ચિત્રકૂટના ઘાટ પર/પિરવી અને...
અમદાવાદમાં સપ્ટેમ્બરની ૧૨મીથી ૨૭ તારીખ સુધીમાં આયોજિત ફિલ્મોત્સવમાં ૧૪ ફિલ્મો બતાવવામાં આવી હતી. એ બધી જ ભારતીય ફિલ્મો હતી, વળી એ ફિલ્મો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પુરસ્કૃત અને પ્રશંસિત હતી.
દિગ્દર્શકોમાં આપણા વિશ્વવિખ્યાત દિગ્દર્શકો સત્યજિત રાયથી માંડી શ્યામ બેનેગલ, અડૂર ગોપાલકૃષ્ણન, અરુણ કૌલ, એ. કે. બીર, જાહનુ બરુવા, સઈદ અખ્તર મિરઝા, વિપ્લવ રાય જેવાં કેટલાંક વિશેષ જાણીતાં તો કેટલાંક અલ્પ કે અપરિચિત એવાં નામ પણ હતાં.
બંગાળી, હિન્દી, ગુજરાતી, ઓડિયા, મણિપુરી, અસમિયા, તેલુગુ, મલયાલમ જેવી ભારતીય ભાષાઓમાં ઊતરેલી આ ફિલ્મો સાથે શ્યામ બેનેગલે ઉતારેલી ‘ધ મેકિંગ ઑફ ધ મહાત્મા’ જેવી અંગ્રેજી ફિલ્મ પણ હતી.
આ બધી – ચૌદેય ફિલ્મો તો જોઈ શકાઈ નહીં, પણ મેં જે સાત ફિલ્મો જોઈ, એથી એક વાતની તો પ્રતીતિ થઈ કે સાહિત્યક્ષેત્રે ભલે સલમાન રશદી જેવાને ભારતીય ભાષાઓમાં કોઈ ઉત્તમ રચના ન જડી. હોય, પણ ફિલ્મ ક્ષેત્રે ભારતના આ દિગ્દર્શકોએ વિશ્વભરમાં માન મુકાવે એવી સિદ્ધિ હાંસલ કરી છે.
ના, હોલીવૂડ કે બોલીવૂડની કરોડોના બજેટવાળી વિખ્યાત સિનેતારકો કે તારિકાઓવાળી ફિલ્મોની અહીં કશી સરખામણી નથી. સસ્તા મનોરંજનની ઉત્તેજના અહીં નથી. અંગ-ઉપાંગોના પ્રદર્શન કરતાં નાચગાન કે હિંસાભર્યાં દૃશ્યોવાળી ક્રાઈમ થ્રિલરની તો વાત જ કરવાની
ન હોય. એ બધી લોકપ્રિય ફિલ્મો કેટલી છીછરા પાણીમાં છબછબિયાં કરતી, વાસ્તવિકતાની પ્રવંચના કરતી, તે તો સુરુચિવાન પ્રેક્ષક સમજી જાય છે. વળી, આજકાલ ટી.વી.ના નાના પરદા પર દેખાડાતી ઉચ્ચ સોસાયટીના તથાકથિત કારનામાઓની અવાસ્તવિક સિરિયલોથી પણ અત્યંત ભિન્ન છે.
આ ફિલ્મોત્સવમાં પ્રદર્શિત ફિલ્મોમાં સૌથી મોટી વાત એ લાગી કે, લગભગ દરેક ફિલ્મ આપણા તળભારતની છાપ ધરાવે છે. છેક પૂર્વાંચલની મણિપુરી ભાષાની હોય કે અસમિયા ભાષાની ફિલ્મ હોય –
એ ત્યાંની જમીનની ફિલ્મ છે, ત્યાંની સંસ્કૃતિની ફિલ્મ છે. આ બધી ફિલ્મો એક રીતે તથાકથિત ગ્લેમર વિનાની છે અને એ જ તો એમની વિશેષતા છે. એમાં ગ્લેમર લાવી શકાય એમ પણ નથી, કેમ કે ફિલ્મોએ જે સમાજની એ છબી ઉતારી છે તે મોટેભાગે નિમ્ન-મધ્ય વર્ગ કે છેવાડાનો સર્વહારા કે અલ્પસાધન સમાજ છે.
