ચિત્રકૂટના ઘાટ પર/જલસાઘર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
જલસાઘર
૧૯૨૮માં જ્યારે સત્યજિત રાય સાત વર્ષના હતા ત્યારે પોતાની માતા સાથે શાંતિનિકેતન ગયેલા. શિશુ સત્યજિત પાસે નવી ઓટોગ્રાફ-બુક હતી તે માએ ગુરુદેવ ટાગોરને આપીને કહ્યું કે, મારા દીકરા માટે કંઈક લખી આપો. ટાગોરે કહ્યું કે, આજે નોટ અહીં મૂકી જાઓ, કાલે લઈ જજો. બીજે દિવસે સત્યજિત ગુરુદેવ પાસે નોટ લેવા ગયા. ગુરુદેવે કહ્યું કે, મેં આમાં કંઈક તારા માટે લખ્યું છે તે તને આજે તો નહીં સમજાય, પણ તું મોટો થઈશ પછી સમજાશે. ગુરુદેવે લખ્યું હતું :


બહુ દિન ધરે બહુ કોશ દૂરે

બહુ વ્યય કરિ બહુ દેશ ઘુરે

દેખિતે ગિયેછિ પર્વતમાલા

દેખિત ગિયેછિ સિન્ધુ

દેખા હય નાઈ ચક્ષુ મેલિયા

ઘર હતે શુધુ દુઈપા ફેલિયા

એકટિ ધાનેર શિષેર ઉપરે

એકટિ શિશિર બિન્દુ.


અર્થાત્ ઘણાબધા પૈસા ખર્ચી ઘણાબધા દિવસો સુધી ઘણા માઈલો દૂર ઘણાબધા દેશોના પહાડો અને સાગરો જોવા ગયો. પણ બે ડગલાં દૂર ઘરઆંગણે ધાનની ઉંબી પર શોભતાં ઝાકળબિન્દુને આંખ ભરીને જોયું ના.

સત્યજિતે એક પ્રશ્નના જવાબમાં કહેલું કે, ઘરઆંગણામાંનું આ ઝાકળબિન્દુ તે મારી, મારા દેશની સંસ્કૃતિની પરંપરા – મારી સાચી પરંપરા.

સત્યજિતની જે ફિલ્મો દેશવિદેશમાં પ્રશંસા પામી, કદાચ વિદેશોમાં વિશેષ, એ એમાં નિરૂપાયેલી ભારતની તળભૂમિની પરંપરા પ્રકૃતિ માટે – સાચા અર્થમાં ભારતીય ફિલ્મ. સામાન્ય રીતે આપણા દેશની ફિલ્મો વિદેશી ફિલ્મોનું વરવું રૂપાંતર બની જતી હોય છે. સત્યજિત વિદેશી ફિલ્મોની ટેક્નિકમાંથી ઘણું શીખ્યા છે, પણ તેમની ફિલ્મો પર ભારતીયતાની મુદ્રા છે. પેલા ઘરઆંગણાની ધાનની ઉંબી પરના ઝાકળબિન્દુની સુષ્મા એમાં ઝિલાયેલી છે.

આવી ફિલ્મોમાં એક છે જલસાઘર. સાહિત્યની પરિભાષામાં કહીએ તો, એ જાણે એક ઊર્મિકાવ્ય છે – આદિથી અંત સુધી. એ જોયા પછી ચિત્તમાં એ ગુંજરતું રહે છે. તેમાં ‘જલસાઘર’ની વાર્તાના મૂળ લેખક તારાશંકર બંધોપાધ્યાયનો, સુવ્રત મિત્રની છબિકલાનો, વિલાયત ખાનના સંગીતનો અને છબી વિશ્વાસના અભિનયનો પણ સંવાદી સંયોગ રચાયો છે, સત્યજિતની અદ્વિતીય સર્જકદૃષ્ટિ સાથે.

