ચારણી સાહિત્ય/3.સોરઠ અને તેનું સાહિત્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


3.સોરઠ અને તેનું સાહિત્ય

સૌરાષ્ટ્ર નામનો ટાપુ એક વખત હિંદને તીરે તરતો હતો. સમુદ્રનાં આસમાની મોજાં એને હાથે પગે ચોગમ રત્નાલંકારો સજતાં હતાં. કુદરત એના હૈયા પર બેસીને પાંચીકુકા રમતી હતી. એક દિવસ કુદરતે સૌરાષ્ટ્ર અને ગુજરાત વચ્ચે સેતુ બાંધી દીધો. સમુદ્ર શોષીને સિંધ-કચ્છને સૌરાષ્ટ્રની સહેલગાહે જવાના માર્ગો ખુલ્લા કરી દીધા. દસેય દિશામાંથી અહીં ઘણા વિજેતાઓ આવ્યા. આવીને તરવારો આ ભૂમિને ચરણે ધરી દીધી. મુગ્ધ બનીને અહીં ઠેર્યા. સહુએ પોતપોતાની સંસ્કૃતિની ભેટ અહીં ધરી દીધી. એ નોખનોખી હીર-દોરીઓને ગૂંથીને સૌરાષ્ટ્રે પોતાની એક નવીન સંસ્કૃતિ રચી. એક બાજુ વેપારવાણિજ્યને માટે એના પુત્રોએ પારકી ભૂમિના આશરા લીધા; ઇતિહાસ ભૂગોળે લાલ, લીલી ને પીળી લીટીઓ કાઢીને એની તાબેદારીના સીમાડાઓ વારે વારે બદલાવ્યા જ કર્યા; છતાં માનવીઓના કોઈ પણ સ્વચ્છંદને વશ ન થઈ શકે એવો એક પ્રાણ સૌરાષ્ટ્રના કલેવરમાં ધબક્યા જ કરતો હતો. ગુજરાત એની કનેથી ખંડણીમાં નરસિંહ મહેતાથી માંડી ન્હાનાલાલ સુધીનું અઢળક જવાહીર ઉપાડી ગયું. છતાં જૂનાગઢના રા’ ખેંગાર જેવા એ સોરઠી સાહિત્યે અને રાણક દેવડી સરખી સોરઠી સંસ્કૃતિએ પોતાનું વ્યક્તિત્વ ન ગુમાવ્યું, ને હજુ સુધી યે પૂરેપૂરું તો નથી જ ગુમાવ્યું. સોરઠનાં રુદન અને ગાન, રોષ અને હર્ષ, સ્નેહ અને ધિક્કાર : એ જુદાં — એના લેબાસની માફક બીજાથી જુદાં જ — રહ્યાં. આબુ અને ગીરનાર વચ્ચે જે તફાવત તે જ સોરઠની ને ગુજરાતની સંસ્કૃતિ વચ્ચે રહી ગયો. ઉપરનું સામ્ય અંદરના ભેદને ઢાંકે છે માત્ર.

એ સંસ્કૃતિ કઈ?

જે લોકજીવનની દીવાલોમાંથી આ સોરઠી સાહિત્ય ગુંજી ઊઠ્યું તેનાં આજે તો ખંડેરો જ રહ્યાં છે. રાણજી ગોહિલના ક્રીડામહેલ તરીકે જાણીતા થયેલા એ રાણપુરના કિલ્લાનાં ખંડેરોમાં રવિશંકર રાવળ એક દિવસ સાંજે ભટકવા આવ્યા. તે વેળા એ તૂટેલા સ્તંભોમાંથી, ભાંગેલી કમાનોમાંથી ને ભૂંસાએલા-ટોચાયેલા કોતરકામમાંથી એમણે ‘રાજપૂત કલા’, ‘મુસલમાની કલા’ વગેરે કલાની એંધાણીઓ ઓળખી, છસો વરસ પૂર્વેના એ શિલ્પચિત્રથી સજીવન કિલ્લાને પોતાની કલ્પનામાં ખડો કરી દીધો. જેમ પથ્થરની ઇમારતોનું, તેમ માનવ-સંસ્કૃતિનું પણ એવું પુરાતત્ત્વ છે. એના ગોખ અને થાંભલા હજુ મોજુદ છે. એ ખંડેરોમાં ભટકનાર આશક બે હજાર વર્ષના વૃદ્ધ સોરઠી સાહિત્યની જનેતા-સંસ્કૃતિને ફરી બે ઘડી જીવતી કરી શકશે. ચારણી સતી સાંઈ નેસડીએ એક મેઘલી મધરાતે ભીંજાઈને મરણતોલ થયેલા પેલા એભલ વાળાને હજુ ગઈ કાલે જ ‘ભાઈ’ કહીને પોતાની ગોદની ગરમી આપી જીવતો કર્યો હોય, એવાં ચારણોનાં નેસડાં હજુયે ગીરનારની ધારોમાં ને બરડાના પડધારામાં પથરાઈ વળ્યાં છે; પાંચ જ તોલા કાચું લોહી પીવાથી પ્રાણ છૂટી જાય એવું છેલ્લામાં છેલ્લું વૈજ્ઞાનિક ફરમાન હોવા છતાં, હાથી જેવો પાડો વધેરીને તાંસળાં ઉપર તાંસળાં ભરી ભરી લોહી ગટકાવી જનારી અને કાચું ને કાચું માંસ લોચે લોચે ચાવી જનારી ચારણી જોગમાયાઓ હજુયે આવાં નેસડાંમાં જીવે છે — પૂરો એક રોટલો પણ ન ખાઈ શકે એવી દુર્બલ, જરાગ્રસ્ત, હાડપિંજર-શી કાયા ટકાવીને જીવે છે. રેલગાડીમાં ઘીના ડબ્બા ભરીભરીને વેચવા નીકળતા ચારણોની કાળીભમ્મર દાઢીમૂછ અને માથાની કેશાવલી વચ્ચેથી ઝબૂકતી બબ્બે આંખોમાં હજુ પણ એ ભક્તિમય (‘મિસ્ટીક’) પ્રીતડીનાં કિરણો નજરે પડશે. આખું અંતર જાણે આંખોમાં બેસીને બોલી રહ્યું હોય તેવા ભાવ એની કીકીઓમાં ઊભરતા લાગશે. અધરાતે નીતરતા આભની નીચે હાથણી જેવી ભેંસોનાં ખાડાને કોઈક ડુંગરાની ઓથે થંભાવીને ઊભેલા ગોવાળને હજુયે મીઠી, પાધરી હલકે ગાતો, તમે સાંભળશો કે