ફિલ્મોત્સવમાં છેલ્લી ફિલ્મ જે ૨૭મી તારીખે જોઈ, તે હતી ‘પિરવી.’ મલયાલમ ભાષાની એ ફિલ્મ. એના દિગ્દર્શક શાજી. એ નામ પહેલી વાર સાંભળ્યું. પિરવીનો અર્થ તો ખબર નથી, પણ કેરળના દરિયાકિનારાના બૅક વૉટર્સના વિસ્તારના એક ગામડાના એક પરિવારની કરુણાન્તિકા આપણને હચમચાવી જાય છે, આપણને અંદરથી બેચેન કરી દે છે. ત્રણ જ પાત્રોઃ વૃદ્ધ અશક્ત પિતા, મોતિયો આવવાથી ઝાંખ વળેલી દૃષ્ટિવાળી એવી જ અથર્વ મા અને એમની દીકરી શિક્ષિકા માલતી. પણ વાત તો રાજધાની ત્રિવેન્દ્રમમાં એન્જિનિયરિંગમાં ભણવા મોકલેલા દીકરા રઘુની અને આ બૂઢા બાપની – પુત્રપિતાની – માત્ર દૈહિક સંબંધોથી પર એવી કશીક પારસ્પરિક માયાની છે. પિતાને મન પુત્ર શું છે? માત્ર વૃદ્ધાવસ્થામાં ભરણપોષણ કરનાર?
ફિલ્મ શરૂ થાય છે ત્યારે નાવડામાં બેસીને બૂઢો બાપ સામે પાર સાંજે માત્ર એક વાર આવતી બસના થાનકે જાય છે. રઘુની પરીક્ષા પૂરી થઈ છે અને એ આવવાનો છે. માલતીના વિવાહનો પ્રસંગ એના આવ્યા પછી ઉકેલવાનો છે. સમુદ્રકાંઠાનું ગામ, દરિયાઈ તોફાન અને ધોધમાર વરસાદ, છેલ્લા ઉતારુના ગયા પછી પણ ડોસાને થાય છે : રઘુ હજી હશે. પણ નથી. બીજો દિવસ, ત્રીજો દિવસ, રઘુ આવતો નથી. એનો સહાધ્યાયી આવી ગયો, પણ ડોસાને એ ચોખ્ખો જવાબ આપતો નથી
કે, “રઘુ ક્યારે આવશે?”
કેરળનું એક ગામ, ગામમાં એક આ જર્જરિત ઘર, એમાં આ પરિવારનાં ત્રણ જણ રઘુની રાહ જુએ છે. દરિદ્રતા છે, પણ અહીં દરિદ્રતાની વિવશતા બતાવવાનો દિગ્દર્શકનો આશય નથી. ત્યાં ખબર પડે છે કે રઘુને તો પોલીસે ગિરફતાર કર્યો હતો. પછી શું થયું એની ખબર નથી પડતી. છેવટે ડોસા ત્રિવેન્દ્રમ શહેરમાં જાય છે, રાજ્યના ગૃહપ્રધાનને મળે છે. એ પ્રધાનને ભણાવવામાં એક કાળે આ કુટુંબે મદદ કરેલી. એટલે પ્રધાન એની વાત સાંભળે છે, પણ દિલ્હી જવાની ઉતાવળમાં પોલીસ ઑફિસર પર પત્ર લખી આપે છે, રઘુની તપાસ માટે.