પથેર પાંચાલી – અપરાજિત – અપુર સંસાર એ ‘અપુત્રયી’ ફિલ્મની વાર્તા આપણે જાણીએ છીએ તેમ વિભૂતિભૂષણ બંદ્યોપાધ્યાયની છે. તો અહીં છે, એમના જ સમકાલીન બીજા બંધોપાધ્યાય-તારાશંકરની. તારાશંકરની ‘જલસાઘર’ વાર્તા વાંચી એની ફિલ્મ બનાવવાનો વિચાર સત્યજિત રાયને આવ્યો અને એ ફિલ્મના લોકેશન માટે ગંગા કિનારેની જમીનદારોની અનેક જૂની હવેલીઓ–મહેલો જોયા. લગભગ વીસ-પચ્ચીસ. છેવટે નિરાશ થઈને પાછા ફરતા હતા ત્યાં ગંગા કિનારે જમીનદારનો એક મહેલ જોયો – જર્જરિત, ત્યજાયેલો. સત્યજિતને ‘જલસાઘર’ ફિલ્મ માટે આ લોકેશન પસંદ પડી ગયું અને એમણે તારાશંકરને એ અંગે લખ્યું. તારાશંકરે સામે લખ્યું કે, હા, મેં પણ ચૌધરીઓનો એ મહેલ લક્ષ્યમાં રાખીને આ વાર્તા લખી છે!

લેખક તારાબાબુ અને દિગ્દર્શક સત્યજિત બન્ને કેવા એક જ તરંગદૈર્ઘ્ય (વેવલેન્થ) પર અહીં જોવા મળે છે!

સત્યજિત વાર્તા તો તારાશંકરની લે છે, પણ પછી પોતાની રીતે એને ફિલ્મના માધ્યમમાં ઢાળે છે. લેખકથી કેટલા દૂર, કેટલા નજીક એ પ્રશ્ન સામાન્ય રીતે સાહિત્યરસિકો કરતા હોય છે, ફિલ્મરસિકો નહીં. આવા પ્રશ્ન એમને મન ગૌણ છે. ગમે તેમ, પણ અહીં તારાશંકરની. શબ્દસૃષ્ટિમાં વાર્તામાં રહેલ ભીતરનું તત્ત્વ સત્યજિતની દૃશ્યસૃષ્ટિમાં ઝિલાયું અનુભવાય છે.

વાર્તા છે બ્રિટિશ શાસન દરમિયાન વિસ્તરેલી જમીનદારીના આથમતા દિવસોની. તારાશંકરમાં આ વિષય વારંવાર ડોકાય છે, વિલીન થઈ રહેલો નજીકનો ભૂતકાળ. એ માટે તારાશંકર નોસટાલ્જિક-અતીતરાગી છે, કેમ કે પોતે એવા જમીનદાર વર્ગમાં જન્મેલા હતા. પણ ફિલ્મનિર્માતા સત્યજિતે પોતે નોસ્ટાલ્જિક હોવાનો ઇન્કાર કર્યો છે. એ તો ‘જલસાઘર’માં પરંપરાગત સાંસ્કૃતિક મૂલ્યો વિરુદ્ધ ભૌતિકતા (મટીરિઅલિઝમ)નો સંઘર્ષ બતાવે છે અને તેમાં સ્વાભાવિક છે કે, જ્યાં નૃત્ય, સંગીત આદિ કલા જેવા સાંસ્કૃતિક વારસાને આશ્રય મળતો હતો ત્યાં તેટલે અંશે અસ્ત થતી ગયેલી એ જમીનદારી માટેનો સત્યજિતનો સમભાવ જોઈ શકાય છે.

રાયવંશનું અગાઉની ત્રણ પેઢીઓએ રળેલું અને ચોથી પેઢીએ વાવરેલું ધન પાંચમી છઠ્ઠી પેઢી બરાબરનું વાપરે છે અને જ્યારે વિશ્વંભર રાય હવે જમીનદાર છે ત્યારે એ લગભગ દેવામાં ડૂબી જવામાં છે. ઘણુંબધું ડૂબી ગયું છે, પણ રાયવંશના કુળનું અભિમાન બાકી છે. રાયવંશનું રક્ત એમની નાડીઓમાં છે. એની સામે જે રાયકુટુંબમાં ચાકરી કરતા તે ગાંગુલી પરિવારના સભ્યો ધન જમા કરતા ગયા છે. ધીરધાર કરી પૈસા કમાનાર બાપનો બેટો મહિમા ગાંગુલી હવે રાયવંશી જમીનદારની જૂની જર્જર હવેલીને પડકાર આપતો હોય તેમ ગામમાં નવી અદ્યતન ઈમારત બનાવે છે.