અટકું પડે ત્યારે આવજો, મારા નોધારાના ઓધાર જી;
અસુરી વેળાના માલક, આવજો, મારા નોધારાના ઓધાર જી.

હજુ પણ પગ, કમ્મર અને માથા તળે ત્રણ પથ્થરનું ટેકણ કરી, ઉપર ઊનની ધાબળી ઓઢી, ધોધમાર વરસાદમાં તમે ભરવાડને અરણ્યમાં ઘસઘસાટ ઊંઘતો જોશો; અને નીચેથી ખળખળ કરતાં પાણી ચાલ્યાં જતાં જોશો. સૌરાષ્ટ્ર એટલે મુખ્યત્વે કરીને આવા માલધારીઓનો — ભરવાડ, રબારી, ચારણ, આયર, કાઠી અને સંધીઓનો — દેશ. સદાના પ્રવાસી આ માલધારીઓ આ જ ગીરના લીલુડા ડુંગર ઉપર ચઢીને સાવજદીપડાની ડણકો વચ્ચે વાંસળી છેડે, કાલે કોઈ ઊંડી નદીની ઊંચી ભેખડ પરથી કાળી ધાબળી ઓઢી ‘હૂ હૂ’ શબ્દ ઉચ્ચારતા કૂદકો મારી નીચે નદીપટમાં સૂતેલા સિંહને ભડકાવે, અને પરમ દિવસ પાંચાળની સમથળ ધરતી ઉપર વેળુના ફાકડા ભરવા નીકળી પડે. સાહસ, કુદરતનો સહવાસ, પંખીઓના સહકલ્લોલ ને તરુણ ગોવાળણોની પ્રીતિભરી તોય બરછી જેવી કારમી મશ્કરી, એ જ એનું જીવન. મધરો મધરો મેઘ ગાજે તેવા એના કંઠસ્વર ગાજે. ડુંગરની ધારો જેમ ધીરાં ટપકતાં જળ હૈયામાં ઝીલીને હરિયાળી બને, તેમ આ ગોવાળોની સાથે આથડતી યૌવનાઓ ધીરે ધીરે પ્રીતિને રંગે રંગાતી જાય. હજુ યે શહેરમાં હટાણું કરવા આવતી એ કામણગારી કામળીવાળી સ્ત્રીઓનાં મોં પરથી જૂના કાળની પ્રેમિકાઓની આપણને ઝાંખી થાય છે. હજુ યે એ રમણીઓના સ્વભાવમાં પ્રગલ્ભતા અને ભારોભાર સંયમ, મસ્તી અને ભારોભાર મરજાદ, વિનોદપ્રિયતા અને ભારોભાર ગાંભીર્ય ભર્યાં હોય છે. આ સંયમવતી પ્રગલ્ભાઓ અને પ્રમત્તાઓ આપણને એક સૈકા પૂર્વેના નારીજીવનની યાદ દેવડાવે છે. પચાસ-સો વર્ષ પહેલાંની સોરઠી વાર્તાનું ચાહે તે સ્ત્રી-પાત્ર તપાસશું, તો એ પ્રચંડ પ્રેમાવેશ અદ્ભુત સંયમ સાથે જોડાએલો માલૂમ પડશે. અંદર વડવાનળ બળતો હોય, છતાં સપાટી પર વહેતો હોય શાંત શીતળ જળપ્રવાહ. ચાળીસ વર્ષનો તાજો ‘આહીરની ઉદારતા’નો બનાવ એવા સેંકડો બનાવોનું એક જ્વલંત દૃષ્ટાંત છે. નાનપણથી વરાવેલાં બે આહીર બાળકો : બંને વચ્ચે જળ-મીનનો પ્રેમ : યૌવન આવ્યું : દીકરો નપુંસક : પરણવાની ના પાડે : પણ અંતર્ગત કારણ ન કહી શકે : પરણવું પડ્યું : પહેલી રાતે જ પોતાના રોગનો એકરાર : બીજે ચાહે ત્યાં પરણીને સુખ પામવાની રજા : રજા શું, આગ્રહ : પણ સ્ત્રીનાં મોં પરની એક રેખા ય ન બદલી : છ મહિનાનું પ્રભુમય જીવતર : પત્નીને દુઃખે રડતો પતિ એને પિયર છોડી છટક્યો : બીજે વિવાહ : પણ છ મહિનાનું બ્રહ્મચર્ય પાળવાની બાધા : એક દિવસ પાવૈયાના ટોળામાં ભળેલો પતિ સામે મળ્યો : સામે જ નવો ધણી સાંતી હાંકે : બધું જુએ : નિર્ભયતાથી ઘોડાની લગામ ઝાલી પત્નીએ રોક્યો : “આમ કરવું’તું?” એટલા જ શબ્દ : આંસુની ધાર : ‘જમ્યા વિના નહીં જવા દઉં’ : નવા ધણીને બધી હકીકત કહી : દેવીભક્ત આહીરે દયા કરી : દેવીને પ્રતાપે નપુંસકને પુરુષાતન દીધું : બેયને ગાડામાં બેસાડી પોતે જ પાછાં એને ઘેર પહોંચાડી આવ્યો. આવાં એ સ્ત્રીઓમાં પ્રેમ, શૌર્ય, ને સંયમ હતાં. અને કુળમરજાદનાં ધોરણો પણ કેવાં? ભડલીના ભાણ ખાચરે વૃદ્ધાવસ્થામાં નવું ઘર કર્યું. સોળ વરસનાં કમરીબાઈ ફાટફાટ થતું જોબન લઈને સાસરે આવ્યાં. ત્યાં તો સાઠ-સાઠ વરસનાં ગામલોકો એમને ‘આઇ’ કહી બોલાવે. આઇ એટલે મા. એક દિવસ મહેમાનો ભેગા કાઠિયાણીના હાથનો રોટલો જમવા દરબાર બેઠા. બોખે દાંતે રોટલો બરાબર ન ચવાયો. જમતાં જમતાં હસીને માત્ર એટલું જ બોલાઈ ગયું કે ‘બત્રીસ દાંતવાળાંને બોખાંની પીડા ક્યાંથી સમજાય?’ રાતે શયનગૃહમાં દરબાર ચોંકી ઊઠ્યા. ‘રાણી, આ શો ગજબ! એકેય દાંત નહીં!’ હસતે મુખે જવાબ મળ્યો કે ‘બોખાંની પીડા સમજવા’. બાવા વાળો નામનો એક બહારવટિયો : જંગલોમાં ઘૂમે : કાઠિયાણીને ચલાળા ગામમાં રાખેલી : ઘરવાસ ભોગવવાનો તો સમય નહોતો — સમય આવવાનો યે નહોતો. સત્તાવીસ વર્ષનું આયુષ્ય ભાખેલું : બાવા વાળાના સાથીઓને લાગ્યું કે કૈંક સંતતિ થઈ જાય તો ઠીક : બાવા વાળાને પૂછ્યા વિના એક પવિત્ર કાઠીને મોકલી બાઈને તેડાવી લીધાં : રાત્રિએ અચાનક પોતાની ગુફામાં પોતાની કાઠિયાણીને જોઈ પતિ ચકિત થયો : બધી વાત જાણી : મારી રજા વિના? પર પુરુષ સાથે ચાલી આવી? વગેરે મેણાંથી સતીનાં મર્મ વેધ્યાં : ભભૂકીને કાઠિયાણીએ ઉત્તર વાળ્યો કે ‘દરબાર! એવી તો તમારીયું હોય; હું નહીં’. સ્વામીએ ખડ્ગ ખેંચ્યું : નીરવ નારીએ માથું નમાવ્યું : અધીનતાથી હણાઈ ગઈ. પાછળથી પતિ પાગલ બની ગયેલો, અને ગોપનાથ જઈને કમળપૂજા ખાવા તૈયાર થયેલો. આ દૃષ્ટાંતો તે કાળના નારીજીવનનું અનુમાન કરાવે છે. આજ પણ ચારણિયાણીને કે કાઠિયાણીને સગા દિયરથી યે ‘ભાભી’ ન કહેવાય, ‘બહેન’ જ કહેવાય. મોટી હોય તો ‘આઇ’ કહેવાય. એ પ્રથાની પાછળ જ પેલી આઇ કામબાઈ ચારણીની ઘટના ઊભી છે. લાખા જામ રાજાએ એ રૂપવતીને ‘ભાભી’ કહેતાં તો એણે પોતાની મસ્ત છાતી પરથી સ્વહસ્તે બંને સ્તન વાઢી આપ્યાં, ને લોહીના ધોધની સાથોસાથ હૃદયના લોહી જેવો દુહો છૂટ્યો કે

હું ભેણી તું ભા’, સગાં આદુનો સંબંધ;
કવચન કાછેલા, કીયે ગને કઢ્ઢિયું.