ઈન્સપેક્ટર જનરલ કહે છે કે રઘુને તો પકડવામાં જ નહોતો આવ્યો. થોડા વખતમાં ઘેર આવી જશે. ભોળિયા ડોસા એની વાત માની ઘેર આવે છે, પણ પછી માલતી પોતાના ભાઈની હોસ્ટેલમાં જઈ એના સહાધ્યાયીઓને પૂછી માહિતી મેળવે છેઃ ગૃહમિનિસ્ટરની મિમિક્રી કરવા માટે રઘુને પકડી લોકઅપમાં પૂરવામાં આવ્યો હતો અને એના પર દમન ગુજારવામાં આવ્યું હતું. પણ પછી શું થયું? કાંઈ ખબર નથી. (કટોકટીના શાસનકાળના દિવસો હતા!) રઘુનું નામ જ પોલીસ દફતરે નહોતું.
દિગ્દર્શક ક્યાંય અતિરંજિતાનો આશરો લેતા નથી. માલતી હૉસ્ટેલનો ભાઈનો રૂમ ખોલાવે છે. તેમાં અધૂરો લખેલો એક પત્ર છે. એમાં ઘેર આવવાની વાત લખી છે. માની આંખો માટે સારા દાક્તરને બતાવવાની વાત પણ લખી છે. માલતી કબાટ ખોલીને જુએ છે, તો વૃદ્ધ પિતાની તસવીર એમાં રાખેલી છે. માલતી બધું સમજી જાય છે. પણ પિતાને તો હજી આશા છે કે રઘુ આવશે. બસસ્ટેન્ડ પર જઈ એ રાહ જુએ છે; વળી વરસતા વરસાદ-તોફાનમાં નાવમાં બેસી પાછા આવે છે – અને લપસી પડતાં હોડીવાળો એમના હાથ પકડી ઊભા કરી ટેકો આપી ચલાવે છે. એમને લાગે છે કે એ તો રઘુએ જ એમને ટેકો આપ્યો છે. “મને હતું કે તું આવીશ જ, તું આવ્યો ખરો, દીકરા!…”
આમ, વાતની રૂપરેખા આપવાથી આ ફિલ્મના પ્રભાવનો શતાંશ પણ અનુમાની શકાય એમ નથી. વૃદ્ધ પિતા અને માતાનો અભિનય કરનારની અભિનયકળાની તો શી પ્રશંસા કરવી? આખી ફિલ્મ
વ્યંજનાગર્ભ છે, એટલે આપણા ચિત્તને વધારે મથિત કરે છે, ભારતના એક ગામડાના એક પરિવારની આ કરુણાન્તિકા, કટોકટીના કાળની એક ઘટના. આવી તો કેટલીબધી ઘટનાઓ ભારતના ઇતિહાસમાં રોજેરોજ બને છે!
ઓડિયા ભાષાની ફિલ્મ ‘આદિ મીમાંસા’ પણ ઓડિસાના એક ગામના બે પાડોશીઓની છે. એક હિન્દી ભાષી બ્રાહ્મણ પરિવાર છે; અને એક ઓડિયા ભાષી પરિવાર છે. સામાજિક ભિન્નતા છતાં બન્ને પરિવાર સુખસંપથી રહે છે. ત્યાં ફાટ પડાવનાર એક વૃદ્ધા આ બે પરિવાર વચ્ચે ઝઘડો કરાવે છે ; એક કુટુંબ ત્યાંથી બીજે રહેવા જવા તૈયાર થાય છે. લારીમાં સામાન ભરાય છે. કોઈનેય ગમતું નથી, પણ કોઈ કશું બોલતું નથી. એક કિશોર પોતાના બાપને કહે છે: પપ્પા, આ લોકોને જવા દેશો નહીં. એને થાય છે કે, પોતે પણ એમ જ ઇચ્છે છે. છોકરાં તો પછી લારીમાં ભરેલો સામાન ખાલી કરેલા ઘરમાં ફરી ગોઠવવા લાગી જાય છે અને બન્ને મિત્રો વરસતા વરસાદમાં રોજની જેમ બહાર ફરવા નીકળી પડે છે.
