્ષ દૃષ્ટિ સમગ્ર હિન્દની સંસ્કાર-પ્રગતિ ઉપર ઘૂમી રહેતી, ને જેની મહત્ત્વાકાંક્ષા ગુજરાતની સભ્યતાને આંતરપ્રાંતીય દરજ્જો અપાવવાની છલાંગો દેતી, એવા પુરુષનું નામ આપે ધારણ કરેલું છે. એટલે આ બધામાંથી કંઈકને કંઈક કરવાનું આંદોલન તમારે જ મચાવવું ઘટે છે. તમારી પાસે પ્રતિષ્ઠા છે. દ્રવ્ય નહિ હોય તો સહેજે મેળવી શકશો. વિદ્વત્તાની સહાય તમને સુલભ થઈ પડશે. સુભાગ્યે હજુ આપણી વચ્ચે પૂ. પ્રમુખથી સરખા જૂના સાહિત્યના પારગામી પડ્યા છે. એ આપણને યોગ્ય સંશોધન-સંપાદનની દિશા દાખવશે. દરમિયાન આટલી જરૂર : 1. ત્વરાભેર સંઘરો; 2. અલાયદી આંતર-રાષ્ટ્રીય લોકસાહિત્યની લાઇબ્રેરી, 3. અલાયદું પ્રકાશન મંદિર.