રાયવંશની જૂની હવેલીમાં સંગીતનાચ માટે ખાસ અલાયદો ખંડ છે. એનું જ નામ જલસાઘર. જલસાઘરમાં મોટા આયના છે. રાયવંશના જમીનદારોની મોટી તસવીરો છે. ઉપર છત પરથી ઝુમ્મરો લટકે છે. ગાદીતકિયા જાજમ બિછાવેલાં છે, ત્યાં અવારનવાર જલસાઓ થતા. વિખ્યાત સંગીતકારો, નર્તકીઓને પોતાની કળા બતાવવાનો અવસર મળતો. આ જમીનદારો કળાને આશ્રય આપતા, એટલું જ નહીં, પણ કળામાં ઊંડી સમજ ધરાવતા. એમની કદરદાની પારખુની કદરદાની હતી. બીજી બાજુ એકાએક ધનિક થઈ ગયેલ મહિમા ગાંગુલી પોતાની ધનસંપત્તિના વૈભવનું પ્રદર્શન કરવા પોતાના નવા મકાનમાં ‘જલસાઘર’ બનાવે છે, પણ કલાની એને સમજણ નથી. એ તો માત્ર ‘સંસ્કારી’ કહેવડાવવાના બાહ્ય આડંબરના એક ભાગરૂપ છે. એટલું જ નહીં રાયવંશથી પોતે હવે કેવો ચઢિયાતો છે તે બતાવવા માટે પણ છે.

ફિલ્મ શરૂ થાય છે ત્યારે વિશ્વંભરાય જૂની હવેલીની છત પર જૂના જમાનાની ભારે ખુરશીમાં એકલા સ્મરણોમાં ડૂબેલા બેઠા છે. નોકર અનંત હોકો ભરીને એમના હાથમાં આપી જાય છે.

વિશ્વંભર અનંતને પૂછે છે : કયો મહિનો ચાલે છે આ? અને એમના ચિત્તમાં વીતેલી ઘટનાઓ ઘુમરાય છે પોતાના એકના એક છોકરાના ઉપનયન સંસ્કારનો સમારંભ. ઘરેણાં વેચીને પણ મોટા જલસા સાથે કેવી રીતે ઉજવ્યો હતો! ફિલ્મમાં ફ્લેશબૅકથી એ જલસાનું દૃશ્ય દર્શાવાય છે. એ દિવસે જલસાઘર દીવાઓથી ઝળહળી ઊઠ્યું હતું અને ત્યાં સંગીત ગુંજી ઊઠ્યું હતું, જમીનદાર રાયના આમંત્રિતો સમક્ષ.

એ જલસાને થોડા દિવસ વીત્યા એટલે વિશ્વભરનાં પત્ની પુત્ર સાથે પિયર જાય છે. જતાં જતાં ખોટા ખર્ચા ન કરવા કહેતાં ગયાં છે. પણ ત્યાં પેલો મહિમ ગાંગુલી નવા વર્ષને દિવસે પોતાને ત્યાં જલસો રાખ્યો છે તેનું આમંત્રણ આપવા આવે છે અને વિશ્વંભર રાયનું કુળઅભિમાન જાગી ઊઠે છે. એ કહે છે : મારાથી નહીં અવાય. એ જ દિવસે મારે ત્યાં પણ સંગીતનો જલસો રાખેલો છે.

અને જલસો ગોઠવવા માટે ફરી બચેલાં ઝવેરાત-ઘરેણાં વેચવામાં આવે છે. પિયર ગયેલાં પત્નીને પાછી આવી જવા સંદેશો મોકલે છે. જલસાઘર ઝગમગી ઊઠે છે. ઉસ્તાદ વજીરખાનનું ગાન ચાલે છે. વિશ્વંભર રાય અને શ્રોતાઓ દાદ આપે છે. ત્યાં બહાર આંધીતોફાનના અણસાર વરતાય છે. રાય જુએ છે : દારૂની પ્યાલીમાં એક જીવડું તરફડે છે. એમને ભાવિ અનિષ્ટની આશંકા આવે છે. હજી એમનાં પત્ની અને પુત્રની નૌકા આવી નથી. એ જલસા વચ્ચેથી બહાર આવે છે ત્યાં સમાચાર મળે છે : ગંગાના પ્રવાહમાં વ્રજરાણીનો બજરો (નૌકા) વમળમાં ફસાતાં ડૂબી ગયો છે. એકમાત્ર પુત્રની લાશ મળી છે. વ્રજરાણીનો પત્તો નથી. વિશ્વભર ભાંગી પડે છે.

