ચિત્રદર્શનો/જગત્‌નાં સજજનો અને સજ્જનીઓને સમર્પણ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

જગત્‌નાં સજજનો અને સજ્જનીઓને

સમર્પણ

બ્રહ્મની બ્રહ્મવાડી શી ઝૂકી બ્રહ્માંડની ઘટાઃ
મહીં ગુર્જરી કુંજોની છવાઈ છબિલી છટા.

એ કુંજે પુષ્પના છોડ, પુષ્પની વેલીઓ રૂડી,
ઊગે, ને પાંગરે મ્હોરે, પ્રફુલ્લે રસપાંખડી.

લતા હિન્ડોલ ડોલન્તી, ગભીરા પુષ્પમાંડવા,
સુગન્ધે ફોરતાં, પુણ્યે-પરાગે યે જૂનાનવા.

મોંઘા જીવનસન્દેશા મ્હોરેલાં વૃક્ષવેલના,
વધાવે વિશ્વને આજે, આછું-ઘેરું મહેકતા.

એ પરાગ નથી અન્ય, ન અન્યે એ સુવાસના,
બ્રહ્માંડે બહલાતી એ બ્રહ્મની બ્રહ્મભાવના.

અહો ઓ જગના જોગી! તપસ્વી! સાધુ-સાધ્વીઓ!
બ્રહ્મપરાગ મ્હેકન્તાં મહાઆત્મન્‌ મહાશયો!

અમારાં બ્રહ્મપુષ્પોમાં બ્રહ્મગંધ હશે ઊણો :
ગૌરવી ગુર્જરોના આ સત્કારો ત્હોય સદ્‌ગુણો.