આ છે ભારતની ઓળખ. ઓડિશાનું ગામ. અરે, ભારતનું કોઈ પણ ગામ હોઈ શકે. પડોશીભાવના. ભલે બોલાચાલી થાય, પણ ભારતીય જીવનનું એ ભાવના પણ એક અંગ છે. લડી પડતા વડીલોને છોકરાંએ કેવાં ભેગાં કરી દીધાં! પેલા વરસાદમાં આપણે પણ એ બે મિત્રો સાથે ભીંજાઈએ છીએ.
‘દિક્ષા’ હિન્દી ફિલ્મ છે. અરુણ કૌલે એનું દિગ્દર્શન કર્યું છે. એ મૂળ કન્નડા ભાષાની વાત ‘ઘટશ્રાદ્ધ’ (અનંતમૂર્તિ) પર આધારિત છે. ‘ઘટશ્રાદ્ધ’ નામે જ કન્નડામાં એની ફિલ્મ આજથી બે દાયકા પહેલાં ઊતરેલી છે. અહીં હિન્દી ફિલ્મમાં વાર્તાનો ભાર (એમ્ફેસિસ) બદલવામાં આવ્યો છે.
અહીં આપણને કર્ણાટકના અગ્રહાર બ્રાહ્મણ પરિવારોમાં ચાલતી ગુરુકુળ પરંપરાની અને એમની વિધિવિધાનવાળી રહેણીકરણીની જીવંત છબી તો મળે છે, સાથે એક યુવતી વિધવાની કરુણાન્તિકા પણ. ભારતના લેખકોએ વિધવા વિષે જેટલી કથાઓ લખી છે એટલી દુનિયામાં અન્યત્ર ભાગ્યે જ લખાઈ હશે. વિધવા સંસ્થા – ભારતની ઘોર દાંભિક ધાર્મિકતાનો અવશેષ – હજી પણ છે.
શેષાગિરિ અત્યંત વિદ્વાન આચાર્ય છે. રૂઢિચુસ્ત બ્રાહ્મણ ગામમાં એ થોડા ઉદારચિત્તવાળા હોવાથી સૌની ટીકાને પાત્ર છે. પોતાને ત્યાં કામ કરતા અછૂત કોંગાની મા મરણ પામતાં એના મોંમા તુલસીદલ મૂકવા એ કોંગાના કહેવાથી જાય છે. મરણ પામનારને મોક્ષ મળે એ માટે નહીં, પણ જીવતા માણસને સંતોષ થાય એ માટે.
એમને ત્યાં ત્રણ વિદ્યાર્થીઓ ભણે છે. એમાં એક નવો નિશાળિયો આવ્યો છે. આખી કથા એની નજરથી નિરૂપાઈ છે. વિધવા યમુના આ કિશોરને પોતાની મમતાથી આત્મીય બનાવે છે. શેષાગિરિ બહારગામ જતાં ગામનો એક શિક્ષક યમુના સાથે દેહસંબંધ બાંધે છે. યમુના ગર્ભવતી થાય છે અને એ વાત બધે ફેલાઈ જાય છે. પેલો શિક્ષક અછૂતોની વસતીમાં ગર્ભપાત કરાવા લઈ જાય છે અને પછી પોતે ગામ છોડી ભાગી જાય છે. આચાર્ય શેષાગિરિ પાછા આવે છે. હવે? બધાને હતું કે, પોતાની દીકરીને આશરો આપશે, પણ એ તો દીકરીનું ઘટશ્રાદ્ધ કરી નાખે છે. જીવતી, છતાં મૂએલી ગણી એનું પિંડદાન આપે છે! યમુના અછૂતોની વસતીમાં બેઠી છે. અને પેલા કિશોરને એનો બાપ આ ‘પતિત’ આચાર્યના ઘરમાંથી પોતાને ઘેર ખેંચી જાય છે. એની છેલ્લી રુદનભરી આજીજી પેલા અછૂત કોંગાને છે : “તું યમુનાની કાળજી રાખજે…” એની એ ચીસ પ્રેક્ષકો થિયેટરમાંથી બહાર નીકળે એ પછી પણ સંભળાયા કરે છે.