[હું ચારણી તો રજપૂતની બહેન થાઉં. ને તું રજપૂત ચારણીનો ભાઈ થા. આપણી જાતિ વચ્ચેનો એ સંબંધ તો અનાદિ કાળથી ચાલ્યો આવે છે. છતાં, હે કચ્છમાંથી આવેલા ક્ષત્રિય રાજા, આજ મારો એવો શો ગુનો જોયો કે તેં ‘ભાભી’ એવો કુશબ્દ કાઢ્યો?] આજ પણ સોરઠના કોઈ કોઈ ગામડામાં બુઢ્ઢા વરને વરાવેલી વણિક કન્યાઓ આખર સુધી મન સંયમમાં રાખી, આખરે ભર માયરા વચ્ચે ઉઘાડે મુખે આવીને ઊભી રહે છે, અને મહાજન સમક્ષ એ બુઢ્ઢાને ‘મારો ભાઈ-બાપ’ કહી સંભળાવે છે. એ બનાવો આપણને પેલી માંગડા વાળાની પ્રિયતમા પદ્માના બંડનું રહસ્ય સમજાવે છે. સોરઠી સાહિત્યની એ શોકાન્ત સ્નેહ-કથા એવું કહે છે કે માંગડા રાજપુત્રને અને પદ્મા વણિકપુત્રીને પ્રીતિ હતી. માંગડો યુદ્ધમાં ગાયોની વહારે જઈને મરાયો પણ વાસના રહી ગઈ. તેથી એ યુદ્ધભૂમિના વડલા ઉપર પ્રેત બની રહ્યો. પદ્માને સ્વજ્ઞાતિમાં વરાવેલી. વિવાહ મંડાયા. પાટણથી જાન આવતી હતી. વડલાને છાંયડે ખૂબસૂરત માંગડાએ પરણવા આવવા માગણી કરી — પાછા આ વડલે આવીને ઊતરી જવાની શરતે. એમ થયું. વળતાં વડલો આવ્યો. માંગડો ઊતર્યો. ભડકો થઈને વડલામાં ભરાયો. પદ્મા ઊતરી પડી. ભૂતને સાદ કરવા લાગી. સદેહે ભૂતની સેવા આદરી. પણ દેહના સંબંધનો સંભવ નહોતો. પછી તો

ડાળે ડાળે હું ફરું, પાને પાને દુઃખ
મરતાં વાળો માંગડો, સ્વપ્ને ન રહ્યાં સુખ.

