ચારણી સાહિત્ય/9.આપણાં મેઘગીતો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
9.આપણાં મેઘગીતો

લગભગ અગિયાર માસ પહેલાં શ્રી ગિરધર જોષીએ નીચેનાં પાંચ ‘મેઘગીતો’ મોકલાવ્યાં હતાં. તેમને આ ગીતો સોનગઢ (જિ. સુરત)માંથી દૂબળાની એક બાઈ નામે જતડી પાસેથી મળેલાં. વરસાદ આવ્યા પછી કાળીપરજની છોકરીઓ રાતે નીકળે છે અને આ ‘મેઘગીતો’ ગાતી શેરીએ શેરીએ ફરે છે. મે વરસ્યા બાદ, ચોખ્ખી શેરીઓમાં અંધાર સમયે આ રીતે ફરતી અને ગાતી બાળાઓનું દૃશ્ય ખરેખર જોવા જેવું બનતું હશે. સાથે સાથે એ ગીતોના ભાવ પણ જોવા જેવા છે. આ ગીત હજી અપૂર્ણ અને ખંડિત લાગે છે. લોકગીત સાદું હોય તો પણ તેમાં એકાદ તો કાવ્યત્વનો સ્પર્શ હોય છે. એવો સ્પર્શ અહીં મળતો નથી, છતાં યે પહેલું ગીત અષાડી રેલાને બોલાવવા કેવી સાજન-સામગ્રી મોકલે છે? હાથીડા, ઘોડલિયા, ઊંટડિયા. શા માટે? ‘મેઘ મારો આવે રે, મન ભાવે’ — એ માટે.

લોકગીતો અને વાસ્તવદર્શન

બીજા ગીતમાં પણ ‘દુનિયાનો બાપ’ કહેવા છતાં યે મેહ ન જ વરસ્યો. સ્થિતિ શી થઈ? પટેલને પટલાણી કાઢી મેલવી પડી, હળીડાને હળ છોડવાં પડ્યાં. (ત્રીજું ગીત.) દુષ્કાળની પરિસ્થિતિને કારણે પટેલને પટલાણી કાઢી મેલવી પડે એ અત્યંત વાસ્તવિક પરિસ્થિતિને સીધેસીધું રજૂ કરી શકે તો તે લોકકાવ્ય જ. આધુનિક કવિ એ રજૂ કરવાની હિંમત ન કરે. હિંમત કરે તો એ રજૂઆત પર અનેક ઢોળ ચડાવે. માત્ર બે જ લીટી છતાં એ દૃશ્ય કેવું છે? ‘માથે છે ટોપલો, કેડ્યે છે નાનેરું બાળ રે...’ પછી તો ચોથા ગીતમાં આવવાની આગાહી આપતો મેહ, પાંચમા ગીતમાં ‘દરિયામાં ગાજ્યો ને ગામડે વરસ્યો’. ધનધાન્ય ફાલ્યાં-ફૂલ્યાં. પણ ગયે વર્ષે દુષ્કાળને કારણે પત્નીને પિયર મોકલેલી એ ક્યાં? : ‘મારી ગોરી હોય તો પાણીડાં જાય રે...’ આ ગીતો તળ ગુજરાતનાં કહી શકાય. આપણા કાઠિયાવાડમાં આવાં ગીતો કેટલાંક છે? ‘રઢિયાળી રાત’માં ઋતુગીતો મુકાયાં છે. પણ એ તો આખા વર્ષના માસેમાસને લઈને ગવાયેલાં છે. એમાં આ જાતનું મેઘગીત કહી શકાય તેવું તો એક જ છે અને તે ‘શ્રાવણનાં સંભારણાં’. એ પછી બીજા પુસ્તક ‘ઋતુગીતો’ના પાછલા ભાગમાં પાલનપુર નજીકના પ્રદેશમાં મારવાડી સ્ત્રીઓ ગાય છે તેવાં છ મેઘગીતો મુકાયાં છે. એ ગીતોમાં બેન અને ભાઈના જ ભાવ છે એ એની વિશિષ્ટતા છે. આપણે ત્યાં આ સિવાય કોઈ મેઘગીતો છે?

મેઘરાજાનું વ્રત : આપણી વિશિષ્ટતા

બીજાં મેઘગીતો હશે કે નહિ તેની ખબર નથી, પણ આપણે ત્યાં ‘મેઘરાજાનું વ્રત’ ઊજવાય છે. જેઠ માસમાં સ્ત્રીઓ રોજ માથા પર લાકડાના પાટલા લઈ, તે ઉપર માટીના ‘દેડકા’નાં બે પૂતળાં બેસારીને નીકળે છે અને ઘેરઘેર જઈને બોલે છે કે : આંબલી હેઠે તળાવ, સરવર હેલે ચડ્યું રે, સહિયર ના’વા ન જઈશ, દેડકો તાણી જશે રે, દેડકાની તાણી કેમ જઈશ, મારી મા ઝીલી લેશે રે. આ પછી ગવાતું ગીત મેઘગીત જેવું કહી શકાય — ઓ વીજળી રે! તું ને મારી બે’ન!