બસ એ દિવસથી જલસાઘર બંધ છે. એકાકી વિશ્વંભરને સૌ છોડી ગયા છે. બે ચાકર છે. તેમનો સફેદ ઘોડો તોફાન છે અને અસ્ત થયેલી જમીનદારીના પ્રતીકરૂપ હાથી છે.

ત્યાં મહિમ આવે છે. વિશ્વંભર એ વખતે છત પર એકલા બેઠા છે. (પ્રથમ દૃશ્ય સાથે હવે ઘટના જોડાય છે.) મહિમે બાઈજીનું કથક નૃત્ય રાખ્યું છે. (મૂળ વાતમાં તો એ બાઈજી એટલે એક વખતની વિશ્વંભરની જ ‘બાઈજી’-ઉપવસ્ત્ર.)

વિશ્વભરનું અભિમાન ઘવાય છે. એમને થયું કે, જે કંઈ બચ્યું છે તે ખર્ચી એક જલસો ગોઠવવો. ખાલી કોષમાંથી રહ્યાં-સહ્યાં ઘરેણાં ઊપડી જાય છે. જલસાઘર ફરીથી સજાવાય છે. દીવાઓ ઝળહળી ઊઠે છે. બાઈજી આવે છે, નૃત્ય થાય છે. અનેક આમંત્રિતોમાં એક મહિમ ગાંગુલી પણ છે. એ પોતાની સોનામહોરોની કોથળી લઈને બેઠો છે. વિશ્વંભર તોલભરી આંખે નાચ જુએ છે. નાચ પૂરો થતાં મહિમ કોથળી બાઈજી આગળ ફેંકવા તત્પર થતાં વિશ્વંભર પોતાની છડીની વાંકી મૂઠથી એના હાથને રોકે છે. (અદ્‌ભુત દૃશ્ય) અને પોતાની પાસેથી છેલ્લી સોનામહોરની કોથળી બાઈજીને આપે છે, આમ મહિમનો સભા વચ્ચે માનભંગ કરી, વિશ્વંભર જાણે મનોમન ખુશ થાય છે અને શરાબના ઘૂંટ પર ઘૂંટ પીએ છે. સભા પૂરી થાય છે. સવાર પડવામાં છે. નશામત્ત વિશ્વંભર પોતાનો ઘોડો તૈયાર કરવા કહે છે. પછી ઘોડેસવારના પોશાકમાં ઘોડા પર બેસી હવેલી બહાર ગંગા કિનારે ઘોડાને દોડાવી મૂકે છે. અસ્ત થતા દીવાનો છેલ્લો ચમકારો.

કિનારે અવળી પડેલી નૌકાથી ઘોડો ભડકે છે. વિશ્વંભર ઘોડા પરથી પડી જાય છે, એમનો શિરપેચ ઊકલી જાય છે. નીચે પડેલા વિશ્વભર પાસે એમના બે ચાકરો પહોંચી જાય છે. મૃત વિશ્વંભરને મોઢે લોહી નીકળી આવ્યું છે. એ જોઈ અનંત ગભરાટથી બોલે છે : “રક્ત!” અને એમના દેહ પર ઢળી કલ્પાંત કરે છે.

વિશ્વંભરની નસોમાં રાયવંશનું ‘રક્ત’ વહે છે એવા અગાઉના ‘રક્ત’ શબ્દના ઉલ્લેખ સાથે આ ‘રક્ત’નો સંદર્ભ આપણા મનમાં અદ્‌ભુત રીતે ગોઠવાઈ જાય છે – એમાં ફિલ્મનિર્દેશકની કલાદૃષ્ટિનો વિજય છે.

[પ-૪-૧૯૯૨]