જે ફિલ્મો મને વધારે સ્પર્શી ગઈ, તેમાંની એક છે ‘નસીમ’. હિન્દી-ઉર્દૂ અર્થાત્ હિન્દુસ્તાનીમાં ઊતરેલી આ ફિલ્મના દિગ્દર્શક સઈદ અખ્તર મિરઝા છે. ૧૯૯રમાં બાબરી મસ્જિદની ઘટના બન્યા પૂર્વેના કેટલાક દિવસોની છે. નસીમ એક પંદર વર્ષની મુંબઈની અંજુમને ઇસ્લામમાં ભણતી કિશોરીની વાત છે. પણ એ દ્વારા એક સંસ્કાર સમ્પન્ન મુસ્લિમ પરિવારનાં અસુરક્ષાભાવ અને ભીતિની રજૂઆત છે.
નસીમનો ઘરમાં સંવાદ સૌથી વધારે પોતાના દાદા-અબ્બાજાની સાથે છે. એ વિદ્વાન મુસ્લિમ શિક્ષકનો પાઠ કૈફી આઝમી કરે છે. દાદા આ કિશોરીને ઉર્દૂ કવિતા અને શાયરીના વારસાગત સંસ્કાર આપવા પ્રયત્ન કરે છે. ફિલ્મની શરૂઆતમાં જ નસીમ દાદાને પ્રશ્ન કરે છે : “નસીમ કા ક્યા અર્થ હોતા હૈ, અબ્બાજાન?”
“નસીમ કા અર્થ હૈઃ સુબહ કી પ્યારી પ્યારી બયાર–” ફિલ્મમાં નસીમ ખરેખર એક પવનલહરી જેવી ચંચલ કિશોરીરૂપે આવે છે. પણ ફિલ્મમાં એ સાથે અયોધ્યામાં બની રહેલા પ્રસંગોની છાયા આ પરિવાર અને એમના સમાજમાં કેવી રીતે પડે છે એ વેધક રીતે દર્શાવ્યું છે. ભીતિના ઓળા નીચે વૃદ્ધ દાદા પોતાના જીવનના જુદા જુદા કિસ્સા કહી રમૂજ પમાડતા રહે છે. હવે હિન્દુ-મુસ્લિમ એકતાના એ કિસ્સા ઇતિહાસ બની ગયા છે. છેવટે બાબરીધ્વંસના પૂર્વના દિવસે વૃદ્ધ ગુજરી જાય છે. એમનો જનાજો નીકળે છે. ત્યારે કોઈ બોલે પણ છે : “અચ્છા વખ્ત ચૂના હૈ બૂઢે ને મરને કે લિયે–” દાદાના અવસાનથી નસીમ એકલી પડી જાય છે, જાણે કોઈ છત્રછાયા ચાલી ગઈ! એને દાદા સાથેનો સંવાદ યાદ આવે છે. દરિયાનાં મોજાંના ઘૂઘવાટ સાથે : “નસીમ કા ક્યા અર્થ હોતા હૈ અબ્બાજાન?” – “નસીમ કા અર્થ હૈ…”
આ બધી ફિલ્મો આપણને કલાત્મક પરિતોષ તો આપે છે, પણ એ સાથે ઊંડેથી હલબલાવી વિચારતા પણ કરી મૂકે છે. આપણી ઊંઘને અશાન્ત કરી મૂકે છે. આપણા ભારતને ઓળખાવવાનો આ દિગ્દર્શકોનો પ્રયાસ, એ અંગેની એમની સંડોવણી આપણી પ્રશંસા માગી લે છે.