અવગણ મા ના લ્યો!

ઓ મેઘરાજા! આ શી તમારી ટેવ!

અવગણ મા ના લ્યો!

પેલી વીજળી રિસાઈ જાય છે, પેલી બાજરી સુકાઈ જાય છે. પેલી જારોનાં મૂલ જાય રે, ઓ મેઘરાજા! ભીંજાતી સ્ત્રીઓ ઘેર આવે, ઘરનાં માણસો પૂતળાં પર પાણી રેડે, વ્રત રહેનારી સ્ત્રીઓ તરબોળ બને અને પાછું ગાય કે — મેઘો વરસિયો રે વરસ્યો કાંઈ મારે દેશ! અવગણ મા ના લ્યો! [‘કંકાવટી’]
બીજા પ્રાંતોમાં મેઘરાજાનું વ્રત છે? આ વ્રતમાંથી બે વાતો ધ્યાન ખેંચનારી છે : (1) આપણે ત્યાં મેઘરાજાનું વ્રત ઊજવાય છે તેવું બીજા પ્રાંતોમાં છે કે નહિ? શ્રી અવનીન્દ્રનાથ ઠાકુરના ‘બાંગ્લાર વ્રત’ (બંગાળનાં વ્રતો) નામક ગ્રંથમાંથી જાણવા મળે છે કે બંગાળામાં ‘ભાદૂલી વ્રત’ છે. એ ભાદરવા માસમાં ઊજવાય છે. પણ એ તો પરદેશ ગયેલાં પોતાનાં સ્વજનો હેમખેમ પાછાં આવે એ માટે ઊજવાય છે. ‘હંસ’ના 1939ના ડિસેંબરના અંકમાં મૈથિલી લોકસાહિત્યના સંશોધક શ્રી રામઇકબાલસિંહ રાકેશે ‘વટગમની’ નામનો લેખ [હિન્દીમાં] લખ્યો છે. તે પરથી જણાય છે કે બિહારમાં ‘વટગમની’ નામનું વ્રત ઊજવાય છે. બરાબર શ્રાવણ માસમાં, વરસાદ પડતો હોય ત્યારે ત્યાંની સ્ત્રીઓ સંપૂર્ણ વસ્ત્રો પહેરી, ખભેખભા ભિડાવીને બગીચાઓમાં જાય છે અને બાગમાં ઝૂલા પર બેસીને સામસામાં ગીત ગાય છે. ક્યારેક દરિયા તરફથી માથે ગાગર મૂકીને પણ એ સ્ત્રીઓ ‘વટગમની’ હોય છે. એમાં થોડાંક મેઘરાજાને ઉદ્દેશીને ગવાયેલાં ગીતો હોય છે. બાકીનાં ગીતોમાં તો પોતાના પ્રિયતમ, તેના વિરહ અને મિલનના ભાવ આવી જાય છે. ઉત્તર હિંદુસ્તાન અને રાજપૂતાના તરફ વરસાદ પડ્યા પછી સ્ત્રીઓ ‘કજરી’ નૃત્ય કરે છે. હાથમાં ફૂલડાં લઈ, ત્રણ-ત્રણ સ્ત્રીઓની ટોળીઓ એ નૃત્ય કરતી જાય છે અને ફૂલડાં ઉડાડતી જાય છે એવાં ચિત્રકારોએ દોરેલાં એનાં ચિત્રો જોયાં છે, પણ એ નૃત્ય સમયે તેઓ કેવાં ગીત ગાય છે તે ખ્યાલ નથી. બીજા પ્રાંતોમાં પણ આ પાનું વંચાતું હોઈ એ વિશે અમને કોઈ લખી જણાવશે તો જરૂર પ્રકટ કરશું. દેડકો : મેઘરાજાનું પ્રતીક (2) આપણા મેઘરાજાના વ્રતમાં દેડકાનાં પૂતળાં મુકાય છે. વરસાદ પડ્યા પછી આખું વર્ષ મૌન ધરી બેઠેલ દેડકો ડ્રાંઉ ડ્રાંઉ કરતાં અખંડ ગીતધ્વનિથી વર્ષા કાળને સંગીતભરપૂર કરી દે છે એટલે દેડકાને મેઘરાજાના પ્રતીક તરીકે લેવામાં આપણી સ્ત્રીઓએ ઘણું ઔચિત્ય જાળવ્યું કહી શકાય. આપણે ત્યાં લોકમાન્યતા પણ એવી છે કે દેડકો બોલે ત્યારે વરસાદ આવે. દેડકાની પૂજા તો ચીનમાં યે છે. પણ ત્યાં દેડકો મેઘરાજાનું પ્રતીક નથી, પણ ધન સંપત્તિ, કુબેર-ભંડારીનું પ્રતીક મનાયો છે ને પુજાયો છે. કુબેરભંડારીનાં ચીની ચિત્રો પણ આપણી બીજી ચોપડીમાં આવતી વાર્તા ‘દેડકો અને બળદ’માં ફુલાવેલ પેટના દેડકા જેવી જ આકૃતિવાળાં હોય છે. આ મેઘગીતોની સાથોસાથ એ ભાઈએ લોકગીતોની ઢબે રચેલા એક મેઘગીતને મૂકીએ છીએ, જે આપણાં લોક મેઘગીતની સાથે વાચકોને સમજાશે કે માત્ર લોકઢાળ કે લોકશબ્દો મૂકવાથી લોકગીતની નરી સરળતા નિપજાવવી કઠિન છે.