એવાં કલ્પાંત જ રહ્યાં. એવાં સ્ત્રી-પુરુષોના અવશેષો અહીંતહીં આજ પડ્યા છે, અને એ સ્ત્રી-પુરુષોનાં જીવનની આસપાસ અન્ય જે તત્ત્વો ઘેરી વળેલાં તેની છિન્નભિન્ન સ્મૃતિઓ આજ પણ જ્યાં રેલગાડી નથી પહોંચી ત્યાં પડી છે. ચોરાઓ : ઠાકરદુવારાઓ : સંધ્યાની આરતી : કોઈ રડ્યોખડ્યો કોઠો : પ્રેમમાંથી વિવેકમાં પલટીને પણ સજીવન રહેલી સોરઠી મહેમાનદારી : ગામડાંને પાદર ઉઘલતી જાન : ઘૂમટામાં આંસુ સારતી ‘પ્યારી લાડી’નું ઘૂઘરીઆળું વેલડું : ઘોડે બેઠેલો કિનખાબની આંગડીવાળો ‘વરલાડો’ : શરણાઈના શોર : બંદૂકદાર વોળાવિયા : અને ઘોડાંની નૃત્યરમતો : એ અમારી જૂની સંસ્કૃતિના સ્તંભો છે. એમાંથી સાહિત્ય જન્મ્યું છે. કાઠી રજપૂત દરબારોની માનવસૂની ડેલીઓ : રૂપેરી હોકાઓ : કસુંબાની મેલી પ્યાલીઓ : બથ ભરીને ભેટવાના રિવાજો : મૂછોના થોભા અને રાતીચોળ આંખો : રડ્યાંખડ્યાં સારાં ઘોડાં ને રડ્યાખડ્યા બહારવટિયાની પવિત્ર નીતિરીતિ : અને એને પાણી ચઢાવતા રડ્યાખડ્યા ચારણો : એ બધામાં એક વખત અમારી સંસ્કૃતિનો આત્મા ટહુકતો હતો. યુદ્ધનાં ઘમસાણો, લૂંટફાટો, અપહરણો અને લોહીની ધારાઓમાં જેટલું હિંસાનું તત્ત્વ હતું, એટલે કે લોહીની ઘાતકી પિપાસા અને હત્યાકારી દ્વેષ હતાં, તેથી સાતગણાં વીરતાના ખેલ કરવાના કોડ અને વીરત્વ પ્રત્યે ભક્તિભાવ, માન ને પ્રશંસાની લાગણી હતાં. સામાન્ય રીતે ભરડાયરાની વચ્ચે એકબીજાના બળની સ્પર્ધા ચાલતી. બંને પ્રતિસ્પર્ધીઓ પરસ્પરને પોતાને ગામડે લડવા આવવા નોતરાં દેતાં, અને ‘ન આવે તો તને મારા હમ’ એવા સોગંદ દેતા. પછી ભેટો થાય તેમાં જો મિજબાન શત્રુ ઘાયલ થઈને પડે તો યજમાન શત્રુ એને પોતાને ઘેર લઈ જઈને પડદે નાખતો. બહાદુરોને અરસપરસ ઓળખાણના કોડ હતા. ઘેલાશા કામદાર અને વોળદાન કાઠી : રેફડા ગામને સીમાડે પહેલી જ વાર મળ્યા : બંનેએ પરસ્પરને મારવાની પ્રતિજ્ઞા કરેલી : બંનેએ અફીણ ઘોળી સામસામા કસુંબા લીધા-દીધા, ને પછી સામસામાં શસ્ત્રો અફળાવ્યા. જેતપુરના કાઠી વીર વીરા વાળાએ ગોંડળ ભાંગ્યું, ત્યારે પાછળ સાડા ત્રણસો સવાર લઈને આવનાર ભા કુંભાજીના સાળાને હરાવીને, અને એમની દાઢી-મૂછ કાપીને (ભરયુદ્ધમાં પણ કેવો વિનોદ!) પાછો કાઢ્યો. પણ ત્યાર પછી ત્રણ જ ઘોડેસવાર ચાલ્યા આવતા દેખાયા. એક તો આગલી રાતે જ પરણેલો : ત્રણેયનું વીરત્વ વીરા વાળાએ આઘેથી ઓળખ્યું : સામે ચાલીને પાઘડી ઉતારી : ગોંડળનાં બધાં ઢોર પાછાં લઈ જવા વીનવ્યા : પણ એ ત્રણ ન માન્યા : યુદ્ધમાં ત્રણેયના ટુકડા થઈ ગયા : આંખોમાંથી આંસુ સારતો વીરા વાળો ચાલી નીકળ્યો : મોંમાંથી ‘વાહ! વાહ!’ નીકળી. વિનોદાત્મક વચનો કાઢવાં કે મર્મસૂચક અભિનયો કરવા, એ તો એ યુગની પ્રકૃતિ હતી. કટાક્ષો કરવાથી જીવના જોખમમાં ઊતરાય તોપણ ભલે. લાઠીના રાજા લાખાજી ગોહિલને ઘેર જસદણના કાઠી શેલો ખાચર પોતાના બસો કાઠી યોદ્ધાઓને લઈને મહેમાન બન્યા. લાખાજી મહેમાનોને શેરડી ખવડાવવા વાડમાં તેડી ગયા. પોણા પોણા મણનો અક્કેક સાંઠો. કાઠીઓ ચૂસતા જાય ને બોલતા જાય કે ‘વાહ શેરડી!’ ત્રણ વખત ‘વાહ શેરડી!’ કહ્યું. લાખાજીએ ઉત્તર દીધો કે ‘મીઠી કેમ ન હોય? એમાં તમારા વડવાઓનાં માથાંનું ખાતર નાખ્યું છે’. બધા કાઠી ‘થૂ થૂ’ કરતા ઊભા થઈ ગયા. બસ, વેર બંધાયું. ઓછાબોલાં એ યુગનાં માનવી, બોલતાં ત્યારે બાળીને ભસ્મ કરતાં. ઓછાબોલાં હતાં તેથી જ જે કૈં બોલાતું તે અમર બનતું. વેણ જ એવાં નીકળે કે કાળજા સોંસરવાં જાય. મર્મકટાક્ષ અને હાજરજવાબીની નિશાનીઓ તો હજુયે તાજી જ છે. વળાને અને ભાવનગરને સીમાડાની તકરાર હતી. બંનેનું એક જ કુળ — ગોહિલ. ભાવનગરની ગાદીએથી જ વળાનું કુળ ઊતરી આવ્યું છે. ભાવનગરના દીવાન ગગા ઓઝાએ વળાના કામદારને કહ્યું કે ‘યાદ રાખજો, આ તો હાથીને ખીલેથી પૂળો લેવાનો છે’. વળાના ચતુર કામદારે ઉત્તર દીધો કે ‘એમાં શું? હાથીને ખીલે પડેલો પૂળો તો હાથીનું બચ્ચું જ લઈ શકે ને?’ લીંબડીના રાજાએ ગગા ઓઝાને કહ્યું કે ‘તમે તો ઓઝા રામપાતર ઉતારી જાણો’. ઉત્તર મળ્યો કે ‘રામપાતર ઉતારીએ ખરા, પણ તે બીજાને દેવા માટે’. બીલખાના ભાયા મેર અને વીરા વાળા વચ્ચે વિગ્રહ : બંને દુશ્મનો : ગોંડળના રાજા ભા કુંભાએ બંનેને પોતાને ઘેર, સમાધાન કરવાને બહાને, નિમંત્ર્યા : બધા જમવા બેઠા : ભાયા મેરને જાણ થઈ કે વીરા વાળાને મારી નાખવા એની થાળીમાં ભા કુંભાએ ઝેરના લાડુ પીરસાવ્યા છે : ‘હાય! હાય! વીરા વાળા જેવો વીર શત્રુ! એને ભા કુંભો આવી રીતે મારે!’ : ભાયો મેર ન સહી શક્યો : બીજી રીતે ચેતાવવાનો વખત નહોતો : ભાયો મેર દોડ્યો : લાડુના બટકા ઉપર વીરા વાળાનો હાથ પડે છે ત્યાં તો ભાયો બોલ્યો, ‘વીરા વાળા, મારું સમાધાન કર્યા વિના જો તું આજ ખા, તો ગા’ ખા!’ : એમ દુશ્મનને ઉગાર્યો. આવી વક્રોક્તિઓનો એ યુગ હતો. વક્રોક્તિઓમાં જ વાતો થતી. ભાષાના સંયમે ભાષાને મંત્રસિદ્ધિ આપી હતી. કેવળ ભાષામાં જ કાં? અંગની એકેએક ગતિમાં તાલબદ્ધ ધીરપ ભરેલી, આજ પણ એ અસલી જમાનાના કોઈ બુઝર્ગને તપાસશું તો એ થોડું જ અને ક્વચિત્ જ હસતો હશે — માટે જ એ ક્વચિત્ જ રડતો હશે. એની આંખના પલકારામાં પણ નકામી ને તાલવિહીન ત્વરા નહીં હોય. આજ એકસો વેણ વાપરવાથી, કે વાયુ અને વીજળીનાં વેગવંત વાહનોમાં દોડધામ કરવાથી જે પ્રભાવ નથી પડતો તે સોરઠના અસલી માનવના એક દીદાર પામીને જ પથરાતો. સોરઠના રુદનમાં પણ એક અલબેલી સંસ્કૃતિ હતી. એના ગરબા અને રાસડા જો કોઈ ઉચ્ચ રસિકત્વની સાક્ષી પૂરતા આજે સંગ્રહાઈ રહ્યા છે, તો બીજી બાજુ અત્યારે નિર્જીવ કે બીભત્સ બનેલાં એનાં છાજિયાં અને મૃત્યુકાળે સ્ત્રીઓના કંઠમાંથી નીકળતા મરશિયા પણ ભૂતકાળની સંસ્કૃતિના એક મહત્ત્વના કવિતામય અંગની સ્મૃતિ કરાવે છે. આજ પણ કોઈ કોઈ કાઠિયાણી જ્યારે કોઈ નાનું મરણું થયું હોય ત્યારે મોં ઢાંકીને શીઘ્ર કવિતાભર્યા મરશિયા ગાવા લાગે છે. વાતાવરણ કલ્પાંતના કરુણ રસથી એટલું બધું પલળી જાય છે કે જમવા બેઠેલ આખો ડાયરો ભીની આંખો લૂછતો લૂછતો બાજઠ પરથી બેઠો થઈ જાય છે. આજ ફક્ત એંધાણી રૂપે જ રહેલું આ તત્ત્વ ચાળીસ વર્ષ પૂર્વેની સોરઠી સંસ્કૃતિમાં એટલું બધું સમજીવન અને પ્રાણપ્રેરિત હતું કે શૂરવીરો પોતાના વીર મૃત્યુને સ્ત્રીઓના કંઠમાં એ રીતે અમર કરી જવા ઝંખી ઊઠતા — જેમ મુસલમાન બાદશાહો ખુદ પોતાના દફનને માટે પ્રથમથી જ મનપસંદ આરસની કબરો તૈયાર કરાવી રાખતા તેમ. મૃત્યુ તે કાળે મધુર ને સ્પૃહણીય હતું. એટલે જ છસો વરસ પૂર્વે એક જુવાન પુરુષની નનામી પછવાડે કૂટતી નગરનારીઓને નીરખતાં રાવ લાખા ફુલાણીના હૈયામાં વહેલા વહેલા મરવાના કોડ જાગેલા. એના મોંમાંથી તે જ કાળે દુહો નીકળેલો કે

