ચિત્રદર્શનો/પ્રસ્તાવના


પ્રસ્તાવના

વિવિધ પ્રસંગોએ દોરાયેલાં શબ્દચિત્રોનો આ સંગ્રહ છે. આજથી લગભગ ચાળીશેક વર્ષો ઉપર ડૉ. હરિ હર્ષદ ધ્રુવનું ચિત્રદર્શન કાવ્ય છપાયું હતું, અને રા. નવલરામભાઈએ ત્હેને વધાવ્યું હતું. આ સંગ્રહમાં કેટલાંક ઐતિહાસિક ચિત્રો છે, ને કેટલાંક કાલ્પનિક છે; કેટલાંક મનુષ્યરત્નોનાં છે, કેટલાંક પ્રસંગોનાં છે, ને કેટલાંક કુદરત કે કલાની વિશેષતાનાં છે. રળિયામણી ગુજરાત અને ગુણવન્તાં ગુજરાતીઓને સદાનાં ગૌરવશાળી કરનારુંયે આ સંગ્રહમાં થોડું નથી. આ લેખમાલામાં કેટલુંક નથી ત્હેને માટે હું દિલગીર છું. સ્વ. જમનાબ્હેન સક્‌કઈ તથા પ્રો. ગજ્જર એ સ્નેહીઓે ને ગુર્જરરત્નોનાં દર્શન આ દર્શનાવલિમાં નથી. ગુજરાત-મુંબઈના ઉદ્યોગવ્યાપારના વડીલ ને અમદાવાદના રણછોડલાલ ‘ર્‌હેંટિયાવાળા’ અને પ્રેમશૌર્યની હાકલ વગાડનાર વીરપુરુષ નર્મદનાંયે ચિત્રો આમાં નથી. એ નથી તે મ્હને તો ઉણપો લાગે છે. આવાં શબ્દચિત્રોના આલેખકોએ એક સાવચેતી રાખવાની હોય છે, ને આમાં એ કેટલી સચવાઈ છે તે મ્હારે પારખી ક્‌હેવાનું નથી. રંગચિત્રની પેઠે શબ્દચિત્રે સાચ્ચું જ હોવું જોઈએ; સ્નેહને લીધે સત્યદર્શનમાં દૃષ્ટિવિકાર ન જ થવો જોઈએ. ન હોય તે નિરખાવું ન જોઈએ, કે હોય તે પરગુણપરમાણુનો પર્વત ન થવો જોઈએ. નયનની સ્વચ્છતા ને વિવેકનાં માપ સાચવતાં યે કેટલીક વેળા ઈતિહાસનાં તેજકિરણો એવાં વરસતાં હોય છે કે ચોક્‌ખી ને સાવચેતીવાળી આંખને યે ઝાંઝવાનાં દર્શન થાય છે. કેટલાક સાહિત્યરસિકો તો કવિતાની ટૂંકી વ્યાખ્યા જ શબ્દચિત્રને કહે છે. એ વ્યાખ્યા એકદેશી છે, સર્વદેશી કે સત્ત્વદર્શી નથી. કેટલાકનો વળી એવો યે અભિપ્રાય હોય છે કે સાહિત્યકારે માનવકથા ન ગાવી જોઈએ. આ અભિપ્રાયે ઉપછલ્લો છે, તત્ત્વપારખુ કે મનનશીલ નથી. મનુષ્યની કુદરતની કલાની પ્રસંગની વિશેષતાનાં, જગન્નાથ પંડિતના શબ્દોમાં ‘લોકોત્તર રમણીયતા’ નાં, ગુણકીર્તન કોઈ સાહિત્ય-ઉપાસક જેટલે અંશે ગાય તેટલે અંશે પ્રભુની જ પ્રગટ પ્રભુતાનાં તે ગુણકીર્તન ગાય છે. એ સહુ પ્રભુની જ વિધવિધ વિભૂતિઓ છે એવું ગીતાજીનું વચન છે :

यद्यद्विभूतिमत्सचं श्रीमदूर्जितमेव वा ।
तत्तदेवावगच्छ त्वं मम तेजोंઽशसंभवम्‌ ।।

ન્હાનાલાલ દલપતરામ કવિ