[1]
અષાઢી રેલો આવે

મેઘ કયે કે જીરમીર જીરમીર વરસું (2) અષાઢી રેલો આવે રે...

મેઘ મારો આવે રે;
મન ભાવે.

તમને કે’ હાથીડા મોકલાવું (2) હાથીડે બેસીને આવે રે...

મેઘ મારો આવે રે;
મન ભાવે.

તમને કે’ ઘોડલિયા મોકલાવું ઘોડલિયે બેસીને આવે રે...

મેઘ મારો આવે રે;
મન ભાવે.

તમને કે’ ઉંટડિયા મોકલાવું (2) ઊંટે બેસીને આવે રે...

મેઘ મારો આવે રે;
મન ભાવે.
[2]
દુનિયાનો બાપ રે

દુનિયા જુવે છે, પાણીની વાટ રે મેવલિયા. તું તો વરસે, દુનિયાનો બાપ રે મેવલિયા. તારે ખાડા, ખાબોચિયાં ભરાય રે મેવલિયા. તું તો વરસ્યો, ના વરસ્યો રે મેવલિયા.

[3]
હળ છોડી મેલ્યાં રે

પટેલે પટલાણ કાઢી મેલી રે... મેવલા. માથે છે ટોપલો,

કેડ્યે છે નાનેરું બાળ રે... મેવલા.
પટેલે પટલાણ કાઢી મેલી રે...

ચાલી છે શા માટે બજાર રે... ચાલી હો મહિયરિયાની વાટ રે — મેવલા... હળીડે હળ છોડી મેલ્યાં રે... મેવલા.

[4]
વરસ્યો ચારે ખંડ

મેઘની માડીએ રે —

એમ કરી પૂછ્યું.
તમારે મેઘનો ભાર રે — વીજળી.

અખણ ગાજ્યો!

દખણ વરસ્યો

વરસ્યો ચારે ખંડ રે — વીજળી.

[5]
ગોરી હોય તો

દરિયામાં ગાજ્યો, ગામડે વરસ્યો, વરસ્યો જાય રે... મેઘજી. નાગલી રે વાવી, કોદરા રે વાવ્યા,

સામે પાક્યું ભાત રે... મેઘજી.

સાત પનિયારી, પાણીડાં ભરે, મારી ગોરી હોય તો પાણીડાં જાય રે — મેઘજી. સાત શહેરી, શેરી બુઆરી,

મારી ગોરી હોય તો ઝાંપો રે — મેઘજી.

[નાગલી=જુવાર. બુઆરી=સાફ કરી (કાઠિયાવાડમાં અમુક વિભાગમાં હરિજનો પણ વાળવુંને ‘બોરવું’ કહે છે. કાઠિયાવાડના હરિજનો અને ગુજરાતના આ દૂબળા વચ્ચે શબ્દ સામ્ય ક્યાંથી આવ્યું હશે?)]

[6]
મેઘને

મેઘલ તારી આંખડી કાળી, મદઘેલો ચકચૂર રોજ દીસે દિન ઊગતા આભે કેમ તું દોડે દૂર

અગસ્ત્યના વાયદા દેતો
નિશાએ તું નાસી ક્યાં જાતો!

આજ આવે, અબઘડીએ આવે આવશે હમણાં હાલ લાખો નેનો નોંધાય તારા શામ શરીરે નોંધાય, તારા શામ શરીરે બાપ!

દયા જેવી જાત તારામાં
હશે કોઈ એ વાદળીમાં!

તું આવતાં તુજ શામલતાથી, ઉજવળ સહુ મુખ થાય, તું દૂર આંહીં કરોડ મુખો પર શાહી જો પથરાય

હવે દિનો ગણતાં થાક્યાં
લાખો ઋણી હૈયાં ભાંગ્યાં.

આવને બાપુ! ચાલ ઉતાવળો, ગફલત આ ન પોસાય એકલો ના હવે બારે ય સાથે, બે ઘડી ખાંગા થાવ

ગરીબોનાં ભૂલકાં માટે
ગૌમાતાના ચારા કાજે.

[અંબાલાલ જે. જાની] [‘ફૂલછાબ’, 5-7-1940]