મરતાં થોડી મુદતમાં, જસ લીધો એણે;
(જેને) ધેણ્યું રોવે ધ્રુશકે, નીતરતે નેણે.

[વહેલા વહેલા મરી જવામાં કેવો યશ સાંપડે છે! જુવાનીમાં મરીએ એટલે આપણા શબની પછવાડે, ગામની જુવાન નારીઓ રોતી રોતી, ને છાતીફાટ કૂટતી કૂટતી નીકળે!] અને કેવાં કરુણરસભર્યાં કાવ્યો જન્મ્યાં છે! લાખાએ બીજો દુહો કહ્યો કે

કટ કટ ભાંગે ચૂડલી, રોવે ઝાંપા બા’ર;
લાખો કે’ એને મ મારજો, જે ઘર નાની નાર.

એ મરશિયાની પ્રથાએ તો ચિરંજીવ કાવ્યો જન્માવ્યાં છે. હમીરજી ગોહિલ સોમનાથની સહાયે પાટણ જતા હતા. રસ્તે એક ગામડામાં કોઈ ચારણીના ઘરની દીવાલે હમીરજી થંભી ગયા. ચારણી એના મરેલા પુત્રનું મોં વાળી મરશિયા ગાતી હતી. હમીરજીએ અંદર જઈને કહ્યું, ‘આઈ, મારા મરશિયા કહેશો? મારે સાંભળવા છે’. ચારણી કહે, ‘બાપ, મરશિયા તો મરેલના કહેવાય’. હમીરજી કહે, ‘આઇ, હું મરવા જાઉં છું. સોમૈયાને શિર સમર્પ્યું છે’. ચારણી કહે, ‘જા બાપ, તું લડતો હઈશ ત્યારે રણમાં આવીને તારા મરશિયા કહીશ’. અને સાચે જ ચારણીએ હમીરજીને સમરાંગણમાં મોતનાં મધુર ગીત સંભળાવ્યાં. એ ગીત સોરઠી સાહિત્યમાં અમર થયાં. કેવાં એ ગીત!

વે’લો આવ્યે વીર, સખાતે સોમૈયા તણી;
હિલોળવા હમીર, ભાલાં અણીએ ભીમાઉત.
[હે ભીમાજીના પુત્ર હમીરજી, યુદ્ધમાં હિલોળી હિલોળીને ભાલાં ફેંકવા તું સોમનાથજીની સહાય કરવા વહેલો આવજે.]
વેળ તાહળી વીર, આવીને ઉમાટી નહીં;
હાકમ તણી હમીર, ભેખડ હુતી ભીમાઉત.
[તારી શક્તિ રૂપી વેળ આવી, પણ એણે ઉવાળ ન કાઢ્યો, અર્થાત્ કાંઠેથી છલકીને બહાર ન નીકળી શકી; કારણ કે સામે બંને બાજુએ મુસલમાન સૂબાની ફોજ રૂપી ભેખડો હતી.]
વન કાંટાળાં વીર, જીવીને જોવાં થયાં;
આંબો અળવ હમીર, ભાંગ્યો મોરી ભીમાઉત.
[હમીરજી રૂપી હે આંબા! તું હજુ તો મહોરતો હતો ત્યાં જ ભાંગી પડ્યો. એટલે મારે તો હવે જીવું ત્યાં સુધી કાંટાનાં વન જ જોવાનાં રહ્યાં.]

આવાં વિધવિધ, વિશાળ અને અનેરાં ખંડેરો પરથી કલ્પી શકાતી સંસ્કૃતિ તે લોકસંસ્કૃતિ હતી. કાઠી, રજપૂત અને ચારણ, આયર, રબારી અને ભરવાડ, એવાં કાંટિયાં વર્ણો આ સંસ્કૃતિનાં સરજનહાર હતાં. શિષ્ટ વર્ણોની નિર્બળતાઓ ને કૃત્રિમતાઓ એમનામાં નહોતી. છતાં રસિકતા, ઇન્દ્રિયનિગ્રહ ને બિરદપ્રતિપાલન ઉચ્ચ હતાં. શિષ્ટ સંપ્રદાયમાં અસંભવિત એવી ‘રોમાન્સ’, જીવનની અપૂર્વતા ને નિગૂઢતાનો પરિવેશ એ આખા યે યુગની ચોગમ વીંટળાયેલો હતો. કલ્પનાથી ઘેરાતાં એ માનવીઓનાં લોચન હતાં. વીરપૂજા ને સૌંદર્યપૂજા, સ્નેહપૂજા ને અતિથિપૂજા, સત્યપૂજા ને ટેકપૂજા, એ એમની પૂજાઓ હતી. વાસ્તવિક એ બધાં એક સંસ્કારનાં — એક જ હીરાનાં જુદાં જુદાં પાસાં હતાં; એક જ રસ જુદી જુદી ચીરાડોમાંથી ટપકતો, નોખનોખાં ઝરણ વહાવતો ને સમયધર્મનાં નોખનોખાં કિરણો વડે છવાઈને નોખનોખા રંગો ધારણ કરતો. એ સંસ્કાર, એ હીરો, એ રસ કયો? ક્ષાત્રવટ. એક જ સંસ્કૃતિના ગર્ભમાંથી ભક્તો, વીરો, દાતાઓ ને પ્રેમિકો જન્મ્યા. બલ્કે, એ બધો સમુચ્ચય મળીને જ અક્કેક વીર સરજાતો હતો. શૌર્ય વિના સ્નેહ નહોતો; સ્નેહથી જુદી ભક્તિ ન સંભવતી. લૂંટારાના અંતરમાં પણ ભક્તિ વહેતી. બાવા વાળો બહારવટિયો પોતાની પાછળ ચાહે તેટલા નજીક શત્રુ-સૈન્યો આવી પહોંચ્યાં હોય છતાં, સૂર્યોદય થતાં તો જ્યાં હોય ત્યાં બેસી જતો : કોડિયામાં વાટો મૂકીને સૂર્યની સામે ધરતો, એટલે સૂર્યનાં કિરણોમાંથી વાટોમાં સ્વત: જ્યોત પ્રગટતી! માળા પૂરી થયા પહેલાં એ બહારવટિયો ડગલુંયે ન દે. એવી નવરંગી લોક-સંસ્કૃતિના હૈયામાંથી જ સોરઠી સાહિત્ય ટપક્યું. એટલે એમાં લોકસ્વભાવનાં મુખ્ય બે તત્ત્વો બંધાયાં. નૈસર્ગિકતા અને અલ્પભાષિતા. આ બંને તત્ત્વોએ બબ્બે પંક્તિના નાનકડા દુહાને જ પોતાનો દેહ બનાવી લીધો. એ આપણે સમય આવ્યે તપાસશું.

સોરઠી સાહિત્યનો વિહારપ્રદેશ

કેટલો? નાના નેસડાથી માંડીને મોટા રાજદરબાર સુધી; સાદો ગ્રામ્ય મનોભાવ વ્યક્ત કરવાથી લઈને ગહન ફિલસૂફી ગૂંથવા જેટલો. માનવીના નિઃશ્વાસ જેવા નૈસર્ગિક એક દુહાથી માંડીને રસાલંકારના અચૂક નિયમોની તાવણે ચઢેલા કાવ્યરૂપ દુહા, ગીત કે છંદ સુધી આ સાહિત્યે પાંખો પસારી છે. અને કેવાં એ કાવ્યો? સંસ્કૃત સાહિત્યની સર્વોત્તમ કૃતિઓને સ્મરાવે — ને કદાચિત્ વિસ્મરાવે — તેવાં સર્વાંગ સુંદર, ‘એક્સક્વિઝિટ’, ‘ગંગાલહરી’ કાવ્યની સામે તોળવા બેસે તેવા ‘ભાગીરથી’ના દુહા તેવી જ એક ઘટનાએ સરજ્યા છે. રાજદે નામના ચારણની હાંસી કરવા કોઈ અન્ય ચારણે બાદશાહ મહમદ બેગડાના મગજમાં એવું ઠસાવી દીધું કે રાજદે ચારણ પ્રચંડ બાંગ પોકારી જાણે છે. કેવી બાંગ! જળપ્રવાહ થંભી જાય, માતાના સ્તન પર ધાવતાં વાછરું સ્તનપાન છોડીને સ્તબ્ધ બની જાય એવી. રાજદે કહે કે ‘હું ચારણ. મારા મોંમાં બાંગ ન હોય; મારી કાયા વટલાય, મારું મોત થાય’. પણ બાદશાહે હઠ ન છોડી. રાજદેએ પેટમાં બે કટાર ઘોંચી, ઉપર પછેડીની ભેટ વાળી, હજીરા પર ચઢ્યો. બાંગ દીધી. ભાખેલું બધું બન્યું. નીચે ઊતરીને ભેટ છોડે કે પ્રાણ જાય તેટલી જ વાર હતી. મશ્કરી કરનારે નીચેથી કહ્યું, ‘રાજદેભાઈ! તમને બાળવા કે દફનાવવા?’ રાજદેએ ગંગાની સ્તુતિ ઉપાડી. જેટલાં હજીરાનાં પગથિયાં તેટલા દુહા કહ્યા. માતા ભાગીરથીએ ભોંયમાંથી નીકળી, હજીરા સુધી ચઢી, ભક્તને માથાબોળ નવરાવ્યો. એક જ દુહો તપાસીએ :

ઉપર ઊતરિયાં, પંખી તે પાવન થિયાં;
માંહી મંજન કિયા, ભૂત ન સરજે ભાગીરથી.

[હે ભાગીરથી! તારા ઉપર થઈને આકાશમાં જે પંખી ઊડે છે, તેની માત્ર છાયા જ તારા નીરને અડકવાથી તે પંખીઓ પાવન થાય છે; તો પછી એ નીરની અંદર સદેહે સ્નાન કરનારાં મનુષ્યોને મૃત્યુ પછી ભૂત થવાનું ક્યાંથી રહે? અર્થાત્ એવાંની તો મોક્ષગતિ જ હોય.] એક જાણકારે કહ્યું હતું કે આટલી ગહન કલ્પના તો ‘ગંગાલહરી’માં નથી! ‘નરી સરળતા’ અને આડમ્બર : માનવોર્મિનો નિસર્ગમધુર અવાજ અને બનાવટી પંડિતાઈ : એવું વિસ્તૃત ક્ષેત્ર આ સાહિત્યે ખેડી જાણ્યું છે. કારણ? કારણ કે એ સાહિત્યના સૃષ્ટા ચારણો સદાના પ્રવાસી હતા. ઝૂંપડે જતા ને ઝરૂખે યે જતા. પ્રેમિકોની ચિતા પાસે બેસતા અને રાજવીરોને સમરાંગણમાં મોકલતા. રાજકચેરીમાં પાંડિત્યની સ્પર્ધા કરતા ને જંગલમાં કુદરત ગવાડે તેમ ગાતા. આખા સમાજમાં ઘૂમનાર આ વર્ગે લોકજીવનનું આવું પાન કર્યું હતું. પોતાની કચેરીમાં ચારણોની પાસે પાદપૂર્તિઓ કરાવનાર અને અલંકારનો ઉપભોગ કરનાર લાખો ફુલાણી પોતાના એકાંત જીવનમાં કેવી ઊર્મિઓની ગાથાઓ ગાતો? સરાણિયા હમેશાં સ્ત્રીપુરુષ સાથે જ ઉદ્યમ કરે છે. એ દૃશ્યે લાખાના હૃદયમાં અસંતોષ જગાવ્યો. એણે ગાયું : જેડાં સખ સરાણિયાં, એડાં નહીં રાણા; એક તાણે બીજું ત્રાકવે, ઝડ લાગી નેણાં. [સરાણિયાને જેવું સુખ હોય છે તેવું રાજાઓને પણ નથી હોતું. સરાણ પર સામસામાં બેસીને, સ્ત્રી દોરી તાણી પૈડું ચલાવે અને પુરુષ હથિયાર સજ્યે જાય. કામ કરતાં કરતાં બંને જણાં તારામૈત્રક રચે છે! જરાય જુદાં થવાનું નહીં.] બીજી બાજુ પ્રત્યેક પ્રેમિક-પ્રેમિકા કવિ જ હતાં. રા. હરગોવિંદ પ્રેમશંકરે પ્રગટ કરેલ ‘કાઠિયાવાડની જૂની વાતો’માં એવાં પ્રેમીઓએ સામસામા કેવા દુહાઓ કહ્યા છે તે જોવાથી તે કાળના કાવ્યબળની કલ્પના આવશે.

[‘કૌમુદી’, આશ્વિન 1980 (ઈ. સ. 1929)]

[આ લેખ સાથે ‘કૌમુદી’ના તંત્રીની આવી નોંધ હતી : “ ‘સોરઠ અને તેનું સાહિત્ય’ નામે પુસ્તકનું આ પહેલું પ્રકરણ છે.” બીજું પ્રકરણ ‘સોરઠી સાહિત્યની ધારાઓ’ પછીના અંકોમાં ત્રણ હપતે છપાયેલું, પણ પછી એ પ્રકરણમાળા અટકી ગયેલી. બીજું પ્રકરણ આ પછીના લેખરૂપે આપ્યું છે.]